Archive for January 28, 2023
નંદિની મહેતા, ફ્રોમ નો વ્હેર….રાષ્ટ્રદર્પણ (ઍટલાન્ટા-અમેરિકા)માં પ્રસિદ્ધ વાર્તા.
“આ છે નંદિની મહેતા, ફ્રોમ……”
“ફ્રોમ નો વ્હેર…તમે જ કહેતા હતા ને મેનેજર સાહેબ, જેનું કોઈ ધામ નહીં એનું આ મંગળધામ.”
નંદિની મહેતાએ મેનેજરની વાત વચ્ચેથી અટકાવી. ઉઘડતો વાન, કાજળથી ઘેરી આંખો અને એવા જ કાળા વાળનો લાંબો એક સેરી ચોટલો. કપાળ પર સાવ નાનકડી કાળી બિંદી. ચહેરા પર છવાયેલી ઉદાસી અને એવો જ ઉદાસીન અવાજ પણ, એ અવાજનો રણકો કહેતો હતો કે નંદિનીનો સૂર સૂરીલો હશે.
આરતીથી દિવસની શરૂઆત થાય એ પહેલાં ‘મંગલધામ’નાં સદસ્યોને આગંતુકની ઓળખાણ આપતા અહીંના કર્તાહર્તા હસમુખરાયે નંદિની મહેતાને આવકાર્યા. સૌએ સ્મિતથી નંદિની મહેતાને આવકાર્યા. શંખનાદથી આરતીની શરૂઆત થઈ. સૌ એમાં જોડાયાં.
આરતીનાં સમાપન બાદ પ્રસાદ વહેંચાયો. પ્રસાદ ગ્રહણ કરીને નંદિની મહેતાને સૌએ સ્વ પરિચય આપ્યો. જીવનની આથમતી સંધ્યાએ પહોંચેલા ચાલીસેક વયસ્ક માટેનું આ એક એવું ‘મંગળધામ’ હતું જ્યાં ધર્મ કે રાજ્યનાં વાડા નહોતાં. સુરતનાં સુલક્ષાબહેન, ગુજરાતનાં ગુણવંતરાય, મુંબઈથી માલતીબહેન અને એવાં બીજાં અનેકને અહીં સવલતોથી વિશેષ સ્નેહ, સહયોગ, શાંતિ મળી હતી.
શહેરની ધાંધલથી સહેજ દૂર નૈસર્ગિક વાતાવરણ વચ્ચેનાં આ સંકુલમાં આજે નંદિની મહેતાનો પહેલો દિવસ હતો.
“ચાલો નંદિનીબહેન, તમારું નામ તો મેં સૌને કહ્યું પણ, હવે તમે તમારા વિશે વિશેષ કંઈ કહો. સાંભળ્યું છે કે વડનાગરી નાગર લોકો પર સંગીતનો ભારે પ્રભાવ છે, તો એકાદ ગીત થઈ જાય.” હંમેશા હસતા રહેતા હસમુખરાયે ફરમાઈશ કરી.
“અરે! આમણે કેમ જાણ્યું કે હું વડનાગરી નાગર છું?” નંદિની જાતને સવાલ કરતી હોય એમ ક્ષણ વિચારમાં પડી.
“તમે કોણ છો એની મને કેવી રીતે ખબર પડી એમ વિચારો છો ને? ચાલો ઝાઝી તસ્દી ન લેતાં. તમારો વાન, ચાલવાની છટા, શુદ્ધ ગુજરાતી અને અવાજનો રણકો જ કહી જાય છે કે તમે કોણ છો અને શું છો.”
ઉંમરમાં સૌથી મોટા હસમુખભાઈ અહીં આવનારને અહીં રહેનાર સાથે ઝડપથી ભળી જાય એવા સહજ બનાવવા મથતા પણ, નંદિનીમાં એ સહજતા નહોતી એ એના ચહેરા પર સ્પષ્ટ તરી આવ્યું છતાં, અહીં જ રહેવાનું છે તો ક્યાં સુધી સૌથી અળગા રહેવાશે વિચારીને
નંદિની ભજન માટે મૂકેલાં હારમોનિયમ તરફ ડગ માંડ્યાં. મંદિરનાં હોલમાં ઊભેલાં સૌ વચ્ચેથી ખસીને બાજુમાં ગોઠવેલી ખુરશીઓ પર ગોઠવાયાં.
“હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું,
ધરમ-કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણું.
સુખ ને દુઃખનાં પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય,
કદી ઊગે આશાનો સૂરજ કદી અંધારું થાય.
મારી મુજને ખબર નથી , કંઈ ક્યાં મારું ઠેકાણું,
કાંઈના જાણું…”
નંદિનીના ચહેરા અને અવાજ જેવી ઉદાસીનતા એના સૂરમાં પણ હતી. પાંચેક મિનિટ આ વાતાવરણ ભારેખમ થઈ. ગયું. ગીત પૂરું થતાં નંદિની ઝડપથી હોલ છોડીને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. એ પછી શરૂ થતાં યોગ ક્લાસ, વક્તાનું પ્રવચન પૂરું થતાં સૌ ભોજનાલય તરફ વળ્યાં. નંદિનીએ જમવા આવવાનું ટાળ્યું.
આ ‘મંગળધામ’ની ચારેબાજુ હારબંધ આસોપાલવની નૈસર્ગિક દીવાલ વચ્ચે ખૂબ મોટી જગ્યામાં લીલીછમ લોન, લોનની વચ્ચે આરસનાં કૂંડાંમાં તુલસીજી, લોનને ફરતાં ભાતભાતનાં ફૂલો, મીઠો લીમડો, લીંબુડી, જામફળ, શાકભાજીના ક્યારાથી આ ધામ
મનોરમ્ય લાગતું.
‘મંગળધામ’નું જ મંદિર, મંદિરમાં સર્વ દેવ-દેવીઓની મૂર્તિઓ. ભોજનશાળા, લાયબ્રેરી, દવાખાનું, સઘળી સગવડો અહીં હતી.
‘મંગળધામ’માં નવા આવનાર આવે ત્યારે મનમાં કેટલોય વિષાદ લઈને કેમ આવ્યા ના હોય, સમયાંતરે સૌને અહીં શાંતિ લાગતી. પાછળ છોડેલી માયાનાં આવરણમાંથી બહાર આવતાં થોડો સમય લાગતો, પછી એ માયામાંથી મુક્ત થયાંની હળવાશ સદી જતી.
વહેલી સવારે ચાલવાની આદતવાળા હસમુખરાય રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ચારેકોર છવાયેલી આસોપાલવની દીવાલમાંથી ચળાઈને આવતા સવારના ઉજાસથી જાણે મંગળધામ પાવન થયું. ‘શ્રી કૃષ્ણ શરણમં મમ’ ગણગણતાં હસમુખરાય આગળ વધ્યાને એક ખૂણામાંથી હળવો સૂર કાને પડ્યો,
“માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો..જાણે જગ માથે જાણે પ્રભુતાએ પગ મેલ્યો…”
હસમુખરાય ત્યાં જ અટકી ગયા અને બગીચાની ગોળ ફરતે કરેલી વોકિંગ ટ્રેકનાં થોડાં થોડાં અંતરે ગોઠવેલા બાંકડાં પર બેસી ગયા. બીજા બેચાર દિવસ આમ જ પસાર થઈ ગયા. મંગળધામના રહેવાસીઓ સાથે હજુ નંદિની ભળી શકી નહોતી કે પછી ભળવા
માંગતી જ નહોતી, એ સવાલ સૌને હતો પણ નંદિનીનું અતડાપણું જોઈને એની સાથે ઔપચારિક વાતચીતથી વિશેષ હજુ બહારનાં કોઈ આગળ વધ્યું નહોતું.
મંગળધામના નિર્ધારિત સાપ્તાહિક કાર્યક્રમ મુજબ ગુરુવારે શહેર બહારનાં મંદિર દર્શન માટે સૌ સવારથી તૈયાર હતાં. બસ આવતાં એક માત્ર નંદિની સિવાય સૌ બે બેની બેઠક પર ગોઠવાયાં નંદિનીએ સૌથી પાછળની સીટ પસંદ કરી.
