Posts filed under ‘નવલિકા’

ઋણાનુબંધ

“Janie , I love you ….i love you from bottom of my heart but I love my parents too…I can’t live without you and even can’t leave my parents also.”

જૅનીફર ડિસૉઝા અને જય.. એક ઢળતી સાંજે અપ-ટનના લેક સાઈડ પર એકમેકનો હાથ પકડીને બેઠા હતા. કદાચ આ તેમની છેલ્લી સાંજ હતી કદાચ આ સાંજ કાલે ઢળે કે ના ઢળે. જૅનીની આસમાની આંખોમાં આંસુના પુર ઉમટ્યા હતા તો જયની આંખોમાં ય લાગણીના પુર ઉમટ્યા હતા. જૅનીના કાળા રેશમી વાળમાં જયનો હાથ ફરી રહ્યો હતો અને જૅની એક પણ અક્ષર બોલ્યા વગર તેનો સ્પર્શ માણી રહી હતી… આ સ્પર્શ કાલે મળે કે ના મળે.

આંખોમાં સરતા આંસુની સાથે સરી ગયેલા વરસોની યાદ પણ જૅનીની આંખમાં ઉમટી હતી. કોલેજના પહેલા જ વર્ષે જૅની કૉલેજના પ્રાંગણમાંથી પ્રવેશીને કૉલેજના ફૉયરમાં લાગેલા મોટામસ નોટીસ બોર્ડ પર ચોંટાડેલા પેપર પર ક્લાસની ડિટેઇલ શોધી રહી હતી. ઇકોનોમિક્સનો ક્લાસ કયા લેવલ પર છે એ જોઇને જ આગળ વધવામાં શાણપણ હતું . બોસ્ટન કૉલેજમાં ઍડમિશન મળવું જેટલું અઘરૂ હતું એટલું જ અઘરૂ અહીં આવ્યા પછી સ્ટાન્ડર્ડ જાળવી રાખવાનું હતું. કૉલેજના પ્રથમ દિવસથી જ જાણે પરેડ શરૂ થઈ જતી અને એક વાર ક્લાસ શરૂ થાય એટલે શ્વાસ લેવાનો ય સમય ક્યાં મળવાનો હતો?

“ઍક્સક્યુઝ મી…..કેન યુ પ્લીઝ ગાઇડ મી મીસ….? જૅનીએ ઉલટા ફરીને એને બોલાવનાર વ્યક્તિની સામે જોયું..સહેજ સહેમી ગયેલા માસુમ ચહેરા પરનો ગભરાટ એની કથ્થાઇ આંખોમાં પણ છલકાતો હતો. ઘંઉવર્ણો વાન ધરાવતા એ યુવાનની ઊંચાઇ જૅની કરતાં હાથવેંત જેટલી વધારે હતી. સીધો સુરેખ નાક-નકશો અને ભુખરા કાળા વાળ, આછા બ્લ્યુ રંગનું શર્ટ અને ડાર્ક બ્લ્યુ જીન્સ પહેરેલા એ યુવાનના કસાયેલા બાંધા સાથે સહેજ સહેમી ગયેલો માસુમ ચહેરો …..જૅની એકટક એની સામે જોઇ રહી.

“મીસ આઇ વૉન્ટ યૉર હેલ્પ.. હું અહીં સાવ જ નવો અને તદ્દન અજાણ્યો છું. એમ. એ વિથ ઇકોનોમિક્સ માટે મેં આ કૉલેજ જોઇન કરી છે પણ આટલા મોટા કેમ્પસમાં મારે ક્યાં જવું એની મને સૂઝ પડતી નથી….”

યુવક કંઇક બોલ્યે જતો હતો પણ જાણે જૅનીના કાને કંઇ પડતું નહોતું અથવા એ કંઈ સમજી શકતી નહોતી. બંને જણ બઘવાઇને એકબીજાની સામે જોતા રહ્યા. હવે પેલા યુવકની મૂંઝવણ ઓર વધી ગઇ. ફરી એકવાર એણે પોતાની મૂંઝવણ જૅની સામે રજૂ કરી. હવે જૅનીના પલ્લે કંઇક વાત પડી. યુવકના મહેસાણી ગુજરાતી છાંટ સાથે બોલાયેલા અંગ્રેજીમાં એ શું કહેવા માંગતો હતો એ સ્પષ્ટ તો થતું નહોતું પણ ઇકોનોમિક્સ અને ક્લાસ એવું કંઇક સમજાતા એણે જયનો હાથ પકડીને ક્લાસ તરફ દોડવા માંડ્યુ.

આ એમની પહેલી અને અધકચરી મુલાકાત…થોડા દિવસ સુધી તો એમ જ ચાલ્યુ. એ યુવક કંઇ બોલે પણ એનું ગુજરાતીની છાંટવાળું અંગ્રેજી જૅનીને સમજાય નહીં અને જૅનીનું અમેરિકન અંગ્રેજી સમજવામાં જયને પણ ફાંફા પડે પરંતુ ધીમે ધીમે બંનેની ગાડી પાટે ચઢતી ગઈ.

ફૉલ એટલે કે સપ્ટેમ્બરથી શરૂ થતા સેમેસ્ટરમાં જયે એડમિશન લીધું હતું. મૂળ મહેસાણાના પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા સેટલ થયેલા પ્રવિણભાઇ અને માલતીબેનનો “અમે બે અને અમારા બે” …એવો સુખી પરિવાર. જય નાનો અને અમિતા મોટી. પ્રવિણભાઇ બેંકમાં જોબ કરતા. મહેસાણાની ભાગે આવતી જમીન વેચીને વડોદરામાં નાનકડું ઘર લઈ લીધું હતું. સાદાઇથી ચાલતો ઘરસંસાર હતો. આ સાદાઇ પાછળ ભવિષ્યનો ભાર લદાયેલો હતો. પટેલ પરિવારમાં સુંડલો ભરીને કરિયાવર કરીશું તો દિકરીને સારું ઠેકાણું મળશે અને  દિકરાને સારું ભણાવીશું તો એનું ભાવિ અને આપણું ઘડપણ સુધરશે એવી ગણતરી ય ખરી. એટલે જમીન વેચીને એના ત્રણ ભાગ પહેલેથી અલગ કરી દીધા. એક ભાગમાંથી વડોદરામાં ઘર લીધું અને બાકીના બે ભાગમાંથી અમિતા અને જયના નામે ફિક્સ ડિપોઝીટ કરીને નિરાંતવા થઈને રહેવું અને ભગવાનને ભજવું એવી સાદી માનસિકતાથી પ્રવિણભાઇ અને માલતીબેનનો જીવન પ્રવાહ વહી રહ્યો હતો.

અમિતા ખુબ રૂપાળી તો નહોતી પણ આંખને જચી જાય એવી તો હતી જ. ઉંમર થતા એના લગ્નની ચિંતા મા-બાપના મન પર હાવી થવા માંડી હતી. વાત એક હોય તો એને પહોંચી વળાય પણ આ એક તો પટેલની નાત અને એમાં પણ સાત ગામ , સત્તાવીસ ગામ, ચરોતર, ભાદ્રણ….. એવા કંઇ પેટા . આ ગામની દિકરી પેલા ગામ ના જાય. એવા વાડાને ઓળંગીને છોકરો શોધવાનો અને સારા કુળ- સારા ઘરનો છોકરો હોય તો સુંડલે ભરાય એટલું સોનુ આપવાની ત્રેવડ ક્યાંથી લાવવી?  પણ કહે છે ને કે જે જ્યાં નસીબ લખાવીને આવ્યું હોય ત્યાં કોઇનો આડો હાથ ના નડે. અમિતાના નસીબે કેલિફોર્નિયાનો રોનક લખાયેલો હતો. ખાનદાની તગડો પૈસો ધરાવતા રોનક માટે આમ તો છોકરીઓની કોઇ ખોટ જ ના હોય પણ રોનકને અમિતા ગમી ગઈ.  ઓરેન્જ કાઉન્ટીમાં વર્ષોથી ગોઠવાયેલો આખો પરિવાર મોટૅલ બિઝનેસમાં ઠલવાયેલો હતો. રોનકના પિતા-કાકા અને પિત્રાઇઓ બધા જ મોટૅલ બિઝનેસમાં જામી ગયા હતા. એક નહી અનેક મોટૅલ ધરાવતો આ પરિવાર બાજુ-બાજુમાં જ મોટા વિલા જેવા ઘરમાં રહેતો હતો.

પ્રવિણભાઈએ  પુરેપુરી તપાસ કરી હતી. ખાનદાન કુટુંબ હતું. આમ તો કન્યાના કરિવાયરની જરૂર નહોતી પણ પરિવારની બીજી કુળવધુઓ જે કંઇ લઈને આવી હતી તેની સરખામણીમાં અમિતાને ઓછું ન આવે એવી તકેદારી ય લેવાની હતી. આજ સુધી જે કંઇ અમિતાના નામે બોલતું હતું એ તો જાણે પાશેરામાં પુણી જેવું લાગ્યું. અંતે પુરેપુરા વિચાર-વિમર્શના અંતે એવું નક્કી કર્યું કે જયના ભણતર માટે જે કંઇ બચત મુકી હતી એ અમિતાના કરિયાવરમાં ઉમેરી દેવી. એકનું ભાવિ સુધરતું હોય તો પછી જોયું જશે.

અને બસ અમિતા રોનક્ને વરીને કેલિફોર્નિયા ચાલી ગઈ. જય કોલેજના પ્રથમ વર્ષમાં હતો. એની ય આંખોમાં સપના હતા પણ બહેન પર લાગણી ય એટલી જ હતી એટલે મા-બાપની મરજીમાં એની ય સંમતિ હતી. જયને આગળ ભણાવવા માટે રોનકનો ય આગ્રહ હતો. આગ્રહ જ નહીં સંપૂર્ણ સાથ પણ હતો. યુ.એસ.એ. ભણવા આવવા માટે તો તમામ ખર્ચો એ ઉપાડી લેવા તૈયાર હતો પણ જયને એ વાત મંજૂર નહોતી. આખુ જીવન એક જાતના ભાર સાથે જીવવાની એની તૈયારી નહોતી. રોનકે તો એટલે સુધી પ્રસ્તાવ મુક્યો કે જ્યારે પણ જય કમાતો થાય ત્યારે એના પૈસા પાછા વાળે.

પણ જયની ખુદ્દારી એમ કરતાં પણ એને રોકતી હતી. સ્કૉલરશિપ મળે તો તો કોઇ ચિંતા જ નહોતી. બાકી રહે યુ.એસ.માં રહેવા ખાવાના ખર્ચાની ચિંતા. એને તો કોઇ પણ રીતે પહોંચી વળાશે એવો જયને વિશ્વાસ હતો અને એનો વિશ્વાસ સાચો ઠર્યો. સ્કૉરલશિપ મળી જતા એ ઉપડ્યો એનું ભાવિ ઘડવા. જવાની ટીકીટ અને બીજા ખર્ચાને પહોંચી વળવા માલતીબેને પોતાના દાગીના કાઢી નાખ્યા. કદાચ આ કારણસર જ દિકરીને કરિયાવર આપવાનો રિવાજ હશે ને?

પ્રવિણભાઇએ બેંકમાં જાહેર થયેલું વી.આર.એસ લઈ લીધું જેથી ભાવિ સુરક્ષિત બની રહે. આમ ચારમાંથી બે રહ્યા વડોદરામાં અને બે ઉપડી ગયા યુ.એસ….

***

યુ.એસ. આવીને બોસ્ટન કોલેજમાં જૅની સાથે થયેલી સામાન્ય ઓળખાણ આજ સુધીના દિવસોમાં વિશેષ અને અંગત બની ગઈ હતી. જૅનીને આ ભલા-ભોળા દેખાતા યુવક પર વ્હાલ આવી જતું. આજ સુધી અનેક યુવકોના પરિચયમાં આવ્યા છતાં જયની જેમ એને કોઇ જચ્યો નહોતો. સામાન્ય લાગતી દોસ્તીના મૂળ વધુને વધુ ઊંડા અને મજબૂત બનીને વિકસતા જતા હતા. જૅનીની સાથે જય એટલી હદે ભળી ગયો હતો કે એને બીજા દોસ્તોની જરૂર રહી નહોતી.  એટલું જ નહીં હવે બંને વચ્ચે ભાષાની સીમા નડતી નહોતી.

“ Jay, now you will need real snow shoes and winter coat,” અપ નોર્થની ઠંડી અને તેમાં ય ક્રિસમસ પછી શરૂ થઈ જતા સ્નો ફૉલથી જય અજાણ હતો પરંતુ જૅની પરિચિત હતી. એને ખબર હતી કે એક વાર સ્નો શરૂ થશે પછી શું મુશ્કેલીઓ નડવાની છે. કૉલેજથી વૉકિંગ ડિસ્ટન્સે આવેલા જયના રૂમ સુધી પણ પહોંચવાના કેવા ફાંફા પડશે એની એને કલ્પના નહોતી પણ જૅનીને હતી..

જૅની જાણે સાચા અર્થમાં ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઇડ બની રહી હતી. બંને વચ્ચે નિર્દોષ દોસ્તીથી વિશેષ કોઇ ભાવ આજ સુધી તો નહોતા. પણ કાળના ગર્ભમાં વિધાતાએ એમના માટે ખાસ લેખ લખ્યા જ હશે.

જૅનીએ સમજાવ્યું હતું “ સ્નો હશે ત્યાં સુધી તો વાંધો નહી આવે. તડકો હશે તો સ્નો પિગળી પણ જશે પણ જો કાતિલ ઠંડી હશે અને સ્નોનું આઇસમાં રૂપાંતર થશે તો સાચે જ મુશ્કેલી થશે. અને ખરેખર એમ જ બન્યું . જામી ગયેલા આઇસ પર કોલેજમાંથી નિકળતા જ જયનો પગ લપસ્યો અને ધડામ……

જે ખરાબ રીતે એ પછડાયો એ જોઇને તો એમ જ લાગતું કે થાપાનું ફ્રેક્ચર તો હશે જ. ૯૧૧ બોલાવીને જેમ તેમ કરીને જૅનીએ એને હોસ્પિટલ લઈ ગઈ. બાકીની પ્રોસિજર પતતા સુધીમાં તો બંનેને નેવ નેજા પાણી ઉતરી ગયા. પણ સદનસીબે ફ્રેક્ચરની તકલીફમાંથી જય બચી ગયો પણ જે રીતે પછડાયો હતો એનાથી ઉભા થવાની વાત દૂર પડખું ય ફેરવાતું નહોતું સખત પીડાના લીધે કણસતા જયને એકલો છોડીને જવાનો જૅનીને જરાય જીવ ચાલતો નહોતો. હોસ્પીટલમાંથી ઘેર જઈને જય કેવી રીતે શું કરશે? પીડા શમવા માટે આપેલી મોર્ફિનની અસરના લીધે જયની આંખો ઘેરાવા લાગી હતી.

જ્યારે જયની આંખો ખુલી ત્યારે એ પોતાના રૂમમાં એના સૉ કૉલ્ડ બેડ પર હતો અને એનાથી થોડે દૂર ગાર્ડન મેટ પાથરીને જૅની ઉંઘતી હતી. આટલી પીડામાં ય જયના ચહેરા પર સ્મિત લેપાઇ ગયું જાણે જૅની છે તો હવે એને કોઇ ચિંતા નથી. એ બધું જ સંભાળી લેશે. અને ખરેખર જૅનીએ જય ઉભો થઈને ચાલતો થયો ત્યાં સુધી બધું જ સંભાળી લીધું. જયને ખરેખર ખુબ વાગ્યુ હતું. બેઠા માર પીડા અસહ્ય હતી. પણ જૅનીએ બધું જ સંભાળી લીધું, એણે એનો બસેરો હાલ પુરતો જયના ઘરમાં જ વસાવી લીધો. મોર્નિંગ ટી થી માંડીને જયને સ્પોંજ કરવા સુધીની જવાબદારી એણે ઉપાડી લીધી. શરૂઆતમાં તો જયને ખુબ અતડું લાગતું અને સંકોચ પણ ભારે થતો. પણ અમેરિકન મુક્ત વાતાવરમાં ઉછરેલી જૅની માટે આ સાવ જ સ્વભાવિક હતું, એને કોઇ સંકોચ નહોતો નડતો.

ઘરમાં હોય ત્યાં સુધી એ કંઇકને કંઇક બોલ્યા જ કરતી. કૉલેજથી આવીને ય એનો બડબડાટ ચાલુ રહેતો. લેક્ચરથી માંડીને બ્રેકમાં શું કર્યું એની લંબાણપૂર્વક એ કથા કર્યા કરતી. જયને જાણે હવે એની આદત પડવા માંડી. જૅની વગર ઘર તો શું મન પણ ખાલી ખાલી લાગતું. દોસ્તી ક્યારે દિલદારીમાં ફેરવાઇ ગઈ એ ય ખબર ના રહી. અને જૅની હંમેશ માટે જયના દિલ અને ઘરમાં સમાઇ ગઈ. હવે તો એક ક્ષણ પણ એવી નહોતી કે જય કે જૅની એકલા હોય.

બે વર્ષ તો ચપટી વગાડતામાં પસાર થઈ ગયા. ગ્રેજ્યુએશન સેરેમનીમાં અમિતા અને રોનક આવી ગયા. અને જે વાત આજ સુધી જયે ક્યારેય કોઇની સાથે કરી નહોતી એ સત્ય સુંઘીને ગયા. જય અને જૅનીનું ઐક્ય જોઇને રોનક કે અમિતાને કશું જ પુછવાનું રહેતું નહોતું. જૅની જેવી મીઠ્ઠી છોકરી જે રીતે જયની પરવા કરતી હતી એ જોઇને જયનું ભાવિ જૅની સાથે સુરક્ષિત છે એવું તો અનુભવી શકતા હતા. સવાલ હતો માત્ર પ્રવિણભાઇ અને માલતીબેનની મરજીનો…

પણ એને ય પહોંચી વળાશે એવું મનોમન આશ્વાસન લઈને બંને પાછા વળ્યા. રોનકની એક ઇચ્છા એવી તો હતી જ કે પ્રવિણભાઇ અને માલતીબેને વિઝિટર વિઝા તો લઈ જ લેવા જોઇએ. દિકરો અને દિકરી યુ.એસ.માં હોય તો એ સૌથી જરૂરી હતું. અને એમની ઇચ્છાનુસાર એ બંને યુ.એસ. આવ્યા પણ ખરા. શરૂઆતમાં અમિતાના ઘેર રહેલા સાદા સરળ માતા-પિતા અમિતાના ઘરની દોમ-દોમ સાહ્યબી જોઇને અંજાઇ ગયા. થોડા દિવસ રહેવાનુ હતું આગ્રહ કરીને રોનકે એમને વધુ રોક્યા અને સાથે સાથે એમના માટે ગ્રીન કાર્ડ એપ્લાય કરી દીધું. પેરેન્ટ્સ કેટેગરીમાં બંનેનો નંબર પણ ઝડપથી લાગ્યો અને ગ્રીન કાર્ડ આવી ગયું. આ બધું કરવા પાછળ રોનકનો એક જ આશય કે જય પણ જો યુ.એસ.માં સેટલ થાય તો ભવિષ્યમાં પ્રવિણભાઇ અને માલતીબેનને પણ હંમેશ માટે અહીં રહેવા મનાવી લેવાય. રોનકના આગ્રહ આગળ પાછા પડતા પ્રવિણભાઇ અને માલતીબેનને ખરેખર તો અહીં મુંઝારો થતો હતો. દિકરીના ઘરના અન્નજળ પણ શે લેવાય એવું માનવાવાળા અસલ પટલાઇ મિજાજ ધરાવતા મા-બાપને અહીં અકળામણ થતી હતી.

રોનકના અનેક આયાસો હોવા છતાં તેમને પોતે અમિતાના સાસરિયાની સમકક્ષ નથી એ ક્ષોભ મનમાંથી ખસતો જ નહોતો એટલે બને તેટલા જલ્દી વડોદરા પાછા જવા મન હંમેશા તલપાપડ રહેતું. પણ રોનક અને અમિતાએ એક વાતનો આગ્રહ તો કર્યો જ કે આવ્યા છો તો જયને મળતા જાવ. થોડા દિવસ એની સાથે રહીને જાવ.

ખરી મુંઝવણ હવે શરૂ થવાની હતી.  જય અને જૅની માટે. જૅની માટે જયની સાથે રહેવું કે રહેવા માટે કોઇ સંબંધની , કોઇ નામની કે લેબલની આવશ્યકતા નહોતી. પણ જયને ખબર હતી કે જૅની સાથેના આ સંબંધની પ્રવિણભાઇ અને માલતીબેનને જાણ થશે તો એમનો શું પ્રતિભાવ હશે.

પરંતુ રોનક અને અમિતાએ પાણી પહેલા પાળ બાંધી લીધી હતી. અમિતા તો થોડીઘણી મુંઝાતી હતી પરંતુ રોનકે આખી વાત હાથમાં લીધી અને પ્રવિણભાઇ-માલતીબેનના જવાના થોડા દિવસ અગાઉ શાંતિથી આખી વાત સમજાવી.જૅની અને જય જો એક થવા માંગતા હોય તો એમને સ્વીકારી લેવા માટે માનસિક રીતે તૈયાર કર્યા.

જો કે ઘણું અઘરું હતું બંને માટે આ વાતનો સ્વીકાર કરવાનું પરંતુ રોનકે જે સમજદારીથી કામ લીધું એમાં વાત બગડતી તો અટકીજ ગઈ અને આમે રોનક આગળ એમને બીજું કશું બોલવાનું ય ક્યાં હતું? હવે આખી વાત જય અને જૅની પર નિર્ભર હતી. જયે જૅનીને બેસીને શાંતિથી આખી પરિસ્થિતિ સમજાવી. ભારતિય સંસ્કૄતિ પ્રમાણે જીવનમાં માતા-પિતાનું શું સ્થાન હોય એ પણ સમજાવ્યું.

જૅની માટે આ બધું જ નવું અને તદ્દ્ન અજાણ્યું હતું. એની સમજ અને સંસ્કૃતિ મુજબ તો સોળ વર્ષ પછી સંતાનો પોતાની મેળે, પોતાની રીતે જ રહેતા થઈ જાય. મા-બાપને વર્ષે બે-ચાર વાર મળો કે પછી અનુકૂળતા હોય તો થોડા દિવસ સાથે રહો…બસ વાત પતી જાય.

આજ સુધી જય અને જૅનીએ દિલ ખોલીને એકબીજાની સાથે વાતો કરી હતી. પરિચય ગાઢ બનતા પરિવાર અને પરિવારની પરંપરા વિશે પણ ઘણી વાત થઈ હતી. જયના ગ્રેજ્યુએશનમાં આવેલા રોનક અને અમિતા સાથે પણ જૅની ઘણી ભળી ગઈ હતી. ભાઇ બહેનના હુંફાળા સંબંધોની હુંફ પણ એ માણી ચુકી હતી. એના મતે સરસ પરિવાર હતો જયનો. જયની વાતો સાંભળીને કંઇક અંશે એના મનમાં પ્રવિણભાઇ અને માલતીબેનનું ચિત્ર પણ અંકાઇ ગયું હતું.

એ પોતે પણ જયના પરિવારનો એક હિસ્સો બનીને રહેવા માંગતી હતી. જય જ્યારે કહે ત્યારે ઇન્ડીયા જઈને એના મૉમ-ડૅડને મળવા પણ આતુર હતી. પણ આજે તો આ જય કંઇક જુદી જ વાત કરી રહ્યો હતો. જો એના મૉમ-ડૅડની મરજી કંઇક જુદી હશે તો જય આ સંબંધનો અંત લાવવા સુધીની વાત કરતો હતો??

અનરાધાર આંસુની રેલી વહી રહી હતી જૅનીની આંખોમાં…તો જયની ય આંખો ક્યાં કોરી હતી?

“ જય, તારા મૉમ ડૅડને અહીં આવવા તો દે. એક વાર મને એમને મળવા તો દઈશ ને?”

“જૅની, એવું નથી કે આ સંબંધનો આજે અને અહીં જ અંત આવી જવાનો છે. મારા મૉમ-ડૅડને જો તારો સ્વીકાર હશે અને મને વિશ્વાસ છે કે હશે જ પણ તમારા અને અમારા કલ્ચરનો જે ભેદ છે એ કદાચ નડે. તમારા કલ્ચર પ્રમાણે તમે કે તમારા પેરન્ટ્સ ક્યારેય સાથે રહેતા જ નથી અને અમારા કલ્ચર મુજબ અમે અને અમારા પેરન્ટ્સ મોટાભાગે જીવનભર સાથે જ રહીએ છીએ. એટલે જો મારા પેરન્ટ્સ અહીં રહેવાનું વિચારે તો તું એમની સાથે રહી શકીશ ખરી? કારણકે એ અહીં રહેવાનો નિર્ણય કરશે તો આ પરદેશની ભૂમિ પર એમને મારાથી એકલા તો નહીં જ રખાય.

“સમજુ છું જય, વાત સાથે કે દૂર રહેવાની નથી . વાત સ્વીકારની છે. અમે તો અમારા મા-બાપને અમારી મરજી દર્શાવી દઈએ એટલે વાત પુરી.

“પણ અમારામાં વાત ત્યાંથી પુરી નથી, ત્યાંથી શરૂ થાય છે જૅની અને જે વાત શરૂ થવાની છે એની હું તને સમજ આપી રહ્યો છું ફક્ત એટલું જ……” અને જયના ગળમાં ભરાયેલા ડૂમાના લીધે વાત ત્યાંજ અટકી. જાણે ક્યારેય છૂટા ન જ પડવું હોય એમ જૅનીએ એના હાથના અંકોડા જયના હાથમાં ભરાવી દીધા

ત્યાર પછીની વાત ખાધુ પીધુ ને રાજ કર્યા  જેવી સાચે જ ખુબ સુખદ છે. જય, જૅની પ્રવિણભાઇ અને માલતીબેન આજે પણ સાથે રહે છે.. જય અને જૅનીને મનગમતી જોબ મળી ગઈ છે. જય અને જૅનીએ પ્રવિણભાઈ માટે ઘરની નજીક લિકર સ્ટોર ખોલી આપ્યો છે. અમેરિકન પ્રણાલી મુજબ બેઝમેન્ટમાં પેરન્ટ સ્યુટમાં પ્રવિણભાઈ- માલતીબેનનું નાનકડું પણ સગવડદાયી ઘર છે જેમાં ભારતીય મસાલાની સોડમથી રેલાતું રસોડું છે.

