Posts filed under ‘નવલિકા’

એ દિલે નાદાન

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધામાં ત્રીજુ ઇનામ – “એ દિલે નાદાન”—-

૧૯૭૫નો એ સમય… ૧૭ વર્ષનો એક છોકરો  ૧૫ વર્ષની એક છોકરીની સામે લાલ ગુલાબ ધરીને કહેતો હતો…. “ આઇ લવ યુ.” પંદર વર્ષની એ ગભરાયેલી છોકરીએ દોટ મુકી અને સીધી પોતાના એપાર્ટમેન્ટના પગથીયા સડસડાટ ચઢી ગઈ. બીજા દિવસે ફરી એ જ છોકરો- એ જ છોકરી- એ જ એક તરફી સંવાદ પણ આજે લાલ ગુલાબના બદલે એક નાનકડો ગુલદસ્તો.ફરી ફરી અને રોજે રોજ આ ઘટનાનો ક્રમ ચાલુ રહ્યો. પણ પેલી ગભરાયેલી છોકરી ઘરમાં કોઇને કશું જ કહી શકી નહીં. એ ઉંમર જ એવી હતી કે શરમના માર્યા જીભ ખુલતી જ નહોતી. હવે તો એને સ્કૂલે જતા –આવતા પણ પેલો છોકરો રસ્તામાં આંતરતો..

આજે ફુલ તો કાલે ચોકલેટ…આજે  સ્કાર્ફ તો કાલે હાથમાં પહેરવાની લકી…છેલબટાઉ છોકરાને આનાથી વધુ શું આપી શકાય એની ખબર નહોતી પરંતુ આ છોકરી એને ગમતી હતી એટલી તો એને ખબર હતી. ફિલ્મો જોઇ જોઇને ઇશ્કી મિજાજ પર વધુ રંગ ચઢતો હતો. અને આ સિલસિલો છ મહીના સુધા લગાતા ચાલુ જ રહ્યો. હવે સમીરથી ત્રાસેલી નેહાએ એની ખાસ સખી હેતાને વાત તો કરી પણ અબુધ છોકરીઓને આનું શું કરી શકાય કે શું કરવું જોઇએ એની સમજ પડતી નહોતી. ઘરમાં કહેવું  તો કેવી રીતે એની અવઢવમાં બીજા થોડા દિવસ પસાર થઈ ગયા.

છોકરાનું નામ સમીર.. ટ્રાન્સફરેબલ જોબ ધરાવતા પિતાએ સમીરનું ભણવાનું ન બગડે એટલે અમદાવાદમાં એપાર્ટમેન્ટ લઈ લીધો હતો. સમીર અને એની મમ્મી સરોજા અહીં રહેતા. સમીરના પિતા અશોકભાઇ પંદર દિવસે બે-ચાર દિવસ અહીં આવી જતા.

પેલી પંદર વર્ષની છોકરી- નામ એનું નેહા. ચાટર્ડ એકાઉન્ટટ રાકેશભાઇ અને ભાવનાબેનની એક માત્ર દિકરી. સરસ મઝાનો સુખી પરિવાર. પણ આ પરિવાર એક દિવસ આખે આખો ઝંઝોડાઇ ગયો.

એ દિવસે નેહા સ્કુલેથી પાછી જ ના આવી. સામાન્ય રીતે સવા પાંચ વાગ્યા સુધીમાં તો એ ઘરમાં જ હોય. ઘરમાં આવતા પહેલાથી જ એની ધાંધલ શરૂ થઈ જતી. એપાર્ટમેન્ટના એક સાથે બે બે પગથીયા કુદાવતી એ સડસડાટ એના બીજા માળે આવેલા એપાર્ટમેન્ટના બારણે પહોંચી જ હોય અને એક ક્ષણની પણ રાહ જોયા વગર ધનાધન ડોરબેલ ચાલુ થઈ જ ગયો હોય. મમ્મી આવે ત્યાં સુધીમાં તો ઉપરા ઉપરી ડોરબેલ વગાડીને મમ્મીને પણ પરેશાન કરી દેતી નેહા આજે પોણા છ વાગ્યા સુધી પણ ઘેર પહોંચી નહોતી.

બોર્નવીટાનું હુંફાળુ દૂધ અને સાથે કંઇક નાસ્તો કરીને એ પોતાના ક્લાસીકલ ડાન્સ ક્લાસમાં જવા નિકળી જતી એટલે ભાવનાબેને સવા પાંચ વાગતામાં તો એનું દૂધ ગરમ કરીને એના ભાવતા વડાનો ડબ્બો પણ ડાઇનિંગ ટેબલ પર કાઢીને તૈયાર રાખ્યો હતો. સ્કૂલેથી સીધા જ ઘેર આવવાની ટેવવાળી નેહા આજ સુધી ક્યારેય મોડી પડી જ નહોતી.તો આજે કેમ? આમ તો એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી બહાર દેખાતા મેઇન રોડ સુધી કેટલીય વાર ભાવનાએ નજર દોડાવી જોઇ હતી. હા! ક્યારેક એવું બનતું કે જે દિવસે ડાન્સીંગ ક્લાસ ન હોય ત્યારે થોડી વાર એપાર્ટમેન્ટના કોમન પાર્કમાં બહેનપણીઓ સાથે ઉભી રહી જતી પણ એ કોમન પાર્ક પણ બાલ્કનીમાંથી દેખાતો હતો ત્યાં ય નજર માંડી જોઇ. પણ ખાલી નજર પાછી વળીને મેઇન ડોર પર લંબાઇ.

હવે ધીરજ ખુટતા ભાવના નીચે આવી. કોમન પાર્કમાં સાંજ પડે ટહેલવા નિકળેલા થોડા વયસ્ક સિવાય કોઇ નજરે ન પડ્યું હવે આશંકાથી હેતાનું હૈયુ ફફડી ઉઠ્યુ. ઘરમાં આવીને નેહાની સ્કૂલની બધી બહેનપણીઓના ઘેર ફોન કરી ચૂકી. બધે થી એક જ જવાબ…” આંટી, અમે નિકળ્યા તો સાથે જ પણ પછી ખબર નથી નેહાને કેમ મોડું થયું.”

હવે ભાવનાએ એપાર્ટમેન્ટમાં રહેતી નેહાની બીજી બહેનપણીઓના ઘેર ફોન કરવા માંડ્યા. માત્ર એક હેતા પાસેથી જવાબ મળ્યો.. “ આંટી, નેહા આવી તો ગઈ જ હતી. નીચે મને મળી પણ ખરી પણ એને ક્લાસમાં જવાનું મોડું થાય એટલે બે મિનિટથી તો વધુ ઉભી પણ રહી નહોતી. એનો અર્થ એટલો તો થયો કે નેહા ઘરની નીચે સુધી તો આવી જ હતી તો પછી ક્યાં ફંટાઇ ગઈ?

કોઇ શક્યતા ન દેખાતા ભાવનાએ રાકેશને ફોન કર્યો. ચાટર્ડ એકાઉન્ટટ થયેલા રાકેશની રિલીફ રોડ પર ઓફિસ હતી. ઓફિસ બંધ કરીને એ ઘેર પહોંચે તો પણ સહેજે પચીસ-ત્રીસ મિનિટ તો થઈ જ જાય એમ હતી. એટલે એણે ઓફિસથી નિકળીને એણે સૌથી પહેલા પોલિસ સ્ટેશન દિકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને એના વોલૅટમાં રહેલો નેહાનો ફોટો પોલિસ ઇન્સ્પેક્ટરને આપીને ઘેર પહોંચ્યો..

ઘેર પહોંચ્યો ત્યાં સુધીમાં તો ભાવનાનો પડી ગયેલો ચહેરો અને રડી રડીને લાલઘૂમ થયેલી આંખો કહેતી હતી કે એ નેહાને શોધવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગઈ છે. સાત, આઠ, નવ-ઘડીયાળનો કાંટો એની ગતિએ આગળ વધતો જતો હતો. પણ નેહાનો કોઇ પત્તો નહોતો. રાકેશે ફરી એક વાર પોલિસ સ્ટેશને નેહાની તપાસ માટેના રિપોર્ટ માંગ્યા. હવે પોલિસે સાબદા થવું જ પડે એમ હતું. ઇન્સ્પેક્ટરે રાકેશને થોડા સવાલો કર્યા જેના પરથી એટલું તો તારવી શક્યા કે નેહા ઘર સુધી તો પહોંચી જ હતી. રાકેશની પાછળ પોલિસ ઇન્સ્પેક્ટર મકવાણા બીજા બે પોલિસ સાથે મારતી જીપે સૌમ્ય એપાર્ટમેન્ટ પર પહોંચ્યા. સૌથી પહેલા ભાવનાબેનને મળીને પરિસ્થિતિનો ક્યાસ કાઢવા પ્રયત્ન કર્યો પણ એમની પાસેથી ઘોર નિરાશા અને અઢળક આંસુ સિવાય કશું જ ના મળ્યું. હવે એક જ ઉપાય હતો હેતાની મુલાકાત લેવાનો.પરંતુ એપાર્ટમેન્ટમાં હેતા વિશે કોઇ ચણભણ ન થાય એવું ઇચ્છતા રાકેશે હેતાના ઘેર ફોન કરીને હેતાને જ અહીં બોલાવી લીધી. હેતાએ ભાવનાને જે કંઇ કહ્યું એનાથી વિશેષ એ કશું જ જાણતી હોય એવી શક્યતા લાગી નહીં પરંતુ ઇન્સ્પેક્ટરની ચકોર આંખોએ હેતાના ચહેરા પર એક અવઢવ તો જોઇ જ જાણે સૌની હાજરીમાં એ કશું છુપાવતી હોય અને તેમ છતાં આ ક્ષણે કહી દેવાની તત્પરતા દેખાઇ. એની સાથે કરડાકીથી કામ લેવાના બદલે સલૂકાઇથી જ કામ નિકળે એવું લાગતા ઇન્સ્પેક્ટરે હળવેથી હેતાને સમજ આપી કે એ જ એક છે જે હવે નેહાને શોધવામાં કે બચાવવામાં મદદરૂપ બની શકે એમ છે.

અને પછી હેતાએ સમીરના નેહા માટેની ઘેલછાની જે વાત કરી એનાથી તો ઘરમાં સોપો પડી ગયો. એક જ ફ્લોર પર સામસામે રહેતા આ બે પરિવાર વચ્ચે એકબીજાના ઘેર આવવા-જવા જેટલી આત્મિયતા નહોતી પણ સામે મળે તો હેલ્લો કહેવા જેટલું સૌજન્ય તો હતું જ.

ઇન્સ્પેક્ટર હવે પછીની એક ક્ષણ વેડફવા માંગતા નહોતા. સમીરના ઘેર જઈને ઉપરા-ઉપરી ડોરબેલ મારવા છતાં બારણું ખુલ્યું નહી. ભાવનાની જાણકારી મુજબ સરોજા બે દિવસ માટે એના ભાઇના ઘેર ગઈ હતી. તે સમયે મોબાઇલ તો હતા નહીં કે કોઇ પણ વ્યક્તિનો ક્યાંયથી કોન્ટેક્ટ કરી શકાય.

પોલિસ ડોગ….ઇન્સ્પેક્ટર પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો અને તે તાત્કાલિક અમલમાં મુકવામાં આવ્યો. એપાર્ટમેન્ટમાં જ્યાં હેતા અને નેહા છેલ્લે મળ્યા હતા ત્યાં પોલિસ ડોગ લઈ આવવામાં આવ્યો, નેહાએ સવારે બદલેલા કપડા અને એના ચંપલ સૂંઘાડવામાં આવ્યા અને જીમીને છુટો મુકવામાં આવ્યો. જીમી આમતેમ ગોળ ગોળ ઘૂમતો સડસડાટ એપાર્ટમેન્ટના પગથીયા ચઢીને સમીરના ઘરના દરવાજા પાસે આવીને ઘૂરકવા માંડ્યો.. ફ્લેટના બારણા પાસે આવીને જોર જોરથી જે રીતે ભસવા માંડ્યો એ જોઇને હવે પોલિસ ઇન્સ્પેક્ટર પાસે બારણા તોડવા સિવાય કોઇ આરો નહોતો.

બારણું તોડતા જ જીમીએ હાથની સાંકળ સાથે ખેંચાઇ જવાય એટલા જોરથી કૂદકો માર્યો અને ઘરમાં ઘૂસ્યો. ડ્રોઇંગ રૂમ તો ખાલી જ હતો.આગળ વધતા ડાઇનિંગ રૂમ આવ્યો એ પણ ખાલી જ હતો પરંતુ ડાબી બાજુ કિચનના બારણા પર જીમીએ જે તરાપ મારી એના ધક્કા માત્રથી અટકાવેલું બારણું ખુલી ગયું.

સામે જે કારમું દ્રશ્ય નજરે પડ્યું એ જોઇને તો રાકેશને પણ ચક્કર આવી ગયા . ફર્શ પર લોહી નિતરતી નેહાની કાયા પડી હતી. સ્કૂલડ્રેસ આખો લોહીથી લથબથ અને બાજુમાં પડેલી સ્કૂલબેગ પણ .. અત્યંત જોરથી ફ્લોર પર પછડાવાથી અથવા પાછળ કિચનના પ્લેટફોર્મની ધાર પેસી જવાથી માથું ફાટી ગયું હતું અને તેમાંથી લોહીની ધાર વહી રહી હતી અને હવે તો લોહી પણ સુકાવા માંડ્યુ હતું

રાતના બાર વાગ્યાનો સુમાર થયો હતો. સૌમ્ય એપાર્ટમેન્ટની એ અમાસની રાત વધુ કાજળઘેરી બની ગઈ. તરત જ નેહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. ભાવનાબેન તો નેહાને જોઇને હોશ ગુમાવી બેઠા હતા અને બાકી હતું તેમ ડોક્ટરે તેમને ટ્રાંક્વિલાઇઝરનું ઇન્જેક્શન આપી દીધું હતું.

સવારે જ્યારે નેહાનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી પાછો આવ્યો ત્યારે સૌમ્ય એપાર્ટમેન્ટ જાણે એની સૌમ્યતા ગુમાવી બેઠું હતું. થોડી ચણભણ અને ઘણીબધી સહાનુભૂતિથી વાતાવરણ ખળભળી ઉઠ્યું હતું. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કહેતો હતો કે નેહાનું મૃત્યુ માથાના પછડાટ અને હેમરેજના લીધે થયું હતું . એથી વિશેષ કશું જ નહોતું.

બે દિવસે સમીરનો પત્તો ખાધો. સમીરે જે કબૂલાત કરી એનાથી કેસ વધુ સ્પષ્ટ બન્યો હતો. ઉંમરનો તકાજો, ફિલ્મોની અસર –પહેલા નશા પહેલા ખુમારની જેમ એને નેહા પ્રત્યે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ હતો. નેહા કોઇપણ હિસાબે એને મળવી જ જોઇએ એવી ઘેલછા અને નેહા એને દાદ નહોતી આપતી એના લીધે વધતી જતી અધિરાઇ. તે દિવસે સાંજે એણે નેહાને દૂરથી આવતી જોઇ હતી. ઘરમાં મમ્મી નહોતી, આ એક મોકો હતો નેહા સાથે વાત કરવાનો.રસ્તા પર કે એપાર્ટમેન્ટના કોમન પ્લોટ કે પાર્કિંગ પ્લોટમાં તો કંઇ વાત થાય? અને આમ પણ નેહા ક્યાં એક ક્ષણ પણ ઉભી રહેતી હતી. સમીરને તો કહેવું હતું કે એ નેહાને કેટલો પ્રેમ કરે છે. એને નેહાને કહેવું હતું કે સમીર એના માટે આસમાનના તારા તોડી લાવશે. એને નેહાને કહેવું હતું કે નેહા કેટલી નસીબદાર છે કે એને મમ્મી-પપ્પાની નજરથી જરાય દૂર જવું જ નહીં પડે.

ઘણું બધું કહેવું હતું પણ નેહા ઉભી જ ક્યાં રહેતી હતી એટલે આજે તક જોઇને નેહા પગથીયા ચઢતી હતી ત્યારે એ ઘરના બારણા પાસે ઉભો રહ્યો અને જેવી નેહા આવી કે તરત જ એને ઘરમાં ખેંચી લઈને બારણું બંધ કરી દીધું. પણ અત્યારે ય નેહા ક્યાં એની કોઇ વાત સાંભળવા તૈયાર હતી. સમીરનો હાથ છોડાવીને ભાગવાની પેરવી કરતી નેહાને એણે વધુ જબરદસ્તીથી ખેંચીને કિચન સુધી ઢસડી. કારણ બીજું કંઇ નહીં પણ ડ્રોઇંગરૂમમાં કંઇ અવાજ થાય તો તરત બહાર સંભળાય તો પછી એને જે કહેવું હતું એનું શું? એ તો બાકી ના રહી જાય? કિશોરાવસ્થાની નાદાન ઉંમરે આવેલા નાદાન તરંગી વિચાર અને નાદાનિયત ભરેલા પગલાએ સમીરને દિશાશૂન્ય બનાવી દીધો હતો. એને તો બસ એક વાર નેહા એની વાત સાંભળે એટલું જ જોઇતું હતું. હાથની ખેંચમતાણમાં બંનેના હાથમાં પકડાયેલી નેહાની સ્કૂલબેગનો પટ્ટો તુટી ગયો અને નેહા ફોર્સથી પાછળ કિચનના પ્લેટફોર્મ સાથે અફળાઇ.

પછીને ક્ષણોમાં તો સમીરના મન પરથી પ્રેમનો નશો ઉતરી ગયો. સામે નેહાના માથા પરથી વહી રહેલી લોહીની ધારથી એ હાકોબાકો બની ગયો અને બીજું કંઇ વિચાર્યા વગર ઘરનું બારણું ખેંચીને બંધ કરીને ત્યાંથી ભાગી છુટ્યો. મમ્મી માસીના ઘેર રાણીપ જવાની હતી એટલી ખબર હતી એટલે સીધો રિક્ષા કરીને ત્યાં પહોંચી ગયો.

બસ, આટલી જ વાત પણ હજુ ય મગજ પરથી ધૂન ઉતરતી નહોતી કે નેહાએ મારી વાત તો સાંભળવી જોઇએને ? હું વાત કરતો હતો ત્યાં શાંતિથી ઉભા તો રહેવું જોઇએ ને?

પોલિસ કસ્ટડીમાં રિમાન્ડ પર રખાયેલા સમીરને શું સજા કરવી? મમ્મી કે પપ્પા તો હવે એને સ્વીકારવા તૈયાર જ નથી એ ય એક સજા નથી?  સરોજા અને અશોકે આ એપાર્ટમેન્ટ જ નહીં શહેર પણ છોડી દીધું છે.

જુવેનાઇલ જસ્ટીસ ( કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ સમીરને તે વખતે તો રાજકોટ ખાતે સ્થપાયેલ સ્પેશિયલ હોમમાં લઈ જવામાં આવ્યો છે. એ સમય , એ કિશોરાવસ્થા વિત્યા પછી સમીરનું શું થયું એ આજ સુધી કોઇને ખબર નથી.

ગોરો રંગ, કપાળ પળ લહેરાતા વાળના ગુચ્છા અને આંખમાં એક જાતની ઘેલછા સાથે કોઇને જુવો તો એ કદાચ સમીર હોઇ શકે એમ સમજી લેજો.

*****

 

 

 

 

 

 

April 30, 2016 at 4:23 pm 6 comments

રાગ-મુક્તિ

old-lady-tatted

 

‘ સ્નેહા, મા એ તને ન્યુયોર્ક બોલાવી છે.”

કેમ? તબિયત તો ઠીક છે ને?

‘હા અને ના.’

‘કંઇક સમજાય એવું કહેશો મને કોઇ?”

સમજવા જેવું આમ જોવા જાવ તો કંઇજ નથી અને આમ જોવા જાવ તો બધું જ છે. મમ્મીને ગઈકાલે હોસ્પિટલથી ઘેર લાવ્યા પછી માની ઇચ્છા છે તું આવી જા. મા એ મીતુને પણ મળવા બોલાવી લીધી છે.”

અક્ષરા આસ્તે રહીને સ્નેહાને પરિસ્થિતિ સમજાવવા પ્રયત્ન કરી રહી હતી. આમ જોવા જાવ તો સ્નેહાથી પણ ક્યાં આનાથી અજાણ હતી? મમ્મીને આ ત્રીજી વારનો કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હતો અને ઉંમર અને  શારીરિક પરિસ્થિતિ જોતા હવે એ કેટલું ખમી ખાશે એ સૌથી મોટો સવાલ હતો. પરંતુ મા એ એટલે કે ઇંદુમા એ જ જાતે આ સ્થિતિનો ઉકેલ લાવવાનો નિર્ણય લઈ લીધો હતો અને એટલે જ સ્નેહા અને મીતુને બોલાવી લીધા હતા. સ્નેહા એટલે અમદાવાદ રહેતી સૌથી નાની દિકરી અને મીતુ એટલે અક્ષરાની દિકરી.  સૌથી મોટી અક્ષરા, અતસિ , તેજસ અને પુત્રીઓથી પણ સવાઇ એવી પુત્રવધુ બીના અને તેમની બે પૌત્રીઓ તો સાથે જ હતા. બાકી રહ્યા એ અક્ષરા અને અતસિનો પરિવાર પણ મા ને મળવા આવી ગયો હતો. મા અને દાદાજી સાથે સૌને અજબ જેવો સ્નેહનો નાતો હતો. દાદાજીના  છેલ્લા દિવસોમાં સૌનાથી પહોંચી શકાયું નહોતું પણ મા ને મળવાની, મા સાથે રહી શકાય એવી કોઇ શક્યતા ગુમાવવી નહોતી.

મા એટલે ઇંદુબેન. અથવાડીયા પહેલા ત્રીજી વારનો કાર્ડીયાક પ્રોબ્લેમ થવાના લીધે હોસ્પીટલાઇઝ તો કર્યા પરંતુ સ્વસ્થ થતા ઘેર પાછા લાવ્યા ત્યારે જાતે જ એક નિર્ણય લઈ લીધો હતો. આજથી કોઇપણ જાતની દવા બંધ, કોઇપણ જાતની ટ્રીટમેન્ટ બંધ અને ગમે તેવી ઇમર્જન્સી આવે હવે હોસ્પીટલાઇઝ કરવાની પણ વાત નહી. પરિવારની હાજરીમાં એ નિર્ણય જણાવવાનો સમય પણ આવી ગયો હતો.

આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી સૌના મનમાં એક જ સવાલ ઉભો થતો હતો અને વણ પુછ્યે એ સૌની આંખમાં ડોકાતો પણ હતો.

“ મા તમને તો ખબર છે ને કે દવા બંધ કરશો તો શું પરિણામ આવશે?” અતસિ ડોક્ટર હતી એટલે ભવિષ્યમાં ઉભી થનારી પરિસ્થિતિથી વધુ જ્ઞાત હતી. “ ડોક્ટર છો એટલે એટલું તો સમજો છો ને કે પેશન્ટને શક્ય હોય એટલી સારવાર આપવી પડે. આમ અધ વચ્ચેથી  તેમની મરજી અને ભગવાન ભરોસે ના છોડી દેવાય? બીજુ બધુ તો ઠીક પણ લૅસિક્સ બંધ કરશો એટલે વોટર રિટેન્શન થશે. શરીરમાં ધીમે ધીમે પાણી ભરાશે. લંગ્સમાં પાણી ભરાશે એટલે ખબર છે ને શું થશે?”

અતસિની સામે મમતાળુ જોઇને મા એ જવાબ આપ્યો, “ ડોક્ટર છું  માટે બધું જાણું છું અને સમજુ પણ છું અને એટલે જ એના માટે તૈયાર પણ છું. મને મારા પોતાની તકલીફો અને શારીરિક સ્થિતિનો પુરેપુરો ખ્યાલ છે. અને રહી દવાઓની વાત તો એ મારી માટે વિષ્ય સર્કલ જેવી છે. તમે એક દવા આપશો એની આડ અસર માટે બીજી દવા આપશો . પણ એના લીધે મારા શરીરમાં થયા ડિસ્ટર્સબન્સથી તમે અજાણ છો. અને હવે દવાઓના લીધે મારે વધારાની કોઇ અગવડ ભોગવીને મારી આયુષ્ય દોરી લંબાવવી નથી.”

“અને આ મીઠુ ખાવાની વાત? હમણાંથી તમને મીઠુ બંધ કરાવ્યું હતુ અને હવે તમે તો તમારે જે કંઇ ખાવુ છે એમાં મીઠુ લેવાની વાત કરો છો. તમને લાગે છે કે તમારી આ વાત પણ બરાબર છે અને અમારે માની લેવાની છે? “ અતસિની અકળામણ વધતી જતી હતી. તબીબી માનસ અને એથિક્સ મા ના નિર્ણુય સાથે સંમત થતા નહોતા.

અતસિની જીદ સામે અત્યંત સ્નેહાળ સ્મિત આપતા મા બોલ્યા “ જો બેટા નિર્માણ તો નિશ્ચિત જ છે. જે આવ્યું છે એને જવાનું છે એ વાત સાથે તો તું સંમત છે ને? અહીં તમે દર્દીને તકલીફ કે પીડા ભોગવવી ના પડે એના માટે ઓક્સિજન કે મોર્ફિન આપો છો, આપો છો ને? મને જરૂર લાગશે અને મારી પીડા સહન નહી થાય તો એ પણ તું કરજે પણ અત્યારે તો હું જ્યાં સુધી શારીરિક કે માનસિક રીતે જેમ છું અને તેજસની ઇચ્છાને માન આપીને એણે કહ્યું એમ ખાતા પીતા જો મારે વિદાય લેવાની હોય તો મારી પાસે જેટલા દિવસ છે એટલા દિવસ મને મારી રીતે જીવી લેવા દે.ખાવાનો મને ક્યારેય મોહ તો હતો જ નહી એ તો તને ય ખબર છે. પણ મારામાં તાકાત ટકી રહે એટલું જરૂરિયાત પુરતુ તમે ઇચ્છો છો એમ લઈને  કુદરતી રીતે ટકી રહું તો તને વાંધો છે?”

વાત મા ની સાચી હતી. તેજસ અને બીનાએ જ એમને સમજાવ્યા હતા કે મા જાવ છો, જવાના જ છો પણ આમ સંથારો ના લેશો , જે કંઇ થોડું ઘણું ખવાય એટલું ખાતા રહો. અમે દવા લેવા માટે કોઇ આગ્રહ નહી રાખીએ પણ આટલી અમારી વાત માનો તો સારું. અને મા એમની વાત મંજૂર રાખી હતી.

અક્ષરા, સ્નેહા કે મીતુ અવાક બનીને સાંભળતા હતા . જો કે માની વાત અને મરજી સાથે સૌ સંમત હતા. આજ સુધી મા જે રીતે  એનું ક્યારેય કોઇની પર શારીરિક માનસિક કે આર્થિક રીતે નિર્ભર ન હોય એવું પ્રતિભાશાળી જીવન જીવી હતી, એ જોતા માત્ર પથારીમાં એના દિવસો વિતે એ તો કોઇને ય મનથી મંજૂર નહોતું. જે અક્કડ ચાલ મા ની જોઇ હતી એ મા આજે કોઇના ટેકે ચાલે એ ય કોઇનાથી જીરવવાનું નહોતું.

વગર બોલે સૌની મૌન સંમતિથી મા ને એટલું આશ્વાસન મળ્યું કે એમની ઇચ્છાને સૌ માન આપે છે. આટલી વાત કરતા એમને થાક લાગ્યો હતો અને ઘરમાં હૉસ્પિસની વ્યવસ્થા થઈ ગઈ હતી એટલે મા ને જોવા ટ્રેઇન્ડ નર્સ આવી હતી એટલે ત્યાં જ વાત પર પરદો પડી ગયો.

નર્સના ગયા પછી નક્કી થયું હતું એમ મા માટે એમને ભાવતો સુપ અને ઢોકળા બીનાએ તૈયાર કર્યા. વાતાવરણ હજુ ય ગંભીર જ હતું. ભવિષ્યના ભણકારા જાણે કાનમાં સંભળાતા હતા. પણ મા સ્વસ્થ હતા. એકદમ સ્વસ્થ અને હળવાફુલ. જાણે કંઇ બન્યુ નથી અને કંઇ બનવાનું નથી. એમને આટલા નિશ્ચિંત જોઇને ધીમે ધીમે ચિંતાના ઘેરા વાદળો પણ વિખેરાતા જતા હતા.સૌથી પહેલા સ્વસ્થ થયો તેજસ. આમ પણ વાતાવરણને હળવું બનાવતા તો એને પળની ય વાર નહોતી લાગતી.

“ઓકે, મમ્મી, હવે તું કહીશ એમ જ થશે. આમ પણ પપ્પાને છેલ્લી પળોમાં તારી સૌથી વધુ ચિંતા હતી અને મેં એમને વચન આપ્યું હતું કે તારી ચિંતા કરવાની જરાય જરૂર નહીં પડે. તારો  બોલ સર આંખો પર. કહ્યું હતું કે નહીં? તો પછી જ્યારે પપ્પાને મળે ત્યારે એમને પણ ખાતરી થવી જોઇએ કે અમે તને બરાબર સાચવી હતી. થવી જોઇએ કે નહીં?”

મા એ આંખના પલકારાથી સંમતિ આપી. અને વાત પણ સાચી જ હતી ને?તેજસ અને બીનાએ મમ્મીનો પડતો બોલ ઝીલ્યો હતો. મા ને દવાઓના લીધે ખાવાની રૂચી રહી નહોતી ત્યારે બીના દર બે કલાકે કંઇક બનાવીને નાના બાળકને પટાવતી હોય એમ મા ના મોં મા કોળિયા ભરાવવા મથતી હતી. એમની દિકરીઓ પણ ઘરમાં પગ મુકતાની સાથે મા પાસે આવીને બેસતી. મા નો સમય કેમ કરીને સરસ રીતે પસાર થાય તેના માટે જાણે એ સૌને યજ્ઞ હાથ ધર્યો હતો.

મા સામે જોઇને તેજસે કહ્યું “ ચાલો તો પછી પારણા કરો…”

વાતાવરણને વધુ હળવું બનાવતા મીતુ બોલી “ મા , જો જો હોં પાછું વધારે ખાતા…. આપણે તો ફિગર મેઇન્ટેઇન રાખવાનું છે.”

અને સાચે જ સૌના મન પરથી અને મ્હોં પરથી ચિતાના વાદળ વિખેરાવા માંડ્યા.

ઢોકળાના બે પીસ ખાઇને મા એ બાકીના મીતુને પાછા આપ્યા. “ મીતુ આ બાકીના તું પુરા કર, હું ખાઉ કે તું એક જ છે ને , બધાને કહી દે કે મેં ખાધા છે.”

બીજા દિવસે મીતુને પાછા જવાનું હતું . વળી પાછું મન ભારે થઈ આવ્યું. મા એ કહ્યું હતું કે સવારે ગમે એટલા એટલા વહેલા નિકળવાનું હોય પણ મને ઉઠાડ્યા વગર કે મને મળ્યા વગર જતી નહીં. તેજસના અમેરિકા સેટલા થયા પછી આ મીતુ જ તો હતી જે મા-દાદાજીને એકલવાયુ ના લાગે તેના માટે તેમની જોડે રહી હતી. મા-દાદાજી અને મીતુ ત્રણેનું બંધન અનોખું હતું. મીતુ તો મા-દાદાજી જોડે ખીલી ઉઠતી. એકબીજાનું આવલંબન હતા. મીતુ માટે તો મા-દાદાજી વડીલ કરતા મિત્ર વધુ હતા. એ એના મનની વાત મા-દાદાજી જોડે જેટલી સરળતાથી કરી શકતી એટલી કદાચ અક્ષરા સાથે પણ નહી કરતી હોય.

મીતુ સવારે મા ને મળીને નિકળી. નિકળતી વખતે મીતુએ મા નો હાથ હાથમાં લીધો. એક પણ અક્ષર બોલ્યા વગર એની આંખો ઘણું કહી જતી હતી. કશું જ બોલ્યા વગર અને પાછું વળીને જોયા વગર એ નિકળી ગઈ. એને ખબર હતી કે એ પાછું વાળીને જોશે તો એ મા પાસેથી જઈ નહીં શકે. અને સૌ પાસેથી મા એ પ્રોમીસ લીધું હતું કે હવેથી કોઇ પોતાનો જીવ નહીં  કોચવે.  મા ને રાજીખુશીથી વિદાય લેવા દેશે.

આગલા દિવસે જરા સ્વસ્થ થતાની સાથે મા એ ફરી સૌને બેસાડીને કહ્યું  હતું ….

“ મારા સંથારાને તમે લોકો સમજ્યા હોય તેવું લાગતું નથી અને એટલે જ સૌ કામ છોડીને આમ મારી આસપાસ બેસી રહો છો. મને પણ ગમે કે સૌ મારી પાસે હોય પણ એનો અર્થ એવો નહીં કે  કામકાજ છોડીને  આવી રીતે માતૃ ઋણ અદા કરો. કર્મને તો મેં પણ હંમેશા મારો ધર્મ માન્યો છે . તમારા પપ્પા પણ કાયમ કહેતા કે શૉ મસ્ટ ગો ઓન. આમ તમારા રાગના રેશમી તાંતણે મને બાંધી ના રાખશો. મેં મારું જીવન ભરપુર જીવી લીધું છે. હવે કોઇ એષણા બાકી રહી નથી. તમે પણ સૌ તમારા કામે લાગો અને સ્નેહા તું આવી જ છું તો થોડું વધારે જ રોકાઇને જા પાછળથી તને કોઇ વસવસો ન રહેવો”

મમ્મીને આટલી સ્વસ્થતાથી વાત કરતી જોઇને અક્ષરાથી  પુછ્યા વગર ન રહેવાયું , “ મમ્મી ઘણાને તો એવું બને કે ખબર પડે તે પહેલા જ ખોળીયું છોડીને જીવ નિકળી જાય. ઘણાને અભાન અવસ્થામાં દિવસો વિતતા  જાય અને દેહ છુટે પણ સાવ આમ આટલી સજાગતા અને જાગૃકતા સાથે તું જે તૈયારી કરી રહી છું, તને ક્યાંય કોઇના માટે જરા સરખો વિચાર નથી આવતો?”

“ના મારા દિકરા ના, મેં મારું આખું જીવન મારા પ્રોફેશનને જ ધર્મ માન્યો અને હવે જ્યારે હું નિવૃત્ત થઈ ત્યારથી જીવન શુ છે એ સમજવા મથતી રહી. કર્મવાદના રહસ્ય સમજતા મને એક વાતની તો સમજણ પડી ગઈ કે જે જીવ આવ્યો છે તે શીવને પામે તે પહેલા તેણે તેના કર્મના બંધન ખપાવવા જ રહ્યા. દેહમાં જીવ છે ત્યાં સુધી જ આ રાગ- મોહ માયા છે. જે ક્ષણે આ દેહ નહીં હોય ત્યારે આમાંનું કશું જ સાથે નહી આવે. આ આત્મા તો કોઇ બીજે જ જન્મ લઈ ચુક્યો હશે. આજે આ તમારી મા કાલે આ જગતના ક્યાંક બીજે કોઇના ગર્ભમાં ઉંધે માથે લટકતી હશે અથવા વનસ્પતિ જગતમાં ક્યાંક બીજ બનીશ કે ક્યાંક કોઇ પંખીના માળામાં ટહુકતી હોઇશ. જે બનીશ તેની મને આજે જાણ નથી પણ અત્યારે જે છું તેનો મને આનંદ છે. મારી મા તો હું સાવ જ નાનકડી અગિયાર વર્ષની હતી અને અમને મુકીને ચાલી ગઈ હતી. તે વખતે એ અમારું વિચારવા રહી શકી? હું અગિયાર વર્ષની અને મારાથી નાની બેન સાત વર્ષ અને એનાથી નાની પાંચ વર્ષની , તમે એટલા નાના તો નથી ને કે મારે તમારી ચિંતા કરવી પડે? આધ્યાત્મના વાંચન અને જૈન ધર્મની ફિલોસોફીએ મને એટલું તો સજાવ્યું છે કે મન કરતાં આત્માને સાંભળતા શીખવું જોઇએ. આત્માનો અવાજ હ્રદયમાંથી ઉઠતો હોય છે.અને મારો આત્મા મને અહીંથી બધી માયા સંકેલી લેવાનું કહે છે. મારી કોઇ એવી ઇચ્છા એવી નથી કે એ પરિપૂર્ણ ન થઈ હોય તો પછી શેના માટે જીવને બાંધી રાખવાનો? મારી આ અંતિમ સમયની આરાધનામાં બસ તમારો રાજીખુશીથી સાથ હોય એટલે બસ. તમારાથી છુટા પડવું એ કુદરતનો નિયમ છે અને એ નિયમ જેટલો સહજતાથી સમજી સ્વીકારી લઈએ એટલો આત્મા સરળતાથી પ્રયાણ કરે  અને આત્મા કર્મોને આધિન રહીને દેહથી છુટો થાય એ મારા માટે વિષાદની નહીં પણ ઉજવણીની ઘડી છે.”

મા ની આટલી સ્વસ્થતા જોઇને હવે તો કોઇએ કશું જ બોલવાનુ રહ્યું નહી. અક્ષરાના મનમાંથી એક પડઘો ઉઠ્યો……

“પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે બહુએ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરુ માંગે.

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગી બહુ એ સમજાવ્યં તો યે પંખી નવું પિંજરુ માંગે.

બીજા દિવસની સવારે મા એ બીના અને અક્ષરા પાસે એમના અંતિમ સમયે પહેરવાના કપડા તૈયાર કરાવ્યા. એવા સાવ સાદા કપડા જોઇને તો અક્ષરા આઘાતમાં આવી ગઇ. આજ સુધી મા ની પર્સનાલિટી કેવી હતી? મા ને કપડાનો શોખ કેવો હતો ? અત્યંત સુરુચીપૂર્ણ અને વ્યવસ્થિત.  ઘરમાં પણ ક્યારેય મા ને કડક આર-ઇસ્ત્રી વાળા કપડા સિવાય જોયા નહોતા. મનમાં હતું કે આજ સુધી મા જેવી રીતે જીવ્યા છે એવા જ ઠાઠમાં મા હોય ને !! પણ આજે સાચા અર્થમાં  મા એ સિદ્ધ કરી દીધું કે  એમના પ્રાણે એમની પ્રકૃતિને પણ વિસારે પાડીને સાચા અર્થમાં ઇશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધુ છે.

અંતિમ સમયે કોઇ બઘવાઇને કંઇ ભુલી જવાય એના કરતાં પહેલેથી જ ઘી નો દિવો, કંકુ ચંદન અને વાસ્ક્ષેપ પણ કઢાવી લીધા. શરીરનો નાશ થાય ત્યારે શરીરમાં અશુદ્ધિ ઉભી થતી હોય એટલે છેલ્લે મોં મા તુલસીના પાન મુકવાના એ પણ સમજાવી દીધું છે.

મા ક્યારેક ઝબક દિવડો બનીને ટમટમે છે. ક્યારેક સંપૂર્ણ શુદ્ધિમાં રહીને વાત કરે છે. ક્યારેક મન કોઇ એક જગ્યાએ અટવાઇને ઉભુ રહી જાય છે તો ક્યારેક મન ચંચળ બનીને ભૂતકાળમાં ભ્રમણ કરી આવે છે. હવે કોઇ ક્ષણ નિશ્ચિત રહી નથી. મન શરીરની વ્યાધિઓથી મુકત થઈ રહ્યું છે .

માંડ સમજાવીને થોડું ખાતા કર્યા હતા એનાથી જેટલી ઉર્જા એકઠી થઈ હતી તે હવે ધીમે ધીમે ખર્ચાતી જાય છે કારણકે હવે ફરી એકવાર શરીર વધારાનું કશું જ સ્વીકારવાની ના પાડે છે. ચેતના ઓછી થતી જાય છે. હવે તો ડોક્ટરે મોર્ફિન આપવાની ભલામણ પણ કરી દીધી છે જેનાથી રહી સહી વેદનામાંથી મુક્તિ મળી જાય. હવે તો આંખ પણ ઉંચી કરીને નજર માંડી શકાતી નથી. ક્યારેક સહેજ ચેતનાનો અણસાર આવે છે…આંખ ખોલે છે. એક નજર જેમની પર અતૂટ વિશ્વાસ છે એવા જગત જનની અંબાજીના ફોટા તરફ મંડાય છે તો એક પલકારો છ દાયકા સુધી હર કદમ પર સાથ આપનાર સાથીની તસ્વીર સામે મંડાય છે. જાણે ક્યાં સુધી આ વિયોગનો યોગ લખાયો છે એ જાણવા ન મળવાનું હોય !!!! દિવસોમાંથી કલાકો અને કલાકોમાંથી ક્ષણોની ગણતરી શરૂ થઈ રહી છે. કોને ખબર સ્વીકારી લીધુ છે અને તેમ છતાં ય ટાળવાની મથામણ થતી રહે છે એ ક્ષણ ક્યારે આવીને ઉભી રહેશે…

 

November 18, 2015 at 7:44 pm 13 comments

પ્રતિક્ષા

cover

“આજ તક ઐસી શર્મ મૈ ને કભી નહી મહેસુસ કિ ,મૈ યહા ઇસ જગહ પુરે તીસ સાલસે હું. પર કઇં દિનો સે મઝે લગતા હૈ કિ ચુલ્લુ ભર પાનીમેં ડુબ જાઉ”

સામે ઉભેલો પુરા પાંચ ફુટ અગિયાર ઇંચ ઉંચાઇ , પહોળા ખભા ,પાતળી કમર લાલ બુંદી જેવો ચહેરો ધરાવતો પંજાબી જાટ સતપાલ સલુજા પાણીથી ય પાતળો થઈને વાત કરતો હતો..

સતપાલ અમારી કોલેજનો હીરો હતો., એ સમયે સલમાનને કોઇ ઓળખતુ નહોતુ ત્યારે કસાયેલુ બદન , મજબૂત બાવડા કોને કહેવાય એ જાણવુ હોય તો એનુ જીવતુ જાગતુ ઉદાહરણ હતો સતપાલ. ગોરો વાન ,કાળા સુંવાળા વાળ , અણીદાર આંખો અને પાણીદાર વાણી. પંજાબી લ્હેકામાં બોલાતી હિન્દી, ફાંકડુ અંગ્રેજી અને વર્ષોથી ગુજરાતમાં રહીને પૂર્ણ વિશ્વાસ સાથે બોલાતી શુધ્ધ ગુજરાતી, ક્યાંય કોઇ જગ્યાએ કચાશ નહી અને છતાંય ક્યાંય કોઇ જગ્યાએ કોઇને ઇમ્પ્રેસ કરવાની, કોઇ વિશિષ્ઠ છાપ ઉભી કરવાની વૃત્તિ નહી. સાવ સીધો અને સરળ . જાત વિશે પુરેપુરો સભાન છતાં ય જાત વિશે ક્યાંય કોઇ ગુમાન નહી.
કોલેજ કાળના એ વર્ષો દરમ્યાન સતપાલને અવારનવાર મળવાનુ થયે રાખતુ. કોલેજના ઇલેક્શનમાં બિન-હરીફ ચુંટાનારો એ એક માત્ર ઉમેદવાર હતો. એવુ નહોતુ કે એની સામે ઉભા રહેવાની કોઇની હિંમત નહોતી પણ એની જ લાયકાત એટલી હતી કે એની સામે ઉભા રહેવાની જરૂર નહોતી. એક મતે એક અવાજે એ કોલેજના જનરલ રિપ્રેઝેન્ટેટીવ –જનરલ સેક્રેટરી તરીકે પસંદ થયે રાખતો.

કોલેજના એ સોનેરી દિવસો ક્યાંય સરસર કરતા સરી ગયા . ખુબ નજીક હતા એ પણ ક્યાંય દુર પહોંચી ગયા. હવે તો ભાગ્યને અજમાવવા નિકળેલા ભાગ્યેજ મળતા. માસ્ટર્સ ઇન કોમ્પ્ટ્યુર સાયન્સ કરીને એચ વન પર હુ પણ ડોલરિયા દેશમાં સ્થાયી થઈ ગયો.

સમય સંજોગોના આધારે યારો-દોસ્તો બદલાતા ગયા .એચ વનમાંથી ગ્રીન કાર્ડ અને ગ્રીન કાર્ડમાંથી સિટિઝનશીપ થઇ ..કંપની બદલાઇ , ઘર બદલાયા , નિવાસ સ્થાનના એરિયા બદલાયા .આ બદલાતા સંજોગોમાં ન બદલાઇ પ્રક્રુતિ. હજુ ય એ જુના દિવસો યારો દોસ્તોની મહેફિલ મનના એક ખુણે સતત ધબકતી જ રહી.
**
એક સ્થાયી જીવન , રોજીંદી ઘરેડ કોઠે પડતી જતી જ હોય છે. આવા એકધારા રોજીંદી ઘરેડમાં આજે અણધાર્યો વળાંક આવ્યો.

આમ તો લગભગ સવારે જ ગેસ સ્ટેશન પર ગેસ લઈ સ્ટારબક્સની કોફીનો કપ ભરી ઓફિસ ભણી પ્રયાણ કરવાની ટેવ હતી. ઘરથી ઓફિસ જતા એ જ ટ્રેક પર આવતા ગેસ સ્ટેશનથી ગેસ લેવાનુ અનુકુળ રહેતુ. પરંતુ આવતી કાલે રિયા અને આરવની સ્કુલમાં ફાધર્સ ડૅ સેલીબ્રેશન હતુ એટલે સવારનો સમય સાચવવા સાંજે પાછા ફરતા ઘર તરફના ટ્રેક પર આવતા ગેસ સ્ટેશન પર ગાડી ઉભી રાખી.
સામાન્ય રીતે બહારથી જ ક્રેડીટ કાર્ડ પર પેમેન્ટ કરી નિકળી જવાની ટેવ પણ આજે આ જરા ઇન્ડીયન નામ ધરાવતા કન્વીનિયન્ટ સ્ટોર તરફ જરા કુતુહલવશ પગ વળ્યા.

કેશ રજીસ્ટર પાસે ઉભેલા ઉંચા પદછંડ અમેરિકનની પાછળ સ્ટોર ઓનર ઢંકાઇ ગયો હતો પણ જેવો એ અમેરિકન કસ્ટમર ખસ્યો અને જોયુ તો પાછળ સતપાલ સલુજા…..

ઓયે સતપાલ , ઓયે પંજાબી તુ?

ઓયે સમીર તુ?

આજે પચીસ વર્ષ બાદ અચાનક સતપાલ સલુજાને જોઇને એક આવેશભરી બુમ નિકળી ગઈ. સામે એવો જ ઉમળકા ભર્યો પ્રતિસાદ મળ્યો. અને કાઉન્ટર પાછળથી આવીને એ ભેટી પડ્યો. અસલ પંજાબી……જરાય બદલાયો નહોતો. વર્ષો પહેલા જોયેલો પુરા પાંચ ફુટ અગિયાર ઇંચ ઉંચાઇ , પહોળા ખભા ,પાતળી કમર લાલ બુંદી જેવો ચહેરો ધરાવતો પંજાબી જાટ સતપાલ સલુજા . ગોરા વાન પર અમેરિકન હવાની તંદુરસ્તી દેખાતી હતી. અને કાળા સુંવાળા વાળ પર બંને લમણા પાસે સફેદી ચમકતી હતી.
ક્ષણભરના આવેશ પછી પાછી એનામાં કસ્ટમરને એટેન્ડ કરતી સલુકાઇ આવીને ગોઠવાઇ ગઈ.

“સોરી સર ,સોરી ફોર ઇન કન્વીનિઅન્સ “

“ધેટ્સ ઓકે માય બોય. આઇ કેન ફીલ યોર હેપ્પીનેસ.મને ખબર છે તમારા ઇન્ડિયામાં બધુ જ ભેળસેળ વાળુ , કશુ જ શુધ્ધ નહી પણ યસ તમારા સંબંધો ,તમારી લાગણીઓ એકદમ ખરી જ્યારે અમારા અમેરિકામાં બધુ જ શુધ્ધ મળશે પણ સંબંધો આટલા સાચા અને સાત્વિક નહી મળે..

“ધીસ ઇઝ માય ફ્રેન્ડ સમીર એન્ડ સમીર ધીસ ઇઝ મિસ્ટર રોડ્રીક. રિટાયર્ડ આર્મી ઓફીસર.”
મેં મિસ્ટર રોડ્રીક જોડે હેન્ડ શેક કર્યા.. રોડ્રીક સરસ હુંફાળુ સ્મિત આપીને નિકળી ગયા. એ પછીની અમારી થોડીક ક્ષણો “ મને સાંભરે રે તને કેમ વિસરે રે” થી શરૂ થઇ. કેટલાય વર્ષો બાદ આટલા ઉમળકાથી કોઇને મળવાનુ થયુ હશે ?

અને હવે તો મારો અઠવાડીયે એકવાર ગેસ સ્ટેશન જવાનો ક્રમ જ બદલાઇ ગયો. સવારે જવાના બદલે સાંજે પાછા આવતા સતપાલના ગેસ સ્ટેશનથી ગેસ લેવાનો , કન્વીનીયર સ્ટોરમાં અંદર જવાનુ અને સતપાલની અનુકુળતા હોય તો થોડો સમય એની સાથે ભૂતકાળને વાગોળવાનુ વર્તમાન અંગે વિચારોની આપ-લે કરવાની અને અમદાવાદથી માંડીને ઓબામા ને આવરતુ ભવિષ્ય ભાખવાનુ.
સાંજનો સમય હોય એટલે કેટલીય વાર એવુ બનતુ કે ઓફીસથી પાછા ફરતા લોકોની ઉતાવળી અવર-જવર રહેતી ત્યારે સમયની નાડ પારખીને હેલ્લો હાય કરીને નિકળી જવાનુ બનતુ. ક્યારેક એકલ-દોકલ કસ્ટમર હોય તો સતપાલનો ઇશારો પારખીને રોકાઇ જવાનુ ય બનતુ. આવા પ્રત્યેક સમયે સતપાલની કસ્ટમરને એટેન્ડ કરવાની એક અલગ જ રીત જોઇ.

અણીદાર આંખો અને પાણીદાર વાણીમાં પંજાબી લ્હેકામાં બોલાતી હિન્દી, ફાંકડુ અંગ્રેજી અને વર્ષોથી ગુજરાતમાં રહીને પૂર્ણ વિશ્વાસ સાથે બોલાતી શુધ્ધ ગુજરાતી બોલતા સતપાલને સાંભળ્યો હતો પણ હવે એમાં ભળ્યુ હતુ અમેરિકન ઍક્સન્ટવાળુ ઇંગ્લીશ.. બાર ગાઉ એ બોલી બદલાય એ માત્ર આપણે ભારતમાં જ નથી અહીં પણ અનેક અલગ અલગ લોકોની બોલી અલગ જોઇ , કહેવાનો મતલબ અહીં પણ અલગ અલગ ઍક્સન્ટથી અંગ્રેજી બોલાતુ જોયુ અને સાંભળ્યુ.

સતપાલ આ તમામ બદલાતી બોલીથી માહિત હતો અને અત્યંત કુશળતાથી એ એના તમામ કસ્ટમર સાથે એમની જ લઢણથી વાત કરતો. એના તમામ કસ્ટમર સાથે એનો એક અલગ નાતો હતો , દરેકની એક આગવી પહેચાન હતી.

હેલ્લો યંગ મેન, હાય સ્વીટી , યસ સર , ગુડ ઇવનીંગ ગ્રાન્ડ મા , મા મા મિયા ..દરેક માટે એક નવુ સંબોધન રહેતુ. હવે તો એ કોને કેવી રીતે બોલાવશે એની મને ય ખબર પડવા માંડી હતી. એક અજબ જેવો નાતો હતો એને એના કસ્ટમર સાથે. ક્યારેક કોઇ ઓલ્ડ કપલ માટે લોન મુવરની વ્યવસ્થા કરી આપતો. કોઇ ગ્રાન્ડ મા માટે પ્લમ્બર મોકલી આપતો. ક્યારેક ઘરના જરૂરી કામ માટે ઇલેક્ટ્રીશ્યન કસ્ટમરને ને પોતાના ઘરની ચાવી આપીને કામ પતાવવા ય કહી શકતો. દરેક જણ સાથે એકદમ આત્મિયતા છલકાતી નજરે પડતી. નવરાશની પળોમાં સતપાલ સાથે આરામથી વાતો કરતા એના કસ્ટમરને જોઇને નવાઇ લાગતી .સામાન્ય રીતે અમેરિકનો પોતાના મનની વાત સૌ કોઇ પાસે ખોલીને કરતા હોય એવુ ભાગ્યેજ જોયુ હતુ . અહીં તો સતપાલ સાથે પોતાના મનનો પટારો ખોલી મુકતા ,દિલનો ઉભરો ઠાલવી દેતા જોયા. આ કમાલ હતી સતપાલના સ્વભાવની , સહજતાથી સૌ કોઇને પોતાના બનાવી લેતા હુંફાળા આવકારની.

ખુબ નવાઇ લાગતી મને .પણ એ તો દરેક સમયે દરેક જણ જોડે અત્યંત સહજ અને નિશ્ચિંત લાગતો. દરેક જોડે એક વિશ્વાસનો નાતો હતો. અતુટ વિશ્વાસન અને વ્હાલનો….

“ યાર , આ દેશમાં આવીને હું એક વાત શિખ્યો છું અહીં કોઇ પોતાનુ નથી તો ય બધા મારા છે. આટલા વર્ષો અહીં આ એક જ જગ્યા એ કામ કરતા કરતા મને અનેક લોકોનો પ્રેમ મળ્યો છે, અનેક લોકોનુ વ્હાલ મળ્યુ છે. કશુ જ લઈને આવ્યા નથી અને કશુ પોતાની સાથે લઈ જવાના નથી તો પછી શા માટે આપણે સૌને ખુલ્લા દિલે નહી આવકારવાના ? ખુલ્લા મને નહી સ્વીકારવાના ? “
એની વાતોમાં તથ્ય ય હતુ . એ સંબંધોનો માણસ હતો. સંબંધો થકી અમીર હતો નહી તો આજે આટલે દુર આટલી આત્મીયતા કોણે જોઇ છે! કોણે અનુભવી છે!

એ ઘણીવાર એના અને એના કસ્ટમર સાથેના ક્યારેક ઉપર છલ્લા તો ક્યારેક તલસ્પર્શી- હ્રદયસ્પર્શી સંબંધોની , વ્યહવારની લેવડ દેવડની વાતો કરતો. અખુટ વાતોનો ભંડાર હતો એની પાસે. હવે તો હું ય એના ઘણા બધા કસ્ટમરને નામથી ખાસિયતથી ઓળખતો થઈ ગયો હતો.

આજે ફરી એક વાર મિસ્ટર રોડ્રીક મળી ગયા. પણ બસ એક જસ્ટ હેલ્લો. આગળ મળ્યાનો કોઇ અણસાર નહી , આંખમાં કોઇ ઓળખ નહી. જરા નવાઇ તો લાગી મને . ભારતિય સંસ્ક્રુતિ અને લાગણીભર્યા સંબંધો માટે જેણે સરસ વાત કહી હતી એ જ માણસ આજે સામે જોઇને સ્મિત પણ આપ્યા વગર નિકળી ગયો.

“ બસ આ એક જ એવી વ્યક્તિ છે જેણે ક્યારેય એનુ મન કળાવા દીધુ નથી કે કોઇને એની નજીક આવવા દીધા નથી. એ દિવસો તો તારુ નસીબ પાધરુ હતુ કે તને એનુ એક સ્માઇલ જોવા મળ્યુ બાકી તો એ અહીં આવે છે ય બહુ જ ઓછુ અને ભાગ્યેજ જરૂર કરતા એક મિનિટથી વધારે રોકાતા નથી. રિટાયર્ડ આર્મી ઓફીસરની કડપ કદાચ હજુ એમનામાંથી ઓસરી નથી “

હશે … મારે શું ? મને તો કોઇ ફરક પડવાનો નહોતો. પણ અજાણતા જ એક ભોંઠપની લાગણી છેક અંદર સુધી ઉતરી ગઈ.

આ જીનેલીયા આ જ્હોન ,આ પેટ્રીક ,આ ચેલ્સીયા , આ માર્થા,…એના સ્ટોર પર આવતા કસ્ટમર વિશે આછી પાતળી એ વાતો કર્યા કરતો. કોઇ ચોક્કસ પ્રકારની સીગરેટનુ બંધાણી હતુ તો કોઇની ખાસ આલ્કોહોલની માંગણી રહેતી. કોઇ લોટરી લેવા આવતુ તો કોઇ લોટૉ રમવા આવતુ.
એમાં એક મારિયા હતી જે ચોક્કસ નંબર પર લોટરી રમવાની આગ્રહી હતી. રોજે એ નિયત નંબર પર લોટરી રમતી. ક્યારેક એવુ બને કે લોંગ વિક એન્ડ પર શહેરથી બહાર ગઇ હોય તો પણ એ સતપાલને એના વતી રમવાનુ કહીને જતી અને સતપાલ રમતો ય ખરો.

નાની મોટી રકમ એ જીતતી પણ ખરી. ક્યારેક એને સતપાલ બીજા નંબરથી રમવાનુ કહેતો પણ એ તો એના એ જ નંબર પર રમવાની આગ્રહી હતી. ઉંડે ઉંડે એને આશા હતી કે જીસસ એને આ નંબર પર મોટી લોટરી જીતાડી આપશે.

સતપાલ અત્યારે એ મારિયાની વાત કરી રહ્યો હતો. એના અવાજમાં અત્યંત હીણપતનો ભાવ હતો, એના ચહેરા પરનુ હાસ્ય અને લાલીમા ગાયબ હતી . એની જગ્યાએ આવી બેસી ગઈ હતી ઘોર શરમની કાલિમા .હંમેશા હસતા ચહેરા પર શ્યામ વાદળી જોઇ. આજે ફરી ઘણા વખતે રોડ્રીકની એન્ટ્રી સતપાલના સ્ટોરમાં થઈ હતી. .ક્યારેય કોઇ વાતમાં ભાગ્યેજ દિલચશ્પી લેતા રીટાયર્ડ આર્મી ઓફીસર મીસ્ટર રોડ્રીકે સતપાલને એની ઉદાસીનુ કારણ પુછ્યુ.

જે સવાલ હું કરવા માંગતો હતો એ સવાલ રોડ્રીકે પુછતા મેં વચ્ચે બોલવાનુ ટાળ્યુ.
બન્યુ એવુ કે ક્રીસમસના આ લોંગ વીક એન્ડ પર ગયેલી મારિયા સતપાલને હંમેશની જેમ એના એ ચોક્કસ નંબર રમવાનુ કહીને ગઈ હતી . બે દિવસ તો સતપાલ એ નંબરો રમ્યો ય ખરો પરંતુ એક દિવસ ન બનવાનુ બની ગયુ. ફુડ પોઇઝનના લીધે સતપાલ ત્રીજા દિવસે એના સ્ટોર પર જઈ જ ના શક્યો અને એની ગેરહાજરીમાં એનો સ્ટોર સંભાળતા એના દિકરાને એ મારિયાના નંબર રમવાનુ કહેવાનુ ભુલી જ ગયો અને એ જ દિવસે મારિયાનુ નસીબ અને જીસસે આપેલી દુવા કામ કરી ગઇ અને મારિયાને સ્ટ્રેટ નંબર પર ૫૦૦ ડૉલરની લોટરી લાગી. અને ત્રીજા દિવસે પ્રગટ થયેલી મારિયાએ એના જીતેલા ડોલરની ઉઘરાણી સતપાલ પાસે કરી અને કરે જ એ વ્યાજબી વ્યહવારિક વાત હતી એ તો સતપાલે ય સમજતો હતો પરંતુ ન સમજી શકી મારિયા.

સતપાલના લાખ પ્રયત્નો છતાં મારિયા સતપાલની વાતને સમજવા અને સ્વીકારવા તૈયાર જ નહોતી. કે જે દિવસે એના નંબરો લકી સાબિત થયા હતા એ દિવસે સતપાલનુ લક એની ફેવરમાં નહોતુ , એ દિવસે એ સ્ટોર પર આવી જ શક્યો નહોતો અને મારિયાના નંબરો રમવાના જ રહી ગયા હતા. ક્રોધથી ધુંવાફુવા થતી મારિયા સ્ટોર છોડીને જતી રહી હતી. મારિયાને સતપાલની વાત પર વિશ્વાસ જ આવતો નહોતો કે સાચે જ સતપાલ એ દિવસે મારિયાના નંબર રમી શકવા હાજર જ નહોતો.

“ શી વીલ નોટ બિલિવ ઇટ, ડેફીનેટલી વીલ નોટ એક્સેપ્ટ યોર ક્લેરીફીકેશન માય બોય. “

“ વ્હાય ? બટ વ્હાય શી વીલ નોટ બિલિવ ઇટ? “આટ આટલા વર્ષોથી એ આવે છે. ક્યારેક નાની મોટી ચીજ વસ્તુઓ લે છે અને કાયમ લોટરી રમે છે. એની ગેરહાજરીમાં નાની મોટી રકમ એ જીતી હોય તો હું એને આપી દઉ છું તો આ વખતે મારી વાત ન માનવાનુ કોઇ કારણ ?”

“ કારણ માત્ર એટલુ જ કે એ આ વખતે સાચે જ મોટી રકમ જીતી છે. તને ખબર નહી હોય કે ૫૦૦ ડોલર રકમ કંઇ નાની ન કહેવાય .એ તો એમ જ માનવાની કે તું એના નંબર રમ્યો , એ જીતી પણ એની રકમ તું ચાંઉ કરી ગયો છું.”

આઘાતનો માર્યો સતપાલ સડક જ થઈ ગયો. આ શક્યતાનો તો એને વિચાર સુધ્ધા નહોતો આવ્યો. આવુ બની શકે? આવુ કોઇ વિચારી શકે? વિશ્વાસે વહાણ ચાલતા હતા સતપાલના જીવનમાં, એ માની શકતો નહોતો કે આવુ બની શકે? ક્યારેય કોઇ છેતરપીડીં એણે કોઇ સાથે આચરી નહોતી કે આજ સુધી એના વિશ્વાસને કોઇએ તોડ્યો હતો. અને આ મારિયા આવુ વિચારી શકે ? મારિયા આવુ વિચારે જ કેવી રીતે? હતપ્રભ થઈ ગયેલા સતપાલને એમ જ વિચારવિહીન અવસ્થામાં મુકીને રોડ્રીક ચાલતા થયા. લગભગ એન્ટ્રન્સ ડોર પાસે જઈને એ પાછા આવ્યા અને લોંગ કોટના ખીસ્સામાંથી ૫૦૦ ડોલર કાઢીને સતપાલના કાઉન્ટર પર મુક્યા.

“ કાલે એ આવે તો એને આ ૫૦૦ ડોલર આપી દેજે. “ કહીને રોડ્રીક સતપાલને એ જ વિચારવિહીન અવસ્થામાં મુકીને ચાલતા થયા. સતપાલ હજુ તો કંઇ સમજે ,વિચારે એ પહેલા તો એ એમની કાર હંકારીને અદ્રશ્ય થઈ ગયા.

હવે આશ્ચ્રર્યથી દિગ્મૂઢ થવાનો વારો હતો મારો.

