રવિવારની સવાર….

 

પ્રિય પત્રમિત્રો,
क्या ख्वाहिश थीक्या ख्वाहिश है !
दो सपना वहीगुजारिश है  !

સ્વપ્ન એક અજબ ગજબની દુનિયા છે. રાત્રે ઊંઘમાં જોવાતા સપનાં કે દિવસે ખુલ્લી આંખે જોવાતા દિવાસ્વપ્ન ! માણસની જિંદગીમાંથી સપનાં બાદ કરી નાખો તો જાણે શરીરમાંથી ચેતન બાદ થઈ જાય ! મનને હુંફાળું ને તાજગીસફર રાખવાનું કામ સપનાનું ! ભલે ક્યારેક ડરામણા સપનાં આવી જાય, નીંદરમાંથી સફાળા બેઠા કરી દે ને પરસેવે રેબઝેબ કરી મૂકે એવા સપનાં આવી જાય – અલબત્ત એવું કદીક જ બનતું હોય છે પણ એનાથી હૃદયની સફરની ખાતરી મળે છે, સંવેદનાના જીવંત હોવાની સાબિતી મળે છે. બાકી રાતભર જોયેલા સપનાં સવારે ઝાકળની જેમ ઊડી જાય એવા અનુભવો દરેકને અનેક.

સ્વપ્નની સફર ચાલી રહી છે ત્યારે મારા મીઠાં સપનાની સાચ્ચી વાત ! જાગતી આંખે, માત્ર જોયેલી નહીં, અનુભવેલી વાત, જે હવે સપનું બની ગઈ છે ! તમને એમાં સાથીદાર બનાવું.    

એ પત્રનો જમાનો…. હવે ભલે ઈમેઈલ ને વોટ્સ એપથી સંદેશાવ્યવહાર અત્યંત ઝડપી અને સહેલો થઈ ગયો હોય પણ પત્રો લખવા અને પત્રો મેળવવાનો જે રોમાંચ હતો એ આજની પેઢીને કદાચ નહીં સમજાય. મને તો લાગે છે કે એ રોમાંચ, એ મજા હવે આ પેઢીના નસીબમાં નથી ! કહેનારા કહેશે કે હવે જુદી મજાઓ છે ! સાચી વાત છે, દરેક સમયની પોતાની ખાસિયત હોય છે. 

એ અમારો સમય હતો કે જ્યારે સગાઈ થઈ ગઈ હોય તો પણ ભાવિ પતિને મળવું એટલું સહેલું નહોતું પત્રોથી લાગણીનો દરિયો ઠાલવવો એ અમારી ખુશનસીબી હતી. અલબત પત્રો લખવા એય એક કળા છે, સહુને સાધ્ય નથી હોતી. આખી ડિક્શનરી ભરીને શબ્દો સામે હોય તોય એ કામ નથી લાગતા જો લાગણીના રસમાં ઝબોળી પીરસવાની કળા ન હોય તો. રોજબરોજની દૈનિક ક્રિયાઓમાંય પ્રેમને જ્યારે પરોવી શકાય ત્યારે એ લખનારા અને વાંચનારાના જીવનનું અદભૂત પ્રકરણ બની જાય છે.    

તમે કલ્પના કરી શકો છો કે હોસ્ટેલની લોબીમાં છાપાની સાઈઝના ડાર્ક કલરના આર્ટ પેપરને બે હાથમાં ખોલીને છાપાની જેમ જ કોઈ વાંચતું હોય અને એ હોય પ્રેમપત્ર ! હા, દોસ્તો એ સચ્ચાઈ છે. જો કે આ બાબતમાં ઘણા લોકોને બીજા પણ રોમાંચક અનુભવો હોઈ શકે પણ આ મારો અનુપમ અનુભવ ! મારી સગાઈ થઈ પછી અમે બેય પત્રો લખવાના શોખીન અને અમને બંનેને  ફાવટ પણ સારી. એમને મૂડ આવી જાય તો સ્ટેશનરીની દુકાને જઈને રંગીન મોટો આર્ટ પેપર લઈ આવે. આટલા મોટા કાગળમાં સાદા A4 સાઈઝની જેમ જમણેથી ડાબે તો લખી જ ન શકાય એટલે બિલકુલ છાપામાં કૉલમ હોય એમ જ ઝીણા સુંદર અક્ષરોએ મને પત્ર લખે. હા, એમના અક્ષરો બહુ સુંદર અને મરોડદાર થતા. હું ખાનગીમાં તો શાંતિથી વાંચી લઉં પણ પછી રવિવારે સવારે નિરાંત હોય એટલે મારી સખીઓને જલાવવા લોબીમાં ઊભી રહું અને બે હાથમાં ફેલાવીને વાંચું ! સાચ્ચે જ, બધી બહેનપણીઓ એવી અદેખાઈ કરે કે ન પૂછો વાત !

‘અલી, એવું તે એ શું લખે છે ? રોજ રોજ આટલું બધું શું લખે છે ? અમારે તો ‘એમનો’ પત્ર માંડ અઠવાડિયે આવે અને એક કાગળની એક સાઈડ માંડ પૂરી થઈ હોય !’’ – હું હરખથી ફૂલી ન સમાઉ !

હા, મારે રોજ નિયમિત એક જાડું દળદાર કવર આવે, જેમાં એક્સપ્રેસ ટપાલનો સિક્કો હોય ! તમને ઘણાને યાદ હશે કે એ વખતે સાદી અને એક્સપ્રેસ એમ બે પ્રકારની ટપાલો હતી. વધારે ટિકિટ ચોડવી પડે પણ ટપાલ જલ્દી મળે. કુરિયરનો તો જમાનો જ નહોતો. એથીયે અર્જન્ટ હોય તો ટેલીગ્રામ ! ફોન હતા પણ એટલી સહેલાઇથી ઉપલબ્ધ નહીં.    

મજાની વાત હવે આવે છે. અમારે હોસ્ટેલમાં એવો નિયમ કે રોજ રાત્રે પ્રાર્થના પછી સૌની ટપાલો વહેંચાય અને એય અમારા રેકટરબહેન વાંચીને આપે. પૂરું સેન્સર બોર્ડ હતું. જેની સગાઈ થઈ હોય, એના માબાપનો લેખિત પત્ર મળે પછી એ એક સરનામેથી આવેલ પત્ર અકબંધ મળે, ન ખૂલે ! મેં મારા ભાવિ પતિ જગદીશને આ ટપાલના નિયમ વિશે કહેલું. એમનો પહેલો પત્ર આવ્યો, ‘એક્સપ્રેસ’ ! અમારા રેકટરબહેને મને ખાસ બોલાવીને બપોરે જ આપી દીધો. ભાવિ પતિનો એટલે એમનું સેન્સર બોર્ડ કોઈ એક્શન ન લઈ શકે !

બીજો દિવસ ને બીજું કવર. એ પણ એક્સપ્રેસ ! આમ સતત પાંચ કે છ દિવસ ચાલ્યું, રોજ એ મને એમના રૂમમાં બોલાવીને આપે ! પછીના દિવસે સાંજ પડી પણ મને કોઈ બોલાવવા ન આવ્યું ! મને તો રોજ એક પત્રની ખાતરી હતી. રાત્રે પ્રાર્થના થઈ. બધાને ટપાલો વહેંચાઈ, મારું નામ છેક છેલ્લે બોલાયું. મને એમ કે ‘એમને’ એક્સપ્રેસ કરવાનો ટાઈમ નહીં રહ્યો હોય ! હરખથી ઊભી થઈ ટપાલ લેવા ગઈ. એ જ સુંદર, મરોડદાર, વહાલપ વેરતા અક્ષરો ને એ જ ઉપર ‘એક્સપ્રેસ’નો સિક્કો ! એ સમય અત્યંત શિસ્તનો. રેકટરબહેનને કાંઈ કહેવાય નહીં, કે પૂછાય નહીં પણ હું જરા દુઃખી નજરે એમની સામે જોઈ રહી. મારી આંખોમાં પ્રશ્ન હતો કે મારો વર વધારે પૈસા ખરચીને મને એક્સપ્રેસ ટપાલ મોકલાવે છે તો તમે કેમ આટલી મોડી આપો છો ? ખુદ ટપાલખાતું પણ આવા પત્રોની ફાસ્ટ ડિલિવરી કરે છે ! મારી આંખમાં રહેલા પ્રશ્નનો એમણે જાહેરમાં જવાબ આપી દીધો.

