Posts filed under ‘Rajul’
આન્યા મૃણાલ -પ્રકરણ-૩/ રાજુલ કૌશિક
મૃણાલ પણ ક્યારેક આન્યા જેવી જ અને આન્યા જેવડી જ હતીને? કેટલુ સુંદર બાળપણ એ જીવી હતી? શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફની એક માત્ર દીકરી મૃણાલ. નાનકડો પણ હર્યોભર્યો સંસાર.
પતિ-પત્ની વચ્ચે સ્નેહ સાયુજ્ય કોને કહેવાય એ તો શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફને જેણે જોયા હોય એ જ કહી શકે. શ્રીકાંત અને ગાયત્રી હંમેશાં માનતાં કે લગ્ન જીવનમાં સંબંધની સુંદરતા એમાં છે કે જ્યારે સાચા અર્થમાં પતિ–પત્ની એક બની રહે. પોતાની અંગત માન્યતા બીજા પર થોપવાના બદલે અન્યની માન્યતાને પ્રાધાન્ય આપે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે પ્રેમમાં પોતાની જાતને અળગી કે વેગળી રાખવાના બદલે એકબીજામાં ઓગળી જવાની તૈયારી હોય. આ માત્ર કહેવાની વાત નહોતી પણ શ્રીકાંત અને ગાયત્રીએ એને જીવનમંત્ર તરીકે અપનાવી લીધી હતી.
શ્રીકાંતે ગાયત્રીને પણ ઘરમાં અને જીવનમાં એમના જેટલો જ મહત્વનો દરજ્જો આપ્યો હતો. સ્ત્રી દાક્ષિણ્યની ભાવના માત્ર કહેવા પૂરતી સીમિત રાખવાના બદલે સાચા અર્થમાં સિદ્ધ કરી હતી અને ત્યારેજ તો ગાયત્રી કલાક્ષેત્રે આગવું નામ અને સ્થાન પામી શક્યાં હતાં. આર્ટ ગેલેરીના દરેક એક્ઝિબિશનમાં ગાયત્રીનાં પેન્ટિંગ્સ હોવા જ જોઈએ એવો હંમેંશા શ્રીકાંતનો આગ્રહ રહેતો અને એના માટે એમનો ઉમળકાભેર સાથ રહેતો. નાનકડી મૃણાલને સાચવવાથી માંડીને સ્કૂલે મોકલવાની જવાબદારી પણ એ ભારે હોંશથી ઉપાડી લેતા. નાનકડી મૃણાલને તૈયાર કરવામાં શ્રીકાંતને અનેરો આનંદ આવતો. મૃણાલની જવાબદારી મા તરીકે માત્ર ગાયત્રીની જ હોવી જોઈએ એવો ક્યારેય શ્રીકાંતે વિચાર પણ નહોતો કર્યો.
શ્રીકાંત શ્રોફ સેન્ટ ઝેવિયર્સ આર્ટ્સ કૉલેજના અત્યંત લોકપ્રિય પ્રોફેસર. આજકાલ કોને રસ છે લેક્ચર ભરવામાં? પણ જ્યારે શ્રીકાંત શ્રોફનો ક્લાસ હોય ત્યારે ભાગ્યેજ કોઈ વિદ્યાર્થી હશે કે ક્લાસની બહાર જોવા મળે. શ્રીકાંતસરના હાથમાં જે પુસ્તક આવતું એ પુસ્તકના શબ્દો જીવંત બની જતા. શ્રીકાંતસરના ઘેરા બુલંદ અવાજથી ક્લાસ રણકી ઉઠતો. ક્યારેક એ “ઝેર તો પીધા જાણી જાણી“ના સત્યકામ બની રહેતા તો ક્યારેક અચ્યુત. ક્યારેક “ગુજરાતનો નાથના “જયસિંહનો હુંકાર અવાજમાં ભળી જતો તો ક્યારેક મંત્રીશ્વર મુંજાલની મુત્સદી. જાણે પાત્રને આત્મસાત કરવાની સિદ્ધિ એમને વરી હતી. શહેરના અગ્રગણ્ય અખબારોમાં નિત આવતી એમની કોલમ કદાચ સૌથી વધુ વંચાતી કોલમમાંની એક હતી. જીવનના મર્મને એમણે સમજી જાણ્યો હતો, પચાવી જાણ્યો હતો અને એ જ સમજણ એમની કોલમમાં છલોછલ છલકાતી. એ હંમેશાં માનતા કે અજાણતા જ ખુલ્લા રહે ગયેલા દ્વારમાંથીજ સુખ પ્રવેશી જતું હોય છે. આ દ્વાર એટલે ઘરનાં જ નહી મનનાં પણ. મન મુક્ત રાખો આપોઆપ શાંતિ આવીને ગોઠવાઈ જશે.
