Archive for October 20, 2023

‘ ૨૯ ફેબ્રુઆરી’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘ ૨૯ ફેબ્રુઆરી’

અમદાવાદની ‘ક્રાઉન પ્લાઝા’ના બૅક્વિટ હૉલમાં ઉમંગની છોળ ઉડતી હતી. એ.જી.હાયસ્કૂલની ૨૦૧૦ની બેચના વિદ્યાર્થીઓની પાર્ટી હતી.

૨૦૦૦ પછી તો સૌ કોઈ અલગઅલગ ક્ષેત્ર અને અલગઅલગ દેશોમાં ગોઠવાઈ ગયાં હતાં.

ભલું થજો આ વ્હોટ્સેપનું જેનાં થકી છેલ્લા પાંચ-સાત વર્ષથી ફરી એકવાર સૌ સંપર્કમાં આવ્યાં.

કૉલેજ પૂરી કરીને વિદેશ સેટલ થઈ ગયેલો અખિલ આજે ૧૩ વર્ષે અમદાવાદ આવ્યો હતો. વ્હોટ્સેપ ગ્રુપમાં એ હતો ખરો પણ, એક માત્ર જય સિવાય કોઈની સાથે સીધા સંપર્કમાં નહોતો. હા, કોઈના જન્મદિવસે કે ખાસ પ્રસંગ પર શુભેચ્છાની સાથે ફૂલોનું ઈમોજી જરૂર મોકલતો.

વ્હોટ્સેપ ગ્રુપના મૌનીબાબા જેવા અખિલને મળીને એની સાથે ઢગલાબંધ વાતો કરવા સૌ ઉત્સુક હતાં, સૌથી વધુ ઉત્સુક હતી સુરભી.

કૉલેજમાં બંને એકબીજાને ખૂબ પસંદ કરતાં. સુરભીની જેમ સૌને વિશ્વાસ હતો કે, યોગ્ય સમયે બંને પરણશે.

પણ, એવું ન બન્યું. અખિલ અમેરિકા ચાલ્યો ગયો. કોઈનેય મળ્યા વગર, કોઈનેય જણાવ્યા વગર. સુરભીને પણ નહીં.

આજે વર્ષોથી બંધ પડેલું ઘર, જમીન વેચીને અમદાવાદ સાથે જોડાયેલી રહીસહી યાદોથી મુકત થવા આવ્યો હતો. અમદાવાદ આવીને માત્ર જયનો સંપર્ક કર્યો.

જયની જીદને માન આપીને પહેલી અને છેલ્લી વાર જૂના મિત્રોને મળવા આવ્યો.. ઉમળકા વગર સાવ ઔપચારિકતા કે ખપ પૂરતું સૌને મળીને સૂપ લઈને સાવ ખૂણાનાં ટેબલ પર જઈને બેઠો.

“હાય અખિલ.” સામે સુરભી હતી.

ઠીક તો છું ને? ઠીક જ હોઈશ પણ, તને જોઈને લાગે છે કે તું ક્યાંક તારી જાતને ખોઈ બેઠો છું. જે અખિલને જાણતી હતી, ઓળખતી હતી એ તો જાણે બીજો જ અખિલ હતો નહીં?” સુરભીના ચહેરા પર અકળ ભાવ હતા.

સુરભીને મળવાનું થશે એવી અખિલેની ખાતરી હતી. જે રીતે એ સુરભીને મળ્યા વગર, જણાવ્યા વગર ચાલ્યો ગયો હતો એનાથી સુરભી અત્યંત નારાજ હશે એ જાણતો હતો. મળશે ત્યારે કેટલાય સવાલોના જવાબ આપવા પડશે, કેટલાય ખુલાસા કરવા પડશે એની માનસિક તૈયારી રાખી હતી. એનાં બદલે સુરભી તો એની ખેરિયત પૂછતી હતી!

એ બઘવાઈ ગયો. અઘરા પ્રશ્નપેપરની તૈયારી કરીને આવ્યો હોઅને એકડિયામાં પૂછાય એવા સવાલનો જવાબ શું આપે?

“અં…હા, ઠીક છું અને તું?”

