Posts filed under ‘લઘુ નવલકથા’
છિન્ન- પ્રકરણ ૧૨/ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા
છિન્ન- પ્રકરણ ૧૨
શ્રેયાના સ્વભાવ પ્રમાણે ઘરની સમસ્યા ઘર સુધી જ સીમિત રહેવાની હતી. સંદિપ આમેય કામના ઓઠા નીચે ક્યાં કોઈને મળતો હતો કે આ ભડકાની ભનક કોઈ સુધી પહોંચે બાકી એના વર્તન પરથી તો ચોક્કસ આ મનભેદની, આ તનાવની વધુ તો નહીં તો આછીય આગ તો શ્રેયાના ઘર સુધી પ્રસરી હોત.
બાહ્ય રીતે બંને પોતાની મેળે વ્યસ્ત રહેવાનો યત્ન કરતાં, પણ અંદરથી જે ખાલીપો સર્જાતો હતો, એનાથી બંને સભાન હતાં જ. કોણ સાચું અને કોણ ખોટું એની અદાલત ક્યાં ભરાવાની હતી કે, એમની સમસ્યાનો કોઈ ઉકેલ આવે? જેમ દિવસો વીતતા ગયા તેમ ખાલીપાની ખાઈ વિસ્તરતી ગઈ.
“કોઈ પણ છોકરીને આટલું સમજી શકતો હોય એવો પતિ મળે તો ખરેખર એ એના માટે સદનસીબ ના કહેવાય? બિઝનેસમાં પણ સાથે કામ કરવું હોય તો બે પાર્ટનર વચ્ચે એક મત કે સમજૂતી હોય તો જ આગળ ચાલે છે તો આ તો જીવનની પાર્ટનરશિપ કહેવાય એમાં તમારી વચ્ચે જે સંવાદિતા છે તે તને બીજા કોઈમાં મળશે જ એવી તને કોઈ ખાતરી છે?”
શ્રેયાને પપ્પા સાથે થયેલી વાત આજે પણ યાદ હતી. આ સમજૂતી કે આ સંવાદિતા ક્યાં ગુમાવી બેઠી એ? સંગીતના સાત સૂરોમાંથી કોઈ એક સૂર આઘોપાછો થયો હતો કે એ સૂરને એકતાલ કરતો તાર જ તૂટી ગયો હતો?
શ્રેયાને અનહદ દુઃખ કોરી નાખતું હતું. સંદિપને એનાં ક્યાં કોઈ સૂચનની ક્યારેય જરૂર હતી? શા માટે એનાથી એ દિવસે ટકોર થઈ ગઈ?
વળી મન પાછું દલીલે ચઢતું. એમાં એણે ખોટુ ક્યાં કર્યુ છે, એટલું કહી શકવાનો એને હક તો હતો જ ને તો સંદિપનો પ્રતિભાવ આવો કેમ?
“કોઈ પણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂર છે. તું મારી અત્યંત કરીબી દોસ્ત હતી અને રહીશ જ.”
આવુ જ કંઈક તો સંદિપે એને કીધું હતું ને?
આ મંજૂરી, આ કરીબી, આ દોસ્તી ક્યાં અટવાઈ? દોસ્ત વચ્ચે નિખાલસતા ન હોય? દોસ્ત વચ્ચે મતભેદ હોય એ બરાબર પણ આટલી હદે મનભેદ હોઈ શકે?
સંદિપ જ કહેતો હતો ને કે જીવન સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવવું તેનાં કરતાં જેને જાણતાં હોઈએ, ઓળખતાં હોઈએ તેની સાથે જીવન જોડવું વધુ યોગ્ય છે..
બસ આટલું જાણી શક્યાં હતાં એ બે એકબીજાંને?
સાંજ પડે ઘરની ઑફિસ કમ લાઇબ્રેરીમાં બેઠી બેઠી શ્રેયા કોઈ ઉદ્દેશ વગર આમતેમ પાનાં ઉથલાવતી જતી હતી, કે પછી અજાણપણે ફરીફરી મનને ઉથલાવતી હતી?
“સંબંધોમાં વળગણ જેવું ક્યાંથી લાગે સગપણ જેવું.
શાને લાગે ભારણ જેવું, ક્યાં છે કોઈ કારણ જેવું.
આંસું જેવો ખારો નાતો લાવું ક્યાંથી ગળપણ જેવું.
આંખોને કોરુંકટ તારે, મારે કાયમ શ્રાવણ જેવું.
ચાલ ફરીથી રમવા ઘર-ઘર વીતેલા એ બચપણ જેવું”
ઓહ! આ તો મારા મનની જ વાત કે પછી મને જ હવે બધામાં મારાં મનની વાત પડઘાય છે?”
અતીતમાં સાવ ખોવાઈ ગયેલી શ્રેયાની નજર ઇશ્ક પાલનપુરીની રચના પર ફરતી હતી કે એનાં અને સંદિપના સંબંધોનાં સરવૈયા પર? ઘડીભર તો શ્રેયાને થયું કે આ વીતેલો સમય ફરી એક વાર પાછો જ્યાંથી શરૂ થયો હતો એ મુકામ પર એને અને સંદિપને લાવી દે તો કેવું? સાવ બચપણમાં રમાતાં ઘરઘર તો નહીં પણ, એમના સંબંધોના શૈશવ પર ફરી એક વાર પગલી માંડવા મળે તો કેવું?
નાની હતી ત્યારે પપ્પા-મમ્મી સાથે ચોરવાડ ગઈ હતી ત્યારે એ રેતીનું ઘર બનાવતી. પાણીની એક છાલકે એ ઘર પડી ભાંગતું. પપ્પા સમજાવતા એ તો એમ જ હોય, રેતીનું ઘર કોને કહેવાય? પપ્પા આગળ થોડે દૂર જઈને ફરીથી શ્રેયાને ઘર બનાવવામાં મદદ કરતા.
આજે પણ મોટી થઈને એણે રેતનું જ ઘર બનાવ્યું જે એક જ છાલકમાં પડી ભાંગવાં માંડ્યું? હવે તો દરિયાલાલે એને ચારેબાજુથી ઘેરી લીધી હતી ક્યાંય કોઈ કોરી જગ્યા જ ક્યાં હતી કે આગળ થોડે દૂર નવું ઘર બનાવે? વારંવાર પ્રેમની છાલકે ભીંજવતો એનો સંદિપ, ‘હું તો ખોબો માંગુને દઈ દે દરિયો..’.જેવું વહાલ વરસાવતો સંદિપ અત્યારે સાવ કોરાકટ રણ જેવો કેમ? આ સંબંધો, આ સગપણ કોઈ ખાસ કારણ વગર ભારણ જેવા કેમ બની ગયા?
અનેક મથામણો પછી એને એવું લાગતું હતું કે, હવે એ બંને જણ એક એવા પોંઇન્ટ પર આવીને ઊભાં છે જ્યાં ‘પોઇન્ટ ઓફ નો રિટર્ન’ની સાઇન વણલખેલી વંચાતી હતી.
આલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments