Posts filed under ‘પ્રવાસ વર્ણન’

બ્રાયસ નેશનલ પાર્ક ( યુ.એસ.એ)

નવગુજરાત સમયના ફેમિનામાં ૧૮ નવેમ્બર ૨૦૧૭ના દિવસે પ્રસિધ્ધ લેખ.

અદ્ભૂત અને અનોખો બ્રાયસ નેશનલ પાર્ક.

યુનાઇટેડ સ્ટેટ્સમાં યુટાહના દક્ષિણ-પશ્ચિમે આવેલ બ્રાયસ નેશનલ પાર્ક કુદરતનો કમાલનો કરિશ્મા છે જેને જોઇને તો સાચે જ આફરીન થઈ જવાય.
સવારથી શરૂ થયેલી બ્રાયસ નેશનલ પાર્કની મુલાકાત તો જીવનભરનું સંભારણું બની જશે એવી કલ્પના ય ક્યાં હતી !

સૌથી પ્રથમ વ્યુ પોઇંટ પર પહોંચીને જે અદ્ભૂત દ્રશ્ય નજરે પડ્યુ છે તે આજે પણ આંખ સામે યથાવત છે.

“ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ.” સવારના પ્રકાશમય થતા સૂર્યના કુણા તડકાના કિરણોને ઝીલીને લાલ- નારંગી અને સફેદ રંગના મિશ્રણના બ્રાયસના આ ખડકો અત્યંત મનોરમ્ય અને અદ્ભૂત લાગતા હતા . ઊંચાણવાળા વ્યુ પોઇંટથી દૂર નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલા આ ખડકો જાણે કોઇ મંદિરમાં શિલ્પીએ અત્યંત ચીવટ-ઝીણવટ અને ખૂબીથી કોતરેલા સેંકડો સ્તંભ જેવા લાગતા હતા. દક્ષિણ ભારતના મીનાક્ષિ મંદિર જેવા અનેક મંદિરની કોતરણી અથવા તો દેલવાડા કે રાણકપુરના બારીકાઇથી કોતરેલા સ્તંભની યાદ આપાવે એવા અસંખ્ય કીર્તિસ્તંભની જાણે આખે-આખી નગરી નજર સામે ફેલાયેલી હતી. ઉગતા સૂર્યની સુરખી આ ખડકો પર પ્રસરેલી હતી અને એનાથી જ એ એટલા તો દેદીપ્યમાન લાગતા હતા કે જાણે ચારેકોર એનાથી જ લાલિમા છે. અને એનું નામ પણ કેટલું સૂચક ? “ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ.” સાચે જ સવારના શાંત વાતાવરણમાં જો ત્યાં થોડો સમય પસાર કરીએ તો દૈવી પ્રેરણા પ્રાપ્તીની અત્યંત નજીક પહોંચી જવાય.

બ્રાયસ નેશનલ પાર્ક અન્ય પાર્ક કરતાં સાવ અલગ તરી આવે છે અને એની આ લાક્ષણિકતાનું કારણ છે એનું ભૌગોલિક બંધારણ. નદી કે સરોવરના ધોવાણ અને હવાપાણીની અસરના લીધે બંધાયેલા જળકૃત અને કાંપાળ ખડકો સમય જતા અલગ અલગ ઘાટ પકડતા ગયા અને એમાંથી રચના થઈ આ અદ્ભૂત બ્રાયસ નેશનલ પાર્કની. અત્યારે પણ અહીંનું તાપમાન સામાન્ય રીતે આત્યાંતિક છેડાનું રહેતું હોય છે. અહીં લઘુત્તમ તાપમાન માઇનસ ૧૩ ડીગ્રી થી માંડીને માઇનસ ૩૦ ડીગ્રી સેલ્શિયસ અને મહત્તમ ૩૭ ડીગ્રી સેલ્શિયસ જોવા મળે છે જે અહીં રેકોર્ડબ્રેક ગણાય છે. વરસાદ પણ અહીં સરેરાશ ૧૫ થી ૧૮ ઇંચ સુધી પડતો હોય છે.

કહે છે કે સૌ પ્રથમ ૧૮૭૨માં યુ.એસ. આર્મીના મેજર જ્હોન વેસ્લી પોવેલની આગેવાની હેઠળ અહીં સૌ પ્રથમ વૈજ્ઞાનિક તેમજ ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટીકોણથી સંશોધન કરવામાં આવ્યું હતું અને ૧૮મી સદીના અંતે અને ૧૯મી સદીના શરૂઆતના સમયે સૌ પ્રથમ યુરોપિયન અમેરિકન થકી સામાન્ય જનની પહોંચ બહારના આ સ્થળ વિશે જનતાને જાણકારી પ્રાપ્ત થઈ જેમાં સ્કોટલેન્ડના વતની ઇબેનેઝર બ્રાયસ અને તેમના પત્ની મેરીના નામ પરથી આ સ્થળ બ્રાયસ કેન્યન તરીકે જાણીતું થયું હોવાની માન્યતા છે. ઇતિહાસ કે ભૂગોળ કરતાં ય વધુ રસપ્રદ છે અહીંની કુદરતની કરામત.

કુદરતના કરિશ્મા જેવા આ બ્રાયસ નેશનલ પાર્કમાં સવારથી બપોર સુધીનો સમય પસાર કર્યો એમાં સૂર્યની ગતિ પ્રમાણે આ ખડકો પર ઝીલાતો તડકો અને એ જ ખડકોના રેલાતા પડછાયાથી જે નજર સામે દ્રશ્ય સર્જાતું હતું એ ય અવર્ણનિય હતું. હાથમાં પકડેલા કેલિડોસ્કોપને ધીમે ધીમે ફેરવતા જઇએ અને આંખ સામે જેમ રંગ મિશ્રિત અવનવા આકાર અને રૂપરેખાઓ બદલાતી જાય એમ અહીં કોઇ ગેબી કેલિડોસ્કોપથી નજર સામે અવનવા આકારો ઉભા થતા હતા.

ક્યાંક જાણે શતરંજની બાજી ગોઠવવાની હોય એવા અદબથી ઉભેલા ખડકો હતા. કોઇ રાજાની મુદ્રામાં તો કોઇ વળી વજીર, હાથી, ઘોડા તો ક્યાંક ઊંટ અને પ્યાદાની ય હાજરી દેખાતી હતી. કોઇ જગ્યાએ રાજ દરબાર ભરાવાનો હોય અને દરબારીઓ માટે માફકસરના અંતરે કોતરેલા આસનો ગોઠવ્યા હોય એવી શાન છલકતી હતી તો વળી કોઇને આ અર્ધ ગોળાકારે ફેલાયેલા ખડકો એમ્ફીથીયેટરની યાદ અપાવતા હતા.

‘રેઇન ડિવાઇડ પોંઇન્ટ’ પર જઇને ઉભા રહો તો એમ લાગે કે હવાના તોફાન કે વાવાઝોડાએ અવિરત વહેતા પાણીને ઝીલવા માટે આ ખડકને નાળચા જેવી દેખાતી ઊંડી કરાળ જેવા ભાગ વહેંચી દીધો છે .દૂર ઉભા રહીને પણ એનું ઊંડાણ અનુભવી શકાય.

‘ફેરવ્યૂ પોંઇન્ટ’ એટલે બે ખડકને જોડતો કુદરતી સેતુ જેની નીચે આરપાર દૂર દેખાતું દ્રશ્ય ખરેખર સુંદર લાગતું હતું. એ પછી આવ્યો.
‘નેચરલ બ્રીજ’ નામે ઓળખાતો પોંઇન્ટ . જોઇને જ સૌ પ્રથમ વિચાર આવે કે કેટલી સુઘડતાથી પરિકર લઈને બરાબર ગોળાકારમાં આ ખડકને કોતરીને બોગદું બનાવ્યું હશે? અને આ પણ સાવ સીધુ સાદુ નહીં કોઇપણ દિશાએથી જુવો એની પરનો ઘસારો પણ કોતરકામ કારીગીરીના સુંદર નમૂનાથી જરાય ઉતરતો ના લાગે. ઉપર બ્રીજ અને નીચે કોતરાયેલા ગોળાકાર બોગદાને જોઇને લાગે કે ઉપરથી પસાર થતી ટ્રેઇનની નીચે વાહનવ્યહવાર માટે રસ્તો કરવાનો વિચાર આવા જ નેચરલ બ્રીજને જોઇને આવ્યો હશે. બ્રાયસ નેશનલ પાર્કના કોઇપણ પોંઇન્ટની સુંદરતા માટે તો શબ્દો ઓછા જ પડે.

‘અગુઆ કેન્યન’ પર જઈએ તો અહીં રાજા મહારાજાના આખે આખા ગઢના જુદા જુદા અવશેષો નજર સામે તરી આવે. ચોગમ લાલ કોટની કિલ્લેબંધી વચ્ચે આ શાંત સૂના રજવાડાની ચોકી કરતો કોઇ એકલ દોકલ સંત્રી જેવો ખડક ઉભેલો દેખાય. તો ક્યાંક કોઇ ઊંટ વિખૂટુ પડીને એના માલિકની રાહ જોતું દેખાય. દૂર નજરે પડે ખડકમાં કોતરાયેલા ગુફા જેવા પોલાણ. જાણે દુશ્મન રાજાની ચઢાઈ સામે છટકી જવા માટે કોઇ ખુફિયા માર્ગ ના તૈયાર કર્યો હોય. તો ક્યાંક ખડક પર રેતીના લાલ-લીલા અને ગુલાબી લસરકા જોયા. એના થોડે આગળ જઇએ તો આખી નગરી નજરે પડે. લીલીછમ વનરાજીની વચ્ચે સફેદ અને આછા ગુલાબી રંગના ચૂનાના પથ્થરોથી રચાયેલી માયા નગરી ખરેખર અહીં કોઇ સમયે તો વસેલી જ હશે એવો ભાસ થાય.

‘સ્ટેર વૅ ટુ ક્લાઉડ’. ‘ બ્લેક બ્રિચ કેન્યન’ …કેટલા પોંઇન્ટ ! જેટલા પોંઇન્ટ એટલા અવનવા દ્રશ્ય. ઊંચા ખડકોની વચ્ચે ઘસારાથી ઉત્પન્ન થયેલા ગુફા જેવા ઘાટ જોઇને એમ લાગે કે ક્યારેક ઋષિ-મુનીઓ અહીં પણ તપસ્યા કરવા આવીને વસી ગયા હશે.

‘ રેઇનબો પોઇન્ટ”. .સપ્ત રંગી મેઘધનુષ તો જોયું પરંતુ પથ્થરોની સપ્તરંગી દુનિયા ય હોઇ શકે એ તો બ્રાયસ નેશનલ પાર્કના રેઇનબો પોઇંટ પર જઇને ના જોયું હોય તો કલ્પના પણ ન કરીએ. દૂર દેખાતા આસમાની રંગમાં ભળી જતો લીલોતરીનો લીલોછમ રંગ અને સૂર્યના પ્રકાશની આભા ઝીલતા આછા લાલ પીળા અને કેસરી રંગના પથ્થરો અને એની ખાંચમાં ન પહોંચતા પ્રકાશના લીધે ઓછપાયેલો નીલો રંગ. એકમેકમાં ભળીને ઇન્દ્રધનુષી રંગ પકડતા હતા.

એક એક પોંઇન્ટ પર કંઇક નવલા રૂપ ધારણ કરીને શાનથી ઉભેલા ખડકો એટલા તો બોલકા લાગતા હતા કે કુદરતની આ કમાલ માટે દિલથી આફરીન પોકારી જવાય.

બ્રાયસ નેશનલ પાર્કના વિઝિટર સેન્ટર પર પહોંચો એટલે તમને સંપૂર્ણ માર્ગદર્શિકા મળી રહે. જો અહીં ફરવા માટે પોતાના અંગત વાહનનો ઉપયોગ ન કરવો હોય તો શટલની સગવડ છે જ. હોપ એન્ડ હોપના નામે ઓળખાતી શટલ દરેક પોંઇન્ટ પર તમને ઉતારે. તમારે જેટલો સમય ત્યાં ગાળવો હોય એટલો સમય તમે ત્યાં રોકાઇ શકો. પાછળ આવતી કોઇપણ શટલમાં ફરી આગળ જઈ શકાય છે.

આર્ચી નેશનલ પાર્ક અને બ્રાયસ નેશનલ પાર્કમાં ફરવા માટેનો ઉત્તમ સમય છે મે થી સપ્ટેમ્બર. જો કે આ સમય
દરમ્યાન અહીં સખત ગરમી તો હોવાની જ એટલે માથે કેપ કે સ્કાર્ફ અને પાણી અથવા કોઇપણ પીણા સાથે રાખવા અત્યંત જરૂરી છે. કોઇપણ નેશનલ પાર્કમાં ખાવાની કોઇ સગવડ નથી એટલે સાથે ખાદ્ય સામગ્રી પણ રાખવી એટલી જ જરૂરી છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

25630478 - Copy

November 18, 2017 at 9:17 pm

લાજવાબ-સાન ફ્રાન્સિસ્કો (યુ.એસ.એ)

સાન ફ્રાન્સિસ્કો…

Downtown San fransisco

૧૭૭૬ની ૨૯મી જુનનો એ દિવસ હતો જ્યારે સ્પેનિશ કોલોનિસ્ટ ( સ્પેનના વસાહતી)ઓ આવ્યા અને એક નવા શહેરને સાન ફ્રાન્સિસ્કોના નામની ઓળખ આપી અને જોત જોતામાં તો એ એના ઝડપી વિકાસને લઈને અમેરિકાના વેસ્ટ કોર્સનું સૌથી મોટા શહેરમાંનું એક બની ગયું અને એની જનસંખ્યાને ધ્યાનમાં લઈને એ એક સંયુક્ત શહેર કે પરગણાની હરોળમાં આવી ગયું. ૧૯૦૬માં આવેલા ભૂકંપે આ શહેરને ઘણું બધુ નુકશાન પહોંચાડ્યુ પરંતુ અમેરિકાની આ તો ખાસિયત છે. એને ફરી ઉભા થતા ઝાઝો  સમય નથી લાગતો. એક સમય હતો જ્યારે સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાનું સૌથી મહત્વનું શહેર ગણાતુ. આજે કેલિફોર્નિયામાં લોસ એન્જલસ, સાન ડિયાગો, સાન હોઝે પછી સાન ફ્રાન્સિસ્કોનું નામ લેવાય છે પરંતુ હજુ ય આજે આ સાન ફ્રાન્સિસ્કોની જાહોજલાલી જરાય ઓછી થઈ નથી. સાન ફ્રાન્સિસ્કો નોર્ધન કેલિફોર્નિયાનું કલ્ચરલ, કમર્શિયલ અને ફાયન્સિયલ સેન્ટર ગણાય છે.. આવા આ સાનફ્રાન્સિસ્કોની આજે આપણે વાત કરવી છે. અને સાન ફ્રાન્સિસ્કોની વાત કરીએ ત્યારે એ માત્ર એક નામ નથી રહેતું પણ એના આસપાસના વિસ્તારને પણ આવરી લઈએ તો જોવા-જાણવાનું ઘણુ બધું છે.

કોઇપણ જગ્યાએ જઇને જોઇએ તો ત્યાં ક્યાં તો એ પહાડી એરિયા હશે, ક્યાં તો ખીણ હશે અથવા તો દરિયા કિનારો હશે. પરંતુ સાન ફ્રાન્સિસ્કોની એ જ તો મઝા છે કે અહીં પહાડ પાણી અને ખીણ એ સૌનો સમન્વય છે અને તદુપરાંત એ ચોમેર ધુમ્મસથી છવાયેલું હોય છે. ક્યારે અને ક્યાંથી આ ધુમ્મસ ઉમટી આવે છે એનો જવાબ મેળવવા અહીંની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણકારી લેવી પડે પરંતુ ફરવા અને માણવાવાળા લોકો ભૌગોલિક પરિસ્થિતિ વિશે ઊંડાણમાં જવાના બદલે માણવાનું ઝાઝું રાખે છે કારણકે એ કુદરત છે અને કુદરત વિશે મંથન કરવા કરતા એને માણી લેવામાં જ મઝા છે.

આગળ જણાવ્યું તેમ સાન ફ્રાન્સિસ્કોને જોડાઇને આવેલા સાન હોઝેના સાન્ટાના રૉથી અમારી ફરવાની શરૂઆત થઈ. કોઇને પણ યુવાન બનાવી દે એવા માહોલમાં સ્વભાવિક છે કે યુવાનોની મસ્તી જરા વધુ જ ખીલી ઉઠે. સીધા રસ્તાની બંને બાજુ બ્રાન્ડેડ શૉ રૂમ અને અલગ અલગ વરાઇટી ધરાવતી રેસ્ટોરન્ટ વીક એન્ડમાં તો જાણે ઉભરાઇ જાય એટલી ચહલ-પહલ જોવા મળે. વીક એન્ડ ન હોય તો પણ સરસ મઝાના સ્માર્ટ ડ્રેસીંગમાં ફરતા લોકોને જોઇને એટલું તો સમજાય કે અહીં આવનાર કેવા શોખીન હોઇ શકે. સાંજ પડે ક્યાંક ફ્રોઝન યોગર્ટ કે આઇસ્ક્રીમ પાર્લરની બહાર બેન્ડ પર ઝૂમતા લોકોની મસ્તી પણ માણવા જેવી ખરી.

સાન ફ્રાન્સિસ્કો નામ લેતાની સાથે એક ભવ્ય “ગોલ્ડન ગેટ”ની તસ્વીર નજર સામે આવી તો જાય જ કારણકે એ નામ આ શહેર સાથે જ્યારથી એની રચના થઈ ત્યારથી જોડાયું છે. ન્યુયોર્કના બ્રુકલીન બ્રીજની જેમ આ ગોલ્ડન ગેટ આ શહેરની ઓળખ છે. સૌથી વધુ એટલે કે ૧.૭ માઇલની લંબાઇ ધરાવતા આ સસ્પેન્સન બ્રીજ પરથી કહેવાય છે કે લગભગ રોજના ૧૨૦,૦૦૦ વાહનોની અવર-જવર થતી હોય છે.  છ લેઇન ધરાવતા આ બ્રીજની બંને બાજુ નિરાંત જીવે પેડસ્ટ્રીયન વોક પર ચાલનારા અને બાઇસિકલ લઈને ફરનારા પણ  જોયા. સડસડાટ વહેતા ટ્રાફિક સાથે પણ આ નિરાંત એટલા માટે હોય છે કે બ્રીજના આ વહેતા ટ્રાફિક અને વોક વચ્ચે સલામતીની રેલીંગ છે. આ બ્રીજ જોઇને સૌથી પહેલા મનમાં સવાલ ઉઠે કે બ્રીજનો રંગ તો નારંગી જેવો દેખાય છે તો એને ગોલ્ડન બ્રીજ કેમ કહેતા હશે ? વાત સાચી છે મનમાં સોનેરી રંગના બ્રીજને જોવાની કલ્પના કરી હોય અને કંઇક જુદુ જ જોવા મળે પણ સાંજે સૂર્યાસ્ત સમયે અને રાત્રે ઝળહળ થતી લાઇટોમાં એની આભા જુદી જ હોય છે.

Golden Gate

સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના મરિન કાઉન્ટીના અને ગોલ્ડન ગેટની ઉત્તરે આવેલા સોસિલિટોનો બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન શિપ બિલ્ડીંગ કેન્દ્ર તરીકે વિકાસ થયો. વર્તમાન સમયમાં સોસિલિટોની ગણતરી શહેરના ઔદ્યોગિક , ધનિક અને કલાત્મક વિસ્તાર તરીકે થાય છે. સોસિલિટોનું લોકેશન એવી રીતે છે કે ગોલ્ડન બ્રીજ પરથી આવતો ટ્રાફિક અને સાન ફ્રાન્સિસ્કોની ફેરી સર્વીસના લીધે અહીં સંખ્યાબંધ પ્રવાસીઓનો ધસારો રહે છે. આ ધસારો રહેવાનું બીજુ કારણ એ પણ છે કે અહીં પબ્લીક પાર્ક, વિશાળ પ્લે ગ્રાઉન્ડની સાથે બીચ પણ એટલા જ મનોરમ્ય છે. પણ સૌથી મોટું આકર્ષણ છે અહીંના હાઉસ બોટ. સિસોલિટોમાં લગભગ ૪૦૦થી વધુ હાઉસ બોટ હોવાની ગણતરી મુકાય છે . આ હાઉસબોટ એના વૈવિધ્યના લીધે પણ લોકચાહના પામી છે.

સિસોલિટો જેવો જ બીચ ધરાવતી બીજી જગ્યા છે ફિશર મેન’સ વ્હાર્ફ. ઇટાલિયન ઇમિગ્રન્ટ માછીમારો આવ્યા અને અહીં . ફિશર મેન’સ વ્હાર્ફમાં સ્થાયી થયા. અહીંના પિઅર ૩૯, કેનરી શોપીંગ સેન્ટર, ગિરાડેલિ સ્કેવરની મુલાકાત તો આવશ્યક છે જ.

હવે જ્યારે ગિરાડેલિ સ્કેવરનું નામ આવે એટલે વિશ્વ વિખ્યાત ગિરાડેલિ ચોકલેટ કે આઇસ્ક્રીમનો સ્વાદ લીધા વગર અહીંથી જવાય જ કેમ? ગિરાડેલી ચોકલેટ ફેક્ટરીમાં ચોકલેટ બનાવવા માટેની પ્રોસેસ જોવા મળી. કોકોના બિયાને દળીને ઓગાળીને ચોકલેટ લિકર અથવા અનસ્વીટન્ડ ચોકલેટના ફોર્મમાં ઢાળવામાં આવે અને તેમાં ચોકલેટ લિકરને મિલ્ક પાવડર, ખાંડ , વેનિલા અને કોકો બટરમાં ભેળવીને અલગ અલગ ટેસ્ટ પ્રમાણે ચોકલેટના સ્વરૂપમાં પેક કરવામાં આવે છે. અહીંનો આઇસ્ક્રીમ પણ એટલો જ યમ્મી…..ગિરાડેલિનો આઇસ્ક્રીમ ખાવા તો લાઇનમાં ઉભા રહેવાનું અને એ ચોકલેટ શોપના કોમ્પેક્ટ ,ક્લમ્ઝી, ક્રાઉડી શોપમાં પણ બેસવાનું મંજૂર ભલેને પછી એની બહાર જ સરસ મઝાનો મનને તરોતાજા કરી દે એવો ફુવારો તમારી રાહ ન જોતો હોય!

યુ.એસ. ના તમામ શહેરોની જાન અને શાન સમા ડાઉન ટાઉન એરિયાની મુલાકાત ન લીધી હોય તો એ શહેરની મુલાકાત અધુરી જ કહેવાય પણ એ સિવાય એવું ઘણું બધું છે જે સાન ફ્રાન્સિસ્કોની આસપાસમાં જ જોવા મળી જાય.

સેવન્ટીન માઇલ ડ્રાઇવ…. સાન ફ્રાન્સિસ્કો જ ખુબ રળીયામણું અને હરિયાળુ શહેર છે પણ આ સેવન્ટીન માઇલ ડ્રાઇવના નામે ઓળખાતો આખો રસ્તો તો એનાથી પણ વધુ હરિયાળો અને રળીયામણો છે. એક બાજુ નિલવર્ણા દરિયો અને બીજી બાજુ લીલાછમ વૃક્ષો. સાચે જ ડ્રાઇવ કરવાનો જરાય કંટાળો ન આવે કે ન થાક લાગે. સાઇપ્રસ પોઇન્ટ, બર્ડ રોક, પોઇન્ટ જૉ, પિકાડેરો પોઇન્ટ , સીલ પોઇન્ટ- દરેક પોઇન્ટનું આગવું આકર્ષણ. બર્ડ રોક પર અસંખ્ય પંખીઓ કલશોર કરતા હોય તો સીલ પોઇન્ટ પર અઢળક સીલ આળસુની જેમ ફેલાયેલી પડી હોય.  દરિયાનો બીચ એટલે રેતાળ જગ્યાની કલ્પના કરી હોય તો અહીં એનાથી અલગ દ્રશ્ય જોવા મળે. અહીં પેબલ બીચ પર ગોલ્ફના મેદાનો જોઇને મઝા પડી ગઈ. આગળ વધતા સાઇપ્રસ પોઇન્ટ ગોલ્ફ કોર્સ અને પેબલ બીચ ગોલ્ફ કોર્સની વચ્ચે જાણે કશાજ કારણ વગર લોકોને ઉભેલા જોયા. કુતૂહલ તો થવાનું જ.કારમાંથી ઉતરીને જોયું તો પત્થર કોરીને ઉગી નિકળેલું, હવા અને પાણીથી થપાટો ઝીલીને પણ અડીખમ ઉભેલું ૨૫૦ વર્ષ જુનું ઝાડ. કુદરતે બિછાવેલા મનોહર સેવન્ટીન માઇલ ડ્રાઇવ સુધી પહોંચવાના એક પ્રવેશદ્વાર જેવા કાર્મેલથી બહાર નિકળતા કાર્મેલના ડાઉન ટાઉનની ઉપર છલ્લી મુલાકાત થઈ. નાનકડા અમસ્તા આ ડાઉન ટાઉનમાં પણ ટોપ મોસ્ટ નામ ધરાવતી શોપ જોઇને  અહીં ખરીદી કરનારની હેસિયતનો અંદાજો જ લગાવાવાનો રહ્યો.

એક અઠવાડીયુ પણ ઓછું પડે એટલી મુલાકાત લઇ શકાય એવી જગ્યાઓ અહીં છે. અત્યાર સુધી કુદરતની કૃપા તો જોઇ પણ કુદરતના કરિશ્મા જેવી એક જગ્યા એટલે મિસ્ટરી સ્પોટ. સાચે જ કુદરતે અહીં એની કમાલ દેખાડી છે. ગુરુત્વાકર્ષણથી વિરૂદ્ધ અનુભૂતિ થઇ. અહીં જાણે ગુરુત્વાકર્ષણનું બળ અસર જ નથી કરતું. ત્રાંસા ઉભા કરેલા લાકડાના પાટીયા પરથી બોલ રગડાવવામાં આવે કે પાણી રેડવામાં આવે તો એ પાટીયાની નીચે તરફ ઢળતી દિશામાં રેલાવાના બદલે પાટીયાની ઉપરની તરફ પરત થાય . આ તો નજરે ન જોયું હોય ત્યાં સુધી માનવામાંજ ન આવે એવી વાત છે ખરું ને? લાકડાના એક સીધા પાટીયા પર બે અલગ ઊંચાઇ ધરાવતી વ્યક્તિને ઉભા રાખવામાં આવે તો સ્વભાવિક છે કે જેની ઊંચાઇ વધારે છે એ જ વ્યક્તિ ઊંચી દેખાવાની પરંતુ જો બંનેની ઉભા રહેવાની જગ્યા અરસ-પરસ બદલી નાખવામાં આવે તો તાજ્જુબીની વાત એ લાગશે કે જગ્યા બદલવાના લીધે નીચી વ્યક્તિ ઊંચી વ્યક્તિ કરતા ઊંચી દેખાય છે. અહીં ઊંચા ઊંચા ઝાડ વચ્ચે એક લાકડાની કેબિન ઉભી કરવામાં આવી છે. આ કેબિનમાં પ્રવેશ કરીએ તો જાતને જાળવવી મુશ્કેલ પડે એમ આપણે એક તરફ ખેંચાઇ જઇએ છીએ. ઉભા રહીએ તો પણ જાણે ગુરુત્વાકર્ષણનું બળ આપણને જમીન તરફ નહીં પણ બીજી બાજુએ આપણને ખેંચી ના રહ્યું હોય. સર આઇઝેક ન્યૂટન અહીં આવ્યા હોત કદાચ ગુરુત્વાકર્ષણના બળ વિશે કોઇ જુદી જ સમજૂતી આપી હોત. આને કોઇ ગુરુત્વાકર્ષણશૂન્યતા કહે છે કોઇ દ્રષ્ટિભ્રમ પણ કહે છે તો કોઇ એને માનવબુદ્ધિથી પરે ગૂઢ બાબત કહે છે તો કોઇ એને ઇરાદાપૂર્વક સર્જેલી રચના કહે છે. પરંતુ એક નિશ્ચિત બાબત છે કે કહેવા સાંભળવા કરતા આ જાત અનુભવની વાત તો છે જ.

હાફ મૂન બૅ..

Ritz_HalfMoonBay_3

સાન ફ્રાન્સિસ્કો બૅ એરિયા તરીકે ઓળખાય છે કારણકે અહીં જ્યાં જ્યાં નજર આપણી ઠરે નિલવર્ણો સાગર નજરે પડે એવી રીતે લગભગ ચોમેર પેસિફિક મહાસાગર એને આવરી રહ્યો છે. સાન ફ્રાન્સિસ્કોની દક્ષિણે લગભગ ૨૫ માઇલ દૂર હાફ મૂન બૅ જવાનો પ્લાન થયો એની સાથે એક સજેશન આવ્યું હાફ મૂન બૅ જવું હોય તો રિટ્ઝ કાર્લ્ટનથી જ એને જોવાય. આમ તો બૅ એરિયા હોય એટલે જુદા જુદા અનેક પોઇન્ટ પરથી અનેક અલગ અલગ વ્યૂ મળી જાય પરંતુ સાચે જ અહીં આવીને જોયું તો રિટ્ઝ કાર્લ્ટનના પ્રવેશદ્વારથી માંડીને એના સમગ્ર એરિયાની ભવ્યતામાં હાફ મૂન બૅ બીચ થકી તો ચાર ચાંદ લાગી ગયા છે. હાફ મૂન બૅ ના વ્યાપક રેતાળ દરિયા કિનારે જરા જરા ગરમીની શરૂઆત થાય એટલે સન બાથ, ફિશિંગ અને પિકનિક માટે ઉમટેલા લોકો નજરે પડવાના જ પરંતુ એપ્રિલનો આ સમય એવો હતો કે હજુ ઠંડી એનો ચમકારો દેખાડી દેતી હતી. રિટ્ઝ કાર્લ્ટને એની સાગર સન્મુખ જગ્યાનો ખુબ સુંદર ઉપયોગ કર્યો છે. સરસ મઝાની બેઠકો વચ્ચે એકદમ હુંફાળા બની જવાય એવી રીતે તાપણા ગોઠવ્યા છે. દરિયા પરથી આવતી ઠંડી લહેરોને સહ્ય બનાવી દે એવી ગોઠવણના લીધે અહીં બેસીને સમી સાંજે આથમતા સૂર્ય પ્રકાશના સોનેરી કિરણોને નિલવર્ણા પાણીમાં ઓગળી જતા જોવાનો લ્હાવો ય અનેરો હતો.

એક અઠવાડીયું રહો તો પણ ઓછું પડે એવા સાન ફ્રાન્સિસ્કો શહેરમાં કોસ્મોપોલિટન પબ્લીક તો જોવા મળી જ જાય .પરંતુ કહે છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વશે ગુજરાત. એવી રીતે સાન ફ્રાન્સિસ્કોમાં પણ અનેક ગુજરાતીઓ વશે છે અને જ્યાં ગુજરાતી હોય ત્યાં દેવસ્થાનો પણ હોવાના જ. અહીં પણ સ્વામિનારાયણ મંદિર. હવેલી, જૈન દેરાસર તો છે જ જે શહેરની વચ્ચે જોયા પરંતુ શહેરથી જરા વેગળું કહી શકાય એવું  માઉન્ટ મડોના પર હનુમાજીનું મંદિર જોયુ. વાતાવરણમાં સતત ગુંજતા રહેતા મંત્રોચાર અને હનુમાનજીના ભક્તિ સભર ગીત-સંગીતના લીધે એ સ્થળ જરા વિશેષ લાગી રહ્યું હતું. દૂર દેખાતા ભુરા આસમાન નીચે આસમાની સાગર અને ચોમેર લીલીછમ ઘટાટોપ ઝાડીની વચ્ચે મંદિરમાં સિંદુરીયા રંગથી રંગાયેલા હનુમાનજીની પ્રતિમા શોભી રહી હતી. અહીં મેડીટેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે.

સાન ફ્રાન્સિસ્કોની આબોહવા સામાન્ય રીતે ઠંડકવાળી છે પરંતુ એકદમ ઠંડી પણ નથી હોતી. તેની ત્રણ બાજુ દરિયો હોવાથી તાપમાન મોટા ભાગે સામાન્ય રહેતું હોય છે. પરંતુ ફરવા માટેનો ઉત્તમ સમય મે, જૂન, જુલાઇ અને ઓગષ્ટ ગણાય છે.

અહીં ફરવા માટે જો તમારી પાસે પોતાની કાર હોય તો તે સર્વ શ્રેષ્ઠ નહીં તો બધે હોય છે એમ સિટી ટુર લઈ શકાય છે. હોપ એન્ડ હોપ સૌથી મઝાની ટુર કહી શકાય. જ્યારે જે જગ્યાએ ઉતરવું હોય ત્યાં ઉતરો, જ્યાં સુધી ફરવું હોય ત્યાં ફરો અને પાછળ આવતી બીજી હોપ એન્ડ હોપમાં ગોઠવાઇને આગળ વધો. એક બીજી સવલિયત છે ડક ટુરની. તે સિવાય બસ, કેબલ કાર અને ટ્રોલી પણ સાન ફ્રાન્સિસ્કોમાં ફરવા માટે મળી રહે છે. અને જો હાઉસ બોટમાં રહેવું હોય તો પણ નો પ્રોબ્લેમ. હાઉસ બોટ સુધી લઈ જવા માટે નાની અમસ્તી બોટ તો તૈયાર જ છે. જેની જેવી મરજી સાન ફ્રાન્સિસ્કો તો પ્રવાસીઓને આવકારવા દરેક રીતે તૈયાર જ છે.

આર્ટિકલ  ૯ મે ૨૦૧૫ નવગુજરાત સમય માં પ્રગટ થયો.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

May 12, 2015 at 1:58 pm 1 comment

મોહમયી નગરી: દુબઈ

 

Dubai 1

યુ એ ઇ…યુનાટેડ અરબ એમિરાતનું પાટનગર ભલે અબુધાબી હોય, ક્રિકેટની દુનિયા ભલે શારજાહામાં વિકસી હોય કે વિસ્તરી હોય પરંતુ એમિરાતનું હાર્દ કહો કે હાર્ટ એવા દુબાઇમાં જ જાણે એમિરાતની અમિરાઇ સમાઇ ગઈ હોય એવી સોનાની નગરી , સપનાની નગરી, ઝગમઝ જાહોજલાલી ધરાવતી નગરી જોવા જાણવા માણવા અને મન ધરાઇ જાય તેમ છતાં ન ખુટે એવો શોપિંગનો ખજાનો લઈને બેઠેલી આ નગરીની એકવાર તો મુલાકાત લેવાનું કદાચ સૌ શોખીનોનું સપનું હશે જ. આ વાત માત્ર કહેવા પુરતી જ નથી દુબઇને “પર્લ ઓફ અરેબિયન ગલ્ફ” તરિકે ઓળખવામાં પણ આવે જ છે.

 

દુબઈને ભલે પર્લ ઓફ અરેબિયન ગલ્ફ કહેવામાં આવે પરંતુ મુળ તો સુકો રણ પ્રદેશ જ ને એટલે દુબઈ ફરવા માટેની ઉત્તમ સીઝન નવેમ્બર-ડિસેમ્બર થી લઈને વધુમાં વધુ ફેબ્રુઆરી-માર્ચ. પરંતુ વર્ષની શરૂઆતમાં “દુબઈ ફેસ્ટીવલ” યોજાતો હોવાથી દેશ-વિદેશના લોકોનો ધસારો આ સમયે વધુ રહે એ સ્વભાવિક જ હોય ને! આ સમયે ગોલ્ડ ફેસ્ટીવલમાં ૫ કિ.મી લાંબી સોનાની ચેઇન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. સોનાના ભાવમાં ઝાઝો ફરક ન હોવા છતાં અહીંના સોનાની શુધ્ધતાને લીધે જ અહીં ખરીદી કરવાનું મન થાય એ સ્વભાવિક છે.

 

અમદાવાદથી લગભગ અઢી કલાકની સફર પુરી કરીને એમિરાતની ફ્લાઇટ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારથી જ અદ્યતન દુબઇની ઝાંખી થવા માંડી હતી. અત્યંત વિશાળ અને તેમ છતાં અત્યંત વ્યવસ્થિત એરપોર્ટ પર દુનિયાભરની શ્રેષ્ઠ બ્રાન્ડ નેમ ધરાવતી ડ્યુટી ફ્રી શોપ્સ તરત એવી રીતે નજરે પડે કે કશું લેવું હોય કે ન હોય મન અને પગ એકવાર તો એ ભણી ખેંચાય જ. દુનિયાભરના સર્વોત્તમ ઍપ્લાયન્સીસ અને  ઍક્સેસરિસ , પરફ્યુમ્સ , ચોકલેટ્સ , સ્વોરોસ્કી થી માંડીને સુંદર આભુષણ ધરાવતી નાની અમસ્તી નગરી જ જોઇ લો. એરપોર્ટ પર સ્મોક ઝોન પણ છે અને પ્રેયર રૂમ પણ. અદ્યતન આલિશાન એરપોર્ટ પર પગ મુકતાની સાથે જ બપોરની આઝાને અમને આવકાર્યા.

 

દુબઈ પ્રવાસ માટે સામાન્ય રીતે સૌના મનમાં એમ જ હોય કે અગાઉથી એના માટે વિઝા લેવો પડે અને

ફરવા માટે પણ અગાઉ થી પ્લાનીંગ કરવુ જોઇએ પરંતુ સાવ એમ પણ નથી દુબઈ એરપોર્ટ પર ઉતરીને પણ એડવાન્સ પ્લાનીંગ વગર પણ દુબઈ ફરી શકાય છે કારણકે દુબઈની આબાદીમાં ટુરીસ્ટનો પણ ફાળો મહત્વનો છે એટલે ટુરીસ્ટને સાચવાની અને ફરવાની સવલિયત એરપોર્ટ પરથી જ કરી આપવામાં આવે છે. એરપોર્ટ પર ઉતરીને ઓન એરાઇવલ એક દિવસથી લઈને ચાર દિવસના વિઝાથી માંડીને હોટલ એકોમોડેશન અને દુબઈ ટુરની વ્યવસ્થા એરપોર્ટ પરથી જ થઇ જાય છે. ચાર કલાકથી લઈને આઠ કલાકની હોપ એન્ડ હોપ લેવી હોય કે પ્રાઇવેટ ટેક્સી કરીને ફરવું હોય તો એની પણ વ્યવસ્થા એરપોર્ટ પરથી થઈ જાય છે. ડેઝર્ટ સફારી લેવી છે નો પ્રોબ્લેમ .. તમારી અનુકૂળતા અને ઇચ્છા પ્રમાણે ફરવાની સગવડ અહીંથી જ થઈ જાય છે.

 

વિઝાથીં માંડીને જે ટુર અમારે લેવી હતી એની લગભગ કલાકની પ્રોસિજર પતાવીને બહાર નિકળ્યા ત્યારે અરેબિયન એડવેન્ચરની કાર અમારી રાહ જોતી તૈયાર જ હતી. મઝાની વાત તો એ છે કે દુબઈમાં જેટલું અરેબિક ભાષાનું પ્રભુત્વ હશે એટલું જ હિન્દીનું વર્ચસ્વ છે.

પર્સિયન ગલ્ફના સાઉથ-ઇસ્ટ કિનારે વસેલા દુબઇની દક્ષિણે અબુ ધાબી અને ઉત્તર-પૂર્વિય દિશાએ શારજાહની બોર્ડર પસાર થાય છે.  ૮૦ થી ૧૦૦ કે ૧૨૦ કિ.મી ની સ્પીડે લેફ્ટ હેન્ડ ડ્રાઇવ કાર ચાલતી હોવા છતાં ક્યાંય એની સ્પીડ વર્તાય નહી એટલી સરળતાથી જાણે પાણીના રેલાની જેમ ટ્રાફિક વહે જતો હતો અને સાથે શૉફરની વાણી અસ્ખલિત વહે જતી હતી. જાણે ડ્રાઇવિંગની સાથે ગાઈડની જવાબદારી પણ એને સોંપાઇ હોય એમ રસ્તા પરથી પસાર થતા દરેક એરિયાની ઓળખ અને સમજ આપતા જતા હતા. ડેઇરાને ચાતરીને આગળ જતા એક તરફ શારજહા અને બીજી તરફ દુબઈનો રસ્તો જતો હતો.

શરૂઆત થઇ વિશ્વના સૌથી ઊંચા “બુર્જ ખલિફા”થી. દુબઈના મુખ્ય બિઝનેસ ડિસ્ટ્રીક્ટ નજીકના શેખ ઝાયેદ રોડ પર આવેલી આ ઇમારતનું બાંધકામ ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૪ માં શરૂ થયુ અને ૪ જાન્યુઆરી ૨૦૧૦માં એને સત્તાવાર રીતે ખુલ્લી મુકવામાં આવી.  ૮૨૮ મીટર અને ૨૦૦ માળ ધરાવતા આ ટાવરમાં ૫૭ જેટલા એલિવેટર ( લિફ્ટ) છે. આશરે કલાકની ૪૨.૩ કિ.મી ઝડપે ઉપર જતા એલિવેટરમાં જાણે પલક ઝપકે ને ક્યાંથી ક્યાં પહોંચી ગયાની અનુભૂતિ થાય. બુર્જ ખલિફાની મુલાકાત સાંજના સમયે લેવામાં આવે તો ઢળતી સાંજની આથમતી રોશની વચ્ચે ધીમેધીમે ઝળહળ થઇને રોશન થતા દુબઇનો નઝારો જોવાનો બેવડો મોકો મળે. “At the top”ની આ ઍલિવેટર શરૂ થતાની આજુબાજુ મુકેલા સ્ક્રીન પર આ ઇમારતનો ઇતિહાસ દર્શાવાવામાં આવે છે. આશરે ૪૫ સેકન્ડમાં ૧૨૪મા માળની ઑબ્ઝવેટરી ડેક પર પહોંચી જવાનો રોમાંચ કેવો હોઇ શકે? કલ્પના કરી જુવો………

બુર્જ ખલિફા જોઇને આગળ વધીને મરીના ડ્રાઇવ તરફ આગળ વધ્યા. વચ્ચે વચ્ચે આવતા અવનવી ડિઝાઇનના બિલ્ડીંગ પણ એટલા જ રસપ્રદ લાગ્યા. એક આખા સ્કેવર બિલ્ડીંગને તૈયાર કર્યા પછી જાણે મરોડીને ગોળ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો હોય એવી ડીઝાઇન જોઇને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ટેક્નોલૉજીને સલામ કરવાનું મન થઈ ગયું.

