આન્યા મૃણાલ- પ્રકરણ/ ૨૫
મૃણાલની ઘણી બધી એવી વાતો દાદાજીએ આન્યાને કરી જેનાથી આન્યાને એની મમ્મીની યાદો ભરેલા વાતાવરણમાં ‘જસ્ટ ફોર યુ’ પર જવાનું એક સમય મન તો થયું જ.
કૈરવ માટે એ સમયે તો એ આનંદની પળો હતી પરંતુ એને ક્યાં ખબર હતી કે આન્યાનું આગમન એના જીવનમાં આફત બનીને ઉતરશે?
આન્યા બને ત્યાં સુધી અજયભાઈની ઑફિસમાં જ બેસતી. કૈરવને ઓછામાં ઓછું મળવાનું થાય એવી તકેદારી રાખતી અને કૈરવ પણ એ ખુશ રહે એમ ઇચ્છતો એટલે ભાગ્યેજ એને એની ઑફિસમાં બોલાવતો.
આજે કેટલાક કામના ડોક્યુમેન્ટ સાઇન કરવાના હતા એટલે એણે આન્યાને એની કૅબિનમાં બોલાવી. કેટલાક ડૉક્યુમેન્ટસ એવા હતા કે જેમાં અજયભાઈ પછી સેકન્ડ નોમિનેશનમાં કૈરવનું નામ હતું. અજયભાઈ ઇચ્છતા હતા કે હવે એમાં ત્રીજું નામ આન્યાનું ઉમેરાય. એટલું જ નહીં પણ અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝના શેર હોલ્ડરમાં આન્યાનું નામ ઉમેરાય.
દાદાજીએ એક વાત આન્યાને બરાબર સમજાવી હતી કે કોઈ પણ ડૉક્યુમેન્ટ કે કોઈ પણ લિગલ પેપર પર વાંચ્યા વગર સાઇન નહીં કરવાની પછી ભલેને એ કૈરવે આપેલા હોય કે ખુદ અજયભાઈએ.
“આન્યા, આ અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝમાં તારું આગમન શુભ નિવડે.” કૈરવે એ બધા ડૉક્યુમેન્ટસ એના હાથમાં આપતા એને શુભેચ્છા પાઠવતા કહ્યું. આ ડૉક્યુમેન્ટસ સાઇન કર્યા પછી તું આ ગ્રુપમાં સમાન હકની દાવેદાર છું અને મારા મનની કેટલાય સમયની ઇચ્છા હતી એમ આગળ જતા તું મારો હોદ્દો સાચવે.”
કશું જ બોલ્યા વગર આન્યાએ ડૉક્યુમેન્ટસ હાથમાં લીધા અને નિરાંતે વાંચવાનું શરૂ કર્યુ. કૈરવ અજયભાઈની આ ટ્રેઇનિંગ જાણતો હતો એટલે એણે પણ આન્યાને પૂરતો સમય મળી રહે એવી તકેદારી રાખી હતી.
“આ તમામ લિગલ પેપર તું નિરાંતે વાંચી જા ત્યાં સુધી હું ડૅડી સાથે કામની વાત કરી લઉ.”
આન્યાએ એનો પણ જવાબ આપવાનું ટાળીને નજરથી સંમતિ દર્શાવી અને પેપરમાં ધ્યાન પોરવ્યું.
પેપર વાંચતા આન્યાને એક વાતની સમજ પડી કે આ ગૃપમાં લગભગ પપ્પા અને દાદાજી જેટલા શેર એના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ટ્રીન……… ટ્રીન …
આન્યાને બેધ્યાન કરતી ફોનની રિંગ સંભળાઈ. ફોન લેવો કે નહીં એની અવઢવમાં પડેલી આન્યાને વાંચવામાં ખલેલ પડતી હતી એટલે કંટાળીને ફોન લેવાનું વિચાર્યુ. કૈરવની રિવોલ્વિંગ ચેર પાસે પડેલો ફોન ઉપાડવાનુ અત્યંત મોટા ટેબલમાં આન્યા તરફથી શક્ય નહોતું. આન્યા અકળાઈને ઊભી થઈ અને સામે કૈરવની ચેર પાસે પહોંચી ત્યાં સુધીમાં રિંગ વાગતી બંધ થઈ ગઈ. ફરી રિંગ આવશે અને ફરી ઊભા થઈ આ બાજુ આવવું પડે એના કરતાં એ હાથમાં પકડેલેલાં પેપર લઈને કૈરવની ચેર પર જ બેસી ગઈ અને ફરી એકવાર નિરાંતવા જીવે એણે આગળ વાંચવાનું શરૂ કર્યુ. પરંતુ આમ કરવા જતા પેપરના ઢગલા વચ્ચેથી એક-બે પેપર સરકીને નીચે પડ્યા. વાંકા વળીને એ લેવા જતા આન્યાની નજર કૈરવના ટેબલના ખુલ્લાં ડ્રોઅરમાં પડેલી ફાઇલ પર નજર પડી.
ફાઇલ ઉપર ડિવોર્સ પેપર વાંચીને ચોંકેલી આન્યાએ ઉઠાવીને એ ફાઇલ હાથમાં લીધી. જેમ જેમ તે કાગળ વાંચતી ગઈ તેમ તેમ એના દિલની ધડકન વધુ તેજ થતી ગઈ. પપ્પા અને દાદી કહેતા કે, મૃણાલને આન્યાને મળવું નહોતું પરંતુ અહીં તો આ પેપર કંઈક જુદી હકિકત બતાવતા હતા. મૃણાલ આન્યાને એકવીસ વર્ષ સુધી મળી ના શકે એવી ફાઇલમાં મૂકેલી શરતો જોઈને આજ સુધી મમ્મા માટે દાદી અને પપ્પાએ ઊભું કરેલું ચિત્ર કેટલું પોકળ હતું એ સમજી ગઈ. જો કે દાદાજીએ કરેલી વાતો પરથી એ એક મંતવ્ય પર તો ક્યારની ય આવી ગઈ હતી કે મમ્મા માટે દાદી કે પપ્પા જે કહે છે એ અર્ધસત્ય પણ નહોતું. જેમ જેમ પપ્પા અને દાદીની સાચી ઓળખ થતી ગઈ તેમ તેમ તેનાં મનમાં એ બંને જણ માટે ચીડ ઊભરાતી ગઈ, પણ દિલમાં એક અજીબ પ્રકારની રાહત થઈ ગઈ. એણે કલ્પેલી હતી તેવી જ એની મમ્મા છે અને આ બેઉ જણાને એણે પાંચ વર્ષની ઉંમરે કહેલું તે સાચું જ હતું..તેઓ ચાલ રમતા હતા.. નાના મગજને મમ્મી વિરુદ્ધ કરવાની ગંદી ચાલ…તેને અંદરથી એક ઉબકો આવ્યો પછી દયા પણ આવી. હવે તેનું મન મૃણાલને શોધવા આતુર હતું. તેને તેની ખોવાયેલી માને મળવું હતું તેને ભેટવું હતું તેની સાથે એ જ બચપણમાં સ્ટેજ ઉપર બેસીને કરેલું પીંછીકામ પૂરું કરવું હતું.
તેણે કૉમ્પ્યુટર ઉપર મા વિશે ઘણું લખ્યુ હતું ઘણું ચીતર્યુ હતું. ઇઝલ ઉપર કેન્વાસ ગોઠવી ચિત્રકામ કરવાની મઝા જ કંઈ ઓર હોય છે પણ પપ્પાને એ ગમતું નહોતું .દાદાજીને કોઈ વાંધો નહોતો તેથી ક્યારેક ઇચ્છા થઈ જાય તો તેમનાં રૂમમાં બધું એને જોઈતું જગત હતું. આન્યામાં મૃણાલ અને ગાયત્રીબેનની સૂઝ અને રેખાઓ હતી. મૃણાલનાં ચિત્રો ગૂગલ ઉપર જોતી અને તેના જેવું દોરવાનું શીખતી. જો કે દાદજીની સ્ટ્રિક્ટ વૉર્નિંગ હતી કે, દાદી અને પપ્પાને જો આની ગંધ આવશે તો ઘરમાં મહાભારત થશે. દાદાજીનું વિચારીને આન્યા ચુમાઈને બેસી રહેતી પણ હવે આજની આન્યા ચૂપ બેસી રહેવાની નહોતી.
હવે એ એની મમ્માને શોધવા કટીબધ્ધ હતી.
પણ મૃણાલ ક્યાં હતી?
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments