Archive for January 22, 2023
આન્યા મૃણાલ/ પ્રકરણ-૨૬
મૃણાલ….
આટલા લાંબા સમયનો ટુકડો મૃણાલ કેવી રીતે જીવી એ તો મૃણાલનો આત્મા જ જાણતો હતો. એ આ સમય જીવી જ ક્યાં હતી ? જાણે મણ મણની બેડીઓ પગમાં નાખી હોય અને એ વજન ઉંચકીને એ ચાલી હતી. એ વજન એનાં મન પર, એનાં હૃદય પર વેઠીને ચાલી હતી. જે દિવસે આન્યાને છોડીને એને નીકળી જવું પડ્યું હતું એ કારમો દિવસ તો આજે પણ એ ભૂલી શકી નહોતી. હૃદય પરનો લીલોછમ ઘા આજે પણ એને લોહીલુહાણ કરતો રહ્યો હતો. કઈ ભૂલની એને સજા થઈ હતી એની ય એને ક્યાં ખબર પડવા દીધી હતી. બસ કૈરવના એક તરફી જક્કી વલણે એને આરોપી સાબિત કરી દીધી હતી. એને નિર્દોષતા સાબિત કરવાની ય ક્યાં તક અપાઈ હતી?
સતત એક અઠવાડિયું તો એ નિરવ,નિઃશબ્દ બુતની જેમ બેસી રહી હતી. મમ્મી અને પપ્પાએ એને મન સાથે સમજૂતી કરવા, મન સાથે સમાધાન કરવા,મનને મજબૂત બનાવવા પૂરતો સમય આપ્યો હતો પણ, મૃણાલે પોતાની જાતને સંકોરી લીધી હતી. એણે એનાં મન સાથે સમાધાન કર્યું કે નહીં એની શ્રીકાંતભાઈ કે ગાયત્રીબેનને ખબર પડે એ પહેલાં જ એણે નક્કી કરી લીધું હતું કે, એનું દુઃખ ફક્ત એનું જ રહેશે એનો આછો સ્પર્શ પણ એ મમ્મી ડૅડીને નહીં જ થવા દે. એક વાત એણે નક્કી કરી લીધી કે આજથી એ એના મનની વેદના મનમાં જ સમાવીને રહેશે અને ખરેખર એ અંગારા પર ઠારેલી રાખની જેમ ઠરતી રહી.
મૃણાલને એક વાતની ખબર હતી કે જો એ અહીં મમ્મી ડૅડીની નજર સામે રહેશે તો કદાચ આજે નહીંને કાલે પણ ઢીલી પડી જશે. નાનપણથી મમ્મીને રોલ મોડલ માનતી મૃણાલની નબળી કડી શ્રીકાંતભાઈ હતા. મમ્મી એક એવો સ્તંભ હતી જેના પર એ પોતાની કલ્પનાના મિનારા ઉભા કરી શકતી હતી પરંતુ, જ્યારે જ્યારે મૃણાલને સધિયારાની જરૂર પડતી ત્યારે ત્યારે એને માથું ટેકવવા પપ્પાના મજબૂત ખભાની જરૂર પડતી. શક્યતા એ પણ હતી કે આન્યાની યાદ એને ફરી એકવાર એ ઘર તરફ એને જવા મજબૂર કરે જે ક્યારેય એનું હતું જ નહીં.
એણે વિચારી લીધું કે અહીંથી દૂર જશે જ.
“મીરાં, તું અહીંથી દૂર જઈને ખરેખર તારી જાતને આન્યાથી દૂર કરી શકીશ?” મૃણાલનો નિર્ણય સાંભળીને શ્રીકાંતભાઈએ પૂછી લીધું. એ મૃણાલને ઢીલી પાડવા માંગતા નહોતા પણ એ જે નિર્ણય લે એમાં એટલી મજબૂતી છે કે નહીં એ ચકાસવા માંગતા હતા. મૃણાલનાં સ્મશાનવૈરાગ્ય સમ વર્તન અને વ્યહવારને નાણી લેવા માંગતા હતા.
