Posts filed under ‘વાર્તા અલકમલકની’
પ્રેમકથા- ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ -ખુશવંત સિંહ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
“May I have your attention please? પંદર મિનિટમાં આપણે લંડન હવાઈમથક પર પહોંચીશું. સીટ-બેલ્ટ બાંધવા વિનંતી.” પરિચારિકાનો નમ્ર અવાજ સંભળાયો.
કામિનીએ બહાર નજર કરી. જાણે સફેદ રૂ જેવાં વાદળોની વચ્ચે એ પસાર થઈ રહી હતી. એણે ઇંગ્લેન્ડ વિશે પુસ્તકોમાં ઘણું વાંચ્યું અને જાણ્યું હતું. એને વિશ્વાસ નહોતો આવતો કે, સાચે જ એ ઇંગ્લેન્ડ પહોંચી રહી છે.
ચમત્કારો આ યુગમાં પણ થાય છે? મહિનાઓ સુધી શિષ્યવૃત્તિની કેટલી અધીરાઈથી રાહ જોઈ હતી! પછી પાસપોર્ટ, વિસા જેવી અનેક મુશ્કેલીઓ પાર કરીને અંતે એ લંડન પહોંચી.
ઇંગ્લેન્ડ સરસ દેશ છે ખબર હતી, પણ અહીંના લોકો માટે થોડી આશંકા હતી. બ્રિટિશરોના લીધે એના પરિવારે ઘણું વેઠ્યું હતું. સત્યાગ્રહ સમયે પિતા, ભાઈઓને માર ખાવો પડ્યો હતો, જેલ જવું પડ્યું હતું. પોતાને પણ જેલની હવા ખાવી પડી હતી.
જેલવાસ પહેલાં મેજિસ્ટ્રેટ- રૉબર્ટ સ્મિથ સિવાય કોઈ અંગ્રેજને જાણતી નહોતી.
એ એક અનોખી ઘટના હતી. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનનો સમય હતો. કૉલેજની યુવતીઓએ રસ્તા પર સરઘસ કાઢ્યું. દેશભક્તિનાં ગીતો ગાયાં. અંગ્રેજોને જોઈને ‘ભારત છોડો’નો નારો જરા વધુ જોશથી બોલાયો. પોલીસે સૌને પકડ્યાં ત્યારે એનાં સિવાય સૌએ માફી માંગી લીધી. કચેરીમાં મેજિસ્ટ્રેટ-રૉબર્ટ સ્મિથ સામે એને હાજર કરવામાં આવી.
કચેરીમાં બેઠો ક્લાર્ક અપરાધીઓનાં નામ બોલે ત્યારે એમને મેજિસ્ટ્રેટના સવાલોના જવાબ આપવાના રહેતા. સામે ઊભેલા લોકો સામે ભાગ્યેજ નજર કરતા યુવાન મેજિસ્ટ્રેટ કોઈ પુસ્તક વાંચવામાં લીન હતા.
કામિનીનું નામ બોલાયું.
એનું નામ, પિતાનું નામ, ઉંમર, શું અપરાધ છે…વગેરે પૂછતાછ થઈ. ક્લર્કનું કામ હતું સવાલ-જવાબોનો અનુવાદ કરવાનું.
“અપરાધી છો, હા કે ના?”
અનુવાદની રાહ જોયા વગર પુસ્તકમાં નજર ખોડીને વાંચતા મેજિસ્ટ્રેટ સામે જોઈને ધારદારે અવાજે કામિની બોલી, “મેજિસ્ટ્રેટને કહો કે, ઇંગ્લેન્ડ પાછા જાય, ત્યાં જઈને એમનું કામ કરે.”
હવે મેજિસ્ટ્રેટે કામિની તરફ નજર કરી અને નજર ત્યાં જ અટકી ગઈ.
“અજબ સંયોગ..”એણે મનોમન બોલીને ફરી નામ પૂછ્યું.
“કામિની ગર્વે.”
“મિસ ગર્વે, તમે સ્કૂલમાં કવિતા ભણાવો છો?”
“હા, પણ એનો આ કેસ સાથે શું સંબંધ, તમને કચેરીમાં કથા-કવિતા ભણવાનો પણ પગાર મળે છે?” કામિનીએ જરા તેજ અવાજમાં પૂછ્યું.
“કથા નહીં યંગ લેડી, કવિતા. તમને સાત દિવસની ‘એ’ ક્લાસની સજા ફરમાવામાં આવે છે. જેલની સજામાં વાંચવા આ પુસ્તક આપીશ, પણ તમારો જો આવો જ વ્યહવાર રહ્યો તો અદાલતની અવહેલના કરવા માટે વધુ સાત દિવસ.”
બીજા દિવસે જેલમાં કામિનીને -હિલેયર બેલૉક-ના કાવ્ય સંકલનનું પુસ્તક મળી ગયું. લખ્યું હતું, “તમને જેલવાસ આપ્યો એના તરફથી શુભેચ્છા સાથે.” સાથે લાલ લીટીમાં કવિતાની એક પંક્તિ ટાંકી હતી.
Her face was like a king’s command,
When all the sawrd are drawn.”
“જ્યારે તલવારો હાથમાં ખેંચાયેલી હોય ત્યારે, સમ્રાટના આદેશ જેવો એનો ચહેરો હતો.”
કામિનીએ નિર્ણય કર્યો કે, જેલવાસ પૂરો કરીને એ બહાર આવશે ત્યારે અખબારમાં સ્મિથના એના પ્રતિના વ્યહવાર અંગે ઉલ્લેખ કરશે. જ્યારે એ ઘેર પાછી આવી ત્યારે એને જાણ થઈ કે સ્મિથ રાજીનામુ આપીને ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા છે.
કામિનીને સ્મિથે લખેલી પંક્તિઓ અવઢવમાં મૂકી દીધી હતી કે, આ એનાં સૌંદર્યની પ્રશંસા હતી? પણ એ દિવસથી એ જ્યારે અરીસામાં પોતાનો ચહેરો જોતી ત્યારે એને એ શબ્દો, સ્મિથનું એની તરફ તાકી રહેવું, યાદ આવતું અને એનાં અંગોમાં કંપન થઈ આવતું.
આ ઘટનાથી અંગ્રેજો પ્રતિ એના મનોભાવ બદલાયા નહીં, પણ એ લોકો જેટલા માનીએ છીએ એટલા સંકુચિત માનસના નથી એવું વિચારતી તો થઈ.
******
વિમાનના આંચકાથી કામિનીની વિચારશૃંખલા અટકી. એ લંડનની ધરતી પર હતી. હોટલ પહોંચી ત્યારે શરદઋતુની હુંફાળી સાંજ હતી. સામે પાર્કમાં લોકો ફરતા હતા. લીલાંછમ ઘાસની આસપાસ ફૂલોની ક્યારીમાં ઝૂલતાં ગ્લૈડિયોલીનાં ફૂલો, શાંત-પ્રસન્ન વાતાવરણ, કામિનીને બહાર ફરવાનું મન થયું.
પાર્કમાં નાનાં બચ્ચાંઓ, કબૂતરોને દાણાં ખવડાવતી સ્ત્રીઓ, દુનિયાની ચિંતાથી પરે યુવાન-યુવતીઓ, ભાષણ સાંભળવા ટોળે મળેલા લોકો જોઈને એને સારું લાગ્યું.
હોટલ પાછી આવી તો અચાનક એકલતા સાલી. એને યાદ આવ્યું કે, આ પહેલો દિવસ હશે જ્યારે એણે કોઈની સાથે વાત નથી કરી.
પહેલી વાર એને થયું કે, મિત્ર વગરના આ દેશમાં કેમ આવી?
જો કે, એ ઝડપથી લંડનની દિનચર્યામાં ગોઠવાઈ ગઈ. બસ, અંડરગ્રાઉન્ડ સ્ટેશન, ટ્યૂબ ટ્રેન, કાફેટેરિયામાં લંચ, ક્લાસમાં લેક્ચર અને ફરી પાછી એ ઉલટી રફ્તારે હોટલ ભેગા થવાનું જાણે માફક આવી ગયું.
ભારત છોડતી વખતે કામિનીના મનમાં આશા હતી કે, સ્મિથ ક્યાંક તો મળી જશે. જો કે એ ક્યાં જાણતી હતી કે સ્મિથ આફ્રિકા છે, અમેરિકા છે કે પછી ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડમાં હોય તો પણ આટલા મોટા શહેર લંડનમાં એને શોધવો અસંભવ હતો. કદાચ મળી પણ જાય તો સ્મિથ એને ઓળખશે? મનમાં કેટલાય સવાલો હતા. એ સવાલોના જવાબ મેળવવા એણે ટેલિફોન ડિરેક્ટરિમાં સ્મિથનું નામ શોધવા માંડ્યું. ડિરેક્ટરિમાં ‘આર’ અને ‘એસ’ અક્ષરથી શરૂ થતાં અઢળક નામ, ક્યાંથી પત્તો પડે?
રૉબર્ટ સ્મિથ નામ કદાચ મળી જાય તો એની સાથે શું વાત કરશે? એના મનમાં એક દૃઢ વિશ્વાસ હતો કે, ઇચ્છા છે તો સ્મિથ ક્યાંકથી તો મળી જ જશે. ક્યાંક તો વાંચ્યું હતું કે, જેની તરફ અદમ્ય આકર્ષણ હોય એ મળીને જ રહે છે. એણે મનોમન સ્મિથ સાથે કેટલીય વાતો કરી લીધી.
કૉલેજનું સત્ર પૂર્ણ થવા આવ્યું, પણ કામિનીની ઇચ્છા પરિપૂર્ણ થાય એવો કોઈ અવસર ન આવ્યો.
એક દિવસ એના રોજિંદા ક્રમ મુજબ એણે ટ્યૂબ સ્ટેશન પહોંચવા બસ પકડી. અંડરગ્રાઉન્ડની બીજી તરફ બહાર નીકળી તો ત્યાં લોકોની ભીડ હતી. દૂરથી બેગ-પાઇપર અને ડ્રમ સાથે સૈનિક-ધુન સંભળાતી હતી.
યાદ આવ્યું, આજે ત્યાંથી અતિથિ સાથે મહારાણી પસાર થવાનાં હતાં. એ ભીડમાં ભળી ગઈ. આગળ બેન્ડ, પાછળ શાહી ઢબે આગળ વધતા ગાર્ડ, હાથમાં રાયફલ અને ભાલા પકડીને વિવિધ વેશભૂષામાં ચાલતા સૈનિકોથી અજબ માહોલ સર્જાયો હતો.
સોનાના રથમાં બેઠેલાં, લોકો તરફ સ્મિત ફરકાવતાં મહારાણી પસાર થયાં પછી ભીડ વીખરાઈ. બસ એક મંત્રમુગ્ધ બનેલી કામિની અને એની પાછળ ડૂસકાં ભરીને રડતી એક સ્ત્રી ત્યાં જ અટકી ગયાં.
કામિનીને જોઈને એ આંખમાં આંસુ સાથે બોલી, “આવી રીતે સનિકોનું જુલૂસ નીકળે ત્યારે મારાથી સંયમ નથી જળવાતો.”
“સાચી વાત છે. આવી શિસ્તબદ્ધ રીતે નીકળતા સૈનિકો કેટલા સરસ લાગે છે!” કામિની બોલી.
“હા, પણ મારો એક મિત્ર જ્યારે ભારતમાં હતો અને એક યુવતીને ચાહવા માંડ્યો હતો ત્યારથી અવારનવાર એ કહ્યા કરતો કે, ‘એક તલવારધારી સુંદર સ્ત્રી હજારો સૈનિકો જેવી લાગે.” ફરી એની આંખમાંથી આંસું છલકાયાં.
કામિનીને થયું કે, એ આ શું સાંભળી રહી છે?
“તમારા એ મિત્ર અત્યારે ક્યાં છે?” કોઈ અજનબીને સવાલ કરવો ઉચિત નથી એ જાણવાં છતાં એ સવાલ કર્યા વગર ન રહી શકી.
સ્ત્રી આંસુંથી ખરડાયેલો ચહેરો સાફ કરતાં બોલી, “યુદ્ધમાં એ માર્યો ગયો.”
કામિની બુત બની ત્યાંજ ખોડાઈ ગઈ.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Recent Comments