‘તારો વર તને રોજ એક્સપ્રેસ ટપાલ લખે તો હું નવરી નથી ! હવેથી તને રાત્રે જ ટપાલ મળશે’

એમણે વીટો પાવર વાપરી દીધો. મારે કાંઈ બોલાવાપણું હતું નહીં !

એમાં હોળીનો તહેવાર આવ્યો. જગદીશે મને પત્ર તો લખ્યો જ ને કાગળમાં થોડો ગુલાલ ભરીને મોકલ્યો. હવે વજન તો આમેય હોય, એ જૂના ટપાલખાતાના કવર ! બન્યું એવું કે ક્યાંક ધારમાંથી એ ફાટયો. અમારા બહેનના પર ટેબલ બધી ટપાલો મુકાવી હશે તે ગુલાલ ત્યાં ઉડયો ! પત્ર તો મને રાત્રે જ મળ્યો, ગુલાલ ઉડયાના ગુસ્સા સાથે !

બસ, બે મહિના અમારી સગાઈ રહી ને પછી લગ્ન ! પણ હોસ્ટેલના પૂરા પંચાવન દિવસના પંચાવન પત્રો ! એ મારા જીવનનો સ્વર્ગ જેવો સમય ! સપનાની જેમ શરૂ થયો ને સપનાની જેમ વહી ગયો. એ પછી પણ છૂટા પડીએ ત્યારે પત્રો તો અચૂક લખાય જ. શરૂ શરૂમાં પિયર જવાના પિરિયડ જલ્દી આવે, પછી ઓછા થતા જાય અને પત્રો લખવાની તક પણ …… અંતે શબ્દોની જરૂરિયાત ઘટતી જાય અને સાથ – સહજીવન એકમાત્ર હકીકત બની રહે.   

દોસ્તો, જૂનાં એ પત્રો આજે મારી સામે હકીકત અને સ્વપ્નું બનીને પથરાયાં છે. હું ખોલું છું અને આંખ સામે દરિયો ઉછળે છે જેમાં અક્ષરો, શબ્દો ઓગળી જાય છે. એટલું સ્વીકારવું અત્યંત અઘરું બની જાય છે હવે આ માત્ર ભૂતકાળ છે અને વર્તમાન ક્યારેય બની શકે એમ નથી. પણ મન સપનાં જોવામાં ક્યારેય અટકતું નથી. હું આજે પણ રાહ જોઉ છું, આજે પણ સપનું જોઉ છું કે લાંબો નહીં તો ટૂંકો, રંગીન નહીં તો સાદો બ્લેક એન્ડ વ્હાઇટ પેપર, પણ એમનો એક પત્ર આવે, એકાદ નાનકડી ચિઠ્ઠી આવે ને હું છલકાતી આંખે વાંચું, જેમ ત્યારે પણ છલકાઈ જતી !   

પણ…. કદાચ ‘એમને’ લાગે છે કે મારે હવે શબ્દોની જરૂર નથી… અનુભૂતિ જ કાફી છે….. અને મારે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી !  

લતા જગદીશ હિરાણી

Email: lata.hirani55@gmail.com