“હું એકદમ મઝામાં છું, પણ ઠીકની વ્યાખ્યામાં બંધ બેસે તારું વર્તન એવું ન લાગ્યું.” સુરભી હસી પડી.

“અખિલ, અહીં મળ્યાં છે એ આપણાં મિત્રો છે. એમનાથી સાવ આમ અલગ બેસીને તું શું સાબિત કરવા માંગે છે?”

“સમજ્યો નહીં.” અખિલના ચહેરા પર મૂંઝવણ હતી.

સમજ્યો નહીં કે સમજવું જ નથી?” સુરભીના અવાજમાં ટીખળ ભળી.

******

અખિલ અને સુરભી. બંને રમતિયાળ અને વાતોડિયાં. જય બંનેનો કૉમન મિત્ર. બંને વચ્ચે પાંગરતા પ્રેમનો એક માત્ર સાક્ષી.

“બંને મળો છો ત્યારે બોલવાનો વારો કોનો એ કેવી રીતે નક્કી કરો છો?” જય પૂછતો.

જેને બોલવું હોય એ આંગળી ઊંચી કરે. પહેલાં જેની આંગળી ઊંચી એનો વારો પહેલો. જોકે મારી આંગળી ટૂંકી જ પડે હોં. ગમે તે કરું પણ અખિલ જ પહેલો હોય.” નાના બાળકની જેમ સુરભી હસી પડતી.

એ અખિલ કશું જ કહ્યા વગર, સુરભીને કશું કહેવા, પૂછવા આંગળી ઊંચી કરવાની તક આપ્યા વગર જ અમેરિકા ચાલ્યો ગયો.

સોરી સુરભી, પણ આમ તને કહ્યા વગર…..”

“હું તારી પાસે કોઈ કેફિયત નથી માંગતી. માત્ર તારી ઉદાસીનો ઓળો આજે તારાં માટે મળેલાં આ મિત્રો સુધી ન પહોંચે એટલું કરે તો બસ.” કહીને સુરભી ચાલી ગઈ.

અખિલ શું કહે? એ સુરભીને કેવી રીતે સમજાવે કે, આ ઉદાસી જ એની હંમેશની સાથી છે.

પાર્ટીમાંથી છૂટાં પડતાં અખિલે એકવાર સુરભીને મળવાની ઇચ્છા પ્રગટ કરી.

******

બીજા દિવસે બંને રિવરફ્રન્ટ પર બેઠાં હતાં. સાબરમતીનાં વહેણની જેમ અખિલની લાગણી વાણીમાં વહેતી હતી. ગઈ રાતના શાંત અખિલે આંગળી ઊંચી કરીને પોતાના વારાની રાહ જોયા વગર બોલવા માંડ્યું હતું.

ગૌતમ શાહની સંપત્તિનો, ફેક્ટરીનો અખિલ એકમાત્ર વારસદાર હતો. ધંધાનો બહોળો પસારો પાથરીને બેઠેલા ગૌતમભાઈના ધંધામાં મંદી આવતાં સંપત્તિ દાવ પર લાગી. બેંકની લોન ન ચૂકવી શકવાનાં લીધે ફેક્ટરી સીલ થઈ, ઘર જપ્ત થયું. સંપત્તિ અને શાખ રોળાઈ જવાના આઘાતથી ગૌતમભાઈને મૅસિવ ઍટેક આવ્યો.

મૈત્રી કૃષ્ણ સુદામાએ કરી.. એને જીવી જાણી ગૌતમભાઈના નાનપણના દોસ્ત કાકુભાઈએ. ગૌતમભાઈની નાદારી અને નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાની સાથે કાકુભાઈ અમેરિકાથી આવી પહોંચ્યા.

ગૌતમભાઈની શારીરિક હાલત જરા સુધરે ત્યાં સુધીમાં બેંકની લોન ચૂકતે કરી ઘર અને ફેક્ટરી છોડાવીને મેડિકલ ગ્રાઉન્ડ પર ગૌતમભાઈને અમેરિકા લઈ જવાની તૈયારી આદરી.

“ગૌતમ, અખિલ વિચારતો હતો ને કે, અમેરિકામાં ફેમિલી બિઝનેસમાં માસ્ટર્સ કરીને તારી સાથે જોડાય. હવે ધંધામાં બરકત રહી નથી તો માસ્ટર્સ કરીને અહીં પાછા આવવાનો શું મતલબ? અત્યારનાં સંજોગો જોતા એની પ્રગતિમાં કેટલી વીસે સો થશે એ સૌ જાણીએ છીએ. તમે બંને ત્યાં આવો. તારી ટ્રીટમેન્ટ અને અખિલનો અભ્યાસ બંને સચવાઈ જશે. મોટેલ, ગેસ- સ્ટેશન, કન્વીનિઅન્ટ સ્ટોરનો મારો બિઝનેસ અખિલ અને સોનાલી સંભાળી લે એટલે ભયોભયો. આપણે બંને મઝાથી નિવૃત્તિ માણીશું.”

“પણ….”

મને બોલી લેવા દે ગૌતમ. મારાં પેન્ક્રિઍટિક કેન્સરની આપણે વાત થઈ હતી. જ્યારે એ ડિક્ટેક્ટ થયું ત્યાં સુધીમાં અંદર લિવર સુધી ફેલાઈ ગયું. સર્જરીની કોઈ શક્યતા નથી. કીમોથેરાપી સહન નથી થતી, વળી થોડું આયુષ્ય લંબાય એ માટે યાતના સહન કરવાની ક્ષમતા નથી. છ થી નવ મહીના સુધીનો સમય છે હજુ. જો અખિલની તૈયારી હોય તો સોનાલીનો હાથ અને બિઝનેસ એને સોંપીને નિશ્ચિંત બનીને મારો છેલ્લો સમય તારી સાથે જીવી લેવા માંગું છું. બિઝનેસ કરતાંય મા વગરની મારી સોનાલી સલામત હાથોમાં છે એ જોઈને હું નિરાંતે મરી શકીશ. જો, અખિલની મરજી હોય તો જ. અખિલ નિર્ણય લેવા સ્વતંત્ર છે. પણ, મારાં છેલ્લા દિવસો માટે મારે તારો સાથ, તારી હૂંફ જોઈએ છે. અમેરિકા જઈને લોકો તો ઘણાં મળ્યા, દોસ્ત ન મળ્યા. બે હાથ જોડું છું દોસ્ત, મારી આટલી વાત માની લે અને ચાલ મારી સાથે. તારી ટ્રીટમેન્ટ માટે, મારા માટે.”

હોસ્પિટલના બિછાને સૂતેલા દોસ્ત માટે આટલું કર્યા પછી પણ કાકુ નામનો દાતા યાચક બનીને આજીજી કરી રહ્યો હતો. કાકુભાઈનાં આંસુથી ગૌતમભાઈનો હાથ અને હૈયું ભીંજાતા હતાં.

રૂમમાં પ્રવેશવા જતો અખિલ બારણે જ અટકી ગયો.

પછીની ઘટનાઓ ખૂબ ઝડપથી બની ગઈ. મેડિકલ ગ્રાઉન્ડ પર ગૌતમભાઈને અને એમની સારસંભાળ અર્થે અખિલને વીઝા મળી ગયા. અખિલે સંજોગ સાથે સમાધાન કરી લીધું. પિતૃઋણ ચૂકવતો હોય એમ માસ્ટર્સ ડીગ્રી લેવાનું માંડી વાળીને સોનાલી સાથે લગ્ન કરી લીધા.

બંનેએ કાકુભાઈનો બિઝનેસ સંભાળી લીધો.

કાકુભાઈના અંતિમ દિવસો સખત પીડાજનક હતા. છતાં, ડૉક્ટરોએ આંકેલી આયુષ્યરેખાની અવધિ પૂરી થાય એ પહેલાં ગૌતમભાઈના ખોળામાં છેલ્લો શ્વાસ છોડ્યો ત્યારે એમના ચહેરા પર નિતાંત શાંતિ, સંતોષ હતાં.

‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ

ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ’

અખિલ અને સોનાલીએ કાકુભાઈની અંતિમવિધી આટોપી. થોડા સમય પછી ગૌતમભાઈએ પણ ચિરવિદાય લીધી.

આમ તો અખિલ માટે સોનાલી સાથેનો સંબંધ સમાધાન ખાતર સ્વીકારેલો સંબંધ હતો, પણ સરળ, સ્નેહાળ પ્રકૃતિની સોનાલી ગમવા માંડી.

ક્યારેક એને સુરભી તીવ્રપણે યાદ આવતી. સોનાલીમાં સુરભી શોધવા મથતો પછી સમજાયું કે, સુરભી વાસંતી વાયરો હતી. સોનાલીમાં પહેલાં વરસાદની ભીની માટી જેવી મહેક હતી જે ધીરેધીરે એના મનને તરબતર કરતી ગઈ.

******

“સુરભી, હું અહીં જે રીતે તને છોડીને ગયો હતો એનો ગિલ્ટ મને ખૂબ અજંપ રાખતો. તારો અપરાધ કર્યો હોય એવું સતત અનુભવતો. પપ્પાની તબિયત અને કાકુકાકાની અંતિમ ઇચ્છાને લીધે જ અમેરિકા જવાનો નિર્ણય કર્યો બાકી તકલીફો સામે સંઘર્ષ કરી લેવાની તાકાત હતી મારામાં.

“કાકુકાકાએ અમારો કપરો સમય સાચવી લીધો ત્યારે એમના પર માન થયું, પણ એથી કરીને અમેરિકા જવાનો નિર્ણય ન લેત. એમણે એમના અંતિમ સમયે પપ્પાનો સાથ, હૂંફ માંગી ત્યારે મને મારી જવાબદારી સમજાઈ. જે આત્મકેન્દ્રિ બનાવે તો એ પ્રેમ નહીં મોહ કહેવાય. એક બાજુ તું હતી, બીજી બાજુ પપ્પા અને કાકુકાકા હતા.

“જે વ્યક્તિએ પપ્પા માટે આટલું કર્યું હોય ત્યારે એમના માટે મારે જે કરવું જોઈએ એ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં સોનાલી માટે માત્ર અનુકંપા હતી. પપ્પા આઈ.સી.યુ.માં હતા ત્યારે એકલા પડી જવાના વિચારથી હું ભયભીત થઈ જતો એટલે પપ્પાને ગુમાવી દેવાની એની પીડા કેવી હશે એ સમજાતું.

“તને ભૂલીને સોનાલીને અપનાવી શકીશ કે કેમ એ વિચારોમાં રાતોની રાતો જાગ્યો છું, પણ અંતે સોનાલીના સ્વભાવને લીધે એની સાથે રહેવાનું સરળ બન્યું. સોનાલીને અમેરિકાની હવા જરાય સ્પર્શી નહોતી. મારાં પપ્પાની પણ એણે ખૂબ કાળજી લીધી છે. આ જમાનામાં કાકુકાકા કે સોનાલી જેવી વ્યક્તિઓ જીવનમાં આવી એ મારું સદ્ નસીબ.

“જે કોઈ મારી નજીક આવ્યું છે એ થોડા સમયમાં અઢળક આપીને ગયું છે. પપ્પા પછી કાકુકાકા અને છેલ્લે સોનાલી…..

“આજે ગાડીનો એ જીવલેણ અકસ્માત યાદ આવે છે તો ભયથી કાંપી જઉં છું. સોનાલી તો ગાડીમાં જ…..

“પાંચ મહિનાની પ્રેગનન્સી હતી. ચેકઅપ માટે જતી હતી. રોંગ સાઇડથી સ્પીડમાં આવેલી કાર ઠોકાઈ, કારની સીટ અને સ્ટિયરિંગ વ્હીલ વચ્ચે ફસાયેલી સોનાલીને કારમાંથી બહાર કાઢવી…..

“સોનાલી અને પેટમાં આકાર લેવા માંડેલું બચ્ચું…બંને ગુમાવી બેઠો.

“તું પૂછતી હતી ને કે, કેમ આટલો અતડો, કેમ સૌથી દૂરદૂર રહું છું? હવે કોઈની નજીક જઈને કે કોઈને નજીક આવવા દઈને એમને ગુમાવી દેવા નથી. તું દૂર છું, સલામત છું એ મોટું આશ્વાસન છે. અહીંનું કામ આટોપીને બને એટલો જલદી ચાલ્યો જઈશ. જય આ બધું જાણે છે. કોઈનેય આ વાત નહીં કરે એવી એની પાસે ખાતરી માંગી હતી.”

