udta punjab – Filmreview

th.jpg 1111

૧૯૬૭માં આવેલી મનોજકુમારની ફિલ્મ’ ઉપકાર’નું એક ગીત ‘ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી’ ગીત કદાચ પંજાબના ધાન્યથી ભરપૂર લહેરાતી ઝુમતી ફસલો માટે જ લખાયુ હશે પણ આજનું પંજાબ એક જુદી જ તાસીર લઈને ઝુમી રહ્યું છે. ભારતિય સેનામાં જવાનોની ભરતીમાં પણ મોટાભાગે કદાચ સૌથી વધુ પંજાબનું યુવા ધન મોખરે હતું. દુશ્મનોને જોઇને જેમને જેર કરવા લોહી ખોલી ઉઠતું  એ જ પંજાબના યુવા ધનના લોહીમાં આજે નશીલી દવાઓ વહેતી થઇ ગઈ છે ત્યારે એના માટે કોણ જવાબદાર? પાકિસ્તાને તો ભારતની ઘોર ખોદવાની એકપણ કસર છોડી નથી. નશાની ચુંગલમાં હદથી વધુ ફસાયેલા પંજાબ માટે પણ પાકિસ્તાની બોર્ડર કુદાવીને ફેંકાતા ડ્રગ્સ માત્ર જ જવાબદાર છે? એ તો છે પણ સાથે સાથે એ ડ્રગ્સને ભારતની સીમા વળોટીને પંજાબ સુધી પહોંચતા કરવામાં આંખ આડા કાન કરતાં રાજકારણી, પોલિસ વધુ જવાબદાર ન કહેવાય?

 

આ હકિકતને જનતા જનાર્દન સુધી લઈ જવા માટે નિર્દેશક અભિષેક ચૌબેને દાદ આપવી રહી. આજ સુધી આ ફિલ્મને સેન્સરે નાપાસ કરવા અને એને પાસ કરાવવા માટે અનુરાગ કશ્યપે કરેલા તમામ પ્રયત્નોથી તો સૌ વાકેફ છે જ.  એટલે એ અંગેની ચર્ચામાં ન ઉતરીએ તો પણ એક હકિકત ‘ઉડતા પંજાબ’માં જે રીતે બયાન થઈ છે તે એ છે કે આજ સુધી યશ ચોપ્રા કે સુભાષ ઘાઇની ફિલ્મોમાં જોયું એ સોણુ સોજ્જુ લીલુછમ પંજાબ આજે કોઇ જુદા જ રંગમાં નજર  સામે આવ્યું છે અને તે છે ભયાનક કારમો નશામાં ડૂબેલો કાળો રંગ. આ ફિલ્મ સહન કરવાની તો વાત ઘણી અઘરી છે પણ જોવાની પણ તાકાત જોઇએ એવી વસમી-કારમી વાસ્તવિકતાનું ચિત્રણ છે.

 

એક સાથે ત્રણ પાત્રોની આસપાસ ગૂંથાયેલી જાળ તો એક જ છે અને તે છે ડ્રગ્સનો નશો. આ જાળના સકંજામાં અટવાયેલા રહેવું પણ કપરું અને એનાથી ઉગરવું વધારે કપરુ. એક તરફ છે ટોમી સિંહ-( શાહિદ કપૂર) રોક સ્ટાર છે જે નાક વાટે ઠસોઠસ ડ્રગ ભર્યા પછી સ્ટેજ પર પરફોર્મ કરી શકે છે. આ રોકસ્ટારને પોલિસે જેલ ભેગો કર્યો ત્યારે એની સાથે કોટડીમાં પુરાયેલા એના આશિક એવા બે યુવાનો પાસેથી જાણ થાય છે કે એને જ જોઇને એ ડ્રગ્સના બંધાણી થયા છે ત્યારે એને સમજાય છે કે રોલ મોડલ બનીને એણે આ યુવાન પેઢીને કેવી બરબાદ કરી છે.

 

બીજો છે સબ ઇન્સ્પેક્ટર સરતાજ સિંહ( દિલજીત દોસાંજ) જે દસ હજારનો કટ લઈને કોઇપણ ટ્રકને ચેક પોસ્ટ પરથી પસાર થવા દે છે ભલેને પછી એમાં ડ્રગ્સ કેમ ન હોય. આ સરતાજને જ્યારે ખબર પડે છે કે એણે પાસ થવા દીધેલી ટ્રકોમાં રહેલી નશીલી દવાઓનો ભોગ એનો નાનો ભાઇ બન્યો છે અને જ્યારે એના પગ નીચે રેલો આવે છે ત્યારે એને સમજાય છે કે એની દસ હજારની લાલચે એના ઘરમાં શું આતંક મચાવ્યો છે.

 

ત્રીજી છે એક બિહારી છોકરી (આલિયા ભટ્ટ) જેના હાથમાં ખેત મજૂરી કરતાં બોર્ડરની પેલે પારથી ફેંકાયેલું ત્રણ કિલો હેરોઇનનું પેકેટ આવે છે. એ પેકેટ વેચીને ઘણા બધા રૂપિયા મેળવીને બધી તકલીફોનો એક સાથે અંત આણવાની લાલચમાં એ પોતાના જ પગ પર કુહાડો મારે છે. દુઃખોનો અંત આવવાના બદલે જે કારમી વેદનામાંથી પસાર થવાનું આવે છે એ જોઇને તો પ્રેક્ષકોના હ્રદયમાં અરેરાટી થઈ આવે.

 

એની સામે છે આ બંધાણીઓને નશાના ચુંગાલમાંથી બહાર લાવવા સતત કાર્યરત રિહૅબિલિટેશન સેન્ટરની ડૉક્ટર ( કરીના કપૂર). એનો આક્રોશ આ બંધાણીઓ કરતાંય એવી ફાર્માસ્યુટીકલ કંપની સામે વધુ છે જે આવી પ્રતિબંધિત દવાઓને ગેર કાનૂની રીતે બનાવીને વેચે છે અને આ ગેર કાનૂની ગોરખ ધંધાને સાથ આપતા લોકો સામે છે.

 

આ  અલગ અલગ પરંતુ સમાંતર ચાલતી ત્રણ કથાનો એક જ સૂર હોવાથી એ મોટાભાગે ક્યાંય તાલ ચૂકતી નથી. કોઇપણ જુગલબંધી સુરીલી હોય તો સાંભળવી ગમે છે પરંતુ ‘ઉડતા પંજાબ’નો મનમાં વિષાદ ઉભો કરતા આ સૂર એક હદથી લંબાતો હોવાથી મન અકથ્ય ભાર અનુભવે છે. ફિલ્મ જોવી છે અને છતાંય જોઇ શકાતી નથી એવી બેવડી ફિલીંગ પ્રેક્ષક શરૂથી અંત સુધી અનુભવ્યા જ કરે છે. જે કંઇ બની રહ્યું છે એમાંનું કશું જ ચુકી ન જવાય અને તેમ છતાં એ ઝડપથી આગળ વધે તો સારું એવા મનના ઉત્પાત સાથે આખી ફિલ્મ જોવાતી જાય છે. જે ગીતથી ફિલ્મ આરંભાઇ છે એમાં જ લગભગ વર્તમાન પંજાબનો ચિતાર નિર્દેશકે આપી દીધો છે. નસોમાં ડ્રગ્સ વહેતી થાય અને બંધાણીના મન કે શરીર પર જે અસરો ઉભી થવા માંડે એ માત્ર પરદા સુધી સિમિત નથી રહેતી સાથે  પ્રેક્ષક પણ એ વેદનામાં ઘસેડાતો જાય છે.નશો કર્યા પછી લાંબો સમય બંધાણી એમાં ડૂબેલો રહે છે એમ પ્રેક્ષક પણ આ ઓથારમાંથી લાંબો બહાર નિકળી શક્તો નથી. ફિલ્મને ભૂલી જવી છે પરંતુ ભૂલી શકાતી નથી એટલી હદે એ મન પર ખડકાયેલી રહે છે. એમાં કમાલ માત્ર નિર્દેશકની જ નથી એના અદાકારોની પણ છે.

 

નશામાં ચૂર રહેતા શાહિદની ઉન્માદી અવસ્થા જોઇને એ ક્યારેક લવર બોય કે રોમેન્ટીક હીરો તરીકે આવ્યો હશે કે કેમ એ વિચારવું પડે. જાતને રોકવાની મથામણ કરતો ટોમી સિંહ અચાનક જ જે રીતે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય અને સ્ટેજ પર કે એના હિતેચ્છુ સાથે બેફામ વર્તન પર ઉતરી આવે એ જોઇને ‘હૈદર’નો શાહિદ જરૂર યાદ આવે.

 

કોઇપણ વ્યક્તિ આદર કે નફરતને પાત્ર નથી હોતી. એ આદર કે નફરત એના કાર્યોની આધારિત હોય છે. માત્ર દસ હજારનો કટ લઈને ડ્રગ ભરેલી ટ્રક ચેક પોસ્ટ પરથી જવા દેતો સરતાજ મનમાં જે રીતે ધૃણાને પાત્ર બને છે એ જ સરતાજ રિહૅબિલિટેશન સેન્ટરની ડૉકટર ( કરીના કપૂર) ની જોડા જોડ ઉભો રહે છે ત્યારે એના માટે આદર પણ ઉભો થાય એવી રીતે બંને પાસાને દિલજીતે ઉજાગર કર્યા છે. આ ફિલ્મમાં મનને રાહત આપતા બે પાત્રો છે દિલજીત દોસાંજ અને કરીના કપૂર. જ્યારે જ્યારે એ બંને સાથે આવે છે ત્યારે કશુંક સારું બનવાની અપેક્ષા મનમાં ઉભી થાય છે.એ બંનેનો એકબીજા માટે અનુભવાતો સહેજ સહેજ ઇલુ ઇલુ ભાવ મનને એટલી તો રાહત આપી જાય છે કે જાણે રણમાં અનાયાસે અચાનક જોયેલું મૃગજળ. ગ્લેમરના અનેક કિરદારો નિભાવ્યા પછી કરીનાએ સહાનુભૂતિથી છલોછલ સીધા સાદા આ પાત્રને પણ સરસ ન્યાય આપ્યો છે.

 

પરંતુ સમગ્ર ફિલ્મમાં જો સૌથી વધુ આશ્ચર્ય થાય તો એ આલિયાને જોઇને. ક્યુટ ક્યુટ ઢીંગલી જેવી આલિયાએ સાચે જ ખેત મજૂર જેવા દેખાતા મેકઅપ વગરના રોલને સ્વીકારીને એનામાં અભિનયની પણ તાકાત છે એ દર્શાવી દીધું છે. સુખની ચાવી શોધતા શોધતા દુઃખના , અકથ્ય શારીરિક તેમજ માનસિક વેદનાના પિંજરમાં પુરાયેલી, સતત એમાંથી છુટવા તરફડતી આલિયાએ પ્રેક્ષકોના હ્રદયને ભિંજવી દીધુ છે. જે રીતે એને જબરદસ્તી નશીલી દવાઓ આપીને નિસહાય બનાવી દેવામાં આવી છે- આંખોમાં સતત ડોકાયા કરતી એ નિસહાયતા, ચહેરા પરની ભાવ શૂન્યતા એક પણ શબ્દ બોલ્યા વગર એણે જબરદસ્ત વ્યક્ત કરી છે. બંધ બારણે એની સાથે આચરવામાં આવતી ક્રૂરતા સીધે સીધી બતાવવામાં નથી આવી તેમ છતાં એ ક્રૂરતા દિલ-દિમાગને ક્ષુબ્ધ કરી મુકે છે. અન્ય ફિલ્મોમાં દર્શાવવામાં આવતા રેપ સીન જેવા એકપણ સીધા રેપ સીન અહીં નથી તેમ છતાં શર્ટ ઉતાર્યા પછીની આગળની સંભાવના કોઇપણ ભયાનક રેપ સીનથી ઓછી નહીં હોય એ કલ્પના માત્ર થથરાવી મુકે એવી છે. માંડ માંડ ભાગવામાં સફળ થયેલી આલિયાનો ઘડી બેઘડીનો શાહિદ સાથેનો સંગાથ પણ એના પાત્રમાં પણ બીજા અનેક રંગોના લસરકા જોવા મળે છે. નશા સાથે અને નશા વગર પણ ઉત્પન્ન થતા ઉન્માદ, એના ભૂતકાળના જવાબમાં વ્યક્ત થતો આક્રોશ અને શાહિદને બચાવવાનું ઝનૂન એક સાથે જે રીતે થોડા સમયમાં એ રજૂ કરી શકી છે એ એના અભિનયની તાકાતનો પરચો છે.

 

અભિનયની અને  નિર્દેશનની કમાલ હોવા છતાં ફિલ્મમાં એટલા ઘેરા શેડ છે કે આ અઢી કલાકની ફિલ્મ પુરી થતા તો ઉંડા પાણીના તળિયે પહોંચ્યા પછી એમાંથી બહાર આવવાના ફાંફા પડે એવા ફાંફા પડવા માંડે. અસલી પંજાબી લઢણની ખાસિયત પંજાબનો પરિચય કરાવે છે પણ સાથે ગાળોની ભરમાર મગજ પર હથોડાની જેમ વાગ્યા કરે છે.

 

આટલી ક્રૂર વાસ્તવિકતા દર્શાવ્યા પછી એનો ઉકેલ શું એ તો પ્રેક્ષકોએ જ નક્કી કરવાનું હોય એમ અધવચ્ચે છોડી દીધું છે.

 

 

કલાકારો- શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, દિલજીત દોસાંજ

 

નિર્માતા- એકતા કપૂર, શોભા કપૂર, અનુરાગ કશ્યપ

 

નિર્દેશક-અભિષેક ચૌબે

 

સંગીત- અમિત ત્રિવેદી

 

ફિલ્મ *** એક્ટીંગ**** મ્યુઝીક ** સ્ટોરી***

Advertisements

જૂન 19, 2016 at 5:56 પી એમ(pm) 7 comments

આર્ચીસ નેશનલ પાર્ક :(યુ.એસ.એ)

૨૮ ઓક્ટોબર ૨૦૧૭/ નવગુજરાત સમય (ફેમિના) માં પ્રસિદ્ધ લેખ

ઇશ્વર જેવો અદ્ભત કલાકાર કે શિલ્પી અન્ય કોઇ હોઇ શકે? એ ક્યાંક આકાશમાં તો ક્યાંક અવની પર કુદરતી રંગોના લસરકાથી અજબ જેવી રંગછટા સર્જી દે તો ક્યાંક શિલ્પી બનીને વહેતી હવા કે પવનનું વણ દેખ્યું ટાંકણુ લઈને અદ્ભૂત શિલ્પનું સર્જન કરી દે કંઇ કહેવાય નહીં. આવા એક નહીં અનેક શિલ્પોની નગરી વચ્ચે અમે ઉભા હતા અને કુદરતે કંડારેલા એક પછી એક શિલ્પ જોઇને આભા બની રહ્યા હતા.

અહીં વાત કરવી છે પૂર્વીય યુટાહના આર્ચીસ નેશનલ પાર્ક અને યુટાહની દક્ષિણ-પશ્ચિમે આવેલા બ્રાયસ નેશનલ પાર્કની.

કોલોરાડો નદીની નજીક મોઆબની ચાર માઇલ ઉત્તરે આવેલા યુટાહના પૂર્વીય ખૂણે ફેલાયેલા આર્ચીસ પાર્કની ખૂબી જોઇને દંગ રહી જવાય . માત્ર સેન્ડ સ્ટોન એટલે કે ભુકરિયા પથ્થર અને રેતીથી રચાયેલી વિશ્વમાં સૌથી વધારે સંખ્યામાં અને અત્યંત આકર્ષક દેખાતી કમાનોથી શોભી રહેલો આ આર્ચીસ પાર્ક કોલોરાડોના પથરીલા પહાડ પરની સપાટ જમીન પર કુદરતી કરામતનો કમાલનો નમૂનો છે.

અહીંનો ઇતિહાસ કહે છે કે આશરે દસ હજાર વર્ષ પહેલા હિમયુગના સમયકાળથી માનવ વસાહતે આ વિસ્તાર પર કબજો જમાવ્યો હશે. સ્પેનિશ મિશનરીથી માંડીને યુરોપિયન-અમેરિકનો પણ અહીં આવ્યા અને ગયા પરંતુ આર્ચીસ પાર્કની સુંદરતા આજે પણ અહીં યથાવત છે. એક બાબતની અમેરિકનોને દાદ આપવી રહે કે અહીં કુદરતે જ્યાં જેટલી સુંદરતા પાથરી છે એનું જતન તો કર્યું જ છે. ક્યાંય કોઇ દૂષણ કે પ્રદૂષણથી એને ખરડી તો નથી જ. અહીં આવતા અનેક પ્રવાસીઓને જોયા , કારોના કાફલા જોયા પરંતુ તેમ છતાં અહીં ક્યાંય કોલાહલ નથી અને એટલે જ જુલાઇ મહીનાના ધોમ ધખતા દિવસોમાં ય આ આર્ચની નીચે ઉભા રહીને ઉકળાટનો અનુભવ થવાના બદલે એક અજબ જેવી શાતા મળી.

૭૬.૬૭૯ એકરમાં પથરાયેલા આ નેશનલ પાર્કની નીચેની ભૂમિ કરોડો વર્ષો પહેલા સમુદ્રમાંથી બાષ્પીભવન થયેલા મીઠાના હજારો ફુટની જાડાઇની બનેલી છે જેના લીધે આ ખડકાળ બાંધણીની શક્યતા હોઇ શકે. આર્ચીસ પાર્ક પર પહોંચીને કલ્પના પણ ન આવે કે કરોડો વર્ષો પહેલા જમીનની નીચેની ઉથલ-પાથલમાંથી ઉદ્ભવેલું સ્થાન આ છે.

ક્યાંક કોઇ જગ્યાએ ખડકોનું વચ્ચેથી ધોવાણ અને કોતરણ થતું ગયું. હવા-પવનની રૂખ એને એક એક અલગ ઘાટ આપતી ગઈ. આછા નારંગી- ઘાટા ગુલાબી અને આછા પીળા રંગનું અનોખુ મિશ્રણ ધરાવતા ભુકરિયા પથ્થરના આખે આખા ખડકો ધીમે-ધીમે ઘસારો પામીને કોરાતા ગયા. આ કોતરણમાંથી ઉભી થઈ આકર્ષક આર્ચ- કમાન. કુદરતે જાણે એની જ રચેલી દુનિયામાં પ્રવેશવાનું દ્વાર ખોલ્યું ના હોય ! એ મોટી મસ ગોળાકાર કમાનની પેલે પાર ખડકાળ પથ્થરોથી દૂર નજર પહોંચે ત્યાં સુધી આગળ દેખાતી જમીન અને એની પર ઝળૂંબતું આકાશ.
કોઇ જગ્યાએ ગુફામાં પ્રવેશવા માટે રસ્તો કોર્યો હોય તો ક્યાંક કોઇ ગઢની અંદર પ્રવેશવા માટે બે સ્તંભ ઉપર જાળવીને કમાન ગોઠવી દીધી હોય એવું લાગે. આગળ જતાં ઉભા પથ્થર પર ગોઠવાયેલા અને પોતાનું બેલેન્સ જાળવતા ગોળમટોળ પથ્થરને જોઇને માથે પાણીનું બેડું સંભાળીને ચાલતી પનિહારીની છબી મન સામે ઉભી થાય તો ક્યાંક કોઇ જગ્યાએ નિંરાતવા વાતોએ વળગ્યા હોય એવા ત્રણ ઉભા ખડકોને જોઇએ તો એમ લાગે કે પથ્થરો પણ બોલતા જ હશે ? અને ત્યારે એને આપેલું “ ધ થ્રી ગોસિપ્સ” નામ પણ યથાર્થ લાગે. આગળ વધતાં એક ખુબ મોટા ખડક પર કતારબંધ ઉભેલા હાથીઓ જેવી ઇમેજ જોઇને લાગે કે કોઇ રાજા-મહારાજાની સવારી નિકળવાની તૈયારી છે.

અમદાવાદના રહેવાસીઓ ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજા પાસેથી ય પસાર થયા હશે અને મુંબઈ ગેટ વૅ ઓફ ઇન્ડીયા પણ જોયો હશે. આર્ચીસમાં આવા મોટા ખડકમાંથી કોતરાયેલા બોગદા આપણને આવા કોઇ દરવાજાની યાદ અપાવે તો નવાઇ નહીં. ક્યાંક પાણીમાંથી નિકળીને ડોલ્ફીન સામસામે એકબીજાના મુખને ચુમી ભરી લેતી હોય તો ક્યાંક જમીનમાંથી ફુટીને પંજા લડાવતા હોય એવા ઘાટના ખડકો જોઇને તો એવું લાગે કે જ્યાં નજર કરીએ ત્યાં એક નવા આકારથી આપણી કલ્પનાને છૂટ્ટો દોર મળ્યો. જેટલી આર્ચ એટલા એટલા કલ્પનાના ઘાટ.

આર્ચી નેશનલ પાર્કમાં ફરવા માટેનો ઉત્તમ સમય છે મે થી સપ્ટેમ્બર. જો કે આ સમય
દરમ્યાન અહીં સખત ગરમી તો હોવાની જ એટલે માથે કેપ કે સ્કાર્ફ અને પાણી અથવા કોઇપણ પીણા સાથે રાખવા અત્યંત જરૂરી છે. કોઇપણ નેશનલ પાર્કમાં ખાવાની કોઇ સગવડ નથી એટલે સાથે ખાદ્ય સામગ્રી પણ રાખવી એટલી જ જરૂરી છે.

