Posts filed under ‘વાર્તા’
-આલબમનું એ પાનું-
“૭૨ કલાક….
“આજે જ્યારે મારી આંખ જરાતરા ખુલી ત્યારે એવો આછો ગણગણાટ સાંભળ્યો કે આ ૭૨ કલાક કપરા હતા. એ પસાર થઈ જવા જરૂરી હતા જે કદાચ આ ક્ષણે પસાર થઈ ગયા હશે એવી શક્યતા હતી.
“પણ આ ૭૨ કલાક, કેમ અને શેના?
હજુ આંખ માંડ ખુલી રહી હતી પણ એની પર મણ મણનો ભાર કેમ વર્તાતો હતો? આંખ જ નહીં હ્રદય પર પણ જાણે સવા મણનો ભાર ખડકાયો હોય એવું લાગતું હતું અને હાથ? એ તો જરાય હલાવી શકાતો નહોતો…. આ શું થઈ રહ્યું છે કોઈ મને કહેશો પ્લીઝ? બોલવું હતું પણ અવાજ ક્યાંક ખોવાઈ ગયો હતો. કશુંક બોલવા ગયો પણ જાણે ગળામાંથી બુડ…બુડ અવાજ જ નીકળતો હતો? ક્ષણભર તો મને મારી અવસ્થા માટે આશંકા થઈ. મારા અંગો પરનો કાબૂ જ રહ્યો નહોતો. આવું કેમ બને? મારો તો એક અવાજ અને એ ઝીલવા અનેક તૈયાર. મારી આંખ ફરે ને કોણે શું કરવાનું છે એ સૌને સમજાઈ જાય પણ આ ક્ષણે તો મને જ સમજાતું નહોતું કે મારી સાથે શું બની રહ્યું છે. જાણે ઊંડા અંધકારમાંથી બહાર આવવાનો તરફડાટ હતો પણ એ નિષ્ફળ જતો હતો.
“Calm down Mr. Shrof .. now you are out of danger”
“ડેન્જર…ભય…શેનો ભય… હું અને ભય? છ્ટ…. આ જોજનો દૂરની વાત. મને વળી ક્યારેય કશાનો ભય ક્યાં લાગ્યો જ હતો કે એમાંથી હું બહાર આવી રહ્યો હતો?
“Mr. Shrof ….
કોઈ મને બોલાવી રહ્યું હતું. કશુંક કહી રહ્યું હતું. આંખ થોડી વધુ ખુલી રહી હતી અને નજર સામે સાવ અજાણ્યા ચહેરા દેખાતા હતા. ચહેરા સિવાય પણ જ્યાં સુધી નજર જતી હતી ત્યાં કશુંય પરિચિત લાગ્યું નહીં. સાવ સફેદ રંગની દીવાલ..ઉપરની છત પરનો સફદ રંગનો પંખો! ના, આ તો કોઈ જુદી જગ્યાએ હું છું. મારા રૂમથી સાવ અલગ આ વાતાવરણ છે. નથી ખબર પડતી હું અહીં કેમ છું.
“વધારે વિચારવાથી મન પર ભાર અનુભવાયો. પ્રયત્નો કરવાના છોડી દીધા. જો કે એમ છોડી દેવાની પ્રકૃતિ મારી હતી જ નહીં, તેમ છતાં…
“અને આંખ બંધ રાખીને પડી રહ્યો..
“થોડી વાર પછી હાથ પર મેં એક સ્પર્શ અનુભવ્યો….હળવો…થોડો ઠંડો અને ઘણો જાણીતો સ્પર્શ…. પછી મારા કપાળ પર એ સ્પર્શનો લસરકો અડ્યો…કદાચ એ હાથ થોડો ધ્રુજતો હોય એવું લાગ્યું.
“કેમ છો? ઠીક લાગે છે ને?”
“આ તો જાણીતો અવાજ..છેલ્લા ૪૦ વર્ષથી સતત જે અવાજથી મારી સવાર પડતી એ જ અવાજ…. ઓહ તો તો એનો અર્થ કે સવાર પડી…. હાંશ ચાલો …હમણાં ચા અને છાપું બંને મળશે..”
“આ એ જ અવાજ જેણે ૪૦ વર્ષ પહેલાં મારા પ્રેમનો સ્વીકાર કરતાં કહ્યું હતું, “ હું તો તમને ક્યારની પ્રેમ કરતી હતી પણ એક તમે હતા, જેમને જરાય સમજણ પડતી નહોતી.”
“આ પ્રેમે મને મુલાયમ રેશમના કોશેટાની જેમ જાળવ્યો હતો. એણે પ્રેમ કર્યો હતો… પ્રેમથી મારા મિજાજ, મારી પ્રકૃતિને સાચવ્યા હતા. પ્રેમ તો મેં પણ કર્યો હતો એને…. અઢળક… અનહદ… કોણે કોને વધારે પ્રેમ કર્યો હતો એના લેખાજોખામાં ક્યારેય અમે ઉતર્યા નહોતા. બસ સરસ જીવન જીવ્યાં હતાં. અરે! જીવન જીવ્યાં હતાં એમ કેમ વિચારું છું… હજુય જીવી રહ્યાં છીએ..સરસ મઝાનું સુખી દાંપત્ય, સંતાનો, જે જીવન જીવી રહ્યાં છીએ એનો સંતોષ છે.
“શૂન્યમાંથી સર્જન કરવું સહેલું નહોતું પણ કર્યુ…પદ, પ્રતિષ્ઠા, બધું જ વિચાર્યું હતું એ ઈશ્વરકૃપાએ મળ્યું હતું અને એનોય સંતોષ છે.
“આ સંતોષ સૌથી મોટી વાત છે નહીં? જો કે ફિલોસૉફી એવું કહે છે કે સંતોષ એટલે પ્રગતિનું પૂર્ણવિરામ. વાત કદાચ સાચી હોઈ શકે પણ જરા જુદી રીતે જોવાનું મને ગમે. મને એવું લાગતું કે જે કંઈ મળ્યું છે એનેય માણવા, જરા પાછું વાળીને જોવા માટે જરા અટકવું ખોટું નથી.
“ઓહ! તો હું ક્યાંક અટક્યો છું?
“લાગે છે આજે અવઢવની આંધીમાં હું અટક્યો છું. શરીર પરનાં વસ્ત્રોનો રંગ કેવો હશે એની તો ખબર નહોતી પડતી, પણ ચોક્કસ એ સાવ શ્યામ તો નહીં જ હોય. બંધ આંખે મારા અણગમતા શ્યામ રંગનાં વર્તુળ મારી આંખને ઘેરી વળે છે. કહે છે કે, આંખ બંધ કરીએ અને જે રંગોની આભા વર્તાય એ આપણાં સ્વાસ્થ્યનો સંકેત.
“જો કે હવે એ સંકેતથી કોઈ ફરક પડવાનો નથી એ આ ક્ષણે સમજાઈ રહ્યું છે.
“જીવનમાં અને જીવનનાં કેટકેટલા રંગો જોયા છે. રંગને ઓળખતો થયો ત્યારથી આ તબક્કે પહોંચ્યો એ સઘળા રંગ યાદ આવે છે. ધુળેટીનાં અબીલ-ગુલાલી રંગ, ફાગણી બપોરે લચી રહેલા કેસૂડાનો રંગ, લાલ હિંગળોક, તપતા સૂર્યના અગનગોળા જેવા જાસુદનો રંગ. બા મંદિરે જતી ત્યારે છાબડી ભરીને એ જાસુદનાં ફૂલો લઈ જતી. ઝાડ પરથી જાસુદ ઉતારવા જતો ત્યારે ત્યાં વરસાદી રાત પછી ભરાયેલાં પાણીમાં મારાં પ્રતિબિંબની સાથે ઝીલાતા સૂર્યના આછી સોનેરી છાયાનો રંગ, બાની આંખોમાં છલકાતાં વાત્સલ્યનો રંગ.
