Archive for January 27, 2023
‘એ નાનકડાં પંખી’ ગરવી ગુજરાત ( લંડન)માં પ્રસિદ્ધ ભિષ્મ સાહની લિખિત વાર્તા- दो गोरैयाને આધારિત ભાવાનુવાદ
આમ તો અમારાં ઘરમાં પિતાજી, મા અને હું એમ ત્રણ જણાં રહેતાં છતાં પિતાજી અમારાં ઘરને સરાઈ કહેતા. કારણ..? કારણકે અમે ત્રણ જાણેઘરના મહેમાન અને ઘરનો માલિક કોઈ બીજો હોય એવો ઘાટ હતો.
ઘરઆંગણમાં આંબાનું ઝાડ અને એની પર અનેકવિધ પંખીઓનો બસેરો. પિતાજી કહેતા એમ જે કોઈ દૂર પહાડો પરથી દિલ્હી આવે એ અમારા ઘરનું સરનામું લઈને નીકળ્યા હોય એમ સીધા અમારા ઘેર પહોંચી જ જાય છે. પછી તો, બાપરે… ભેગાં થઈને એટલો કલશોર મચાવે કે કાનનાં પડદા ફાટી જાય.
બાકી હતું તો ઘરમાં વીસ-પચ્ચીસ ઉંદરડાઓનું સામ્રાજ્ય. ધમાચકડી એટલી હોય કે અમે ભાગ્યેજ શાંતિથી સૂઈ શકતાં. ઘડીકમાં ડબ્બા પછાડે તો ઘડીકમાં કપ-રકાબી ફોડે. એક ઘરડો ઉંદરડો ઠંડી લાગતી હોય એમ ચૂલાની પાછળ ભરાયો હોય તો બીજાને ગરમી લાગતી હોય એમ બાથરૂમની ટાંકી પર જઈને બેઠો હોય. બિલાડીને રહેવા માટે અમારું ઘર કદાચ પસંદ નહોતું પણ, ક્યારેક દૂધ પીવા આંટો મારી જતી ખરી. સાંજ પડતાં બેચાર વડવાગોળ ઘરમાં ઘૂસી આવતી. આખો દિવસ ગુટર-ગુંનું સંગીત પીરસતાં કબૂતરો અને કીડીઓની જમાત પણ ખરી.બાકી હતું તો બે ચકલીઓ ઘર રહેવા યોગ્ય છે કે નહીં એમ આવીને જોઈ ગઈ હતી. ઘડીકમાં બારીમાં તો ઘડીક જાળિયાં પર આવતી અને ઊડી જતી. બે દિવસ પછી જોયું તો છત પર લટકતા પંખા પર બેઠી બેઠી બંને ગીતો ગાતી હતી. બીજા બે દિવસ અને પંખાની ઉપર માળો બનાવી લીધો હતો. જાહેર હતું કે એમને અમારું ઘર ગમી ગયું હતું.
“હવે તો એ અહીં જ રહેશે.” મા બોલી.
આ સાંભળીને પિતાજીનું માથું ઠમક્યું.
“ના કેમ જાય. હમણાં જ કાઢું.”
“અરે છોડો જી. હજુ સુધી ઉંદરડા તો કાઢી શક્યા નથી અને આમને કાઢશો?”
માએ વ્યંગબાણ છોડ્યું. અને બસ, પછી તો પિતાજી એ નાનકડાં પંખીની પાછળ પડી ગયા. પંખાની નીચે ઊભા રહીને તાલી પાડી, હાથ હલાવી શુ…શુ…કહીને એમને ઉડાડવા મથ્યા.
ચકલીઓને માળામાંથી ડોકું કાઢ્યું અને ચીં…ચીં કરતી નીચે જોવા માંડી. મા ખિલખિલ કરતી હસી પડી.
“આમાં હસવા જેવું શું છે?” પિતાજીનો રોષ વધ્યો.
“એક ચકલી બીજીને પૂછે છે કે. આ નીચે ઠેકડા મારીને નાચે છે એ આદમી કોણ છે?” માએ નિરાંતે જવાબ આપ્યો.
માને આવા સમયે પિતાજીની મજાક ઊડાવવાનું બહુ ગમતું. આ મજાકથીપિતાજીનો ગુસ્સો ઓર વધ્યો. પહેલાંથી પણ વધુ ઊંચા થઈને ચકલીઓને ઊડાડવા માંડ્યા. ચકલીઓને જાણે પિતાજીનું નાચવાનું પસંદ આવ્યું હોય એમ બીજા પંખા પર જઈને બેઠી.
“એ હવે નહીં જાય, એમણે ઈંડા મૂકી દીધાં હશે.” મા બોલી.
“ના કેમ જાય?” બોલતા પિતાજી બહારથી લાકડી લઈ આવ્યા તો ચકલીઓ માળામાં ઘૂસી ગઈ. પિતાજીએ પંખા પર લાકડી ઠોકવા માંડી તો પિતાજી જોડે પકડદાવ રમતી હોય એમ ચકલીઓ ઊડીને પરદા પર જઈ બેઠી.
“આટલી બધી તકલીફ લેવાની ક્યાં જરૂર છે, પંખો ચાલુ કરી દેવાનો હોય ને?” માને હવે આ ખેલમાં મઝા આવતી હતી. મા જેટલી હસતી એટલા પિતાજી વધુ અકળાતા. પિતાજી લાકડી લઈને પરદા તરફ ધસ્યા. ચકલીઓને પેંતરોં બદલ્યો. એક ઊડીને રસોડાનાં બારણે અને બીજી સીડી પર જઈને બેઠી.
“ભારે સમજદાર તમે તો…બારણાં બધાં ખુલ્લા રાખીને એમને બહાર કાઢો છો? બધાં બારણાં બંધ કરીને એક બારણું ખુલ્લુ રાખો અને બહાર જાય પછી એ બંધ કરશો તો કંઈ પત્તો પડશે.” માએ બેઠાં બેઠાં ઉપાય બતાવ્યો.
માનાં સૂચનનો અમલ કરવામાં આવ્યો. હવે શરૂ થઈ ચકલીઓ અને પિતાજી વચ્ચે ધમાચકડી. પિતાજીની અહીંથી ત્યાં, ત્યાંથી અહીં દોડાદોડ અને ચકલીઓની ઊડાઊડ જોવા જેવી હતી. અંતે રસોડાનાં ખુલ્લા બારણાંમાંથી બંને બહાર ઊડી ગઈ અને પિતાજી નિરાંતનો શ્વાસ લઈને બેઠા.
“આજનો દિવસ બારણાં બંધ રાખજો. એક દિવસ ઘરમાં ઘૂસી નહીં શકે તો આપમેળે ઘર છોડી દેશે.” યુદ્ધ જીતેલા રાજાની જેમ પિતાજીએ ફરમાન કર્યું.
એટલામાં તો ફરી ચીં…ચીં.. ખબર નહીં ક્યાંથી પાછી આવીને માળામાં ગોઠવાઈ ગઈ. મા ફરી ખિલખિલ કરતી હસી પડી.
આ વખતે બારણાંની નીચેથી ઘૂસી ગઈ હતી. બારણાંની નીચે કપડાંનો ડૂચો માર્યો તો બારીનાં તૂટેલા કાચમાંથી અંદર આવી.
“હવે તો ચકલીઓ ઈંડા મૂક્યાં હશે, એમને બહાર કાઢવાનું બંધ કરી દો.” મા આ વખતે ગંભીર હતી.
એમ કંઈ પિતાજી માને? ચકલીઓ અંદર આવે એ પહેલાં એમણે બારીનાં તૂટેલા કાચ પર કપડાંનો ડૂચો ભરાવ્યો. સાંજે જમતાં પહેલાં આંગણાંમાં નજર કરી, ચકલીઓ ક્યાંય દેખાઈ નહી. હવે નહીં આવે માનીને સૌ સૂઈ ગયાં. બીજા દિવસે ઊઠીને જોયું તો મઝાની મલ્હાર રાગ છેડતી પંખા પરબેઠી હતી. કોને ખબર ક્યાંથી અંદર ઘૂસી આવતી હશે પણ, આ વખતે એમને બહાર કાઢવામાં પિતાજી ઝડપથી સફળ થયા પણ આ રોજની ઘટના બની ગઈ. પિતાજી એમને કાઢે અને એ ફરી અંદર. પિતાજીએ હવે એમનો માળો જ વિખેરવાનો નિર્ણય લઈ લીધો.
“કોઈને સાચે ઘરની બહાર કાઢવા હોય તો એમનું ઘર જ તોડી નાખવું જોઈએ.” ગુસ્સાથી માથું જાણે ફરી ગયું હોય એમ પિતાજી બોલ્યા અને વિચારને તાત્કાલિક અમલમાં મૂકવા સજ્જ થયા. માળાને તોરણથી સજાવ્યો હોય એમ થોડાં તણખલાં બહાર લટકતાં હતાં એને લાકડીમાં લપેટીને ખેંચવાં માંડ્યાં. બેચાર તણખલાં ઊડીને નીચે પડ્યાં.
“ચાલો બે કાઢ્યાં એમ બાકીની બે હજાર પણ કાઢી લેવાશે નહીં? “ માએ હસીને કહ્યું.
બહાર ચકલીઓ જાણે ચીંચીં કરવા કરવાનું ભૂલી ગઈ હોય સાવ લાચાર અને નિમાણી થઈને બેઠી હતી પણ, પિતાજી તો માળો કાઢવાની ધૂનમાં માળામાંથી લટકતાં સૂકા તણખલાં, રૂનાં રેસા, કપડાંનાં ચીંદરડાંખેંચવામાં લાગેલા હતા. અચાનક ચીં..ચીં…ચીં..ના અવાજથી એમનાઅટકી ગયા. “હેં…આ પાછી આવી?”
પણ ના, એ તો બંને સૂનમૂન એવી બહાર બેઠી હતી. પંખાના ગોળા પર જોયું તો બે નાનાં બચ્ચાં ડોકાં કાઢીને એમની તમામ શક્તિ એકઠી કરીને ચીં..ચી..ચીં કરતાં પોતાનાં માબાપને બોલાવી રહ્યાં હતાં જાણે કહેતાં હતાં કે, અમે આવી ગયાં છીએ. અમારાં માબાપ ક્યાં છે?
અમે સૌ અવાક. પિતાજીએ માળામાં ખોસેલી લાકડી ખેંચી લીધી અને આવીને ચૂપચાપ ખુરશીમાં બેસી ગયા. માએ ઊઠીને ઝટપટ બધાં બારણાં ખોલી નાખ્યાં.
બચ્ચાંઓનાં માબાપ પાંખો ફફડાવતાં ઝટપટ અંદર આવીને નાનકડાં બચ્ચાંઓની ચાંચમાં ચણ ઓરવાં માંડ્યાં. અમે સૌ એમની તરફ તાકી રહ્યાં. ઓરડામાં ફરી કલશોર મચી ગયો.
આ વખતે પિતાજીના ચહેરા પર રોષ નહોતો. પહેલી વાર એ આ નાકકડાં પંખીઓને જોઈને મલકતા હતા.
Recent Comments