ચારેય જણની સવાર માલતીબેનની અસ્સલ દેશી મસાલા ચાયથી શરૂ થાય છે. માલતીબેન આજે પણ જૅની માટે મરચા વગરની રસોઇ બનાવે છે. મરચા વગરની દાળ-ઢોકળી અને ખિચડી તો જૅનીને પણ સદી ગઈ છે. માલતીબેન પણ ક્યારેક જૅનીએ એના કિચનમાં બનાવેલા પાસ્તા અને પિત્ઝા ખાઇ લે છે. પ્રવિણભાઈ અને માલતીબેનને પૂર્વ અને પશ્ચિમ બંનેનો સમન્વય સદી ગયો છે અને તેમ છતાં આટલા સમય બાદ પણ પ્રવિણભાઇ અને માલતીબેન કદાચ જય અને જૅનીને અનુકૂળ ન આવે અને અલગ રહેવા જાય તો એના માટે માનસિક રીતે તૈયાર પણ છે.

કોણે કોને અપનાવ્યા એનો નિર્ણય તો હજુ સુધી જય પણ લઈ શક્યો નથી પણ માલતીબેન કે જૅનીને ક્યાંય કોઇ સંસ્કૃતિના વાડા નડ્યા નથી.

માલતીબેન માને છે કે, ” આ ય કોઈ ઋણાનુબંધ જ હશે અને રાગ છે તો સાથ છે ને ભાઈ ? ઈશ્વરે જ અમારા માટે આ નિર્માણ કર્યુ છે  તો રાજી થઈને રહેવું બાકીનું એની પર છોડવું……..”

જૅની કહે છે “ God is great to me.”

 

 

June 18, 2019 at 4:04 am

‘એનું સત્ય’

“હેલ્લો મેમ” એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધુ જ મારી સામે તાકતા કહ્યું.

“હાય…”જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહી.

“આઈ એમ શેહઝાદ” હજુ પણ એ જ તમીજ, એ જ અદબથી બોલ્યો.

આમ તો એને હું ખાસ ન ઓળખું પણ રોજ-બરોજ જોવાતા ચહેરામાં પણ ધીમે ધીમે એક ઓળખ ઊભી થતી જાય.

“આઇ એમ વિશ્રુતિ .”

“હું ઓળખ આપવાની કોઈ ઈચ્છા ધરાવતી નહોતી પણ કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. એનું કારણ એક તો એ હતું કે અજાણ્યા દેશમાં આવે મને માંડ બે મહિના જ થયા હતા. મુંબઈની ઝેન્સાર થકી મારું પોસ્ટીંગ ત્યાં સેન્ટ્રલ  લંડનની માર્ક્સ એન્ડ સ્પેન્સરની હેડ બ્રાંચમાં થયું હતું. એ ઉંમર હતી કશુંક નવું શીખવાની. નવી દિશાઓ ખુલતી હતી એ દિશાઓમાં દોટ મુકવાની. ઘરમાંથી તો સાવ આવી રીતે આટલે દૂર મોકલવાની મમ્મીની જરાય ઈચ્છા નહોતી. એકવાર કંપનીના કામે  બે-ત્રણ મહિના માટે બેંગ્લુર કે પુને જવાનું થયું હતુ પણ છેવટે એ હતું તો સ્વદેશમાં જ ને અને રજાઓમાં ઘેર આવતા ક્યાં ઝાઝો સમય લાગવાનો હતો એટલે ત્યાં સુધી મમ્મીને કોઈ વાંધો નહોતો પણ દેશ બહાર મોકલવાની એની જરાય ઈચ્છા નહોતી. એ વખતે હામ બંધાવી પપ્પાએ. ફાર્માસ્યુટીકલ કંપનીમાં રિજ્યોનલ મેનેજર હતા એટલે એમને ય ઘણું ટ્રાવેલ કરવાનું રહેતું. પપ્પા આમ પણ મોજીલા. ક્યાંય પણ એમને અતડું ના લાગે. પપ્પાનો સ્વભાવ પણ એવો કે ગમતાનો ગુલાલ કરીને રહે એટલે એમની સાથે સૌને મઝા આવે. પપ્પાએ મારી ઈચ્છા પારખીને મને પુરેપુરો સપોર્ટ આપ્યો અને મમ્મીને રાજી કરી લીધી.

“જયુ, લંડન કેટલું દૂર? આઠ કલાક જ ને? અરે વિશુની યાદ આવે તો આમ ચપટી વગાડતામાં પહોંચી જવાય. એકવાર વિશુને જવા દે. તને ય લંડન જવા- જોવા મળશે.” મમ્મીને એ ઘણીવાર લાડથી જયુ કહેતા. છેવટે પપ્પાએ મમ્મીને મનાવી લીધી અને હું પહોંચી લંડન. એની તો તને ખબર જ છે ને નીના?”

વિશ્રુતિ એનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો કરીને પાછી મુંબઈ તો આવી ગઈ હતી પણ એ વર્ષે અનુભવેલા આતંકના ઓળા હજુ એના મનને વિક્ષુબ્ધ કરી નાખે છે. એ ખોફ હજુ એના મનને ઝંઝોડી નાખે છે. એ ખોફ માત્ર બનેલી ઘટનાનો નહોતો પણ સાથે ખોફ હતો એ ઘટના સાથે જોડાયેલી વ્યક્તિની યાદનો.

સામે પડેલી પાણીની આખી બોટલ એકી શ્વાસે ગટગટવી ગઈ અને તેમ છતાં એના અવાજમાંથી કંપારી ઘટી નહોતી. વિશ્રુતિની અને મારી દોસ્તીને આજ-કાલ કરતાં ૨૫ વર્ષ થઈ ગયા. સાવ નાનપણથી અમે સાથે ઉછર્યા, સાથે ભણ્યા. સમય જતાં હું દિલ્હી સ્થાયી થઈ અને એ મુંબઈમાં જ રહી પણ દૂર રહીને ય અમારી દોસ્તી વધુને વધુ ગાઢી થતી ગઈ. આજે ઘણા વર્ષે મુંબઈ આવવાનું થયું અને અમે નિરાંતે મળ્યા. એક વાત હતી આજ સુધી જોયેલી વિશ્રુતિમાં ક્યારેય ભયનું નામ નહોતું જોયું પણ આજે ય એ આટલા વર્ષ જૂની વાત યાદ આવતા જ થથરી ઊઠે છે.