નવા ખુલેલાં સાંઈ મંદિરમાં દર્શન, કિર્તન અને ભોજન સુધી પણ નંદિની ચૂપચાપ, જાણે મૌન વ્રત.
ભોજન પછી એકાદ કલાક અહીં પસાર કરવાનો હતો. નંદિની મંદિરનાં પરિસરની બહાર આરસની બેઠક પર જઈને બેઠી.
“કુદરત તરફ તમને અપાર મોહ છે નહીં નંદિની? આ કુદરત પણ કેવી કમાલની છે. વર્ષોથી આપણે ઝાડપાન, નદીનાળાં, પહાડો કે સાગરની જાણે ઘોર ખોદીએ છીએ છતાં, એ તો એની પાસે જે છે છે એ આપે જ છે, સતત…અવિરત, નહીં?” આરસની બેઠક પર નંદિનીની
બાજુની બેઠક પર બેસતા હસમુખરાય બોલ્યા.
ક્ષણવાર નંદિનીની આંખોમાં આશ્ચર્ય અંજાયું અને ઓલવાઈ ગયું.
“નંદિની, તમારો ભૂતકાળ તો હું નથી જાણતો પણ સતત પીડા ચહેરા પર જોઈ છે. પીડાનાં પોટલાં ના બાંધો, એને વહી જવા દો. પીડાઓનો ભાર વહીને ચાલવું દુષ્કર છે. મંગળધામમાં આવનાર દરેક પોતાની મરજી કે રાજીખુશીથી નથી આવતાં છતાં, આવ્યાં
પછી ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરે છે અને મહદ અંશે સફળ થયાં છે. કુદરતની જેમ આપણી પાસે જે છે એ આપીએ તો સમાજને ઉપયોગી થઈએ. આપણું બાકીનું જીવન સાર્થક થાય એમ હું સૌને કહું છું, નંદિની. પ્રયાસ કરી જોજો.”
“મોટાભાઈ….”
“હાંશ…, આ તેં મને મોટાભાઈ કહ્યું એ મને ગમ્યું. મારાથી ઝાઝો સમય ભારેખમ નથી રહેવાતું હોં ભઈસાબ. હવે તો બે શબ્દ ઠપકાના કહેવા હશે તો મને છૂટ મળી.” હસીને હસમુખરાય તમે પરથી તું પર આવી ગયા. આમ પણ ‘મંગળધામ’માં એ સૌથી મોટા હતા. સ્નેહ, સમજાવટ કે શિખામણ આપવાનો એમનો અબાધિત અધિકાર સૌએ સ્વીકારી લીધો હતો.
પહેલી વાર નંદિનીએ મોકળા મને આજે એમની સાથે વાત કરી.
૧૯૫૬નાં ભૂકંપે અંજારને રોળી નાખ્યું હતું. ભોગ બનેલા ૧૧૫ લોકોમાં એનાં માતાપિતાનું નામ હતું. નંદિની બે વર્ષની અને એનોભાઈ ભાસ્કર સાતનો. એ દિવસથી ભાસ્કર ભાઈ મટીને બાપ બની ગયો.
“વચગાળાનો સમય કેવી રીતે પસાર થયો અને અમે કેવી રીતે મોટાં થયાં કે ભાઈએ મારો ઉછેર કેવી રીતે કર્યો એ નથી કહેવું મોટાભાઈ. કદાચ મરી મરીને જીવ્યાં હોઈશું પણ, એ સમય યાદ કરીશ તો પાનાઓ ખૂટશે. ભાઈ પરણ્યો, ભાભી આવી, દીકરીનો જન્મ થયો. બધું જ સુખરૂપ ચાલી રહ્યું છે એવું લાગ્યું અને ઇતિહાસનું પુનરાવર્તન થયું હોય એમ બે વર્ષની ભત્રીજીને પાછળ મૂકીને કાર અકસ્માતમાં ભાઈ-ભાભી ચાલ્યાં ગયાં. ભાઈ મારો બાપ બન્યો એમ હું બની અન્વિતાની મા. મારો અવાજ સારો હતો એટલે ભણવાની સાથે ભાઈએ શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાવી હતી. વિશારદ સુધી પહોંચી હતી. નસીબે સ્કૂલમાં સંગીત ટીચરની જોબ હતી. વધુમાં શાસ્ત્રીય સંગીત શીખવવાના ક્લાસ શરૂ કર્યા એટલે આર્થિક મુશ્કેલી ન નડી. અન્વિતાને મોટી કરવા હું પરણી નહીં. એનો શ્રેષ્ઠ ઉછેર, એને ઉચ્ચ પદ પર જોવી એ જ મારો ધ્યેય હતો.”
