Archive for January 18, 2023
‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત -પ્રતિભા પરિચય- નિકેતા વ્યાસ
નિકેતા વ્યાસનો ઔપચારિક પરિચય આપવો હોય તો કંઈક આવી રીતે આપી શકાય.
-Niketa vyas is …..CoOp committee member at Gujarati literary academy of North America, Former Committee Member at Federation of Indian Associations NY NJ NE and Clinical Medical Assistant at Robert Wood Johnson Medical School. Clinical Medical Assistant in `Division of Cardio-thoracic Surgery.
જો નિકેતા વ્યાસ વિશે કંઈક વિશેષ કહેવું હોય તો એમ કહી શકાય કે, પ્રિન્સ્ટન મેડિકલ સેન્ટર, રોબર્ટ વૂડ જ્હોન્સન જેવી મેડિકલ સ્કૂલ કે કાર્ડિયો-થોરાસિક સર્જરી ડિવિઝનમાં ક્લિનિકલ મેડિકલ આસિસન્ટ તરીકે સંકળાયેલા હોવાં છતાં એમનામાં ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાંનું ગૌરવ આજે પણ અકબંધ છે. ૧૯૯૧માં અમેરિકાનાં ગાર્ડન સિટી એવાં ન્યુજર્સીમાં આવીને સ્થાયી થયાં પછી ગળથૂથીમાં મળેલું ગુજરાતી ભાષાનું વળગણ હજુ છોડી શક્યાં નથી.
“સરતી રહે કલમ મારી સ્યાહી વિચારોની ભરી
ચીતરાય શબ્દો મૌન અનુભૂતિ ને અક્ષરો કરી”
કહેનારાં નિકેતા વ્યાસ મૂળ ગુજરાતનાં વડોદરા શહેરનાં રહેવાસી. એમનું બાળપણ ડભોઈ જેવા નાનકડાં પણ વિકસિત ગામમાં બા-દાદા સાથે વીત્યું. દાદા વારસાગત શિવમંદિર સાંભળતા તેથી શ્લોકસાહિત્ય હરહંમેશ કાને પડતું. બા પણ કામ કરતાં કરતાં ભજન અને દોહા લલકારતાં જાય. આવા પાવન વાતાવરણ વચ્ચે ઉછરેલાં નિકેતાબહેનને અનાયાસે આ શ્લોક, ભજન અને દોહા કંઠસ્થ અથવા કહો કે હૃદયસ્થ થતાં રહ્યાં.
જીવનનાં સાચાં ઘડતરનો બીજો પાયો એટલે સ્કૂલ. નિકેતાબહેનનાં નસીબે શિક્ષકો પણ એવા જ મળ્યાં જેમનાં થકી સ્કૂલમાં ભાષાની ધરોહર વધુ મજબૂત બની. આજે આટલાં વર્ષો પછી પણ નિકેતાબહેન એમનાં શિક્ષકોનું ઋણ સ્વીકારે છે. એમની ભાષાસમૃદ્ધિનું શ્રેય શાળા સમયના શિક્ષક શ્રી ઉપાધ્યાયને આપતાં કહે છે કે, ઉપાધ્યાયસરે હંમેશાં એમને જીવનની સાચી દિશા તરફ વાળ્યાં. ભારતમાં હતાં ત્યાં સુધી ભાષા સાથેનું ઐક્ય જળવાઈ રહ્યું.
૧૯૯૧માં ભારતથી દૂર સાત સમંદર પાર અમેરિકા આવ્યાં બાદ પાશ્ચાત્ય સંસ્કૃતિની વચ્ચે પૂર્વીય સંસ્કારોથી અલગ થવાશે એવી શક્યતા નકારી શકાય એમ નહોતી. જેનાથી અથવા જેમનાંથી દૂર થવાનું આવે ત્યારે એનું અને એમનું મૂલ્ય વધી જાય એ સ્વાભાવિક છે. એવા સંજોગોમાં સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં રહેવા માટે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, પુસ્તકોનો જ સથવારો કામ લાગ્યો.
૧૯૯૧માં અમેરિકા આવીને સ્થાયી થવાનું સરળ નહોતું. સ્થાયી થવાં માટે આર્થિક ઉપાર્જન સૌથી મહત્વનું અને જરૂરી હતું. બી.કૉમ થઈને આવેલાં નિકેતાબહેને ફૂડ સ્ટોર, મૂક-બધિર બાળકોની શાળામાં આસિસ્ટન્ટશિપ, ટાઉનશિપમાં ક્લાર્ક જેવી નોકરીની સાથે અનેક કોર્સ કર્યા.