****

“બોલી લીધું? હવે મારો વારો.” સુરભીએ હસીને આંગળી ઊંચી કરી. અખિલના મન પરનો બોજો ઉતરી ગયો હતો.

“અખિલ, તારી વાત સાંભળી લીધી. સમજાય છે કેવા કપરા સંજોગોમાં તારે નિર્ણય લેવો પડ્યો હશે, પણ એકવાર…….એકવાર મને મળ્યો હોત તો તું મન પર કોઈ જાતના ભાર વગર જઈ શક્યો હોત. આપણો પ્રેમ ફટકિયા મોતી જેવો નહોતો, જે જરા અમસ્તો ઘા પણ ન ઝીલી શકે કે સમય જતાં તૂટી જાય. આપણો પ્રેમ તો જીવનભર સાથ નિભાવે એવાં સાચાં મોતી જેવો. જ્યાં જાય ત્યાં ઝળકી ઊઠે.

“એક વાત કહું? જીવનમાં સુખદુઃખની આવનજાવન રહેવાની. તું જે રીતે ચાલ્યો ગયો ત્યારે હું સાવ હતાશ થઈ ગઈ હતી. ભાંગી પડી હતી. જયે મને સાચવી લીધી. જય ન હોત તો કદાચ…..

“પણ જવા દે, આજે એ વાતો નથી કરવી. પીડાનાં પોટલાં છાતીએ ન બાંધી રખાય.

“યાદ છે, ટ્રેનની સફરમાં વચ્ચે નદી આવે ત્યારે એનાં વહેતાં પાણીમાં આપણે પૈસા નાખતાં? એમ જીવનસફરમાં સમયનાં વહેણમાં આપણી વ્યથાઓ વહાવતાં જવાનું હોય.

“તારાં સંજોગોની જાણ થઈ પછી જયે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અધૂરા પ્રેમની વ્યથામાં જીવવવાનાં બદલે જય મળ્યો એને સદ્ નસીબ માન્યું.

“જય તારી વાત જાણતો હતો અને કોઈનેય તારી વાત નહીં કરે એવી તેં એની પાસે ખાતરી માંગી હતી એમ મારી હતાશામાંથી મને જયે જે રીતે બહાર આણી એ તને નહીં કહેવાની મેં ખાતરી માંગી હતી. જોકે, જય માટે હું કોઈ નહોતી રહી. તારાં માટેની ગેરસમજ દૂર થાય એટલા માટે મને તારી બધી વાત કરી હતી.

“અખિલ. તારો જન્મ ૨૯ ફેબ્રુઆરીનો. દર ચાર વર્ષે તારો જન્મદિન પપ્પા કેટલી સરસ રીતે ઉજવતા!? પણ, દર વર્ષે જન્મદિન ન ઉજવી શકવાની અકળામણમાં તું એય માણી શકતો નહોતો.

“તને જે નથી મળ્યું એ યાદ રાખવાના બદલે જે મળ્યું એમાંથી મનનું સમાધાન શોધીને સંતોષ અને અનંદ માણતા શીખ. માત્ર શું ગુમાવ્યું એ યાદ રાખવાના બદલે શું મળ્યું એ યાદ રાખ્યું હોત તો તું આટલો ઉદાસ ન હોત. તેં કહ્યું ને કે, કાકુકાકા કે સોનાલી જેવી વ્યક્તિઓ તારાં જીવનમાં આવી એ તારું સદ્ નસીબ. તો કાકુકાએ તારાં પપ્પા માટે જે કર્યું, સોનાલીએ તને નિસ્વાર્થ પ્રેમ કર્યો એ યાદ રાખીને જીવી જો. જીવ્યું સાર્થક થશે.

“અને હા, ચાર વર્ષે ૨૯મી ફેબ્રુઆરી આવે ત્યારે પપ્પાને યાદ કરીને તારો જન્મદિન મનાવવાનું ન ભૂલતો.

“આજે મળ્યાં, કાલે મળીશું કે નહીં એની ખાતરી નથી. હંમેશાં ખુશ રહીશ તો અમને ગમશે. ચાલ આવજે.”

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

October 20, 2023 at 2:46 pm


Blog Stats

  • 150,871 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!