ગાયત્રીના કેન્વાસ પર ઉભરેલા રંગો ક્યારેક શબ્દો બનીને શ્રીકાંતની કલમે વહેતા અથવા તો ક્યારેક શ્રીકાંતના શબ્દો ગાયત્રીના કેન્વાસ પર વહેતા. આવા સાહિત્ય અને કલાનો સાત્વિક સમન્વય હોય એવા ઘરમાં ઉછરેલી મૃણાલ નાનપણથીજ બીજી અન્ય છોકરીઓ કરતા જુદી તરી આવતી. ઘરઘર રમવાની ઉંમરે પણ મૃણાલે ક્યારેય ઢીંગલી માંગી નહોતી કે નહોતું ક્યારેય કિચન કૅબિનેટ માંગ્યુ.
પપ્પાને લખતા અને વાંચતા જોઈ જોઈને એ પણ પરીકથાઓથી માંડીને એક હતો રાજાની વાર્તાઓ માંડતી થઈ હતી. પણ એ બધા કરતા એને સૌથી વધુ આકર્ષતી મમ્મી. મોટા કેન્વાસના ફલક પર રંગોની છટા વેરતી મમ્મીને એ બધુ જ ભૂલીને જોયા કરતી. ઘરની આસપાસ ઊગેલાં રંગબેરંગી ફૂલો કરતાં પણ એને મમ્મીના કેન્વાસના ફલક પર દેખાતા રંગો વધુ રળિયામણા લાગતા. આભમાં દેખાતા સપ્તરંગી મેઘધનુષ્ય કરતા મમ્મીએ પાથરેલી રંગાવલીથી એનુ મન વધુ મોહી જતું.
બીજી નાનકડી છોકરીઓ જ્યારે મમ્મીની સાડી તન પર લપેટીને મોટી દેખાવાનો ડોળ કરતી ત્યારથી મૃણાલે ગાયત્રીની જેમ ઇઝલ પર કેન્વાસ ગોઠવીને પેન્ટિંગ્સ દોરતી હોય એવી કલ્પનામાં રાચવાનુ શરૂ કરી દીધું હતું.
નાનકડી હતી ત્યારથી જ પપ્પાની આંગળી પકડીને એ ગાયત્રીના પેન્ટિંગ એક્ઝિબિશનમાં જતી થઈ ગઈ હતી. આ એક અનોખુ વિશ્વ હતુ જ્યાં એની મમ્મી રાજરાણી હતી. મમ્મીની આસપાસ ફરતા ફોટોગ્રાફર અને પત્રકારોને જોઈને મૃણાલ આભી બની જતી. આમ જોવા જાવ તો ગાયત્રી રૂપાળી કહી શકાય એવી કોઈ વ્યાખ્યામાં આવતી નહોતી પરંતુ એ સ્ટાઇલ આઇકૉન હતી. સરસ મઝાની કોલકત્તી રેશમી સાડી કે ક્યારેક માહેશ્વરી સાડી.. લંબગોળ ચહેરા પર ભાલે કોરા કંકુનો મોટો ચાંદલો ગાયત્રીને ખૂબ શોભા દેતો. ગાયત્રીને ક્યારેય કોઈએ પરફેક્ટ મેચિંગમાં જોઈ જ નહોતી અને તેમ છતાં ગાયત્રી જે પહેરતી એ સ્ટાઇલ બની જતી. સાડીની અંદરની નાની અમસ્તી પ્રિન્ટ પકડીને સાડીના કોન્ટ્રાસ્ટનો એ બ્લાઉઝ લેતી અને એ બ્લાઉઝ સાથે મેચ થાય એવા નાજુક દાગીના તો હોય જ. લગભગ કપાળ પરના કોરા કંકુ સાથે એનો બ્લાઉઝ અને ઝીણા અમસ્તા દાગીના જરૂર મેચ થતા. ક્યારેય કશું પણ ગાયત્રી પહેરતી તો જાણે એના માટે જ ડિઝાઇન થયું હોય એવુ પરફેક્શન લાગતું. રેશમી એવા કોરા વાળને એ જરા અમસ્તા ઓળીને હાથથી જ ઢીલો અંબોડો વાળી લેતી. ક્યારેક એ અંબોડો છૂટી જાય તો ફરી એ જ બેફિકરાઈથી વાળી લેવાની એની સ્ટાઇલ તો મૃણાલને એટલી ગમતી કે એના જરા અમસ્તા વધેલા વાળને પણ ગાયત્રીની જેમ ઓળવા અને બાંધવા મથતી. ક્યારેક ગાયત્રી ચૂડીદાર પર લગભગ પગની પાનીથી વ્હેંત અધ્ધર રહે એટલી લંબાઈ ધરાવતું અનારકલી જેવુ પંજાબી પહેરતી. સરસ મઝાના સિલ્કના પંજાબી પર એ એકદમ ભરચક વર્કવાળો દુપટ્ટો નાખતી અને ત્યારે એના કાળા ભમ્મર જેવા રેશમી વાળ છૂટા લહેરાતા મૂકી દેતી. ઉંમર કરતા દસ વર્ષ નાની લાગતી ગાયત્રી તો મૃણાલને બહુ ગમતી.