હૈયામાં હામ હોય તો હરિ પણ સાથે દે, એવી રીતે નિકેતાબહેનના નસીબના પલટાની શક્યતા જેવી ડૉક્ટરની ઑફિસમાં મેડિકલ આસિસ્ટન્ટ માટેની એક જાહેરખબર જોવામાં આવી.
સૌ પહેલો તો વિચાર એ જ આવ્યો કે બી.કૉમ પાસને આવી ઇન્સ્ટીટ્યુટમાં ક્યાં એડમિશન મળે પણ, અમેરિકા શક્યતાઓનો દેશ છે. અહીં ભણવા માટે તમામ ફિલ્ડના દરવાજા સૌ માટે ખુલ્લા હોય છે. નિકેતાબહેને મેડિકલ આસિસ્ટન્ટ માટે જરૂરી એવા કોર્સ ઉચ્ચતર ક્રમાંક સાથે પાસ કર્યા અને મેડિકલ ફિલ્ડ સાથે એમની સફર શરૂ થઈ ગઈ.
શરૂઆતનાં નવ વર્ષ આ જોબ કરી. હાલમાં છેલ્લાં દસ વર્ષથી ન્યુજર્સીની રોબર્ટ વુડ જ્હોન્સન હોસ્પિટલની કાર્ડિયોથોરાસિક ડિપાર્ટમેન્ટમાં મેડિકલ આસિસ્ટન્ટ અને અડ્મિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની જોબ કરી રહ્યાં છે. વચગાળાના કોવિડના કેર વચ્ચે પણ નિકેતાબહેને સતત ફ્લોર પર સેવા આપી છે.
હવે વાત આવે છે પ્રોફેશન સાથે પેશનની. જીવનની રફ્તાર સ્થિરતાએ પહોંચ્યાં પછી મન પાછું માળવે પહોંચવા આતુર બન્યું. નાનપણથી સાહિત્ય સાથે સંકળાયેલો જીવ ફરી એક વાર હાથમાં કલમ લેવા તત્પર બન્યો.
નિકેતા વ્યાસની જ એક રચના..
“લખવું તો હતું મારે ય
એકાદું કવિતા…કે સુવિચાર!
આંગળિયો સાલી સળવળે છે ને,
હાથ લોહચુંબકની જેમ વારે વારે
મેજ પર મુકેલ કોરા કાગળની પાતળી થપ્પીને
સાચવીને એની ઉપર મુકેલ કલમ તરફ”
વળી અન્ય રચનામાં લખે છે કે,
“મૂંઝવણમાં છું એકાદ પંક્તિ ક્યાંકથી
ઉતરી આવે અને મારી ભાષામાં અજવાળું થવા લાગે.”
આવું લખનારાં નિકેતાબહેને એકાદ નહીં અનેક કવિતાઓ લખી. વર્ષો પહેલાંની હૃદયસ્થ ભાષામાંથી એકાદ નહીં અનેક પંક્તિઓ કાગળ પર ઉતરી આવી અને અજવાસ રેલાવા માંડ્યો.
પતિ, પરિવાર અને મિત્રો તરફથી પ્રોત્સાહન મળતાં નિકેતાબહેને લેખનનાં શ્રીગણેશ આદર્યા અને સાહિત્ય સર્જક તરીકે નામના પામ્યાં.
નિકેતાબહેનનું સર્જન ગદ્ય અને પદ્ય એમ બંનેમાં ઉપલબ્ધ છે. નિકેતા વ્યાસે ગુજરાતીની સાથે હિંદીમાં અને આંશિક રીતે અંગ્રેજીમાં પણ લખ્યું છે. નિકેતાબહેને હાઇકુ, ગીત, ગઝલ લખ્યાં છે પરંતુ એમનો મૂળ ઝોક તો અછાંદસ તરફ જ રહ્યો છે. મોકળા મને કહે પણ છે કે, એમને છંદમાં બંધાઈને સ્વચ્છંદપણે લખવામાં મઝા આવે છે. આમ જોઈએ તો વાત સાચી પણ ખરી, લાગણીઓને તે વળી બંધન શા? એને તો વહેતી રાખવામાં જ મઝા.
નિકેતાની રચના “છીપલાની છાતીમાં” રચનાને યુ ટ્યુબ પર હિમાલી વ્યાસ નાયકે કંઠ આપ્યો છે.
નિકેતા વ્યાસ અને કવિ સાકેત દવેનો સંયુક્ત કાવ્યસંગ્રહ ‘સ્પંદન’ પ્રકાશિત થયો છે. બીજા બે પુસ્તકો ટૂંક સમયમાં પ્રકાશિત થશે. નિકેતા વ્યાસની રચનાઓ એમના બ્લોગ vyasniketa.wordpress.com પર વાંચી શકાશે.
આલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments