Archive for January 21, 2023
‘ ‘નકામું ઘાસ’-ગરવી ગુજરાત ( લંડન)માં પ્રસિદ્ધ કુલવંતસિંહ વિર્કની વાર્તાघासપર આધારિત ભાવાનુવાદ
પાક્તિસ્તાનને અલગ દેશમાં પરિવર્તિત થયાને ત્રણ-ચાર મહિના જ થયા હતા. ઘરમાંથી આણેલો ટ્રંક, મેજ,પલંગથી માંડીને પારણાં જેવો સામાન પણ હજુ પોલિસ ચોકીમાં હજુ સામાન ખડકાયેલો નજરે આવતો હતો.
ક્યારેક આ બધું કોઈ ઘરની શોભા હશે. ગૃહિણીઓએ કેટલાય ભાવથી ઘરમાં એને યોગ્ય સ્થળે ગોઠવ્યા હશે. પણ અત્યારે તો ઢગલામાં પડેલો સામાન કેટલાય સમયથી ગૃહિણીની કાળજી વગર આમતેમ ઠેબા ખાતો પડ્યો હતો. માત્ર ધરતી પોતાની જગ્યાએ હતી. શરણાર્થીઓ પણ જ્યાં એક કેમ્પથી બીજી કેમ્પમાં ફંગોળાતા હતા ત્યાં જાનવરોની દશાની તો શી વાત!
શરણાર્થીઓની તો ઠીક, ત્યાંના રહેવાસીઓની આખેઆખી બિરાદરી ઉજડી ગઈ હતી. સગાંસ્નેહીઓ, મિત્રો વિખૂટા પડી ગયા હતા. મિલમજૂરના માલિક અને માલિકના મિલમજૂર બદલાઈને નવા આવી ગયા હતા. એક બીજાને અસલામાલેકુમ પણ નહોતા કહેતા કે નહોતા એકબીજા સાથે ભળી શકતા. આખેઆખા ગામની સિકલ બદલાઈ ગઈ હતી એટલે જૂના રહેવાસીઓને ગામ પણ પરાયું લાગતું. ઘર, હવેલી પાસેથી પસાર થતી સડક-નહેર સુદ્ધાં અજાણ્યાં લાગતાં. નહેરોમાં ક્યાંય સુધી પાણી લાલ રંગનું વહેતું. એમાંથી કેટલીય લાશોના અંગ બહાર દેખાતા. વજૂ કરવું પણ હોય તો કેવી રીતે કરે તો નહાવાની વાત જ ક્યાં વિચારવી? કેટલુ બધું પુનઃસ્થાપન કરવા જેવું હતુ!
“મુલ્ક આખો તબાહ થઈ ગયો.” ઊંડા નિસાસા સાથે એક યુવાન બૂઢ્ઢા બાપને કહી રહ્યો હતો.
“હા, થઈ તો ગયો છે પણ જોજે જ્યારે સૌ જ્યાં છે ત્યાં ટકી જશે તો બધું ઠીક થઈ જશે.” બાપ જાણે અનુભવની વાત કરતો હતો.
“એ બધું તો ઠીક છે પણ ટકશે ક્યાં અને કેવી રીતે? આ તો રોટીનો ટુકડોય ઉઠાવીને પોતના મ્હોંમાં મૂકી નથી શકતા.”
“અરે ભાઈ, ખેતી કરતાં પહેલાં ખેતરોમાં જે વધારાનું ઘાસ હોય છે એને ઉખાડવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. એ વધારાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખેતરની બહાર ફેંકી દઈએ છીએ. પરંતુ દસ દિવસમાં જ એનાં ફરી એનાં અંકુર ફૂટી નીકળે છે અને એક મહિના પછી તો એવું લાગે કે જાણે અહીં નીંદામણ થયું જ નથી. એવી રીતે જો જે ને જગ્યાનો નાનો અમસ્તો ટુકડો મળશે અને અહીં લોકો ફરી પાછા આવીને વસી જશે.”
અસલમાં બાપની વાતમાં સચ્ચાઈ હતી. જેમને જમીન મળી જતી એ ત્યાં જ ટકીને રહી ગયા. કામચલાઉ મળેલાં ખેતરોથી પણ એમને રાહત લાગતી. સૌ ખેતરની વાડ પાસે એકઠા થઈને બેસતા ને સામાન્ય જીવન જીવવા મથતા. ક્યારેક કોઈ ઑફિસર કે તહસીલદાર આવીને પંચ બેસાડે ત્યારે પોતાના દુઃખ એમની પાસે રજૂ કરતા.
એવામાં મારી અહીં નિમણૂંક થઈ. જબરદસ્તીથી ઉઠાવી ગયેલી સ્ત્રીઓને અને જબરદસ્તીથી મુસલમાન બનાવેલા પરિવારોને પાછા સહી સલામત હિંદુસ્તાન પહોંચાડવાનું મારું કામ હતું. હિંદુસ્તાની ફોજની ટુકડી અને પાકિસ્તાનના કેટલાક સ્પેશિઅલ સિપાહીઓ મારી સહાયમાં હતા.
ખોવાયેલી ચીજોની જેમ યુવતીઓને શોધવાનું કામ કપરું હતું. પાકિસ્તાની સિપાહીઓ થોડી ઘણી મદદ કરતા ત્યારે કદાચેય કામ સરળ બનતું.
આ એ સમયની વાત છે જ્યારે એક થાણેદારની મદદથી ગામના એક નામી વ્યક્તિની પુત્રવધૂની ભાળ મળી હતી. પાકિસ્તાનમાં સરકારનો ભારે રોફ હતો એટલે એ ગામ પહોંચ્યા ત્યારે સૌ થાણેદારનું સ્વાગત કરવા એકઠા થઈ ગયા. પૂછતાછ કરતા એક ઘર સુધી અમે પહોંચ્યા.
નાનકડું મકાન, છાજલી પર થોડા કપ-રકાબી, થાળી-વાડકા, બસ આટલો અસબાબ નજરે પડ્યો. રૂમના એક ખૂણામાં થોડો સામાન, ચારપાઈ હતી જેની પર એ સ્ત્રી આડી પડી હતી. કદાચ થોડા દિવસથી એને તાવ હતો. હાથ પર મોટું ગૂમડું થયુ હતું એની પર પાટો હતો. શરીરે ક્ષીણ એવી એ સ્ત્રીનો અવાજ પણ અતિ ક્ષીણ હતો. એને સાંભળવા મારે એની નજીક જવું પડ્યું.
“શું થયું છે?” એના હાલ પૂછવા મેં એને સીધો જ સવાલ કર્યો.
“ચાર-પાંચ દિવસથી તાવ છે.” એણે જવાબ આપ્યો.
“તારી સાથે કોઈ સ્ત્રી નથી?”
“સાથે તો શું આસપાસ પણ નથી.” એ બોલી.
પહેલાં જોયેલી યુવતીઓ કે સ્ત્રીઓથી આની વાત સાવ જુદી હતી. એ લોકો સાથે કેટલાય સ્ત્રી-પુરુષો હતાં. કોઈને કોઈની નજર કે રખવાળી એમની પર હતી. જ્યારે આને તો એના હાલ પર છોડી દીધી હોય એમ એ સાવ એકલી હતી.
“કેટલા સમયથી અહીં છું?”
“જ્યારથી આ ગામ ઉજડ્યું ત્યારથી.”
“આ કપડાં અને વાસણો તને કોણે આપ્યાં?”
“કેવી વાત કરો છો?” એ મ્લાન હસી.
પછી સમજાયું કે એ સાવ એકલીય નહીં હોય. આ ઘર, નજરે પડતો આ સામાન અને એનાં શરીરનો માલિક કોઈક તો હતો, જે અત્યારે દેખાતો નહોતો. લખવામાં જેટલી સહજતાથી આ વાત લખાઈ એ વાતની જાણકારીથી ત્યારે તો મન ત્રસ્ત થઈ ગયું હતું. આજ સુધી અહીંની દુનિયા કે અહીંના લોકો માટેના જે સુંદર વિચારો મારા મનમાં હતાં એ નષ્ટ થઈ ગયા. કડવી વાસ્તવિકતાથી મન વ્યથિત થઈ ગયું.
આ મકાનમાં કોઈની ઉઠાવી લાવેલી સ્ત્રી ચારપાઈ પર બેસહાય પડી હતી. માણસજાતે માણસજાત પર ગુજારેલા સિતમનું ધૃણા છૂટે એવું દૃશ્ય હતું. કચડાયેલી, મસળાયેલી એક જીવંત લાશ જેવી સ્ત્રી નજર સામે હતી. એની બિરાદરીનું, નાતજાતનું કે કોઈ સાથીદાર એની સાથે નહોતું. એને તો એ પણ કહેવામાં આવ્યું નહોતું કે એ ફરી એ સૌને મળી શકશે કે નહીં. વિશ્વાસના ભરોસે જીવી શકે એવાં ઠાલાં આશ્વાસન આપનાર પણ કોઈ નહોતું. અહીંથી કોઈ એને લઈ જશે એવો વિચાર કરવાનુંય એણે છોડી દીધું હતું.
એને અહીંથી કેવી રીતે લઈ જઈ શકાય એની શક્યતાઓ જોઈને પાછો આવીશ એમ મેં વિચાર્યું.
“સારું બહેન, તો હું ફરી આવીશ.” એમ કહીને હું ઊભો થયો.
“જતાં પહેલાં મારી એક વાત સાંભળશો, મારું એક કામ કરશો?”
હું અટકી ગયો.
“મારી એક વિનંતી છે. તમે મારાં શીખ ભાઈ છો.. હવે તો હું મુસલમાન થઈ ગઈ ક્યારેક હું પણ શીખ હતી. આ દુનિયામાં એક માત્ર મારી નણંદ છે એને પણ કોઈ ઉઠાવી ગયું છે. પોલિસથી માંડીને સૌમાં તમારું માન છે, તમારી વાત બધાં માને છે. હું એની મા સમાન મોટી ભાભી છું. એને જો તમે શોધી લાવો અને મારી પાસે હશે તો એનો હાથ કોઈને સોંપીશ. એમ કરીને અહીં અમારા સંબંધો વધશે. કોઈ તો હશે જેમને હું મારા કહી શકીશ.”
હવે પેલા બુઢ્ઢા જાટની વાત મારી સમજમાં આવી. એ કહેતો હતોને કે, “ખેતી કરતાં પહેલાં ખેતરોમાં જે વધારાનું ઘાસ હોય છે એને ઉખાડવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. એ વધારાનું નકામું ઘાસ મૂળથી ઉખાડીને ખેતરની બહાર ફેંકી દેવામાં આવે છે. પરંતુ દસ દિવસમાં જ એનાં ફરી એનાં અંકુર ફૂટી નીકળે છે ને અને એક મહિના પછી તો એવું લાગે કે જાણે અહીં નીંદામણ થયું જ નથી.”
શક્ય છે ફરી અહીં આવી જ રીતે નવી બિરાદરી વસતી થઈ જશે.
Recent Comments