મરીના ડ્રાઇવ વોક જોઇને જાણે લંડનના કેનરી વૉફની યાદ આવી ગઈ. જો કે એને કેનેરી વૉફની અતિ મીની આવૃત્તિ જ કહેવાય. આજુબાજુ રેસ્ટોરન્ટ અને વચ્ચે ફેરી લઈને સમય પસાર કરી શકાય એવા આ મરીના ડ્રાઇવની આસપાસના બિલ્ડીંગ પણ એકબીજાની હરિફાઇમાં ઉતર્યા હોય એવા ગગનચુંબી જ હતા.

 

 

burj

આવું જ એક ટોર્ચ જેવો દેખાવ ધરાવતા બહુમાળી બિલ્ડીંગ પર નજર ગઈ. સ્વભાવિક જાણવાની ઉત્સુકતા તો થવાની જ. દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ ધરાવતા આ રેસિડેન્શિયલ ટાવરનું નામ પણ “ધ ટોર્ચ” જ છે. કહે છે કે આધુનિકતાનો પાસ ચઢાવેલા ૮૬ માળ ધરાવતા આ  બિલ્ડીંગના અપાર્ટમેન્ટ્સની ડીઝાઇન એવી રીતે કરવામાં આવી છે જ્યાં મોકળાશ , મસ્તી અને મનમાં કલ્પી હોય એવી તમામ માનસિક શારીરિક સુવિધાનો સમન્વય સર્જાયો છે.

 

એરપોર્ટથી લગભગ ૩૦ મિનિટના ડ્રાઇવે પસાર થતા આવે મદિના જુમૈરાહ રિઝોર્ટ. દુબઈનો ૫ સ્ટાર લક્ઝુરિયસ રિસોર્ટ. ટ્રેડિશનલ અરેબિયન ટાઉનને મળતી આવતી બાંધણી ધરાવતો આ રિઝોર્ટ એમિરાતનો સૌથી મોટો રિઝોર્ટ ગણાય છે. અલ કેસર અને મીના એ”સલામ નામના બે બુટીક, ૨૯ સમર હાઉસ અને ૪૦ જેટલી રેસ્ટોરન્ટ અને બાર ધરાવતા આ રિઝોર્ટ થી આગળ વધો એટલે નજરે પડે વાઇલ્ડ વડી વોટર પાર્ક.

 

દુબઈનો આ આઉટ ડોર વાઇલ્ડ વડી વોટર પાર્ક જુમૈરાહ ઇન્ટરનેશનલ દ્વારા સંચાલિત છે. ગરમ-ઠંડા પાણીના આ પુલમાં મલ્ટિપલ વોટર સ્લાઇડ્સની મઝા માણી શકાય છે.

 

કાર જેમ જેમ આગળ વધતી જાય એમ એમ અજાયબીઓની વણઝાર પણ વધતી જાય. અચાનક કોઇ સરસ મઝા હરિયાળીની બિછાત પાછળની વિશાળ જગ્યા તરફ આંગળી ચીંધતા ડ્રાઇવર બોલે , “આ કિંગ નો પેલેસ” કદાચ ન બોલે અને નજર પડે તોય અમસ્તી મનની કલ્પનામાં કિંગનો પેલેસ ઝબકી તો જાય ય જ.

ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ , એમિરાત ટાવર ,જેડ બ્લુ મેરિયેટ હોટેલ , બુર્જ અલ અરેબિક ટાવર .. કેટ કેટલા નામ ગણાવવા ? ઉચ્ચતાની કહો કે શ્રેષ્ઠતા સાબિત કરવાની  હોડમાં ઉતર્યા હોય એવા એકમેકથી ચઢિયાતા નામ અને બિલ્ડીંગ જ જાણે દુબઈની શાન બની રહ્યા છે અને દુબઈ એમાં દર બે-ચાર વર્ષે અવનવા આકર્ષણ ઉમેરતું જ જાય છે.

૩૯ માળ ધરાવતા, ૧૪૯ મીટર ઉંચા દુબઈ ટ્રેડ સેન્ટરમાં મોટા ભાગે  કમર્શિયલ ઓફીસો જ છે. ફેડરલ એક્સ્પ્રેસ , જનરલ મોટર્સ, જ્હોન્સન એન્ડ જ્હોન્સન , માસ્ટર કાર્ડ ઇન્ટરનેશનલ, સોનીની ઓફીસ……કેટલા નામ ગણાવવા?

પામ જુમૈરાહ..

ઓમાનના અખાત પર પામવૃક્ષના આકારમાં સર્જેલો આ ટાપુ તો જાણે શ્રેષ્ઠ માનવ સર્જન કહી શકાય. દરિયાને પુરીને વિકસાવેલો આ ટાપુ એટલે કે પામ જુમૈરાહની તસ્વીરો તો સૌએ જોઇ જ હશે. ઝાડનું થડ અને એની બંને બાજુ આઠ શાખાઓને એવી અર્ધ ચંદ્રાકારમાં બિછાવી છે જાણે લીલુછમ પામ ટ્રી જ જોઇ લો. આ માનવ સર્જીત ટાપુ પર હોટેલ્સ , રેસિડન્સ , રિસોર્ટાને વિલા છે .પામ જુમૈરાહ ૧૪૦૦ જેટલા વિલા અને ૨૫૦૦થી વધુ એપાર્ટમેન્ટ ધરાવે છે અને કહેવાય છે કે અહીંના દરેક નિવાસને પોતાનો પ્રાઇવેટ બીચ મળે છે. આ ટાપુના એક અંતિમથી બીજા અંતિમ સુધી પહોંચવા માટે મોનોરેઇલની સુવિધા ઉપલબ્ધ છે જે ટ્રેન વિશ્વ વિખ્યાત “આટલાંટીસ હોટલ” સુધી જાય છે.

આ આટલાંટીસ એટલે પામ જુમૈરાહનું એક આગવું આકર્ષણ

આ એક એવું નામ કે જ્યાં નામ દેતાની સાથે જ એક ભવ્યાતિભવ્ય ઇમારતની કલ્પના તરત જ મનમાં ઝબકી જાય. પામ જુમૈરાહની અણી પર આવેલા આ એટ્લાંટિસની સરખામણી સહેજે બહામાઝના એટ્લાંટિસ સાથે થઈ જ જાય કારણકે લગભગ એવી જ સામ્યતા ધરાવતા આ એટ્લાંટિસને પણ આધુનિકતાનો એવો જ પાસ ચઢાવવામાં આવ્યો છે. ફરક એટલો હતો કે બહામાઝ ના એટલાંટિસમાં કેસિનો જોયો હતો એ અહીં જોવામાં ન આવ્યો. વિશાળ કદના રૂમ જેવી સાઇઝ ધરાવતું એક્વેરિયમ ,૧૨ જેટલી વોટર સ્લાઇડ ધરાવતો વોટર પાર્ક, ડોલ્ફીન બે, સ્પા- ફિટનેસ સેન્ટર , મીટિંગ રૂમ , કોન્ફરન્સ હોલ , ૨૦ જેટલી રેસ્ટોરન્ટ્સ વચ્ચે  સરસ મઝાના ડેકોરેટીવ પેસેજ ….

આટલું આકર્ષણ ઓછું હોય એમ  પસાર થતા વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષને આવકારવા ૩૧ ડીસેમ્બરની મધરાતે અને પહેલી જાન્યુઆરીના આગમન સમયે પામ જુમૈરાહ , આટલાંટીસ ,બુર્જ ખલિફા ,બુર્જ અલ અરબ ખાતે અદ્ભભૂત આતશબાજી યોજીને વધુ ને વધુ પ્રવાસીઓ ને આકર્ષિત કરવામાં આવે છે.

 

નામ તો એક ઓળખ માટે જ છે. એવું માનનારા લોકોની માન્યતા બદલાઇ જાય એવી શાનો-શૌકત ધરાવતા બુર્જ અલ અરબ ટાવરના નામથી આજે કોણ અજાણ હશે? દુનિયામાં ઊચાઇની દ્રષ્ટીએ ત્રીજુ સ્થાન ધરાવતી સેવન સ્ટાર લક્ઝરી હોટલ જુમૈરાહના માનવ સર્જીત આઇલેન્ડ પર એની બુલંદીની આલબેલ સમી ઉભી છે. દુરથી જોઇએ તો જહાજના વિશાળ સઢ જેવો એનો આકાર છે. કલ્પનાતિત ચાર્જા લેતી આ હોટલમાં એના ક્લાયંટ્સ માટે જાણે દુનિયાભરના એશો-આરામ ઉભા કરવામાં આવ્યા છે.

એરપોર્ટથી નિકળીને દુબઈના આ તમામ સુપ્રસિધ્ધ સ્થળોની મુલાકાત લેવાની શરૂ થાય ત્યારે સૌથી પહેલા તો આવતો હતો દુબઈ મોલ. પરંતુ દિવસ કરતાં રાત્રે વધુ રસપ્રદ હોવાથી આ દુબઈ મોલની મુલાકાત લીધી પ્રવાસના અંતિમ ચરણે. દુબઈ મૉલના મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ અને આગળ વધતા રસ્તા સુધી સળંગ પામ ટ્રીને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે જેનાથી આ મૉલનો બાહ્ય દેખાવ પણ ઝગમગ અને ઝળહળ..

મૉલ હવે કોઇ નવી-નવાઇની વાત તો રહી નથી. અદ્યતન અને બ્રાન્ડેડ નામ ધરાવતા શો રૂમ જ્યાં એક જ સ્થળેથી મળી રહે એવું વિચારીએ એટલે નજર અને કલ્પના સામે ભવ્ય મૉલની આપોઆપ ઇમેજ ઉભી થાય તો પછી આ દુબઈ મૉલમાં નવું શું છે?

આમ જોવા જાવ તો કંઇ જ નહીં અને તેમ છતાં અપાર અને અઢળક આઇટમો ધરાવતો આ મૉલ જગતનો સૌથી મોટો મૉલ છે. ફરતા થાકી જવાય અને તેમ છતાં કશુંક તો બાકી રહી જાય એવા આ મૉલમાં ૧૨૦૦ જેટલી શોપ્સ છે. દુનિયાની સૌથી મોટી કેન્ડી શોપ પણ આ મૉલમાં જોવા મળી.

દુનિયાનું સૌથી મોટું સોની બજાર પણ આ મૉલમાં છે. જર-ઝવેરાતનો ખજાનો હોય એવા આ શો રૂમ્સ જ કદાચ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે બાકી બીજા એવા અનેક બ્રાન્ડેડ નામ છે જે દુનિયાના બીજા મૉલમાં પણ મળી જાય. લગભગ ૨૫૦ રૂમ ધરાવતી લક્ઝરી હોટલ, ૧૨૦ રેસ્ટોરન્ટ અને કોફી શોપ્સ ,૨૨ સિનેમા સ્ક્રીન હોવા એ પણ કદાચ સમજી શકાય એવી વાત છે પરંતુ અહીંના એક્વેરિયમ અને ડિસ્કવરી સેન્ટરે દુબઈ મૉલને અનોખી ઓળખ આપી છે. કહે છે કે આ એક્વેરિયમ અને ડિસ્કવરી સેન્ટરની મૉલના ઉદઘાટનના પ્રથમ પાંચ દિવસમાં જ લગભગ ૬૦,૦૦૦ ટિકીટ વેચાવાનો રેકોર્ડ ધરાવે છે.

દુબઇ મૉલનું એક્વેરિયમ અને હજારોની સંખ્યામાં રહેલા જળચર પ્રાણીથી ભરેલું અન્ડર વોટર ઝૂ જ જાણે મુલાકાતીઓને અહીં ખેંચી લાવે છે. ૧૦ મિલિયન લિટર પાણીથી ભરેલા આ એક્વેરિયમ અને ૩૩,૦૦૦ જેટલા દરિયાઇ જીવોની તાકાતને ખમી શકે એવા ૭૫૦ એમ.એમ થીકનેસ ધરાવતી એક્રેલિક દિવાલ હોવા છતાં એની પારદર્શકતા એવી છે કે મુલાકાતીઓને એકદમ ક્લિયર વ્યુ મળે છે.

એક્વેરિયમની બાજુમાં જ એને લગતા પેકેજ મુકેલા છે. અન્ડર વૉટર ઝૂ ,બોટીંગ કે સ્નોર્કલિંગ કરવું હોય તો એ પ્રમાણે પેકજ લઈ શકાય છે.

આ ઉપરાંત દુબઈ મૉલની આઇસ રિંક પણ સહુને આકર્ષે છે. રણ વચ્ચે વસેલા દુબઈમાં આઇસ રિંક ? યસ, ૧.૫ ઇંચની ઘટ્ટતા ધરાવતી આ આઇસ રિંક રેફ્રિજરેશન પ્લાન્ટ ટેક્નોલૉજીની દેન છે. ૨,૦૦૦ જેટલી વ્યક્તિઓને સમાવી શકે એવી આ આઇસ રિંક્ને ઑલમ્પિક સાઇઝની આઇસ રિંક જ કહી શકાય ને? અહીં કશું  નાનુ છે જ નહી.દરેક વાતમાં “સૌથી મોટુ” એ જ અહીંની સાચી ઓળખ છે.

અહીં  જાણે સૌથી મોટાથી ઓછું કશું ખપતું જ નથી  “ દુનિયાનો સૌથી મોટું” નામ ધરાવતા મૉલની અંદર ફરી લો ત્યાં બહાર પણ તમારા માટે “દુનિયાનો સૌથી મોટો” દુબઈ ફાઉન્ટન શૉ શરૂ થવાની તૈયારીમાં જ હોય. દર અડધા કલાકે શરૂ થતો આ મ્યુઝીકલ ફાઉન્ટન શો ઊંચાઇની દ્રષ્ટીએ ૧૫૦ મીટરની ઊંચાઇને આંબે ત્યારે ૬,૦૦૦ જેટલી પાવરફુલ લાઇટ્સ અને ૫૦ જેટલા કલર એને ઉજ્જ્વલિત કરતા હોય એ જોવા તો નાના ભુલકાથી માંડીને વયસ્ક લોકો પણ થંભી જતા હોય છે.

