(૧.)
Posts filed under ‘હકારાત્મક અભિગમ’
ચમત્કાર
વાત એક સત્ય ઘટનાની છે. ન્યૂ યોર્કમાં રહેતી એક નાનકડી છોકરી તેની પિગી બેન્ક ખાલી કરીને એક દવાની દુકાન પર જાય છે. દુકાન માલિકને તેના ભાઈ સાથેની વાતોમાં ખલેલ પડતાં જરા ગુસ્સામાં તેને પૂછે છે કે ‘શું જોઈએ છે?’ તો છોકરીએ કહ્યું કે, ‘મારો ભાઈ બહુ બીમાર છે ને હું ચમત્કાર ખરીદવા આવી છું.’
આ સાંભળી આશ્ચર્ય પામેલો તે બોલ્યો, ‘ફરીથી બોલ, તારે શું જોઈએ છે?’ તો છોકરીએ કહ્યું કે ‘મારા ભાઈનું નામ એન્ડ્રયુ છે અને તેના માથામાં કંઈ થયું છે. મારા ડેડીનું કહેવું છે કે તેને કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. હું તે ચમત્કાર ખરીદવા આવી છું?’ આ સાંભળી દુકાનદાર બોલ્યો કે ‘બેટી, અમે અહીં ચમત્કાર નથી વેચતા. ’આજીજી કરતાં તે છોકરીએ ફરીથી કહ્યું કે ‘મારી પાસે તે ચમત્કાર ખરીદવા માટે પૈસા છે. તમે એટલું જ કહો કે તેની કિંમત કેટલી છે.’ આ સાંભળી રહેલા દુકાનદારના ભાઈએ છોકરીને કહ્યું કે ‘તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે?’ તો છોકરીએ કહ્યું કે ‘મમ્મી કહેતી હતી કે તેનું ઓપરેશન કરાવવું પડશે, પરંતુ મારા ડેડી પાસે એટલા પૈસા નથી. આથી હું મારી પિગી બેન્કમાં જમા કરેલા એક ડોલર અને અગિયાર સેન્ટથી ચમત્કાર ખરીદવા આવી છું!’ આ સાંભળીને તેણે કહ્યું કે ‘અરે વાહ, તારી પાસે જેટલા પૈસા છે, એટલામાં જ ચમત્કાર મળી જાય છે.’
ત્યારબાદ તેણે છોકરી પાસેથી પૈસા લઈને કહ્યું કે, ‘મને તારા ઘરે લઈ જા. હું તારાં મમ્મી-ડેડી અને ભાઈને મળવા માગું છું.’ વાસ્તવમાં તે ન્યૂરો સર્જરી નિષ્ણાત ડો. કાલર્ટન આર્મસ્ટ્રોંગ હતા. તેમણે તે ઓપરેશન મફતમાં કરી આપ્યું અને થોડા સમય પછી તે છોકરીનો ભાઈ ઠીક પણ થઈ ગયો. ત્યારબાદ તે છોકરીની મમ્મી ઈશ્વરનો આભાર માનતાં બોલી કે ઓપરેશન ખરેખર ચમત્કારથી ઓછું નહોતું.
ચમત્કાર એટલે અલાદ્દિનનો ચિરાગ જેને ઘસવાથે એક જીન પ્રગટ થાય અને તમારી કદમબોસી કરે? તમારી ખિદમતમાં દુનિયાનુ તમામ સુખ હાજર કરી દે તે? ના! ચમત્કાર એટલે કે-લાલની માયાજાળ કે જે સેંકડો પ્રેક્ષકોની હાજરીમાં સ્ટેજ પર શૂન્યમાંથી સર્જન કરે કે સ્ટેજ પર હાજર વસ્તુને પળમાં ગાયબ કરે તે ? ના! ચમત્કાર એટ્લે તો વ્યક્તિએ જે પરિણામની આશા જ છોડી દીધી હોય અથવા જે પરિસ્થિતિની કલ્પના સુધ્ધા પણ ના કરી હોય તેવી ક્ષણનો સુખદ આવિર્ભાવ-તેવી સુખદ ક્ષણનો સાક્ષાત્કાર.
થોડા સમય પહેલાનો આંખે દેખ્યો બનાવ છે. શહેરના હાઇવેને જોડતા રોડમાર્ગના વળાંક પર ટ્રાફીક સિગ્નલ પર ગાડી ઉભી હતી. હાઇવે પર સાઇકલ પર એક માણસ પોતાનુ ટીફીન ભરાવીને આરામથી હળવી ઝડપે પસાર થતો હતો. પાછળથી પુરવેગે આવતી ટ્રકે તેને અડફેટે લીધો.ટ્રકની સાથે અથડાતા વેંત તે પડ્યો એટલું જ નહી પણ પોતાની સાઇકલ સાથે ટ્રકની નીચે ઘણે દૂર સુધી ઘસડાયો . ચારેબાજુથી પસાર થતા ટ્રાફીકની જેમ અમારા હ્રદયમાં પણ કંપારે છૂટી ગઇ. ગયો ,-આ માણસ તો હવે જાનથી ગયો એમ દેખીતુ જ લાગતુ હતુ. ટ્રક ચાલકને પણ કદાચ ખબર સુધ્ધા નહીં હોય કે તેની ટ્રક નીચે એક જીંદગી ઘસડાઇ રહી છે. મોત તો હાથ વેંત પણ છેટુ નહોતુ. અને ટ્રક આગળ નિકળી જતા પેલા માણસના શરીરની દુર્દશા પણ કેમ કરીને જોવાશે એ વિચારે હ્રદયના ધડકારા વધી રહ્યા હતા. ત્યાં તો પેલો માણસ જાણે કશું જ બન્યુ ન હોય તેમ આસ્તેથી ઉભો થયો ,પોતાની સાઇકલ ઉભી કરી સાથે ઘસડાયેલુ ટિફિન સરખુ ભરાવીને પેડલ મારતો આગળ વધ્યો.ચમત્કાર આને કહીશું? તો ચોક્કસ હા ! જે હકિકતની કલ્પના કરવી પણ અશક્ય હોય તેને નજર સામે જીવંત થવી એ ચમત્કાર.
ક્યારેક કુદરત ચમત્કાર સર્જે છે તો ક્યારેક માનવી પોતે પણ ચમત્કારે સર્જી શકે છે .ક્યારેક એવુ પણ બને કે આપણે જેના માટે અથાગ પ્રયત્ન કરતા હોઇએ પણ તેમાં નિષ્ફળતા જ મળે અને પછી જ્યારે એના માટે આશા જ છોડી દીધી હોય અને અચાનક જ થોડા પ્રયત્ને એમાં સફળતા મળી જાય.ક્યારેક ચમત્કાર એટલે શ્રધ્ધાના બળે મેળવેલી સફળતા. આમતો વિજ્ઞાન અને વિજ્ઞાની સાથે શ્રધ્ધા કે ચમત્કાર જેવો શબ્દ ક્યાંય બંધ બેસે છે? પણ એક વિજ્ઞાની પોતાને શોધ પાછળ જે રીતે પ્રયત્નશીલ હોય છે તેમાં પણ એક શ્રધ્ધાનુ બળ ઉમેરાયેલુ હોય જ છે જેમા સાવ અશક્ય લાગતી બાબતે પણ આશાવંત રહી શકે છે અને છેવટે એ શ્રધ્ધાના બળે જ ચમત્કાર સર્જાય છે. તેમ દરેક વ્યક્તિ પણ પોતાના આત્મબળે ચમત્કાર સર્જી શકે છે. અશક્ય લાગતી બાબતને શક્ય કરવા મથતી વ્યક્તિ માટે એ કામ હુ કરીને જ રહીશ કે પામીને જ રહીશ એવો નિર્ણય કરો અને ખરા મનથી સિધ્ધિ માટે સંકલ્પ કરો અને પછી જે પામશો તે ચમત્કારથી ઓછું તો નહીં જ લાગે.
૪૮-હકારાત્મક અભિગમ- જીવન-પ્રવાહ
જગત સમ્રાટ સિકંદર, વિશ્વ વિજેતા સિકંદર, અઢળક સંપત્તિનો દાવેદાર સિકંદર જીવ્યો ત્યાં સુધી જીતવાની ખેવનામાં જ રહ્યો પણ માત્ર મેળવવાની જ જીદથી પણ એ શું પામ્યો? અને જ્યારે એના જીવનની અંતિમ પળો આવી ત્યારે એણે પોતાના જનાજાની બહાર ખુલ્લી હથેળી રાખીને એને દફન કરવાનું કહીને વિશ્વનેનવાનો અર્થપૂર્ણ સંદેશ આપતો ગયો.
“ખુલ્લી હથેળી રાખીને જીવો જીગતમાં આવતા,
ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા
યૌવન ફના, જીવન ફના, જર અને જગત પણ છે ફના”
એ વાત સાથે એક બીજી વાત અહીં યાદ આવી.
જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો સમુદ્ર મૃત સમુદ્ર તરીકે ઓળખાય છે. ખરેખર તો આ એક વિશાળ તળાવ છે જેમાં ૩૫ ટકા જેટલો ક્ષાર છે એટલે એમાં નથી કોઈ દરિયાઈ વનસ્પતિ ફાલી શકતી કે નથી કોઈ જીવ રહી શકતા. હા! એટલું ખરું કે એમાં રહેલી ખારાશના વધુ પડતા પ્રમાણને લીધે એમાં માનવશરીર કોઈ આયાસ વગર તરી શકે છે.
જ્યારે આ મૃત સરોવરની ઉત્તરે ગેલિલોનો સમુદ્ર છે. આ…
View original post 219 more words
૨૭-હકારાત્મક અભિગમ-આદર્શ નેતૃત્વ- રાજુલ કૌશિક
એક અદ્ભૂત શિક્ષક, સફળ વૈજ્ઞાનિક ,મિસાઇલમેન અને ભારતના રાષ્ટ્રપતિ, અત્યંત સાલસ ઇન્સાન એવા શ્રી અબ્દુલ કલામે એમના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોના ઉલ્લેખમાં એમની સફળતાનો શ્રેય એમની માતાને આપ્યો છે.
આમ જનતા સાથે મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. જ્યારે શ્રી અબ્દુલ કલામ જ્યારે ૧૯૮૦માં ભારતના સેટ્લેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોગ્રામના પ્રોજેક્ટ ડાઇરેક્ટર બન્યા તે સમયના તેમના અનુભવ વિશે વાત કરી છે.
રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના એ પ્રોજેક્ટમાં હજારો લોકો સંકળાયેલા હતા. દરેક એક વ્યક્તિનો એમાં ક્યાંક નાનો-મોટો ફાળો તો હશે જ. ૧૯૭૯માં લગભગ તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી હતી. કંટ્રોલરૂમમાં ભેગા થયેલા માટે કોમ્પ્યૂટરની એ છેલ્લી ચાર મિનિટની ગણતરી અતિ મહત્વની હતી. ગણતરી શરૂ થઇ….ટીક…ટીક.. ..ટીક…પણ એક જ મિનિટમાં કોમ્પ્યૂટરે ક્યાંક કશું ખોટું હોવાનો સંકેત આપ્યો. નિષ્ણાંતોની ગણતરી પ્રમાણે તો બધુ જ બરાબર હતું એટલે…
View original post 236 more words
પત્રાવળી-૧૨- વાચકમિત્રોના પત્રો
સહુ પ્રથમ હાર્દિક અભિનંદન; નવા વર્ષે નવી શબ્દોની પત્રાવળી પીરસવા માટે. આપની સાથે અમારા જ્ઞાનની પણ કસોટી થશે. તમારો પ્રથમ શબ્દ, “પત્રાવળી” શબ્દોની વિવિધતા સાથે ભોજનની વિવિધતા પણ જેમાં પીરસાય એ પત્રાવળી. પારંપારિક લગ્ન પ્રસંગે ભોજન હમેશ પત્રાવળીમાં જ પીરસાતું. આશા છે આપને આ અર્થ ગમશે.
જુઓને, પર્જન્ય શબ્દના કેટલા અર્થ છે. એક જાતનો મેઘ જે વરસતાં હજાર વર્ષ સુધી જમીનમાં ચીકાશ રહે તેવો. ગુજરાતી ભાષાની સમૃધ્ધિ પણ એમ જ તો રહેશે. પર્જન્ય એક પણ એના અર્થ અનેક. પર્જન્ય-કશ્યપ ઋષિનો એ નામનો પુત્ર જેની ગણના ગાંધર્વમાં થાય છે. ગર્જના કરતું વાદળું અને ઈંદ્ર પણ તો પર્જન્યના નામે ઓળખાય છે ને!! વિષ્ણુ મેઘવૃષ્ટિ કરનારા છે, વળી આનંદસુખની વૃષ્ટિ કરનાર પણ તે છે, માટે વિષ્ણુ ભગવાન પર્જન્ય કહેવાય છે. પુરાણમાં તો સવિતા નામના આદિત્યનુ બીજું નામ પર્જન્ય, દર વર્ષે ફાગણ મહિનામાં સૂર્યમંડળ ઉપર તેનું આધિપત્ય હોય છે.
સાહિત્ય- મિત્ર,
૨૫- હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ.
જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો ઉખડ-બાખડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટીકોણ હોવાના. એના માટે અહીં બે વાત યાદ આવે છે.
એક છે શાહમૃગવૃત્તિ. પક્ષીઓમાં વિશાળ અથવા કદાવર કહી શકાય એવા ઉત્તર આફ્રિકામાં જોવા મળતા શાહમૃગની પ્રકૃતિથી આપણે જ્ઞાત છીએ. જ્યારે એનો શિકાર કરવા કોઇ પીછો કરે ત્યારે એ જાત બચાવવા દોડવા કે સામનો કરવાના બદલે એ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે અને એવું માની લે છે કે હવે એને કોઇ જોઇ શકશે નહીં. એનું કદ વિશાળ હોવાના લીધે એ ઊડી નથી શકતું એ સમજાય એવી વાત છે પણ જે મજબૂત પગ એને મળ્યા છે એના સહારે એ દોડવાને તો શક્તિમાન છે જ એવી સમજણના અભાવે એ માથુ રેતીમાં ખોસીને નિશ્ચિંત બની જાય છે કે હવે એને મુસીબત આંબી નહી શકે.
બીજુ ઉદાહરણ છે શાહમૃગના જેવી જ કદાવર કાયા ધરાવતા એની જેમ જ આફ્રિકામાં જોવા મળતા જિરાફની. જિરાફનું બચ્ચું જન્મ સમયે માતાના ગર્ભમાંથી જે ઊંચાઇએથી જમીન પર પછડાય છે ત્યારે એ નવજાતને બચ્ચાને માંડ કળ વળી ના વળી અને મા એ નવજાત બચ્ચાને પોતાના પગ વડે જોરથી લાત મારે અને જરા આઘી જઈ ઊભી રહે. આઘાત લાગે એવી વાત છે નહીં? પણ એ વાસ્તવિક હકીકત છે. બચ્ચુ ઊભુ થવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી એક લાત.. ફરી બચ્ચુ ઊભુ થવા જાય અને ફરી એક લાત. માન્યામાં ના આવે એવી વાત છે ખરૂં ને? અંતે લાત ખાઇ ખાઇને બચ્ચુ ફરી બીજી લાત ન પડે એના માટે ઊભુ થઇને દોડવા માંડે અને ત્યારે જઈને માતા- જિરાફ એના બચ્ચાને વ્હાલથી ચાટવા માંડે છે. મા છે. એને ય બચ્ચુ વ્હાલું તો છે જ પણ એ જાણે છે કે જો જન્મથી જ એને આત્મ-રક્ષણ માટે સજ્જ નહી કરવામાં આવે તો નવજાત પ્રાણીનું તાજું માંસ પસંદ છે એવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાશે.
છે ને બે વિરોધાભાસી વાત? એક છે સમસ્યાથી દૂર ભાગતી, ઉકેલ લાવવાના બદલે એને નજરઅંદાઝ કરવાની વૃત્તિની અને બીજી છે સકારાત્મક દ્રષ્ટીકોણ ધરાવતી, કોઇપણ સમસ્યાને સામી છાતીએ પહોંચી વળવા જાતને સજ્જ રાખવાની વૃત્તિની. આવી વ્યક્તિઓમાં બીજી પણ એક ખાસિયત જોવા મળશે. એ કોઇપણ સમસ્યાનો સામનો કરવાના સૌથી શ્રેષ્ઠ માર્ગના વિકલ્પ શોધશે. જો ક્યાંક કોઇ ગણતરી ખોટી પડી તો નિસંકોચ ભૂલ સ્વીકારીને અન્ય વિકલ્પ અજમાવશે. શાહમૃગની જેમ મ્હોં તો નહીં જ સંતાડે.
જીવન જીવી લેવું અને જીવી જાણવું , બંનેમાં ફરક તો ખરો જ..
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
૧૧ – (હકારાત્મક અભિગમ) સોબત એવી અસર.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને તેમના કાર્યો વિશે કશી વાત કરવી એ તો સૂરજને દીવો ધરવા જેવી વાત થઈ. અહી આપણે વાત કરવી છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ડ્રાઇવરની. આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહીને અભણ વ્યક્તિમાં પણ કેવી હોશિંયારી આવે એની વાત કરવી છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “ થીયરી ઓફ રિલેટિવિટી “ ખુબ પ્રસિદ્ધ થઈ પછી એમને અનેક જગ્યાએ લેક્ચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આઇન્સ્ટાઇન હંમેશા ડ્રાઇવરને લઈને ગાડીમાં જતા. આઇન્સ્ટાઇન લેક્ચર આપે ત્યારે એમના ડ્રાઇવર છેલ્લી હરોળમાં બેસીને અન્ય શ્રોતાઓની જેમ આઇન્સ્ટાઇનને સાંભળતા.
એક દિવસ ડ્રાઇવરે આઇન્સ્ટાઇનને કીધું કે તમારી થીયરી એટલી સરળ છે અને આટલી વાર સાંભળ્યા પછી મને શબ્દસહઃ યાદ રહી ગઈ છે એટલે મને લાગે છે કે હું પણ એની પર પ્રવચન આપી શકું. ત્યારે આઇન્સ્ટાઇન ગુસ્સે થવાના બદલે રાજી થયા કે એમની થીયરી એટલી સરળ છે કે વિજ્ઞાન ન ભણી હોય એવી વ્યક્તિ પણ એ સમજી શકે છે.
એ સમયે મીડિયા એટલું સક્ષમ કે લોક ભાગ્ય નહોતું એથી ઘણા બધા લોકો આઇન્સ્ટાઇનના નામથી પરિચિત હતા પરંતુ ચહેરાથી નહીં. એક દિવસ આઇન્સ્ટાઇને એમના ડ્રાઇવરને કીધું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. બંને જણે ડ્રેસની અદલાબદલી કરીને પહોંચ્યા હોલ પર અને આઇન્સ્ટાઇન એમના ડ્રાઇવરનું પ્રવચન સાંભળવા છેલ્લી હરોળમાં બેસી ગયા.
ડ્રાઇવરે એટલી કુશળતાથી “થીયરી ઓફ રિલેટિવિટી” સમજાવવા માંડી. કોઇને ક્યાંય શંકા ગઈ નહી. પ્રવચનના અંતે સૌના સવાલોના પણ ડ્રાઇવરે પુરેપુરા આત્મવિશ્વાસથી જવાબ આપવા માંડ્યા. મોટાભાગના સવાલો આજ સુધીમાં પુછાયા હોય એવા જ હતા એટલે જરાય વાંધો આવ્યો નહીં પરંતુ છેલ્લે એક સવાલ એવો પુછાયો કે એનો ઉત્તર આપવો ડ્રાઇવર માટે શક્ય નહોતો.
હવે? ડ્રાઇવરને ઉચાટ થવા માંડ્યો કે જો હવે એ જવાબ નહીં આપી શકે અને જો કોઇને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇનની જગ્યાએ એમનો ડ્રાઇવર પ્રવચન આપે છે તો આઇન્સ્ટાઇનની છાપ ખરાબ પડશે.
પળવાર વિચારીને ડ્રાઇવરે જરા પણ અચકાયા વગર કહ્યું કે, “ આપના સવાલનો જવાબ એટલો તો સરળ છે કે એનો ઉત્તર તો મારો ડ્રાઇવર પણ આપી શકશે. છેલ્લી હરોળમાં બેઠેલા મારા ડ્રાઇવરને હું વિનંતી કરીશ કે આપના સવાલનો જવાબ આપી આપના મનનું સમાધાન કરે.
હવે આશ્ચર્યચકિત થવાનો વારો હતો આઇન્સ્ટાઇનનો. ડ્રાઇવરની સમયસૂચકતા પર વારી જતા આઇન્સ્ટાઇને ડ્રાઇવર બનીને પ્રશ્નનો ઉત્તર આપ્યો. કોઇપણ જાતના વિઘ્ન વગર કાર્યક્રમ સંપન્ન થયો.
આપણે કેવી વ્યક્તિની સોબતમાં રહીએ છીએ એ મહત્વનું છે. આઇન્સ્ટાઇન સાથે રહેવાથી ડ્રાઇવર પણ હોંશિયાર બની જાય એનો અર્થ એ કે સોબતનું આપણા જીવનમાં અદકેરું મૂલ્ય છે.
એક પાણીનું ટીપુ જો ગટરમાં જઇને ભળ્યું તો ગંધાઇ ઉઠ્યું. ગરમ તવા પર પડ્યું તો વરાળ બનીને ઊડી ગયું. એ જ પાણીનું ટીપુ સવારમાં ફુલ પર ઝાકળ બનીને શોભી ઉઠ્યું. માછલીના પેટમાં ઉતરેલું એ ટીપુ મોતી બનીને ઝળક્યું.
રાજુલ કૌશિક.
૨૨ – (હકારાત્મક અભિગમ) વ્યક્તિત્વ વિકાસ.
એક દિવસની વાત છે. એક કિશોર નજીકના સ્ટોરમાં ગયો. ત્યાં પબ્લિક ટેલીફોન પરથી એણે એક ફોન જોડ્યો અને અત્યંત નમ્રતાથી એણે સામેની વ્યક્તિ સાથે “ગુડ મોર્નિંગ મેમ”નું અભિવાદન કરીને વાતની શરૂઆત કરી, “ એક્સક્યુઝ મી મેમ, મને તમારા ઘરની લૉન કાપવાનું કામ મળી શકે ?”
“ મારી પાસે અત્યારે લૉન કાપવા માટે વ્યક્તિ છે જ.” કદાચ સામેથી જવાબ મળ્યો.
“પણ હું આપની લૉન અત્યારે આપ ચૂકવી રહ્યા છો એના કરતાં અડધા ભાવે કાપી આપીશ,”
“ સોરી, હાલમાં મને જે લૉન કાપી આપે છે એના કામથી હું અત્યંત સંતુષ્ટ છું.” ફરી સામેની વ્યક્તિએ જવાબ આપ્યો.
“ હું આપના ઘરની પગથીની આસપાસ ઉગેલું ઘાસ પણ કાપી આપીશ. આપની લૉનની હું ખુબ સરસ રીતે માવજત કરીશ.”પેલો કિશોર નમ્રતાથી પણ પોતાની વાત પર અડી રહ્યો.
“સોરી, પણ મારે ખરેખર મારા કામ માટે અન્યને બોલાવવાની જરૂર નથી.”
હવે પેલા કિશોરે સરસ મઝાના સ્મિત સાથે ફોન ક્રેડલ પર પાછો મુક્યો.
આખી વાત સાંભળી રહેલા સ્ટોરના માલિકને આ કિશોરમાં રસ પડ્યો. એમણે કિશોરને પાસે બોલાવીને કહ્યું મને તારી કામ પ્રત્યેની ધગશ ગમી. તારું કામ પ્રત્યેનું વલણ ગમ્યું. તને અહીં કામ કરવું ગમશે?”
“ના સર, આપનો આભાર….” કિશોરે નમ્રતાથી સ્ટોર માલિકને ના પાડી.
અરે ! પણ હમણાં તો તું કામ માટે આજીજી કરતો હતો..” આશ્ચર્ય પામતા સ્ટોર માલિકે કહ્યું.
“ જી, હું મારી પાસે હાલમાં જે કામ છે ત્યાં મારી કામગીરીથી સંતોષ છે કે નહીં એ જાણવા માંગતો હતો.”
આને કહીશું જાતનું મૂલ્યાંકન કરવાનો એક અનોખો અંદાજ. જાત માટેની અનેરી અજમાયેશ ?
મોટાભાગે આપણે આપણી જાતની અન્ય સાથે જ સરખામણી કરતાં હોઇએ છીએ. આપણા કરતાં કોણ કેટલું આગળ છે, કોનામાં કેટલી ક્ષમતા છે એ અંગે જ આપણે વિચારતા હોઇએ છીએ..
સીધી વાત- ખરેખર તો પહેલી જરૂર છે આપણે આપણી જ ક્ષમતાને જાત સાથે સરખાવવાની. ગઈ કાલે જે કરી શકતા હતા એના કરતાં આજે કંઇક વધારે સારો દેખાવ કરીએ છીએ? ઓફિસ હોય કે ઘર, ભણતર હોય કે ગણતર, આપણામાં કશો પણ સુધારો થયો છે? ગઈકાલે જે પરફોર્મન્સ કે પરિણામ હતું એના કરતાં આજે વધારે ઉચ્ચ કોટીનું પરફોર્મન્સ કે પરિણામ આજે આપી શક્યા છીએ?
આજે વિશ્વ જે રીતે હરણફાળે આગળ વધી રહ્યું છે એ રફ્તારે દોડવાની ખરેખર જરૂર છે ખરી? હા ! પ્રગતિ માટે કોઇનો કોઇપણ એક આદર્શ હોઇ શકે. એ આદર્શ આઇન્સ્ટાઇન કે અંબાણી. સ્ટીવ જોબ કે સ્ટીવન સ્પિલબર્ગ, અમિતાભ કે આર્નોલ્ડ શ્વાઝનેગર પણ હોઇ શકે. પણ ખરેખર તો એ સૌની જેમ સફળ થવા માટે કે એમણે સર કરેલી સફળતા સુધી પહોંચવા માટે થઈને પણ આપણે જાતને જ પહેલા કરતાં વધુ ને વધુ સક્ષમ બનાવવાની જરૂર છે.. અને એ માટે જરૂરી છે જાત ચકાસવાની કે આપણે જે કંઇ કામગીરી કરી રહ્યા હતા એના કરતાં આજની કામગીરી વધુ સંતોષજનક છે ખરી?
જવાબ હા હોય તો ઉમદા. એનો અર્થ આપણે સાચા અર્થમાં વિકાસ કરી રહ્યા છીએ. આપ સંતોષની સાથે અન્યનો સંતોષ ભળે તો તો વળી એનાથી વધુ ઉમદા.
રાજુલ કૌશિક.
Recent Comments