Posts filed under ‘ફિલ્મ રિવ્યુ’
Sachin a Billion Dreams
‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’ એક હિન્દી ફિચર ફિલ્મ છે કે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ એના વિશ્લેષણમાં ન પડીએ તો આ એક એવો રસથાળ છે જે સચિનના ચાહકો માટે લહેજ્જ્ત લઈને આવ્યો છે. સોળ વર્ષથી શરૂ થયેલી રિટાયર્ડમેન્ટ સુધીની સચિનની ક્રિકેટ કારકિર્દી એના ચાહકોને ફરી એકવાર માણવાનો લહાવો છે.
બોલીવુડમાં કોઇપણ વિષયને લઈને ફિલ્મ બનવાનો વાયરો શરૂ થાય છે ત્યારે એક પછી એક એ જ વિષયને લઈને અલગ અલગ અંદાજથી રજૂ થતી ફિલ્મો જોઇ છે. આજ પહેલા અઝહર અને એમ.એસ. ધોની પર ફિલ્મો આવી ગઈ અને હવે સચિનને લઈને એક વધુ ફિલ્મ પ્રદર્શિત થઈ રહી છે પરંતુ અહીં સૌથી મોટો ફરક છે કે આ ફિલ્મમાં કોઇ અભિનેતા લેવાના બદલે ખુદ સૂત્રધાર બનેલા સચિન પાસે જ અભિનય કરાવવાનો ( જો એને અભિનય કહેવાય તો ) અંદાજ પ્રેક્ષકોને પસંદ આવશે .
દોસ્તોને હેરાન કરતો અને ગાડીના ટાયર પંકચર કરતો નાનકડો નટખટ સચિન સમગ્ર ઇન્ડિયા પર વંડર બોય, લિટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર બનીને ઉભરે છે. નાનપણમાં બહેને આપેલા બેટને હાથમાં લેતા સચિનના મનમાં ક્રિકેટર બનવાનું એક બીજ રોપાવું અને ભાઇ અજીતનું સચિનનું હીર પારખીને કોચ રમાકાંત આચરેકર પાસે લઈ જવું આ બધું જ જાણતા હોવા છતાં ક્યારેક સચિન પરદા પર આવીને રજૂઆત કરે એ એના ચાહકો માટે વધુ રોમાંચકારી બની ન જાય તો જ નવાઇ. આ સાથે સચિનના જીવનની કેટલીક અણકહી- વણ જોયેલી ઘટનાઓ પણ પરદા પર ખુલતી જાય છે. જેમ સચિનની સફળતાના લીધે ઇન્ડિયા સચિનમય બનતું ગયું એમ અહીં પ્રેક્ષક પણ સચિનની સાથે એની ક્રિકેટની ભાવ યાત્રામાં જોડાતા જાય છે કારણકે ઇન્ડિયા માટે સચિન એક આઇકોન જ નહીં એક ભાવના પણ છે.
સચિનને માત્ર નસીબે જ બલિહારી આપી હતી એવું નહોતું પરંતુ એ પરિશ્રમની એક જીવંત મિસાલ કેવી રીતે બની રહ્યો હતો તેનું પણ સુરેખ ચિત્ર આલેખવામાં આવ્યું છે અને તેમ છતાં સચિન તો તેની સફળતા માટે પોતાના પરિશ્રમ કરતાંય ઇશ્વરને વધુ શ્રેય આપે છે એ એની વિનમ્રતા દર્શાવે છે. સચિનના પિતાએ કહેલી એક વાત સચિને હંમેશા યાદ રાખી છે. પિતાએ કહેલુ “ તારે જીવનમાં ક્રિકેટ સાથે જોડાવાનું છે.. આ એક વાત છે પરંતુ જીવનના અંતિમ સમય સુધી જે વાત તારી સાથે રહેશે એ કે તમે કેવા વ્યક્તિ છો.” આ વાત સચિન પોતે પરદા પર કહે ત્યારે એની પિતા પરની શ્રધ્ધા અને સન્માનનું એક અલગ પાસુ નજરે આવે છે. સચિને પોતાની સફળ કારકિર્દી માટે ઇશ્વર, તેના માતા-પિતા ,ભાઇ અજીત , કોચ આચરેકર અને પત્નિ અજંલિ અને પરિવારનો ખરા હ્રદયથી આભાર માન્યો છે. તેની પત્નિ અંજલિએ તો સચિનની કારકિર્દી માટે પોતે ડોક્ટર હોવા છતાં તેને મહત્વ નહોતું આપ્યું એ તો સૌ જાણે છે પરંતુ એ વાત જ્યારે અંજલિ અને સચિન રજૂ કરે ત્યારે એક અલગ પરિમાણ આપે છે.
સચિનની ક્રિકેટ યાત્રાની સાથે સાથે પરદા પર રજૂ થતી ભારતમાં ઘટેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓને પણ સાંકળી લેવામાં આવી છે તો સચિન અંજલિનો પ્રણય અને પરિણય પણ ક્યારેક સચિનના શબ્દોમાં તો ક્યારેક આજ સુધી મિડીયાથી દૂર રહેલી અંજલિના કથનમાં રજૂ કર્યા છે. સતત પ્રેશરમાં રહેતા સચિન માટે પરિવારની હૂંફ અને પરિવાર સાથે ગાળેલો સમય કેટલા મહત્વના બની રહેતા તે પણ જોઇ શકાય છે.
સચિને માત્ર સફળતાનો જ આસ્વાદ ચાખ્યો હતો એવું ય ક્યાં હતું ? બાંગ્લા દેશ સામેના પરાજયમાં અનુભવેલી ઘોર હતાશાનું પણ નિરુપણ કરવામાં આવ્યું છે. દેશના લોકોએ એને જેટલો વખાણ્યો એટલો વખોડ્યો પણ છે જ ને?
‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’માં સચિને ખુલીને પોતાના ડર, પોતાની નિષ્ફળતાઓ, હતાશા વિશે વાત કરી છે. એને કઈ રીતે મરજી વગર કેપ્ટન બનાવવામાં આવેલો અને કેપ્ટનશીપના રમત પર પડેલી અસરની વાત કરી છે તો તેને જણાવ્યા વગર કેપ્ટનશીપ પરથી હટાવી લેવામાં આવ્યો એ પણ કહ્યું છે. મેચ ફિક્સીંગની નાલેશીભરી વાત અને નિષ્ફળતા દરમ્યાન રિટાયર્મેન્ટની માંગ વિશે પણ કહેવામાં એણે હિચકિચાટ નથી રાખ્યો.
બાંગ્લા દેશ સામે પરાજયના લીધે જનતા સામે રક્ષણ આપતા કમાન્ડો છે તો સચિનની ઇજાઓની વેદનાથી વ્યથિત થતી આ જનતા પણ છે. કહે છે કે સચિનની ટેનિસ એલ્બો કે એંકલ ઇન્જરીએ તો ભારતના લોકોને આ કઈ જાતની ઇજા છે એની જાણકારી થઈ. સોળ વર્ષની ઉંમરથી શરૂ કરેલી રમતની સફળતાની સાથે શરીરનો ઘસારો પણ સચિને અનુભવ્યો છે. ઇંગ્લેન્ડની મેચ સમયે પિતાના અચાનક અવસાનના આઘાતથી અપ-સેટ થયેલો સચિન છે તો એની રિટાયરમેન્ટની એનાઉન્સમેન્ટથી આઘાત અનુભવતું ભારત પણ છે. રિયલ વિઝ્યુઅલ્સના ઉપયોગના લીધે સચિનના ચાહકો માટે ક્યારેય ન ભૂલાય એવી ઘટાનાઓને ફરી એકવાર તાજી કરી છે.
‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’માં હિન્દી ફિલ્મની જેમ કથા-પટકથા, એક્શન-ઇમોશન, નાટકીય એલિમેન્ટ ન હોવા સત્ય સાથે સંકળાયેલા તમામ એલિમેન્ટ્સ છે. સચિને સુપર સોનિકની સ્પીડે ખડકેલા રનની ક્લિપો છે. સચિનને બિરદાવતા હર્ષ ભોગલે , સર ડોન બ્રેડમેન, વિવિયન રિચાર્ડ, બ્રાયન લારા, ઇયાન બોથમ, જ્યૉફ્રી બૉયકોટ, શેન વોર્ન, હેન્સી ક્રોન્યે, જગમોહન દાલમિયા, માર્ક મૅસ્કરન્હ્સેની સ્પીચ છે તો સાથે મનમોહન સિંહથી માંડીને મોદીના કથન પણ છે. મોહાલીમાં પાકિસ્તાન સામે ફાઇટીંગ સ્પીરિટથી રમતી ઇન્ડીયન ક્રિકેટ ટીમ છે તો બસ્સો રનના ખડકલા કરતા સચિન માટે સ્ટેંન્ડીંગ ઓવેશન આપી સચિન નામના નારા લગાવતી મેદની પણ છે. સચિનની કારકિર્દીની સફર દરમ્યાન ભારતમાં ઘટતી ઘટનાઓ જેવીકે ભારતના મિસાઇલ લોન્ચનો કાર્યક્રમ, રાજીવ ગાંધીની હત્યા, કમર્શિયલ બ્રોડકાસ્ટીંગની શરૂઆત, આઇ.પી.એલ અને ક્રિકેટની ગ્લોરીને પણ સાંકળી લેવામાં આવી છે.
અહીં એક્શન નથી તેમ છતાં સચિનની રમતના એક્શન રિ-પ્લેથી અનુભવાતી ઉત્તેજના છે. અહીં ઇમોશનલ ડ્રામા નથી તેમ છતાં સચિનની ફેરવેલ સ્પીચ ઇમોશનલ ટચ આપી જાય છે. અહીં ફિલ્મી રોમાંસ નથી તેમ છતાં સચિન-અંજલિના રોમાંસની રોમેન્ટીક પળો છે.
આજ સુધી ટી.વી પર કે યુ-ટ્યુબ પર જોયેલા દ્રશ્યોને જ્યારે સચિનના નામ સાથે જોડાઇને મોટા પરદા પર જોવા મળે તો એના કયા ચાહકને આનંદ ન થાય?
કોઇ સેલિબ્રીટીની બાયોપિકને પરદા પર રજૂ કરતા અભિનેતા-અભિનેત્રી જોયા છે પરંતુ ૨૪ વર્ષની કારકિર્દી દરમ્યાન અર્જૂન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, પદ્મશ્રી, મહારાષ્ટ્ર ભુષણ એવોર્ડ, પદ્મ વિભુષણ અને ભારત રત્ન જેવા નેશનલ એવોર્ડથી સન્માનિત સેલિબ્રીટીને પરદા પર પોતાની વાત રજૂ કરતા જોવાનો આ પ્રથમ પ્રયાસ છે જે ક્રિકેટ અને સચિનના ચાહકોને તો પસંદ આવશે જ પરંતુ ખુબીની સાથે ખામીને પણ તટસ્થ ભાવે જોનાર પ્રેક્ષકની નજરે કેટલીક બાબતો ધ્યાનમાં આવશે જ. ઉંમરના લીધે કોચ રમાકાંત અને અજાણ્યા કારણોવશાત વિનોદ કાંબલીની ગેરહાજરી પણ સૌના મનમાં એક સવાલ બની રહી છે.
કલાકારો- સચિન તેંડુલકર, અંજલિ તેંડુલકર..
બાહુબલી ૨ (Film Review)
હાં…………શ !
છેલ્લા બે વર્ષથી ઉદ્ભવેલા કન્ફ્યૂઝન “બાહુબલિ કો કટપ્પાને ક્યોં મારા ?” નો જવાબ આખરે બાહુબલિ ૨- ધ કન્ક્લુઝનમાં મળી ગયો અને કેટલાય લોકોની ચટપટીનો અંત આવ્યો. અને આ સવાલનો જવાબ મેળવવા તો થિયેટરમાં જાણે રીતસરનો ધસારો જ થયો. જે રીતે સવાલને લટકતો રાખીને રાજામૌલિએ બે વર્ષ રાહ જોવડાવી એના જવાબમાં બાહુબલિ-૨ ધ કન્ક્લુઝ ફિલ્મને એસ.એસ. રાજામૌલિએ અત્યંત વિશાળ ફલક પર રજૂ કરી છે. આ ફિલ્મ એના ભવ્ય સેટ્સ અને સ્પેશિયલ ઇફેક્ટસના લીધે તો થીયેટરમાં જોવી પડે એ વાત પણ નક્કી.
ફિલ્મને જો બારીકીથી વિચારીએ તો ઘણી બધી જગ્યાએ મહાભારતની કથાના અંશ અને તેના પાત્રોની ખુબી અને ખામીઓ દેખીતી નજરે પડશે. મહાભારતની જેમ જ્યેષ્ઠ ભાઇના બદલે રાજ્યનું શાસન સંભાળી શકે એવા કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ નાનાભાઇના હાથમાં રાજ્યની ધૂરા સોંપવાનું નક્કી થયા પછી જે કાવાદાવા રચાય છે, જે ષડયંત્ર રચાય છે એવા તમામ કાવાદાવા અને ષડયંત્ર અહીં બાહુબલિ-૨ માં જોવા મળશે.
પુત્ર પ્રેમમાં અંધ અને શારીરિક રીતે અપૂર્ણ ધુતરાષ્ટ્ર બિજલદેવ-ભલ્લાદેવના પિતા (નસર) છે. અપ્રતિમ બાહુબળ ધરાવતા છતાંય ઇર્ષ્યા અને કાવાદાવાથી રાજપાટ મેળવવા ઇચ્છતા દુર્યોધન જેવો ભલ્લાલદેવ ( રાણા દગ્ગુબત્તી) છે. તેના કાવાદાવાને સમજતા, સંપૂર્ણપણે પાંડવોનું હિત ઇચ્છતા તેમ છતાં રાજ્ય પ્રતિ વફાદારીની શપથથી જેના હાથ બંધાયેલા છે તેવા ભિષ્મ સમા કટપ્પા ( સત્યરાજ ) પણ છે અને ન્યાય અને ધર્મને કર્મ માનતા અસ્ત્ર-શસ્ત્રમાં નિપૂર્ણ અર્જૂનની છાયા બાહુબલિ ( પ્રભાસ)માં અવશ્ય નજરે પડશે.
આપણા બાહુબલિમાં કુશાગ્ર બુધ્ધિ છે તો રાજમાતાથી માંડીને આમ જનતા સુધી પહોંચે તેટલો હ્રદયમાં પ્રેમ પણ છે. તેનામાં પ્રેમમાં પડવાની કોમળતા છે તો સાથે એ પ્રેમ માટે, ધર્મ માટે રાજપાટ છોડી દેવાનું સામર્થ્ય પણ છે. છદ્મવેશે રહેલા અર્જૂનના શૌર્યથી અંજાયેલી દ્રૌપદી જેવી દેવસેના પણ છે જેને સત્યથી અજાણ એવા રાજમાતા શિવગામીના ફરમાનને શિરોમાન્ય રાખીને રાજરાણીના બદલે બંદી સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પતિપ્રેમ માટે એ પણ એને સ્વીકાર્ય છે.
મહાભારતની જેમ બાહુબલિને આવી તેજસ્વી, સૌંદર્યવાન- સ્વાભિમાની દેવસેના પ્રાપ્ત થાય છે જેની પાછળ ભલ્લાલદેવ પણ પાગલ છે . રાજ્યની જેમ દેવસેના પણ ભલ્લાલદેવને જોઇએ છે . એ ઇર્ષ્યાના લીધે જેનામાં ભારોભાર કપટ ભરેલું છે એવી વ્યક્તિ બીજું શું કરી શકે? અને બસ આ ઇર્ષ્યા અને વેર-ઝેરમાંથી રોપાય છે માનહાનિ અને જાનહાનિ. મારા-મારી, કાપા-કાપી અને જન હત્યા. દેખીતી ખુવારીની સાથે લાગણી પર થતા જનોઇવાઢ ઘા પણ અહીં જોવા મળશે.
વિશાળ ફલક પર વિસ્તરેલી ફિલ્મને રાજામૌલીએ પ્રેક્ષકની કલ્પના કરતાં ય ઘણી વધુ ઊંચાઇએ ચિતરવામાં કોઇ કચાશ છોડી નથી. આ ફિલ્મમાં પાત્રો જેટલું જ મહત્વ ભવ્ય સેટ્સ, કેમેરાની કરામત અને ટેક્નોલૉજિની કમાલનું પણ છે એ વાત સ્વીકારવી જ રહી. જે કંઇ આપણે પરદા પર જોઇ રહ્યા છીએ એ આ બધી કેમેરા કે ટેક્નોલૉજિની કરામત માત્ર છે એ જાણવા છતાં ય પ્રેક્ષક કંઇક અંશે અભિભૂત તો થઈ જ જાય છે.
અમરેન્દ્ર બાહુબલિ હોય કે મહેન્દ્ર બાહુબલિ- બંનેના પાત્રમાં જાણે પ્રભાસે પરકાયા પ્રવેશ કર્યો હોય એટલી સ્વભાવિકતાથી બંને પાત્રો નિભાવ્યા છે. સુંદર શારીરિક સૌષ્ઠવ અને તેમ છતાં સૌમ્ય ચહેરો અને કોમળ હ્રદય ધરાવતા બાહુબલિના પાત્રને પ્રભાસે ખુબ સરળતા અને સાહજિકતાથી નિભાવ્યું છે. દેવસેનાના પ્રેમમાં રુજુ બની જતા બાહુબલિને જુવો કે દેવસેનાનું રક્ષણ કરતાં યોધ્ધાને જુવો બંને છેડે પ્રભાસ સફળ જ રહે છે.
રાજકુંવરીને છાજે એવું કૌશલ્ય ધરાવતી દેવસેનાના પાત્રને અનુષ્કા શેટ્ટીએ ખુબ સુંદર રીતે નિભાવ્યું છે. આ ફિલ્મના બે બળુકા સ્ત્રી પાત્રોમાં દેવસેનાની જેમ રાજમાતા શિવગામીના પાત્રમાં રામ્યા ક્રિશનન પણ મેદાન મારી જાય છે. રાજમાતા હોવા છતાં બે સંતાનો વચ્ચે લાગણીથી ભિંસાતી શિવગામી, ધર્મને પ્રાધાન્ય આપતી પણ અસત્યથી દોરવાયેલી રાજમાતા જે રીતે બાહુબલિને અજાણતા અન્યાય કરી બેસે છે એ અન્યાયના પશ્ચ્યાતાપથી પીડાતી શિવગામી જે રીતે જીવનને હોડમાં મુકીને મહેન્દ્ર બાહુબલિને બચાવે છે એ શિવગામી, રાજ્યની સુખાકારી માટે માથે અગ્નિ મુકીને ખુલ્લા પગે મંદિરના પ્રાંગણમાં અગ્નિને આહુતી આપતી શિવગામી, કોઇ પ્રશાસકને છાજે એવા નિર્ણયો લેતી શિવગામીની આંખો અને અવાજ પણ એટલા જ પ્રભાવી લાગે છે જેનો યશ રામ્યા ક્રિશ્નનના અભિનયને આપવો રહ્યો.
મહિષમતિ રાજ્ય પ્રત્યેની વફાદારીને ભિષ્મ પિતા જેવી સ્થિરતા અને નિષ્ઠાથી નિભાવતા, માત્ર હાજર વ્યક્તિઓના ચહેરા પરથી હવાની જેમ ભેદ સુંઘી લેતા શાતિર પણ શૂરવીર કટપ્પાના પાત્રને રજૂ કર્યું છે સત્યરાજે. બાહુબલિ પ્રત્યે અસીમ પ્રેમ હોવા છતાં રાજમાતાની આજ્ઞાને અનુસરીને બાહુબલિનો વધ કરતા કટપ્પાની વેદનાને પણ તેમણે જીવી બતાવી છે તો છદ્મવેશે રહેલા બાહુબલિને છાવરતા મામાના પાત્રનું હળવું પાસુ પણ સત્યરાજે સરસ રીતે રજૂ કર્યું છે.
ભલ્લાલદેવના પાત્રને રજૂ કર્યું છે રાણા દગ્ગુબત્તીએ. સત્તાનો સ્વાર્થ, બાહુબલિ પ્રત્યેની ઇર્ષ્યા અને એમાંથી પ્રગટતો રોષ, રાજ્ય તેમજ દેવસેનાને પ્રાપ્ત કરવાની કપટતા, બાહુબલિ સામે અત્યંત ક્રૂરતાભરી તાકાતથી ઝઝૂમતા ભલ્લાલદેવના પાત્રને રાણા દગ્ગુબત્તીએ સંપૂર્ણ ન્યાય આપ્યો છે.
સબળ પાત્રો અને ફિલ્મની સબળી માવજત છતાં તેની અધધધ લંબાઇના લીધે તો ફિલ્મનો ઉતરાર્ધ માંડ માંડ સહ્ય બને છે. વર્ષો પહેલા જોયેલી બી.આર ચોપ્રાની મહાભારત સીરિયલના દ્રશ્યો નજર સમક્ષ તાદ્રશ્ય થાય તો નવાઇ નહીં. ટોળાબંધ માણસો પર તુટી પડતા સૈનિકો, સૈનિકો પર વરસાદની ઝડીની જેમ વિંઝાતા બાણો કે હાથીઓની ચિંઘાડ, ભલ્લાલદેવનું ગદા યુધ્ધ, બાહુબલિની તીરંદાજી એ બધુ જ જાણે એક વાર જોઇ ગયા હોય એવી અનુભૂતિ થાય કારણકે લગભગ આ બધું જ એ સીરિયલની અદ્યતન ટેકનિકથી સુધરેલી આવૃત્તિ જેવું લાગે છે.
દેવસેના અને બાહુબલિના પ્રણયની નાજૂક પળો આ ફિલ્મની કોમળતા સાચવી લે છે. યુધ્ધના રણશિંગા ફુંકાતા હોય એની વચ્ચે પાંગરતો પ્રેમ રણમાં મીઠા પાણીના ઝરા જેવા લાગે છે. પ્રિકવલના રહસ્ય પરથી પરદો ઉઠાવતી સિકવલને અભિનયની સાથે તેના પાવરફુલ સંવાદોના લીધે વધુ ચોટદાર બનાવવા સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં તેના (જે ક્યારેક કેનવાસ પર ચિતર્યા હોય એવા પણ લાગે એવા) ભવ્ય સેટ્સ અને કેમેરાની કરામતનો પણ સાથ મળ્યો છે.
કલાકારો- પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબતી, સથ્યરાજ, રામ્યા ક્રિશ્નન, નાસર, તમન્નાહ, સુબ્બારાજુ
નિર્માતા- શોભુ યરલાગડા,પ્રસાસ દેવનાની
નિર્દેશક- એસ.એસ. રાજામૌલિ
સંગીત- એમ.એમ કિરવાનિ
ફિલ્મ*** એક્ટીંગ**** સંગીત** સ્ટોરી***
Noor (film review)
પાકિસ્તાની લેખક સાબા ઇમ્તિયાઝ લેખિત “ કરાંચી યુ આર કિલીંગ મી” પર આધારિત ફિલ્મ “નૂર” માં ચુલબુલી અભિનેત્રી સોનાક્ષી સિંહાનું એક અલગ જ નૂર પરદા પર રજૂ થયું છે. ઢાંચ છાપ પત્રકારત્વને નિભાવતી પરંતુ આ બીબાઢાળ પત્રકારત્વને અંદરથી ધિક્કારતી મહત્વકાંક્ષી નૂર રોય ચૌધરીને વાસ્તવિક અને સત્ય ઘટના પર આધારિત પડકારરૂપ સ્ટોરીનું કવરેજ કરવું છે પરંતુ એના એડીટર શેખર દાસ એને સની લિયોનના ઇન્ટર્વ્યૂ જેવી એન્ટરટેઇનમેન્ટ સ્ટોરી કવર કરવાનું સોંપે છે જેનાથી નૂર જરાય રાજી નથી. આ દરમ્યાન નૂરને એક એવી સ્ટોરી હાથ લાગે છે જેમાં શહેરના મોટા માથા સામેલ છે. અહીં એની ઓળખ થાય છે અયાન બેનર્જી ( પૂરબ કોહલી) સાથે. હવે અહીંથી શરૂ થતા ટર્ન્સ એન્ડ ટ્વીસ્ટને નૂર ખમી શકશે? અયાન બેનર્જી એને કોઇ રીતે મદદરૂપ થઈ શકશે ?
જવાબ છે સુનિલ સિપ્પી નિર્દેશિત ફિલ્મ “નૂર”માં..
ફિલ્મ જે કથાબીજ લઈને રજૂ થઈ છે તે ખરેખર એટલા માટે રસપ્રદ છે કે એમાં કેટલીક એવી હકિકતનો પરદાફાર્શ કરવામાં આવ્યો છે જે ખરેખર વાસ્તવમાં પણ ક્યાંક કોઇ ખૂણે બનતી જ હશે જેનાથી મોટાભાગના લોકો બેખબર હોય છે . અહીં આ ફિલ્મમાં પણ ડોક્ટર સ્વરૂપે માનવતાનો ધર્મ ચૂકેલા દાનવના કાળા કર્મોની કથા નૂરને ઘર મેળે જ હાથ લાગે છે. આ કથા એ જનતા સુધી પહોંચાડે તે પહેલા જ જરા જુદી રીતે જનતા સમક્ષ પેશ થાય છે. કેવી રીતે ?
એનો જવાબ એક જ છે, જેના વિશ્વાસે આ થાપણ મુકી છે તે નૂરનો મિત્ર અયાન ( પૂરબ કોહલી) જ પોતાનું નામ કરી લેવા નૂરને અંધારામાં રાખીને આખી સ્ટોરીને પોતાનું નામ આપીને જનતા સમક્ષ રજૂ કરે છે. પોતાના વિશ્વાસ અને પ્રેમ સાથે જે રમત રમાય છે એના આઘાત અને વિશ્વાસઘાતથી નૂર બેવડ થઈ જાય છે.
ફિલ્મની શરૂઆતથી જ નૂરનું પાત્ર વિકસતું જાય છે. પોતાની મહત્વકાંક્ષાને આડે કંટાળાજનક જોબની જવાબદારીથી અકળાતી અને તેમ છતાં એની એ જ ઘરેડમાં ઘસડાતી નૂરની તંગદિલી , અનાયાસે હાથ લાગેલા સ્કેમને જાહેર કરવાના જુસ્સાની પળે પળ સોનાક્ષીએ પરદા પર રજૂ કરી છે. અજાણતા પોતાની ભૂલથી કોઇને થયેલા નુકશાનથી પસ્તાવાની વેદના પણ સોનાક્ષીએ સહી છે. જુસ્સા અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજતા એ પોતાની જાતને પોતાની નબળાઇને ધિક્કારે પણ છે. પરંતુ એના સાચા અને સહ્રદયી મિત્રો ઝારા ( શિબાની દાંડેકર) અને સાદ ( કનન ગિલ) એને સાચવી લે છે. ફરી એકવાર નૂર એની હતાશા અને વેદના ભુલીને સત્યને લોકો સુધી પહોંચાડવા સજ્જ બને છે. એની આ સજ્જતાને પણ સોનાક્ષીએ સફળતાથી પેશ કરી છે. સૌથી વધુ સ્પર્શી જાય છે નૂરની મુંબઇને ઉદ્દેશીને રજૂ થતી એકોક્તિ. એ મુંબઈને ઉદ્દેશીને કહે છે “ મુંબઈ, યુ આર કિલિંગ મી. મુંબઈ તું પણ મારી જેમ ખોખલી થતી જાય છે. આડી-ઉભી વિકસેલી મુંબઈ તું તો ૨૬મી જેવા જુદા જુદા હુમલા થવા છતાં ફરી એની એ જ રફતારમાં દોડવા માંડે છે. કીડી-મંકોડાની જેમ રેંગતી મુંબઈ તારા માટે તો જરૂરી છે એક એવા ત્સુનામીની જે તને મૂળથી ખતમ કરી દે અને ફરી એકવાર નવેસરથી તારું સર્જન થાય. ફેફસા ખોખલા કરતી હવામાંથી મુક્ત થઈને તાજગીભરી હવાથી તું નવું રૂપ ધારણ કરે….” મુંબઈની અસલિયતનો અહીં એના શબ્દો દ્વારા હુબહુ સ્વરૂપે ચિતાર આપ્યો છે.
નૂરની સોશિયલ મીડિયા પરની તારિફના અંતે એક સરસ વાત કહે છે.” સફળતાની મઝા તો આપણી વ્યક્તિને સાથે લઈને ચાલવામાં છે નહીં કે સફળતાની સીડી માટે એનો ઉપયોગ કરવામાં.”
આ ફિલ્મની સફળતા પણ સોનાક્ષીના અભિનયને જ આભારી છે. વાસ્તવિકતાને આધારિત કથાબીજ હોવા છતાં ફિલ્મની મંથર ગતિના લીધે થોડો ચાર્મ ગુમાવે છે. પૂરબ કોહલી તેમજ મનિષ ચૌધરી અને શિબાની દાંડેકર નાના અને ખપ પૂરતા પાત્રમાં દેખા દે છે. એવી જ રીતે કનન ગિલનું પાત્ર પણ એવી જ રીતે અંકિત થયું છે પરંતુ સહ્રદયી મિત્રોના પાત્રમાં ઝારા અને સાદ ગમી જાય છે એનો અર્થ એવો પણ કરી શકાય કે ક્યારેક અભિનયની સાથે પાત્રની સારપ પણ આપણને સ્પર્શી જાય છે.
દિગ્દર્શકે પત્રકારત્વ માટે એક વાત અહીં ખુબ સરસ કરી છે. સમાચારને જ્યારે માત્ર ટી.આર.પી વધારવાની નજરે મૂલવવામાં આવે છે ત્યારે માનવજીવનને પણ એક સમાચારની દ્રષ્ટીએ જોવામાં આવે છે. હાલમાં અખબાર કે ટી.વીના પ્રસારણમાં પણ બ્રેકીંગ ન્યૂઝનું મહત્વ એટલી હદે વધવા માંડ્યું છે કે એને માનવ સંવેદનાને કોરે મુકીને ટી.આર.પીના ત્રાજવે જોખવામાં આવે છે.
અંતે એક વાત સોનાક્ષીની ફિલ્મ છે અને સોનાક્ષીના ચાહકો માટેની ફિલ્મ છે.
કલાકારો- સોનાક્ષી સિંહા, પૂરબ કોહલી, કનન ગિલ, શિબાની દાંડેકર, મનીષ ચૌધરી
નિર્માતા- ભુષણ કુમાર, ક્રિશ્ન કુમાર, વિક્રમ મલ્હોત્રા
નિર્દેશક- સુનિલ સિપ્પી
સંગીત-અમાન મલિક,
ફિલ્મ **૧/૨ એક્ટીંગ*** સંગીત** સ્ટોરી***
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
બેગમ જાન – Film Review.
સન ૧૯૪૭માં લોર્ડ માઉન્ટબેટનના એક ફરમાને એક મુલ્કને બે ભાગલામાં વહેંચી દીધું. હિન્દુસ્તાન- પાકિસ્તાનના ભાગલા માત્ર સરહદી દ્રષ્ટીએ જ થયા એને ભૌગોલિક પરિસ્થિતિ કહેવાય પરંતુ આ સાથે કેટ-કેટલાય પરિવારો નંદવાયા કેટલો જીવ-સંહાર થયો એ પણ કદાચ આજ સુધીના વર્તારામાં અંશતઃ જાણી શકાયું હશે પરંતુ ભાવનાત્મક હિંસા કેટલી થઈ હશે એ તો કોણે જાણ્યું? સરહદની સીમારેખાની બંને બાજુ વહેંચાઇ ગયેલા માટે અંતે તો એક સ્થાન નિશ્ચિત થઇ ગયું અને મને-કમને એનો સ્વીકાર કર્યે છુટકો થયો પરંતુ એક મકાન એવું હતું જેની વચ્ચેથી આ સરહદી લકીર પસાર થતી હતી અને એ હતો બેગમ જાનનો કોઠો જે એના માટે તો એનું ઘર, એનો મહેલ જ હતું અને એ એના આ ઘરના-મહેલના ભાગલા મંજૂર નથી કરતી . જેમ કોઇ પોતાના વતન માટે લડવા તૈયાર થઈ જાય એમ એ એના આ ઘરને બચાવવા લડત સુધી ઉતરી આવે છે. આજ સુધી પુરુષોને સજદા ભરતી રૂપલલનાઓ પોતાના આ ઘર- મહેલને ભાગલામાં વહેંચાતુ અટકાવવા રણચંડી બનીને ખુવાર થઈ જવા સુધીની તાકાત બતાવે છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા મુદ્દે બનેલી કોઇપણ ઘટના અત્યંત વેદનાપૂર્ણ જ રહી છે. “ બેગમ જાન’ ફિલ્મની કથા પણ એટલી જ વ્યથા લઈને રજૂ થઈ છે. શરીરનો સોદો કરતી સ્ત્રીઓ સંવેદનાથી પર હોય એવી સર્વ સામાન્ય માન્યતા રહી છે જ્યારે અહીં આવી રૂપલલનાઓની સંવેદના પ્રેક્ષકોને સ્પર્શી જાય છે. કોઇ કોઠા પર પોતાની મરજીથી નથી આવતી પરંતુ જ્યારે ક્યાંય કોઇ આશરો ન રહે ત્યારે આ કોઠો એનો આશ્રયદાતા બની જાય તો એની સાથે જે લાગણીઓના તાર જોડાઇ જાય. જ્યારે આ લાગણીને ઝંઝોડતી ક્ષણો આવે ત્યારે એમાંથી જે સૂર ઉઠે એ સૂરની આ કથા છે જે વિદ્યા બાલનના ધારદાર સંવાદોમાં રજૂ થઇ છે. જેને સમાજે નથી સ્વીકારી એવી આ રૂપલલના સમાજ કે સરકારનો નિર્ણય શા માટે સ્વીકારે ? જે ભાગલા અને આઝાદીની વાતો સરકારી ઓફિસર કરે છે તેની વાતને એક ઝાટકે વાઢી નાખતી બેગમ જાન કહે છે, “ તવાયફ માટે આઝાદી શું? લાઇટ બંધ થાય એટલે બધુ એક સમાન.” સુફીયાણી અને સોજ્જી સોજી વાતો કરતા સમાજને એક સવાલ કરે છે “આ કરોડોની દુનિયામાં છે કોઇ એવો મર્દ જે બેગમ જાનના કોઠાની એક પણ છોકરી સાથે ફેરા ફરીને એને અહીંથી આઝાદી અપાવે ?”
આ માત્ર હિન્દુસ્તાન- પાકિસ્તાનના ભાગલાની જ માત્ર ફિલ્મ નથી પરંતુ સમાજ અને સમાજના દંભી ઉપરછલ્લા દેખાવો પર સીધો ઘા કરતી ફિલ્મ છે.
વિદ્યા બાલન હંમેશા તેના બોલ્ડ તો ક્યારેક સંવેદનશીલ અભિનયથી ફિલ્મના પરદા છવાયેલી રહી છે. “ બેગમ જાન” ફિલ્મની તો એ જાન છે. વિદ્યા બાલનનો અભિનય, એના બુલંદ અવાજના તીખા સંવાદોની રમઝટની સાથે પલટાતા ચહેરા પરના ભાવ-પલટા સમગ્ર ફિલ્મ અને પ્રેક્ષકોના મન પર છવાઇ જાય છે. અહીં દરેકની પોત-પોતાની વાત છે. અહીં એકબીજા સાથે લાગણીના તારે બંધાયેલા છે પછી ભલેને એ કોઇપણ પ્રાંતની હોય કે એમની રક્ષા કરતો સલીમ હોય.
અનેક પાત્રોની આ કથામાં ગૌહર ખાન, પલ્લવી શારદા, ઇલા અરૂણની જેમ નસીરૂદ્દિન શાહ પણ છે જે બેગમ જાનની જાન છે. તો બેગમ જાનના કોઠાને સામ-દામ-દંડથી તોડાવવા તૈયાર ઓફિસરની ભૂમિકામાં રજત કપૂર અને આશિષ વિદ્યાર્થી પણ છે જે પોતાની ફરજ તો નિભાવી જાણે છે પરંતુ તેના અસહ્ય અંજામને સ્વીકારી શકતા નથી . એ પણ સમજે છે કે એ લોકો તો સમયનો તકાજો સમજીને પોતાની ફરજ નિભાવે એવા એ માત્ર પ્યાદા છે અને એ કડવી વાસ્તવિકતા પણ જાણે છે કે પ્યાદાનું નામ તો ક્યાંય ઇતિહાસમાં લખાવાનું નથી જ અને ત્યારે તેમને અનુભવાતુ દુઃખ સહ્રદયી પ્રેક્ષક પણ સમજી શકે છે. કોઇ એંગલથી ન ઓળખાતો ચંકી પાંડે નાની પણ મહત્વની ભૂમિકામાં દેખા દે છે.
ફિલ્મમાં રજૂ થતી કડવાશ, ક્રૂરતા તે સમયના સંજોગોની સંખ્યાબંધ કતલનો આંશિક ચિતાર પણ છે. ફિલ્મની કથા સાથે ઇલા અરૂણના શબ્દોમાં સમાંતર કહેવાતી મીરા, રઝિયા સુલતાન અને રાણી પદ્માવતીની પ્રતિકાત્મક વાત પણ કથાના ભાવિ ચિતારનો ઘણો નિર્દેશ કરી જાય છે.
“ ધ ડર્ટી પિક્ચર’ ફિલ્મમાં વિદ્યા કહે છે ફિલ્મ તીન ચીજ સે ચલતી હૈ.. એન્ટર્ટેઇનમેન્ટ એન્ટર્ટેઇનમેન્ટ એન્ટર્ટેઇનમેન્ટ અને મેં એન્ટર્ટેઇનમેન્ટ હું’ …પરંતુ એ સિવાયની અનેક ફિલ્મોની જેમ વિદ્યા બાલને અહીં સ્થાપિત કરી દીધું છે કે વિદ્યા એ એન્ટર્ટેઇનમેન્ટ નહીં અભિનયની ઓળખ છે.
રાજકહિની પર આધારિત આ ફિલ્મના લેખક- દિગદર્શક શ્રીજીત મુખર્જીએ ફિલ્મમાં વહેતી સંવેદના જાળવી રાખી છે. ફિલ્મના ગીતોનો અલગ અંદાજ છે પરંતુ ફિલ્મના અંતે બેકગ્રાઉન્ડમાં મુકાયેલું “ યે સુબહા હમી સે આયેગી” ગીત ભાગલાના ચિતારની અસરને વધુ દર્દનાક બનાવે છે.
કલાકારો- વિદ્યા બાલન, પલ્લવી શારદા, ગૌહર ખાન, ચંકી પાંડે, પિતોબાષ,આશિષ વિદ્યાર્થી, રજત કપૂર, ઇલા અરૂણ, નસીરૂદ્દિન શાહ,
નિર્માતા-મુકેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ
નિર્દેશક- શ્રીજીત મુખર્જી
સંગીત- અનુ મલિક , કૌસર મુનિર
ફિલ્મ ***૧/૨ એક્ટીંગ***૧/૨ સંગીત**સ્ટોરી***
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
ડીયર જીંદગી- ફિલ્મ રિવ્યુ
આજની યુવા પેઢીના પ્રતિક સમી કાયરા કાબિલ છે અને સાથે સાથે કન્ફ્યુઝ પણ એટલી જ છે. એની પાસે ખુલી આંખે જોવાનું એક સપનું છે. સિનેમેટોગ્રાફીની જાણકાર કાયરાને પોતાની એક ફિલ્મ શુટ કરવી છે. જો કે ખુલ્લી આંખે સપના જોતી કાયરાની રાતોની ઉંઘ વેરણ છે. જેટલી એ એનર્જેટીક છે એટલી જ અજંપ પણ છે. એક ફુલ પરથી બીજા ફુલ પર ઉડતા પતંગિયાની જેમ એ સિડ ( અંગદ બેદી) રાઘવેન્દ્ર ( કુણાલ કપૂર ) અને રુમી ( અલિઝફર ) વચ્ચે ઝોલા ખાય છે. ના એનામાં ભ્રમર વૃત્તિ નથી પણ અસલામતીની એક એવી લાગણી છે જેનાથી એ કોઇપણ સંબંધનો અંત આવે અને એના જીવનમાં જે એકલતા ઉભી થાય એનાથી ડરીને કોઇપણ સંબંધનો એ સામેથી જ અંત આણી દે છે અને પોતાની રાતોની ઉંઘ વેરણ કરી મુકે છે. કારણ તો એ પોતે પણ નથી જાણતી પણ આ માનસિકતાથી વાજ આવીને એ દિમાગના ડૉક્ટર જહાંગીર ખાન ( શાહરૂખ ) પાસે સેશન લે છે. ડૉ. ખાન સાથેના સેશનમાં એના મનની અવઢવ- અસ્થિરતા, અજંપાના કે આક્રોશ પાછળના એક પછી એક પડ ખુલતા જાય છે જે એના બાળપણ સાથે જોડાયેલા છે.
ભૂતકાળ સાથે જોડાયેલા આ ડરથી એનો વર્તમાન વિમુક્ત થશે ખરો, એના ભવિષ્યની કોઇ સ્થાઇ રૂપરેખા એ નક્કી કરી શકશે ?
કોઇ એક કળીની એક પછી એક પાંખડીઓ ખુલતી જાય અને સંપૂર્ણ ગુલાબ બનીને ખિલે એવી જ રીતે ગૌરી શિંદે નિર્દેશિત ફિલ્મ ‘ ડીયર જીંદગી’ અને આલિયા ભટ્ટ ખિલતા જાય છે. ફિલ્મની શરૂઆત ખિલતી કળી જેવી જ ધીમી છે પરંતુ કાયરાના જીવનમાં આવતા ડૉક્ટર ખાનના આગમનથી ફિલ્મની ગતિ અને કથા પણ પકડ જમાવતા જાય છે.
જીવનમાં ઉંચાઇને આંબવા માટે અઘરા જ આયાસો કરવા જરૂરી નથી પણ સરળ અને સુગમ આયાસોથી પણ ઉંચાઇને આંબી શકાય છે એવી સાવ જ સરળ અને સીધી વાત કાયરાના મનને સમજાવતા ડૉકટર ખાનના પાત્રને શાહરૂખે સાચે જ ખુબીથી ભજવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી શાહરૂખ ખાન રુપેરી પરદા પર પોતાની પકડ અને પ્રભાવ ગુમાવતા જતા હોય એવી સંભાવના ઉભી થવા માંડી હતી પરંતુ ડૉક્ટર ખાનના પાત્રમાં મેચ્યોર અભિનય દ્વારા ફરી એકવાર શાહરુખે તેની અભિનયની સહજતા સાબિત કરી છે. ડૉક્ટરની કેબિનમાં જ બેસીને એકદમ ફોર્મલ ડ્રેસિંગમાં જ ક્લાયન્ટને ટ્રીટ કરવા એવી આજ સુધીની સ્થાપિત માન્યતાઓથી અલગ રીતે પોતાના દર્દીને ખુલ્લા આસમાન નીચે, ઉડતા પંખીની જેમ મુક્ત વાતાવરણમાં અથવા દરિયાના ઉછળતા મોજાઓને પકડવા કબડ્ડી રમતા રમતા જીવનના પ્રશ્નોને સુલઝાવતા ડોક્ટર ખાનના પાત્રને શાહરુખે અત્યંત સહજતાથી નિભાવ્યુ છે. રોમેન્ટીક હીરોની ઇમેજમાંથી બહાર આવીને અને આટલી સાહજીકતાથી કેરેક્ટર રોલમાં ઢળતા શાહરુખને જોવાનું ગમશે.
આલિયા ભટ્ટે તેનામાં રહેલા અભિનયના ઓજસનો પરિચય તો તેની ઘણી ફિલ્મો દ્વારા આપી જ દીધો છે. ઉડતા પંજાબ જેવી ગંભીર ફિલ્મના પાત્રને જીવી જતી આલિયા તેનાથી સાવ જ અલગ રીતે કાયરાના પાત્ર દ્વારા ‘ ડીયર જીંદગી’ માં છવાઇ ગઈ છે. કાયરાની મહત્વકાંક્ષાઓ , કાયરાની કારકિર્દીની ટોચને આંબવાની જીદની સાથે સિડ , રાઘવેન્દ્ર કે રુમી સાથેના સબંધથી જોડાવાની કે એ સંબંધને તોડવાની માનસિક અસ્થિરતા સાથે એ સીધી જ કનેક્ટ થઈ જાય છે. માતા-પિતા સાથે કે અન્ય ફેમિલી ફ્રેન્ડ્સ સાથેનું તેનું ઉધ્દતાઇ ભરેલું વર્તન જે રીતે એના માતા-પિતાને ઠેસ પહોચાડતું હશે એ જ રીતે પ્રેક્ષકોના મનને પણ ઠેસ પહોંચાડે છે. એના મનના ઉંડાણમાં ધરબાયેલી નાનપણની નાઇટ મેર જેવી ધુંધળી યાદોના લીધે એના સ્વભાવમાં આવતી જતી અકળામણોમાંથી ઉદ્ભવતી રોષની લાગાણીઓ જાણે એની જ પ્રકૃતિ હોય એવી રીતે વ્યક્ત થઈ છે અને અંતે ડૉક્ટર ખાન સાથે ખુલતી જતી કાયરાના મનની કિતાબ વાંચી શકાય એટલી સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે ખુલે છે ત્યારે પ્રેક્ષકોને હચમચાવી દે છે. કાયરાની હતાશા, આક્રોશ કેટલી હદે વ્યાજબી હતા તે હવે સમજાય છે. ધોધમાર રડી ઉઠતી કાયરાને જોઇને પ્રેક્ષકોના મન પણ ભારે થઈ જાય છે. મનનો ભાર ઠલવીને હળવી ફુલ બનીને પતંગિયાની જેમ ઉડતી કાયરા જ કદાચ આલિયા ભટ્ટનું સાચુ સ્વરૂપ હોય એવી હળવાશ તો આપણે પણ અનુભવી શકીએ છીએ. ‘ ડીયર જીંદગી’માં આલિયાને માણવાની એક મઝા છે.
ફિલ્મની કથાને અનુરૂપ એવા નાના અમસ્તા પાત્રમાં કુણાલ કપૂર, અંગદ બેદી અને અલિ ઝફરની હાજરીથી કથા બંધાતી જાય છે. ફિલ્મના મધ્યાંતર પછી દેખા દેતા કાયરાના ભાઇ કિડોના પાત્રમાં રોહિત સરાફે નાનકડી ભૂમિકાને સરસ રીતે નિભાવી છે. તો કાયરાની મિત્રોના પાત્રમાં ઇરા દુબે અને યશસ્વીની દયામાની હાજરી નોંધપાત્ર રહી છે. નાનકડી કાયરાનો નાનો અમસ્તો રોલ પણ એકદમ ઇફેક્ટીવ રહ્યો છે.
‘ ઇંગ્લીશ વિંગ્લીશ’ ની નિર્દેશક ગૌરી શિંદી ‘ ડીયર જીંદગી’ માં પણ પોતાની કુશળતા સિધ્ધ કરી છે. ફિલ્મમાં એવી કોઇ ઢાંચામાં ઢાળી શકાય એવી કથા નથી તેમ છતાં તેના સંવાદો અને પાત્રો દ્વારા ફિલ્મની પકડ જળવાઇ રહે છે. ડોક્ટર ખાનના કાયરા સાથેના સેશનનો સમય વહેતા ઝરણાની જેમ સરળતાથી અને રસાળતાથી વહી જાય છે. કાયરાને તેના જીવનના પ્રશ્નોના ડૉક્ટર ખાન દ્વારા અપાયેલા ઉત્તરોમાં ક્યાંય કોઇ ભારેખમ જ્ઞાનનો બોજ નથી પરંતુ સરળતાથી જીવન જીવી જવાના રસ્તાઓ છે. ગોવાથી આગળ વધીને અહીં કોઇ દેશી કે વિદેશી મનોરમ્ય લોકેશનો નથી તેમ છતાં ફિલ્મની સુંદરતા ઓછી થતી નથી.
ફિલ્મના ટાઇટલ સોંગ અને અન્ય ગીતો પણ કર્ણપ્રિય છે. ઓવર ઓલ ફિલ્મમાં વ્યક્ત થતા કાયરાની લાગણીઓના ચઢાવ ઉતાર સાથે સીધા જ જોડાઇને માણી શકાય એવી હલ્કી ફુલ્કી ફિલ્મ ‘ ડીયર જીંદગી” વાદ-વિવાદની નહીં પણ સંવાદની ફિલ્મ છે જે આજના સમયની સાથે મનને પણ સ્પર્શે છે.
કલાકારો- આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, કુણાલ કપૂર, અલિ ઝફર, અંગદ બેદી, રાજ ભણસાલી, ઇરા દુબે, યશસ્વીની, રોહિત સરાફ
નિર્માતા- આર. બાલ્કી, કરણ જોહર, ગૌરી ખાન
નિર્દેશક – ગૌરી શિંદે
સંગીત- અમિત ત્રિવેદી
ફિલ્મ **** એક્ટીંગ **** સંગીત**** સ્ટોરી***
Film Review- Aligarh
હિન્દી ફિલ્મોમાં બે રીતની ફિલ્મો બને- એક ક્લાસ માટે અને બીજી માસ માટે. સામાન્ય રીતે સૌને ગમે તેવી અને અમુક વિશેષ પ્રકારના પ્રેક્ષકોને જ ગમે તેવી. આ બીજા વર્ગની વિશેષ પ્રકારના વર્ગના પ્રેક્ષકોને ગમે તેવી ફિલ્મ બનાવવા માટે ગજુ જોઇએ કારણકે આવી ફિલ્મો થીયેટરને કે બોક્સ ઓફિસને છલકાવી દેશે તેવી કોઇ અપેક્ષા રાખ્યા વગર બનાવવામાં આવતી હોય છે. ફિલ્મોની જેમ કેટલાક સંબંધો અને સત્યો પણ એવા છે જે સરળતાથી સમજવાની તૈયારી હજુ ઝાઝી જોવા મળતી નથી તો સ્વીકારવાની વાત જોજનો દૂર છે.
‘અલીગઢ” ફિલ્મ અને એ ફિલ્મની કથા પણ આ બીજા પ્રકારની ફિલ્મોમાંની એક કહી શકાય એવી ફિલ્મ છે. પરદેશમાં હવે આ સમલૈંગિક સંબંધોનો ઝાઝો છોછ રહ્યો નથી એને લીગલ માન્યતા આપવામાં આવી છે અને એથી આગળ વધીને આ સંબંધોની પરંપરાગત લગ્નોની જેમ જ ઇન્વીટેશન કાર્ડ સાથે ઉજવણી જોવામાં આવે છે. પરંતુ હજુ આપણા ભારતિય માનસે આ સંબંધ અને સત્ય સ્વીકાર્યા નથી.
ફિલ્મ ભાષાશાસ્ત્રી અને લેખક ડોક્ટર શ્રીનિવાસ રામચંદ્ર સિરાસ અને પત્રકાર દીપુ સેબેસ્ટીયનના જીવનને આધારિત ફિલ્મ છે. અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીમાં મરાઠી શિખવતા પ્રોફેસર ડોક્ટર શ્રીનિવાસ ( મનોજ બાજપાઇ)ને એમના સમલૈંગિક સંબંધ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દિલ્હીના ન્યુઝ પેપરની હેડ રિપોર્ટર પોતાના ન્યુઝ પેપરના યુવાન રિપોર્ટર દીપુ સેબેસ્ટીયન ( રાજકુમાર રાવ)ને અલીગઢ મોકલે છે. ઘણા આયાસો બાદ દીપુ ડોક્ટર શ્રીનિવાસનો વિશ્વાસ જીતવમાં સફળ થાય છે.
આ દરમ્યાન સમલૈંગિક સંબંધોના અધિકાર માટે કામ કરતી એનજીઓ પ્રોફેસરનો એપ્રોચ કરે છે. સિરાસ અને એનજીઓ તરફથી કેસ લઢતા વકીલ આનંદ ગ્રોવર ( આશિષ વિદ્યાર્થી) આ સંબંધોને પુષ્ટી આપતી દલીલો કરે છે અંતે હાઇકોર્ટ ડોક્ટર સિરાસને નિર્દોષ ઠેરવીને યુનિવર્સિટીને તેમને બાઇજ્જત સ્વીકારનો હુકમ કરે છે. આટલા સુધી તો બરાબર છે પરંતુ તે પછી આગળ વધતી ફિલ્મ પ્રેક્ષકોને કંઇક જુદા મનોજગતમાં ધકેલી દે છે.
આ ફિલ્મમાં સમલૈંગિક સંબંધોને લઈને સવાલ મુકવામાં આવ્યો છે કે શું આ સંબંધો એટલી હદે તિરસ્કારને પાત્ર છે કે આવા સંબંધો ધરાવતી વ્યક્તિ પણ તિરસ્કારને પાત્ર બની જાય? હકિકતમાં સૌ જાણે છે કે આ કોઇ વ્યક્તિના હાથની વાત નથી. આવી વ્યક્તિઓને પણ કદાચ આવા સંબંધોને સ્વીકૃતિ નહી મળે એવી ખાતરી હોવાથી એ જાહેરમાં લાવતા સંકોચ પામે છે ને? આપણા સમાજમાં કિન્નરોને પણ મોટાભાગે સામાન્ય નજરે જોવામાં નથી આવતા.
ફિલ્મનો આખો મદાર જેની પર છે તે મનોજ બાજપાઇ પ્રોફેસર શ્રીનિવાસના પાત્રને આત્મસાત કર્યું હોય એવી રીતે રજૂ થયા છે. અભિનય બાબતે આજ સુધીમાં મનોજ બાજપાઇ ક્યારેય ઉણા ઉતર્યા નથી. એમની પર્સનાલિટી એવી છે જે જે પાત્રમાં ઢળે તે પાત્રને ઉજાળે છે. યુનિવર્સિટી દ્વારા તિરસ્કૃત અને ડરી ડરીને જીવતા શ્રીનિવાસની લાચારી –બેબસી લઈને પરદા પર નજરે પડતુ પાત્ર મનોજ બાજપાઇ નથી પણ ડોક્ટર શ્રીનિવાસ જ છે એટલી હદે એ સિરસના પાત્રમાં ઢળી ગયા છે. એમની સાથે જે ઘટના ઘટી છે એના લીધે એ જે ઉપેક્ષાને પાત્ર બન્યા છે એની સામે આક્રોશ પણ નથી થઈ શકતો પરંતુ જાણે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોય એમ શરમિંદગી અનુભવી પડે છે એનો એહસાસ એમની પ્રત્યેક ઝલકમાં જોવા મળે છે. પ્રોફેસરની એકલતા અને ઉદાસી કે ઉદાસીનતા મનોજ બાજપાઇ હુબહુ રજૂ કરી શક્યા છે. માણસને સમલૈંગિક સંબંધો સુધી જવાની જરૂરિયાત ઉભી થાય એ એના હાથની વાત નથી પરંતુ જે હાથમાં નથી એ હકિકત બનીને સામે આવે તો એ કોઇ એવો ગુનો નથી કે જેના માટે એને હડધૂત કરી શકાય. આ એક વાતને હંસલ મહેતાએ ડોક્ટર શ્રીનિવાસ દ્વારા સમાજ સુધી લાવવા પ્રયાસ કર્યો છે જેનો મનોજ બાજપાઇએ તેમના અભિનય દ્વારા હુબહુ ચિતાર આપ્યો છે.
રાજકુમાર રાવ અને આશિષ વિદ્યાર્થીએ પણ પોતાના ફાળે આવેલા પાત્રને ઉચિત ન્યાય આપ્યો છે.
હંસલ મહેતાએ એક અતિ ગંભીર અને નાજુક સમસ્યા કે જેના અંગે જાહેરમાં કોઇપણ વ્યક્તિ ચર્ચા કરવાની તો દૂર ઉલ્લેખ સુધ્ધા કરવાનો ટાળે એવી સમસ્યાને લઈને જે રીતે ફિલ્માંકન કર્યું છે તેને દાદ આપવી જ રહી. સત્ય ઘટનાનું ફિલ્મીકરણ વધતું જાય છે અને ‘અલીગઢ’ એમાં એક વધુ સુંદર ઉમેરો છે.
કલાકારો- મનોજ બાજપાઇ, રાજકુમાર રાવ, આશિષ વિદ્યાર્થી
નિર્માતા- સુનિલ લુલ્લા
નિર્દેશક- હંસલ મહેતા
સંગીત- કરણ કુલકર્ણી
ફિલ્મ **** એક્ટીંગ ****૧/૨ મ્યુઝીક ** સ્ટોરી ***
નીરજા
“જીંદગી બડી હોની ચાહીએ લંબી નહીં બાબુમોશા….ય” રાજેશ ખન્નાની ફેન નીરજાનો આ હંમેશનો અને મોસ્ટ ફેવરીટ ડાયલોગ…હસતા રમતા બોલાયેલો આ ડાયલોગ ક્યાંક વિધાતાના કાને પડ્યો હશે અને કદાચ એ સમયે જ વિધાતાએ એને આશીર્વાદ આપી દીધા હશે …..‘તથાસ્તુ’…. વિધિના લખેલા ક્યારેય નિષ્ફળ જતા નથી એવું આજ સુધી સાંભળતા આવ્યા છીએ. નીરજાની બાબતે પણ આ લેખ હકિકત સાબિત થયા.નીરજા એની નાનકડી પણ અત્યંત મહત્વની ઉંમર જીવી ગઈ.
હરીશ અને રમાને બે પુત્ર હોવા છતાં દિકરીની અપેક્ષા હતી અને એમના પરિવારમાં નીરજાનું આગમન થયું. ઘરમાં સૌની લાડકી દિકરી સૌની લાડો બની પરંતુ લગ્ન કરીને એના પતિએ એને ક્યારેય પ્યારી લાડી તરીકે સ્વીકારી નહીં. માનસિક ત્રાસના લીધે પતિથી છુટી પડેલી નીરજાએ લગ્ન જીવનના ભંગાણ પછી હાર માનવાના બદલે જીવન જીવવાના પોતાની રીતે રસ્તા શોધી લીધા અને એ સમયે પેન એમ એરવૅયઝે ભારત માટેની ફ્લાઇટમાં અમેરિકન સાથે ભારતીય ક્રુ મેમ્બર લેવાનું શરૂ કર્યુ એમાં નીરજા સિલેક્ટ થઈ અને જોડાઇ ગઈ.
૧૯૮૬ની પાંચમી સપ્ટેમ્બરે મુંબઈથી ન્યુયોર્ક વાયા કરાંચી ફ્રેંકફર્ટ જતી પેન એમની ફ્લાઇટમાં નીરજા સિનિયર ફ્લાઇટ પર્સર તરીકે ઉડી રહી હતી ત્યારે એની ઉંમર હતી માત્ર ત્રેવીસ વર્ષ ૩૬૩ દિવસ. અમેરિકાએ આરબ ત્રાસવાદી જુથ સામે જે કડક પગલા લીધા હતા એના પ્રત્યાઘાત રૂપે કરાંચી ઉતરેલી આ ફ્લાઇટને અબુ નિદાલ જૂથના ચાર હાઇજેકરે બાનમાં લીધી. મૂળ અમેરિકનોને બાનમાં લઈ ફ્લાઇટ સાયપ્રસ લઈ જવા ઇચ્છ્તા હતા પરંતુ કોકપીટમાંથી ત્રણે પાયલોટ વિન્ડોમાંથી દોરડા લટકાવીને ભાગી છુટ્યા હોવાથી બીજા પાયલટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ફ્લાઇટ કરાંચી એરપોર્ટ પર સ્થગિત થઈ ગઈ અને ધીરજ ખુટતા હાઇજેકરોએ તે પછીના કલાકોમાં પેન એમની ફ્લાઇટમાં જે આતંક મચાવ્યો અને એની સામે આ નાજુક નમણી નીરજાએ પેસેન્જરને બચાવવા શહાદત વ્હોરી લીધી એ સત્ય ઘટનાની રૂપેરી પરદે રજૂઆત એટલે અતુલ કેરબેકર નિર્મિત રામ માધવાની નિર્દેશિત અને સોનમ કપૂર અભિનિત ફિલ્મ “ નીરજા”
ફિલ્મની શરૂઆત જ એક માહોલ બાંધી લે છે. એક બાજુ મુંબઈના અત્યંત મધ્યવર્ગી પરિવારોની સોસાયટીમાં સમી સાંજે એકઠા થયેલા પરિવારોમાં મોજ મસ્તીનો માહોલ અને તે સમયે કરાંચીમાં તૈયાર થતો મોતનો સામાન. બે વિરોધાભાસી વાતાવરણ શરૂઆતથી જ ખોફનો ભાર સર્જી દે છે. રામ માધવાનીએ પ્રેક્ષકો પર ફિલ્મની શરૂઆતથી જ પકડ જમાવી છે. એકાદ ક્ષણ તો આ ફ્લાઇટમાં આપણે હોઇએ તો ? એવો ભય મન પર છવાઇ જાય તો નવાઇ નહીં. જે ઘટના ઘટી ચૂકી છે એને તાદ્રશ્ય કરવાનું વધુ સચોટતા માંગી લે છે.
ફિલ્મની કથાને જે ચુસ્તીથી ન્યાય આપ્યો છે એ બાબતે રામ માધવાનીને પુરેપુરો યશ આપવો રહ્યો. સવારે સાડા છ વાગ્યાથી લગભગ રાત સુધીમાં ખેલાયેલા આ મોતના તાંડવનો ચિતાર દિગ્દર્શકે બે કલાકમાં પ્રેક્ષકોને આપી દીધો છે. વર્તમાન સામે ઝઝૂમતી નીરજાની સાથે એના ભૂતકાળની યાદોને પણ એમણે વણી લીધી છે.
આ ફિલ્મનું સૌથી સબળ અને તેમ છતાં સૌથી સંવેદનશીલ પાત્ર નીરજા એટલે કે સોનમ કપૂર. નીરજાના પાત્ર માટે એકદમ યોગ્ય પસંદગી. સમી સાંજે એકઠા થયેલા પરિવારોમાં એની હાજરીથી રંગત લાવી દેતી નીરજા , પતિથી ત્રસ્ત અને તેમ છતાં પિતાએ શીખવાડ્યું હતું એમ એની સામે ઝાક ઝીલવા મથતી નીરજા, સિનિયર ફ્લાઇટ પર્સર તરીકે જીવનની અંતિમ ક્ષણો સુધી આતંકવાદી સામે બાખડતી અને પેસેન્જરો અને અન્ય એર હોસ્ટેસને પોતાની હાજરી માત્રથી સધિયારો આપવા મથતી નીરજાના કેટ કેટલા સ્વરૂપ એ આ બે કલાકમાં જીવી ગઈ છે. મા નો પ્રેમ, પિતાની શીખ અને પ્રેમી સાથે ગાળેલી થોડીક ક્ષણો નીરજા માટે આ ઝંઝાવાત સામે લડવાની તાકાત બનીને ઉભરે છે. એની આ સંવેદનાત્મક ક્ષણો પણ પ્રેક્ષકોને સ્પર્શી જાય છે.
ફિલ્મનું એક સૌથી મહત્વનું પાત્ર છે નીરજાની મા- રમાદેવી. જ્યાં આ પાત્રમાં શબાના આઝમી હોય ત્યાં કહેવા કે લખવા માટે કોઇ શબ્દોની જરૂર નથી રહેતી તેમ છતાં અહીં એનો ઉલ્લેખ કરવાનો લોભ જતો કરી શકાય તેમ નથી. સમગ્ર ફિલ્મમાં મા-દિકરી વચ્ચેની સીધી ક્ષણો ખુબ ઓછા સમય માટે પરદા પર દ્રશ્યમાન થાય છે પરંતુ એ ક્ષણો સમગ્ર ફિલ્મ દરમ્યાન ક્યાંક ને ક્યાંક અવાર-નવાર છલોછલ છલકાતી અનુભવાય છે. નીરજાની પતિગૃહેથી વાપસી પહેલા તો મા- રમાદેવી માટે અકળાવનારી બની રહે છે એ ક્ષણભર તો સામાન્ય સામાજિક ઢાંચો ધરાવનારી મા બનીને દિકરીને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ દિકરી જે વેદના અનુભવીને પાછી આવી છે એની જાણ થતા એ ફરી એકવાર મમતાળુ મા બની જાય છે. આ મા દિકરીની એર હોસ્ટેસની નોકરી મા માટે પણ સતત ચિંતીત છે. નીરજાનું પ્લેન હાઇજેક થયું છે એ આઘાતજનક સમાચારને પચાવવા માંગતી અંદર અને અંતરથી તુટતી જતી અને તેમ છતાં બાહ્ય રીતે મનની ઢાઢસ બાંધી રાખતી , પતિ કે પુત્રને પણ હિંમત આપતી રમાદેવીના હ્રદયની ભીનાશ અને વલવલાટ એના એક એક ડગલે અનુભવાય છે. દિકરી પાછી નથી જ આવી શકવાની એવું કોઇ સત્ય એને સ્વીકાર્ય નથી જ અને એટલે તો દિકરીએ બે દિવસ પછી આવતા એના જન્મદિન માટે માંગેલી બર્થ-ડૅ ગિફ્ટ પણ એ લઈ રાખે છે. શું કરવું એ ન સૂઝવા છતાં એ મનને રોકી રાખવાના અર્થહીન આયાસો કરે છે એમાં પણ એક મા ની તકલીફ આપણે જોઇ શકીએ છીએ. અંતે જે સત્ય છે એ સ્વીકારવાની ઘડી આવે છે ત્યારે નીરજાની ઇચ્છા મુજબ એ આંખમાં આંસુ ના આવે એવી તકેદારી અને ઝીંદાદિલીથી એ સત્યને સ્વીકારે છે. અંતે જ્યારે નીરજાને પરમવીર ચક્ર એનાયત થાય છે એ ક્ષણ અને તે પહેલા નીરજા માટે રમાદેવીએ આપેલી સ્પીચ તો આ આખી ફિલ્મનું હાર્દ છે. ભાગ્યેજ કોઇ સંવેદનશીલ પ્રેક્ષક હશે કે જેને શબાનાના ચહેરા પર સ્પષ્ટ દેખાતો ડૂમો કે લીંપાયેલી વેદના સ્પર્શ્યા વગર રહી શકશે. ગ્લેમરનો ઝાઝો ભાર રાખ્યા વગર સામાન્ય મધ્યવર્ગી કુટુંબની રહેણી કરણી-પહેરવેશ આ બધું જ આપણામાંથી કોઇનું પણ હોઇ શકે એટલું સાહજિક લાગે છે.
નીરજાના પિતા હરીશ ભનોટ એટલે યોગેન્દ્ર ટીક્કુનો અભિનય અત્યંત સંયમીત અને તેમ છતાં અત્યંત સચોટ રહ્યો છે. દિકરી તકલીફમાં હોય ત્યારે બાહ્ય રીતે નાના પણ સચોટ વાક્યોથી નીરજાને મક્કમ બનવાની પ્રેરણા આપતા પિતા હ્રદયથી કેટલા મૃદુ હોઇ શકે એનું તાદ્રશ્ય ચિત્ર છે હરીશ ભનોટ.
નીરજાના પ્રેમીના પાત્રમાં શેખર રવજીયાનીના ફાળે ખુબ ઓછી પળો આવી છે પણ પ્રિયતમાનો સાથ કેટલો મનભાવન હોઇ શકે અને વિદાય કેટલી વસમી એ શેખરે ખુબ ઓછું બોલીને પણ સરસ રીતે વ્યકત કરી છે.
પેન એમની ફ્લાઇટને બાનમાં લેતા ચારે આતંકવાદીનું શરૂઆતમાં દેખાતું ઝનૂન અને કશું હાથવગુ થઈ શકે એમ નથી એવી નિષ્ફળતાનો એહસાસ એમનામાં જ જે અરાજકતા ફેલાવે છે એનું ચિત્રણ પણ આબેહૂબ જોઇ શકાય છે. અબરાર ઝહૂર , અલી બાલદીવાલા અને જીમ સરભ અહીં ખરા ઉતર્યા છે.
બે કલાક અને બે મિનીટ ચાલતી મધ્યાંતર વગરની આ ફિલ્મમાં પ્રસૂન જોષીના ગીતો એવી રીતે વણી લેવામાં આવ્યા છે કે એનાથી વાર્તાનો તંતુ ક્યાંય તુટતો નથી કે ક્યાંય પાતળો પડતો નથી.
કરોડોની લેતી-દેતી કરતી ફિલ્મના બદલે આવી સત્ય ઘટના પર આધારિત આટલી સબળ ફિલ્મ આપવા બદલ રામ માધવાની, સોનમ કપૂર અને શબાના આઝમીને ધન્યવાદ.
કલાકારો- સોનમ કપૂર, શબાના આઝમી, શેખર રવજીયાની,યોગેન્દ્ર ટીક્કુ , અબરાર ઝહૂર, અલી બાલદીવાલા,જીમ સરભ.
નિર્માતા- અતુલ કેરબેકર,
નિર્દેશક- રામ માધવાની,
સંગીત- વિશાલ ખુરાના,
ફિલ્મ ****૧/૨એક્ટીંગ ****૧/૨ મ્યુઝીક**** સ્ટોરી****
Recent Comments