ખજૂર અહીંની મુખ્ય પેદાશ છે એટલે એરપોર્ટની માંડીને મૉલમાં પણ એની અનેક વિવિધતા જોવા મળી. ખજૂર ઉપરાંત બકલાવા નામથી ઓળખાતી સાઉદીની મિઠાઇ પણ માણવા જેવી ખરી. નેચરલ મિઠાશમાં મધનો ઉપયોગ કરીને બનાવેલ બકલાવા તો વાહ વાહ!

દુબઈમાં ફરવા માટે હોપ એન્ડ હોપ , પ્રાઇવેટ ટેક્સી અને મેટ્રો ટ્રેનની સગવડ છે ઇન્ટરનેનલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવની ફાવટ હોય તો સેલ્ફ ડ્રીવન કાર પણ કરી શકાય. લાંબુ રોકાણ હોય તો બસ , ટ્રેન ના અલગ અલગ અને સંયુક્ત વન-ડે , સેવન ડે પાસ પણ કઢાવી શકાય.

દુબઈમાં દિરહામનું ચલણ છે. એક દિરહામ એટલે ભારતિય ૧૬ રૂપિયા.

સાઉદી અરેબિયા રૂઢીચુસ્ત દેશ છે. જદ્દાહ રિયાધ કે બીજા શહેરોમાં સ્રીઓ માટે અબાયો ( બુરખો) ફરજીયાત હશે પરંતુ અહીં દુબઈમાં પુરૂષોને એમના પરંપરાગત આખુ શરીર ઢંકાય એવા સફેદ ઝભ્ભામાં જોયા પરંતુ અહીંના સ્થાયી સ્ત્રીઓને એવા કોઇ અબાયા ( બુરખા)માં જોઇ નહીં . દુનિયાભરના લોકો અહીં પ્રવાસે આવતા હોવાથી અદ્યતન ફેશનના લિબાસમાં રૂપકડી લલનાઓને જોઇ ત્યારે તો સાચે એમ લાગ્યું કે દુબઈને ભૌતિક રીતે જ માત્ર અદ્યતન કહેવા કરતા વિચારો કે પરંપરાથી પણ અદ્યતન કહી શકાય.

jumeirah-emirates-towers-exterior-image-hero

 

http://navgujaratsamay.indiatimes.com/navgujarat-samay-supplementaries-gujarati-columnist/femina-in-gujarati/Dubai-is-the-heart-of-UAE/articleshow/46559096.cms

March 14, 2015 at 10:10 pm 3 comments

રમણીય અને અનોખો ૧૦૦૦ આઇલેન્ડ

૧૦૦૦ આઇલેન્ડ BoldtCastle_aerial

શબ્દોના બદલે આંકડામાં લખાતુ  ૧૦૦૦ આઇલેન્ડ નામ સાંભળીને નવાઇ લાગે છે ને? કોઇ એક મોટા આઇલેન્ડના બદલે નાના નાના અને તદ્દન નજીક નજીક પણ છુટા છવાયા આઇલેન્ડનો સમૂહ એટલે આ ૧૦૦૦ આઇલેન્ડ. સેન્ટ લૉરેન્સ રિવર અને લેક ઓન્ટારિયોના પૂર્વીય કિનારે આવેલો આ પ્રદેશ ઇન્ટરનેશનલ ટુરિઝમનું આકર્ષણ છે. કેનેડા તરફ  કિંગસ્ટનથી કોર્નવૉલ સુધી અને યુ એસ તરફ ઓસ્વાગો થી મેસન સુધી ફેલાયેલ આ ૧૦૦૦ આઇલેન્ડ  ટુરિસ્ટ સેન્ટર હોવા ઉપરાંત પોતાનો ઇતિહાસ અને આગવી સંસ્કૃતિ ધરાવે છે.

કેનેડા સાઇડથી ઓન્ટારિયોના  નાયગ્રા ફોલથી  કિંગસ્ટન સુધીનો  લગભગ ૪૦૦ કિલોમીટરનો ચારથી પાંચ કલાકનો ડ્રાઇવ અત્યંત આરામદાયી અને મઝાનો છે. (( કેનેડામાં કિલોમીટરમાં અંતર મપાય છે.) વળી વચ્ચે પસાર થતા ટોરેન્ટોને પણ ઉપરછલ્લુ જોઇ શકાય.યુ એસ અને કેનેડા બંને તરફ નાયગ્રાના ધોધમાર પ્રવાહને માણીને થાઉઝન્ડ આઇલેન્ડ પહોંચો તો તદ્દન અલગ અનુભૂતિ થાય. મનને પ્રફુલ્લિત કરી દે એવુ શાંત રમણીય વાતાવરણ અને ચારે બાજુ ભુરા આસમાનની ઝાંય ઝીલતા હોય એવા ભુરા સ્વચ્છ પાણી વચ્ચે ઘેરાયેલી આ જગ્યા, ચોગમ વેરાયેલી લીલીછમ વનરાજી વચ્ચે વસતુ આ શહેર અને જાણે ક્યાંય જવાની કશે જ પહોંચવાની કોઇ ઉતાવળ જ ન હોય એવા શહેરવાસીઓ. જીવનની રફ્તાર સાથે તાલ મેળવવા સમય સાથે દોડતા હશે એવા પ્રવાસીઓ પણ અહીં આવીને નિરાંત અનુભવતા હશે.

જો કે આ નિરાંતની વાત અત્યારે સહેલાઇથી કરી શકાય એમ છે બાકી પહેલા આ  વિસ્તાર પર ચાંચિયા અને બૂટલેગરની હકૂમત હતી. આ એક ભૂતકાળ હતો વર્તમાન કહે છે કે વિઝિટર્સ માટે મુક્ત મને મહાલવા માટે  લાઇટ હાઉસ , હિસ્ટોરિક કેસલ ,મેરિ ટાઇમ મ્યુઝીયમ, ફિશિંગ ,ડાઇવિંગ અને ડાઉન ટાઉનમા વાર-તહેવારે શોપિંગ એટલે ૧૦૦૦ આઇલેન્ડની સફળ સફર.

અત્યારના ૧૦૦૦ આઇલેન્ડ માટે સ્થાનિક લોકોએ નામ આપ્યુ છે ” ગાર્ડન ઓફ ધ ગ્રેટ સ્પિરિટ”. કાશ્મીર માટે કહેવાતુ કે  જો ધરતી પર સ્વર્ગ હોય તો એ અહીં જ છે એમ અહીંના વતનીઓના મતે જો પૃથ્વી પરની સૌથી સુંદર જગ્યા હોય તો એ આ પાણી અને પર્વતોનો બનેલો આ ભવ્ય ગાર્ડન ૧૦૦૦ આઇલેન્ડ જ છે. અહીંનું વાતારવણ એક અલાયદી તાજગી આપે એવું છે. આ તો થઈ ત્યાંના રહેવાસીઓની વાત પણ પ્રવાસીઓ માટે પણ આ નઝારો માણવો હોય તો શું? કારણકે ૧૦૦૦ આઇલેન્ડનું  સાચું ચિત્ર દૂર બેસીને કે વાત કરવાથી મળે એમ છે જ નહીં. એને જોવા કે જાણવા માટે કિંગસ્ટનમાં ક્રૉફર્ડ વૉર્ફથી લગભગ ત્રણ કલાકની ફેરી લઈ થાઉઝન્ડ આઇલેન્ડની સહેલ લેવી જ પડે.

એકવાર ફેરીની સફર શરૂ થાય એટલે આગળ જણાવ્યુ એમ નજર પહોંચે ત્યાં સુધી  ચોગમ પર્વતોની હારમાળા વચ્ચે પથરાયેલું પાણી જ જોવા મળે. ક્યારેક વિચાર આવે કે જમીન અને ક્ષિતિજને એક થતા જોયા છે પણ પાણી અને પર્વતને એક થતા જોવા હોય તો આવી જ કોઇ જગ્યાએ જવું પડે. ચારેબાજુ નાના નાના આઇલેન્ડ વચ્ચે ફેરી સરતી જાય એમ ખરેખર આ ૧૦૦૦ આઇલેન્ડ શું છે એનો ચિતાર આવે.

island2

સૌથી મઝાની વાત તો એ છે કે આ થાઉઝન્ડ આઇલેન્ડમાં સ્વ માલિકી ધરાવતા નિવાસીઓના પણ આઇલેન્ડ છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલા આઇલેન્ડ પર માત્ર પોતાનું જ સરસ મઝાનું ઘર હોય એવી કલ્પના ક્યારેય કરી જોઇ છે? અને ક્યારેક પણ જો આવી કલ્પના કરી હોય તો એને સાકાર થતી અહીં જોઇ શકાય. આવા અનેક આઇલેન્ડના છુટા છવાયા ઝુમખામાંથી પસંદગી પ્રમાણે ઘર બાંધીને રહેવાનુ, ક્યારેક મન થાય તો આપણે રસ્તા પર ટહેલવા નિકળીએ એમ વળી પાછી એ નાનુ મઝાનું હોડકું લઈને આમ તેમ સહેલ કરી લેવાની. જીવન જરૂરિયાની ચીજ વસ્તુ માટે નાની અમસ્તી બોટ લઈને તટ સુધી જવાનુ  અને પછી તો રોડ વે થી ધારો ત્યાં ફરો..આ બધું જ અહીં ૧૦૦૦ આઇલેન્ડ પર જોવા મળ્યુ. અહીં વસતા પરિવારના બાળકોની પણ રમત કંઇક જુદી જ હશે ને! સ્વીમીંગ , સેઇલીંગ અને ફિશીંગ તો કદાચ એમના માટે રમતવાત હશે. કિંગસ્ટનની કોઇપણ ક્રુઝમાં ૧૦૦૦ આઇલેન્ડ અંગે સતત માહિતી પિરસવામાં આવે છે. મનને મોહી લે એવી અદભૂત જગ્યાઓ સાથે એના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે તો માહિતી આપવવામાં આવે જ છે સાથે સાથે કેનેડાના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર અને અહીંના વતની સર જ્હોન મેકડૉનાલ્ડ વિશે પણ જણવતા જાય. આમ આ ફેરીની ત્રણ કલાકની સફર ૧૦૦૦ આઇલેન્ડની સાચી ઓળખ કરાવે.

kingston_63_568817391

પણ કહેવાય છે ને કે દરેક સમયે જે દેખાય એ કાયમનું જ સત્ય નથી હોતુ. આ શાંત સુંદર રમણીય સ્થળ પણ ક્યારેક એવી તંગદિલ વાતાવરણ વચ્ચે ઘેરાયેલુ હતુ. ૧૮૧૨માં અહીંના લડાઇના સમયે એટલા માટે જ તો વધારાની કિલ્લેબંધી અહીં રચાઇ.અત્યારે જો તમે કિંગસ્ટનના ફોર્ટ હેન્રીની મુલાકાત લો તો ત્યાં તમને ૧૯મી સદીનો સમય સચવાયેલો દેખાશે. કિલ્લાની બહાર દૂર સુધી શાંત પાણી ઉપર સરકતી સહેલાણીઓની નાની મોટી બોટ જોવા મળે  અને કિલ્લા ઉપર ગોઠવાયેલી તોપ એક અલગ ચિતાર આપે. આ તોપના નાળચા જોઇને આપણે સ્વભાવિક જે કલ્પના કરી હોય એના બદલે કિલ્લાની અંદર જઈએ તો વળી કંઇક નવુ જ કુતૂહલ રાહ જોતુ હોય. સોવિનીયર શોપ ,આલ્કોહોલ શોપ તો જોઇ સાથે પાર્ટી માટે ખાણીપીણીના ટેબલો પણ જોયા. ટુંકમાં પહેલાના સમયની કિલ્લેબંધી હાલમાં પાર્ટી કે પબ્લીક પ્લેસ થઈ ગયેલી જોઇ. હજુ તો આ બદલાવ જોઇએ જાણીએ ત્યાં સુધીમાં તો લંડનના બકિંગહામ પેલેસની બહાર ઉભેલા હોય એવી રીતે ડ્રેસઅપ થયેલા ગાર્ડસ આવીને ગોઠવાવા લાગ્યા. બકિંગહામ પેલસની બહાર સવાર સાંજ જે ચેન્જીંગ ઓફ ગાર્ડ સેરેમની જોવા મળે છે એવી ઢબની પરેડ અહીં જોવા મળશે એવા આશયથી સૌ રાહ જોતા ગોઠવાયા ત્યાં એ બકિંગહામ પેલેસની પરેડની પૅરડી જેવી  સેરેમની જોવા મળી. આમ તો સામાન્ય રીતે  લોકો ફોર્ટ હેન્રીની સનસેટ સેરેમની જોવા ખાસ વિઝિટ કરતા હોય છે કારણકે આ સમયે ફોર્ટ હેન્રીના ગાર્ડસની ફાઇફ ( વાંસળી જેવુ વાદ્ય) , ડ્રમ સાથે મિલેટરી ડ્રીલ હોય છે અને આતશબાજી પણ થતી હોય છે. આ ડ્રીલ લંડનની પરેડ કરતા જરા અલગ છે. મઝાની વાત તો એ છે કે કિંગસ્ટન વર્તમાનમાં ૧૯૦૦ની સદીની આ કિલ્લેબંધીના જતનને અનુલક્ષીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં માન્યતા પામ્યુ છે.

ફોર્ટ હેન્રી જેવુ બીજુ સ્થળ રૉયલ મિલિટરી કોલેજ. ૧૮૭૬માં શરૂ થયેલી આ કોલેજનું કેમ્પસ ખુબ વિશાળ અને ભવ્ય છે.  કિંગસ્ટન ડાઉન ટાઉનના પૂર્વ તરફ પોઇન્ટ ફ્રેડરિક પર આવેલી આ કોલેજનું  જેટલુ ઐતિહાસિક મહત્વ છે  એટલું જ આ સ્થાન રમણીય પણ એટલુ છે.  સમી સાંજે એ ભવ્ય કોલેજની મુલાકાત એક યાદગાર સ્મરણ બની રહ્યું.

આ તો છે કિંગસ્ટનની વન ડે મુલાકાત.

કિંગસ્ટન પહોંચવા માટે કેનેડા તેમજ ન્યુયોર્ક બંને તરફથી  જઈ શકાય છે. રોડ વૅ ઉપરાંત ઓન્ટારિયો અને ન્યુયોર્ક બંને તરફથી એર સર્વીસ પણ મળી રહે છે.  જેવી રીતે ૧૦૦૦ આઇલેન્ડમાં રોકાણ માટે ઓન લાઇન બુકિંગ કરાવી શકાય છે એવી જ રીતે ક્રુઝનું પણ અગાઉથી ઓન લાઇન બુકિંગ કરાવી શકાય છે.

અને હા ! ફરવા ઉપરાંત ખાવાના શોખીનો માટે પણ ૧૦૦૦ આઇલેન્ડ ડ્રેસીંગ જાણીતુ નામ છે કારણકે આ ડ્રેસીંગનું નામ પણ ૧૦૦૦ આઇલેન્ડ પરથી આપવામાં આવ્યુ છે.

આ લેખ નવગુજરાત સમયમાં નવેમ્બર ૮/ ૨૦૧૪ ના રોજ પ્રસિધ્ધ થયો.

http://epaper.navgujaratsamay.com/epaperimages//08112014//08112014-md-fe-11.pdf

Rajul shah
http://www.rajul54.wordpress.com

November 9, 2014 at 3:48 am

એટલાંટિક ઓશનનો અદ્‌ભુત આઈલેન્ડ-માર્થા”ઝ વિન્યર્ડ

MarthasVineyardCarRental.jpg-5

બરાક ઓબામા, રોનાલ્ડ રેગન, જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન આ બધા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ છે એ એક એમની સૌથી મોટી સામ્યતા હોવા ઉપરાંત આ સૌમાં બીજી એક નાનકડી સામ્યતા છે એમના ઉનાળુ શોર્ટ ટર્મ વેકેશનની પસંદગી અને એ છે યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુએટ્સના કેપ કોડની દક્ષિણે આવેલી સાધનસંપન્ન અને સમૃધ્ધ સમર કોલોની માર્થા”સ વિન્યર્ડ .

પ્રેસિડેન્ટ્સ માટે ઉનાળાનું શોર્ટ ટર્મ વેકેશન હોય ,પ્રવાસીઓ માટે લોંગ વીક એન્ડ હોય કે વન ડે ટ્રીપ હોય માર્થા”સ વિન્યર્ડ દરેક રીતે માફક આવતો આઇલેન્ડ છે. હવે આઇલેન્ડનું નામ પડે એટલે એની ચોગમ અફાટ દરિયો તો હોવાનો જ એ સ્વભાવિક છે.આટલાંટીક ઓશનની જળરાશીથી ઘેરાયેલો આ આઇલેન્ડ લગભગ ૨૬૦ કિલોમીટર લંબાઇ ધરાવે છે .વિશાળતાની દ્રષ્ટી યુનાઇટેડ સ્ટેટ્સમાં ૫૮મા સ્થાને આવેલો આ આઇલેન્ડ જમીન રસ્તે કોઇ જગ્યાએથી બ્રીજ કે ટનલ સાથે જોડાયેલો નથી.

માર્થા”સ વિન્યર્ડ જવા માટે મેસેચ્યુએટ્સના વૂડસ હોલ, ફેલ્માઉથ, ન્યુ બેડફોર્ડ, હાયોનિસ અને રોડ આઇલેન્ડ તેમજ વીક એન્ડમાં ન્યુયોર્ક થી ફેરી લેવી જ અનુકૂળ રહે છે અથવા તો બોસ્ટન , હાયોનિસ , ન્યુ બેડફર્ડ, પ્રોવિન્સ કે ન્યુયોર્કથી હવાઇમાર્ગ પસંદ કરવો પડે. એકવાર માર્થા”સ વિન્યર્ડ પહોંચો એ પછી તો તમારુ પોતાનુ ટ્રાન્સપોર્ટેશન એટલે કે  પોતાની કાર ન હોય તો ત્યાં ફરવા માટે હોપ એન્ડ હોપ સર્વીસ તો હોય જ છે.

આ બધુ જાણ્યા પછી એક સવાલ મનમાં ઉદભવે કે જો માર્થા”સ વિન્યર્ડ જવા માટે કોઇ રોડ માર્ગ ન હોય તો ત્યાં પોતાની કારમાં ફરવુ કેવી રીતે ? મઝાની વાત એ છે કે અગાઉથી બુકીંગ મેળવી લીધુ હોય તો ડેસ્ટીનેશન પર પહોંચવા માટે ઉપડતી ફેરીમાં તમને તમારી કાર પાર્કીંગની સવલિયત મળી જ જાય .

સવારે  છ વાગ્યાથી શરૂ થતી ફેરી સર્વીસ મોડી સાંજ સુધી થોડા થોડા સમયના અંતરે મળી રહે છે. વહેલી સવારના કુણા તડકામાં પાણી પર ઝીલમીલાતી બુંદો તો જાણે પાણીમાં આસમાનના ટ્વીંકલ ટ્વીંકલ શાઇનીંગ સ્ટાર ઉતરી આવ્યા હોય એવી અનુભૂતિ કરાવે. સરસ મઝાના ચળકતા તડકાનુ ઉષ્માથી સ્વાગત કરતી હોય એવી પાણીની લહેરો પર સરકતી ફેરી લગભગ ૪૫ મિનિટથી  એક કલાકે માર્થા”સ વિન્યર્ડ પહોંચે .

એકવાર માર્થા”સ વિન્યર્ડ પહોંચો એટલે તમારે કયા બીચ પર જવુ  છે એ તમારી પસંદગી પર નિર્ભર છે. અહીંના બીચ એકદમ સુરક્ષિત અને સ્વચ્છ જોયા. અહીં કેટલાક બીચ કોઇપણ જાતની રોકટોક વગર ફરી શકાય એવા અર્થાત આવનાર દરેક પ્રવાસી પબ્લીક માટે છે તો કેટલાક  અહીંના રહેવાસી અથવા તો બીચ પરના રિસોર્ટ પર રહેતા લોકો માટે રીઝર્વ છે.

માર્થા”સ વિન્યર્ડના જોવા માણવા લાયક બીચમાં નો એક બીચ સાઉથ બીચ ( કટામા)  છે જેનો સમાવેશ પ્રિસ્ટાઇન લોકેશનમાં થાય છે. પ્રિસ્ટાઇન એટલે કે જે સદીઓથી જેવુ હતુ એવુ જ યથાવત સાચવવામાં આવ્યુ હોય એવુ લોકેશન. એટલાંટીક ઓશનના પાણીની છોળોથી  જાણે સતત દળાઇને બારીક  રેશમ જેવી સુંવાળી થઈ ગઈ હોય એવી રેતીથી ચમકતો આ બીચ કહે છે કે વર્ષો પહેલા બીજા વિશ્વ યુધ્ધ  સમયે મિલિટ્રીની બરાક અને તોપખાનાથી ભરાયેલો રહેતો જે વર્તમાનમાં સહેલાણીઓનુ મનગમતુ લોકેશન બની રહ્યુ છે.

” ધ મેજેસ્ટિક ગે હેડ ક્લિફ ” જેના માટે કહેવાય છે એ એક્વિના બીચ પર જો સહેજ આથમતી સાંજ પહેલાના સમયે ઉભા રહેવાનો મોકો મળે તો ચોક્કસ તમને એમ થાય કે આ પ્રકૃતિ આખે આખી તમને ઘોળીને એનામાં સમાવી લે તો એ સાંજ સાર્થક બની જાય. સૂર્યના સોનેરી તડકામાં ચમકતી લીલીછમ ભેખડો હવે હિસ્ટોરિકલ સાઇટ બનતી જાય છે. બીચ પર મન મુકીને રમો , સ્વીમીંગ કરો કે ફિશિંગ કરો ,રેતીમાં વેરાયેલા છીપલા એકઠા કરો નો પ્રોબ્લેમ પણ આ ભેખડો પર ચઢવાની કે સોવિનિયર તરીકે એની માટી લેવાની અહીં પરવાનગી નથી. આપણા ગુજરાતીઓનું  ફિશિંગના નામથી જરા નાકનું ટીચકુ ચઢે પણ અહીંયા તો જેમ નાના બાળકોને હાથ પકડીને ડગ ભરતા  શિખવે કે સાઇકલ ચલાવતા શિખવવામાં આવે એમ બાળકોને ફિશિંગની ટ્રેઇનીંગ આપતા પરિવારો જોયા.
Marthas_Vineyard_Massachusetts1

એડ્ગરટાઉન લાઇટ હાઉસનુ નામ આ ગામના નામને આધારિત છે જે લગભગ મે થી ઓક્ટોબર સુધી પબ્લીક માટે ખુલ્લો રહે છે. જ્યાં આ આઇલેન્ડના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવે છે. આ સમય  દરમ્યાન સામાન્ય ફી લઈને લાઇટહાઉસની અંદર પ્રવેશ આપવામાં આવે છે અને એના લૅન્ટર્ન રૂમ નિહાળવાની તક મળે છે.

આ બીચ, આ લાઇટહાઉસ બધુ જ ખુબ સરસ, બધુ જ અત્યંત રમણીય તો છે જ તે ઉપરાંત  બચ્ચાપાર્ટીને માટે ય મઝા પડે એવો છે “ફ્લાઇંગ હોર્સ કેરેસોલ”. કહેવાય છે કે ૧૮૭૬થી શરૂ થયેલ આ દેશનો સૌથી જુનો પ્લેટફોર્મ કેરેસોલ છે જે યુ એસ ઇન્ટીરિયર ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત થયો છે. ૧૯૮૬માં માર્થા”સ વિન્યર્ડ પ્રિઝર્વેશન ટ્રસ્ટ દ્વારા એને અહીં લાવવામાં આવ્યો ત્યાં સુધી એ અસલમાં એ ન્યુયોર્કના કૉની આઇલેન્ડમાં હતો.

એકાકી અને અકલવાયુ જીવન જીવતા અમેરિકનો અહીં પોતપોતાની રીતે સમય પસાર કરવા આવતા હશે પણ એવા કેટલાય પરિવાર જોયા કે જે બાળકો સાથે અને બાળકો માટે પણ અહીં આવતા રહેતા અને મોજ માણતા , બાળકોને મઝા કરાવતા જોયા. ” આવા પરિવારો માટે “ફ્લાઇંગ હોર્સ કેરેસોલ”ની જેમ બાળકો માટેની રસપ્રદ જગ્યા છે જિંજરબ્રેડ કોટેજીસ . ૧ ૮૮૦ની સદીમાં મેથોડિસ્ટ કોમ્યુનિટિ દ્વારા બંધાયેલ આ જિંજરબ્રેડ કોટેજીસ સ્ટોરી લેન્ડ જેવા ભાસે છે. આકર્ષક રંગોથી રંગાયેલા  આ નાનકડા કોટેજીસનું  સુંદર ડેકોરેશન તો જાણે બોલકી પરીકથા. સરસ મઝાના પિંક, ગ્રીન, લેમન યલૉ કે પિસ્તા જેવા ફુડ કલરની ચાસણી બનાવીને  કોટેજીસને રંગ્યા હોય અને ઉપર જાણે આઇસીંગથી સુશોભિત કર્યા હોય એવા આ જિંજરબ્રેડ કોટેજીસ લાગે .

marthas-vineyard-base.jpg-6

માર્થા”સ વિન્યર્ડમાં સર્વ સામાન્ય રીતે જોવા મળે એના કરતા કંઇક નવુ ય જોવા મળે અને એ છે અહીંના ઍલ્પૅક .લાંબા વાળવાળા ઘેટા જેવું એક પ્રાણી (અલપાકા). આ આઇલેન્ડનું નામ જ અલ્પાકા. જો પ્રવાસીઓને રસ હોય તો અહીં ભરવાડ કે ગોવાળ જેવા એની દેખભાળ રાખનારા લોકોને મળીને ઍલ્પૅક વિશે ,એમના ઉછેર વિશે ,એમના સંવર્ધન વિશે વધુ જાણકારી મેળવી શકે છે.

આ સિવાય પણ કિડ્સ કેમ્પ અને ફેમિલી કેમ્પમાં બાઇકિંગ , રોપ ક્લાઇંબીંગ ,કયાકિંગ જેવા અવનવા આકર્ષણો તો જોવા મળે જ છે.

આ સૌ કરતા ચઢિયાતુ અને એક સાવ જ અનેરુ આકર્ષણ એટલે પૂનમની રાત્રે કયાકિંગ. આગ્રાનો તાજમહેલ પૂનમની રાત્રે જોવો  કે જબલપુરના ભેડાઘાટમાં પૂનમની રાત્રે આરસપહાણના ખડકો કોતરીને વચ્ચે વહેતી નર્મદામાં નૌકા સહેલ માણવી એ તો કદાચ સૌએ સાંભળ્યુ હશે પરંતુ  માર્થા”સ વિન્યર્ડ તો પૂનમની રાત્રે મૂનલાઇટ કયાક પેડલની મોજ માણવાની સવલિયત પણ પુરી પાડે છે. જુલાઇ અને ઓગસ્ટ મહિનાના પૂનમની રાતો રળીયામણી બનાવનારી આ ઓફર માટે પ્રિ રજીસ્ટ્રેશન જરૂરી છે. એડલ્ટના ૪૦ અને બાળકોના ૨૦ ડોલરની ફી ચુકવીને આ લ્હાવો લઈ શકાય છે. અલબત્ત પ્રકૃતિ તમારી સાથે હોય તો આટ્લાંટીક ઓશનના સ્થિર શાંત પાણીના અલગ પડતા બે રંગો પણ માણી શકો છો.

માર્થા”સ વિન્યર્ડ વિશે ઘણુ બધુ જોયા જાણ્યા પછી સૌના મનમાં એક સવાલ થાય કે વિન્યર્ડ નામ સાથે સંકળાયેલી આ જ્ગ્યાએ ક્યાંય દ્રાક્ષના બગીચા, દ્રાક્ષની ખેતી કે દ્રાક્ષમાંથી બનતા વાઇનની વાઇનરી વિશે તો એક પણ ઉલ્લેખ ન થયો ?

