Posts filed under ‘હકારાત્મક અભિગમ’

૨૩ – (હકારાત્મક અભિગમ)સંવેદનાની અનુભૂતિ.

સંત તિરુવલ્લુવર જુલાહા હતા. આજીવિકા માટે અત્યંત ધીરજથી સૂતરના તાંતણા વણવાનું કામ કરતા હતા. ધીરજ ઉપરાંત આ કામ શ્રમ અને ખંત પણ માંગી લે એવું હતુ. એક સમયે પોતાની હાથવણાટની સાડી બજારમાં વેચવા નિકળ્યા.

એટલામાં એક યુવકે આવીને સાડીની કિંમત પૂછી. સંતે જવાબ આપ્યો….“ બે રૂપિયા.”

યુવકે એ સાડીના બે ટુકડા કરી નાખ્યા અને પૂછ્યું, “ હવે કેટલી કિંમત થઈ?” સંતે જવાબ આપ્યો…“એક રૂપિયો.” ફરી એ યુવકે સાડીના બે ટુકડાને ચાર ટુકડામાં વહેંચી નાખી અને પૂછ્યું, “ હવે ?” સંતે અપાર શાંતિથી જવાબ આપ્યો.“આઠ આના.” ફરી ચાર ટુકડામાંથી આઠ ટુકડા કર્યા અને પૂછ્યું, “ ચાર આના.”

યુવક સંતને ઉશ્કેરવા સાડીના ટુકડાઓને પણ ટુકડાઓમાં વહેંચતો ગયો. અંતે સાડી લીરે લીરા થઈ ગઈ. યુવકે એ લીરાનો ગોળો વાળ્યો અને કહ્યું હવે આમાં બચ્યું છે શું કે આના પૈસા આપવાના હોય? તેમ છતાં સંત મૌન રહ્યા. થોડા અહંકાર અને વધારે તુચ્છકાર સાથે એ યુવકે બે રૂપિયા સંત તરફ ફેંક્યા અને કહ્યું, “ આ લો તમારી સાડીની કિંમત.”  યુવકની આટલી ઉધ્ધતાઇ જોઇને પણ જરાય અકળાયા વગર સંતે કહ્યું,“ બેટા, જ્યારે તેં સાડી ખરીદી જ નથી ત્યારે તારી પાસે પૈસા કેવી રીતે લેવાય?” હવે યુવાન શરમિંદગી અનુભવી રહ્યો. પોતાના અપકૃત્ય બદલ ખુબ દુઃખી થઈને રડી પડ્યો અને માફી માંગી.

જરા વ્યથિત થઈને ભીના અવાજે સંતે એ યુવકને કહ્યું, “ બેટા, હવે તારા આ બે રૂપિયાથી થયેલી ક્ષતિ તો ભરપાઇ થવાની નથી. જરા વિચારી જો આ કપાસ ઉગાડવામાં સૂતર કાંતવામાં અને સાડી વણવામાં કેટલા પરિવારોએ પરિશ્રમ વેઠ્યો હશે ?” યુવકે અપાર વેદના સાથે કહ્યું,“ ત્યારે તમે મને રોક્યો કેમ નહીં?”

સંતે ખુબ સરસ જવાબ આપ્યો,“ રોકી શક્યો હોત તો પણ તું તે સમયે તો ના જ રોકાત. પરસ્પર જીવન પ્રત્યે સાધી શકાય એવી આસ્થાની એ પળ ચૂકી જવાત. અત્યારે જે સંવેદનશીલતા તું અનુભવી રહ્યો છું તે કેળવવાની તક પણ ચૂકી જવાત.”

સીધી વાત- જે સમયે લોઢું ગરમ હોય ત્યારે જ ઘણ મારવાનો અર્થ બાકી તો સઘળા ઘા વ્યર્થ. સમજને સ્વીકારવાની શાણપણભરી માનસિકતા પર પહોંચેલી વ્યક્તિ માટે તો ઇશારો પણ કાફી છે. નાસમજ માટે તો આખી ગીતા વાંચવી પણ અર્થહીન છે. સમજની ભૂમિકાએ પહોંચ્યા પહેલા એને ભાષણ આપવું પત્થર પર પાણી.. અને દેશી તળપદી ભાષામાં કહીએ તો ભેંશ આગળ ભાગવત.

રાજુલ કૌશિક.

 

February 27, 2018 at 7:02 pm

૨૦ -(હકારાત્મક અભિગમ) જાગૃતિની જ્યોત.

સંત એકનાથજીના પ્રસન્ન ચહેરાને જોઇને એક યુવકે જરા આશ્ચર્યથી પૂછ્યું.“ નાથજી આપનું જીવન કેવું સ્વસ્થ, મધુર અને પ્રેમ-શાંતિથી ભરપૂર લાગે છે. આપને ક્યારેય ગુસ્સો, ઇર્ષ્યા, મોહ, મહત્વકાંક્ષા પીડતા કે પજવતા નથી? તમારી જેમ મારું જીવન પણ સ્થિર અને શાંત બને, દિવસો આનંદમય અને કલ્યાણમય પસાર થાય તેવો કોઇ ઉપાય બતાવોને !”

એકનાથજીએ શાંતિથી જવાબ આપ્યો, “ ઉપાય કામ લાગે એવો હોત તો ચોક્કસ બતાવત પણ હવે જરા મોડું થઈ ગયું છે. તારા હાથની રેખાઓ કહે છે કે તું હવે માત્ર સાત દિવસનો જ મહેમાન છું. પહેલાં જેવી રીતે જીવતો હતો એવી રીતે બાકીનું આયખુ પુરુ કરી નાખ.”

આ સાંભળતા જ પેલા યુવાનના ચહેરા પર ચિંતા, ભય અને વેદનાના પૂર ફરી વળ્યા. શરીર કંપારીથી ધ્રુજવા માંડ્યુ. પરસેવાના રેલેરેલા વહી ચાલ્યા. પગમાંથી પ્રાણ, ચહેરા પરથી ચેતના જાણે ચાલી ગઈ. આંખમાંથી તેજ ઓસરી ગયું. ક્ષણ માત્રમાં યુવાન જાણે વૃધ્ધત્વના આરે જઈ ઊભો. જગત અને જીવનમાંથી રસ ચાલ્યો ગયો. ઘરે આવીને પત્નિ અને સંતાનો પાસે રડી પડ્યો. સ્નેહી, સ્વજનો અને પાડોશીઓ પાસે જાણે-અજાણે કરેલી ભૂલો માટે ક્ષમા માંગી.

અંતે સાતમા દિવસના સૂર્યાસ્ત સમયે સ્વંય એકનાથજી  એના ઘરે આવ્યા. યુવાને હાથ જોડીને પૂછ્યું, “ નાથ હવે કેટલી ઘડી બાકી છે?”

એકનાથજીએ એને કરૂણાસભર સ્વરે કહ્યું, “ઊભો થા વત્સ. અંતિમ ઘડી તો પરમેશ્વ નક્કી કરશે ત્યાં સુધી તો તારે જીવવાનું છે પણ મને એ કહે કે આ સાત દિવસ તે કેવી રીતે વિતાવ્યા? મોજ-મઝા, ભોગ –વિલાસમાં , આનંદમાં? આ સાત દિવસોમાં ગુસ્સો, મોહ-માયા, મહત્વકાંક્ષાની કેટલી ક્ષણો આવી?”

યુવક રડી પડ્યો. એણે કહ્યું,“ નાથ, આ સાત દિવસો તો માત્ર મૃત્યુના ઓછાયામાં જ ગયા. નથી તેના સિવાય નથી બીજા કોઇ વિચારો આવ્યા કે નથી બીજી કોઇ સૂઝ રહી.”

એકનાથજી એ કહ્યું, “ જેના ધ્યાનમાં તે આ સાત દિવસ કાઢ્યા તેના ધ્યાનમાં અમે સમગ્ર આયખુ વિતાવી દઈએ છીએ. મૃત્યુ એટલે કોઇ નામ, તારીખ, સાલ કે ક્ષણ નહીં પણ ક્ષણ-ક્ષણની સજ્જતા. પળ-પળની જાગૃતિ. આ સાવધાની જ્યોત છે જેના ઉજાસમાં જોવાનું, જાણવાનું, જાગવાનું અને જીવવાનું હોય છે. એ જ તો સાચી ઉપલબ્ધ્ધિ છે.” તે ક્ષણે જ જાણે યુવકને જીવનદીક્ષા મળી ગઈ. મરવું સરળ છે, ક્ષણમાં જીવન જોઇ લેવું એ કસોટી છે.

આ એક યુવક પુરતી વાત નથી. આપણે પણ જીવનભર આમ જ જીવીએ છીએ. કાલ કોણે દીઠી છે એમ માનીને મનને ગમતું, તનને ફાવતું કરીએ છીએ. પરંતુ જે ક્ષણે મોતની છાયાનો આભાસ સુધ્ધા થાય ત્યારે જ જાગીએ છીએ. મન ત્યારે જ જાગૃત થાય છે જ્યારે સમય ક્ષણમાં ફેરવાતો લાગે છે. જો કે એકનાથજી બનવું સરળ હોત તો સંત, સંન્યાસ અને સંસારમાં કોઇ ફરક જ ન રહેત. એકનાથજી તો ન બની શકીએ પણ સમય ક્ષણમાં ફેરવાય તે પહેલા જાગૃત તો રહી જ શકીએ ને?

રાજુલ કૌશિક.

February 27, 2018 at 7:01 pm

૧૮ – (હકારાત્મક અભિગમ) ભયની ભ્રમણા.

બે સાવ નાનકડા બાળકો એકબીજાની સાથે રમતા હતા. ઘણા સમય પહેલા આવી શક્યતા હતી કારણકે ત્યારે બાળકો પાસે આઇ પેડ નહોતા, મોબાઇલો પર અપ-લૉડ કરેલી રમતો નહોતી. રમતાં રમતાં બંને તડકામાં જઈ પહોંચ્યા. એમણે જોયું કે એ બંને જે કંઈ કરતા હતા એવું જ એમના પડછાયા કરતા હતા. બંને જેવું હલનચલ કરતા હોય અદ્દલો અદ્દલ એમના પડછાયા પણ એ પ્રમાણે જ એવું જ હલનચલન કરતા હતા. અરે વાહ ! આ તો સરસ મઝાની રમત. બંને બાળકોને આ રમત ખુબ ગમી ગઈ.

રમવામાં અને રમવામાં કેટલો ય સમય પસાર થઈ ગયો. હવે ધીમે ધીમે એમના પડછાયા મોટા થતા ગયા. પોતાના કરતાં ય મોટા પડછાયા જોઇને બંને બાળકો ખુબ ડરી ગયા અને એ મોટામસ પડછાયાથી છુટકારો મેળવવા આમતેમ દોડાદોડ કરી મુકી પણ પડછાયા ય જાણે એમની સાથે હોડમાં ઉતર્યા હોય એમ એમની સાથે જ  દોડાદોડ કરવા લાગ્યા. પડછાયાએ જાણે એમને પકડી લીધા. વાતનું વતેસર થયું . બંને બાળકો  રમતાં રમતાં રડવા લાગ્યા. મોટે મોટેથી રડતા છોકરાઓના અવાજથી બંનેની મા દોડી આવી.

પહેલા છોકરાની માએ જોયું કે એનું બાળક પડછાયાથી ડરી ગયું છે એટલે એણે પોતાના બાળકને છાંયડામાં લઈ લીધો. પડછાયો દેખાતો બંધ થયો એટલે બાળકે રડવાનું તો બંધ કરી દીધું પણ મનમાં ઘર કરી ગયેલો ડર દૂર ના થયો. જ્યારે પણ એ તડકામાં જાય અને પડછાયો જુવે એટલે ડરી-ભાગીને છાંયડો શોધવા માંડે.

બીજા બાળકની માએ પણ જોયું કે પડછાયાથી ડરીને પોતાનું બાળક રડી રહ્યું છે. એણે એને ત્યાંથી દૂર કરવાના બદલે સમજણ આપી કે હકિકતમાં પડછાયો તો તડકાને રોકી રહેલા બાળક્ની પોતાની છાયા છે. એણે બાળક્ને વધુ સમજાવતા કહ્યું કે, “ જો તું તારો હાથ હલાવ તો એ પણ એનો હાથ હલાવશે. તું તારો પગ હલાવ તો એ પણ એનો પગ હલાવશે. તું કૂદકો મારીશ તો એ પણ તારી જેમ કૂદકો મારશે. તું ડાન્સ કરીશ તો એ પણ તારી જેમ જ ડાન્સ કરશે. પડછાયો એ તો માત્ર તારી છાયા છે અને તારી નકલ જ કરે છે. એનાથી ડરવાનું હોય જ નહીં એને તો તું ઇચ્છે એમ નચાવવાનો હોય.”  અને બાળકને પડછાયાના ભયથી કાયમ માટેની મુક્તિ મળી ગઈ.