44930249

નવેમ્બર 18, 2017 at 9:40 પી એમ(pm) 6 comments

બ્રાયસ નેશનલ પાર્ક ( યુ.એસ.એ)

નવગુજરાત સમયના ફેમિનામાં ૧૮ નવેમ્બર ૨૦૧૭ના દિવસે પ્રસિધ્ધ લેખ.

અદ્ભૂત અને અનોખો બ્રાયસ નેશનલ પાર્ક.

યુનાઇટેડ સ્ટેટ્સમાં યુટાહના દક્ષિણ-પશ્ચિમે આવેલ બ્રાયસ નેશનલ પાર્ક કુદરતનો કમાલનો કરિશ્મા છે જેને જોઇને તો સાચે જ આફરીન થઈ જવાય.
સવારથી શરૂ થયેલી બ્રાયસ નેશનલ પાર્કની મુલાકાત તો જીવનભરનું સંભારણું બની જશે એવી કલ્પના ય ક્યાં હતી !

સૌથી પ્રથમ વ્યુ પોઇંટ પર પહોંચીને જે અદ્ભૂત દ્રશ્ય નજરે પડ્યુ છે તે આજે પણ આંખ સામે યથાવત છે.

“ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ.” સવારના પ્રકાશમય થતા સૂર્યના કુણા તડકાના કિરણોને ઝીલીને લાલ- નારંગી અને સફેદ રંગના મિશ્રણના બ્રાયસના આ ખડકો અત્યંત મનોરમ્ય અને અદ્ભૂત લાગતા હતા . ઊંચાણવાળા વ્યુ પોઇંટથી દૂર નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલા આ ખડકો જાણે કોઇ મંદિરમાં શિલ્પીએ અત્યંત ચીવટ-ઝીણવટ અને ખૂબીથી કોતરેલા સેંકડો સ્તંભ જેવા લાગતા હતા. દક્ષિણ ભારતના મીનાક્ષિ મંદિર જેવા અનેક મંદિરની કોતરણી અથવા તો દેલવાડા કે રાણકપુરના બારીકાઇથી કોતરેલા સ્તંભની યાદ આપાવે એવા અસંખ્ય કીર્તિસ્તંભની જાણે આખે-આખી નગરી નજર સામે ફેલાયેલી હતી. ઉગતા સૂર્યની સુરખી આ ખડકો પર પ્રસરેલી હતી અને એનાથી જ એ એટલા તો દેદીપ્યમાન લાગતા હતા કે જાણે ચારેકોર એનાથી જ લાલિમા છે. અને એનું નામ પણ કેટલું સૂચક ? “ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ.” સાચે જ સવારના શાંત વાતાવરણમાં જો ત્યાં થોડો સમય પસાર કરીએ તો દૈવી પ્રેરણા પ્રાપ્તીની અત્યંત નજીક પહોંચી જવાય.

બ્રાયસ નેશનલ પાર્ક અન્ય પાર્ક કરતાં સાવ અલગ તરી આવે છે અને એની આ લાક્ષણિકતાનું કારણ છે એનું ભૌગોલિક બંધારણ. નદી કે સરોવરના ધોવાણ અને હવાપાણીની અસરના લીધે બંધાયેલા જળકૃત અને કાંપાળ ખડકો સમય જતા અલગ અલગ ઘાટ પકડતા ગયા અને એમાંથી રચના થઈ આ અદ્ભૂત બ્રાયસ નેશનલ પાર્કની. અત્યારે પણ અહીંનું તાપમાન સામાન્ય રીતે આત્યાંતિક છેડાનું રહેતું હોય છે. અહીં લઘુત્તમ તાપમાન માઇનસ ૧૩ ડીગ્રી થી માંડીને માઇનસ ૩૦ ડીગ્રી સેલ્શિયસ અને મહત્તમ ૩૭ ડીગ્રી સેલ્શિયસ જોવા મળે છે જે અહીં રેકોર્ડબ્રેક ગણાય છે. વરસાદ પણ અહીં સરેરાશ ૧૫ થી ૧૮ ઇંચ સુધી પડતો હોય છે.

કહે છે કે સૌ પ્રથમ ૧૮૭૨માં યુ.એસ. આર્મીના મેજર જ્હોન વેસ્લી પોવેલની આગેવાની હેઠળ અહીં સૌ પ્રથમ વૈજ્ઞાનિક તેમજ ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટીકોણથી સંશોધન કરવામાં આવ્યું હતું અને ૧૮મી સદીના અંતે અને ૧૯મી સદીના શરૂઆતના સમયે સૌ પ્રથમ યુરોપિયન અમેરિકન થકી સામાન્ય જનની પહોંચ બહારના આ સ્થળ વિશે જનતાને જાણકારી પ્રાપ્ત થઈ જેમાં સ્કોટલેન્ડના વતની ઇબેનેઝર બ્રાયસ અને તેમના પત્ની મેરીના નામ પરથી આ સ્થળ બ્રાયસ કેન્યન તરીકે જાણીતું થયું હોવાની માન્યતા છે. ઇતિહાસ કે ભૂગોળ કરતાં ય વધુ રસપ્રદ છે અહીંની કુદરતની કરામત.

કુદરતના કરિશ્મા જેવા આ બ્રાયસ નેશનલ પાર્કમાં સવારથી બપોર સુધીનો સમય પસાર કર્યો એમાં સૂર્યની ગતિ પ્રમાણે આ ખડકો પર ઝીલાતો તડકો અને એ જ ખડકોના રેલાતા પડછાયાથી જે નજર સામે દ્રશ્ય સર્જાતું હતું એ ય અવર્ણનિય હતું. હાથમાં પકડેલા કેલિડોસ્કોપને ધીમે ધીમે ફેરવતા જઇએ અને આંખ સામે જેમ રંગ મિશ્રિત અવનવા આકાર અને રૂપરેખાઓ બદલાતી જાય એમ અહીં કોઇ ગેબી કેલિડોસ્કોપથી નજર સામે અવનવા આકારો ઉભા થતા હતા.

ક્યાંક જાણે શતરંજની બાજી ગોઠવવાની હોય એવા અદબથી ઉભેલા ખડકો હતા. કોઇ રાજાની મુદ્રામાં તો કોઇ વળી વજીર, હાથી, ઘોડા તો ક્યાંક ઊંટ અને પ્યાદાની ય હાજરી દેખાતી હતી. કોઇ જગ્યાએ રાજ દરબાર ભરાવાનો હોય અને દરબારીઓ માટે માફકસરના અંતરે કોતરેલા આસનો ગોઠવ્યા હોય એવી શાન છલકતી હતી તો વળી કોઇને આ અર્ધ ગોળાકારે ફેલાયેલા ખડકો એમ્ફીથીયેટરની યાદ અપાવતા હતા.

‘રેઇન ડિવાઇડ પોંઇન્ટ’ પર જઇને ઉભા રહો તો એમ લાગે કે હવાના તોફાન કે વાવાઝોડાએ અવિરત વહેતા પાણીને ઝીલવા માટે આ ખડકને નાળચા જેવી દેખાતી ઊંડી કરાળ જેવા ભાગ વહેંચી દીધો છે .દૂર ઉભા રહીને પણ એનું ઊંડાણ અનુભવી શકાય.

‘ફેરવ્યૂ પોંઇન્ટ’ એટલે બે ખડકને જોડતો કુદરતી સેતુ જેની નીચે આરપાર દૂર દેખાતું દ્રશ્ય ખરેખર સુંદર લાગતું હતું. એ પછી આવ્યો.
‘નેચરલ બ્રીજ’ નામે ઓળખાતો પોંઇન્ટ . જોઇને જ સૌ પ્રથમ વિચાર આવે કે કેટલી સુઘડતાથી પરિકર લઈને બરાબર ગોળાકારમાં આ ખડકને કોતરીને બોગદું બનાવ્યું હશે? અને આ પણ સાવ સીધુ સાદુ નહીં કોઇપણ દિશાએથી જુવો એની પરનો ઘસારો પણ કોતરકામ કારીગીરીના સુંદર નમૂનાથી જરાય ઉતરતો ના લાગે. ઉપર બ્રીજ અને નીચે કોતરાયેલા ગોળાકાર બોગદાને જોઇને લાગે કે ઉપરથી પસાર થતી ટ્રેઇનની નીચે વાહનવ્યહવાર માટે રસ્તો કરવાનો વિચાર આવા જ નેચરલ બ્રીજને જોઇને આવ્યો હશે. બ્રાયસ નેશનલ પાર્કના કોઇપણ પોંઇન્ટની સુંદરતા માટે તો શબ્દો ઓછા જ પડે.

‘અગુઆ કેન્યન’ પર જઈએ તો અહીં રાજા મહારાજાના આખે આખા ગઢના જુદા જુદા અવશેષો નજર સામે તરી આવે. ચોગમ લાલ કોટની કિલ્લેબંધી વચ્ચે આ શાંત સૂના રજવાડાની ચોકી કરતો કોઇ એકલ દોકલ સંત્રી જેવો ખડક ઉભેલો દેખાય. તો ક્યાંક કોઇ ઊંટ વિખૂટુ પડીને એના માલિકની રાહ જોતું દેખાય. દૂર નજરે પડે ખડકમાં કોતરાયેલા ગુફા જેવા પોલાણ. જાણે દુશ્મન રાજાની ચઢાઈ સામે છટકી જવા માટે કોઇ ખુફિયા માર્ગ ના તૈયાર કર્યો હોય. તો ક્યાંક ખડક પર રેતીના લાલ-લીલા અને ગુલાબી લસરકા જોયા. એના થોડે આગળ જઇએ તો આખી નગરી નજરે પડે. લીલીછમ વનરાજીની વચ્ચે સફેદ અને આછા ગુલાબી રંગના ચૂનાના પથ્થરોથી રચાયેલી માયા નગરી ખરેખર અહીં કોઇ સમયે તો વસેલી જ હશે એવો ભાસ થાય.

‘સ્ટેર વૅ ટુ ક્લાઉડ’. ‘ બ્લેક બ્રિચ કેન્યન’ …કેટલા પોંઇન્ટ ! જેટલા પોંઇન્ટ એટલા અવનવા દ્રશ્ય. ઊંચા ખડકોની વચ્ચે ઘસારાથી ઉત્પન્ન થયેલા ગુફા જેવા ઘાટ જોઇને એમ લાગે કે ક્યારેક ઋષિ-મુનીઓ અહીં પણ તપસ્યા કરવા આવીને વસી ગયા હશે.

‘ રેઇનબો પોઇન્ટ”. .સપ્ત રંગી મેઘધનુષ તો જોયું પરંતુ પથ્થરોની સપ્તરંગી દુનિયા ય હોઇ શકે એ તો બ્રાયસ નેશનલ પાર્કના રેઇનબો પોઇંટ પર જઇને ના જોયું હોય તો કલ્પના પણ ન કરીએ. દૂર દેખાતા આસમાની રંગમાં ભળી જતો લીલોતરીનો લીલોછમ રંગ અને સૂર્યના પ્રકાશની આભા ઝીલતા આછા લાલ પીળા અને કેસરી રંગના પથ્થરો અને એની ખાંચમાં ન પહોંચતા પ્રકાશના લીધે ઓછપાયેલો નીલો રંગ. એકમેકમાં ભળીને ઇન્દ્રધનુષી રંગ પકડતા હતા.