આજ સુધી વહેતી થયેલી વાતો મુજબ આ આઇલેન્ડનું નામ બાર્થાલોમ્યુ ગોસ્નોલ્ડ નામના બ્રિટિશરની નાનકડી દિકરી માર્થાના નામ પરથી આપવામાં આવ્યુ છે. ગોસ્નોલ્ડે ૧૬૦૨માં આવીને એક વ્યાપાર અર્થે  ટ્રેડીંગ પોસ્ટ સ્થાપી. અહીંથી એને દવા તરીકે વપરાતા સૅસફ્રૅસ નામના અમેરિકન વૃક્ષની છાલ એકઠી કરીને લઈ જવામાં રસ હતો. આ દરમ્યાન અહીંના સ્થાનિક સાથેની અથડામણના લીધે એને આ જગ્યા છોડી દેવી પડી પરંતુ એ પહેલા એણે આ આઇલેન્ડનું નામ એની દિકરી  માર્થાના નામ પરથી આપ્યુ હતું.

જ્યારે બીજી એક લોકોક્તિ પ્રમાણે અહીંનુ નામ માર્ટીન”સ વિન્યર્ડ પરથી છે. કહે છે કે આ માન્યતાને  આધારિત દસ્તાવેજ પણ સાંપડ્યા છે.તો વળી એક બીજી એવી માન્યતા પ્રમાણે માર્ટીન પ્રિન્ગ કે જેણે હાલના એડ્ગરટાઉન હાર્બરની ૧૬૦૫માં મુલાકાત લીધી હતી એની નામ પરથી છે.

જો કે હજુ સુધી માર્થા”સ વિન્યર્ડ નામ પાછળ કોઇ  ખાતરીબંધ કહી શકાય એવા પુરાવા પ્રાપ્ત નથી થયા. પણ એથી શું ? માર્થા”સ વિન્યર્ડની સુંદરતા એનાથી જરાય ઝાંખી તો નથી જ પડીને?
આ લેખ નવગુજરાત સમયમાં સપ્ટેમ્બર ૨૮/ ૨૦૧૪ ના રોજ પ્રસિધ્ધ થયો

October 6, 2014 at 1:43 pm

ભવ્ય જળરાશી અને પ્રકૃતિક સુંદરતા ધરાવતું ફિંગર લેક

Finger lake-1

અમેરિકા …આ એક એવો દેશ છે જ્યાં કુદરતે ખુલ્લા હાથે જળરાશી અને ચોગમ હરિયાળીની કૃપા વરસાવી છે. અમેરિકાના એક છેડાથી બીજા છેડાની વાત જવા દઈએ અને માત્ર એક સ્ટેટથી બીજા સ્ટેટ જવા માટે જો રોડમાર્ગે સફર કરીએ તો પણ આ સત્યની સાબિતી ઠેર ઠેર જોવા મળી જ રહે છે.
ફિંગર લેક …
અપ સ્ટેટ ન્યુયોર્કના આ ટુરિસ્ટ સેન્ટરને નકશા પર જોઇએ તો હાથના પંજાની છાપ –હાથની આંગળીઓ જેવા આકારમાં ફેલાયેલુ દેખાય. લેક ઓન્ટારિયો અને પેન્સિલ્વેનિયા વચ્ચે આવેલા લગભગ ૪૦ માઇલના ઘેરાવામાં ફેલાયેલા આ ફિંગર લેકના અગિયાર લેક સીરેક્યુસ, રોચેસ્ટર અને એલ્મિરા-કોર્નિંગના ત્રિકોણાકાર વચ્ચે પથરાયેલા છે. અમેરિકન ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ આ લેકના તમામ લેક અત્યંત પૌરાણિક અને નિસર્ગજન્ય છે. અહીં ક્યાંય કોઇ માનવીય હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. જ્યારે જિયૉલૉજી પણ એવી જ કંઇક માહિતી આપે છે. જ્યારે હિમયુગનો અંત આવ્યો ત્યારે મૂળ સ્થાનેથી ખસતી હિમનદીઓના આચ્છાદનમાં જાણે ભૂંગળીથી છિદ્રો પાડવામાં આવ્યા હોય અને એનાથી સર્જાયેલા પ્રચંડ પોલાણ એટલે માત્ર આ ફિંગર લેક જ નહીં પણ આ પ્રાંતમાં વહેતા સંખ્યાબંધ ભવ્ય વૉટરફોલ પણ ખરા .

પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધતા ઓટિસ્કો, સ્કેનિઆલ્સ , ઓવાસ્કો ,કાયુગા , સિનિકા , કેઉકા ,કેનન્ડિએગ્વા , હોનિયોય ,કેનેડિકા, હેમ્લોક ,કોનેસસ , કેસનોવિઆ લેક અને અસંખ્ય નાના મોટા વૉટર ફોલ્સ નજર ટુંકી પડે ત્યાં સુધી ફેલાયેલા છે. ફિંગર લેકની સફર એટલે આ અગિયાર લેકની આસપાસ મનને તરોતાજા કરી દે એટલી હદે છવાયેલી પ્રકૃતિની સફર.
કોઇપણ એક લેકના બે જુદા છેડાએથી પણ ઉભા રહીને જુવો તો કંઇક અલગ એની ભાત જોવા મળે.. કોઇપણ એક લેકની બંને દિશાઓ પણ તમને પ્રકૃતિની જુદી છાંટની ઓળખ કરાવે અને પાણીના જુદા જુદા શેડ્સ પણ બતાવી દે.
પ્રકૃતિની આ અલગ ભાતમાં એક સમાનતા સૌ લેક પર જોવા મળે અને એ લેકની જુદી જુદી રીતે મોજ માણતા સહેલાણીઓ. પેડલ બોટ, કયાકીંગ ,પૉન્ટૂન રાઇડ, વોટર સર્ફીંગ, વોટર સ્કુટર રાઇડ અથવા તો ક્રુઝ. જ્યાં જેનો જેવો રસ. ક્રુઝની મઝા માણવી હોય તો પણ એના માટે જુદા જુદા વિકલ્પો મળી રહે. કેનન્ડિએગ્વા કે કેયુગા જેવા લેકથી ઉપડતી ક્રુઝમાં પણ વાઇન ક્રુઝ, લેઝી આફ્ટરનૂન અથવા તો મોડી સાંજે ઉપડતી ડીનર ક્રુઝ લઈ શકાય. એમાં પણ જેનો જેવો મુડ.

લેકની રમણીયતામાં ઉમેરાય પાર્કની હરિયાળી. ખુલ્લી મોકળી જગ્યાઓમાં ફેલાયેલા આ પાર્કમાં પિકનિક એરિયા પણ પૂર્વ અને પશ્ચિમવાસીઓની પ્રકૃતિઓને અનુરૂપ હોય એવા. હરવા-ફરવા અને સાથે ખાવા-પીવાની સૌની એક સરખી જરૂરિયાતને અનુકુળ.
લેકની સાથે અહીંના વોટર ફોલ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ખરા.

ટુગેનોક ક્રીકનો એક ફોલ હિડન ફોલના નામથી ય ઓળખાય છે. કોતરમાંથી જાણે કોઇ એક મોટા ધોધનો અથવા તો નદીના ફાંટાનો ખંડિત ભાગ હોય એમ ધસમસતો આ ફોલ જ્યારે એના પાણીનુ લેવલ ઉંચુ હોય ત્યારે વધારે ઇફેક્ટીવ લાગે. પરંતુ કહે છે કે આ ફોલ જોવા માટેનો સૌથી ઉત્તમ સમય છે વિન્ટર. જો તમારામાં અપ નોર્થની ઠંડી સહન કરવાની તાકાત હોય , ગાત્રો ગળી જાય તેમ છતાં ત્યાં ઉભા રહેવાની તૈયારી હોય તો જ્યારે જામી ગયેલો સ્નો ઓગળવાની શરૂઆત થઈ હોય અથવા તો સ્પ્રિંગની શરૂઆતમાં એટલે કે પ્રકૃતિ વસંતના વધામણા લેવા આતુર હોય ત્યારે એકાદ જોરદાર વરસાદનું ઝાપટુ પડી ગયુ હોય અથવા તો ફોલ એટલે કે પાનખરની મોસમ જામી હોય ત્યારે બદલાતી હરિયાળીના રંગોની છટા વેરાયેલી હોય એની વચ્ચે જાણે ભુલો પડ્યો હોય એવો આ વૉટર ફોલ વધુ રળીયામણો લાગે છે.

વોટ્કિન્સ ગ્લેન-Watkin glane
સિનિકા લેકની દક્ષિણ ટોચે આવેલી વૉટ્કિન્સ ગ્લેન ફીંગર લેકના નજારા કરતા જરા જુદી રીતે માણવા જેવી જગ્યા છે. આ ગ્લેન માત્ર બે માઇલ લાંબી અને ૩૦૦ ફીટ ઉંડી છે. આ વૉટ્કિન્સ ગ્લેન પાર્કમાં કેમ્પગ્રાઉન્ડ અને વિશાળ પિકનિક એરિયા ઉપરાંત સ્વિમિંગ પૂલ હોવા છતાં એનુ સૌથી મોટુ આકર્ષણ તો એના વેલાની જેમ આગળ વધતી ટ્રેઇલ છે. આ ટ્રેઇલ અલબત્ત ઉખડ-બાખડ છે. ક્યાંક થોડા નાના પગથિયા ચઢો અને વચ્ચે નાની નાની ટનલ પણ આવે . અહીં વૉટ્કિન્સ ગ્લેનના પોતાના આગવા નાના વૉટર ફોલ છે. લગભગ ૮૦૦ જેટલા પગથિયા ચઢીને ઉપર જતા વચ્ચેથી જ સાંકડી કેડીએ થોડાક ઊંચાણથી પત્થર પર ફેંકાતા પાણીનો અવાજ અને એની ઉડતી શીકરનો આસ્વાદ લેતા ઉપર ચઢીએ ત્યાં જ ઉપર લાકડાનો ઝુલતો પુલ દેખાય એટલે સ્વભાવિક ત્યાં સુધી પહોંચવાનુ આકર્ષણ તો રહેવાનું જ.

લેક અને વૉટર ફોલ ઉપરાંત બીજુ આકર્ષણ છે અહીંની વાઇનરી. ફિંગર લેક એરિયા ન્યુયોર્ક સ્ટેટનો સૌથી વધુ વાઇન ઉત્તપન્ન કરતો પ્રાંત છે. અહીં સિનિકા, કેયુગા, કેન્ડિયગ્વા , કેયુકા લેકની આસપાસ લગભગ ૧૦૦ જેટલી વાઇનરી અને વિન્યાર્ડ્સ જોવા મળે છે. ચારેબાજુ લચી પડતા દ્રાક્ષના ઝુમખા અને હજુ તો નજર પહોંચે ત્યાં લેકની શરૂઆત મન પ્રફુલ્લિત કરી મુકે. અને એમાં ય જ્યારે રસિયાઓને નહીવત કહેવાય એવા ચાર્જ સાથે જો અવનવા આસવનો આસ્વાદ કરવા મળે તો? યસ, અહીંની કોઇપણ વાઇનરીમાં આ સગવડ તો ઉપલબ્ધ્ધ રહેવાની જ.

ચારેબાજુ પ્રકૃતિના સામ્રાજ્ય વચ્ચે અહીં બીજા કેટલાક એવા મુલાકાતના સ્થળો છે જ્યામ કોઇપણ પ્રવાસી ગયા વગર પાછો આવે તો એનો પ્રવાસ અધુરો જ ગણાય. આવી એક જગ્યા છે કોર્નેલ યુનિવર્સિટી. ઇથકા કૉલેજ ,ટોમ્પ્કિન્સ કોર્ટલેન્ડ કોમ્યુનિટી કોલેજ , ફિંગર લેક કોમ્યુનિટી કૉલેજ.

corning-museum-of-glass

અને બીજી એક એવી જગ્યા છે કૉર્નીંગ મ્યુઝીયમ ઓફ ગ્લાસ. કૉર્નીંગ વેરનુ નામ કોણે નહીં સાંભળ્યુ હોય. પહેલી જાન્યુઆરી , થેન્ક્સ ગીવીંગ ડે ,૨૪ અને ૨૫ ડીસેમ્બર સિવાય આખાય વર્ષ દરમ્યાન ખુલ્લા રહેતા આ મ્યુઝીયમમાં ઓછામાં ઓછા ૩ થી ચાર કલાક હોય તો જ એની આકર્ષક ગેલેરીની સેલ્ફ ગાઇડેડ ટુર પુરી થઈ શકે. આ ઉપરાંત અહીં કાચના સુંદર વાઝ કે લેમ્પ જેવી વસ્તુઓ બનાવવાનુ લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. કાચના આ વાઝ કે એવી કોઇપણ આઇટમ બનાવવાની પ્રક્રિયા જોઇએ તો જાણે કોઇ જાદુગર હેરતભર્યા ખેલ કરીને એકમાંથી બીજી જ કોઇ વસ્તુ આપણી આંખ સામે રજૂ કરે એવુ લાગે.કાચના નાનકડી સાઇઝના ગોળામાંથી એક મોટો તૈયાર થયેલો જાત જાતના શેડ ધરાવતો વાઝ કે ફ્લાવર પોટ તૈયાર થતો જાતે ન જોઇએ ત્યાં સુધી માત્ર સાંભળવાથી એની કલ્પના કરવી મુશ્કેલ છે.

corningmuseumofglass-૨

નાના બાળકોને પણ મઝા પડે એવી રીતે મેક યૉર ઓન ગ્લાસના (ગ્લાસ મેકીંગના) શોર્ટ ટર્મ ક્લાસની જાહોજલાલી પણ અહીં મળી રહે. કોર્નીંગ મ્યુઝીયમ પ્રવેશ માટે એડલ્ટના ૧૬ ડોલર , ૫૫ પ્લસ માટે ૧૩ ડોલર ફી છે જ્યારે ૧૯ વર્ષથી નીચેની વય ધરાવતા માટે ફ્રી એન્ટ્રી છે.