નંદિની શ્વાસ લેવા અટકી. હસમુખરાય શાંતિથી સાંભળી રહ્યા.
“અન્વિતાએ આઇ.ટી.માં માસ્ટર્સ કર્યું. એની આંખોમાં અભિલાષા,મનમાં મહત્વકાંક્ષાઓ હતી, એ પૂરી કરવા એને અહીં ભારતમાં સારી જોબ મળતી હતી છતાં, અમેરિકા પ્રયાણ કર્યું, અને હું…..” નંદિનીની આંખોમાંથી આંસુનું પૂર રેલાયું.
“જીવનમાં કેટલીક યાદો એવી હોય છે જેને આપણે યાદ કરવા નથી માંગતાં છતાં, સતત મન સાથે જકડેલી રાખીએ છીએ. મન જ્યાં વળ્યું ત્યાંથી પાછાં વાળવું મુશ્કેલ. આપણાં મનની આ ફિતરત જ આપણને ભારે નડે છે નંદિની. આપણે જ સંતાનોનાં મનમાં સપનાં આંજીએ છીએ. જ્યારે એ સપનાં સાકાર કરવાં પાંખો પસારે ત્યારે આપણી એકલતાનાં ડરે એમની ઉડાન સહી નથી શકતાં એ એમનો વાંક?
“જેમ આપણાં ઘડપણ માટે સંતાનોનું ભાવિ વેડફાવું ન જોઈએ એમ સંતાનોનાં ભવિષ્ય પાછળ આપણો વર્તમાન કે આપણું ભાવિ વેડફી ન દેવાય. પેલું ગીત યાદ છે?
‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની નયે દૌર મેં લિંખેગેં મિલ કર નઈ કહાની’ અહીં આ તમે જુવો છો એ બધાં જ પોતાનો ભૂતકાળ પાછળ ભૂલીને નવેસરથી જીવનકથા આલેખવા બેઠા છે. સૌમાં જે કૌશલ્ય છે એનાથી ‘મંગળધામ’ને સજાવે છે. ત્યાં ઊભાં છે એ સુલક્ષાબહેનના દીકરાને ટુરિંગની જોબ છે. દીકરો ઘરમાં હોય ત્યાં સુધી સઘળું સરસ રીતે ચાલે. એ ટુર પર જાય ત્યારે એમની પુત્રવધૂ ત્રાસ આપવામાં કસર ન રાખે. થાકીને એ અહીં આવી ગયાં. સુરતનાં છે એટલે રસોઈમાં રસ છે અને આવડત પણ ખરી. ‘મંગળધામ’નાં રસોડાની જવાબદારી એમણે લઈ લીધી છે.
“માંગરોળથી મોહનભાઈ આવ્યા. સંતાનની ખોટને ઈશ્વરની ઇચ્છા માની બંને અતિ પ્રસન્ન જીવન જીવ્યાં. પત્નીનાં અવસાન પછી એકલતા ન સાલે એટલે અહીં આવી ગયા. આપણાં ત્યાં જે શાકભાજી, ફળફૂલની લીલીછમ વાડી છે, એ એમની મહેનતનું પરિણામ છે. ‘મંગળધામ’નું દવાખાનું સંભાળે છે એ ડૉક્ટર દંપતિએ દીકરા પ્રત્યેના અતિ પ્રેમને વશ બધું એના નામે લખી દીધું. દીકરાએ એમને અહીં પહોંચાડ્યાં. ‘મંગળધામ’નું દવાખાનું સંભાળવાની સાથે ચિન્મય મિશનનું મેડિકલ સંકુલ એમણે સંભાળી લીધું છે. આ બધાની કથા કહેવા બેસુ તો પાનાંઓ ખૂટશે નંદિની.”
નંદિની સાથે વાત કરનાર હસમુખરાયની તો વળી વાત સાવ જુદી. શૂન્યમાંથી સર્જન કર્યું હતું. શહેરની ફાર્માસ્યુટિકલ કંપનીનાં એ માલિક હતા. એમની એક માત્ર દીકરી શચિ. બી.ફાર્મ થયા પછી એમ.ફાર્મ કરવા શચિને અમેરિકા મોકલી. પાછી આવશે ત્યારે કંપનીની જવાબદારી સોંપી દેવાની ઇચ્છા હતી પણ, અમેરિકન યુવક સાથે પ્રેમ થતાં શચિ ભણીને ત્યાં જ સેટલ થઈ ગઈ. જો કે એક વાત હસમુખરાય કબૂલ કરતા કે, એમણે દીવો લઈને શોધ્યો હોત તો પણ આવો યુવક ન શોધી શક્યા હોત. પોતાના સ્વાર્થ માટે થઈને દીકરીનું સુખ રોળવાનાં બદલે શચિ અને જેડીનો ખુશહાલ સંસાર જોઈને એ રાજી છે. શચિ કે જેડીને અહીંના પૈસાની જરૂર નથી. હસમુખરાય અને એમનાં પત્ની અમેરિકા શચિ પાસે બેચાર વાર જઈ આવ્યાં. પત્નીના અવસાન બાદ શચિ અને જેડી એમને હંમેશ માટે અમેરિકા રહેવા બોલાવે છે. પત્ની વગર એકલા ત્યાં રહેવાની હસમુખરાયની તૈયારી નથી, એટલે વિલા જેવું ઘર, કંપની અને પોતાના શેર વેચીને હંમેશ માટે અહીં આવી ગયા.
“નંદિની, તમે એ તો સાંભળ્યું હશે ને કે, દેખાવમાં સરખા હોય તો પણ શૂન્ય અને વર્તુળમાં જમીન આસમાનનો ફરક હોય છે. શૂન્યમાં આપણી એકલતા હોય છે. વર્તુળમાં આપણો પરિવાર અને મિત્રો હોય છે. બસ, આ શૂન્યમાંથી બહાર આવીને વર્તુળ બનાવો અને જુઓ કે તમે એકલાં નથી.”
બીજા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે નંદિનીએ પ્રાર્થનાસભામાં હલકદાર કંઠે આરતીની શરૂઆત કરી. એ દિવસથી નંદિનીએ સવાર-સાંજની પ્રાર્થનાસભાની જવાબદારી પોતાની શિરે લઈ લીધી છે. તહેવાર અનુસાર ભજન, મંગળગીતોથી માંડીને નવરાત્રીમાં નાગરોમાં પ્રચલિત એવા બેઠા ગરબા ગવડાવે છે. ચિન્મય મિશનમાં વાર-તહેવારે યોજાતા ધાર્મિક સત્સંગ કાર્યક્રમનું સંચાલન સંભાળે છે. અનુયાયીઓને સંગીત શીખવે છે.
એ દિવસે સાંઈ મંદિરમાં હસખુખરાયે નંદિનીને પોતાની ઘણી બધી વાત કરી પણ, એમણે કહેવાનું ટાળ્યું હતું કે, પોતે મંગળધામનાં મેનેજર કે કર્તાહર્તા નહીં સર્વેસર્વા છે. ફાર્માસ્યુટિકલ કંપની, પોતાનાં તમામ શેર અને વિલા જેવું ઘર વેચીને એમણે આ ‘મંગળધામ’ ઊભું કર્યું છે. પોતાની એકલતામાંથી બહાર આવીને વર્તુળમાં એમનાં જેવા અનેકનો સમાવેશ કર્યો છે.
Recent Comments