આજ સુધી સતપાલ જે રીતે એના કસ્ટમરની વાતો કરતો એમાં એના સરસ સાલસ સંબંધોની વાતો રહેતી. એક સરસ સંવાદિતા હતી એના તમામ કસ્ટમર સાથે. બસ નહોતી તો એક આ રોડ્રીક સાથે. સ્ટોરની અત્યંત ઓછી મુલાકાત લેતા અને ભાગ્યેજ એ મુલાકાતને ઔપચારિકતાથી આગળ વધવા દેતા રોડ્રીક આજે કોઇ આત્મીય કરતા પણ અધિક સાબિત થયા હતા .

સમજણ નહોતી પડતી કે મારે શું કહેવુ?

સમજણ નહોતી પડતી સતપાલને કે એણે શું કરવુ?

પણ આજે ય સતપાલને પ્રતિક્ષા છે મારિયાની એને એના હકના ૫૦૦ ડોલર આપવા માટે અને આજે પણ સતપાલને પ્રતિક્ષા છે રોડ્રીકની એમના ૫૦૦ ડોલર પાછા વાળવા માટે.

નથી મારિયા પાછી વળી કે નથી એ દિવસ પછી રોડ્રીક પાછા દેખાયા.

આ ટુંકી વાર્તા ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ના પ્રતિલિપિના સંકેત મેગેઝીનમાં પ્રસિદ્ધ થઈ.

 

September 21, 2015 at 2:02 am 15 comments

ઘ ઘર નો ઘ

Grandparents

ઘ ઘર નો ઘ….

પણ આ ઘરની વ્યાખ્યા શું? ચાર દિવાલની વચ્ચે અને એક છતની નીચે સજાવેલું ફર્નિચર? ઇન્ટીરીયર ડીઝાઇનરે આપેલી રૂપરેખા પરથી ટેસ્ટફુલી સજાવેલું એક મકાન?

છેલ્લા કેટલાય સમયથી પૂર્વીના મનમાં આ પ્રશ્ન ઘોળયા કરતો હતો. શહેરના ઉચ્ચ મધ્યમવર્ગી વિસ્તારમાં આવેલા ઉચ્ચ મધ્યમવર્ગી ફ્લેટના ચોથા માળે થ્રી, બી એચ કે એટલે કે ત્રણ બેડરૂમ, હોલ, કિચન ધરાવતા આ આવાસને ઘર કહી શકાય? ઘરની રસ્તા પર પડતી બાલ્કનીમાં બેઠી બેઠી પૂર્વી વિચારતી હતી.

નિલય બેંકમાં જોબ કરતો હતો. એ નિલયને પરણીને આવી ત્યારે તો તે ટેનામેન્ટમાં રહેતો પરિવાર હતો. કુંતાબેન અને પ્રવિણભાઇનું એક માત્ર સંતાન એટલે નિલય. ખુબ પ્રેમથી સૌએ પૂર્વીને આવકારી. કુંતાબેનને તો જાણે દિકરીની ખોટ પુરી થઈ એટલા વ્હાલથી પૂર્વીના ઓવારણા લીધા. પૂર્વીના મનમાં આજ સુધી થડકારો હતો કે સાસરું એટલે સાસરું. સાસરામાં સમાવા માટે તો દૂધમાં સાકરની જેમ ભળીએ અને તો ય ક્યારેક આંગળીથી નખ વેગળા એટલે વેગળા….એ એનું ઘર તો ક્યારેય બની નહીં શકે.

પણ પૂર્વીને ક્યારેય એવું ના લાગ્યું કે એ સાસરામાં છે. હા! મા-બાપુ ના ઘર કરતાં આ ઘર જુદી દિશામાં અને જરા જુદી રીતનું હતું પણ ઘરની અંદરનો ઉમળકો તો મા-બાપુના ઘર જેવો અને જેટલો જ હુંફાળો હતો. જોત જોતામાં પાંચ વર્ષ વિતી ગયા અને આ પાંચ વર્ષમાં પૂર્વી સપન અને સેજલની મમ્મી પણ બની ગઈ. સપન અને સેજલ ગર્ભમાં હતા ત્યારે પણ કુંતાબેને એની કેટલી કાળજી રાખી હતી! પૂર્વીને જ્યારે પેટમાં જોડીયા બાળકો આકાર લઈ રહ્યા છે એવી જાણ થઈ ત્યારે કેટલી અને કેવી ય ચીંતા થઈ ગઈ હતી?

નિલયથી માંડીને પ્રવિણભાઇએ પણ એની કેટલી દરકાર કરી હતી? અને કુંતાબેન ? એ તો ઓળઘોળ જ થઈ ગયા હતા. સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ પૂર્વીની ખવડાવવા પિવડાવાથી માંડીને એના ઉઠક બેઠકની પણ કેટલી કાળજી લીધી હતી! સવાર સવારમાં વહેલા ઉઠીને બદામનું દુધ, જ્યુસ ફ્રેશ ફ્રુટ , જાત જાતના સલાડ અને પૂર્વીની બદલાતી હેડ પ્રમાણે જે ખાવાની મરજી થાય એ પ્રમાણે રોજે રોજનું મેનુ નક્કી થતું.

સપન અને સેજલના જન્મ સમયે પણ એમને તો ક્યાં પૂર્વી ને પિયર મોકલવી હતી? પણ મા એ જ તો આગ્રહ કરીને તેડી હતી ને! સવા મહિનો થતામાં તો કુંતાબેન તરફથી ઘેર આવવા માટેનું તેડું આવી ગયું. નણંદ-દિયર તો હતા નહીં પણ કુંતાબેન જ ખુદ નિલયને લઈને પૂર્વીને તેડવા આવી ગયા હતા. અને જેટલા લાલન –પાલન પૂર્વીના કર્યા તેના કરતાં ય અદકેરા લાડ સપન સેજલને લડાવ્યા. એક ઘડી પણ બા-દાદાથી છુટા પડવું ગમતું નહીં. બંને જણ બા-દાદાના કેટલા હેવાયા થઈ ગયા હતા ! રાત્રે સુતા સમયે પણ બા-દાદાની વાતો સાંભળતા તેમની સાથે જ સુવાનું.

બાલ્કનીમાં બેઠેલી પૂર્વીની નજર સામેથી સાંજનો ટ્રાફિક જ નહોતો વહી રહ્યો પણ સાથે સાથે છેલ્લા સાડા સાત વર્ષની સફર નજર સામેથી જાણે વહી રહી હતી. ભાગ્યેજ કોઇ દિવસ એવો ઉગ્યો હોય કે બા-દાદા સપન-સેજલને મુકીને બહાર ગયા હોય. સવારે બંને તૈયાર થઈને સ્કૂલે જાય તે પછી જ મંદિરે દર્શન કરવા જવાનો નિયમ પણ તે દિવસ સુધી જાળવી રાખ્યો હતો.

આમ તો મંદિરે પણ બંને ચાલતા જ જતા પણ હમણાં હમણાંથી પપ્પાને ક્યાં ઠીક રહેતું હતું, ચાલતા થોડો શ્વાસ ભારે થઇ જતો હતો. ઉંમરનો તકાજો, બાકી તો બધા જ મેડિકલ રિપોર્ટ સાવ નોર્મલ હતા.

“મમ્મી-પપ્પાએ આજ સુધી મારું તારું છોકરાઓનું ખુબ ધ્યાન રાખ્યું છે. હથેળીના છાંયે રાખ્યા છે સૌને નિલય, હવે આપણો વારો છે એમને આરામ –સુખ-ચેનના દિવસો આપવાનો. જો તું ગાડી ના બદલે કાઇનેટીક લઈને બેંક જાય તો હું મમ્મી-પપ્પાને જ્યાં જઉં હોય ત્યાં લઈ જઈ શકું. હવે મારે મમ્મીને સાચે જ આરામ આપવો છે. ઘણું કર્યું આજ સુધી એમણે. પરણીને આવી ત્યારથી સપન-સેજલ મોટા થયા ત્યાં સુધી આ સાડા સાત વર્ષથી અને એ પહેલા તો કેટલાય વર્ષોથી મમ્મીએ લગાતાર ઘરની જવાબદારી સંભાળી છે.” પૂર્વીએ નિલયને સમજાવી લીધો હતો અને નિલય પૂર્વી માટે લીધેલુ કાઇનેટીક લઈને બેંક પર જતો થયો હતો અને પૂર્વીએ ગાડી વાપરવાનું શરૂ કર્યું હતું. બા-દાદા માટે સ્તો.

નિલય પૂર્વીની ભાવના સમજી શકતો હતો અને એટલે જ એણે ગાડીના બદલે કાઇનેટીક લઈને જવાનું મંજૂર રાખ્યું. અને તે દિવસથી સપન-સેજલ સ્કૂલે જાય તે પછી પૂર્વી મમ્મી-પપ્પાને મંદિરે લઇને જતી થઇ હતી. પરંતુ તે દિવસે સ્કૂલમાં પેરન્ટ્સ મીટીંગ હતી. પૂર્વીએ મમ્મી-પપ્પાને મંદિરે ઉતારી તો દીધા પણ પાછા વળતા મમ્મી-પપ્પાને લેવા માટે મોડું થાય એમ હતું એટલે તેમને ચાલતા જવાના બદલે આગ્રહપૂર્વક રીક્ષામાં જ પાછા જવા સમજાવી લીધા.

એ દિવસનો અફસોસ આજે પણ પૂર્વીને કોરી ખાતો હતો. રીક્ષામાં પાછા વળતા ટેમ્પા સાથે જોરથી અથડાયેલી રીક્ષા ઉથલી પડી હતી અને કુંતાબેન-પ્રવિણભાઇ ખરાબ રીતે રીક્ષાની નીચે દબાયેલી અવસ્થામાં જ આ દુનિયા અને પાછળ રોતા કકળતા પરિવારને છોડીને ચાલી નિકળ્યા હતા.

નિલય-પૂર્વી જ નહીં સપન સેજલની દુનિયા પણ સૂનકારભરી બને ગઇ હતી. ઘર જાણે ખાવા ધાતું હતું. મમ્મી-પપ્પાથી જ આ ઘર હતું. દિવસો નહીં મહિનાઓ વિતી ગયા હતા પરંતુ ઘરમાં છવાયેલો શૂન્યાવકાશ કેમે કરીને ભરાતો નહોતો. સપન-સેજલ બા-દાદા વગર હિજરાતા હતા. એકલા સુવા તો ક્યારેય ટેવાયેલા નહોતા એટલું જ નહીં સમજણા થયા ત્યારથી બા-દાદા વગર પણ ક્યાં સુતા હતા? રાત પડે બા ના ભજન, દાદાની વાતો વગર તો સપન-સેજલને ઉંઘ પણ ક્યાં આવતી!

મમ્મી, બા-દાદા ક્યારેય પાછા નહીં આવે? “ સતત પુછાતો રહેતા આ સવાલનો પૂર્વી પાસે પણ જવાબ નહોતો. એને પોતાને પણ કેટલા અરમાન હતા, મમ્મી-પપ્પાની સેવા કરવાની. જેટલા લાડેકોડે મમ્મીએ એને સાચવી હતી એના કરતાં કંઈ કેટલાય ઘણું પાછું વાળવું હતું. ઘરમાં એકલી પડતી પૂર્વી પણ સોરાતી રહેતી.

પણ એક દિવસ પૂર્વીએ નિર્ણય લઈ લીધો. આ ઘર હવે બા-દાદા વગરનું નહીં રહે, એણે નિલયને પણ સમજાવ્યો અને એક દિવસ પૂર્વીની મરજી મુજબ છાપામાં માતા-પિતા જોઇએ છે ના મથાળા હેઠળ જાહેરખબર પણ મુકાઇ ગઈ.

પૂર્વીએ ખુબ ચોખવટથી અને ભારપૂર્વક લખાવ્યું હતું કે માત્ર અને માત્ર તેના ઘરમાં નાના બાળકોનો  સૂનકાર ભરવા માટે અને તેના પરિવારનો છાંયો બની રહે તે માટે જ એક એવા કપલની જરૂર છે જે સાચા અર્થમાં બા-દાદા બની રહે.

અને તે પછી તો જ્યાં સુધી સપન-સેજલ માટે બા-દાદાની ખોજ પુરી ના થઈ ત્યાં સુધી પૂર્વી જરાય પગ વાળીને બેઠી નહીં. વૃદ્ધાશ્રમ જ તો એના માટેનું સૌથી યોગ્ય ઠેકાણું હતું. પરિવારથી તરછોડાયેલા ઘર વગર હિજરાતા માતા-પિતાથી વધીને તો આ વેદના કોણ સમજી શકવાનું હતું?

શહેરના છેવાડે આવેલા વૃદ્ધાશ્રમમાં પૂર્વીની આવન-જાવન વધી ગઇ. એણે મન ખોલીને પોતાની વાત કોઇની સાથે કરી નહોતી. એ માત્ર સૌની વાતો સાંભળતી રહી. અવાર-નવાર સૌને મળતી રહી. કેટ-કેટલીય મનો-વ્યથાઓ વેરયેલી હતી ચારેકોર…સંતાનોના સુખ માટે આયખું આખું ઘસી નાખ્યું હોય અને સંતાનો પગભર થયા અને મા-બાપ આંખના કણાની જેમ ખુંચવા લાગ્યા હોય એવા તો કેટલાય અભાગી લોકોને જોયા. એક હકિકત પૂર્વીએ તારવી કે જ્યાં સુધી માતા-પિતા બંને હયાત હતા, જોડી અખંડ હતી ત્યાં સુધી તો સંતાનોએ એમને થોડા-ઘણા પણ સાચવ્યા પરંતુ જ્યાં જોડી ખંડિત થઈ ત્યાં જે એક બાકી રહ્યું તેના માટે દિવસો દોહ્યલા બની ગયા હતા એવા વડીલો ય હતા. પરંતુ પૂર્વીને તો એવા વડીલની શોધ હતી જે ખરેખર તેમના પરિવાર માટે ઝૂરતા હોય, સંતાનો જ નહીં તેમના પૌત્ર પૌત્રીનો પણ ઝુરાપો સાલતો હોય.અને એક દિવસ એની શોધ પુરી થઈ ખરી.

સાવિત્રીબેન અને સિતાંશુભાઇ ……

પૂર્વીએ પેટ ભરીને એમની વાતો સાંભળી. અને એમણે દિલ ખોલીને વાતો કરી. તેમને પણ એક માત્ર સંતાન, તે અને તેની પત્નિ બંને જણ મલ્ટીનેશનલ કંપનીમાં સાથે કામ કરતાં પ્રેમમાં પડ્યા અને પરણ્યા. સંતાનો થયા. નાના હતા ત્યાં સુધી દાદા-દાદીની જરૂર રહી પણ ત્યાર બાદ ઊંચી પોસ્ટ પર કામ કરતી પત્નિને બંને જણની સાદગીમાં પછાતપણું દેખાવા માંડ્યું. સીધા સરળ મા-બાપના ઉછેર અને ગૂગલના અપ રેઝમાં ફરક પડતાં પૌત્રવધુએ નારાજગીનો ઝંડો ઉપાડ્યો અને અંતે બંને જણને પૌત્ર-પૌત્રીને છોડીને અહીં આવીને વસવું પડ્યું. મુડી કરતાંય વ્યાજ વધારે યાદ આવતું હતું અને એમને ય ખબર હતી કે બાળકો એમના વગર સૂના પડી ગયા હશે પણ વાત  હવે હાથ બહાર નિકળી ગઈ હતી.

પૂર્વીની જે ઇચ્છા હતી એ અહીં પરિપૂર્ણ થતી હતી. હવે પૂર્વીએ પોતાની પેટછુટી વાત કરી. બા-દાદા હવે તમે અહીં નહીં રહો. તમારે તમારું પોતાનું ઘર હશે. મુડી તમારી નથી પરંતુ વ્હાલનું વ્યાજ તમે ભોગવશો એ મારા તરફથી તમને જીવનભરની ખાતરી છે. તમે અમારા ઘરને અમારા પરિવારને અપનાવો બસ એટલી મારી વિનંતી છે..

દેવ-ઉઠી અગિયારશના વિજય મુરતે નિલય સાવિત્રીબેન અને સિતાશુંભાઇને લઈને ઘર તરફ આવતો હતો. પૂર્વી સપન-સેજલને એમના બા-દાદા આવી રહ્યા છે એની વધામણી આપતી હતી અને ઘર આંગણે દિવા પ્રગટાવીને આરતીની થાળી લઈને ઉભી હતી…

મનની હોંશ પુરી થઈ હતી. ઘર ફરી એકવાર ઘર બનીને ચહેકવાનું હતું, પરીકથાની સ્વપ્ન દુનિયા રચાવાની હતી. રાજા અને રાણીના દરબાર ભરાવાના હતા, ભજનનો ગુંજારવ ઘરને મંદિર બનાવવાનો હતો. કિલ્લોલ કરતું ઘર ફરી એકવાર ખરા અર્થમાં વ્હાલની વ્યાખ્યા સજીવ કરવાનું હતું.

 

  • સહિયારા સર્જન માટે લખેલી વાર્તા.

 

 

August 14, 2015 at 1:16 am 7 comments

રે પસ્તાવો

images.jpg3

શૈલજા……………

પિક અપ ધ ફોન પ્લીઝ.

શૈલેશ છેલ્લી ત્રીસ મિનિટમાં તેત્રીસ વાર શૈલજાને ફોન જોડી ચુક્યો હતો પણ સામથી સતત એકધારી નિરાશા જ પડઘાતી હતી. .

“તોબા ભઇસાબ આ તારી શૈલુથી તો “ ક્યારેક અકળાઇને શૈલેશ જાનકીને ફરિયાદ કરતો ત્યારે જાનકી ય સતત એકધારા એક સરખા જ જવાબ આપતી.

“ શૈલુની જ ક્યાં વાત કરે છે , આજકાલના દુનિયાભરના આ બધા નમુનાઓ માટે મા-બાપની આ જ ફરિયાદ છે. તમે ફોન કરો અને ફુરસદ હોય તો જવાબ મળે નહીં તો સીધો મેસેજમાં જ જાય.”

“ બધાની અહીં ક્યાં વાત છે , દુનિયાભરના લોકોને જે કરવુ હોય એ કરે મારે તો માત્ર લેવા-દેવા છે મારી શૈલુ જોડે. હું ફોન કરુ ને એણે મારી સાથે વાત કરવી જ પડે.’

“ એ તારો કાયદો છે ને ? એણે માન્ય રાખ્યો છે કે નહીં એ તેં એને પુછ્યુ છે?

જ્યારે જ્યારે શૈલેશ શૈલેજાને ફોન કરતો અને એનો સામે જવાબ ન મળે ત્યારે ત્યારે આ ફરિયાદ અને આ જ સવાલ અને આ જ જવાબ બંને પતિ-પત્નિ વચ્ચે થયા કરતા.

મુળ અમેરિકામાં સ્થાયી થયેલા પરિખ પરિવારની જાનકી કૌટુંબિક પ્રસંગે ભારત આવી અને બે મહિનાના લાંબાં વેકેશન દરમ્યાન શૈલેશ જોડે પરિચયમાં આવી. પરિચય પ્રણયમાં અને પ્રણય પરિણયમાં પરિવર્તીત થયો .સ્વદેશ કરતા વિદેશમાં વધુ જલ્દી અને વધુ સારી પ્રગતિ થશે એવી જાનકીની માન્યતાને માન્ય રાખીને શૈલેશે પણ અમેરિકા પ્રસ્થાન કર્યુ .

એક શરત સાથે “ જો જાનુ ,તારી વાત સર આંખો પર પણ મારી ય એક મરજી જાણી લે તારા ફેમિલી સાથે રહેવાની કે તારા ફેમિલી બીઝનેસમાં જોડાવાની કોઇપણ જાતની મારી ઇચ્છા નથી કે ના તુ પણ એના માટે આગ્રહ રાખતી.. મારી આ વાત તને મંજુર હોય તો જ અમેરિકા આવવાની મારી મંજુરીની આશા રાખજે નહીં તો આ વાત અહીંથી શરૂ થયા પહેલા જ આપણે બંધ કરી દઇએ.

અને ખરેખર જાનકીએ શૈલેશની આ વાતને રાજીખુશીથી વધાવી લીધી. એણે ક્યારેય શૈલેશને પરિખ પરિવારના વર્ષોના જામેલા બિઝનેસમાં આવવાનો કે જોડાવા માટે શૈલેશને ક્યારેય આગ્રહ કરવાની વાત તો દુર એ પોતે પણ એમાંથી બહાર આવી ગઈ અને શરૂ થયો શૈલેષ જાનકીનો ઘર સંસાર. શરૂઆતના પાંચ વર્ષ તો કેવા વિત્યા ?

“ જો જાનુ, શૈલેશ જાનકીને વ્હાલથી જાનુ કહેતો.” આપણે બાળકને તમામ સુખ સગવડોથી ભરેલુ , હસતુ રમતુ બાળપણ ન આપી શકીએ ત્યાં સુધી તો બાળકનો વિચાર સુધ્ધા નહી કરવાનો.” એક દિવસ જાનકી એ પોતાની બાળક માટેની ઇચ્છા પ્રગટ કરી પણ શૈલેષ એ બાબતે મક્કમ હતો. બીજા બે વર્ષ આગળ વાત ગઈ.

અને ખરેખર એ દિવસ આવ્યો જ્યારે શૈલેષ અને જાનકી એક એવી સ્થિરતાએ પહોંચ્યા કે એમની ઇચ્છા મુજબ એ એમના બાળકને એનુ બાળપણ આપવા શક્તિમાન થયા અને એમના જીવનમાં આવી શૈલજા.

શૈલેષની તો દુનિયા આખી શૈલજાથી શરૂ થઈને શૈલજામાં જ સમાઇ જતી. “હથેળીના છાંયે રાખવી છે આપણી શૈલુને હોં કે !”

જાનકી હસી પડતી “ દુનિયામાં આ કંઇ પહેલ વહેલુ સંતાન છે ?કયા મા-બાપને પોતાના સંતાનને લાડ લડાવાની હોંશ નહી થતી હોય? “

“ મારા માટે તો મારી તારી આપણી દુનિયામાં આ પહેલુ બીજુ કે ત્રીજુ જે કંઇ છે એ આ જ માત્ર શૈલી છે અને રહેશે. “

ક્યારેક શૈલજા , ક્યારેક શૈલુ તો ક્યારેક શૈલી …..

એક હદ વટાવી જાય એવી ઘેલછા શૈલેષને શૈલજા માટે હતી. જાનકી ક્યારેક એની વધુ પડતી કાળજી માટે રોકતી –ટોકતતી પણ શૈલેષ જેનુ નામ ,એ જાનકીની રોક-ટોકને એક કાનેથી બીજા કાને કાઢી નાખતો.

“ જાનુ , શૈલી આવતા મહીને એક વર્ષની થશે. એક શાનદાર પાર્ટી તો હોની ચાહીએ.”

ભડકી ઉઠી જાનકી એની આ વાત સાંભળીને “ જો શૈલેષ આ એક વર્ષની પાર્ટીનો મારા મતે કોઇ અર્થ નથી. એ થોડી સમજણી થાય તો એને પણ મઝા આવે. એ પાંચ વર્ષની થાય ત્યારે વાત.

“કોણે કીધુ એ એક વર્ષની થઈ એની આ પાર્ટી કરવી છે? મારે તો એ સૌથી પહેલુ ડૅડા બોલતી થઈ એનુ ગૌરવ સેલીબ્રેટ કરવુ છે. મા , મમ્મા કે મૉમ તો બધા ય બોલતા શીખે પણ કયુ બાળક સૌથી પહેલો શબ્દ ડૅડા બોલ્યુ છે? પ્લીઝ આ વાતની તું ના નહી પાડતી. પછી તુ કહીશ ત્યારે બીજી પાર્ટી કરીશુ પ્રોમીસ બસ!”

અને ધરાર શૈલેષે શૈલજાના પ્રથમ જન્મદિવસે એના ડૅડા હોવાના ગૌરવની ઉજવણી કરી.

શૈલજાના એ પ્રથમ જન્મ દિવસથી માંડીને આજ સુધીની એક એક ક્ષણની શૈલેષ પાસે વ્હાલભરી યાદો હતી. અને એ યાદો એને વારંવાર વાગોળવી ગમતી, જાનકી જોડે- શૈલજા જોડે. જાનકી તો એની એ વાતો ય સાંભળ્યા કરતી પણ હવે શૅલીની ધીરજ ખુટી જતી. શૈલેશ ભુતકાળ વાગોળવાનો શરૂ કરે અને બીજી જ ક્ષણે એ બોલી ઉઠતી…

“ ડૅડુ , પ્લીઝ નોટ અગેઇન , આઇ નો એવ્રી થિંગ .મને બધુ જ ખબર છે અને મને યાદ પણ છે સૉ નાઉ ડોન્ટ રિપીટ ઑલ ધેટ અગેઇન એન્ડ અગેઇન.. આઇ હેવ લોટ્સ ઓફ ધ થિંગ્સ ટુ ડુ.”

“ જોયુ જાનકી ? કેટલી કાલીઘેલી એકની એક વાતો એ મારી સાથે કર્યા કરતી નહોતી ? તો મેં ક્યારેય કીધુ કે આઇ હેવ લોટ્સ ઓફ ધ થિંગ્સ ટુ ડુ? કંઇ કામ હોય તો ડૅડુ યાદ આવે પણ ડૅડુને દિકરીની યાદ આવે અને દિકરી સાથે વાત કરવાનુ મન થાય તો એની એપોઇન્ટમેન્ટ લેવાની?

“શૈલેષ , સમજવા પ્રયત્ન કર તુ ,ગીવ હર સમ સ્પેસ. તારી વાત સાચી છે તારી દુનિયા શૈલુ છે પણ હવે આપણી દુનિયાથી અલગ બીજી એક દુનિયા એના માટે વિસ્તરી છે જેમાં એને એની અલગ ઓળખ ઉભી કરવાની છે. હવે એ માત્ર આપણી નાનકડી શૈલજા નથી રહી. આ સમયનો તકાજો છે એ એના આવનારા સમય માટે સજ્જ થઇ રહી છે ત્યારે તુ એને બાંધી રાખવાની ખોટી મથામણ ના કર. તુ જ કહેતો હતો ને કે સાચો પરિવાર એને કહેવાય જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય..સુચન ન હોય પણ સમજણ હોય. સંપર્ક ના હોય તો પણ સંબંધ તો હોય જ. એ અત્યારે આપણા સંપર્કથી દુર હશે તો પણ સંબંધના બંધનથી તો દુર નથી જ રહી શકવાની ને? બસ ખાલી એને બાંધી કે રુંધી ના રાખ.“

બસ આ એક વાત શૈલેષ માટે સ્વીકારવી અઘરી હતી. એને તો સતત શૈલુના સંપર્કમાં રહેવુ હતુ શૈલુને સતત એના સંપર્કમાં રાખવી હતી નાનકડી હતી એમ .

શૈલજાને ડૅ કેરમાં મુકી એ દિવસે તો શૈલેષ જમી નહોતો શક્યો.અરે જમવાની વાત તો દુર ઓફિસ કામે નહોતો જઈ શક્યો. ડૅ કેરની બહાર કાર પાર્ક કરીને ક્યાંય સુધી સુનમુન બેસી રહ્યો હતો. એનો હાથ છોડાવીને શૈલજાને પોતાની સાથે લઈ જતી મિસ લૉરિયાના હાથમાં છટપટતી અને શૈલેષ પાસે પાછી આવવા હિબકે ચઢેલી શૈલજાનુ આક્રંદ એની આંખોમાં ઉમટ્યુ હતુ. સતત એક અઠવાડીયા સુધી એ ક્યાંય સુધી બહાર પાર્કીંગ એરિયામાં બેસી રહેતો .એ પછી ડૅ કેરમાં પ્રવેશની પાસે ગોઠવાયેલા ટી.વી સ્ક્રીન પર શૈલજાને બીજા બાળકો સાથે રમતી જોઇ ત્યારે એના મનને શાતા વળી હતી.

સ્કુલે જતી થયેલી શૈલજાને સ્કુલ બસમાં મોકલવા માટે જાનકીએ એને કેટલી વાર સમજાવવો પડ્યો હતો? સવારે સ્કુલ બસ આવે ત્યાં સુધી પિક અપ પોંઇન્ટ પર ઉભેલી શૈલજા જોડે ઓફીસ જવા નિકળી ગયેલો શૈલેષ સતત શૈલજા સાથે સેલ ફોન પર સંપર્કમાં રહેતો. જ્યાં સુધી શૈલજા બસમાં ન ચઢે ત્યાં સુધી ડૅડુએ એની સાથે વાત કર્યા કરવાની શૈલજાની જીદ એને કેટલી વ્હાલી લાગતી ? ક્યારેક તબિયત સારી ન હોય ત્યારે ડૉક્ટર પાસે ડૅડુએ જ લઈ જવાના શૈલજાના આગ્રહથી એનો કેટલો અહમ સંતોષાતો? રાત્રે ઉંઘ ન આવે ત્યાં સુધી ડૅડુની પાસે એક ની એક વાર્તાઓ અનેકવાર સાંભળતી રહેતી શૈલજામાં ડૅડુ્ની ક્યારેક કહેલી વાતો ફરી સાંભળવાની હવે ધીરજ રહી નહોતી.. એવુ નહોતુ કે શૈલજા બદલાઇ હતી કે એને એના મમ્મા ડૅડુ તરફનો ઝોક ઓછો થયો હતો એવુ ય નહોતુ બસ હવે ભુતકાળ તરફ મીટ માંડીને બેસવાના બદલે એની આંખો ભવિષ્યના સોનેરી સપના જોતી થઈ હતી. સ્કુલ બસ રાઇડ કરતી શૈલજા જાતે ડ્રાઇવ કરીને કોલેજ જતી થઈ હતી.

જરૂર પડે મમ્મા કે ડૅડુને તાબડતોબ દોડાવતી શૈલજા જરૂર સિવાય મમ્મા કે ડૅડુ સાથે લાંબો સમય નહોતી વિતાવતી . જાનકી એ આ વાત સ્વીકારી લીધી હતી .કોલેજમાં જતો સમય અને લીધેલા કોર્સ પુરા કરવા આપવો પડતો સમય જાનકી એ પણ જોયો હતો .મનમાં આવે ત્યારે ફોન કરવાના બદલે મેસેજ મુકી રાખ્યો હોય તો શૈલજા એની ફુરસદે ફોન કરે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ જાનકીમાં હતી શૈલેષમાં નહોતી.

“ આ કેવુ જાનકી? વૉટ્સ અપ ડૅડુ કહેતી દિકરીને મારે વૉટ્સએપ પર મેસેજ મુકવાનો? ફેસ ટુ ફેસ વાત કરવાના બદલે મારે એને ફેસ બુક પર શોધવાની? ધીસ ઇઝ ટુ મચ.”

“ તો શું થઈ ગયુ શૈલેષ દુનિયા આગળ વધી ગઈ છે અને તુ હજુ ત્યાં જ ઉભો છુ. બદલાવ સ્વીકારતા શીખ શૈલેષ બદલાવ સ્વીકારતા શીખ. શૈલુ મોટી થઈ ગઈ છે એ સત્ય છે અને એ જ હકિકત છે એ યાદ રાખતા શીખ. હવે   વાદળના ગડગડાટ કે વિજળીના ચમકારાથી ડરીને તારી છાતીમાં લપેટાઇને સુઇ જતી શૈલજા નથી રહી . વાતે વાતે તારી પાસે આવવાના બદલે એના પોતાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરતી , જાતે પોતાના રસ્તા શોધતી શૈલજાને સમજતા શીખ .

“ ચાલો હવે આપણે નવેસરથી એકડો ઘુંટવાનો ચાલુ કરવો પડશે પણ એક વાત કહુ જાનુ? એક દિવસ આ છોકરી પસ્તાવાની છે. મનમાં આવે એટલુ મનસ્વીપણુ સારુ નહી.”

“આમાં મનસ્વીપણુ ક્યાં આવ્યુ કામમાં હોય તો એ એની ફુરસદે પાછો ફોન તો કરે જ છે ને? મારા મતે તો તારા કિસ્સામાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ તુ હાથે કરીને ઉભી કરી રહ્યો છે. મારુ માન શૈલ કારણ વગરના નાહકના ફોન કરીને તુ એને તારાથી વધુને વધુ દુર કરી રહ્યો છુ એ બંધ કર નહી તો ખરેખર એવી કોઇ જરૂરિયાત હશે કે ખરેખર એવુ કામ હશે ત્યારે ય એ તારા માત્ર ખબર પુછવા કરવામાં આવતા ફોન જેવો સમજીને જવાબ નહી આપે ત્યારે એના કરતા તારે પસ્તાવાનો વારો આવશે. લખી રાખજે.”

અને સાચે જ અત્યારે શૈલેષ ભરપેટ પસ્તાઇ રહ્યો હતો. જાનકીને અચાનક પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો હતો અને એને ઇમર્જન્સી સર્જરી માટે હોસ્પીટલ એડમિટ કરવી પડી હતી.એપેન્ડીક્સ બર્સ્ટ થયુ હતુ અને સર્જરી દરમ્યાન કોમ્પ્લીકેશન ઉભા થયા હતા. જાનકીનુ બ્લડ પ્રેશર એકદમ વધી ગયુ હતુ જે કંટ્રોલમાં લાવવુ જરૂરી હતુ. શૈલજાની હાજરીની આવશ્યકતાથી કોઇ ફરક ન પડવાનો હોય તો પણ શૈલજાને જણાવવુ , શૈલજાનુ અહીં હોવુ અત્યંત જરૂરી હતુ એવુ શૈલેષને લાગી રહ્યુ હતુ. પણ એના લાગવાથી શુ? શૈલજાને ય એની ખબર હોવી જોઇએ ને?

ક્લાસમાં હોય ત્યારે સાયલન્ટ મોડ પર મુકેલા સેલફોનના વાઇબ્રેશન અનુભવીને પણ એ ફોન કરી શકે એમ નહોતી. ડૅડુના હંમેશની જેમ અમસ્તા આવતા ફોનનો તાત્કાલિક જવાબ આપવો જ પડે એવુ એ જરૂરી ય નહોતુ.

શૈલેષની અધિરાઇ માઝા મુકતી હતી. એક તો જાનકીની ચિંતા અને પહોંચ બહારની શૈલજા સુધી પહોંચવાની ઉતાવળ. અત્યારે શૈલેષને એક એક ક્ષણ એક એક યુગ જેટલી લાંબી લાગતી હતી.

“ બસ આ એક છેલ્લો પ્રયત્ન ….

અને ફરી એ જ નિરાશા.

શૈલેષના મગજમાં જાનકીના શબ્દો હથોડાની જેમ વાગતા હતા “ શૈલેષ મારા મતે તો તારા કિસ્સામાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ તુ હાથે કરીને ઉભી કરી રહ્યો છે. મારુ માન શૈલ કારણ વગરના નાહકના ફોન કરીને તુ એને તારાથી વધુને વધુ દુર કરી રહ્યો છુ એ બંધ કર નહી તો ખરેખર એવી કોઇ જરૂરિયાત હશે કે ખરેખર એવુ કામ હશે ત્યારે ય એ તારા માત્ર ખબર પુછવા કરવામાં આવતા ફોન જેવો સમજીને જવાબ નહી આપે ત્યારે એના કરતા તારે પસ્તાવાનો વારો આવશે. લખી રાખજે.”

હતાશ શૈલેષે ફોનનો સામેની દિવાલે છુટ્ટો ઘા કર્યો…

ક્લાસમાંથી બહાર આવેલી શૈલજાએ ડૅડુના અસંખ્ય મિસ કોલ જોયા . જરા હસીને અધિરા ડૅડુની ખબર લઈ નાખવા એણે ફોન જોડ્યો.

હવે શૈલેષનો ફોન સતત રણક્યા કરતો હતો અને શૈલેષ શૈલજાની જ નહી મનને શાંત પાડી શકે એવી સ્થિરતાની ય પહોંચ બહાર હતો.

વેબ ગુર્જરી પ્રસિધ્ધ ટુંકી વાર્તા….

April 14, 2014 at 10:13 pm 2 comments

રાગ-અનુરાગ

index

” પ્લીઝ , કરણ કાર ચલાવતા આમ ફોન પર વાત કરવાનુ બંધ કરીશ તું ?”

પણ ના, કરણ તો વાત કરતો જ રહ્યો.રાજવી હવે સખત અકળાવા માંડી હતી. એ દિવસે કરણે ઓફિસમાંથી  બ્રેક લીધો હતો. કરણ અને રાજવીના ઇયરલી ચેક અપ માટેની એપોઇન્ટ્મેન્ટ હતી.

કરણ અને રાજવી …
લગ્ન જીવનની સફરનુ આ ૪૦મુ વર્ષ હતુ. બંનેની અલગ અલગ પ્રકૃતિ. કરણ થોડો મનસ્વી અને મુડી પણ ખરો.  મન સુધી ન પહોંચે ત્યાં સુધી ગમે તેટલુ મહત્વ  ધરાવતી વાત કેમ ન હોય એ હાથ પર જ ન ધરતો. અને જો ધુન ઉપડી હોય તો સાવ નજીવી વાતનો પણ તંત ન છોડતો. બસ ધુન ઉપડવી જોઇએ.

કરણ સાચે જ ઉત્સાહી અને ઉમંગી અને થોડો તરંગી પણ કહેવાય એવો. “મળ્યુ ત્યારે માણી લેવુ” જેવો અભિગમ પણ ખરો સ્તો. જો કે રાજવી પણ આ વાતે કરણ સાથે સહમત.   કરણ ખાસ કશા જ કોઇ વિચાર વગર પણ ઇમ્પલસિવ કહેવાય એવા નિર્ણયો ય લઇ લે ખરો. ના  શબ્દ એની ડિક્શનરિમાં ભાગ્યેજ આવતો. ના એટલે કોઇને પાડવી પડતી ના ની આ વાત છે. કોઇની કોઇ પણ વાત પર એ ના પાડતા શિખ્યો જ નહોતો.  આગળ-પાછળની પરિસ્થિતિ કે પોતાની જાતનો ય વિચાર કરવા ય ન રોકાતો.

“શું કરુ મારાથી કોઇને ના પડાતી જ નથી. ના પાડતા મને આવડતુ જ નથી”કરણ પોતે પણ આ વાત એકદમ ગર્વ થી કહેતો ય ખરો.

રાજવી એની આ વાતે અકળાતી.

” કોઇ પણ ભોગે?  હા, હું પણ માનુ છું કે ચોક્કસ સ્વજનના સ્વજન તો ત્યારે જ કહેવાઇએ કે દરેક પળે એમની સાથે ઉભા રહી શકીએ પણ જ્યાં તને નુકશાન થતુ હોય ત્યારે પણ  એક સેકંડ વિચાર સુધ્ધા નહી કરવાનો? ” એ હંમેશા માનતી કે બહુ ખુશ હોય ત્યારે કોઇને કોઇ વચન ન આપવા કે ગુસ્સામાં હો ત્યારે કોઇ નિર્ણય ન લેવા.

રાજવી પ્રમાણમાં વધુ વાસ્તવવાદી. ક્દાચ કરણને ન ગમે એટલી. જીવનના કેટલાક ચઢાવ ઉતાર જોઇ ચુકેલી રાજવી મન સાથે ,ગમા- અણગમા સાથે ,પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખી ગઈ હતી. કદાચ હવે ગમા-અણગમા જેવુ ય ખાસ કશુ રહ્યુ નહોતુ. બસ સમય શાંતિથી વહેતો રહેવો જોઇએ.

સમાધાન ન કરી શકી બસ આ એક કરણના આ તરંગીપણા સાથે , કરણની જાત માટે ય વિચાર્યા વગર પગલુ લેવાની પ્રકૃતિ સાથે. એને હંમેશા લાગતુ કે સિનિયર સીટીઝન કહી શકાય એવી ઉંમરે તો વ્યક્તિમાં  એક બદલાવ,એક ઠહરાવ ન આવે ? ૨૬ વર્ષની ઉંમર અને ૬૨ વર્ષની ઉંમરમાં કોઇ જ ફરક નહી? નાની નાની વાતની ચિવટ , ચોકસાઇ કે કાળજી તો ઉંમર અને અનુભવ સાથે વણાતી જ જાય ને? અને આના માટે કોઇ યુનિવર્સીટીમાં ય જવાની ય જરૂર નથી.  એ તો  આયખાના અનુભવના નિચોડ સાથે ફળદ્રુપ થયેલી જમીનમાં સહજતાથી ઉગતી સમજણ છે. પણ કરણમાં તો આજે ય “કરણ શાહ કેન ડુ એની થિંગ -કરણ શાહ કેન ડુ એવ્રીથિંગ” વાળો કરણ ગમે ત્યારે આળસ મરડીને ઉભો .

બસ , આ એક વાત ને લઈને અત્યારે રાજવીના મગજનો પારો ચઢતો જતો હતો. ડોક્ટરની એપોઇન્ટ્મેન્ટ પહેલા કરણનુ એની ઓફિસે જવુ જરૂરી હતુ એ તો એ ય સમજતી હતી. કાલે સાંજે ઓફિસે એક અગત્યની ફાઇલ પર કામ પુરુ કરીને કરણ ઉભો થયો ત્યારે ઓફિસ લગભગ ખાલી થઈ ચુકી હતી. અને બાકી જે રહ્યા હતા એમાંથી કોઇને એ ફાઇલ સોંપી શકાય એ શક્ય નહોતુ. એટલે કરણ એ ફાઇલ પોતાની સાથે જ લઈને આવ્યો હતો. અત્યારે ડોક્ટર પાસે જતા પહેલા એ ફાઇલ ઓફિસે આપતા જવાનુ હતુ એની તો રાજવીને ય ખબર હતી. ઓફિસ પહોંચવામાં માંડ દસ મિનિટે ય બાકી નહોતી અને કરણનો સેલ ફોન રણક્યો.

આદતવશ કરણે ગાડી ચલાવતા ચલાવતા ખીસામાંથી ફોન કાઢીને વાત કરવા માંડી. રાજવી કરણ પર આ વાતે ય ખુબ અકળાતી.  ફેન્સી અને લેટેસ્ટ વસ્તુના શોખીન કરણે ગાડી ય લેટેસ્ટ મોડલની લીધી હતી. ગાડીમાં બધા ફિચર્સ હોય તો એનો ઉપયોગ નહી કરવાનો? બ્લુ ટુથ ની સગવડ હોય તો શા માટે એનો ઉપયોગ નહી કરવાનો?

એક તો સીટબેલ્ટ બાંધ્યા પછી માંડ હલનચલન કરી શકાય એવી મોકળાશ રહેતી. એવામાં ચાલુ ગાડીએ ૭૦ ૭૫ માઇલની સ્પીડે જતા  ચાર થી છ લેનના ટ્રાફિક સાથે તાલમેલ મેળવતા ગાડી કંન્ટ્રોલમાં રાખીને સીટ પર ઉંચા નીચા થઈને ખીસામાંથી ફોન કાઢવો એ વાતથી જ રાજવી ગભરાઇ જતી. આ પહેલા પણ એવુ બન્યુ હતુ કે આવી જ રીતે ખીસામાંથી ફોન કાઢીને વાત કરવામાં  બેધ્યાન કરણે અજાણતા જ સામે આવતા ટ્રાફિકની લેનમાં ગાડી લઈ લીધી હતી. નસીબ બંનેના પાધરા કે કમ્યુનિટીની બસ જરા જ બહાર નિકળ્યા હતા અને હજુ સામો ટ્ર્રાફિક ચાલુ નહોતો થયો. એ વખતે ય રાજવી એની સાક્ષી હતી.

પણ એથી કરીને કરણને તો કોઇ ફરક પડતો નહોતો કે અત્યારે પણ પડ્યો. રાજવી જોતી જ રહી અને એણે તો એની ધુનમાં ખીસામાંથી સેલફોન કાઢીને વાત કરવા માંડી. ફોન કરણની મેનેજરનો હતો.રાજવીની અકળામણ કે ટોકને અવગણીને ય એ સેલફોન પર વાત કરતો જ રહ્યો.રાજવીના મગજનો પારો અને બ્લડપ્રેશર ઉંચુ ચઢતુ રહ્યુ. અડધા રસ્તેથી શરૂ થયેલી વાત લગભગ ઓફિસે પહોંચવા આવ્યા ત્યાં સુધી ચાલુ જ રહી.

અત્યાર સુધી સતત કરણને ટોકતી રાજવી ઓફિસ પહોંચી  મેનેજરને ફાઇલ આપીને નિકળ્યા પછી સાવ જ શાંત થઇ ગઈ. હવે બોલવાનો વારો હતો કરણનો.એ તો એની જ ધુનમાં મસ્ત હતો.આમ સાવ જ શાંત થઈ ગયેલી રાજવીને જોઇને ય એને તો હજુ મનમાં વિચાર સરખો ય  આવ્યો નહોતો.

” ફાઇલ પહોંચી એટલે મારુ કામ પત્યુ. ”

રાજવી તરફથી કોઇ જવાબ ન મળતા કરણનું હવે રાજવી તરફ ધ્યાન ગયુ.તમતમી ગયેલો ચહેરો જોઇને રાજવીના બદલાયેલા મુડનો જરાતરા ખ્યાલ તો આવ્યો.

” હે ભગવાન પાછુ શું થયુ?” કરણે વાતની શરૂઆત કરી.

” આપણી વચ્ચે  કેટલી વાર વાત થઇ હશે કે ચાલુ ગાડીએ આવી રીતે ફોન પર વાત નહી કરવાની? ગાડીમાં બેસતા પહેલા ખીસામાંથી ફોન કાઢીને બ્લુટુથ ચાલુ કરવામાં વાર કેટલી લાગે?”

એકાદ સેકંડ તો રાજવીને થયુ કે વાત ન કરે પણ પછી થયુ કે જો એ નહી બોલે તો એના મનનો તાપ અને કરણની અધિરાઇ માઝા મુકશે.

” નથી યાદ આવતુ શું કરુ?  બ્લુટુથ ચાલુ કરુ તો ઓફિસે પહોંચીને બંધ કરવાનુ યાદ નથી આવતુ અને એમાં બેટરી ડાઉન થઈ જાય છે .”

” ઓફિસ કેટલી દૂર હતી? પહોંચીને ય વાત થઈ શકી હોત .”

” મારી મેનેજરનો ફોન હતો , તને ખબર છે કેટલી અગત્યની વાત હતી?”

” ફોનની રીંગ વાગી ત્યારથી જ તને ખબર પડી ગઈ હતી કે  ફોન અગત્યનો જ  હશે? પહેલી વાત તો એ કે ના પાડી છે તો ય તેં ફોન ઉપાડ્યો.અરે ઉપાડ્યો એનો ય કદાચ એટલો પ્રોબ્લેમ ના હોત .
ફોન ઉપાડીને તું કહી શક્યો હોત કે રસ્તામાં છુ, ઓફિસ પહોંચીને વાત કરુ છું.પણ ના, આપણે તો જેમ કરતા હોય એમ જ કરવાના.”કરણ શાહ કેન ડુ એની થિંગ -કરણ શાહ કેન ડુ એવ્રીથિંગ” રાઇટ ?” મારી ના પર પણ જો મારી જ હાજરીમાં તું ફોન પર આટલી વાત કરી શકે તો મારી હાજરી ન હોય તો તો ક્યાં જઈને અટકે ?

” અરે! પણ તું સમજતી કેમ નથી? વાત જ એવી હતી કે હું કેવી રીતે ફોન મુકી દઉ? ગયા વીક જે ટેન્ડર ખુલ્યા એના ક્વોટેશન અમે ભર્યા પણ એનો ઓર્ડર બીજી પાર્ટીને મળ્યો એ તો તને ખબર છે ને? પણ તને એ ખબર છે કે કેટલા ફરકે એમને ઓર્ડર મળ્યો? માત્ર એક ડોલર ઓછા ભાવથી એ ઓર્ડર લઈ ગયા. એક ડોલરના ફરક માટે માહિતી આપનારને તો કોણ જાણે કેટલાય ડૉલર મળ્યા હશે. હવે એમ.ડી. ને શંકા છે કે અમારી ઓફિસમાંથી જ કોઇએ અમારા ક્વોટેશન લિક કર્યા છે.આ ક્વોટેશન ભર્યા એની જાણ ઓફિસમાં માત્ર ત્રણ જ જણને હતી. એમ.ડી,  મેનેજર અને પ્રોડક્શન મેનેજરને અને અમારા આ પ્રોજેક્ટ  ડૅટા માટે જુદો જ પાસવર્ડ અપાયો હતો .હવે જો આ પાસવર્ડ આ ત્રણ જણને જ ખબર હોય તો ભાવ કોઇને કેવી રીતે ખબર પડે? એટલે શંકાની સોય સ્વભાવિક રીતે મેનેજર અને પ્રોડક્શન મેનેજર તરફ જ જાય ને? ”

” બરાબર છે પણ આ કોઇ જીવન મરણનો તો સવાલ નહોતો ને કે ઓફિસ પહોંચીને વાત ન થાય? પાંચ મિનિટ પણ નહોતી લાગવાની પહોંચતા.”

” ઓફિસ પહોંચીને પાંચ મિનિટ પણ ઉભા રહેવાનો ક્યાં કોઇને ટાઇમ જ હોય છે ?”

“તો ? આમાં તું ક્યાંય કોઇ વાંકમાં નથી તો તારે ક્યાં ચિંતા કરવાની જરૂર હતી કે આમ રઘવાયાની જેમ વાત કરવી પડે?”

” ઓફિસમાં દરેકની ઇન્ક્વાયરી થવાની છે એવુ મેનેજરનુ કહેવુ છે.બધાને જવાબ આપવા પડશે એવુ એનુ કહેવુ છે એટલે હું ફોન કેવી રીત મુકી દઈ શકુ? અને દુનિયામાં લાખો કરોડો લોકો છે જે આવી રીતે વાત કરતા હોય છે હું એકલો તો નથી ને?”

” એટલે એનો અર્થ અવો કે આપણે એકબીજાને આવા લાખો કરોડોમાંથી જ એક ગણીને મન મનાવી લઈ  જીવતા શીખવાનુ? તું મને એ રીતે ગણતો હોય તો એમ પણ મારાથી તો એવી રીતે તને એ લાખો કરોડોમાં નહી જ મુકી શકાય”

” સાચુ કહુ તો હું આર્ગ્યુમેન્ટમાં ક્યારેય તને પહોંચી શકતો નથી.”કરણ અકળાયો.એની પાસે કોઇ જવાબ નહોતો અને જ્યારે કોઇ જવાબ ન મળે ત્યારે અકળાવાનો કરણનો સ્વભાવ હતો.

” આ તું જેને આર્ગ્યુમેન્ટ કહે છે ને એ  માત્ર કરવા ખાતર કરવામાં આવતી આર્ગ્યુમેન્ટ નથી જે  ફિલીંગ અંદરથી ઉગતી હોય એ જ જીભે ચઢે છે. અંતરથી જે અનુભવાતુ હોય એને જ શબ્દો જડે છે કોઇ વાત સાવ એમ જ હવામાંથી નથી ઉપજતી. અને આ ચાલુ ગાડીએ ફોન પર વાત કરવાની લ્હાયમાં તેં એ વખતે ગાડી ક્યાંથી કાઢી એ ખબર છે?”

” રાજવી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આગળ ગાડીઓની લાઇન હોય અને તમારે ટર્ન લેવાનો હોય તો આમ જ ગાડી આગળ લેવાય.”

જીભાજોડી ચાલતી રહી અને બંને ડોક્ટરની ઓફિસે પહોંચી ગયા. વાત ત્યારે તો ત્યાંથી જ અટકી ગઈ. પણ આજે ય રાજવીનુ બ્લડપ્રેશર હાઇ આવ્યુ. સામાન્ય રીતે નોર્મલ રહેતુ રાજવીનુ બ્લડપ્રેશર આજે એકદમ હાઈ હતુ. જો કે એ આજકાલનુ નહોતુ. છેલ્લા કેટલાય વખતથી આમ જ બનતુ. ઓફિસમાં એક નહી અને બીજી રીતે  કોઇપણ કલિગને લીધે કરણ નાની મોટી ઉપાધી વ્હોરી લેતો. ના પાડવાનો એનો સ્વભાવ જ નહોતો ને?

એ દિવસે ય વાત ત્યાં જ પતી ગઇ. ખરેખર તો પતાવી દેવામાં આવી. કોઇ વાત લાંબી ચાલે એ કરણને ક્યાં ગમતુ ય હતુ? પણ કરણને એવો સહેજ પણ અણસાર આવતો નહોતો કે રાજવી આમ કેમ આકળી થઈ જાય છે અથવા તો એને યાદ પણ નહોતુ કે આમ જ આ સેલફોનના લીધે જ ભયંકર અકસ્માત એમની સાથે ય થયો હતો .

એ દિવસે રાજવી ગાડી ચલાવતી હતી. કરણ પેસેન્જર સીટમાં હતો. બપોરનો સમય હતો એટલે ટ્રાફિક પણ નહીવત હતો. એકદમ આરામથી જ રાજવી ગાડી ચલાવતી હતી. એકપછી એક સિગ્નલો વટાવીને કાર આગળ વધતી રહી. હળવા મુડમાં બંનેની વાતો ચાલતી રહી. આગળના જંકશન પર રેડ સિગ્નલ દેખાતા દૂરથી ગાડીની સ્પીડ ઓછી કરતી રાજવી  સિગ્નલ પર ઉભી રહી. પચાસેક સેકંડ પછી ગ્રીન સિગ્નલ ચાલુ થયુ. હળવેથી લગભગ ૨૦-૨૫ની સ્પીડે રાજવીએ કાર આગળ લીધી. જરાક જ આગળ જતા એકદમ કરણની રાડ ફાટી ગઈ. રાજવી તો સામે જોઇને કાર ચલાવતી હતી. આમ પણ એને કાર ચલાવતા સીધે રસ્તે જ જોવાની ટેવ હતી. પોતે જ નહી પણ કરણ કાર ચલાવતો હોય તો પણ એ ભાગ્યેજ આજુબાજુ નજર ફેંકતી. પણ કરણનુ ધ્યાન ગયુ કે જમણી બાજુથી આવતી એક ૨૦ ૨૨ વર્ષની યુવતિ કાર ચલાવતા મોબાઇલ પર વાત કરવામાં મગ્ન હશે અને એણે એની બાજુથી ચાલુ થયેલુ રેડ સિગ્નલ જોયુ જ નહી અને જે એકધારી સ્પીડૅ આવતી હતી એમ  એ આવતી ગઈ અને સીધી જ કરણ રાજવીની કાર સાથે ભયંકર સ્પીડે અથડાઇ અને કારને ફંગોળતી આગળ વધી ગઈ.

એની કારની જે રીતની સ્પીડ હતી એમાં તો કરણ રાજવીની કાર નો ભુક્કો બોલી ગયો. બંનેના નસીબ સારા કે સહેજ  બેઠા માર સિવાય મોટી ઇજામાંથી બચી ગયા. ઇશ્વરની એ મહેરબાની માટે તો આજે ય રાજવી નત મસ્તકે ઇશ્વરનો પાડ માનવાનુ ચુકતી નથી.બાકી તો કારની જે દશા હતી એ જોતા તો અંદરની વ્યક્તિઓના ક્ષેમકુશળની કલ્પના કરવી બહારના માટે મુશકેલ હતી.

રાજવી એ પળ -એ ખોફ આજે ય ભુલી શકી નથી.કરણ આ બધુ જ ભુલી ગયો હતો. આવુ બધુ યાદ રાખવાનો એનો સ્વભાવ પણ નહોતો બસ રાજવીને એ નથી સમજાતુ કે આજે ય સેલફોનની રીંગ વાગતા એ ખીસામાંથી ફોન કાઢીને વાત કરવાનુ એ કેમ નથી ભુલતો?

એવુ નથી કે કરણને રાજવીની તમા નથી. રાજવીના અવાજના આરોહ અવરોહ પર માત્રથી પણ એ રાજવીનો મુડ પારખી લે છે. એના ચહેરા પરથી ય એની તકલીફ સમજી જાય છે. પ્રેમ છે એકબીજા માટે કાળજીય એટલી જ છે અને એટલે જ કદાચ આવી નાની મોટી ચણભણ એમના જીવનનો એક હિસ્સો છે. દિવસમાં કામ વચ્ચે સમય કાઢીને ય કરણ રાજવી સાથે વાત કરી લે છે. રાજવીને આજે પણ એના ફોનની રાહ જોવાની ટેવ એટલી જ છે. રાજવીને ય એના ગમા-અણગમા કરતા  કરણના ગમા -અણગમાની વધુ પરખ છે.  એને તો કરણ ખુશ  હોય એટલે બસ.

જાણે છે કે કરણને એકની એક વાત વારંવાર સાંભળવી નથી ગમતી અને તેમ છતાં ય કરણને ન ગમતુ હોય  તો પણ  ગમે એટલો મન પર સંયમ રાખવાનો પ્રયત્ન કરવા છતાં આજે ય રાજવી થી કરણને ટોક્યા વગર રહેવાતુ નથી અને ગમે એટલુ યાદ કરાવવા કે યાદ રાખવા છતાં કરણથી આજે પણ બસ એમ જ બેફિકર જીવન જીવવાનુ છોડાતુ નથી. પણ રાજવીને વિશ્વાસ છે ક્યારેક તો કરણ એની કરણ માટેની લાગણી કરણ માટેની ચિંતા સમજશે. અને જ્યારે સમજશે ત્યારે પેલી નાની મોટી ચણભણ પણ એ બંને વચ્ચે નહી રહે.

August 9, 2013 at 2:39 pm

એકદંડીયો મહેલ

images.jpg5

“સુનિરા..સામાન પેક કર. આ જ ક્ષણથી આ ઘર -મારી મા સાથેનુ મારુ રૂણાનુબંધ પુરુ થયુ. એક પળ પણ હું અહીં રોકાવા માંગતો  નથી. હવે તું જો મારા વગરના આ ઘરમાં  એક પળવાર પણ રોકાવા માંગતી હોય તો એ તારો નિર્ણય છે બાકી તું સાથે હોઇશ કે નહી હું અહીં નહી હોઉ. ”

“પણ અભિ ,એવુ તો કયુ આસમાન તુટી પડ્યુ કે આમ બધુ જ મુકીને ઉભાભટ્ટ તારે અહીંથી નિકળી જવું છે?”
સહેજ ઓઝપાઇ ગયેલા જયાબેને બીતા બીતા અભિને સામો સવાલ તો કર્યો પણ જવાબ જે આવશે એ ઘણના ઘા જેવો હશે એવુ તો એ અભિનો લાલઘુમ ચહેરો જોઇને કલ્પી શકતા હતા.

” મા , ભલે તુ રસોડામાંથી બોલી હોય પણ એ વાત મારા કાને સાંભળી લીધી છે. તને એમ કે અભિ ન્હાવા બેઠો છે એને ક્યાં કઈ સંભળાવાનુ છે?”

” પણ એવુ તો મા એ શું કહી નાખ્યુ છે કે અભિ તું આમ વાતનુ વતેસર કરવા બેઠો છે?”

” જો સુનિરા, તારામાં એ ગળી પી લેવાની તૈયારી હશે પણ તારુ અપમાન એ મારુ ય અપમાન જ છે. અર્ધાંગીની બનાવી ને લાવ્યો છું આ ઘરમાં ઠાલી વાતો નથી આ. અને તારા શરીરના કોઇ એક ભાગને કોઇ વ્હેરી નાખે તો તારા બાકીના શરીરને એની કોઇ વેદના ન થાય એમ માને છે?”

“અભિ , મને દુઃખ નથી થયુ એવુ ખોટુ તો હું તારી પાસે નહી બોલુ પણ આવી સાવ નાની વાતને વધારીને ઘરની અને તારા મનની શાંતિ હણીને આપણે કોઇ સમસ્યાનો ઉકેલ તો નહી જ આણી શકીએ ને? ”

” ઉકેલ? કોણે કીધુ કે મારે ઉકેલ લાવવો છે? મારે તો દરેક જાતની સમસ્યાનો જ અંત આણવો છે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આ ઘરમાં હવે હું કે તું જ નહી હોઇએ તો ફરી ક્યારે કોઇ સમસ્યા ય નહી રહેને ? ”

“અભિ, પ્લીઝ તું આમ અથરો કે આકળો ન થા. ગુસ્સામાં લીધેલા  નિર્ણય પછી કદાચ પસ્તાવાનો વારો આવશે ત્યારે આ ઘરમાં પગ મુકવો ભારે પડશે એ તને અત્યારે નહી સમજાય અને જ્યારે સમજાશે ત્યારે બહુ મોડુ થઈ ગયુ હશે.”

” મોડુ? સુનિ મારા માટે તો ખરેખર આ જ મોડુ છે.જે દિવસથી તું આ ઘરમાં આવતી જતી થઈ છું ત્યારથી હું જયાનો તારી તરફનો અણગમો જોઇ શક્યો છું”

અભિ એની મા ને હંમેશા જયા કહીને જ બોલાવતો. નાનપણમાં ડેડીને જયાના નામથી બુમ પાડતા જોઇને  જ્યારે એ પહેલ  વહેલો બોલતા શિખ્યો ત્યારે એણે પણ જયા નામની જ બુમ પાડી હતી. જયાબેનને એ વખતે બહુ જ વ્હાલુ  વ્હાલુ લાગ્યુ હતુ. અને એમણે ક્યારેય એ પછી અભિ પાસે મા કે મમ્મી કહેવડાવવાનો આગ્રહ રાખ્યો નહોતો. હા! ક્યારેક અભિ લાડમાં હોય ત્યારે મા પણ કહી લેતો. એનુ જોઇને સુનિરાએ પણ જયાબેનને મા કહીને જ સંબોધ્યા હતા. પણ જયાબેન તરફથી ક્યારેય મા જેવો ઉમળકો એને સાંપડ્યો નહોતો એ અલગ વાત હતી.

ખબર નહીં કેમ પણ જયાબેન ક્યારેય મનથી સુનિરાને અપનાવી શકયા જ નહોતા. કદાચ એમાં એમનો અહં નડતો હતો એવુ અભિના ડેડીનુ માનવુ હતુ.અભિ પહેલેથી જ એના ડેડીની વધુ નજીક હતો. એ એની તમામ વાતો એના ડેડી સાથે જેટલી ખુલીને કરી શકતો એટલી જયાબેન સાથે ભાગ્યે જ કરી શકતો. એમાં ય કદાચ જયાબેનનો સ્વભાવ જ જડનુ મુળ હતા. સ્વચ્છતા, ચોકસાઇ અને સમયની પાબંદી છોડીને એ ભાગ્યેજ બીજુ કશુ વિચારી શકતા.

અભિના જન્મ પછીના બીજા બે વર્ષે અનેરીનો જન્મ થયો. બંને બાળકોને લગભગ એમણે અત્યંત કડક શિસ્ત વચ્ચે ઉછેર્યા. સ્કુલ અને ઘર વચ્ચે ભાગ્યેજ કોઇ ફરક અનુભવી શકતા અભિ અને અનેરીનુ બાળપણ એક બંધિયાર એકદંડીયા મહેલમાં પુરી રાખેલી રાજકુંવરીની જેમ વિત્યુ. હ! એમને ભાગ્યેજ કોઇ બાબતની ઉણપ લાગી હશે કારણકે અત્યંત શિસ્તપ્રિય જયાબેન અભિ અને અનેરીને દરેકે દરેક વસ્તુ માંગ્યા પહેલા આપી દેતા પણ એ પોતાની શરતોને આધિન કારણકે એ એવુ માનતા કે જો એક વાર બાળકોને માંગવાની ટેવ પડે તો પછી એ ક્યાં જઈને અટકે?

એમ તો સ્કુલના વેકેશનમાં  એ અભિ અને અનેરીને જુદા જુદા કેમ્પમાં મોકલતા જેથી એ બહારની દુનિયા જુવે -જાણે પણ એ ય સાત ગરણે ગાળીને. અભિ કે અનેરીને જ્યાં જવાનુ મન હોય કે જે કરવાનુ મન હોય ત્યાં નહી જયાબેન નક્કી કરે ત્યાં અને એટલો સમય જ એ પ્રવૃત્તિ માટે મળતો.  શાંત પ્રકૃતિની અનેરીને તો આ કોઠે પડી ગયુ હતુ પણ અભિને આ બધુ જરાય નહોતુ ગમતુ. એની સાથે ભણતા એના બીજા સહધ્યાયીને જોઇને, એમની વાતો સાંભળીને અભિને ય એમની જેમ પોતાને ગમતી ઇત્તર પ્રવૃતિ કરવાનુ મન થતુ અને એ એની રાવ , એની ફરિયાદ લઈને એના ડૅડી પાસે પહોંચતો.

ડૅડી–

એક સરસ સાલસ વ્હાલસોયુ વ્યક્તિત્વ જેની પાસે પહોંચો તો નરાતર વ્હાલભરી નજર અને હેત ભર્યા હાથના સ્પર્શથી જ જાણે દુઃખતા ઘા પર મલમ જેવી શિતળતા અનુભવાતી. ચંદ્રવદન શાસ્ત્રી સાચે જ ચંદન જેવા શિતળ  સ્વભાવના હતા. અમદાવાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. એમના હાથ નીચે જેટલાય વિદ્યાર્થી ભણીને આગળ વધ્યા એ આજ સુધી એમને ભુલી નથી શક્યા એવા ચંદ્રવદન શાસ્ત્રી ભાષા પર અનેરુ પ્રભુત્વ ધરાવતા. “મળેલા જીવ ” નો કાનજી હોય કે જીવી ” ઝેર તો પીધા જાણી જાણી” નો સત્યકામ હોય કે  રોહીણી એમના જ માનસ પાત્રો હોય એવી રીતે એમને શબ્દોમાં સજીવ કરતા.  લેક્ચર બંક કરવાના શોખીનો ય ક્યારેય એમના લેક્ચરમાં હાજરી આપવાનુ ચુકતા નહી.અને સાંજ પડે ઘેર જતા પહેલા ચંદ્રવદન શાસ્ત્રી  ગુજરાત વિદ્યાપીઠ જવાનુ ક્યારેય ચુકતા નહી. વાંચન ભુખ એમની અનેરી હતી. આટલા વર્ષો પ્રોફેસરીમાં વિતાવ્યા પછી ય હજુ એમને  પી.એચ.ડી કરીને  ડૉક્ટરેટની ડીગ્રી લેવાની લાલસા હતી.

જયાબેન સાથેનુ એમનુ લગ્ન એક માત્ર સાંસારિક જવાબદારી પુરતુ જ સીમિત બની ગયુ હતુ. સાલસ -મૃદુ સ્વભાવનાચંદ્રવદનભાઇ અને જરાક જડ લાગે એવા જયાબેન વચ્ચે એવો ખાસ કોઇ તાલમેલ સર્જાયો જ નહી. બંનેની વેવલેન્થ વચ્ચે આભ-જમીનનુ અંતર હતુ .શરૂ શરૂમાં તો  કશુંક સરસ વાંચ્યા પછી એ જયાબેનને પણ એ વંચાવવાનો આગ્રહ રાખતા પણ જયાબેનનો એ તરફનો અભિગમ ક્યારેય ઉભો થયો જ નહી.

“ભઇસાબ , તમને અને તમારા આ થોથાને જોઇને જ હું થાકી જઉ છું તો એમાં હું વળી ક્યાં અટવાઉ? અને તમારી જેમ હું ય જો થોથા લઈને બેસીશ તો આ ઘર અને છોકરાઓ રઝળી પડશે એનુ શું?

ક્યારેક ટાઉન હૉલ કે પ્રેમાભાઇ હૉલમાં કવિ સંમેલન , ડાયરો કે મુશાયરો હોય તો ચંદ્રવદનભાઇએ એકલા જ જવાની તૈયારી રાખવી પડતી. અભિ કે અનેરીના જન્મ પહેલા ય ક્યારેય જયાબેને એમનો સમય ચંદ્રવદન શાસ્ત્રીના શોખ માટે ફાળવ્યો નહોતો અને પછી તો અભિ અને અનેરીની જવાબદારી તો એમનુ આ બધામાંથી છટકવાનુ સબળ બહાનુ બની રહ્યા. જ્યારે અભિ અને અનેરીને ડૅડી સાથે સમય પસાર કરવો ખુબ ગમતો. સાંજે જમ્યા પછી જયાબેન રસોડામાંથી પરવારે ત્યાં સુધીનો સમય ડૅડી માટે ફાળવવામાં  આવ્યો હતો. જાણે ચોરીને લીધેલા આ સમય માટે તો અભિ અને અનેરી સવારથી તરસતા. ડૅડી પાસે તો વાતોનો ખજાનો હતો.

એ એમનો  વાતોનો પટારો ખોલીને બેસતા એમાંથી કંઇ કેટલીય અવનવી વાતો સાંભળવા મળતી.બે વર્ષની ઉંમરથી માંડીને બાવીસે પહોંચેલા અભિ માટે હજુ ય એમની પાસે વાતો ખુટતી નહોતી.ધીમે ધીમે અભિને આ બધુ જ  ગમવા-સમજાવા માંડ્યુ હતુ. ડૅડીને આટલુ બધુ વાંચતા જોઇને એની ય વાંચનભુખ ઉઘડી હતી. જાતે સાયકલ ચલાવતા શિખ્યો ત્યારથી એ ય ડૅડીની જેમ લાયબ્રેરી જવાની જીદ માંડતો જે જયાબેનને જરાય પસંદ નહોતી.

બાપની જેમ બેટો ય પુસ્તકીયો કીડો બની રહે એમને મંજૂર નહોતુ. અનેરીને તો એમણે એમની રીતે પલોટવા માંડી હતી. કહેતા  “છોકરીની જાત છે સાસરે જશે તો આ ચોપડા કંઇ કામમાં નહી આવે ,આવશે તો આ ઘરનુ કામ .આ બધુ નહી શીખો તો મા નુ નામ વગોવશો. ” અને અનેરી ચુપચાપ  મા ના કહ્યા પ્રમાણે શિખતી ચાલી. આમે ય એનુ બાળપણ તો ક્યાં ય છીનવાઇ ગયુ હતુ એટલે એને પરિપક્વ થવામાં ખાસ વાર ન લાગી.

પણ હવે તો અભિ પોતાનુ ધાર્યુ કરવા માંડ્યો હતો.  એણે પોતાની પસંદગીની જ કોલેજમાં એડમીશન લઈ લીધુ. ડૅડીની જેમ જ એને ય સાહિત્યનો રંગ લાગ્યો હતો. સાહિત્યની સાથે એનો ઝોક આર્ટ તરફઢળ્યો હતો. લાયબ્રેરીની સાથે રવિશંકર રાવળ કે કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની તો એ કાયમની મુલાકાત લેતો થઈ ગયો હતો. પેઇન્ટીંગ એક્ઝીબીશન હોય ત્યારે કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની બહાર બેઠેલા અગમ -નિગમની વાતોમાં ખોવાયેલા એ ચિત્રકારોને જોતો અને બસ જોયા જ કરતો. કોઇ પણ આર્ટ એને એટલી તો અભિભૂત કરી દેતી કે એ પોતાની જાતને એ કલાકારમાં ગોઠવી જોવાનો પ્રયાસ કરતો અને આ પ્રયાસો ,આ સપના જોતા જોતા એણે એક દિવસ નક્કી કરી લીધુ કે એ જર્નાલીઝમનો કોર્સ કરશે અને આર્ટ ક્રીટીક નહી પણ આર્ટ લવર બનશે. એ દરેક આર્ટની વિવેચના કરવાના બદલે એની ખુબીઓ લોકો સુધી લઇ જશે.

ચંદ્રવદન શાસ્ત્રી અભિની આ બધી વાતો સાંભળતા અને દિકરાના મનોવ્યાપારોમાં પ્રોત્સાહનનુ ખાતર પુરૂ પાડતા. હવે તો બાપ-દિકરો કલાકો સુધી વાતો કર્યા કરતા. ચંદ્રવદન શાસ્ત્રીને હવે ટાઉન હૉલ કે પ્રેમાભાઇ હૉલમાં કવિ સંમેલન , ડાયરો કે મુશાયરો હોય તો ક્યારેય એકલા જવુ પડતુ નહી. અભિ એમની સાથે હોય જ. આર્ટ ગેલેરીમાં હવે તો અભિ સાથે ચંદ્રવદન શાસ્ત્રી પણ જોવા મળતા. બાપ-દિકરાની દુનિયા અલગ હતી અને એમની  જુગલબંધી ય અનન્ય હતી.

આવા જ કોઇ આર્ટ એક્ઝીબીશનમાં અભિની મુલાકાત સુનિરા સાથે થઈ. જર્નાલીઝમનો કોર્સ કરીને અભિ અમદાવાદના અગ્રગણ્ય અખબાર સાથે જોડાઇ ગયો હતો એટલે આર્ટ ગેલેરીની મુલાકાતો એના શોખની સાથે એના પ્રોફેશનનો પણ એક ભાગ બની ગઈ હતી. એક્ઝીબીશનના તો અભિને હવે  ઓફિશિયલ ઇન્વીટેશન મળતા અને એના રિવ્યુ પર તો બીજા દિવસે કલા રસિકો થકી આર્ટ ગેલેરીની મુલાકાત વધી જતી.

કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીમાં સુનિરાનુ આગવુ પેઇન્ટીંગ એક્ઝીબીશન ગોઠવાયુ હતુ. મંગલદિપના પ્રાગ્ટ્ય બાદ આ એક્ઝીબીશન પ્રેસ અને પબ્લીક માટે ખુલ્લુ મુકાયુ હતુ. અભિની જેમ બીજા પ્રેસના વિવેચકો પણ હાજર હતા. સુનિરા જરૂર પડે સૌને એટેન્ડ કરતી હતી અને સલુકાઇથી એના ચિત્રોની સમજ આપતી હતી.

” સુનિરા , તમને નથી લાગતુ કે આ મોર્ડન આર્ટ કહો કે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટીંગ કહો એની નીચે તમારે તમારી કલ્પના લખાણમાં મુકવી જોઇએ? દરેક એંગલથી અલગ અલગ દેખાતા આ ચિત્રને સૌ કોઇ પોતાની રીતે વખાણે અથવા વખોડે એના કરતા તમારી જ કલ્પના મુજબ એ ચિત્રને જોવે તો તમને અને તમારા ચિત્રને વધુ ન્યાય મળે”

અભિ અને સુનિરાની એ  હતી પહેલી મુલાકાત

સુનિરા–

એકવડો બાંધો , સહેજ  ભીને વાન પણ સુરેખ નાક-નક્શી અને સપ્રમાણ હોઠ જાણે ઇશ્વરે ઇંચે ઇંચ માપી તોલીને ઘડી હોય એટલી સુરેખ કાયા ધરાવતી સુનિરાએ  રૂપેરી બાદલુ  છાંટેલી શૉકીંગ  પિંક  કલરની સ્ટેન્ડ પટ્ટીની ફુલ સ્લીવની  સિલ્કની કુર્તી અને એની નીચે સફેદ ચુડીદાર પહેર્યો હતો. કાનમાં એ રૂપેરી બાદલુનુ ઝુમખુ ભેગુ કર્યુ હોય એવા હીરાના ટોપ્સ પહેર્યા હતા. સાવ જ સાદી અને છતાં ય નજરને બાંધી લે એવી સુનિરા જોતા વ્હેંત અભિના મન-હ્રદય સોંસરી ઉતરી ગઈ.
સામાન્ય રીતે આવા કોઇ આર્ટ એક્ઝીબીશનને શાંતિથી જોઇ માણી અભિ એ કલાકારનો નાનકડા ઇન્ટરવ્યુ જેવુ કરીને  નિકળી જતો પણ આજે સુનિરાને જોઇને પહેલી વાર એને કલાકૃતિ કરતા કલાકારમાં વધુ  રસ પડ્યો. આજે એને કશી વાતની  જરાય ઉતાવળ નહોતી, નહોતી ઘેર જવાની કે નહોતી બહાર નિકળીને બીજા પત્રકારોને મળવાની. એને તો બસ સુનિરા સાથે સમય પસાર કરવો હતો. સુનિરાને જોયા કરવી હતી.

પહેલા દિવસે એક્ઝીબીશન એટેન્ડ કર્યા પછી અને એનો રિવ્યુ કર્યા બાદ એ ભાગ્યેજ ફરી ત્યાં જતો પણ આ વખતે તો ક્યારે ફરી સાંજે પાંચ વાગે અને પ્રેસ પરથી નિકળીને એ કોન્ટેમ્પરી આર્ટ ગેલેરી પહોંચે એના ઉચાટમાં સતત આખો દિવસ ગાળ્યો. ન તો કોઇ કામમાં ચિત્ત લાગ્યુ કે ન તો કોઇની સાથે વાત કરવાનુ મન થયુ.

અને ત્રીજા દિવસે તો એ ચંદ્રવદન શાસ્ત્રીને પણ સુનિરાના એક્ઝીબીશનમાં લઈ જઈને જંપ્યો.

“ડૅડુ , આપણને આ છોકરી ગમી ગઈ છે. આપણાથી હવે એના વગર નહી રહેવાય” કોઇ અંગત  દોસ્તને કહેતો એટલી જ સ્વભાવિકતા અને જરા લાડ સાથે એણે ચંદ્રવદન શાસ્ત્રી જોડે ગોષ્ઠી માંડી.

“એમ કંઇ તારા ગમવાથી વાત થોડી પતી જવાની છે? એને તું પસંદ હોવો જોઇએ ને?”

“પતવાનુ તો દૂર શરૂ ય  ક્યાંથી થવાની છે? પણ બસ આ શરૂ થાય પછી તો અભિ છે અને સુનિરા છે. એક વાર વાત શરૂ પણ થઈ જાય ને તો દુનિયાની કોઇ તાકાત અભિ અને સુનિરાને એક ક્ષણ માટે ય વેગળા નહી કરી શકે.”

અને સાચે જ એમ જ બન્યુ. ખુલતો ઘંઉ વર્ણો વાન, ગોળ ચહેરા પર ટ્રીમ કરેલા દાઢી-મૂછ અને બેફિકરાઇથી ઓળેલા વાળ .જીન્સ પર ખાદીનો ઝભ્ભો પહેરેલા અભિમાં એક આર્ટીસ્ટની આભા છલકાતી. વાચાળતો એ પહેલેથી જ હતો પણ હવે આ અખબારીત્વને નિભાવતા એ વધુ ને વધુ બોલકો બનતો ચાલ્યો હતો.સામેની વ્યક્તિની આંખમાં સીધી નજર માંડીને એ વાત કરતો ત્યારે ભાગ્યેજ કોઇ એની વાતને ટાળી શકતુ.એની વાત કરવાની છટા ,તિવ્રતાથી એની વાત રજૂ કરવાની ટેવના લીધે કોઇ પણ સહજ રીતે અંજાઇ જતુ. સુનિરા પણ આ ન ટાળી શકાય એવી વ્યક્તિ અને વ્યક્તિત્વથી અંજાતી ચાલી.

આર્ટ ગેલેરીથી શરૂ થયેલી મુલાકાતો હવે આર્ટ ગેલેરી સિવાય પણ વધતી ચાલી. આર્ટથી શરૂ કરેલી વાતો અંતર સુધી પહોંચવા માંડી અને એક દિવસ અભિએ નિર્ણય લઈ લીધો ” સુનિ , આ આમ કલાક બે કલાકના સાથથી હવે સંતોષ નથી થતો  મારે તો પળે પળનો – ક્ષણે ક્ષણનો તારો સાથ હંમેશ માટે જોઇએ છે.આમ કલાક બે કલાક માટે હાથ પકડીને ,હાથ પસવારતા ક્યાં સુધી ટળવળીશુ? મારે તો આ હાથ હંમેશ માટે મારા હાથમાં જોઇએ છે. આ હાથ પકડીને સપ્તપદીના સાતમાં ફેરે સાત જનમ નો સાથ જોઇએ છે. ”

“ડેડુ , આપણે જંગ જીત્યા છીએ હો! મેં કહ્યુ હતુને કે વાત શરૂ થશે પછી અભિ અને સુનિરાને દુનિયાની કોઇ તાકાત એક ક્ષણ માટે ય વેગળા નહી કરી શકે. ”

અતિ વાત્સલ્યભર્યા ચહેરે ચંદ્રવદન શાસ્ત્રી એ દિકરાની સામે જોઇ ને એના માથે હાથ મુક્યો. મારા તો અંતરથી આશીર્વાદ છે  દિકરા તને અને સુનિરાને. દુનિયાના તમામ સુખો તમે પામો પણ દિકરા હજુ તું પુરો જંગ ક્યાં જીત્યો છું ?

” મને ખબર છે ડૅડુ , જયા સામે જંગ જીતવો કેટલો અઘરો છે પણ ડેડી તમે ખુશ છો ને મારા આ નિર્ણયથી?તમે તો મારી સાથે, મારા પડખે  છો ને ?”

” દિકરા , મારા સાથે હોવા માત્રથી બધુ નથી પતી જવાનુ ,  જો સુનિરાને આ ઘરમાં આવકાર જોઇતો હશે તો એમાં તારી મા ની સંમત્તિ ય જોઇશે ને?”

જયાબેનનુ નામ પડતા જ અભિના કપાળે સળ પડ્યા. એ જાણતો જ હતો કે આમ એના ગમવાથી કે ડેડીની મરજીથી કશુ જ સરખુ પાર પડવાનુ નથી. અનેરીને ય જયાબેને પોતાની મરજી મુજબ જ પરણાવીને ? લાખ વાના છતાં  ડૅડી-અભિ કે અનેરીનું ક્યાં કશુ ચાલ્યુ હતુ? અને અનેરીએ તો જયાબેનની સામે નાનપણથી જ હથિયાર હેઠા નાખેલા જ હતા એટલે અભિએ વાંધો ઉઠાવ્યો તો ય અનેરી એ ઢીલુ જ મુક્યુ હતુ . ” જવા દે ને ભાઇ , મા નક્કી કરશે એ મારા માટે બરાબર જ હશે “અનેરીની વાત જુદી હતી એને પરણીને પારકા ઘેર જવાનુ હતુ જે ઘર ખરેખર ખાનદાન હતુ અને અનેરીને  જયાબેનના સામ્રાજ્ય કરતા વધુ  સ્વતંત્રતા અને સુખ સાંપડ્યા હતા. એટલે એ તો આ ઘરનો મોહ લગભગ વિસરી ચુકી હતી. જે મોહ હતો એ ડૅડી અને ભાઇ માટે હતો જે આજે ય અકબંધ હતો. પણ આ ઘરમાં આવનાર વ્યક્તિની સ્વતંત્રતા અને સુખની કોઇ  ગેરંટી ચંદ્રવદન શાસ્ત્રી આપી શકે એમ નહોતા.

ક્યારેક અભિ અને સુનિરા ક્યાંક કોઇ શાંત જગ્યાએ બેઠા હોય ત્યારે ડૅડી અને મા માટે અછડતો ઉલ્લેખ થઈ જતો.સુનિરા ડેડી અને મા ની પ્રકૃતિ સમજવા પ્રયત્ન કરતી ત્યારે અભિ કહેતો ય ખરો “ જયા એ જયા જ છે. સાચુ કહુ તો મને ઘણી વાર થાય છે કે એણ્રે એની સમજની મર્યાદામાં રહીને અમારી ઉત્તમ પરવરિશ કરી છે માત્ર મોકળાશ નથી આપી. એ ક્યારેય હળવી થઈને જીવી શકી નથી અને અમને હળવા થવા સુધીની સ્પેસ નથી આપી. મારી કે અનુની પુષ્કળ કાળજી લીધી છે એણે બસ એક પ્રેમ કરવામાં સહેજ પાછી પડી છે. કદાચ પ્રેમ પણ હશે જ મારી અને અનુ પર પણ બસ એ વ્યક્ત કરવામાં ઉણી ઉતરી ”

“અભિ , એવુ ય બને ને કે ડૅડી અને તારા વચ્ચે કદાચ તેં મા ને આવવા જ ન દીધા હોય? બાકી તો દુનિયામાં  ભાગ્યેજ એવુ કોઇ હશે જે મા થી તારી જેમ આટલુ દૂર હશે.”

ના, જયાથી દુર હું નથી પણ જયા એ જ ક્યારેય નજીક આવવાનો પ્રયત્ન કર્યો નથી. એને તો બસ એની રીતે એનો ઘર સંસાર ચાલે ,કોઇ બાંધછોડ કરવા માંગતી નહોતી એના નિતિ નિયમોમાં , અનેરી એની પ્રમાણે ચાલી મારાથી એવુ ન થઈ શકાયુ બસ.ને હવે તો તું ય બસ કર સુનિ આટલી સરસ જગ્યાએ આવી ને ય જો ઘરને જ વચ્ચે લાવવાનુ હોય તો ઘર ક્યાં ખોટુ હતુ? ” અને અભિ વાત અટકાવી દેતો.

એક  દિવસ અભિ સુનિરાને લઈને ઘેર આવ્યો. સુનિરાએ આવીને મા અને ડૅડીના ચરણસ્પર્શ કર્યા. ડૅડીનો વ્હાલભર્યો હાથ મસ્તકે ફરતો રહ્યો” સદા સુખી રહો, ખુશ રહો”  જયાબેન માટે આ  આવી પડેલી  ઘડી સાવ જ અચાનક હતી. અભિ એકદમ આમ એમના અસ્તિત્વનો અનાદાર કરીને ઉભો રહેશે એવી તો કલ્પના સુધ્ધા નહોતી. જો કે છેલ્લા કેટલાય સમયથી અભિ અને એના ડૅડી વચ્ચે ચાલતી કાનાફુસીથી કંઇક એમના માટે અણગમતુ બનવાનુ છે એવી આશંકા તો એમના મનમાં ઉભી થઈ હતી  પણ એ આવી રીતે સામે આવશે એનો તો અણસાર સુધ્ધા નહોતો આવ્યો.એક વાર એમણે ચંદ્રવદન શાસ્ત્રીને પુછવા , અભિને નાણી જોવા ય પ્રયત્ન કર્યો હતો પણ કોઇ વાત આગળ વધે એ પહેલા જ એમણે ચુકાદો આપી દીધો હતો” છોકરી તો મેં જોઇ રાખી છે અને નક્કી તો એની સાથે જ થશે.” અને એમનો ચુકાદો અફર હોય બચાવ પક્ષે વકીલને કંઇ બોલવાનુ જ હોય એમ ઉભા થઈ ગયા. એટલે અત્યારે અભિ જોડે સુનિરાને જોઇને એ ખળભળી ગયા.

“અભિ”

એ જરાક અક્કડથી અને કડકાઇથી બોલવા ગયા પણ અભિએ એમને વચ્ચે થી જ રોકી લીધા.

“મા , આ સુનિરા છે . અમે  એક બીજાને અત્યંત પસંદ કરીએ છીએ . આ ઘર તારુ છે , તારા આશીર્વાદ હશે તો જ અમે આ ઘરમાં સુખી થઈ શકીશુ , સુખેથી સૌ રહી શકીશુ.”

” સાથે રહેવાનુ તો નક્કી કરીને જ આવ્યો છે ને? નક્કી કરતી વખતે મા ના આશીર્વાદ લેવાનુ યાદ ન આવ્યુ તને?”
સામે ઉભેલી એક તદ્દન અજાણી  છોકરીની સામે સ્વભાવવશ પોતાનુ પોત પ્રકાશી ન જાય એવી કાળજી લેવા છતાંય જયાબેનથી સહેજ અકળામણ છતી થઈ જ ગઈ.

અભિએ પોતાની મા ની ઓળખ જે રીતે આપી હતી એ રીતે સુનિરાને  ઉમળકાભર્યા આવકારની અપેક્ષા તો હતી જ નહી પણ સાવ જ આવી રીતે વાત કરતા જોઇને એ સહેજ ઓઝપાઇ ગઈ. અંદરથી એ સહેજ  ખળભળી ઉઠી અને ડરી પણ ગઈ.
અભિએ એની મા વિશે જે ચિત્ર ઉભુ કર્યુ હતુ એ પ્રમાણે એણે પોતાની જાતને જયાબેનના સામના માટે તૈયાર તો કરવા માંડી હતી પણ ઉંડે ઉંડે એને આશા હતી કે એનો ડર ઠાલો નિકળશે અને ડૅડીની જેમ મા પણ એને સ્વીકારી લેશે.

સુનિરા જે ઘર , જે વાતાવરણમાં ઉછરી હતી એ ઘર અને એ વાતાવરણ કરતા સાવ જુદુ વાતાવરણ અહીંનુ હશે એવી ધારણા એણે બાંધી ય હતી. કેવા મુક્ત અને સાલસ વિચારોના મમ્મી પપ્પા હતા કે જેમણે ક્યારેય સુનિરા પર પોતાના વિચારો લાદવા તો દૂરની વાત પ્રગટ પણ કર્યા નહોતા. સુનિરાને ફાઇન આર્ટસમાં રસ હતો અને એણે સી.એન વિદ્યાલયમાં ફાઇન આર્ટ્સ કરીને વડોદરા આગળ ભણવાનો વિચાર પ્રગટ કર્યો તો એ પણ મમ્મી-પપ્પાએ ઉમળકાભેર સ્વીકારી લીધો હતો. જાણતી હતી કે એના વગરના ઘરમાં મમ્મી-પપ્પાને કેવુ સુનુ લાગશે પણ મમ્મી કે પપ્પાએ એ વાતને જરાય પણ દિલ કે દિમાગ પર લીધા વગર રાજીખુશીથી એના નિર્ણયને વધાવી લીધો હતો. અરે ! અભિ વિશે જ્યારે એણે વાત કરી ત્યારે પણ મમ્મી-પપ્પાએ એના નિર્ણય પર સંમતિની મહોર મારી દીધી હતી એટલે જયારે જયાબેનની સમક્ષ ઉપસ્થિત થવાનુ આવ્યુ ત્યારે આટલુ અઘરુ પડશે એવુ લાગ્યુ નહોતુ. મમ્મી પપ્પાએ મુકેલા વિશ્વાસને ઠેસ પહોંચે એવુ એણે ક્યારેય કોઇ પગલુ ભર્યુ નહોતુ તો અહીં આ ઘરમાં પગ માંડતા પહેલા જ એ ડગમગી ગઈ?

ના!  એ પાછી નહી જ પડે ,એણે એનુ મનોબળ મક્કમ કર્યુ . અભિએ એનો સાથ માંગ્યો હતો એ સાથ આપવામાં એ પાછી પાની નહી કરે . જયાબેનને એ મા નો દરજ્જો આપશે અને એ એમની દિકરી થઈને  રહેશે એવો મનોમન નિર્ણય કરીને એ જયાબેન તરફ બે ડગલા આગળ વધી.

” મા,

” જુવો સુનિરા, તમે અને અભિ જે નક્કી કરીને આવ્યા હો એ જ મારે મંજૂર રાખવાનુ હોય તો એની સાથે સાથે મારે બીજુ જે કઈ મંજૂર રાખવાનુ હોય એ પણ પહેલેથી મને કહી જ રાખજો જેથી હું સાવ જ આમ અંધારામાં ન રહી જઉ.”

” જયા , તને અંધારામાં રાખીને  એવુ કશુ જ નક્કી કરીને છોકરાઓ આવ્યા નથી . એ બંને જણે આપણી સાથે  એક ઘરમાં ,એક  છતની નીચે  એકબીજાની સાથે જીવન જીવવાનુ નક્કી કર્યુ છે   એટલી જ વાત છે અને  આપણે ખુશી ખુશી એમને આવકારવાના છે, એટલુ તો આપણે આ બાળકો માટે કરી શકીએ ને?”  અત્યાર સુધી  તટસ્થભાવે જોઇ સાંભળી રહેલા ચંન્દ્રવદન શાસ્ત્રીએ હવે જરાક વાતનો દોર પોતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો.

” બીજુ શું કરી શકીએ એ પણ મને કહી દેજો એટલે એમને -તમને અને મને ય સરળ પડે.”

” મા, તારો ગુસ્સો કે અકળામણ હું સમજી શકુ છુ અને એવુ શુ જ નથી કે તને અંધારામાં રાખીને કશુ નક્કી થયુ હોય.”
જયાબેન કશુ જ બોલ્યા વગર અભિ સામે તાકી રહ્યા.પણ વણ બોલાયેલા એમના શબ્દો અભિએ એમની નજરમાંથી પારખી લીધા .એ જાણે નજરથી અભિને કહી રહ્યા હતા કે છેક ઘર સુધી આ છોકરીને લઈ આવ્યો એનાથી વધુ અંધારુ મારા માટે શું હોઇ શકે?

” મા , દુનિયામાં કોણે બાંગ પોકારીને પ્રેમ કર્યો છે ? અમને ય જરા આવા લુપાછુપીના  લ્હાવા ના લેવા હોય? અભિએ જયાબેનની પાસે જઇને એમના ખભા પર હાથ મુકીને જરા લાડ ભર્યા અવાજે કહ્યુ. ” અને મા જેવુ અમને લાગ્યુ કે આ લુપાછુપીથી આગળ વધીને ય આપણે સાથે રહી શકીશુ એવુ તરત જ તો તમારી પાસે આવ્યા.”

” જયા, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મ્હોં ધોવા ન બેસાય ને એમ લક્ષ્મી ખુદ આપણા ઘરમાં એના કંકુ પગલા પાડવા આવી હોય ત્યારે મુરત ના જોવાય. એ તો જે ઘડીએ આવી એજ  શુભ ચોઘડીયુ કહેવાય માટે ગોળ  લાવો અને મ્હોં મીઠુ કરાવો.”

જયાબેને મને કમને સુનિરાના માથે હાથ ફેરવ્યો અને રસોડામાં જઈ કંકુ , ચોખા લઈ સુનિરાને આવકારી અને ગોળ ખવડાવી મ્હોં મીઠુ કરાવ્યુ પણ અંતરથી કડવાશ તો ઓછી ન જ થઈ .

” જો સુનિરા , ડૅડીના આવકાર કે મા ના અનાદર  વિશે એ ઝાઝુ વિચારીશ કે વિશ્લેષણ કરીશ તો તું ગુંચવાયા કરીશ પણ તને મારી પર એટલો તો વિશ્વાસ હોવો જોઇએ કે  તારો અભિ હંમેશા તારો અને માત્ર તારો જ છે. આવકાર મળ્યો હોત તો સુખ  છે જ પણ અનાદરનુ  દુઃખ યાદ રાખીને હું તારી સાથેની એક પળનુ સુખ પણ ગુમાવા નથી માંગતો. ઘેરથી નિકળ્યા પછી ઉદાસ સુનિરાને જોઇને અભિ એની તકલીફ સમજી શકતો હતો.

” અભિ , માત્ર મારા અને તારા સાથે હોવાને જ સુખની પળો કહેવાય? હતી એ ય સુખની પળો હતી જ્યારે એમાં આપણે બે જ માત્ર હતા પણ હવે પછીની આવતી તમામ ક્ષણો એવી હશે કે જેમાં તારા ય મમ્મી ડૅડી એમાં સામેલ હશે ત્યારે એમના ય ગમા અણગમાને આમ આપણે ભુલાવી ય ન દઈ શકીએ ને? મારે માત્ર તારી સાથે એકલા નથી રહેવાનુ, મમ્મી ડૅડીની ય સાથે મારે રહેવુ છે.  આપણા સુખમાં એમને સાથે રાખવા છે , એમને તકલીફ આપીને ખુશ થઉ તો હું સ્વાર્થી ન કહેવાઉ?”

અભિ અત્યંત વ્હાલથી સુનિરા સામે જોઇ રહ્યો.  અલગારી જેવી દેખાતી જીન્સના પેન્ટ પર ખાદીના કુર્તા પહેરતી અને ખભે એક થેલો લઈને ફરતી આવી ફાઇન આર્ટસની સ્ટુડન્ટ, રાત દિવસ પોતાની ધૂનમાં મસ્ત રહેતી એક છોકરી આટલુ લાગણી ભર્યુ વિચારતી હશે એવી તો એણે કલ્પના નહોતી જ કરી. એ સાચે જ સુનિરા પર વારી -ઓવારી ગયો અને એક દિવસ રજીસ્ટર મેરેજ કરીને સુનિરા અને અભિ નવજીવનનો આરંભ કર્યો.

એ દિવસે  સાંજે ચંદ્રવદન શાસ્ત્રીએ  એમના અત્યંત ખાસ કહેવાય એવા સ્વજનો, નજીકના મિત્રો ,અભિના અખબારી આલમના દોસ્તો અને સુનિરાના કલાજગત ના કલાકારો ને એક ડીનર પાર્ટી આપી .

સાવ જ ઇન્ફોર્મલ કહેવાય એવી પાર્ટી. ના તો કોઇ મોટો- ભવ્ય પાર્ટી પ્લોટ , ના તો કોઇ રીસેપ્શન માટેનુ સ્ટેજ કે ના તો કોઇ આંખે ચઢે એવુ ડૅકોરેશન..ક્લબના મેઇન એન્ટ્રન્સ થી માંડીને લૉન સુધીના પેસેજને બંને બાજુથી કૅન્ડલ મુકીને સુશોભિત કર્યો હતો. હળવા સૂરે વહેતુ જલ-તરંગનુ મ્યુઝીક મનને સ્પર્શી જાય એવુ હતુ. અભિ અને સુનિરા ફુલોથી મઢયા સ્ટેજ પર ઉભા રહેવાના બદલે આમંત્રિત મહેમાનો સાથે ભળી જઈને અભિવાદન ઝીલતા હતા. કોઇ ઔપચારિકતા નહોતી , કોઇ શૉ કે ઝાકઝમાળ નહોતી છતાંય પાર્ટીનો માહોલ ખુબ એલિગન્ટ લુક આપતો હતો.

નેક લાઇન પર આછા જરદોસી  વર્ક વાળા મરૂન સિલ્કના ઝભ્ભા અને ચુડીદારમાં અભિ સોહામણો લાગતો હતો તો એવી જ આછા જરદોસી વર્ક વાળી મરૂન સાડી અને એ સાડી સાથે મેચ થાય એવા સફેદ જડતર મોતીના આછા દાગીનામાં શોભતી સુનિરા ય બેહદ ખુબસુરત લાગતી હતી. ચહેરા પરનો હળવો મેકઅપ અને એ ચહેરા પર સરકી આવતા કાળા સુંવાળા અને જરા કર્લ કરેલા વાળ સુનિરાની મોહકતામાં વધુ ને વધુ ઉમેરો કરે જતા હતા.

ચંદ્રવદન શાસ્ત્રી અત્યંત સૌજન્યપૂર્વક મહેમાનોને આવકારી રહ્યા હતા. આમ તો જયાબેન પણ અભિ સાથે સોહતી સુનિરાને જોઇને મનોમન ખુશ થઈ જતા પણ મનની અંદર બેઠેલો પેલો અહં અમળાઇ અમળાઇને એ ખુશી છલકાવા નહોતો દેતો એ બીજી વાત હતી.

આ બધાથી અજાણ અનેરી તો એના ભાઇ-ભાભીને જોઇને અત્યંત રાજી રાજી. એ તો જયાબેનના મનમાં ચાલતા વિચારોથી તદ્દન અજાણ હતી. એને તો આ ઘર હસતુ-રમતુ થઈ જાય એટલે બસ….

પણ આ ઘર હસતુ રમતુ ક્યારેય ના થયુ તો ના જ થયુ.

સુનિરાના લાખ પ્રયત્નો છતાં ય જયાબેન એને મનથી ના જ સ્વીકારી શક્યા.કિચનથી શરૂ થઈને ઉગેલી સવાર સાંજ પડતા કિચનમાં જ આથમતી હોય એવા જયાબેનને મન સુનિરાના આ પેઇંટીંગ એક ફિતુર જ હતા. એમનો શોખ નવી નવી વાનગી બનાવવા અને એને લગતા રસોઇ શૉ પુરતો જ મર્યાદિત હતો. એટલે ચંદ્રવદન શાસ્ત્રી , અભિ અને હવે તો એમાં ભળેલી સુનિરાની ય વાતો એમને સુનિરાના ઍબસ્ટ્રેક્ટ પેઇંટીંગ જેવી ઍબ્સર્ડ જ લાગતી .સુનિરાના સાચા દિલથી કરેલા પ્રયત્નોમાં પણ એમને તો કોઇને કોઇ ખોડ દેખાતી જ.

“ અમારા ઘેર તો આમ જ થાય કે અમારા ઘરમાં તો આમ ન જ ચાલે “જેવી એમની તકિયા કલમથી સુનિરાને સાચે જ પરાઇ હોય એવો એહસાસ કરાવવાની પુરતી માનસિક તૈયારી સાથ સજ્જ રહેતા.ક્યારેક સુનિરા લાડમાં કહેતી ય ખરી કે “ મા , હવે તો હું ય આ ઘરની ના કહેવાઉ? આ ઘર મારુ નથી?”

“ કહેવડાવવુ અને હોવુ એ બે માં આસમાન જમીનનો ફરક હોય ને?સમસમી જતી સુનિરા પણ હજુ ય એનામાં ધીરજ ખુટી નહોતી.

પણ આ બધુ અભિ કે ડૅડીની હાજરી ન હોય ત્યારે જ બાકી બધા હાજર હોય ત્યારે એ સામાન્ય રીતે એ મુક પ્રેક્ષકની જેમ બની રહેતા. જો કે રસોઇમાં એમની પારંગતતા અંગે કોઇ બે મત નહોતો.સુનિરા એમની રીતે કશુ પણ કરવા પ્રયત્ન કરે તો એમની ટકોર તો સાંભળવી જ પડતી.

” આ કોઇ કાગળ પર આમ તેમ લીટા ખેંચો કે એમાં ગમે તે રંગના લસરકા ભરી દો એટલે કામ પતે એવુ માની નહી લેવાનુ, હાથમાં અમી હોય ને તો જ રસોઇમાં રંગ આવે.”

“ પણ મા, મને શિખવાડોને તમારી રીતે , ધીમે ધીમે મારો ય હાથ બેસી જશે.” સુનિરા હજુ ય શરણાગતિના સૂરમાં જ વાત કરતી.

પણ જયાબેનને એમના સામ્રાજ્યમાં એમની જ આણ પ્રવર્તતી હોય , એમનુ જ આધિપત્ય અકબંધ જોઇતુ હોય એમ એ કશુ જ શિખવવાના મુડમાં ક્યારેય આવતા જ નહી. અને આ એક જ તો વાત હતી જેમાં એ એમની સર્વોપરિતા સાબિત કરી શક્તા .
અને એ દિવસે તો એમણે હદ જ કરી નાખી.સુનિરાએ સલાડ બનાવ્યુ એ જોઇને એમણે આકરી ટીકા કરી. “અમારા ઘરમાં તો માણસો જ વસે છે આવા ઘાસપુસનો કચરો કોઇ ના ખાય” રસોડામાં તો એ બે જણ જ છે એવુ માની બેઠેલા જયાબેનને ખબર નહોતી કે અભિ નહાઇને બહાર નિકળી ગયો છે.અને બસ વાત ત્યાંની ત્યાં જ વણસી ગઈ. અભિ એની મા ને બરાબર ઓળખતો હતો અને એ જરા આમ તેમ હોય ત્યારે શું બની રહ્યુ છે એ ય એના ધ્યાન બહાર નહોતુ જ પણ ધીમ ધીમે બધુ થાળે પડી જશે એવી સુનિરાની આશા પર એ પાણી ય નહોતો ફેરવવા માંગતો એટલે જરા શાંત હતો.પણ આજે તો એનો રોષ એકદમ ભભુકી ઉઠ્યો.

સુનિરાએ લાખ પ્રયત્નો કર્યા તેમ છતાં એ શાંત ન જ થયો. અને સુનિરાને સામાન પેક કરી ઘર બહાર નિકળી જવાનો નિર્ણય આપી દીધો.

“અભિ , પ્લીઝ સાંભળ તો ખરો, મા છે કોઇવાર ભુલ થાય તો બે શબ્દ બોલે ય ખરા”

“ બે શબ્દ? આ બે શબ્દો તુ આ ઘરમાં આવી ત્યારથી રોજે રોજ સાંભળતો આવ્યો છું હવે નથી સાંભળવા બસ કહી દીધુ ને એકવાર હવે કોઇ ચર્ચા નથી કરવી મારે આ અંગે.”

એ દિવસ અને એ ઘડી અભિએ એ ઘરનો મોહ સાપ કાંચળી ઉતારે એમ ઉતારી દીધો. ન ઉતારી શક્યો ડૅડુ તરફનો મોહ. એનો એક એક દિવસ એના ડૅડુ વગર કેવો ઉગતો અને કેવો આથમતો એ તો માત્ર એ જ સમજી શકતો અને સુનિરા .

એ દિવસે અને એ પછીના દિવસોએ પણ ચંદ્રવદન શાસ્ત્રીએ ઘરમાં તટસ્થ ભાવે  એમના દિવસો અભિ વગરના પસાર કરવા પ્રયત્ન કર્યા. જયાબેન રોજે રોજ જોતા કે ચંદ્રવદન શાસ્ત્રી અભિ વગર પ્રાણ વગરના ખોળીયા જેવા બની ગયા અને ખરેખર એક દિવસે એમનો પ્રાણ એ ખોળીયુ ય છોડી ગયો.

ત્યારથી માંડીને આજ સુધી જયાબેન એકદંડીયા મહેલની એકલી-અટુલી રાજકુંવરીની જેમ એમના દિવસો પસાર કરે છે.
હા! હજુ ય અભિની જાણ બહાર જયાબેનને મળવા અવાર-નવાર આવતી સુનિરાને પડોશીઓ જુવે છે ખરા .

 

July 25, 2013 at 2:31 am 6 comments

Older Posts Newer Posts


Blog Stats

  • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2019
M T W T F S S
« Nov    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!