એ જે વાત કરતી હતી એ સમય હતો ૨૦૦૫નો. અત્યારે પણ જ્યારે જ્યારે ટેરરિસ્ટ ઍટેકના સમાચાર સાંભળે છે વિશ્રુતિ ભયથી કાંપી ઊઠે છે.

“નીના, સાચું કહું છું પહેલી નજરે તો મને એ શેહઝાદમાં એવી કોઈ ખાસ વાત જ નહોતી દેખાઈ કે એની સાથે ફરી મુલાકાત કરવાની પણ ઈચ્છા થાય.” પાણીની બોટલ પુરી કર્યા પછી ફરી વિશ્રુતિએ વાત માંડી.

“રોજે એક જ ટ્રેનમાં સાથે જ થઈ જતા અમે. સાવ ત્રેવીસ વર્ષનો  સામાન્ય કદ કાઠી ધરાવતો એ યુવાન મળે એટલે કાયમ સામેથી સ્માઈલ આપે. ગુડ મોર્નિંગ વિશ કરે ને કરે જ. મને આમ તો સાવ અજાણ્યા સાથે ભળવામાં જરા સંકોચ તો રહેતો જ પણ ધીમે ધીમે એણે જ મારો સંકોચ ઓગાળી નાખ્યો.,પહેલાં તો ટ્રેન-સ્ટેશને ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવા પુરતા જ ઊભા રહેવાનું થતું. તને  ખબર છે નીના? લંડનમાં કોઈપણ ટ્રાન્સપોર્ટ માટે ચાર મિનિટથી તો વધારે રાહ જોવાની જ ના હોય એટલે એ જે બે- ચાર મિનિટનો ગાળો હોય ત્યારે હેલ્લો…હેલ્લો થઈ જતું. પછી તો એવું ય બનવા માંડ્યું કે એક સાથે ઊભા હોઈએ અને ટ્રેન આવે એટલે સાથે જ ચઢીએ અને સાથે બેસીએ. કારણ તો ખાસ કશું જ નહીં પણ માત્ર મનથી એશિયન હોવાપણું જ આમાં કામ કરી ગયું. બ્રિટીશરો હજુ પણ થોડા અકડુ અને અતડા તો ખરા જ જાણે દુનિયા પર રાજ કરી લીધું એટલે એમની સર્વોપરીતા એમના મનમાં દ્રઢ થઈ ગઈ છે. રોજ એક સાથે મુસાફરી કરતાં હોઈએ પણ સામે જોવાના બદલે એમના ટૅબ્લૉઇડમાં માથા ખોસીને બેસી રહે એટલે ક્યારેક આવા છૂટા-છવાયા એશિયન મળી જાય તો જાણે જાતભાઈ મળ્યા જેવું લાગે એ ન્યાયે હું અને શેહઝાદ થોડીઘણી વાતો કરતાં થયા.”

વિશ્રુતિ જરા શ્વાસ લેવા અટકી.

“શેહઝાદ ઘણીવાર વાતોએ ચઢતો. એ એની ઉર્દૂ મિશ્રિત હિન્દિ લઢણ સાથેના ઉચ્ચારોમાં ભાષા શુદ્ધિ હતી. સાથે અંગ્રેજી પર પણ સરસ પ્રભુત્વ હતું. સાફ વાત કરવાની એની રીત પકડી રાખે એવી હતી. ઘણીવાર એ દેશ -વિદેશના એજ્યુકેશનથી માંડીને દેશ -વિદેશની પ્રણાલી, માન્યતા, ધર્મ વિશે જાતજાતની વાતો કરતો. એની વાતોમાં ક્યાંય પક્ષપાત કે એકતરફી વલણ નહોતું પડઘાતું સાંભળ્યુ. એ દરેક વાત ખુબ સ્વસ્થતા અને તટસ્થતાથી કરતો પણ એ જ્યારે પોતાની વાત કરતો ત્યારે એમાં થોડી અસ્વસ્થતા ભળતી. ક્યારેક એ કોઈ વાત છેડીને એકદમ ચૂપ થઈ જતો ત્યારે મારા મનમાં એની અસ્વસ્થતા માટે એક કુતૂહલ રહેતું પણ  કોઈની અંગત પળોમાં ચંચૂપાત કરતા મને મારો વિવેક આડો આવતો.”

“વચ્ચે થોડા દિવસ એ ના દેખાયો. ખાસ કોઈ ફરક ન હોવા છતાં પણ એની ગેરહાજરીની નોંધ તો મારા મનમાં લેવાઈ ગઈ. કોઈ અજાણ્યો ખાલીપો જાણે મને ઘેરી વળ્યો ના હોય એવો ભાવ ઊઠીને શમી જતો. આમ જોવા જઈએ તો એક સ્ટેશનથી ઉતરવાના સ્ટેશન સુધીનો સાથ એટલે વાત ત્યાં જ પતી જતી અને હું ઓફિસે પહોંચીને મારા કામે લાગી જતી. આખા દિવસથી માંડીને બીજી સવાર સુધી ય મનમાં એનો વિચાર સુધ્ધા નહોતો ફરકતો પણ જેટલા દિવસ એ ના દેખાયો એટલા દિવસ મનમાં એનો વિચાર આવી જતો.   એમાં બીજુ કંઇ નહીં ખાલી એક જાતનું વાતોનું વળગણ જ હતું એવું મારા મનમાં નિશ્ચિત હતું. વળી પાછો એ બેચાર દિવસે દેખાયો. દૂરથી જ એણે હાથ ઊંચો કરીને એણે પોતાની હાજરી નોંધાવી અને ટ્યુબ આવે એ પહેલાં જ દોડતો આવી પહોંચ્યો. સાચું કહું તો એની ઉતાવળ મને ગમી પણ ખરી. જાણે એવું લાગ્યું કે હું જ માત્ર એની રાહ જોતી હતી એવું નહોતું કદાચ એને પણ મને મળવાની ઉત્સુકતા હશે. કેવું છે આપણું મન નહીં ? એ મનગમતા અર્થ શોધી જ લે છે..”

વિશ્રુતી વળી ચૂપ થઈ ગઈ જાણે પાછી ભૂતકાળમાં સરી ગઈ. મને ય થોડો મનમાં ફડકો તો થયો જ કે વિશ્રુતિ…ક્યાંક એ શેહઝાદ તરફ ઢળી તો નહીં હોય ને? થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાયેલી રહી. એના ચહેરા પર કેટલાય ભાવ આવ્યા.

“વિશ્રુતિ…..”  મારે જરા એને ઢંઢોળવી પડી..

“અહીંયા જ છું નીના, મારે પાછા એ સમયખંડમાં રહેવું નથી. હા ! તો હું ક્યાં હતી?”

“લંડન ટ્યુબ સ્ટેશન પર વિશુ, પણ પછી શું થયું એ કહીશ મને? હવે તો રાહ જોવાની મારામાં ય ધીરજ નથી.”

જરા મ્લાન હસીને એણે વાતનું અનુસંધાન સાધી લીધુ.

“એ ગયો હતો વૉટરરાફ્ટ માટે વેલ્સના સ્નોડોનિયા. ખુબ ઉત્સાહમાં હતો. જાણે એક સામટુ બધુ જ કહી દેવાની ઉતાવળ હોય એમ એકધારુ એ બોલ્યે જતો હતો અને હું? હું એની વાતોમાં વૉટરરાફ્ટની જેમ તણાતી જતી હતી. એ એટલી બધી વાતો કરતો પણ એમાં ક્યાંય એના વિશે એ કશું જ કહેતો નહીં. જાણે એક જાતની લક્ષ્મણરેખાની પેલે પાર એ હતો અને એ રેખા ઓળંગીને એની તરફ જવાની મારી તૈયારી નહોતી. કદાચ હિંમત પણ નહોતી. આ રોજની સવારે ૮-૪૦ની મુલાકાત સિવાય અમે ક્યારેય, ક્યાંય, કશે જ મળવા અંગે વિચારતા પણ નહોતા.  બસ આ રફતારમાં જ બીજો એક મહિનો પણ પસાર થઈ ગયો.”

જરા શ્વાસ લેવા એ થંભી. મારે તો માત્ર એ ક્યારે બોલે એની જ રાહ જોવાની હતી. હું એની સામે તાકતી બેસી રહી.

“નીના, એ દિવસે પણ રોજીંદી ૮-૪૦ની ટ્રેન આવી પણ એ દેખાયો નહીં. ચીઢ ચડી મને એની ઉપર. વળી પાછો ક્યાં ગયો? નથી આવવાનો એવું કહી રાખવામાં એનું શું જતું હશે? પણ પછી મારા મનને તો મેં ટપાર્યું કે એણે શા માટે મને એની રોજનીશી વંચાવવી જોઈએ? તું એની કોણ થાય છે કે એ આવશે કે નહીં આવે એ તને કહેવું જ જોઈએ? શા માટે આવી અપેક્ષા તારે પણ રાખવી જોઈએ? મનને ટપાર્યા પછી ય ટ્રેનમાં ચઢતા સુધી પાછું વાળીને જોયા કર્યું. એ આશાએ કે કદાચ મોડો પડ્યો હોય અને આવી જાય. પણ ના, મારી નજર દરેક વખતે ઠાલી જ પાછી વળી.. ટ્રેનના ઑટમૅટિક દરવાજા બંધ થયા ત્યાં સુધી થતું કે હમણાં જ એ દોડતો આવીને મારી લગોલગ ઊભો રહેશે.”

વળી પાછી વિશ્રુતિનો ચહેરો લાલઘૂમ થવા માંડ્યો. શ્વાસ લેવા માટે જોર કરવું પડતું હોય એમ નાકના નસકોરા ફુલવા માંડ્યા. એટલી સખતીથી મારો હાથ પકડ્યો કે મારા કાંડા પર એના સોળ ઊઠ્યા.

“ Are you ok વિશુ?….વિશુ.. શું થયું? તું તો કહેતી હતી ને કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું તો પછી એ ના આવ્યો એના માટે આટલી અપસેટ કેમ થઈ ગઈ?”

“સારું હતું કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું નીના, કહું કેમ? ૮-૪૦ની અંડરગ્રાઉન્ડે વેગ પકડ્યો જ હતો અને કાન ફાડી નાખે એવો ધડાકો થયો. ટ્રેન ઊભી રહી ગઈ. ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા. સખત ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી એ સમયે. પેસેન્જરને સલામત બહાર આવવા માટે ઈમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા. બધા ધડાધડ કરતાં બહારની તરફ દોટ મુકવા માંડ્યા. બહાર નિકળ્યા પછી ખબર પડી કે અંડરગ્રાઉન્ડ ટ્રેનો પર થોડી થોડી સેકંડોના અંતરે બોંબ વિસ્ફોટ થયા હતા. ભયાનક વાતાવરણ હતું આવામાં સૌ પોતાની જાતને બચાવવામાં જ હોય ને પણ નીના, આવા સમયે પણ મને સૌથી પહેલા એ યાદ આવ્યો. ક્યાં હશે એ? સલામત તો હશે ને? એને જોયો નહોતો એટલે ઘડીભર તો એવું આશ્વાસન પણ લઈ લીધું કે સારું થયું કે એ ગમે ત્યાં ગયો હોય પણ આજે અહીં તો નથી જ ને?” અને વિશ્રુતિ ખામોશ.

“ વિશુ, શું થયું પછી? એ બચી તો ગયો હશે ને?”

“કોને ખબર એનું શું થયું હશે એ દ્વિધામાં હું અટવાયા કરી. ક્યાં શોધું? કેવી રીતે એના હાલ જાણું? નીના જાણે મારું મન બહેર મારી ગયું હતું. કશું જ સૂઝતું નહોતું..”

“ શાંત થા વિશુ, તું કહે છે કે તારા મનમાં એના માટે એવો કોઈ ખાસ ભાવ નહોતો તો પછી………..”

“હા, નહોતો જ પણ એક હમસફર તરીકે તો એને જાણતી હતી ને? બની શકે એ હમસફર કરતાં પણ વિશેષ બની ગયો હોય. જે હોય પણ મને એની ચિંતા કોરી ખાતી હતી એ વાત તો હું સમજી શકી હતી. હું બચી ગઈ પણ જે કારમાં બોંબ બ્લાસ્ટ થયા હતા એમની જે દશા હતી એની હું સાક્ષી છું. કેટલાય ઘવાયા, કેટલાય દાઝ્યા અને કેટલાના અપમૃત્યુ થયા એની જાણ તો પછી થઈ પણ હજુ એ સમય, એ દ્રશ્ય મને વિચારું છું તો ય ડરામણું લાગે છે. મનમાં એવો ય ધ્રાસકો ઊઠ્યો કે કદાચ મોડો પડયો હશે અને ટ્રેન ચૂકી ન જવાય એના માટે એ આ બ્લાસ્ટ થયેલા કોઈપણ કંમ્પાર્ટમેન્ટમાં તો નહીં ચઢી ગયો હોય ને? મારા મનની સ્થિતિ અત્યંત ડામાડોળ હતી. હું મારી જાતને અહીંથી બહાર કાઢું કે એની ભાળ કાઢું એની અવઢવમાં ક્યાંય સુધી તો હું ત્યાં જ ખોડાઈ રહી.”

