Posts filed under ‘મારું ભાવજગત’
‘મા’નું હોવું… ~ એ ક્યારેય વીસરાઈ જ નથી ~આપણું આંગણું” (કેલિફોર્નિયા) પ્રસિદ્ધ આલેખન:
‘મા’ આ એક જ શબ્દમાં આખુંય બ્રહ્માંડ સમાઈ જાય.
કવિ શ્રી બરકત વીરાણી ‘બેફામ’ની પોતાની માતા પ્રત્યેના માન, ભાવ અભિવ્યક્ત કરતી એક રચના પ્રસ્તુત છે…..
ઈશ્વર જેવો કોઈ મહાન કલાકાર નથી–
એ માનવીને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે.
આજે જ્યારે જ્યારે ‘મા’ વિશે કંઈ પણ કહેવા, લખવાનું આવે છે ત્યારે એમ થાય કે, શું કહીશ કે શું લખીશ? શબ્દો નહીં પાનાં ઓછાં પડશે.
બંધ આંખે કે ખુલ્લી આંખે એક ચહેરો હંમેશાં દેખાય છે. એની હયાતી હતી ત્યારે અને આજે જ્યારે હયાત નથી ત્યારેય એની કોમળ હથેળીઓનો સ્પર્શ, અરીઠાનાં પાણીથી ધોયેલાં એનાં ભીના વાળની સુગંધ આજે પણ અનુભવાય છે. એ હતી મારી મા-મમ્મી.
એને યાદ કરું છું એમ પણ ક્યાં કહું? એ ક્યારેય વીસરાઈ જ નથી.
એ અગિયાર વર્ષની હતી ત્યારે એની મા (મારી નાની) અચાનક ન કળાય એવી માંદગીથી ચાલી ગઈ. રાતનો સમય હતો. એ સમયે દરેક ઘરમાં ફોન જ ક્યાં હતા કે ફોન કરીને ડૉક્ટરને બોલાવી શકાય? એ શોકભરી વસમી રાત્રે પોતે ડૉક્ટર બનશે એવું મમ્મીએ જાતને વચન આપ્યું.
અગિયાર વર્ષની ઉંમરે એ એનાથી નાની બહેનોની મા બની. ઘર સંભાળ્યું.મોટા ભાઈ અને બાપુજીને સંભાળ્યા. મા વગર મોટાં થવાની કલ્પનાય કપરી છે.
ઈશ્વર જો સાંભળે તો એને એવું કહેવું છે કે, એક જન્મમાં મને મારી મમ્મીની મા બનાવે અને એણે અમને જેટલો સ્નેહ, સગવડ, સલામતી આપી એટલી હું એને આપું.
ઘણીબધી આર્થિક, સામાજિક, વિટંબણાઓ સહીનેય અભ્યાસમાં અવ્વલ રહી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ લીધો ત્યારે ડિસેક્શન માટે આવતા મૃતદેહો સાચવવા જે કેમિકલ વપરાતાં એની આડઅસરથી હાથ પર ફોલ્લા ઊઠતા.
કેટલાય દિવસો સુધી લખવાની વાત તો દૂર જાતે જમી પણ નહોતી શકતી. ત્યારે કોઈ વાંચે અને એ સાંભળે એવી રીતે પરીક્ષા માટે તૈયારી કરતી રહી. એ બોલે અને કોઈ લખે એવી રીતે પરીક્ષાઓ આપતી રહી. કેમિકલની આડઅસરનાં લીધે એને સર્જન બનવાની ઇચ્છાનું સુકાન જનરલ પ્રેક્ટિસ તરફ વાળવું પડ્યું.
મમ્મીએ બાળપણથી માંડીને અભ્યાસ દરમ્યાન સતત સંઘર્ષ વેઠ્યો છે.
સાહ્યબી કોને કહેવાય એની મમ્મીને જાણ ક્યાં હતી?
એનીપાસે મિલના સુતરાઉ બે સાડલા. જેઆજે પહેરાય. કાલે ધોવાય, ભાતનાં ઓસામણમાંથી આર થાય. સાડલો થોડો ભીનો હોય અને લોટામાં કોલસા ભરીને એને ઇસ્રી થાય.
અમદાવાદના શહેર વિસ્તારથી ગુજરાત કૉલેજ ચાલીને આવવાનું-જવાનું. સાંજે ઘેર પહોંચતા સુધીમાં એટલી તો ભૂખ લાગતી કે, સવારે બનાવેલી રોટલી પર સહેજ અમથું ઘી ચોપડી અને ખાંડ ભભરાવી પેટપૂજા કરવાની અને કામે લાગવાનું.
મમ્મીએ જેટલી અગવડો વેઠી છે એટલી અમને સગવડો આપી છે.
ગુજરાત કૉલેજમાં વિજ્ઞાનના પ્રથમ વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય યુવક મંડળની પ્રવૃત્તિઓ દરમ્યાન પ્રેમ થયો. એ પ્રથમ વર્ષ બાદ મમ્મીનો મેડિકલ અભ્યાસ મુંબઈમાં થયો. પપ્પા અમદાવાદ અને મમ્મી મુંબઈ.
વર્ષમાં માંડ એકાદ વાર મળાય તો મળાય. એવાં સાત વર્ષ પસાર થયાં પછી અમીન પરિવારની મારી મમ્મી પરણીને જૈન નાણાવટી પરિવારમાં આવી.
૧૯૫૧નું એ વર્ષ. અમીન પરિવારમાં આ આંતરજ્ઞાતિય લગ્નનો એમ ક્યાં સરળતાથી સ્વીકાર થવાનો હતો? પણ, જ્યારથી સમજણ આવી ત્યારથી મમ્મીને અમીન અને નાણાવટી પરિવારને સ્નેહપૂર્વક સાચવતી જોઈ છે. એ સૌની સાથે સાચી લાગણીનાં સંબંધ જીવી હતી અને અમને એવી રીતે જીવવાનું શીખવાડ્યું.
લગ્ન પછી એણે પ્રેક્ટિસ શરૂ કરી. સિત્તેર વર્ષ પહેલાં જ્યારે માથે ઓઢીને આમાન્યા જાળવવાનો રિવાજ હતો ત્યારેય એ દવાખાને જવા સાઇકલ લઈને નીકળતી. સાંભળ્યું હતું કે, એ જ્યારે અમદાવાદની પોળમાંથી સાઇકલ લઈને પસાર થતી ત્યારે કોઈકની આંખમાં આશ્ચર્ય તો કોકની આંખમાં અહોભાવ છલકાતો.
જનરલ પ્રેક્ટિસમાં એ ખૂબ ખ્યાતિ પામી. અમદાવાદના બે અલગ વિસ્તારોમાં એણે દવાખાનાં શરૂ કર્યાં. ઘરની આસપાસ રહેતા દર્દીઓને દૂર દવાખાનાં સુધી દોડવું ન પડે એટલે ઘરમાં ત્રીજું દવાખાનું શરૂ કર્યું.
રાત્રે ડૉક્ટર ન બોલાવી શકવાને લીધે એની મા અવસાન પામી એવું અન્ય સાથે ન થાય એ માટે હંમેશાં સતર્ક રહી. અડધી રાત્રે પણ ફોન આવે તો એ દર્દી માટે દોડી છે.
કેટલાય દર્દીઓ એવા હતા જેમની પાસેથી સારવારની, દવાની ફી તો ન લીધી હોય એટલું જ નહીં, એમને બંધ મુઠ્ઠીએ દૂધ, ફળ લેવાં રૂપિયાય આપ્યા હોય. નાનપણથી આર્થિક સંકડામણ અનુભવી હતી એટલે આર્થિક જરૂરિયાતવાળા માટે એને ખૂબ અનુકંપા રહેતી. અભ્યાસ માટે જરૂર હોય એવા વિદ્યાર્થીઓને આગળ આવવા ટેકો આપ્યો છે.
આવી વાતો, આવી ઘટનાઓ યાદ આવે છે ત્યારે સમજાય છે કે એ ડૉક્ટર તરીકે જ નહીં વ્યક્તિ તરીકે પણ કેટલી સંવેદશીલ હતી!
કેટલીય એવી ઘટનાઓ છે જેનો ઉલ્લેખ કરું તો પાનાંઓ ઓછાં પડે. એ સમય હતો જ્યારે આઇ.વી.એફ. ટ્રીટમેન્ટની જાણ સુદ્ધાં નહીં હોય ત્યારે મમ્મીની દવા-ટ્રીટમેન્ટથી કેટકેટલાંય સૂનાં ઘરોમાં બાળકોની કીલકારીઓ ગુંજી હતી. હાથમાં જાણે ઉપરવાળાએ લાંબી જશની રેખા દોરી હતી. જ્યાં મોટા ડૉક્ટરોએ પણ ના પાડી હોય તેવા કેસમાં પણ એની ટ્રીટમેન્ટથી ખાલી ખોળા ભરાયા છે.
આજે એક ઘટના આલેખું છું.
વર્ષોથી સંતાનની અપેક્ષાએ પચાસની ઉંમરે પહોંચેલ દંપતિને મમ્મીની ટ્રીટમેન્ટથી સંતાન પ્રાપ્તિની આશા બંધાઈ. સળંગ નવ મહિના સુધી ચેક-અપ થતું રહ્યું. બધું જ સરસ રીતે પાર પડશે એવા એંધાણ હતાં. છેલ્લા સમયે જ્યારે બતાવવા આવ્યાં ત્યારે બહેનની સ્થિતિ એવી હતી કે, કોઈ પણ સમયે બાળક અવતરવાની શક્યતા હતી.
સમયની કટોકટી હતી. રિક્ષામાં આવેલાં બહેન રિક્ષામાં જાય તો જોખમ હતું. મમ્મીએ એ બહેનને કારમાં બેસાડી ડ્રાઇવરને બને એટલી ત્વરાથી છતાં ખૂબ સંભાળપૂર્વક હોસ્પિટલ લઈ જવાની જવાબદારી સોંપી. સાથે એનાં કંપાઉન્ડર દંપતિને એના નામની ચિઠ્ઠી સાથે મોકલ્યાં.
અડધે રસ્તે પહોંચે ત્યાં શરીરમાંથી લોહીની ધાર ચાલી. નીચે પાથરેલ ચાદરથી માંડીને ગાડી ખરડાવા માંડી. એવી કટોકટી વચ્ચે હોસ્પિટલ પહોંચતાંની સાથે બાળકનો જન્મ થયો.
ઘણાં વર્ષો પછી દીકરો આવ્યો એની ખુશાલીમાં બીજા દિવસે એ ભાઈ થાળ ભરીને રૂપિયા લઈને મમ્મીની સામે ઊભા હતા. મમ્મીએ થાળ ભરેલા રૂપિયા એમના દીકરાના અભ્યાસ માટે જમા કરાવી દીધા. આજે સુરતના હીરા બજારમાં એ દીકરાના નામ અને કામ વિશે આદરપૂર્વક વાત થાય છે.
જો કે, મમ્મીએ અન્ય માટે કરેલી મદદની વાત ક્યારેય અમને કરી નથી. એની અનેક વાતોની જેમ આ વાત પણ આજે આટલાં વર્ષે એમનિ સાથે કામ કરનાર કંપાઉન્ડર-દંપતિ પાસેથી જ જાણવા મળી.
ક્યારેક આવી અન્ય પાસેથી જાણવા મળેલી વાતો પરથી એટલું સમજાયું કે, કરેલા કાર્યનાં ન તો ઢોલ-નગારાં પીટવાનાં હોય કે ન તો કહી બતાવવાનું હોય.
એ આજે હોત તો મને આ લખવા ન જ દીધું હોત. Sorry Mummy.
મમ્મીનું એક દવાખાનું અમદાવાદના એવા સંવેદનશીલ વિસ્તારમાં હતું જ્યાં બંને કોમના લોકો લગભગ અડોઅડ કહી શકાય એવી રીતે વસ્યા હતા.
અમદાવાદમાં અનેકવાર કોમી રમખાણોની આગ ચોતરફ ફેલાતી રહેતી. આવા સંજોગો ઊભા થાય ત્યારે બંને કોમની મુખ્ય વ્યક્તિઓ આવીને મમ્મીને દવાખાનું બંધ કરી એ વિસ્તારમાંથી નીકળી જવા આગોતરી જાણ કરી જતી એટલું જ નહીં મમ્મીની કાર સુરક્ષિત રીતે એ વિસ્તારની બહાર નીકળી જાય એટલી તકેદારીય એ તોફાની તત્ત્વો દ્વારા લેવાતી.
હવે આને શું કહી શકાય? મમ્મીનો પ્રત્યેક વ્યક્તિ તરફનો સદ્ભાવ, સમભાવ કે મમ્મી માટે પ્રત્યેક વ્યક્તિનો સ્નેહ, સન્માનભાવ?
મમ્મીની સાઇકલથી શરૂ કરીને કાર સુધીની સફરમાં વચગાળાનો એક સમય એવો હતો કે જ્યારે એનાં માટે સાઇકલ-રીક્ષા બંધાવી હતી. એના ચાલક હતા, હુસેનચાચા. અમે એમને કાબુલીવાલા કહેતાં.
લગભગ ૫૦ વર્ષ સુધી મમ્મીએ પ્રેક્ટિસ કરી. જ્યારે એની નાદુરસ્ત તબિયતને લીધે દવાખાનાં બંધ કરવાં પડ્યાં ત્યારે કેટલાય લોકો જાણે હવે એમનું શું થશે એ વિચારે ચિંતિત થઈ ગયા હતા. જો કે જરૂર પડી ત્યારે એમને ઘેર બોલાવીને પણ મમ્મી માર્ગદર્શન આપતી રહી.
મમ્મીને જોઈને અન્યને કેવી રીતે મદદરૂપ થવાય કે અન્ય માટે કેવી રીતે જીવાય એ અમે સમજ્યાં, શીખ્યાં.
લગભગ સિત્તેર વર્ષના સાથ પછી પપ્પા ચાલ્યા ગયા ત્યારે મમ્મી અહીં અમેરિકા આવી. પપ્પાના અવસાન બાદ બરાબર બે વર્ષે એ પણ ચાલી નીકળી. આ બે વર્ષ દરમ્યાન એણે જાણે માયા સંકેલવા માંડી હતી.
જીવનભર દર્દીઓની દવા કરી, પણ એના અંતિમ સમયે આયુષ્યની દોરી લંબાવવા વધારાની કોઈ દવાઓ કે ટ્રીટમેન્ટનો મક્કમતાથી અસ્વીકાર કર્યો.
મમ્મીએ હંમેશા આખું જીવન પોતાનાં કર્મને જ ધર્મ માન્યો. જ્યારે નિવૃત્ત થઈ ત્યારથી જીવન શું છે, એ સમજવા મથતી રહી. કર્મવાદનું રહસ્ય સમજાતાં એણે અમને એક વાતની સમજ આપી કે, જે જીવ આવ્યો છે તે શિવને પામે ત્યાર પહેલાં તેણે કર્મના બંધન ખપાવવા જ રહ્યા.
દેહમાં જીવ છે ત્યાં સુધી જ આ રાગ છે. જે ક્ષણે આ દેહ નહીં હોય ત્યારે આમાનું કશું જ સાથે નથી આવતું. જ્યારે જે ક્ષણ મળી એને ઈશ્વરની કૃપા માની માણતાં અને સાર્થક કરતાં શીખવ્યું..
એના અંતિમ સમયે અમે બઘવાઈને કંઈ ભૂલી જઈએ એની કાળજી લઈને પહેલેથી જ ઘીનો દીવો, કંકુ, ચંદન અને વાસ્ક્ષેપ કઢાવી લીધા. શરીરનો નાશ થાય ત્યારે શરીરમાં અશુદ્ધિ ઊભી થતી હોય એટલે છેલ્લે મોંમાં તુલસીનાં પાન મૂકવાનું પણ સમજાવી દીધું.
સદાય સ્ફૂર્તિમાં રહેતી મમ્મી બીજા હાર્ટએટેક પછી ધીમે ધીમે ઝબક દીવો બનીને ટમટમતી તો ક્યારેક સંપૂર્ણ શુદ્ધિમાં રહીને વાત કરતી.
અંતે દિવસોમાંથી કલાકો અને કલાકોમાંથી ક્ષણોની ગણતરી શરૂ થઈ રહી હતી. અમે સૌએ સ્વીકારી લીધી હતી છતાંય ટાળવાની મથામણ થતી એ ક્ષણ આવી.
અને મા શાંતિપૂર્વક ચાલી નીકળી.
મમ્મી સાથે ઘણું રહ્યા પછી એ ચાલી ગઈ ત્યારેય એ મારી આસપાસ જ છે એવું મને સતત લાગતું અને અચાનક એક દિવસ હું ખાલી થઈ ગઈ હોઉં, મારી આસપાસ શૂન્યાવકાશ થઈ ગયો હોય એવી અનુભૂતિ થઈ.
હિંદુ સંસ્કૃતિ કે માન્યતા કહે છે કે, આત્મા તેર દિવસ સુધી ઘરમાં જ રહે છે. જૈનોમાં આ માન્યતા નથી છતાં મારી સાથે એમ બન્યું, જે મેં અનુભવ્યું એ કહેવામાં જરાય સંકોચ નથી થતો. મમ્મી ગઈ પછી તેર દિવસ સુધી સતત એની હાજરી મેં અનુભવી છે.
આજે પણ એ ચાલી નીકળી છે એમ ક્યાં કહું? એવું લાગે છે કે, એ મારામાં આવીને વસી છે. દર એક ક્ષણે એ મારી સાથે હોવાની પ્રતીતિ આજે પણ છે અને અંતિમ ક્ષણો સુધી રહેશે એવો વિશ્વાસ છે.
Love you Mummy.
Recent Comments