Posts filed under ‘વાત એક નાનકડી’
વાત એક નાનનકડી ૧૧ -તકનો ચહેરો-
આજે એક એવી વ્યક્તિની વાત કરવી છે જેણે આખું જીવન પોતાના પ્રોફેશનને સમર્પિત કર્યું. એક જ કંપનીમાં સામાન્ય હોદ્દાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
અત્યંત ખંતથી એમણે પાયાના કામથી શરૂઆત કરી. સંપૂર્ણતયા પોતાની જાતને કામ અને કંપનીને જાણે સમર્પિત કરી દીધી. હોદ્દાના એક લેવલથી આગળ વધીને બીજા વધુ મહત્વના હોદ્દા સુધી એમની પ્રગતિ થતી રહી. હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટની પદવી સુધી પહોંચેલાં એ ૫૦ વર્ષીય એ કોરિયન મહિલાને મળીએ તો એમ જ લાગે કે ઊર્જાનો ખૂટે નહીં એવો કોઈ ખજાનો એમને વરદાનમાં મળ્યો હશે. સતેજ દિમાગ, ખંત, સતત કાર્યરત રહેવાની પ્રકૃતિ હોવાથી આ પદવી સુધી પહોંચ્યાં છતાં એનું કોઈ ગુમાન નહીં.
ઍટલાન્ટા સ્થિત જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના બાયોલોજિ ડિપાર્ટમેન્ટનાં એ સર્વેસર્વાનું નામ,
જે-યુંગ.
એમના નામનો અર્થ પૂછ્યો. એમણે જે કહ્યું એના પરથી એટલું સમજાયું હતું કે જે-યુંગ એટલે સમૃદ્ધિ અથવા શાશ્વત.
વાત તો આ થોડા વર્ષો પહેલાની છે. એક દિવસ આ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં ગ્રુપના બાયોલૉજિસ્ટનું નાનકડું સ્નેહસંમેલન હતું. ઘરમાં જ યોજેલા આ સ્નેહસંમેલનમાં જે-યુંગની હાજરીથી આમ તો ઔપચારિક વાતાવરણ હોવું જોઈએ એવું માની લીધું હતું. પણ જે-યુંગને મળીને, એમના વર્તનમાં એવો કોઈ ભાર વર્તાયો નહીં. રોજેરોજ મળતા મિત્રોની જેમ એ સાવ સહજતાથી આ ગ્રુપમાં હળીમળીને ભળી ગયાં હતાં. ગ્રુપની રમતગમતની પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લેતાં હતાં. એ ક્ષણે કામનાં કોઈ ભાર વગર આનંદ માણી લેવો છે એવી હળવાશ એમનામાં હતી.
જે-યુંગે પોતાના વિશે ઘણી વાતો કરી. કારકિર્દી જ જેના માટે મહત્વની હોય એવા જે-યુંગને ભવિષ્યમાં ચીફ એક્ઝિક્યુટિવ લેવલે પહોંચવાની તમન્ના હતી. દિવસમાં ક્યારેક તો બાર કલાકથી વધુ કામ કર્યા પછી પણ સદા સ્ફૂર્તિમાં રહેતાં એ જે-યુંગની વાતોમાં એક સ્પષ્ટ ઈશારો પરખાયો. એ કહેતાં હતાં કે,
“જીવનમાં મહત્વની છે તક અને તક મળે ત્યારે એને ખરે ટાણે પારખી લેવાની સૂઝ. તક મળે ત્યારે એને સાર્થક કરવાની તૈયારી એ બીજી મહત્વની વાત. સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે ફરક એ છે કે સામે આવેલી તક પારખીને એને સાર્થક કરવાના પૂરેપૂરા આયાસો કરે એને સફળતા મળવાની શક્યતા વધી જાય. જ્યારે નિષ્ફળ માણસ એ તક પાછળનું ઉજ્જ્વળ ભાવિ જોઈ નથી શકતો અને એટલે એ સામે આવેલી તક ગુમાવે છે.”
આજે જે-યુંગની વાતને અનુરૂપ એવી એક નાનકડી વાત વાંચવામાં આવી.
એક આર્ટ ગેલેરીમાં પ્રખ્યાત ચિત્રકારનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. એમાં એક એકથી ચઢિયાતાં અનેક સુંદર ચિત્રો હતાં. પણ એ અનેક સુંદર ચિત્રોની વચ્ચે જરા જુદું તરી આવતું, તરત ધ્યાન ખેંચે એવું એક એવી વ્યક્તિનું ચિત્ર હતું, જેનો ચહેરો લાંબા વાળથી ઢંકાયેલો હતો. વળી પગનાં બદલે પાંખો દોરેલી હતી.
જરા અટપટા લાગતાં એ ચિત્ર પાસે મુલાકાતીઓ વધુ સમય રોકાતા. પોતાની રીતે એને સમજવા, એની પાછળનું તાત્પર્ય અને અર્થ શોધવા મથતા. થોડી મથામણનાં અંતે એ ચિત્ર છોડીને આગળ વધી જતા. પણ એમાંના એક મુલાકાતીને એ ચિત્રમાં જરા વધુ રસ પડ્યો. થોડો સમય તો પોતાની જાતે જ એ ચિત્રની પાછળનો ભાવ કે અર્થ શોધવાની મથામણ કરી. અંતે પોતાની મૂંઝવણનો ઉકેલ લાવવા એને ચિત્રકાર સાથે જ વાત કરવાનું યોગ્ય લાગ્યું.
ચિત્રકારે જે સમજ આપી એ જે-યુંગે કહેલી વાતને સાવ અનુરૂપ હતી.
ચિત્રકારે એ ચિત્રમાં માનવ જીવનમાં આવતા અવસરની રેખાઓ દોરી હતી. ચહેરો લાંબા વાળથી ઢાંકવાની પાછળનો સંદેશ એ હતો કે, ‘’તકનો ચહેરો ક્યારેય ખુલ્લો નથી હોતો. એ ક્યારેય સ્પષ્ટ સ્વરૂપે દેખાતી નથી. સ્પષ્ટ ચહેરો જોવો હોય તો એની પરનાં વાળ ખસેડવાં પડે એમ જીવનમાં આવતી તકને જાતે ઓળખવી પડે છે.’’
ચિત્રમાં એ વ્યક્તિના પગને બદલે પાંખ દોરવા પાછળનું કારણ મુલાકાતીએ પૂછ્યું.
ચિત્રકારનો જવાબ હતો કે,
“તક એવી છે કે આવે એવી જ ચાલી જાય છે. જે તક જીવનમાં એક વાર આવે એ ફરી કદી પાછી આવતી નથી. જાણે મુઠ્ઠીમાં પકડેલી રેતની જેમ સરી જાય છે.”
તકને ખરા ટાણે પારખી લઈએ તો પણ તક અને તૈયારીનો સમન્વય થવો જોઈએ.
કેટલાક વર્ષો પહેલાં જે-યુંગે કહેલી વાત અને આ ચિત્ર પાછળના મર્મની સામ્યતા સામે આવી.
જે-યુંગ જેવી વ્યક્તિઓ તક પારખીને પૂરેપૂરી નિષ્ઠાથી એને ઉજાગર કરવાનો પ્રયાસ કરે તો સફળ થવાની સંપૂર્ણ સંભવના તો હોવાની જ !
રાજુલ કૌશિક
Recent Comments