એક એક પોંઇન્ટ પર કંઇક નવલા રૂપ ધારણ કરીને શાનથી ઉભેલા ખડકો એટલા તો બોલકા લાગતા હતા કે કુદરતની આ કમાલ માટે દિલથી આફરીન પોકારી જવાય.

બ્રાયસ નેશનલ પાર્કના વિઝિટર સેન્ટર પર પહોંચો એટલે તમને સંપૂર્ણ માર્ગદર્શિકા મળી રહે. જો અહીં ફરવા માટે પોતાના અંગત વાહનનો ઉપયોગ ન કરવો હોય તો શટલની સગવડ છે જ. હોપ એન્ડ હોપના નામે ઓળખાતી શટલ દરેક પોંઇન્ટ પર તમને ઉતારે. તમારે જેટલો સમય ત્યાં ગાળવો હોય એટલો સમય તમે ત્યાં રોકાઇ શકો. પાછળ આવતી કોઇપણ શટલમાં ફરી આગળ જઈ શકાય છે.

આર્ચી નેશનલ પાર્ક અને બ્રાયસ નેશનલ પાર્કમાં ફરવા માટેનો ઉત્તમ સમય છે મે થી સપ્ટેમ્બર. જો કે આ સમય
દરમ્યાન અહીં સખત ગરમી તો હોવાની જ એટલે માથે કેપ કે સ્કાર્ફ અને પાણી અથવા કોઇપણ પીણા સાથે રાખવા અત્યંત જરૂરી છે. કોઇપણ નેશનલ પાર્કમાં ખાવાની કોઇ સગવડ નથી એટલે સાથે ખાદ્ય સામગ્રી પણ રાખવી એટલી જ જરૂરી છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

25630478 - Copy

નવેમ્બર 18, 2017 at 9:17 પી એમ(pm)

પુસ્તિકા થી મહાગ્રંથ સુધી ની સફર- “સંવર્ધન માતૃભાષાનું” (૪)

સહિયારું સર્જન - ગદ્ય

વિદેશમાં દેશ ઉભો કરતા કેટલાય સાહિત્ય વૃંદો છે જે પોતાની તાકાત અને સમજ પ્રમાણે માતૃભાષાનું જતન કરે છે અને ચુપ ચાપ માતૃભાષાને ગૌરવ આપવા મથે છે.પ્રજ્ઞાબેન દાદભાવાલા જેઓએ મુ. પ્રતાપભાઇ પંડ્યા નાં માર્ગ દર્શન હેઠળ ‘પુસ્તક પરબ” શરુ કરી અને એ પુસ્તક પરબ ને ધીમે ધીમે સાહિત્ય રસિકોનાં આગ્રહ હેઠળ “બેઠક”નાં નામે માતૃભાષાનાં સંવર્ધન નું જરુરી ચાલક બળ બનાવ્યુ અને તેનાં વાચકોમાં થી તેમને લેખકો બનાવ્યા.

  

આ તસ્વીર માં બેઠક્નાં ૧૦ અને બે સહિયારા સર્જન નાં પુસ્તકનાં વિમોચન ની તસ્વીર છે અને તે પ્રસંગે પુ હરિકૃષ્ણ દાદા એ સૌ સર્જનોનાં સર્જકો ને અભિનંદન આપતા કહ્યું “પ્રજ્ઞાબેને વાચકોને લખતા કર્યા છે તે સૌથી મોટી સિધ્ધિ છે.

બોસ્ટનથી આવેલા રાજુલ બેન અને હ્યુસ્ટનથી આવેલા વિજય શાહ તેમનું સંયુક્ત પુસ્તક “ આન્યા મૃણાલ” નું પણ લોકાર્પણ કરેલું.

અમેરિકા ખાતે એક સામટા બાર પુસ્તક્નું વિમોચન બહું મોંટુ કામ હતું અને આ ઉત્સાહને સાચવવા પચાસ પુસ્તક નિર્માણ નો બહુ આશાવાદી લક્ષ્યાંક લેવાયો જે…

View original post 433 more words

નવેમ્બર 16, 2017 at 9:21 પી એમ(pm)

‘ સિક્રેટ સુપર સ્ટાર’ (Film Review)

‘ સિક્રેટ સુપર સ્ટાર’

‘ગુજરાત ન્યૂઝ લાઇન કેનેડા’માં પ્રસિધ્ધ ફિલ્મ રિવ્યુ

ઇન્સિયા –વડોદરાના એક રૂઢિચુસ્ત પરિવારની છોકરી. ઇન્સિયાના ખુલ્લી આંખે જોવાતા સપનાને સાકાર કરવા આગળ વધવા પ્રોત્સાહિત કરતી મા. મુસલમાન ઘરની છોકરીઓએ ઘરની બહાર જવાની જરૂર નથી, એની સરહદ તો માત્ર ચૂલા-ચોકી સુધી જ એવું માનતો પથ્થર હ્રદય બાપ. જ્યાં શ્વાસ લેવા માટે કે બે શબ્દ બોલવા માટે પણ બાપની રજામંદી લેવી પડે એવા એક બંધિયાર પરિવારની ઇન્સિયાને તો પોતાનો સૂરીલો અવાજ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવો છે. ઘરમાં ગિટાર વગાડતી ઇન્સિયાને બાપથી છાના ઇન્સિયાની મા એક લેપટોપ લાવી આપે છે. ઇન્સિયા પોતાના અવાજને યુ-ટ્યુબ પર વહેતો મુકે છે અને ખરેખર પથ્થર ફાડીને ફુટી નિકળેલા ખળખળ ઝરણાની જેમ ઇન્સિયાનો અવાજ લોકો સુધી પહોંચે જ છે. જો ખરેખર કોઇનામાં આંતરિક શક્તિઓ હોય એ એને ગમે તેટલી ઢાંકો તો પણ એ સોડા-વોટરમાં ઉભરતા બબલ જેમ ઉઠીને ઉપર આવે એમ એની ગાયિકી એક પ્રખ્યાત સંગીતકાર શક્તિકુમારનું પણ ધ્યાન ખેંચે છે અને બસ શરૂ થાય છે ઇન્સિયાની ઉડ્ડાન. પણ આ ઉડ્ડાન એટલી સરળ હશે ખરી? ઘરના બંધ કમરામાં રહીને ગિટાર પર ગાતી ઇન્સિયાની ગિટારના તાર જે બાપ તોડી મરોડી નાખે એ બાપની નાફરમાની સામે ઇન્સિયાનો કોમળ મધ્યમ સૂર ક્યાં સુધી પહોંચશે ?

આમ ઉડતી નજરે જોઇએ તો કથામાં કદાચ બીજી કોઇ નવિનતા ન પણ દેખાય પરંતુ ફિલ્મ જોયા બાદ એમાં રહેલી તાજગીનો જે અનુભવ થાય એનાથી મન બાગ-બાગ થઈ જાય. કથા જે ખુબસુરતીથી લખાઇ છે એ આ ફિલ્મની સફળતાનો પાયો છે. આમિર ખાન સિવાય ઓછા જાણીતા અદાકારો પાસે પણ અદ્વૈત ચંદને ખુબસુરતીથી કામ લીધું છે. આ ફિલ્મમાં અદ્વૈત ચંદને જુની પ્રણાલીને તોડતી ઇન્સિયાને ઉડવા નવું આકાશ આપ્યું છે. ફિલ્મમાં જેટલી જેટલી હળવાશ છે એટલી ભારોભાર દિલને સ્પર્શી જતી લાગણીઓની ભિનાશ પણ છે. દિગ્દર્શક અદ્વૈત ચંદને આ લગભગ અઢી કલાકની ફિલ્મમાં લાગણીઓના અનેક પાસાને કલાકારો દ્વારા ઉજાગર કર્યા છે. કોણ કહે છે આતંકીઓ માત્ર બહારથી જ આવીને બધુ નેસ્ત નાબૂદ કરી મુકે છે ? એવા ઘણા ઘરમેળે મળી આવતા આતંકીઓ છે જે પોતાના પરિવાર પર ખોફ બનીને ઝળૂંબતા રહે છે. ફિલ્મમાં પિતા સ્વરૂપે એક એવો ઝળૂંબતો ખોફ છે તો સાથે આ ખોફ સામે ડરીને પણ દિકરીને સાથ આપતું મમતાનું વાત્સલ્ય છે. મા અને દિકરીનું એવું અનોખું સાયુજ્ય છે જે સમગ્ર ફિલ્મ દરમ્યાન ઇન્સિયા માત્રને જ નહીં પ્રેક્ષકને પણ તપતા રણમાં રણદ્વિપ જેવી ટાઠક આપે. કિશોરાવસ્થાના પહેલા પહેલા પ્યાર જેવો ઇન્સિયા અને ચિંતનના પ્રેમનો નશો છે તો અંતરના અવાજને અવગણીને કંઇક અવનવુ કરીને પાછા પડેલા સંગીતકાર જેવો શક્તિકુમાર પણ છે. રૂઢી ચુસ્ત પરિવારનું બંધિયાર વાતાવરણ છે તો સામે અદ્યતન ટૅક્નોલૉજીને આવકાર પણ છે.

આ પહેલા આપણે ઝાયરા વાસિમને ‘ દંગલ’ ફિલ્મમાં જોઇ છે પરંતુ ‘ સિક્રેટ સુપર સ્ટાર’માં જે રીતે એ સુપર સ્ટાર બનીને ઉભરી છે એ જોઇને તો એમ લાગે કે ‘દંગલ’માં એના તો આપણે માત્ર અભિનયના ચમકારા જ જોયા અભિનયનો ખરો ઉજાસ તો અહીં પથરાયો છે. ઝાયરાનો માસુમ ચહેરો જ એટલો પારદર્શક છે કે એના પર કોઇપણ ભાવ અત્યંત આસાનીથી છલકાઇ જાય છે. માસુમ ચહેરા પરની મક્કમતા એના અસલી મિજાજનો પરિચય કરાવે છે. પિતા તરફના ભયંકર રોષથી તમતમી જતી ઝાયરાના ચહેરા પર મા પર થતા શારીરિક ત્રાસને જોઇને ઉપસતા વેદનાના ચાસ આપણા હ્રદય પર અંકાઇ જાય. ચિંતન સાથેનું એનું બોલકાપણું, શક્તિકુમારની વાતો સાંભળતી ઇન્સિયાના ચહેરા પર ઝબકતી આશાની લકિર, સ્કૂલની સખીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરતી ઇન્સિયાની દૂર આકાશમાં જોતી આંખોમાં છલકાતી કશુંક પામવા કે કશુંક બનવાની ખ્વાહિશ…ક્યાંય કોઇ અવઢવ નહીં, ક્યાંય કોઇ ખચકાટ નહી. આમિર ખાનની સામે ટકી રહેવા માટે જે આત્મવિશ્વાસ જોઇએ એ ઝાયરા વાસિમમાં જાણે ઠાંસી ઠાંસીને ભર્યો છે .ક્લાઇમેક્સમાં ઝાયરાની સ્પીચ પ્રેક્ષકોને એની સાથે સીધા કનેક્ટ કરે છે. આમ પણ ફિલ્મ દરમ્યાન ઝાયરા પ્રેક્ષકોને એટલી તો અપીલ કરે છે કે ઇન્સિયાને જે ગમે એ આપણને પણ ગમવા માંડે જેમ કે ચિંતન.