“તરુણાવસ્થા પાર કરીને યુવાનીમાં પગ મૂકતા આંખોમાં છવાયેલો પ્રેમનો મેઘધનુષી રંગ. ત્યારે તો આંખ બંધ કરતાની સાથે પણ કેટલાં સુંદર રંગોના વર્તુળ સર્જાતાં!
“કેવા હતા એ રંગો? હા, યાદ આવ્યું. બ્લેક એન્ડ વ્હાઇટમાંથી ઇસ્ટમેન કલર અને પછી ટેકનિકલરમાં તબદીલ થયેલી ફિલ્મો જેવા? કદાચ હા, અને પછી તો એ બ્લેક એન્ડ વ્હાઇટની વાસ્તવિકતા ભૂલાતી ગઈ. રંગમેળવણીમાં વાત્સલ્યની સાથે એક નવો રંગ નિખર્યો. અને એ હતો અનુના પ્રેમનો ગુલાબી રંગ. અબીલગુલાલી રંગથી ગુલાબી રંગ સુધીની સફરમાં અવનવા રંગની છાયા પણ જોઈ. હંમેશાં એક ગીત મને બહુ ગમે છે,
“યે જીવન હૈ, ઇસ જીવનકા યહી હૈ, યહી હૈ રંગ રૂપ
થોડે ગમ હૈ..થોડી ખુશિયાં.. યહી હૈ છાંવ ધૂપ”
“સો રૂપિયાના પગારથી શરૂ થઈને સાત હજાર રૂપિયાના પગાર સુધી પહોંચતાં સપનાના રંગોની સાથે વાસ્તવિકતાના કેટલાય ભૂખરા રંગોની છાયા પણ ભળતી રહી. હા, પણ એમાં ક્યાંય મારા ન ગમતા કાળા રંગની છાયા તો નહોતી જ. ત્યારે એ પણ સમજાતું કે સૂકી રેત અને ભીની રેતના રંગમાંય ફરક હોય છે.
“આ ભીની રેતના રંગ સાથે યાદ આવ્યાં મારા અને અનુનાં પગલાં. તીથલ ગયાં ત્યારે દરિયાકિનારે સાંજ પડે ભીની રેતીમાં ચાલ્યાં એ પગલાંની છાપ મેં કેમેરામાં કેદ કરી છે. એ તસવીર જોઈ ત્યારે ભીની રેત અને કોરી રેત વચ્ચેનો ભેદ સમજાયો હતો.
“ફોટા પાડવાનો અને આલબમમાં સાચવવાનો મને ખૂબ શોખ. એ ભીની રેત પર મારાં પગલાંની સાથે ઉપસેલાં અનુના કોમળ પગલાંની છાપવાળી તસવીર તો મેં ફ્રેમમાં મઢાવી હતી.
“અરે, ખરા છો તમે તો. આવા ફોટાને તે કંઈ ફ્રેમમાં મઢાવાય!”
“તસવીર મઢેલી ફ્રેમ લઈને આવ્યો ત્યારે અનુ હસી પડી હતી.
“અનુને કેમ કરીને સમજાવું કે એ માત્ર ભીની માટીમાં પડેલી પગલાંની છાપ માત્ર નહોતી. કોરી કરકરી રેત જેવા જીવનમાં અનુના આગમનથી અનુભવેલી ભીની રેત જેવા મુલાયમ સ્પર્શની સંવેદના હતી.
“બાપાની સોલિસિટર તરીકેની સારી પ્રેક્ટિસના લીધે પૂરેપૂરી સાહ્યબી વચ્ચે ભણતર પૂરું થયું હતું. એ સમય હતો હિંદ છોડો આંદોલનનો, ૧૯૪૬ની અઝાદીની ચળવળનો અને ઉંમર હતી જોશની. એકવીસ વર્ષની ઉંમરે એમાં જોડાવાનું જોશ સૌને હતું. પ્રભાતફેરી, પિકેટિંગ અને નાના મોટા છમકલાંમાં સક્રિયપણે જોડાવું સૌને ગમતું. સાબરમતી આશ્રમે ભરાતી પ્રાર્થનાસભાઓમાં જવું એમાં શાન લાગતી.
“ત્યારે બા કહેતી કે, ભણીને પહેલાં નોકરી શોધ. નોકરી હશે તો કોક છોકરી મળશે. બાને ક્યાં ખબર હતી કે નોકરી મળે એ પહેલા જ છોકરી મળી ગઈ હતી. આઝાદીની ચળવળમાં અનેક લોકો જોડાયાં હતા, એમાં અનુ પણ ખરી. મિલની કિનારીવાળી સાડી સુરતાઉ સાડી. બે ચોટલામાં પણ એ સરસ જ દેખાતી.
“હજુ તો અનુને બા-બાપુ પાસે લઈ જઉં એ પહેલા બાપુ માંદા પડ્યા. કોઈ કારણ કે તારણ મળે એ પહેલા તો બાપુની આંખોનો ઉજાસ ચાલ્યો ગયો. અચાનક આવેલા અંધાપાના લીધે બાપુની નોકરી છૂટી. કૉલેજ પૂરી થઈ અને મારી નોકરી શરૂ થાય ત્યાં સુધીના વચગાળામાં ચાર ચોપડી ભણેલી બા પાસે જે કંઈ હતું એ ખપાવ્યું.
“દશા બદલાતાં દિશા બદલવી પડી. માભોમ કરતાં માબાપુ તરફની જવાબદારીનું પલ્લું નમ્યું. આંદોલનના રસ્તા છોડીને આવકના રસ્તે વળ્યો.
“અનુને મળવાની દિશા પણ બંધ થઈ. પણ અનુ જેનું નામ. એણે મારા જીવનની બધી દિશાઓ ખોલી નાખી. ગર્ભશ્રીમંત,ગાંધીરંગે રંગાયેલા છતાં પરંપરાગત, રૂઢિચુસ્ત પરિવારની અનુને ખબર હતી કે એના આંતરજ્ઞાતિય લગ્નને કોઈ કાળે મંજૂરી નહીં મળે.
“મારી ગેરહાજરીમાં જ આવીને બા-બાપુને મળી.
“પહેરેલાં કપડે આવીશ બા, રાખશોને મને?” બા-બાપુએ અનુના માથે હાથ મૂકી આશીર્વાદ દીધાં.
“એક દિવસ પૂરતું પિકેટિંગ છોડીને હાજર રહેલા ચાર મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા ત્યારે પણ મિલની કિનારીવાળી જ સુરતાઉ સાડી અનુએ પહેરી હતી. પણ હા, એ દિવસે સાડીની કિનાર અને પાલવનો રંગ લાલ હતો.
“પોંખતી વખતે બાએ બચતમાં રહેલી બે સોનાની બંગડી અનુના હાથે પહેરાવી અને બાપાનો હાથ પકડીને અનુના માથે આશીર્વાદની જેમ મૂકાવડાવ્યો ત્યારે અનુ માત્ર એટલું જ બોલી, “ આજથી તમે મારા પણ મા-બાપુ.”
“બા-બાપુની મંજૂરી લઈને અનુએ પણ નોકરી શોધી લીધી. હવે બંનેની નોકરીના લીધે ઘરમાં તાણ ઓછી થઈ. અનુ ભારે હિંમતવાળી તો ખરી હોં… જ્યારે માથે ઓઢીને આમાન્યા જાળવવાનો રિવાજ હતો ત્યારેય અનુ સાઇકલ લઈને નીકળતી.
“પોળમાંથી એ પસાર થતી ત્યારે કોકની આંખમાં આશ્ચર્ય તો કોકની આંખમાં અહોભાવ છલકાતો હું જોતો ત્યારે હું ભારે પોરસાતો.
“નોકરીની સાથે સાથે અનુ બાપાના અંધાપાની લાકડી બની. જાણે મારો સઘળો ભાર એનો જ હોય એમ સ્નેહપૂર્વક અનુએ પોતાના માથે લઈ લીધો.
“બાપા વિદાય થયા ત્યારે આઘાતથી લકવા મારી ગયેલાં બાનાં જડ તનને ટેકોય અનુ બની. જે દિવસે ચેતના વગરના ખોળિયાંમાંથી બાનો આત્મા ચાલી નીકળ્યો એ દિવસે જાણે અનુ અનાથ બનીને ગઈ હોય એવું એને લાગ્યું. કોણ કહે છે કે લોહીનો સંબંધ જ સાચો? અનુ સાચી લાગણીનાં સંબંધ જીવી હતી.
“જો કે સમય જતાં અનુના મા-જીકાકાએ અમારાં લગ્ન સંબંધને સ્વીકારી લીધો હતો ખરો.
“અમે બેમાંથી ચાર થયાં. ઘરમાં બે દીકરીઓનાં પગલે રૂમઝૂમતાં લક્ષ્મીદેવી પણ અમારાં સંસારમાં આવ્યાં. હવે અનુ સાઇકલના બદલે સાઇકલ રિક્ષામાં નોકરીએ જતી. પોળનાં ઘરમાંથી સોસાયટીઓમાં વિકસી રહેલાં શહેર તરફ અમે પ્રયાણ કર્યુ. એ પછી તો ગાડી આવી.
“જીવનની કોઈ પણ પ્રથમ ઘટના મારી ડાયરીનાં પાનાં પર તારીખ-વાર અને સમય સાથે ટપકાવવાનું મને ગમે એટલું જ નહીં આ બધી ઘટનાઓની સ્મૃતિની તસવીરોને મેં આલબમનાં પાનાં પર સાચવી છે.
“કાળાં પૂંઠાના આલબમનાં પાનાં પર જડાયેલી એ સ્મૃતિઓ આજે આ બંધ પોપચાંની અંદર સળવળી રહી છે.
“ઓહ, કોને કહું આ બધી વાત! અનુને? પણ અનુ તો તસવીરો કરતાં અમે સાચે જ ખૂબ આનંદપૂર્વક જીવ્યાં એ જીવનને વધુ ચાહે છે. મને ચાહે છે.
“કેટલાય આલબમ બનાવ્યાં પણ એક આલબમ એવું કે જેમાં અમારાં લગ્નની તસવીરથી શરૂ થઈને માત્ર અમારી જીવનયાત્રાની જ તસવીરો છે જેનું છેલ્લું પાનું કોરું રાખ્યું છે.
“મને ખબર નથી કે હવે અમારો સાથ ક્યાં સુધી છે. હું નહીં હોઉં ત્યારે અનુનું શું થશે એ વિચારે હૃદયમાં એક સબાકો, એક સણકો ઊઠે છે. અસહ્ય પીડા થઈ રહી છે. શૂળ જેવી વેદના…..શ્વાસ લેવાનો તરફડાટ…અને હવે તો શ્વાસ રૂંધાઈ રહ્યો છે.
“હાથ લંબાવું છું કદાચ અનુના હાથનો સ્પર્શ….
“અનુ, ઓ…..અનુ….
“નજર સામે આલબમનું એ છેલ્લું કોરું પાનું દેખાય છે. છેલ્લી તસવીર કોની હશે અને કોણ મૂકશે એની માથાકૂટ અમારી વચ્ચે ચાલતી.
“જો કે તસવીરો તો મને જ ગમે છે. અનુને તો જીવન…
“તો પછી ભલે એમ જ થાઓ. એ છેલ્લાં કોરાં પાનાં પર મારી તસવીર સ્મૃતિ બનીને સચવાઈ રહેતી…. અને હું મને તથાસ્તુ કહું છું..”
****
Recent Comments