”ઐતિહાસિક નગરી ચાંપાનેર”-(Unesco World Heritage Site)
August 20, 2009 at 5:49 am 3 comments
ઐતિહાસિક નગરી ચાંપાનેર”-(Unesco World Heritage Site)
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર અને પાવાગઢના મૂંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરીટેજના નકશા પર મૂકયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે ૩ જુલાઈ, ૨૦૦૪ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજજો બક્ષી ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને બહુમાન બક્ષ્યું છે. વિશ્વમાં કુલ ૮૫૧ વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. જેમાં હવે ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદથી લગભગ ૧૬૦ કિ.મી. અને વડોદરાથી લગભગ ૪૭ કિ.મી. ઈશાને આવેલું આ સ્થળ ગુજરાતના પાવગઢ–ચાંપાનેર ઐતિહાસિક કિલ્લેબંધ નગર તરીકે જાણીતું છે. પાવાગઢ પર્વત ઊપર કાલિક માતાનું ધામ ૮૫૩ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ સદીઓથી પૂજા અને યાત્રાના સ્થળ તરીકે જાણીતું છે.
આ નૈર્સિગક પર્વત પર આવેલા ચંપકનગરના રક્ષણ માટે તેના ઈશાન તરફના ચઢાણ પર જુદી જુદી જગ્યાએ ઘણી કુશળતાપૂર્વક કિલ્લેબંધી કરવામાં આવી છે. ખડચંપના રંગની આ ભૂમિ ઊપર અર્વાચીન સંશોધન મુજબ વનરાજ ચાવડાના મંત્રી ચંપાએ આ નગર વસાવ્યું હતું. આ મત પ્રમાણે ઈ.સ.૯મી સદીથી અહ નગરની શરૂઆત થાય છે. પરંતુ પુરાવસ્તુઓના પ્રમાણથી અહથી જોરવણ નદીના કાંઠે પથ્થરના ઓજાર વાપરનાર લોકો ઘણાં લાંબા સમયથી રહેતા હોવાનું સિદ્ધ થયું છે. આ જગ્યાએ ઈ.સ.ની પહેલી સદીથી માનવ વસવાટ શરૂ થયો હતો. આશરે ઈ.સ. ૧૩૦૦માં અહ ચૌહાણોએ રાજધાની સ્થાપી અને ઈ.સ.૧૪૨૪ સુધી પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી.
૧૮૪ વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢ–ચાંપાનેરમાં મહેમુદ બેગડાએ રાજધાની બનાવી. તેને મહામ્મદાબાદ નામ આપ્યું અને અહની ટંકશાળમાં પોતાનું નાણું તૈયાર કર્યું. આ શહેરનો ઝડપથી વિકાસ તો થયો, પરંતુ આશરે અડધી સદી પછી ઈ.સ. ૧૫૩૫માં સુલતાન બહાદુરશાહના રાજ્યકાળમાં દિલ્હીના બાદશાહ હુમાયુએ ચાંપાનેર પર હુમલો કર્યો. ત્યારબાદ અહથી રાજધાની બદલવામાં આવી અને પછી ચાંપાનેરની અવગતિ થઈ.
ચાંપાનેરમાં ઘણાં સ્મારકો છે જેમાં ધાર્મિક સ્થળો તથા વસવાટ અને લશ્કરી મહત્ત્વના સ્થાપત્યના અવશેષો પૈકી ૩૮ સ્મારકોનું સર્વેક્ષણ પાવાગઢ–ચાંપાનેરના સૌથી જૂના સ્મારક મૌર્યાના મેદાનમાં છે. તેમાંનું લકુલીશ મંદિર આશરે દસમી–અગિયારમી સદીનું સૌથી જૂનું સ્થાપત્ય છે. પર્વત પરના બીજા મહત્ત્વના સ્મારકોમાં પતાઈ રાવળનો મહેલ ‘નવલખા કોઠાર’ તથા ‘મકાઈ કોઠાર’ તરીકે જાણીતું દુર્ગ રક્ષકનું સ્થાન અને મહેલ, જૈન દેરાસર, તળાવો, ટાંકો આદિનો સમાવેશ થાય છે. ભગવાન ઋષભદેવ, ચંદ્રપ્રભુ અને પાર્શ્વનાથ ભગવાનના દેરાસરો પણ આ સ્થળે આવેલા હતા.
મૌર્યા પરથી ટકોરખાના, તારાગઢ, લકડીપુલ, માચી, બુઢિયા, દરવાજો, અટક દરવાજો– આદિ દરવાજાઓવાળી કિલ્લેબંધી નીચે તરફ ઊતરે છે.
પર્વત પરના નીચેના ભાગમાં મહેમુદ બેગડાએ સ્થાપેલા ચાંપાનેરૂનગરના શાહી મહેલનો સમચોરસ કિલ્લો છે. બુરજોથી સુરક્ષિત આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગોખની કોતરણી મનોહર છે. રાજમહેલનો વિસ્તાર માંડવી નામે ઓળખાતા પ્રવેશદ્વારથી અન્ય ભાગોથી છૂટો પડે છે.
શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય–ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે. તેના મકસુરાની પાંચ કમાનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે.
ચાંપાનેરની ઈમારતો ગુજરાતની સ્થાનિક શૈલીના મહત્ત્વના નમૂના છે. તેમાં નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. આ ઉપરાંત બીજા ઘણાં મકાનો, ટાંકા, રસ્તાઓ, પુલ પણ સારી સંખ્યામાં છે. પૂર્વમાં ચાંપાનેરની બહારના વડા તળાવ પર ખજૂરી મસ્જિદ અને કબૂરતખાનાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ છે.
કાળક્રમે દટાઈ ગયેલા નગરનો કેટલોક ભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનથી બહાર કાઢવામાં આવ્યો છે. તેમાં અમીર મંજિલના વિવિધ ભાગોમાં રહેવાના ઓરડાઓ, વહેતા પાણીની સુંદર રચનાવાળા બગીચા, ઘોડારો વગેરે મળી આવ્યા છે. તેની મૂળ સ્થિતિ મેળવીને આ ભવ્ય વારસાની સાચવણીનું કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું વડોદરા મંડળ કરે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ચાંપાનેર પાવાગઢમાં આવેલા ઐૈતિહાસિક સ્મારકોના જિર્ણોદ્ધારનું કાર્ય વર્ષોથી કરે છે. જેમાં મુખ્યત્વે જુમા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ઊત્ખનીત નગરના અવશેષો, કબૂતરખાના, શહેર મસ્જિદ, મકાઈ કોઠાર, લકુલીશ મહાદેવનું મંદિર, શાહી કિલ્લાની ઊત્તર તરફની પૂર્વ તરફની, દક્ષિણ તરફની દીવાલો, બુરજો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે પણ આ ઐૈતિહાસિક સ્થળના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટે સન ૨૦૦૦ માં ટાસ્ક ફોર્સની રચના કરી સક્રિય યોગદાન આપેલું છે.
આપણું રાષ્ટ્ર માનવ સંસ્કૃતિના ઉદ્ભવનું મહત્ત્વનું સ્થાન છે અને ઐતિહાસિક સ્મારકોનો વિશાળ ભંડાર છે. તેની પ્રતીતિ ચાંપાનેરના અવશેષોને જોઈને થાય છે.
આલેખન – રાજુલ કૌશિક
માહિતી સૌજન્ય – કલ્યાણ શાહ –તસવીરો – કલ્યાણ શાહ
સંકલન -બેલા ઠાકર
“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર Sunday-”યાત્રા” માટે લખ્યો અને 2/8/2009 ના પ્રગટ થયો.”
…………………………………………………………………………………………………………………………………………………………………………………………..
– I N V I T A T I O N –
KALYAN C SHAH
( PRESIDENT CAMERA CLUB OF KARNAVATI ) PRESENTS :
AN EXIBITION OF COLOUR PRINTS ON CHAMPANER-PAVAGADH:
(Unesco World Heritage Site)
Inauguration By: Shri Jay Narayan Vyas:
(Hon.Minister of Health &Family Welfare,Gujarat state)
Guest Of Owner: Shri Mukesh M Shah C A.
(Managing Trustee,Navgujarat Education Trust)
On Friday.28th August 2009 at 5.00PM
Exhibition will be held at:
L&P Huthessing Visual Art Center,
Opp, Gujarat University,Navrangpura.Ahmedabad-380009.
Open From 28th to 31st August,2009 between 4-00 to8-00 PM
……………………………………………………………………………………………………………………………………………………………………………………………
Entry filed under: પ્રવાસ વર્ણન.
1.
ચાંપાનેર-પાવાગઢ « મલજી નો બ્લોગ | August 20, 2009 at 7:28 pm
[…] https://rajul54.wordpress.com/2009/08/20/280-aitihasik-nagri-champaner/ […]
LikeLike
2.
Jaya Bhat | August 21, 2009 at 5:27 am
Beautifull layout, photos. I can’t understand gujarati very will, still i can makeout the depth of the article.
thanks for sending the link
regards
jaya bhat
LikeLike
3.
Pinki | August 22, 2009 at 5:40 am
very nice… !!
know details but put nicely.
LikeLike