ચિંતનના પાત્રમાં તીર્થ શર્માને ઝાઝો અવકાશ નથી મળ્યો પરંતુ ઝાયરાની જેમ એ પણ આપણને ગમી જાય છે. આ મીઠડો ગુજ્જુ છોકરો જે રીતે ફિલ્મમાં ઇન્સિયાનું દિલ જીતી લે છે એવી રીતે પ્રેક્ષકોનું પણ મન જીતી લે એવી રીતે રજૂ થયો છે. કિશોરાવસ્થાનો નિર્દોષ પ્રેમ કેવો હોય એના માટે તો આ ચિંતન અને ઇન્સિયાને જોવા રહ્યા. સતત ચિંતનની ચિંતાનેને અવગણતી ઇન્સિયાનો પાસવર્ડ જ ચિંતન છે એવી એને ખબર પડે છે ત્યારે એના ચહેરા પર ચમકતી ખુશીનો એહસાસ …અને એ પાસવર્ડ આપતી વખતે ઇન્સિયાના ગુલાબી ગાલ પર રેલાયેલી લાલિમા પર તો ચિંતન જ નહીં આપણે પણ આફરીન થઈ જઈએ. બંનેના છુટા પડવાની વેળાની વણકહી વેદનાથી આપણું હ્રદય ભીનું ન થાય તો આપણી સંવેદનાની ધાર બુઠ્ઠી છે એમ માની લેવું.

તો સામે ખરેખરા સ્ટાર એવા આમિર ખાને આ વખતે મેઇન રોલના બદલે સપોર્ટીંગ એક્ટરની જાણે ભૂમિકા નિભાવી છે. અમિતાભની જેમ વય વધવાની સાથે પ્રેમગીત ગાતા હીરોના બદલે કેરેક્ટર રોલ સ્વીકારીને પણ એમાં છવાઇ જવાય એ તો આમિરે એની ‘ તારે જમીં પર’ તેમજ ‘દંગલ’ જેવી ફિલ્મમાં સિધ્ધ કરી દીધું છે. ‘ સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મમાં પણ ઝાયરા વાસિમને પુરેપુરી સ્પેસ ફાળવીને પણ એણે પોતાનો રોલ હુબહુ નિભાવ્યો છે. વરણાગી વેશભૂષા અને છેલબટાઉ છટાને લઈને આમિર ખાન એની આજ સુધીની ફિલ્મો કરતાં અલગ તરી આવે છે. અહીં આમિર ખાનને જોઇને સુભાષ ઘાઇની ફિલ્મ ‘ તાલ’ના અનિલ કપૂરની યાદ તાજી થાય તો નવાઇ નહીં. “ઍવોર્ડ લેતે લેતે મૈ થક ગયા હૂ” કહીને શેખી મારતા આમિરની અદા અને ઇન્સિયાને આગળ વધવા માટે સપોર્ટ આપતા શક્તિ કુમારના પાત્રમાં આમિર ખાને એના અલગ અંદાજની તાસિર દેખાડી છે. કોઇપણ યુવતિ સાથે ફ્લર્ટ કરતો શક્તિ કુમાર જ્યારે ઇન્સિયાને સાવ અલગ રીતે ટ્રીટ કરે ત્યારે, કોઇની પણ સાથે બૂમ-બરાડા કરીને ક્ષણભરમાં ઉતારી કાઢતા શક્તિ કુમારની આંખોમાં ઇન્સિયાને ગાતા જોઇને જે દર્દ અને આંસુ છલકાય છે એ જોઇએ ત્યારે બહારથી કઠોર દેખાતા શક્તિ કુમારની કુમાશ પ્રેક્ષકને સ્પર્શી જાય. ફિલ્મના ક્લાઇમેક્સમાં પણ પરંપરા મુજબ હીરો પર ફોકસ કરવાના બદલે ઝાયરાને જ લાઇમલાઇટનું કેન્દ્ર રાખી છે.

મેહેરે વિજ એટલે કે ઇન્સિયાની મા ને તો દાદ આપવી પડે એવી ભૂમિકા ભજવી છે. ખાવિંદના ખોફને સહી લેતી ઇન્સિયાની મા દિકરીને તો ઉડવા ખુલ્લુ આસમાન આપવાની કોઇ કસર નથી છોડતી. “ બજરંગી ભાઇજાન”માં મુન્નીની મા બનતી મેહેર વિજ આપણાથી સાવ અજાણી અદાકારા તો નથી જ પરંતુ ‘સિક્રેટ સુપર સ્ટાર”માં એની અદાકારીએ ચાર ચાંદ લગાવી દીધા છે. પતિની હાજરીમાં સહેમી સહેમી રહેતી નજમા પતિની ગેરહાજરીમાં બાળકો સાથે કેવી ખિલી ઉઠે છે ! ફિલ્મમાં મા માટે રચાયેલું ગીત અંતે ઇન્સિયા દ્વારા મા માટે કહેવાયેલા લાગણીભર્યા શબ્દોને એણે ખરેખર અભિનય દ્વારા સાર્થક કર્યા છે. એક શબ્દમાં કહીએ તો ‘વાહ! સૌથી મઝાની વાત તો એ છે કે ઇન્સિયા અને નજમા માત્ર પરદા પરના મા-દિકરી નહીં પણ ઇન રીયલ પણ મા-દિકરી જ હોય એટલી ચહેરાની સામ્યતા ધરાવે છે.

આખી ફિલ્મમાં જો સૌથી અકળાવનારું પાત્ર હોય તો તે છે ફારુખ- ઇન્સિયાનો અકડુ બાપ. બાપ પણ આટલો જાલિમ હોઇ શકે ? તો એનો જવાબ છે હા. માતા અને પુત્રી પર કહેર વરસાવતા રામ અર્જૂનને જોઇને પ્રેક્ષકોનું પણ લોહી ઉકળી આવે. અને આ જ તો છે એના અભિનયની અસર. સારા પેશ થવું એના કરતાં ખરાબ પેશ થવું એ પણ અભિનયનું અઘરું પાસું છે જે રામ અર્જૂને સબળ રીતે રજૂ કર્યું છે.

ગુડ્ડુના પાત્રમાં કબિર શૈખ અને બડી અપ્પના પાત્રમાં ફારુખ જફરે નાનકડા રોલમાં પણ નોંધપાત્ર અભિનય આપ્યો છે.

ઝાયરાના ગીતો જે રીતે સૌને સ્પર્શી જાય છે એમ સંગીતકાર અમિત ત્રિવેદીના ગીતોને જરા દિલને સ્પર્શતા , મન સુધી પહોંચતા વાર લાગશે. ઇન્સિયાનો અવાજ બનેલી નવી ગાયિકા મેઘના મિશ્રાએ એના સૂર થકી ઇન્સિયાને સૂરીલી રાખી છે. “ મૈં નચતી ફિરાં” ગીતમાં એના અવાજની બુલંદી , મૈં કૌન હૂં ગીતમાં છલકતી વેદના, ‘મેરી પ્યારી અમ્મી’માં મા માટેની લાગણી અને ‘સપને રે” ગીતમાં વ્યક્ત થતી આશા તો ઇન્સિયાની સફળતાની આલબેલ સમા છે.

ઓવર ઓલ…. એક એવી સરસ મઝાની ફિલ્મ જે મનોરંજનની સાથે મેસેજ પણ આપી જાય. જ્યાં બુરખાનું સામ્રાજ્ય છે ત્યાં આંતરિક ચેતના કેટલી ઘૂંટાય છે એની સબળ તેમ છતાં સૂરીલી પેશગી એટલે ‘ સિક્રેટ સુપર સ્ટાર”

કલાકારો- આમિર ખાન, ઝાયરા વસિમ, મહેર વિજ, રાજ અર્જૂન

નિર્માતા- આમિર ખાન, કિરણ રાવ

નિર્દેશક- અદ્વૈત ચંદન

સંગીત- અમિત ત્રિવેદી

 

ઓક્ટોબર 28, 2017 at 3:05 પી એમ(pm)

Mom – film Review

mom

દેવકી ( શ્રીદેવી ) અને આનંદ ( અદનાન સિદ્દિકિ)ના  નાનકડા પરિવારને સુખી પરિવાર કહી શકાય ? દેખીતી રીતે હા પણ સાચા અર્થમાં નહીં એટલા માટે કે આનંદની દિકરી આર્યા ( સજલ અલિ) તેના પિતાના બીજા લગ્ન અને તે લગ્ન થકી એની મા બનીને આવેલી દેવકીને મા તરીકે સ્વીકારી શકતી જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ એના પિતાના પ્રેમમાં દેવકી ભાગીદાર બને એ એના માટે સહ્ય નથી. દેવકી એના માટે મોમ નહી મેમ છે કારણકે દેવકી આર્યાની સ્કૂલમાં એના જ ક્લાસની બાયોલૉજીની ટીચર પણ છે.

એક દિવસ દેવકીના વર્ગ સમયે જ આર્યાના ક્લાસનો મોહિત આર્યા પર એક અશ્લિલ ક્લિપ મોકલે છે જેના લીધે  દેવકી મોહિતને સજા રૂપે એનો મોબાઇલ ફેંકી દે છે. દેવકી પર ખુન્નસે ભરાયેલો અને આર્યાથી આકર્ષાયેલો મોહિત એના બદલા સ્વરૂપે એના મિત્રો સાથે મળીને વેલેન્ટાઇન ડૅની રાત્રે આર્યાને ઉઠાવી લે છે અને ગેંગ રેપ બાદ આર્યાને ખુલ્લા નાળામાં ફેંકી દે છે.

શારીરિક અને માનસિક ત્રાસ પામેલી આર્યા પોતાની વિતક માટે દેવકીને જવાબદાર માને છે. ગેંગ રેપમાં સંડોવાયેલા તમામ આરોપી જરૂરી પુરાવાના ન મળવાના કારણોસર છુટી જાય છે . સજા ભોગવવાનો વારો આવે છે આર્યા અને એના પરિવારનો. શારીરિક અને માનસિક રીતે આર્યાને ઝખમી કરનાર એ આરોપીઓને દેવકી  અત્યંત સાવચેતીપૂર્વક અને વ્યવસ્થિત પ્લાન કરીને એમના કુકર્મોની સજા કરવા સજ્જ બને છે.

દિલ્હીના નિર્ભયા અને એવા બીજા અનેક ગેંગ રેપ કિસ્સા બનતા રહ્યા છે અને તેમ છતાં સમાજ કે કોર્ટ તેની સામે એવા કડક કે ચાંપતા પગલા લઈ નથી શકતા કે જેનાથી ભવિષ્યમાં આવી હિચકારી ઘટનાઓ બને જ નહીં કારણકે . ન્યાયની દેવીને આંખે પાટો મારીને એને ગાંધારી બનાવી મુકી છે અને પોલિસના હાથ કાયદાથી બંધાયેલા છે એટલે સત્ય પર ઢાંક પિછોડો થઈ જાય અને અસત્ય જીતી જાય એવું અહીં પણ બને છે.

ફિલ્મની શરૂઆતથી જ પ્રેક્ષકો જાણે છે કે શું બનવાનું છે તે જાણે છે તેમ છતાં આર્યા સાથે જે હિચકારી ઘટના ઘટી રહી છે એને સીધી પરદા પર બતાવ્યા વગર સૂમસામ રસ્તા પર આર્યાને ઉઠાવીને લઈ જતી ગાડી અને માત્ર બેક ગ્રાઉન્ડ મ્યુઝીક સ્કોર દ્વારા એક એવો ભયાનક માહોલ ઉભો કરવામાં નિર્દેશક સફળ રહ્યા છે કે જેની કલ્પના માત્રથી પ્રેક્ષક પણ થથરી ઉઠે. ગંદા નાળામાં ફેંકાયેલી આર્યાના ચહેરા પર ત્રાસના જે ચાસ દેખાડવામાં આવ્યા છે એનાથી બાકીની કલ્પના કરવી પણ અનહદ ત્રાસદાયક બની જાય છે. કોઇ સીધી રીતે આર્યા પરનો જુલમ દર્શાવવામાં આવ્યો નથી તેમ છતાં એ ક્ષણો દરમ્યાન ગાડીમાં એની પર જે વિતી રહ્યું હશે એ કેટલું ભયાવહ હશે એ સમજી શકાય એટલું સ્પષ્ટ છે.

સમગ્ર ફિલ્મ એક એવા તાંતણે બંધાઇ છે કે એ તાંતણામાં બંધાયેલા અને સતત તણાવ અનુભવતા પાત્રોની સાથે પ્રેક્ષકને પણ એમાંથી બહાર આવવું અઘરૂ બની જાય છે અને તેમ છતાં પ્રેક્ષક પળે પળે ઇચ્છે કે આ ફિલ્મ હવે જલ્દી પુરી થાય તો સારું.

ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ પછી ફરી એકવાર મોમના એક નવા કિરદાર સાથે શ્રીદેવી રજૂ થઈ છે. જો કે આ ફિલ્મમાં શ્રીદેવીના ચહેરા પર ઉંમર વર્તાય છે. એક સમયની ચુલબુલી અભિનેત્રીની તાજગી તો એક ભૂતકાળ બની ગઈ છે. ‘ કાબિલ” ફિલ્મમાં આરોપી સામે બદલો લેતા હ્રિતિક રોશનની જેમ આર્યાના આરોપી સામે પડતી દેવકી અત્યંત ત્રસ્ત અને થાકેલી લાગે છે. આર્યા પાર્ટીમાંથી પાછી નથી ફરતી ત્યારે  દિકરી ગુમ થયાની વેદના અને ત્યાર બાદ હોસ્પીટલમાં આર્યાની અવદશા જોઇને ભાંગી પડેલી મા નું હ્રદય દ્રાવક આક્રંદ સૌને હચમચાવી દે છે. જે દિકરી એને ધિક્કારે છે એ દિકરીને પણ એ પ્રેમથી સાચવી લે છે અને અંતે જ્યારે આર્યા એને મોમ તરીકે સ્વીકારે છે ત્યારે એ સ્વીકૃતિ પણ  દેવકીને હચમચાવી મુકે છે. દરેક સમયે શ્રીદેવીનો સમતોલ અભિનય રહ્યો છે.

ફિલ્મનું બીજુ અને મહત્વનું પાત્ર આર્યા કારણકે જે કંઇ બન્યું છે એ આર્યા સાથે બન્યું છે. મા ને સ્વીકારી ન શકતી આર્યા માત્ર અને માત્ર પિતાની જ પુત્રી છે એ લાગણી એણે એની પ્રત્યેક હરકત દ્વારા અત્યંત સ્પષ્ટ રીતે દર્શાવી છે. એક છત નીચે રહેવા છતાં  માતા સાથે કેટલી હદે પરાયાપણું હોઇ શકે એ આર્યાના વ્યહવારમાં દેખાઇ આવે છે. જ્યારે આર્યા સાથે જે કુકર્મ કરવામાં આવે છે ત્યારે આરોપી પોતાના આ કૃત્ય માટે જે ઇશારો કરે છે એ સીધો જ દેવકી તરફ આંગળી ચીંધે છે ત્યારથી હોશમાં આવેલી આર્યાના મનમાં દેવકી પ્રત્યે જે પરાયાપણું હતું એમાં કે આક્રોશ ઉમેરાય છે એ દર્શાવતી નાની મોટી હરકતો સજલ અલિએ એકદમ સાહજીક અને તેમ છતાં સબળ રીતે વ્યકત કરી છે.  દેવકી નજર સામે  આવતા એને જોઇને કારમી ચીસો પાડતી આર્યાની હર એક ચીસ એની મા ને એની આંખથી દૂર થઈ જવા ધક્કો મારતી હોય એવી તીવ્ર છે અને અંતે દેવકીની પોતાના તરફની લાગણીનો એહસાસ થતા પસ્તાવાના આંસુ પણ પ્રેક્ષકને ભીના કરી દે છે.

નવાઝુદ્દિન સિદ્દિકીને તો કોઇપણ રોલ પોતાના માટે જ લખાયો હોય એવી રીતે સ્વીકારીને એ પાત્રમાં ઢળે છે. જરા તરા વિચિત્ર લાગે એવો દેખાવ અને પ્રથમ દ્રષ્ટીએ તો જરાય વિશ્વાસ ન આવે એવું વ્યકતિત્વ ધરાવતી વ્યક્તિ કોઇના જીવનમાં ચંચુપાત કરે ત્યારે જે અણગમો ઉપજે એવો જ અણગમો શરૂઆતમાં ડી.કે ને જોઇને થાય અને એ જ પ્રાઇવેટ ડીટેક્ટીવ ડી.કે. જ્યારે સહ્રદયી મિત્રની જેમ સાથ આપે ત્યારે સદ્ભાવ પણ એટલો જ થાય. સહ્રદયી બનવાનું એનું કારણ પણ દેવકીની જેમ દિકરી જ છે એ સમજાય ત્યારે દેવકીની જેમ પ્રેક્ષકને પણ એ આત્મિય લાગે છે. નવાઝુદ્દિન સિદ્દિકીના સબળ અભિનય માટે કોઇપણ ભૂમિકા સરળ જ હોય એમ નિભાવી જાણે છે.

એક લાંબા અરસા બાદ પરદા પર અક્ષય ખન્નાએ પોલિસ ઓફિસર ફ્રાન્સિસના પાત્રમાં એન્ટ્રી લીધી છે. ઓછા બોલા કડક અને કડપદાર ઓફિસરન પણ જે પોલિસ ઓફિસર માત્ર દિમાગ નહીં દિલથી પણ વિચારી શકે છે એવા પણ ઓફિસર સમય આવે સત્યને પણ સાથ આપે છે એવા ઓફિસરની ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો છે..

જ્યારે તમામ આરોપીઓના પાત્રમાં રજૂ થયેલા કલાકારોએ એમની તરફ સાચે જ અત્યંત ધૃણા ઉપજે એવા કિરદાર નિભાવ્યા છે. સતત તાણ અને ખોફ વચ્ચે ભિંસાતા પાત્રોના મનની ભીંસ અને તાણ પ્રેક્ષકનું મન પણ અનુભવે ત્યારે મનમાં વિચાર આવે કે ખરેખર જેના જીવનમાં આવી દુર્ઘટના થતી હશે એમના મનના શા હાલ-હવાલ હશે. . કોઇપણ વ્યક્તિ પર આવો પાશવી વ્યહવાર કરનાર વિકૃત લોકો સમાજમાં ખુલ્લે આમ ફરી શકે છે એ વાત એટલી હદે અસહ્ય છે કે  એમને તો જાહેરમાં કોરડા મારવાની સજા થવી જોઇએ એવું દરેક પ્રેક્ષક પણ ઇચ્છે પણ ઇચ્છવાથી શું એ શક્ય બનવાનું છે? આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે એ સત્ય અને કડવી વાસ્તવિકતા પચવામાં કપરી પણ છે પણ સાથે દેવકીએ અપનાવેલો માર્ગ પણ એટલો જ અવાસ્તવિક લાગે છે. કોનામાં આ હિંમત છે ? ખરેખર આ પગલું લેવાનો વિચાર સુધ્ધા મનમાં આવે ખરો? કોર્ટ અને પોલિસ પણ પુરાવાના આધારે આજ સુધીમાં ઘણા આરોપીઓને સજા કરવામાં ધીમા-ઢીલા અને નાકામયાબ નિવડ્યા જ છે ત્યારે પણ કોણે આવો અવાસ્તવિક લાગતો રસ્તો અપનાવ્યો જોયો કે સાંભળ્યો છે ? એવું બને કે ફિલ્મ જોઇને દરેક પોતાની મરજી મુજબનો ચુકાદો ય આપે.

આવી ફિલ્મો દ્વારા સમાજના દુષિત તત્વોમાં જો કોઇ ફરક આવશે તો આવી ફિલ્મો સાર્થક થશે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

જુલાઇ 11, 2017 at 1:45 એ એમ (am) 3 comments

Sachin a Billion Dreams

 

‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’ એક હિન્દી ફિચર ફિલ્મ છે કે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ એના વિશ્લેષણમાં ન પડીએ તો આ એક એવો રસથાળ છે જે સચિનના ચાહકો માટે લહેજ્જ્ત લઈને આવ્યો છે. સોળ વર્ષથી શરૂ થયેલી રિટાયર્ડમેન્ટ સુધીની સચિનની ક્રિકેટ કારકિર્દી એના ચાહકોને ફરી એકવાર માણવાનો લહાવો છે.

બોલીવુડમાં કોઇપણ વિષયને લઈને ફિલ્મ બનવાનો વાયરો શરૂ થાય છે ત્યારે એક પછી એક એ જ વિષયને લઈને અલગ અલગ અંદાજથી રજૂ થતી ફિલ્મો જોઇ છે. આજ પહેલા અઝહર અને એમ.એસ. ધોની પર ફિલ્મો આવી ગઈ અને હવે સચિનને લઈને એક વધુ ફિલ્મ પ્રદર્શિત થઈ રહી છે પરંતુ અહીં સૌથી મોટો ફરક છે કે આ ફિલ્મમાં કોઇ અભિનેતા લેવાના બદલે ખુદ સૂત્રધાર બનેલા સચિન પાસે જ અભિનય કરાવવાનો ( જો એને અભિનય કહેવાય તો ) અંદાજ પ્રેક્ષકોને પસંદ આવશે .

દોસ્તોને હેરાન કરતો અને ગાડીના ટાયર પંકચર કરતો નાનકડો નટખટ સચિન સમગ્ર ઇન્ડિયા પર વંડર બોય, લિટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર બનીને ઉભરે છે. નાનપણમાં બહેને આપેલા બેટને હાથમાં લેતા સચિનના મનમાં ક્રિકેટર બનવાનું એક બીજ રોપાવું અને ભાઇ અજીતનું સચિનનું હીર પારખીને કોચ રમાકાંત આચરેકર પાસે લઈ જવું આ બધું જ જાણતા હોવા છતાં ક્યારેક સચિન પરદા પર આવીને રજૂઆત કરે એ એના ચાહકો માટે વધુ રોમાંચકારી બની ન જાય તો જ નવાઇ. આ સાથે સચિનના જીવનની કેટલીક અણકહી- વણ જોયેલી ઘટનાઓ પણ પરદા પર ખુલતી જાય છે. જેમ સચિનની સફળતાના લીધે ઇન્ડિયા સચિનમય બનતું ગયું એમ અહીં પ્રેક્ષક પણ સચિનની સાથે એની ક્રિકેટની ભાવ યાત્રામાં જોડાતા જાય છે કારણકે ઇન્ડિયા માટે સચિન એક આઇકોન જ નહીં એક ભાવના પણ છે.

સચિનને માત્ર નસીબે જ બલિહારી આપી હતી એવું નહોતું પરંતુ એ પરિશ્રમની એક જીવંત મિસાલ કેવી રીતે બની રહ્યો હતો તેનું પણ સુરેખ ચિત્ર આલેખવામાં આવ્યું છે અને તેમ છતાં સચિન તો તેની સફળતા માટે પોતાના પરિશ્રમ કરતાંય ઇશ્વરને વધુ શ્રેય આપે છે એ એની વિનમ્રતા દર્શાવે છે. સચિનના પિતાએ કહેલી એક વાત સચિને હંમેશા યાદ રાખી છે. પિતાએ કહેલુ “ તારે જીવનમાં ક્રિકેટ સાથે જોડાવાનું છે.. આ એક વાત છે પરંતુ જીવનના અંતિમ સમય સુધી જે વાત તારી સાથે રહેશે એ કે તમે કેવા વ્યક્તિ છો.” આ વાત સચિન પોતે પરદા પર કહે ત્યારે એની પિતા પરની શ્રધ્ધા અને સન્માનનું એક અલગ પાસુ નજરે આવે છે. સચિને પોતાની સફળ કારકિર્દી માટે ઇશ્વર, તેના માતા-પિતા ,ભાઇ અજીત , કોચ આચરેકર અને પત્નિ અજંલિ અને પરિવારનો ખરા હ્રદયથી આભાર માન્યો છે. તેની પત્નિ અંજલિએ તો સચિનની કારકિર્દી માટે પોતે ડોક્ટર હોવા છતાં તેને મહત્વ નહોતું આપ્યું એ તો સૌ જાણે છે પરંતુ એ વાત જ્યારે અંજલિ અને સચિન રજૂ કરે ત્યારે એક અલગ પરિમાણ આપે છે.

સચિનની ક્રિકેટ યાત્રાની સાથે સાથે પરદા પર રજૂ થતી ભારતમાં ઘટેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓને પણ સાંકળી લેવામાં આવી છે તો સચિન અંજલિનો પ્રણય અને પરિણય પણ ક્યારેક સચિનના શબ્દોમાં તો ક્યારેક આજ સુધી મિડીયાથી દૂર રહેલી અંજલિના કથનમાં રજૂ કર્યા છે. સતત પ્રેશરમાં રહેતા સચિન માટે પરિવારની હૂંફ અને પરિવાર સાથે ગાળેલો સમય કેટલા મહત્વના બની રહેતા તે પણ જોઇ શકાય છે.

સચિને માત્ર સફળતાનો જ આસ્વાદ ચાખ્યો હતો એવું ય ક્યાં હતું ? બાંગ્લા દેશ સામેના પરાજયમાં અનુભવેલી ઘોર હતાશાનું પણ નિરુપણ કરવામાં આવ્યું છે. દેશના લોકોએ એને જેટલો વખાણ્યો એટલો વખોડ્યો પણ છે જ ને?

‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’માં સચિને ખુલીને પોતાના ડર, પોતાની નિષ્ફળતાઓ, હતાશા વિશે વાત કરી છે. એને કઈ રીતે મરજી વગર કેપ્ટન બનાવવામાં આવેલો અને કેપ્ટનશીપના રમત પર પડેલી અસરની વાત કરી છે તો તેને જણાવ્યા વગર કેપ્ટનશીપ પરથી હટાવી લેવામાં આવ્યો એ પણ કહ્યું છે. મેચ ફિક્સીંગની નાલેશીભરી વાત અને નિષ્ફળતા દરમ્યાન રિટાયર્મેન્ટની માંગ વિશે પણ કહેવામાં એણે હિચકિચાટ નથી રાખ્યો.

બાંગ્લા દેશ સામે પરાજયના લીધે જનતા સામે રક્ષણ આપતા કમાન્ડો છે તો સચિનની ઇજાઓની વેદનાથી વ્યથિત થતી આ જનતા પણ છે. કહે છે કે સચિનની ટેનિસ એલ્બો કે એંકલ ઇન્જરીએ તો ભારતના લોકોને આ કઈ જાતની ઇજા છે એની જાણકારી થઈ. સોળ વર્ષની ઉંમરથી શરૂ કરેલી રમતની સફળતાની સાથે શરીરનો ઘસારો પણ સચિને અનુભવ્યો છે. ઇંગ્લેન્ડની મેચ સમયે પિતાના અચાનક અવસાનના આઘાતથી અપ-સેટ થયેલો સચિન છે તો એની રિટાયરમેન્ટની એનાઉન્સમેન્ટથી આઘાત અનુભવતું ભારત પણ છે. રિયલ વિઝ્યુઅલ્સના ઉપયોગના લીધે સચિનના ચાહકો માટે ક્યારેય ન ભૂલાય એવી ઘટાનાઓને ફરી એકવાર તાજી કરી છે.

‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’માં હિન્દી ફિલ્મની જેમ કથા-પટકથા, એક્શન-ઇમોશન, નાટકીય એલિમેન્ટ ન હોવા  સત્ય સાથે સંકળાયેલા તમામ એલિમેન્ટ્સ છે. સચિને સુપર સોનિકની સ્પીડે ખડકેલા રનની ક્લિપો છે. સચિનને બિરદાવતા હર્ષ ભોગલે , સર ડોન બ્રેડમેન, વિવિયન રિચાર્ડ, બ્રાયન લારા, ઇયાન બોથમ, જ્યૉફ્રી બૉયકોટ, શેન વોર્ન, હેન્સી ક્રોન્યે, જગમોહન દાલમિયા, માર્ક મૅસ્કરન્હ્સેની સ્પીચ છે તો સાથે મનમોહન સિંહથી માંડીને મોદીના કથન પણ છે. મોહાલીમાં પાકિસ્તાન સામે ફાઇટીંગ સ્પીરિટથી રમતી ઇન્ડીયન ક્રિકેટ ટીમ છે તો બસ્સો રનના ખડકલા કરતા સચિન માટે સ્ટેંન્ડીંગ ઓવેશન આપી સચિન નામના નારા લગાવતી મેદની પણ છે. સચિનની કારકિર્દીની સફર દરમ્યાન ભારતમાં ઘટતી ઘટનાઓ જેવીકે ભારતના મિસાઇલ લોન્ચનો કાર્યક્રમ, રાજીવ ગાંધીની હત્યા, કમર્શિયલ બ્રોડકાસ્ટીંગની શરૂઆત, આઇ.પી.એલ અને ક્રિકેટની ગ્લોરીને પણ સાંકળી લેવામાં આવી છે.

અહીં એક્શન નથી તેમ છતાં સચિનની રમતના એક્શન રિ-પ્લેથી અનુભવાતી ઉત્તેજના છે. અહીં ઇમોશનલ ડ્રામા નથી તેમ છતાં સચિનની ફેરવેલ સ્પીચ ઇમોશનલ ટચ આપી જાય છે. અહીં ફિલ્મી રોમાંસ નથી તેમ છતાં સચિન-અંજલિના રોમાંસની રોમેન્ટીક પળો છે.

આજ સુધી ટી.વી પર કે યુ-ટ્યુબ પર જોયેલા દ્રશ્યોને જ્યારે સચિનના નામ સાથે જોડાઇને મોટા પરદા પર જોવા મળે તો એના કયા ચાહકને આનંદ ન થાય?

કોઇ સેલિબ્રીટીની બાયોપિકને પરદા પર રજૂ કરતા અભિનેતા-અભિનેત્રી જોયા છે પરંતુ ૨૪ વર્ષની કારકિર્દી દરમ્યાન અર્જૂન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, પદ્મશ્રી, મહારાષ્ટ્ર ભુષણ એવોર્ડ, પદ્મ વિભુષણ અને ભારત રત્ન જેવા નેશનલ એવોર્ડથી સન્માનિત સેલિબ્રીટીને પરદા પર પોતાની વાત રજૂ કરતા જોવાનો આ પ્રથમ પ્રયાસ છે જે ક્રિકેટ અને સચિનના ચાહકોને તો પસંદ આવશે જ પરંતુ ખુબીની સાથે ખામીને પણ તટસ્થ ભાવે જોનાર પ્રેક્ષકની નજરે કેટલીક બાબતો ધ્યાનમાં આવશે જ. ઉંમરના લીધે કોચ રમાકાંત અને અજાણ્યા કારણોવશાત વિનોદ કાંબલીની ગેરહાજરી પણ સૌના મનમાં  એક સવાલ બની રહી છે.

કલાકારો- સચિન તેંડુલકર, અંજલિ તેંડુલકર..

 

 

મે 29, 2017 at 10:14 પી એમ(pm) 9 comments

બાહુબલી ૨ (Film Review)


હાં…………શ !

છેલ્લા બે વર્ષથી ઉદ્ભવેલા કન્ફ્યૂઝન  “બાહુબલિ કો કટપ્પાને ક્યોં મારા ?” નો જવાબ આખરે બાહુબલિ ૨- ધ કન્ક્લુઝનમાં  મળી ગયો અને કેટલાય લોકોની ચટપટીનો અંત આવ્યો. અને આ સવાલનો જવાબ મેળવવા તો થિયેટરમાં જાણે રીતસરનો ધસારો જ થયો. જે રીતે સવાલને લટકતો રાખીને રાજામૌલિએ બે વર્ષ રાહ જોવડાવી એના જવાબમાં બાહુબલિ-૨ ધ કન્ક્લુઝ ફિલ્મને એસ.એસ. રાજામૌલિએ અત્યંત વિશાળ ફલક પર રજૂ કરી છે. આ ફિલ્મ એના ભવ્ય સેટ્સ અને સ્પેશિયલ ઇફેક્ટસના લીધે તો થીયેટરમાં જોવી પડે એ વાત પણ નક્કી.