આ દુનિયા મૃણાલને અજાયબ લાગતી. પપ્પા પણ કેવા બધા સાથે સરસ મઝાની રીતે વાત કરતા? પપ્પા સાથેની વાતોમાંય લગભગ મમ્મીની પ્રસંશા જ સાંભળવા મળતી. અફસોસ આજે ય તો એ વાતનો રહ્યો કે આવું તો ક્યારેય પોતાની સાથે થયુ જ નહીં.
શ્રાવણ મહિનાના તહેવારોમાં શ્રુતિ, શાલ્વી કે શૈલીને એમની મમ્મી સાથે વાર તહેવારે મંદિરે જતા જોયા હતા. મૃણાલ સમજણી થઈ ત્યારથી મમ્મી માટે તો આર્ટ ગેલેરી જ મંદિર હોય એવો ભક્તિભાવ મમ્મીની નજરોમાં જોયો હતો.
શ્રુતિની મમ્મી કહેતી “ જયા પર્વતીનુ વ્રત કરીએ ને તો રાજાના કુંવર જેવો વર મળે.”
પપ્પાનો મમ્મી તરફનો પ્રેમ જોઈને એ ગાયત્રીને હંમેશાં પૂછતી “ હેં મમ્મી તેં પણ જયા પાર્વતીનું વ્રત કર્યુ જ હશે ને?”
ગાયત્રી હસી પડતી અને પુછતી “તારે કરવું છે જયા પાર્વતીનુ વ્રત? તારે જોઈએ છે રાજાના કુંવર જેવો વર?”
પણ ના ! મૃણાલ જેમ જેમ મોટી થતી ગઈ એમ એને હંમેશાં પરીકથામાં આવતા પાંખાળા ઘોડા પર સવાર રાજકુમારના બદલે એને આર્ટ ગેલેરીમાં મમ્મીના ઇન્ટરવ્યુ લેતા જર્નાલિસ્ટમાં વધુ રસ પડતો ગયો. નવોદિત કલાકારો જે અહોભાવથી ગાયત્રીના ચિત્રો સમજવા પ્રયત્ન કરતા એનાથી મૃણાલને મમ્મીમાં વધુને વધુ રસ પડવા લાગ્યો હતો અને મનોમન નક્કી કરી લીધું હતું કે એ પણ મમ્મી જેવી સફળ આર્ટિસ્ટ બનશે. એક દિવસ એનીય પાછળ ફોટોગ્રાફર અને પત્રકાર ફરતા હશે. કેમેરાની ફ્લેશ ઝબૂક ઝબૂક થતી હશે અને એ પણ મમ્મીની માફક ઇન્ટરવ્યુ આપશે જે મૃણાલના ફોટા સાથે અખબારની શોભા બનશે. દિવાસ્વપ્નમાં રાચતી મૃણાલ પોતાની જોડે એક એવી વ્યક્તિની કલ્પના કરી લેતી જે પપ્પાની જેમ જ સમજદાર હોય. પપ્પા જેમ મમ્મીનો આધાર સ્તંભ બની રહ્યા હતા એમ જ એ પણ મૃણાલની સફળતાનો આધાર સ્તંભ બની રહેશે. એ સાવ અજાણ્યા ચહેરામાં મૃણાલ પપ્પાના વ્યક્તિત્વ જેવી વ્યક્તિની છબી જ શોધવા મથતી.
મમ્મી એનો આઇડોલ હતી. તો પપ્પામાં પણ સમસ્ત માનવ જાતની સમજણ આવીને વસી હોય એવુ અનુભવતી. દુનિયાનો કોઈ પણ પુરુષ પપ્પાથી વધુ સારો હોઈ શકે એ જ એની માન્યતાની બહાર હતુ. એનાં જીવનમાં જે આવશે એ ભલેને પાંખાળા ઘોડા પર બેસીને આવતા રાજકુંવર જેવો ન હોય પણ એણે પપ્પા જેવા તો હોવું જ જોઈશે.
Recent Comments