એષા ખુલ્લી કિતાબ -પ્રકરણ ૧૧ રાજુલ કૌશિક
June 13, 2022 at 10:50 am Leave a comment
કેલેન્ડરનાં પાનાં એક પછી એક ફરતાં જતાં હતાં. કેમો-થેરેપીની એક પછી એક ટ્રીટમેન્ટ સમયાંતરે ચાલતી હતી. જો કે હવે રોહિત પ્રમાણમાં પહેલા કરતા વધુ સ્વસ્થ દેખાતા હતા. લગ્નના દિવસો પણ નજીક આવતા હતા તેમ બધુ જ ભૂલીને પ્રસંગ ઉકેલવાના નિર્ણયમાં ઈશ્વર કૃપાએ સ્વાસ્થ્યનો પણ સારો સથવારો રહ્યો.
લગ્ન મંડપની ”ચોરીમાં વિધિ માટે બેઠેલા એષા અને રોહિત માટે ખરેખર ધન્ય ક્ષણ હતી. ઢોલીના ઢોલના તાલે મામાઓ ઋચાને માયરામાં લઈને આવ્યા અને જે પળે ઋચાનો હાથ કાર્તિકના હાથમાં મૂક્યો, ગઠબંધન થયાં, ઋચા કાર્તિકને પરણીને ઊઠી ત્યારે એષાના હ્રદયના બંધ છૂટી ગયા. આટઆટલા સમયથી સ્વસ્થ દેખાતી એષા આજે કેમ કરીને પોતાની જાતને જાળવી શકતી નહોતી. સૌ સમજતા હતા કે ઋચાની વિદાય એ એક માત્ર કારણ નહોતું. આજ સુધીની મનને રોકી રાખતી મનને બાંધી રાખતી આ દિવસોની વ્યસ્તતા પૂરી થતા હવે શું?
ઋચાના લગ્નના બહાને તો એષા અને રોહિત બંને એકબીજાને ટકાવી રાખવાનો પ્રયાસ કરતાં હતાં. હવે ખરો સમય હતો રોહિતને સાચવવાનો. ઋચાની વિદાય પછી ખાલી પડેલું ઘર જાણે સાવ શાંત પડી ગયું હતું. લગ્નનાં લીધે થોડીઘણી પણ કામની વ્યસ્તતા, પરિવારજનોની આવનજાવનના લીધે જે ચહલપહલ હતી તે સાવ સમી ગઈ હતી. શ્વાસ લેવામાં પણ મૂંઝારો થાય એટલી હદે ઘરમાં ભાર વર્તાતો હતો.
એષાએ વળી પાછું મન મક્કમ કર્યું. જાણે કશુંજ બન્યું નથી અથવા કશું બનવાનું પણ નથી એવી સાહજિકતા વર્તનમાં લાવવાનો પ્રયાસ કરવા માંડયો. મહદ અંશે સરળતા પણ મળી. ધીમે ધીમે થોડો થોડો સમય હોસ્પિટલ જવાનું શરુ કર્યું. આ પણ એક જવાબદારી તો હતી જ અને વળી એની આડ હેઠળ થોડું રોજીદુ જીવન સામાન્ય બનશે એવી આશા પણ હતી. રોહિત સમજી શકતો હતો એષાની આ મથામણ અને એમાંથી બહાર આવવાના વલખાં.
થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતાં એણે પણ હોસ્પિટલ જવું એવો મનોમન નિર્ણય કર્યો પણ એનું શરીર જોઈએ એટલે સાથ આપતું નહીં. ધ્રુમિલે લંડન જવાનું માંડી જ વાળ્યું હતું એનો મોટો સધિયારો તો હતો.
ધ્રુમિલે ભારત પાછા આવ્યા પછી અને સેટ થવા માટે નવેસરથી એકડો ઘૂંટવાનો હતો. આટલા વર્ષ ભારતથી દૂર રહ્યા પછી અહીં એક ઓળખ ઊભી કરવાની હતી. જો કે અત્યારે તો એના માટે પોતાના ભવિષ્ય કરતા ડૅડીના વર્તમાન સંજોગો વધુ મહત્વના હતા.
પણ ભારતથી દૂર રહ્યાના વર્ષોએ જ એના માટે નવી દુનિયા ખોલી નાખી. ફોરેન રિટર્ન એ એક મોટી અને મહત્વની ઓળખ સાબિત થઈ. પરદેશનું ભણતર અને જેટલું કર્યું હતું એ થોડાં કામનો અનુભવ પણ ઘણો બધો કામ લાગ્યો. આણંદ તો નહીં પણ બરોડામાં જોબ મળી ગઈ.
“એમ પણ ઠીક છે ધ્રુમિલ. ભલે સાવ સાથે રહેવાના બદલે ભલે તું જરાક દૂર હોઈશ પણ હાથ લંબાવતા તને પકડી શકીશ એટલો તો નજીક છું ને?” એષા પાસે સમયને અનુકૂળ થઈને આગળ વધવાની જે પ્રકૃતિ હતી એ ફરી એક વાર સચેત થઈ.
એનો પણ વિકાસ રુંધાય એવું એષા અને રોહિત ઇચ્છતા નહોતા એટલે આણંદ રહેવાનો આગ્રહ તો કયારેય હતો જ નહી અને ઋચા પણ તો અહીં હતી જ ને?
એષાએ ધ્રુમિલના જવાની તૈયારીઓ કરવા માંડી.
”સરસ મઝાનું ઘર મળી ગયું છે. નાનું પણ બધીજ સગવડોવાળું અને સોસાયટી પણ અલકાપૂરી એટલે એ પણ મારા માસીની મીરાંના ઘરની પણ સાવ નજીક. મીરાં ધ્રુમિલનું ધ્યાન રાખશે”.
એષા અને ધ્રુમિલ બરોડા જઈ આવ્યા અને ઘરનું નક્કી કરી આવ્યા. એનો અહેવાલ આપતા એષા રોહિતને એની આ આવનજાવનમાં પરોક્ષ રીતે સામેલ કરે જતી હતી.
”Yes, ડૅડી તમે આવશોને તો તમને પણ ગમશે જ” ધ્રુમિલે એષાની વાતને ટેકો આપ્યો.
ડેડી ક્યારેક રવિવારે હું આવું એના બદલે તમે અને મમ્મી ત્યાં આવશે તો તમને પણ ચેઇન્જ રહેશે. મીરાં માસી અને માસા પણ કેટલા ખુશ થઈ જશે ખબર છે ને તમને?”
ધ્રુમિલે રોહિતના ક્ષીણ થતી શક્તિના લીધે નબળા પડી ગયેલા હાથને પોતાના સબળ હાથમાં લઈને પસવાર્યો. જાણે કહેતો ના હોય કે હવે તમારી બધી ચિંતા મારી છે.
રોહિત પણ આનંદથી આ બધી વાતોમાં સાથ આપતો. એને પણ ધ્રુમિલની નિમણૂકના નિર્ણયથી થોડો સંતોષ અને શાંતિ થઈ હતી. ધ્રુમિલનું કામ અને ભવિષ્ય પોતાના લીધે રૂંધાશે નહીં અને જરૂર પડે એષાની પડખે ઊભો રહી શકશે.
હવે રોહિતને પોતાના કરતા એષાની વધુ ચિંતા થતી. આજ સુધી સ્વને કેન્દ્રમાં રાખીને જીવનારા રોહિતના વિચારોનું કેન્દ્ર હવે એષા બની હતી. એષાથી શરૂ થઈને એષા પર જ આવીને અટકતા એના વિચારોમાં એ ક્યારેક એષાને પોતાની પડખે ઊભેલી જોતો તો ક્યારેક પોતાની જાતને ખસેડી લઈને એકલી એષાને જોતો.
જ્યારે જ્યારે પોતાની આસપાસ એષાને જોતો ત્યારે અંદરથી એને બળ મળતું. હિંમત ટકી રહેતી. પણ એના વગરની એકલી એષાનો વિચાર એને હદથી બહાર પરેશાન કરી દેતો. એષાના મનની મક્કમતા પર પૂરેપૂરો ભરોસો હતો છતાં સાવ આમ અચાનક ધૂંધળાં થતાં જતાં ભાવિની પેલે પાર એષાની એકલતાનો વિચાર એને પીડા આપતો.
સારો દિવસ જોઈને એષા અને ધ્રુમિલે જરુરી સામાન પણ બરોડાના ઘરમાં ગોઠવી દીધો. પહેલી તારીખથી ધ્રુમિલને નવી જોબમાં જોઇન થવાનું હતું. એષા અને ધ્રુમિલ બરોડા જતાં ત્યારે ઋચા આવીને રોહિત પાસે રહેતી એટલે એની તો એષાને એટલી ચિંતાં રહેતી નહીં.
વળી પાછો ધ્રુમિલના બરોડા ગયા પછી ઘરમાં ખાલીપો વર્તાવા લાગ્યો. વાતોડિયા ધ્રુમિલની હાજરીથી ઘરમાં એષા અને રોહિતને વાતારણ જીવંત લાગતું. લંડનની વાતો પણ ક્યારેય એની ખૂટતી નહીં.
હવે વળી પાછા એષા અને રોહિત એકલતા અનુભવવા લાગ્યા. રોહિતે હોસ્પિટલનું કામ સંભાળવા એક આસિસ્ટન્ટ ડૉક્ટરની નિમણૂક તો કરી જ હતી અને કાર્તિક પણ સમય મળે ધ્યાન આપતો હતો. એષા બને ત્યાં સુધી હોસ્પિટલ જતી અને ક્યારેક રોહિત પણ સાથે જતા.
પરંતુ કેમો-થેરેપી પછી અને અંદર પ્રસરતા જતા રોગે રોહિતને થોડો ઢીલો તો પાડી દીધો હતો. એટલે એષાએ પણ ધીમે ધીમે હોસ્પિટલ જવાનુ ઓછુ કરવા માંડ્યુ.
કેમો-થેરેપી શરૂ કર્યા પછી પણ સામે ન દેખાતા મૃત્યુના ઓળા જાણે મન અને શરીર પર હાવી થવા માંડ્યાં હતાં.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Trackback this post | Subscribe to the comments via RSS Feed