ઉંમરના પ્રત્યેક પડાવની સાથે ભયની ભ્રમણા તો કદાચ પેલા પડછાયાની જેમ જ વળગેલી રહેવાની. બાળપણથી માંડીને ઘડપણ સુધી અલગ અલગ ભયના ઓથાર સાથે જીવતા આપણે મૃત્યુના ભયથી પણ ક્યાં છૂટી શકીએ છીએ. જે જેવું છે એને એમ જ સ્વીકારીને એમાંથી મુક્ત થવાના બદલે એના ભરડામાં લપેટાઇને જાતને વધુ તકલીફમાં મુકતા જઈએ છીએ.

સીધી વાત… ભય એ માનસિકતા છે. ભય કરતાં ભયની લાગણી, ભયનો ભ્રમ વધુ ભડકાવનારો હોય છે. એના નાનકડા સ્વરૂપને પણ આપણે અનેક ઘણુ વધારીને વિચારીએ છીએ. એને વાસ્તવિક સ્વરૂપમાં જોવાના બદલે આપણી કલ્પનાના રૂપે જોતા થઈએ છીએ ત્યારે એ હોય એના કરતાં પણ આપણને વધુ ડરાવે છે. ભય સામે ભાગેડુવૃત્તિના બદલે  એને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારીને એમાંથી માર્ગ કાઢીએ તો એમાંથી જલ્દી મુક્ત થઈએ.

 

રાજુલ કૌશિક

February 27, 2018 at 7:00 pm

૧૭ – (હકારાત્મક અભિગમ) સુખ દુઃખ અને તટસ્થતા.

જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે માનવ આયખું. એમાં કેટલીય લીલી-સુકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવાના આવતા હોય . હવે આ દરેક પરિસ્થિતિ મનભાવન તો હોવાની નહીં. ગમતાનો કરીએ ગુલાલ પણ ના ગમે એનું શું?

એક માણસ અત્યંત દુઃખી હતો. એનું દુઃખ દૂર કરવાનો ઇલાજ એની પાસે તો હતો નહીં એટલે એ પોતાના દુઃખનો ઇલાજ શોધવા એક સંત-મહાત્મા પાસે ગયો. જ્ઞાની પુરૂષે એની વાત ખૂબ શાંતિથી સાંભળી પછી એમણે એક મુઠ્ઠી મીઠુ લઇને બાજુમાં પડેલા પાણીના લોટામાં એ બધુ મીઠું નાથી દીધું અને પેલા માણસને લોટાનું પાણી પીવાનું કહ્યું .

પેલા માણસે પાણી પુરુ કર્યું એટલે મહાત્માએ એને સવાલ કર્યો..

“ પાણીનો સ્વાદ કેવો હતો ?”

મ્હોંમાં રહેલા બાકીના છેલ્લા પાણીના ઘૂંટડાને થૂ થૂ કરીને કાઢી નાખ્યો અને મ્હોં બગાડતા જવાબ આપ્યો….

“અત્યંત ખારો.”

જરાક હસીને મહાત્માએ પેલા માણસને બીજી એક વાર મુઠ્ઠી ભરીને મીઠુ લેવાનું કહ્યું અને પાસેના સરોવર કિનારે લઈ ગયા. સરોવર કિનારે પહોંચીને મુઠ્ઠી ભરેલું મીઠું એ સરોવરમાં નાખી દેવા કહ્યું.

“ હવે આ પાણી પી..” મહાત્માએ પેલા માણસને કહ્યું.

સરોવરમાંથી પેલા માણસે ખોબો ભરીને પાણી પીધું. મહાત્માએ પૂછ્યું ..

“ કેવો હતો પાણીનો સ્વાદ ?”

સારો…..” પેલા માણસને હજુ ય સમજણ પડતી નહોતી કે મહાત્મા પાસે એ પોતાના દુઃખનો ઇલાજ પૂછવા  આવ્યો હતો અને એ કઈ ભળતી જ ક્રિયાઓ એની પાસે કરાવતા હતા.

મહાત્માએ ફરી એને પૂછ્યું ……..” તને એમાં ખારાશ લાગી?”

“ ના”

હવે મુદ્દાની વાત પર આવતા મહાત્માએ એને કહ્યું …

“ આપણા જીવનમાં આવતી દુઃખદ સ્થિતિ પેલા મુઠ્ઠીભર મીઠા જેવી છે. ન વધારે કે ન ઓછી. એની માત્રા એક સરખી હોય તો તને કેમ એના સ્વાદમાં ફરક લાગ્યો? કારણ માત્ર એટલું કે એ માત્રાનો આધાર આપણે એને કયા અને કેવા પાત્રમાં ઝીલીએ છે એની પર છે. તારી પર આવતી તકલીફો માટે તું તારું સમજદારીનું પાત્ર જેટલું મોટું રાખીશ એટલી તારી જીંદગી ઓછી ખારી થશે.”

સમસ્યા કે મુશ્કેલીની પીડાનો આધાર આપણે એને કયા દ્રષ્ટિકોણથી જોઇએ છીએ એના પર અવલંબે છે. કોઇ એવું વિચારે કે મારી સાથે જ કેમ આવું થાય છે તો એ તકલીફ એને વધારે દુઃખદાયી લાગશે. કોઇ એમ વિચારે કે આવુ તો બધા સાથે શક્ય છે અને પાણીનું મોજું આવ્યું છે એ પગ ભીના કરીને પાછું જ વળી જવાનું છે તો એનામાં હિંમત ટકી રહેશે.

સીધી વાત-  જરૂર છે પાણીનું મોજું આવે ત્યારે ત્યાં સ્થિર થઈને ઉભા રહેવાની. નદીનો પ્રવાહ પણ ક્યાં સાગર સુધી  સહેલાઇથી પહોંચી શકે છે? જીવન છે ઉખડ-બાખડ રસ્તાઓ પરથી પસાર તો થવું જ રહ્યું. પ્રત્યેક પગલે ફૂલોની ચાદર પાથરેલી મળશે જ એવું તો ભાગ્યેજ કોઇના નસીબમાં લખાયેલું હશે. આવતી દરેક પરિસ્થિતિને તટસ્થભાવે જોઇએ અને સ્વીકારી લઈએ તો સુખ અને દુખઃ જીરવવા સરળ થઈ જશે.

રાજુલકૌશિક

February 27, 2018 at 6:59 pm

૧૬ – (હકારાત્મક અભિગમ) સત્યની પ્રતીતિ.

શ્રીમંત ઐતિહસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે  યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દી કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના સુધી પહોંચી હતી અને વિશ્વમાં ભારે નફો કરતા મહાકાય ઔદ્યોગિક એકમ તરીકે ઉભરી આવી હતી. કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના બાદ તેમનું નામ  અનેક “કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી” માંના એક તરીકે જાણીતું થયું હતું.

કાર્નેગીએ પોતાના ધનનો હિસ્સો અનેક દાનેશ્વરી સંસ્થાને સમર્પિત કર્યો હતો. ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને ખાસ મહત્વ આપતા કાર્નેગીના જીવનને “રેગ્સ ટુ રિચીસ” તરીકે મૂલવવામાં આવે છે.

એન્ડ્રુ કાર્નેગીએ બહોળો કારોબાર જમાવેલો પણ એ ધંધાની જાહેરાત કરવાના હંમેશા વિરોધી હતા. વિજ્ઞાપન માટે એમનો સંપર્ક કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયાસો પણ થયેલા. એમાંના એક વિજ્ઞાપનના સંપર્ક અધિકારી તો ક્યારેક કાર્નેગીને સમજાવવામાં સફળતા મળશે એવી આશાએ અવારનવાર એમની મુલાકાત લેતા.

આવી અનેક મુલાકાતો દરમ્યાન એમણે કાર્નેગીને જાહેરાત નહીં આપવા પાછળનું તાર્કિક કારણ પૂછ્યું.

કાર્નેગી માનતા કે જાહેરાત વગર પણ જો લોકો એમના ઉત્પાદન ખરીદતા હોય તો જાહેરાત પાછળ સમય અને સંપત્તિ વેડફવાની કોઇ જરૂર નથી.

એ સમયે દૂરના ચર્ચમાં થયેલો ઘંટારવ સંભળાયો. પેલા અધિકારીએ કાર્નેગીને પૂછ્યું. “ આપે આ ઘંટારવ સાંભળ્યો એ ચર્ચ ત્યાં કેટલા સમયથી છે?”

“ એ ઘણું જુનુ છે. છેલ્લા સો વર્ષથી તો એ ત્યાં જ છે એવું સાંભળ્યું છે.” કાર્નેગીએ જવાબ આપ્યો.

“ સદીઓથી એ ચર્ચ ત્યાં જ છે એવું લોકો પણ જાણે છે તેમ છતાં ત્યાં રોજ સવાર-સાંજ નિયમિત રીતે ઘંટનાદ થાય છે. કેમ? ખુદ ઇશ્વર પણ ઇચ્છે છે આ ઘંટારવ દ્વારા લોકો જાગૃત  રહે. ઇશ્વર પણ આ ઘંટનાદ દ્વારા સૂચવે છે કે હું અહીં જ છું મને ભૂલી ના જશો. અધિકારીએ કાર્નેગીને સમજાવતા કહ્યું અને ઉમેર્યું કે એમની દ્રષ્ટિએ આ વધુમાં વધુ  લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.

સારી વસ્તુની પણ રજૂઆત જરૂરી છે એવી અધિકારીની આ વાતની કાર્નેગી પર ચોક્કસ અસર થઈ અને એમણે પોતાના ઉત્પાદન માટે જાહેરાત માટે સંમતિ આપી.

સીધી વાત- સારી અને સાચી વાતને પણ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવું જ જોઇએ. અશુભ સામે શુભ તત્વોની જીત માટે , નકારાત્મતા સામે હકારાત્મકતા કે સકારાત્મકતાની જીત માટે યોગ્ય અભિવ્યક્તિનીની જરૂર તો હોય જ છે.  અંધકારના ધુમ્મસભર્યા આવરણમાંથી ધરતીને ઉજ્જ્વલિત કરવા સૂરજની રોશનીની જરૂર તો હોય છે જ. સત્ય-શિવ અને સુંદરતાને પણ મુખરિતતાની જરૂર તો હોય જ છે.

રાજુલ કૌશિક.

February 27, 2018 at 6:59 pm

૧૫ – (હકારાત્મક અભિગમ) સમીક્ષા.

Question: What is the best advice your mother ever gave you?

Answer By Jonathan Pettit

જ્હોનાથન પેટીટ નામથી તો આપણે સૌ સાવ અજાણ્યા છીએ .એ નામ આજ સુધી આપણા કાને પડ્યું પણ નહીં હોય શક્ય છે ભવિષ્યમાં પણ નહીં પડે. પરંતુ એમણે એમના જીવનની એક એવી મર્મ સ્પર્શી વાતનો ઉલ્લેખ કર્યો હતો એ આજે અહીં મુકુ છું.

એ કહે છે કે જ્યારે તેઓ દસ વર્ષની ઉંમરના હતા ત્યારે એમની માતાએ બનાવેલું અત્યંત ટેસ્ટી ખાવાનું મઝાથી ખાધું. ત્યાર બાદ એ એમની પ્લેટ સાફ કરતાં હતાં ત્યાં એમના માતાએ આવીને કહ્યું, “ સોરી દિકરા, આજે પણ ખાવાનું અત્યંત ખરાબ હતું નહીં?”

જ્હોનાથને આશ્ચર્ય અને આઘાત પામતા મા ને કહ્યુ, “ ના , ખાવાનું અત્યંત સ્વાદિષ્ટ હતું. મને ખરેખર ખુબ ભાવ્યું.”

“ ખરેખર ? હવે આશ્ચર્ય પામવાનો વારો એમની મા નો હતો. “ તું કાયમ કશું જ બોલ્યા વગર ચૂપચાપ ખાય છે. ક્યારેય કશું કહેતો નથી, મારું બનાવેલું ખાવાનું તને ભાવે છે એવું ક્યારેય તેં મને જણાવ્યું નથી એટલે મેં ધારી લીધું કે તને મારું બનાવેલું ખાવાનું નહીં ભાવતું હોય.”

“ ના મા, તું તો ખરેખર શ્રેષ્ઠ કૂક છું.”

“ તો તારે મને ક્યારેક તો જણાવવું જોઇતું હતું.” મા એ જવાબ આપ્યો. “ જ્યારે કોઇ તમારા માટે કશું સારું કરે ત્યારે તમારે એના માટે ક્યારેક તો ઉલ્લેખ કરવો જોઇએ, ક્યારેક તો  જો ક્યારેય પણ એના કરેલા કામની કદર નહીં થાય તો જાણે-અજાણે એનો કશું કરવાનો ઉત્સાહ ઓસરી જશે.

જ્હોનાથન કહે છે,  “એ વાત મને ખુબ સ્પર્શી ગઇ, મને એ શબ્દનું મૂલ્ય સમજાયું અને એ દિવસથી મહદ અંશે મેં દરેકનો આભાર માનવાનું શરૂ કર્યું. જ્યારે પણ કોઇએ કરેલી નાની અમસ્તી મદદ માટે મેં આભાર માનવાનું શરૂ કર્યું ત્યારથી એની મને એક આદત થઈ ગઈ અને એની મારા જીવનમાં જાણે જાદુઇ અસર થવા માંડી. હું લોકોને ગમવા માંડ્યો. લોકો મારી સાથે તાદાત્મય અનુભવવા લાગ્યા , મારી સાથે ખુલીને વાતો કરવા લાગ્યા.

એક દિવસ મારા હાઇસ્કૂલના વર્ષના અંતિમ દિવસો હતા ત્યારે હું ઘરે આવ્યો અને મેં એક મોટી ફ્રોઝન કેક ટેબલ પર જોઇ. આદતવશ હું બોલી ઉઠ્યો, “ થેન્ક્સ મોમ.”

“ એ હું નથી લાવી,” મા એ કહ્યું “ એ તારી સ્કૂલના બસ ડ્રાઇવર તરફથી છે.”

હાઇસ્કૂલના વર્ષો દરમ્યાન જ્યારે અમે બસમાંથી ઉતરતા ત્યારે એક માત્ર હું અને મારા સહોદર હતા જે કાયમ એમને થેન્ક્સ કહેતા. આ નાના અમસ્તા શબ્દોએ મારા જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. કદરની પણ કિંમત હોય છે. પ્રશંસાનો એક શબ્દ કેટલો શક્તિશાળી છે એ મને મારી  મા એ શિખવ્યું.

હવે આ આખી વાતને જરા અલગ રીતે જોઇએ. આપણે એવા કેટલા લોકોને જોયા હશે કે જેઓ પોતાની જાતને સારા ક્રિટિક –ટીકાકાર, પરિક્ષક, સમાલોચક કે વિવેચક કહેવડાવીને ગૌરવ અનુભવતા હશે પણ હું એક સારો પ્રશંસક છું એવું કહેતા જવલ્લે જ સાંભળ્યા હશે.

હા પણ સાથે એક વાત પણ એટલી જ સમજી લેવી જોઇએ કે પ્રશંસાના એ મીઠા શબ્દો માત્ર મધમાં બોળાયેલા કે કહેવા ખાતર કહેવાયેલા ન હોવો જોઇએ, એ દિલથી અનુભવેલા પણ હોવો જોઇએ.

રાજુલ કૌશિક

 

February 27, 2018 at 6:58 pm

૧૪ – (હકારાત્મક અભિગમ) સ્પર્ધાત્મકતા અને ખેલદિલી.

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી.

એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા જ હશે. એક વ્યક્તિ ઓફિસમાં હાજર સૌને જાણે રમત રમાડતા હતા. ત્યાં ઉભેલ તમામ વ્યક્તિઓના હાથમાં એક ફુલાવેલો ફુગ્ગો આપવામાં આવ્યો હતો અને બીજા હાથમાં એક ટુથપિગ આપવામાં આવી. રમત શરૂ થાય એ પહેલા સૌને સૂચના આપવામાં આવી હતી કે નિર્ધારિત સમય સુધીમાં છેલ્લે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ ગેમ જીતશે.

દસ નવથી માંડીને ઉંધી ગણતરીએ  કાઉન્ટ ડાઉન શરૂ થયુ… અને સ્ટાર્ટની સૂચના સાથે જ સૌ એકબીજાના હાથમાં રહેલો ફુગ્ગો પેલી ટુથપિગથી ફોડવા મંડ્યા. પોતાનો ફુગ્ગો બચાવીને અન્યનો ફુગ્ગો ફોડવાની પેરવીમાં અંતે તો કોઇના ય હાથમાં ફુલેલો ફુગ્ગો રહ્યો નહી. અર્થાત ગેમ કોઇ જીત્યું નહીં.

ગેમ રમાડનાર વ્યક્તિએ અંતે એક સવાલ સૌને પૂછ્યો, “ દોસ્તો, મેં સૌને એવું કહ્યું હતું કે ગેમના અંતે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ વિજેતા. અહીં કોઇપણ એવા સંજોગ હતા જ્યાં આપણી જીતવાની કોઇ શક્યતા હતી?”

હતી શક્યતા હતી એ તો સૌએ કબૂલ કર્યું “ કોઇએ અન્યનો ફુગ્ગો ફોડવાની જરૂર જ નહોતી. જો એમ કર્યું હોત તો સૌ વિજેતા બની શક્યા હોત.” અર્થાત જીતવા માટે કોઇને હરાવવાની જરૂર નથી હોતી. જીતવા માટે અન્યનું નુકશાન કરવાની જરૂર તો જરાય નથી હોતી. પણ આપણી માનસિકતા એવી છે કે જો આપણે જીતવું છે તો અન્યને હરાવવા જ રહ્યા. કોઇનું નુકશાન એટલે આપણો ફાયદો. આ જ બનતું આવે છે પછી ભલેને એ કોર્પોરેટ જગત હોય, રાજકારણ હોય . આપણે અન્યને નીચા પાડવા જતા ખુદ નીચે ઉતરતા જઇએ છીએ.

હવે આની સામે એક બીજો સીન જોઇએ.

મોટા- ખુલ્લા મેદાનમાં સ્પર્ધાનો માહોલ હતો. સફેદ પાટા પર દોડવીરો દોડવા માટે અને જીતવા માટે સજ્જ થઈને ઉભા હતા. મેદાનની ફરતે પ્રેક્ષકો ગોઠવાયેલા હતા. કદાચ સૌના ચહેરા પર સ્પર્ધામાં ઉતરેલા પોતાના સ્વજનની જીત માટેની ઉત્તેજના હતી એની સાથે હાથ પ્રાર્થના માટે જોડાયેલા હતા.

સ્પર્ધા શરૂ કરવા માટેની વ્હિસલની સાથે લીલી ઝંડી ફરકી અને એની સાથે જ પેલા સફેદ પાટા પર ઉભેલા સ્પર્ધકોએ દોડવા માંડ્યુ. બે પાંચ પળ વિતી અને દોડી રહેલા સ્પર્ધકમાંથી એક દોડવીર ઠેબુ ખાઇને પડ્યો. સ્વભાવિક છે કે બાકીના સ્પર્ધકો માટે તો  એમની સાથેની સ્પર્ધામાંથી એક બાકાત થયો . અન્યનું તો એ જ ધ્યેય હોય ને કે જેમ બને એમ ઝડપથી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચીને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરવું.

પણ ના , અહીં એમ ના બન્યું . એક સ્પર્ધકના પડી જવાથી બાકીના સ્પર્ધક ઉભા રહી ગયા . પાછા વળીને પેલા ગબડી પડેલા સ્પર્ધકને ટેકો આપીને ઉભો કર્યો. એટલું જ નહીં પણ બાકીની દોડ માટે સૌએ એકમેકના હાથ ઝાલીને સંયુક્ત રીતે સ્પર્ધા જીતી.

મેદાનમાં બેઠેલા તમામ પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તમામ સ્પર્ધકોને વધાવી લીધા. કારણ ? આ કોઇ સામાન્ય સ્પર્ધકો નહોતા. રમતના મેદાનમાં ઉતરેલા તમામ બાળકો શારીરિક રીતે તો કદાચ સ્વસ્થ હશે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હતા. આ સ્પર્ધા મંદબુદ્ધિ (મેન્ટલી રિટાયર્ડ) બાળકો વચ્ચે યોજાયેલી સ્પર્ધા હતી.

હવે આ બાળકો માટે  કેવી રીતે મંદબુદ્ધિ શબ્દ પ્રયોગ કરી શકાય? હુંસાતુંસીના આ જમાનામાં ભલભલા અકલમંદ લોકો પણ એક બીજાને પછાડવાની પેરવીમાં લાગેલા હોય છે. ક્યાંથી કોને પછાડીને હું આગળ વધુ એવી માનસિકતા વચ્ચે માનસિક સ્તરે નબળા કહેવાય એવા બાળકોએ શું કર્યું એ  સમજવા આપણી સમજ અને એ મેન્ટલી રિટાયર્ડ બાળકોને નવાજવા માટે તો શબ્દો પણ ઓછા પડે.

સીધી વાત…..એકલી વ્યક્તિ પાણીનું બુંદ છે, જો એકબીજા સાથે ભળી જઈતો સાગર બનીએ. એકલી વ્યક્તિ એક માત્ર દોર છે સાથ મળીએ  તો વસ્ત્ર બનીએ.  એકલી વ્યક્તિ કાગળ માત્ર છે. એકબીજા સાથે મળી જઇએ તો કિતાબ બની રહીએ. એકલા આપણે પત્થર છીએ. ભળી જઈએ તો ઇમારત બનીએ.

રાજુલ કૌશિક.

February 27, 2018 at 6:57 pm

Older Posts Newer Posts


Blog Stats

  • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2019
M T W T F S S
« Nov    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!