ફિલ્મને જો બારીકીથી વિચારીએ તો ઘણી બધી જગ્યાએ મહાભારતની કથાના અંશ અને તેના પાત્રોની ખુબી અને ખામીઓ દેખીતી નજરે પડશે. મહાભારતની જેમ જ્યેષ્ઠ ભાઇના બદલે રાજ્યનું શાસન સંભાળી શકે એવા કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ નાનાભાઇના હાથમાં રાજ્યની ધૂરા સોંપવાનું નક્કી થયા પછી જે કાવાદાવા રચાય છે, જે ષડયંત્ર રચાય છે એવા તમામ કાવાદાવા અને ષડયંત્ર  અહીં બાહુબલિ-૨ માં જોવા મળશે.

પુત્ર પ્રેમમાં અંધ અને શારીરિક રીતે અપૂર્ણ ધુતરાષ્ટ્ર  બિજલદેવ-ભલ્લાદેવના પિતા (નસર) છે. અપ્રતિમ બાહુબળ ધરાવતા છતાંય ઇર્ષ્યા અને કાવાદાવાથી રાજપાટ મેળવવા ઇચ્છતા દુર્યોધન જેવો ભલ્લાલદેવ ( રાણા દગ્ગુબત્તી) છે. તેના કાવાદાવાને સમજતા, સંપૂર્ણપણે પાંડવોનું હિત ઇચ્છતા તેમ છતાં રાજ્ય પ્રતિ વફાદારીની શપથથી જેના હાથ બંધાયેલા છે તેવા ભિષ્મ સમા કટપ્પા ( સત્યરાજ ) પણ છે અને ન્યાય અને ધર્મને કર્મ માનતા અસ્ત્ર-શસ્ત્રમાં નિપૂર્ણ અર્જૂનની છાયા બાહુબલિ ( પ્રભાસ)માં અવશ્ય નજરે પડશે.

આપણા બાહુબલિમાં કુશાગ્ર બુધ્ધિ છે તો રાજમાતાથી માંડીને આમ જનતા સુધી પહોંચે તેટલો હ્રદયમાં પ્રેમ પણ છે. તેનામાં પ્રેમમાં પડવાની કોમળતા છે તો સાથે એ પ્રેમ માટે, ધર્મ માટે રાજપાટ છોડી દેવાનું સામર્થ્ય પણ છે. છદ્મવેશે રહેલા અર્જૂનના શૌર્યથી અંજાયેલી દ્રૌપદી જેવી દેવસેના પણ છે જેને સત્યથી અજાણ એવા રાજમાતા શિવગામીના ફરમાનને શિરોમાન્ય રાખીને રાજરાણીના બદલે બંદી  સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પતિપ્રેમ માટે એ પણ એને સ્વીકાર્ય છે.

મહાભારતની જેમ બાહુબલિને આવી તેજસ્વી, સૌંદર્યવાન- સ્વાભિમાની દેવસેના  પ્રાપ્ત થાય છે જેની પાછળ ભલ્લાલદેવ પણ પાગલ છે . રાજ્યની જેમ દેવસેના પણ ભલ્લાલદેવને જોઇએ છે . એ ઇર્ષ્યાના લીધે જેનામાં ભારોભાર કપટ ભરેલું છે એવી વ્યક્તિ બીજું શું કરી શકે? અને બસ આ ઇર્ષ્યા અને વેર-ઝેરમાંથી રોપાય છે માનહાનિ અને જાનહાનિ. મારા-મારી, કાપા-કાપી અને જન હત્યા. દેખીતી ખુવારીની સાથે લાગણી પર થતા જનોઇવાઢ ઘા પણ અહીં જોવા મળશે.

વિશાળ ફલક પર વિસ્તરેલી ફિલ્મને રાજામૌલીએ પ્રેક્ષકની કલ્પના કરતાં ય ઘણી વધુ ઊંચાઇએ ચિતરવામાં કોઇ કચાશ છોડી નથી. આ ફિલ્મમાં પાત્રો જેટલું જ મહત્વ ભવ્ય સેટ્સ, કેમેરાની કરામત અને ટેક્નોલૉજિની કમાલનું પણ છે એ વાત સ્વીકારવી જ રહી. જે કંઇ આપણે પરદા પર જોઇ રહ્યા છીએ એ આ બધી કેમેરા કે ટેક્નોલૉજિની કરામત માત્ર  છે એ જાણવા છતાં ય પ્રેક્ષક કંઇક અંશે અભિભૂત તો થઈ જ જાય છે.

અમરેન્દ્ર બાહુબલિ હોય કે મહેન્દ્ર બાહુબલિ- બંનેના પાત્રમાં જાણે પ્રભાસે પરકાયા પ્રવેશ કર્યો હોય એટલી સ્વભાવિકતાથી બંને પાત્રો નિભાવ્યા છે. સુંદર શારીરિક સૌષ્ઠવ અને તેમ છતાં સૌમ્ય ચહેરો અને કોમળ હ્રદય ધરાવતા બાહુબલિના પાત્રને પ્રભાસે ખુબ સરળતા અને સાહજિકતાથી નિભાવ્યું છે. દેવસેનાના પ્રેમમાં રુજુ બની જતા બાહુબલિને જુવો કે દેવસેનાનું રક્ષણ કરતાં યોધ્ધાને જુવો બંને છેડે પ્રભાસ સફળ જ રહે છે.

રાજકુંવરીને છાજે એવું કૌશલ્ય ધરાવતી દેવસેનાના પાત્રને અનુષ્કા શેટ્ટીએ ખુબ સુંદર રીતે નિભાવ્યું છે. આ ફિલ્મના બે બળુકા સ્ત્રી પાત્રોમાં દેવસેનાની જેમ રાજમાતા શિવગામીના પાત્રમાં રામ્યા ક્રિશનન પણ મેદાન મારી જાય છે. રાજમાતા હોવા છતાં બે સંતાનો વચ્ચે લાગણીથી ભિંસાતી શિવગામી, ધર્મને પ્રાધાન્ય આપતી પણ અસત્યથી દોરવાયેલી રાજમાતા જે રીતે બાહુબલિને અજાણતા અન્યાય કરી બેસે છે એ અન્યાયના પશ્ચ્યાતાપથી પીડાતી શિવગામી જે રીતે જીવનને હોડમાં મુકીને મહેન્દ્ર બાહુબલિને બચાવે છે એ શિવગામી, રાજ્યની સુખાકારી માટે માથે અગ્નિ મુકીને ખુલ્લા પગે મંદિરના પ્રાંગણમાં અગ્નિને આહુતી આપતી શિવગામી, કોઇ પ્રશાસકને છાજે એવા નિર્ણયો લેતી શિવગામીની આંખો અને અવાજ પણ એટલા જ પ્રભાવી લાગે છે જેનો યશ રામ્યા ક્રિશ્નનના અભિનયને આપવો રહ્યો.

મહિષમતિ રાજ્ય પ્રત્યેની વફાદારીને ભિષ્મ પિતા જેવી સ્થિરતા અને નિષ્ઠાથી નિભાવતા, માત્ર હાજર વ્યક્તિઓના ચહેરા પરથી હવાની જેમ ભેદ સુંઘી લેતા શાતિર પણ શૂરવીર કટપ્પાના પાત્રને રજૂ કર્યું છે સત્યરાજે. બાહુબલિ પ્રત્યે અસીમ પ્રેમ હોવા છતાં રાજમાતાની આજ્ઞાને અનુસરીને બાહુબલિનો વધ કરતા કટપ્પાની વેદનાને પણ તેમણે જીવી બતાવી છે તો છદ્મવેશે રહેલા બાહુબલિને છાવરતા મામાના પાત્રનું હળવું પાસુ પણ સત્યરાજે સરસ રીતે રજૂ કર્યું છે.

ભલ્લાલદેવના પાત્રને રજૂ કર્યું છે રાણા દગ્ગુબત્તીએ. સત્તાનો સ્વાર્થ, બાહુબલિ પ્રત્યેની ઇર્ષ્યા અને એમાંથી પ્રગટતો રોષ, રાજ્ય તેમજ દેવસેનાને પ્રાપ્ત કરવાની કપટતા, બાહુબલિ સામે અત્યંત ક્રૂરતાભરી તાકાતથી ઝઝૂમતા ભલ્લાલદેવના પાત્રને રાણા દગ્ગુબત્તીએ સંપૂર્ણ ન્યાય આપ્યો છે.

સબળ પાત્રો અને ફિલ્મની સબળી માવજત છતાં તેની અધધધ લંબાઇના લીધે તો ફિલ્મનો ઉતરાર્ધ માંડ માંડ સહ્ય બને છે. વર્ષો પહેલા જોયેલી બી.આર ચોપ્રાની મહાભારત સીરિયલના દ્રશ્યો નજર સમક્ષ તાદ્રશ્ય થાય તો નવાઇ નહીં. ટોળાબંધ માણસો પર તુટી પડતા સૈનિકો, સૈનિકો પર વરસાદની ઝડીની જેમ વિંઝાતા બાણો કે હાથીઓની ચિંઘાડ, ભલ્લાલદેવનું ગદા યુધ્ધ, બાહુબલિની તીરંદાજી એ બધુ જ જાણે એક વાર જોઇ ગયા હોય એવી અનુભૂતિ થાય કારણકે લગભગ આ બધું જ એ સીરિયલની અદ્યતન ટેકનિકથી સુધરેલી આવૃત્તિ જેવું લાગે છે.

દેવસેના અને બાહુબલિના પ્રણયની નાજૂક પળો આ ફિલ્મની કોમળતા સાચવી લે છે. યુધ્ધના રણશિંગા ફુંકાતા હોય એની વચ્ચે પાંગરતો પ્રેમ રણમાં મીઠા પાણીના ઝરા જેવા લાગે છે. પ્રિકવલના રહસ્ય પરથી પરદો ઉઠાવતી સિકવલને અભિનયની સાથે તેના પાવરફુલ સંવાદોના લીધે વધુ ચોટદાર બનાવવા સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં તેના (જે ક્યારેક કેનવાસ પર ચિતર્યા હોય એવા પણ લાગે એવા) ભવ્ય સેટ્સ અને કેમેરાની કરામતનો પણ સાથ મળ્યો છે.

કલાકારો- પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબતી, સથ્યરાજ, રામ્યા ક્રિશ્નન, નાસર, તમન્નાહ, સુબ્બારાજુ

નિર્માતા- શોભુ યરલાગડા,પ્રસાસ દેવનાની

નિર્દેશક- એસ.એસ. રાજામૌલિ

સંગીત- એમ.એમ કિરવાનિ

ફિલ્મ*** એક્ટીંગ**** સંગીત** સ્ટોરી***

મે 1, 2017 at 2:08 એ એમ (am) 4 comments

Older Posts


Blog Stats

  • 97,620 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page