ફિંગર લેકમાં ફરવુ એ માત્ર એક દિવસની વાત નથી એટલે સ્વભાવિક રીતે સહેલાણીઓથી ઉભરાતા આ રમણીય સ્થાનમાં રહેવાની સગવડ તો જતા પહેલા જ કરવી પડે.અહીં લગભગ ૨૦૦ જેટલી હોટલ્સ અને મોટેલ્સની સગવડ તો છે જ તે ઉપરાંત જો તમારુ મોટુ ગ્રુપ હોય અને સાથે રહેવુ હોય તો નો પ્રોબ્લેમ ! બુક યોર ઑન હાઉસ. સરસ મઝાના રૂમ ,ડાઇનીંગ એરિયા ધરાવતા વિશાળ બંગલા પણ મળી રહે છે જ્યાં કીચનની પણ સગવડ હોય છે. અને જોવાની મઝા તો એ છે કે આવા હાઉસના બેકયાર્ડ ડેક પર બેસો તો નજર પહોંચે ત્યાં લીલોતરી , નજર પહોંચે એટલે દુર સુધી લેકનો વ્યુ ,આખા ય ઘરને ઝળહળા કરી મુકે એવો સૂર્યોદય અને આથમતા સૂર્યના રંગોની રંગોળી પણ મનને પ્રફુલ્લિત કરી મુકે.finger lake-3

આ લેખ નવગુજરાત સમયમાં ૨૩/ઓગસ્ટ ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયો.

http://epaper.navgujaratsamay.com/paper/9-11@9-23@08@2014-1001.html

August 29, 2014 at 8:38 pm 2 comments

પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું બહામા

 

The Clubhouse at Ocean Club Golf Course

જીવનની એકધારી ઘરેડ કે પરેડથી થાકીને માણસ ક્યાં જાય? પ્રકૃતિના ખોળે ? એ પછી ધરતીનો કોઇપણ પટ કેમ ના હોય ? કોતરો કે કંદરાઓ , ઉંચા ઉત્તુંગ પહાડો કે ઉંડી નીલવર્ણી અથાગ અને અફાટ જળરાશી? દરેકને પોતાની મનગમતી પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલી જગ્યાઓનુ ખેંચાણ રહ્યા જ કરે છે. આવુ જ એક નિલવર્ણી અફાટ જળરાશીથી ભરપૂર અને પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ નામ છે બહામા.

આટલાંટીક ઓશન ,કેરેબિયન સમુદ્ર અને ૭૦૦થી વધુ દ્વીપથી ઘેરાયેલો ફ્લોરિડાથી ૫૦ માઇલ દુર ઉષ્ણ હવામાન ધરાવતો , લગભગ ૭૬૦ માઇલ ( ૧,૨૨૩ કિલોમીટર ) ફેલાયેલો બહામા ટાપુ બીચ પ્રેમીઓ માટેનો એકદમ યોગ્ય બીચ છે. બહામાની રાજધાની નસાઉ ઉપરાંત ગ્રાન્ડ બહામા , એન્ડ્રોસ , કેટ આઇ લેન્ડ તેમજ સાલ્વાડોર જેવી માનવ વસ્તીથી ભરપૂર જાણીતી જગ્યા ઉપરાંત લગભગ બીજા એવા ૩૦ ટાપુઓ છે જ્યાં માનવ વસ્તીની શક્યતા નહીવત છે. સૌથી મઝાની વાત તો એ છે કે બહામામાં પ્રાકૃતિક સૌંદર્યને એમ જ યથાવત રાખવામાં આવ્યુ છે. જ્યાં માનવ સર્જીત મહાલયો હોય તો તમે એની મુલાકાત એક વાર લઈ શકો જ્યારે નિસર્ગની એક ખુબી છે કે એ દર વખતે નવા જ નઝારા સર્જી શકે છે એટલે અહીં આવનાર મુલાકાતી પ્રથમ વાર આવે કે વારંવાર દર વખતે બહામા સૌને એટલી જ તાજગી બક્ષે છે. બીચ પરથી હો કે ક્રુઝ ના અપર ડેક પર હો ઉગતા સૂરજની સોનેરી લાલિમા અને આથમતા સૂરજની એ નિલવર્ણા જળમાં ઢળતી ભળતી નારંગી રતાશ અને આસપાસ રચાતી રંગોની આભા મંત્રમુગ્ધ કરી દેનારી હોય છે.

૧૨ ઓક્ટોબર ૧૪૯૨માં કોલંબસે બહામાના સાન સાલ્વાડોર ટાપુ પર પદાર્પણ કર્યુ એ પછી ૧૭મી સદીથી બ્રિટિશ સલ્તનતે માનવ વસાહત માટેની દિશા વિક્સાવી પરંતુ ૧૮મી સદી સુધી તો આ અજાણી જગ્યા પર જાણે દરિયાઇ લુટારાનુ સામ્રાજ્ય હતુ, ૧૭૧૭ થી રાજ્ય અનુશાસિત બહામા ૧૦ જુલાઇ ૧૯૭૩થી સ્વતંત્ર બન્યુ.
એક સમયે દરિયાયી ચાંચિયા માટે સ્વર્ગ મનાતો બહામા આજકાલ પ્રવાસીઓ ની મનગમતી જગ્યા બની ગઈ છે જ્યાં ફીશીંગ , બોટીંગ ,સ્નોર્કલિંગ , સ્કુબા ડાઇવીંગ ,વોટર સ્કુટર રાઇડીંગ , પેરાસેઇલીંગ કરવાવાળા અને બેફિકર થઈને ગોરી ત્વચાને તામ્રવ્રર્ણી કરવા સૂર્ય સ્નાન કરના લોકોનો ધસારો વધવા માંડ્યો છે.

બહામાની રાજધાની નાસાઉ પ્રવાસીઓ માટેની સૌથી વધુ આકર્ષણ ધરાવતી જગ્યા છે. અને જેમ પ્રવાસીઓ વધે તેમ પ્રવાસધામ પણ વિકસતા જાય એવી રીતે આ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા સ્થાનો નો ઝગમગાટ વધતો જાય. મન મોહી લે એવા રિસોર્ટ, શોપિંગ સેન્ટર , રેસ્ટોરન્ટ ઉપરાંત મનોરંજન માટેના અવનવા આકર્ષણો ઉમેરાતા જાય. નસાઉના આટ્લાંટીસ ઉપરાંત કેબેજ બીચ, ગ્રાન્ડ બહામા, એન્ડ્રોઝ હાર્બર આઇલેન્ડ , બ્લુ લગૂન આઇ લેન્ડ, બિમિનિ, લ્યુસ્યન નેશનલ પાર્ક જેવા આકર્ષણ પણ છે જ્યાં પ્રવાસીઓ મન મુકીને વેકેશન માણી શકે છે.

Ocean Club Golf Course Hole #7, Peninsula

નાસાઉ
પ્રવાસીઓ માટે નાસાઉ એક એવી વિશાળ જગ્યા છે જ્યાં સમય પસાર કરવા માટે દિવસે સૂર્યના કિરણોમાં ચમકતી સુંવાળી રેતથી છાવાયેલો બીચ છે અને રાત્રે અનેકગણા પ્રકાશથી ઝળહળતી નાઇટ લાઇફ છે.જ્યારે આંતરરાષ્ટ્રીય સોદાગરો માટે નાસાઉ વિશ્વવ્યાપી બીઝનેસ સેન્ટર છે.

નાસાઉનો એટ્લાંટીસ રિસોર્ટ માત્ર કહી જોવા જ નહી પણ જાણવા માણવા લાયક રિસોર્ટ કહી શકાય. આટ્લાંટીસ રિસોર્ટ એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે જ્યાં દરિયાઇ વનસ્પતિ તેમજ જળચરનો પણ સમાવેશ થઈ શકે. આટલાંટીસની ટુર દરમ્યાન અન્ડર ગ્રાઉન્ડ એક્વેરિયમમાં અવનવા અગમ્ય જળચરની ઓળખ આપવામાં આવે છે એ નાના બાળકો જ નહી પણ મોટેરાઓ માટે પણ રસપ્રદ બની રહે છે.અને આટ્લાંટીસના લગૂનમાં મસ્ત રંગબેરંગી નાની મોટી માછલીઓ સાથે સ્નોર્ક્લીંગ કરવાની મઝા તો જે માણે એ જ જાણે. વાયકા એવી છે કે આટ્લાંટીસમાં વોટરફોલ, વૉટર પાર્ક એરિયામાં મયાન ટેમ્પલ વૉટર સ્લાઇડ સાથે આટ્લાંટીસના ધ્વસ્ત થયેલા અવશેષો પણ છે . ટુર લઈને બહાર આવો ત્યાં તમારા માટે તૈયાર છે એક સાવ જ જુદુ આકર્ષણ . કુદરત સર્જીત દુનિયાથી અલગ માનવ સર્જીત માયાજાળ કેસિનો. અઠંગ ખેલાડીઓ તેમજ કિસ્મતને અજમાવી જોવા કે બસ જરા એમ જ શોખ ખાતર રમી લેનારાઓની અહીં ખોટ નથી.

આટ્લાંટીસ રિસોર્ટથી બહાર આવીને ચાલીને જ પહોંચી શકાય એટલો નજીક બીચ છે. યુ.એસ માં ચોગમ ફેલાયેલી બર્ફીલી વર્ષાને લીધે શીતાગાર બની ચુકેલા દરેક સ્ટેટમાંથી આવનારા મુલાકાતીઓને તો આ સાચા અર્થમાં સ્વર્ગ લાગે .ખુલ્લા લાંબા પથરાયેલા બીચ ,ઉષ્ણ હવામાન અને દરિયાના મોજા સાથે ઉઠતી તરંગો પર લહેરાવાની લિજ્જત અનેરો લ્હાવો જ બની જાય ને? અને એમાં ય આ લહેરો પર વૉટર સ્કુટર રાઇડની મઝા તો જો તમે ન માણો તો તમે ચોક્કસ કઈક નવો અનુભવ ગુમાવો છો. નાસાઉ આટ્લાંટીસનુ બીજુ અને મુખ્ય આકર્ષણ છે ડોલ્ફીન સાથે રમત. સરસ રીતે ટ્રેઇન થયેલી ડોલ્ફીન સાથે નાના બાળકોની નજદીકી ઓળખ , સુંવાળી ત્વચા ધરાવતી ડોલ્ફીનનો સ્પર્શ અને એથી ય આગળ વધીને ડોલ્ફીન ચુંબન. હા ! શરત એ કે નાના બાળકો સાથે એમના એક પેરન્ટની હાજરી તો હોવી જ જોઇએ.

056_56

 

 

આટ્લાંટીસ રિસોર્ટમાં પા માઇલની લેઝી રિવર રાઇડ છે જેમાં સર્પાકારે ટ્યુબીંગની મઝા માણી શકો છો. એ સિવાય લીપ ઓફ ફેઇથ સ્લાઇડ, સર્પન્ટ સ્લાઇડ જેવી અનેક મોજ મસ્તી પણ મોજૂદ જ છે.

નાસાઉ ના ઇતિહાસમાં રસ હોય તો ઐતિહાસિક ગઢની મુલાકાત લઈ શકાય. ક્યાંય પણ જઈએ તો ત્યાંની યાદગીરી સાથે લાવવી હોય તો નાસાઉ એના લિકર, પરફ્યુમ , જ્વેલરી માટે જાણીતુ છે. ડ્યુટી ફ્રી શોપીંગ ઉપરાંત અહી એક એવુ માર્કેટ પણ છે જ્યાં બિન-ધાસ્ત બાર્ગેનીંગ પણ ચાલે છે. કોણે કીધુ કે ઇન્ડીયામાં જ બાર્ગેન થાય છે? અહીં સ્ટ્રો માર્કેટમાં જાવ તમને ગમતી વસ્તુ માટે રકઝક કરી શકાય જ છે. અને આ જાણ અહીંના ટેક્સીવાળા જ આપી રાખે છે. નાસાઉમાં સ્થાનિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ ,પરંપરાગત હાથ બનાવટની ચીજ વસ્તુ મળી રહે છે.

નાસાઉમાં ફરવા માટે શટલ જેવી ટેક્સી જે લિમો તરિકે ઓળખાય છે ,એ સિવાય સાઈકલ ,સ્કુટર ઉપલબ્ધ્ધ છે.
બહામા પાંચ વર્ષથી માંડીને ફરી શકવાની તાકાત હોય તો ૬૫ વર્ષની ઉમરે પણ જઈ શકાય એવી જગ્યા છે. બહામા જવા માટે સામાન્ય રીતે કોઇપણ ઋતુમાં જઈ શકાય કારણ એનુ ખુશમિજાજ હવામાન .બહામા જવા માટે સૌની સૌથી પહેલી પસંદ ક્રુઝ છે. ક્રુઝ પાંચ દિવસથી માંડીને એક સપ્તાહ સુધીની લઈ શકાય છે. ક્રુઝ પર સૌથી મઝાની વાત એ છે કે અહીં કલ્પના કરો એનાથી અનેક ગણો ખાવા-પીવાનો વૈભવ માણવા મળે. વહેલી સવારથી માંડીને મોડી રાત સુધી અહીં અનેક સવલિયત ઉપલબ્ધ હોય છે. બાળકો માટે અનેક જાતના કેમ્પ જ્યાં આર્ટ- ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝીક જેવી પ્રવૃતિ કરાવવામાં આવે છે તો વયસ્ક માટે પણ કેસિનો , મ્યુઝીકલ કે કોમેડી નાઈટ શૉ તો હોવાના જ અને સ્વીમીંગ તો સૌ માટે છે જ. સાંજ પડે લાઈવ બેન્ડ સાથે ઝુમી પણ શકાય.

કાર્નીવલ ક્રુઝ લાઇન , ડીઝની ક્રુઝ લાઇન, નોર્વેજિયન ક્રુઝ લાઇન પ્રિન્સેસ ક્રુઝ લાઇન, રોયલ કેરેબિયન ઇન્ટ્રનેશનલ જેવી ક્રુઝમાં બે દિવસથી માંડીને બાર દિવસ સુધીની ડીલ મળી રહે છે.યુ.એસે ના કોઇપણ શહેરથી હવાઇ માર્ગે અથવા ડ્રાઇવ કરીને ફ્લોરિડા , લ્યુસિયાના , મેરીલેન્ડ , ન્યુજર્સી, ન્યુયોર્ક , સાઉથ કેરોલીના, ટેક્સાસ સ્ટેટે સુધી પહોંચી આ ક્રુઝ લઈ શકાય. નિર્ધારીત જગ્યાથી શરૂ થયેલી એ ક્રુઝ ત્યાંજ પાછા લાવે પણ ત્યાં સુધીનુ એ આવાગમન જીવનભરની યાદગીરી બની રહે .

 

“આ લેખ/ નવગુજરાત સમય  માટે લખ્યો અને ૨૫ માર્ચ  ૨૦૧૪ ના પ્રગટ થયો

 

March 25, 2014 at 7:56 pm 6 comments

Older Posts Newer Posts


Blog Stats

  • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2019
M T W T F S S
« Nov    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!