“આન્યાથી દૂર જવાનો તો કોઈ સવાલ જ નથી પપ્પા. એ મારો અંશ છે અને એને હું મારા અસ્તિત્વથી અલગ કરી શકુ એમ પણ નથી. મને નથી ખબર કે, હું આન્યાથી કેટલી દૂર જઈ શકીશ પરંતુ ફીઝીકલી તો હું પ્રયત્ન કરી જ શકું ને પપ્પા?”
“વેલ, આ તારા કોઈ પણ નિર્ણયમાં અમારો તને સાથ છે જ અને મને વિશ્વાસ છે કે તું તારી રીતે સફળ જરૂર થઈશ. પોતાનું આકાશ શોધવાની ઇચ્છા દરેકને હોય જ છે અને હક પણ. હા, એના માટે દોડવાની હિંમત જોઈએ એ હિંમત આજે હું તારામાં જોઈ રહ્યો છું. મીરાં આજે ખરેખર મને લાગી રહ્યું છે કે તું તારાં આકાશમાં ઉડાન ભરવા જેટલી તાકાતવર બની રહી છો.”
મૃણાલ આશ્ચર્યથી શ્રીકાંતભાઈ સામે જોઈ રહી. કૈરવ સાથે લગ્નના નિર્ણય સમયે પપ્પામાં જે અવઢવ છલકાતી હતી અત્યારે એ ક્યાંય દેખાતી નહોતી એના બદલે એમના ચહેરા પર નિતાંત શાંતિ અને મૃણાલના સલામત ભાવિ માટેનો વિશ્વાસ દેખાતો હતો. મૃણાલને આ જ જોઈતું હતુ ને?
“સાચી વાત છે પપ્પા હવે મેં મારું આકાશ શોધી લીધું છે જે એકદમ સાફ છે. ક્યાંય કોઈ કાળી વાદળીની છાયા નથી. દૂર સુધી એ નિરભ્રતામાં મારી આન્યાને એક ધ્રુવની ટમટમતી તારલીની જેમ હું જોઈ શકું છું જે મારી દિશાસૂચક બની રહેશે,. હવે પછીના તમામ વર્ષોમાં એને પામવા સુધી ટકી રહેવાનું બળ પણ એ જ બની રહેશે.”
એરપોર્ટ પર મૃણાલ ચેકિંગ કરીને સિક્યોરિટી માટે જતી દેખાઈ ત્યાં સુધી શ્રીકાંતભાઈ ગાયત્રીબેન અને અજયભાઈ ઊભા રહ્યા. મૃણાલે અંદરથી સખ્તાઈ ધારણ કરી લીધી હતી. બહારથી મજબૂત અને સ્વસ્થ દેખાતી મૃણાલે જાણે અંદરથી પણ નિર્લેપતા ધારણ કરી લીધી હતી. એને પોતાનેય ખબર નહોતી કે એ ક્યારે પાછી આવશે. અરે, આવશે કે કેમ એની ય એને ધારણા નહોતી. બસ જવું હતું. આ બધાથી દૂર, આ ઘર, આ નગર, આ શહેર અને ખાસ તો એ બધી જ કડવી યાદોથી. ડર લાગતો હતો કે રખેને એ કડવાશ એના ભીતરમાં ઊતરી ન જાય.
એ પછીના વર્ષોની એકલતા એણે પૂરેપૂરી સ્થિતપ્રજ્ઞતાથી પસાર કરી. કશું જ એને સ્પર્શતુ નહોતું બધું જ પાછળ છોડ્યા પછીની આ નવી દુનિયા સાથે ય જાણે એને કોઈ સંબંધ નહોતો એટલી હદે એ નિર્લેપ બનતી ગઈ.
કામથી કામ અને બાકીનો સમય આન્યાની યાદો….
રોડ આઇલેન્ડની આર્ટ એન્ડ ડિઝાઇન કૉલેજની માસ્ટર્સ ડીગ્રી, એ પછીના બે વર્ષ આર્ટિકલશિપમાં એણે એની જાતને એટલી તો ઓતપ્રોત કરી લીધી કે જાણે એ સિવાયની બીજી કોઈ દુનિયા જ ન હોય. સમય મળે ત્યાં એપરલ અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનિંગ,આર્ટ હિસ્ટ્રી,પેન્ટિંગ, ફોટોગ્રાફીના નાના નાના કોર્સ.
એને એટલી ખબર હતી કે એને શ્વાસ લેવાનો પણ જો સમય મળશે તો એના એક એક શ્વાસ એક યુગ જેટલો લાંબો લાગશે .
આ બધી વ્યસ્તતા વચ્ચે એક પણ દિવસ એવો નહોતો કે એણે આન્યાને જોઈ ન હોય. અજયભાઈ આન્યાની જાણ બહાર મૃણાલને એની દીકરી સાથે મેળવતા રહ્યા હતા. આન્યાની પ્રગતિ જ મૃણાલનાં જીવનની ગતિ હતી.
સ્વદેશ પાછા ફરીને પણ એક વાત નિશ્ચિત હતી કે ભૂતકાળથી જોડાયેલી તમામ કડીઓથી એ દૂર જ રહેશે. મુંબઈ એક એવી નગરી હતી જ્યાં ઘરમાં રહેતો હોય એ માણસ પણ ખોવાયેલો રહે. હજુ ય એને એની પરિચિત દુનિયાથી ખોવાયેલાં રહેવું હતું . એને ઓળખતી દુનિયાથી દૂર રહેવું હતું જ્યાં એને કોઈ અંગત સવાલ ન કરે. જ્યાં એને કોઈ જાણતું ન હોય ત્યાં ખોવાઈ જવું હતું. એને દોડતી, ભાગતી, હાંફતી આ નગરી સાથે તાલમેલ મેળવવા સતત ભાગતા રહેતા લોકોની જેમ એને પણ ભાગતાં જ રહેવું હતું.
કોનાથી મૃણાલ? કોનાથી હજુ તારે ભાગતાં રહેવું છે? ઉકળતા ખદબદતાં પાણીમાં ઉફળતી બુંદોની જેમ ક્યારેક મનમાં સવાલ ઉઠતો પણ એ સવાલનો જવાબ આપવા માટે પણ મન તૈયાર નહોતું કારણકે એના જવાબમાં કંઈ કેટલાય સંદર્ભોના, કેટલાય સંબંધોના સત્યો સપાટી પર આવીને ઊની ઊની વરાળની જેમ એને દઝાડશે એની ય એને ખબર હતી.
સવાલો અને જવાબોના અંગારા ઉપર થઈને પસાર થતી મૃણાલ માટે બસ મૌન એ જ એક મધ્ય માર્ગ હતો જેના પર ચાલીને એના પગ ઓછામાં ઓછા દાઝવાના હતા અને એટલે જ એણે એ માર્ગ અપનાવી લીધો.
મુંબઈ આવીને સ્થિર થઈ , નામ દામ શોહરત મેળવી. એક એવી ઊંચાઇને આંબી જ્યાં પહોંચવાનું ક્યારેક એણે સપનું જોયું હતું.
આ બધાની વચ્ચે એ સતત આન્યા માટે તલસતી રહી, તરફડતી રહી પરંતુ એ તલસાટ એ તરફડાટ ક્યારેય એણે ભીતરની બહાર છલકાવા ન દીધો. ક્યારેક શ્રીકાંતભાઈ કે ગાયત્રીબેનને નવાઈ લાગે એટલી હદે એણે હોઠ સીવી લીધા હતા. શ્રીકાંતભાઈ અને ગાયત્રીબેન અવારનવાર મુંબઈ આવીને મૃણાલ પાસે રહી જતા પરંતુ જ્યાંથી એ નીકળી હતી એ તરફ એણે ક્યારેય પાછા વળીને નજર સુદ્ધાં ન કરી.
આલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments