Posts filed under ‘સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ’
૫૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-
સમય ૬ જાન્યુઆરી ૨૦૨૦નો…
આમ તો આ ૨૦૨૦નું વર્ષ જાણે સ્થિરતા લઈને આવ્યું હોય એમ ઘણાં બધાના જીવન સ્થગિત થઈ ગયા. યાદ છે નાના હતાં ત્યારે સ્ટેચ્યૂની રમત રમતાં? એમ ઉપરવાળાએ દુનિયાના અત્યંત કામઢા લોકોને, વધારે પડતા દોડાદોડી કરતાં લોકોને સ્ટેચ્યૂ કહી દીધું. ઘણુંબધું સ્થગિત થઈ ગયું પણ મનથી જે સક્રિય હતાં એમણે એમની સક્રિયતાને સ્થગિત કરવાના બદલે વધુ વેગ આપ્યો. ચાર દીવાલોની વચ્ચે રહીને આ સ્થગિત સમયને જીવંત રાખ્યો.
મારા માટે આ ૨૦૨૦નું વર્ષ સ્થગિતતામાં પણ સક્રિયતાસભર રહ્યું. સર્જનાત્મક રહ્યું.
વર્ષની શરૂઆત અને એક નવો વિષય… ‘બેઠક’માં આ વર્ષે કોઈ એક વિષયના બદલે વ્યક્તિવિશેષ વાત કરવાની હતી. સાહિત્યની સાથે સંગીત આપણાં જીવનમાં સતત વણાયેલું છે. કદાચ સૌના જીવનમાં સમજણની શરૂઆતથી સાહિત્ય પહેલાં સંગીત આવ્યું. પ્રભાતિયા, પ્રાર્થનાથી શરૂ કરીને હાલરડાં અને તે પછી જીવનમાં આવતા પ્રત્યેક પ્રસંગોમાં પણ સંગીત આપણાં જીવન સાથે વણાયેલું રહ્યું છે.
જીવનમાં બનતી ઘટનાઓ આનંદની હોય કે એકલતાની, પ્રત્યેક પળ સંગીતના સથવારે સચવાઈ જાય અને ક્યારેક વધુ સોહામણી, સુમધુર બને..આપણે રહ્યા ગુજરાતી એટલે ગુજરાતને, ગુજરાતીપણાને ગૌરવવંતું કરનાર એક વ્યક્તિ જે હંમેશા આપણી સાથે જોડાયેલી રહી છે એ વ્યક્તિવિશેષ વિશે વાત કરવાની, રાજીપાને વ્યક્ત કરવાની આ તક હતી, અવસર હતો.
આપણે કોઈ ગદ્ય કે પદ્ય લખીએ છીએ ત્યારે એમાં શબ્દોની અભિવ્યક્તિમાં મોટાભાગે આપણી અંતઃસ્ફૂરણા સૌથી મોટો અને મહત્વનો પાયો, આધાર હોય છે. જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ત્યારે એમાં કલ્પનાથી વિશેષ માહિતી મહત્વની બને છે.
અફાટ ફેલાયેલી પ્રકૃતિના રંગ અનેક છે. આ અફાટ ફેલાયેલી પ્રકૃતિને નજરમાં ભરીએ છીએ ત્યારે એમાં એક અનુભૂતિ ઉમેરાય છે. મૂર્તિ સ્વરૂપ ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે એમાં અનોખો ભાવ બળે છે. અમૂર્ત એવા ઈશ્વરને ક્યારેય જોયા નથી પણ એ ઈશ્વરની કલ્પના કરીએ ત્યારે એમાં ભક્તિની અનેરી લાગણીના ભાવ ભળે છે. આ વાત છે અનુભૂતિની અને હવે વાત આવે છે અનુભવની.
આપણા જીવનકાળ દરમ્યાન માનવ મહેરામણથી છલકાતા આ વિશ્વમાં અનેક વ્યક્તિઓને મળવાના, જાણવાના અવસર આવતા હોય છે અને આવતા રહેશે. એમાંથી અનેક વ્યક્તિઓ એવી હશે જે આપણાં જીવનમાં આજે આવી અને કાલે ભૂલાઈ જશે. અનેક એવી વ્યક્તિઓ છે જેમની સ્મૃતિ આપણાં માનસપટ પર ચિરકાળ સ્થાયી બની જશે. જેમના વિશે વાત અને એમની યાદો ક્યારેય જૂની નથી થતી. સ્મૃતિની સંદૂકમાં સચવાયેલી રહે છે. જ્યારે મન થાય ત્યારે આલબમના પાના ઉથલાવીને એમાં જડાયેલી તસવીરની જેમ એ યાદોને મમળાવીને તાજી કરી લઈએ છીએ.
આ વર્ષ દરમ્યાન જે લેખમાળા લખાઈ એમાં આવા એક વ્યક્તિવિશેષ વિશે વાત કરવાની હતી. ત્યારે મારા અને તમારા માનસપટ પર ચિરસ્થાયી અંકિત થયા છે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે વાત આલેખવાનું વિચાર્યુ ત્યારે મનમાં એક વાત સ્પષ્ટ હતી કે અહીં કલ્પનાથી વિશેષ માહિતી મહત્વની છે.
આ સંદર્ભે અવિનાશ વ્યાસ વિશે, ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવવંતા કરતાં એમના પ્રદાન વિશે જાણવા પ્રયાસ કર્યો. અવિનાશ વ્યાસ સાથેની મારી સ્મૃતિઓ, એમને મળેલી અનેક વ્યક્તિઓ પાસેથી જાણેલી વાતોની સાથે શક્ય હોય ત્યાંથી એમને ઓળખવા પ્રયત્ન કર્યો. એમના ગીત-સંગીત થકી એમની પ્રતિભા વિશે જ્યારે જે જાણ્યું એમાં મારી પોતાની અનુભૂતિનો, અહોભાવનો ઉમેરો થયો અને એમાંથી સર્જાઈ આ લેખમાળા. લેખ દરમ્યાન અવિનાશ વ્યાસના ગીતો, ગરબા કે ભજનો વિશે વાત કરતી ત્યારે અનાયાસે એમાં મારા ભાવ વણાઈ જતાં.
એટલે આ લેખમાળાને માત્ર એક નિબંધ કે શોધલેખનના બદલે અનુભૂતિમાળા પણ કહીશ.
સુગમસંગીતના ભિષ્મપિતા તરીકે ઓળખાતા અવિનાશ વ્યાસ વિશેના આલેખન દરમ્યાન આ સુગમ સંગીત વિશે જાણવા પ્રયત્ન કર્યો. એમ કરવું ગમ્યું. થોડું સંગીતની નજીક જવાયું. ભલે સુગમસંગીત નામ છે પણ અવિનાશ વ્યાસની અનેક એવી રચનાઓ છે જેમાં ક્યાંક અગમ્ય, ગૂઢ ભાવો અને ભક્તિ વણાયા છે એય સમજાયા.
આ વર્ષ દરમ્યાન અવિનાશ વ્યાસ વિશે જે આલેખી શકી, જે અભિવ્યક્ત કરી શકી એનો મને આનંદ છે અને આપ સૌના પ્રતિભાવથી એ આનંદ બેવડાયો, મારા એ આનદમાં અનેકઘણો ઉમેરો થયો.
આભાર આપ સૌ વાચક મિત્રોનો.
આ લેખના આરંભમાં કહ્યું તેમ આમ તો આ ૨૦૨૦નું વર્ષ જાણે સ્થિરતા લઈને આવ્યું પણ સાથે સ્થગિતતામાં સર્જનાત્મકને અને સક્રિયતાસભર રહ્યું.
આ વાતના અનુસંધાનમાં એક સરસ મઝાના કાર્યક્રમનો ઉલ્લેખ કરવો મને ગમશે. શ્રી અવિનાશ વ્યાસનો જન્મદિન આવે ૨૧ જુલાઈએ. ‘બેઠક’- શબ્દોનું સર્જને- અવિનાશ વ્યાસના જન્મદિન પહેલાં ૧૧મી જુલાઈએ જ એમના વિશે વાત કરવાનો, એમની સ્મૃતિ તાજી કરવાનો, એમને પોંખવાનો એક અવસર યોજ્યો. આ ટાણે શ્રી અવિનાશ વ્યાસને અંગત રીતે જાણતા મહેમાનોને આમંત્ર્યા જેમણે અવિનાશ વ્યાસ સાથેના મીઠા સંબંધો, જીવનભરના સંભાંરણાની વાતો કરી. ત્યારે સૌથી આનંદપ્રદ ઘટના એ બની કે શ્રી ગૌંરાગ વ્યાસ- શ્રી અવિનાશ વ્યાસના સુપુત્રે ઉપસ્થિત થઈને આ અવસરને વધુ ઉજાળ્યો.
૨૦૨૦નું વર્ષ એના અંતિમ પડાવ પર પહોંચવામાં છે ત્યારે ‘સદાબહાર સૂર અવિનાશ વ્યાસ- લેખમાળામાં રસ લેવા માટે, પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરવા માટે ફરી એકવાર આપ સૌ વાચકમિત્રોનો તહે દિલસે આભાર.
નવા વર્ષે ફરી મળીશું. એક નવી વાત લઈને.
Recent Comments