“ હા! પણ પછી એનું શું થયું એની કંઈ ખબર પડી ખરી?”

“પડીને નીના, મોડી મોડી પણ ખબર તો પડી જ. એ ક્ષણે તો મને એવું જ થયું કે એના વિશે હું ભ્રમમાં જ રહી હોત તો સારું થાત. બહુ બહુ તો થોડા દિવસ એની ચિંતા કરીને કદાચ એને શોધતી રહેત અથવા પહેલાંની જેમ ક્યાંક ગયો હશે એમ વિચારીને એની રાહ જોવામાં, એના વિશે વિચારવામાં સમય નિકળી જાત.”

“વિશુ, વાતમાં મોણ નાખ્યા વગર એનું શું થયું એ જલદી બોલ. એ ઘવાયો હતો? એ દાઝ્યો હતો કે અપમૃત્યુ પામ્યા એમાનો એક હતો?”

“એવા સમાચાર હોત તો નીના એને ગુમાવ્યાનું મને સખત દુઃખ થાત. કદાચ એ ઘા મારા માટે ચોક્કસ કારમો હોત પણ અંતે એના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના તો કરત જ પણ આજે લાગે છે કે કદાચ એના માટે કરેલી મારી પ્રાર્થનાઓનો પણ ઈશ્વરે સ્વીકાર ન જ કર્યો હોત. એના એ મોતને તો ઈશ્વરે પણ માફ નહીં કર્યું હોય.. નીના, એ દિવસે એક નહીં ચાર જગ્યાએ બોંબ બ્લાસ્ટ થયા હતા. થોડા દિવસ પછી સસ્પેક્ટેડ સ્યુસાઈડ બોંબરની તસ્વીરો જોઈ. તું માની શકે છે કે જેની સાથે વાતોનું વળગણ હતું એવો એ શહેઝાદ તો એમાનો એક હતો?”

“વિશુ….?”

“એક દિવસ મને એણે મારા નામનો અર્થ પૂછ્યો હતો. વિશ્રુતિ એટલે પ્રખ્યાતિ- પ્રસિદ્ધિ મેં કહ્યું. એ બોલી ઊઠ્યો, અરે વાહ! તો તો બહુ સમજી વિચારીને તારું નામ રાખ્યું હશે. તું કંઇપણ કરીશ તો તને ખ્યાતિ મળશે, નામના મળશે રાઈટ? પછી મેં એને જ્યારે એના નામનો અર્થ પૂછ્યો તો એણે શું કીધું ખબર છે? ખભો ઉછાળતા એણે કહ્યું કે મને મારા નામનો અર્થ તો નથી ખબર પણ ચાલને તું ખ્યાત તો હું બદનામ. તું. પ્રખ્યાત થઈશ અને હું બદનામ. જેના જેવા કરમ, જેની જેવી તકદીર. ઘણીવાર એ આવી રીતે અસંદર્ભ વાત કરી લેતો. એને પોતાની જાત પર મજાક કરવાની ટેવ હતી એમ માનીને મેં એની જેમ હસી કાઢ્યું પણ જે દિવસે એની અસલિયતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ માત્ર મજાક નહોતી. એ જ એનું સત્ય હતું. એ જ એની તકદીર હતી. એ જ એનું કર્મ હતું. એ કહેતો હું તો આજે અહીં છું શક્ય છે કાલે ન પણ હોઉં. આજે તને મળ્યો છું કાલે ના પણ મળું પણ  અને સાચે જ એ જેવો અચાનક મારા જીવનમાં આવ્યો એવો જ અચાનક ચાલ્યો ગયો. મારી નજર સામેના ધુમાડામાં જ એ વિલીન થઈ ગયો પણ સાચું કહું તો કોઈપણ અજનબી પર વિશ્વાસ ન મુકવાનું મને શીખવતો ગયો.” આકાશની પેલે પાર ધુમાડામાં ભળી જતા શેહઝાદને જોઈ રહી હોય એમ એ સ્થિર હતી. ત્યારના એના ચહેરા પર અકળ ભાવ આજ સુધી હું સમજી શકી નથી.

અને હવે તો હું પણ કોઈપણ  સ્યુસાઈડર એટેકના સમાચાર સાંભળું છું ત્યારે મારા મનમાં એક ન જોયેલા શેહઝાદની ધૂંધળી છબી તો તરી જ આવે છે.

 

May 5, 2019 at 10:02 am

આજે હું હારીને જીતી ગઈ

download

 

હું હારીને જીતી ગઈ….

“આજની આ સંધ્યાએ મારા માટે યોજાયેલ સન્માન સમારંભના આયોજન બદલ શહેરના આ સાંસ્કૃતિક સમન્વયની હું હ્રદયપૂર્વક ઋણી છું. આ માન આ અકરામ માટે આભાર વ્યક્ત કરવા આજે કદાચ મારા શબ્દો ઓછા પડશે. સ્ટેજ એક એવું પ્લેટફોર્મ છે જેની પર લેખકે લખેલા સંવાદોને ભાવ સાથે પ્રેક્ષક સમક્ષ રજૂ કરવાના હોય ત્યારે કલાકારનું સમગ્ર ફોકસ સંવાદને શ્રેષ્ઠ અભિનયના વાઘા પહેરાવી લાગણીના લસરકાથી મઢીને આપના સુધી પહોંચાડવાનું હોય છે. આજે અહીં અભિનય નહીં પણ દિલની વાત રજૂ કરવાની છે ત્યારે મારા સાચા ભાવથી બોલાયેલા શબ્દો પણ મને તો અધુરા લાગશે.”

આ શબ્દો હતા સ્ટેજની ધરખમ અદાકારા અને છેલ્લા ત્રીસ વર્ષથી પ્રેક્ષકોના મન પર છવાયેલ સુનિતા જૈનના

પેજ થ્રી, સોશિઅલ મિડીયા અને ગ્લેમરસ વર્લ્ડમાં સતત ચમકતા રહેવાની ઝંખના ધરાવતી અભિનેત્રીની કારકિર્દીના ઉપર ચઢતા ગ્રાફના લીધે મનમાં છવાયેલા મદ–ગુમાન અને ટોચ પરથી સીધા જ નીચે આવી જવાથી જીવનમાં ઉદ્ભવેલી હતાશા, આ ફ્રસ્ટ્રેશન દરમ્યાન એને સંભાળી લેતા અપ-કમિંગ આર્ટિસ્ટનો પ્રેમ જે રીતે એના જીવનમાં બદલાવ લાવે છે એની કથા કહેતા નાટક-“હું હારીને જીતી ગઈ”માં સુનિતાએ જે અભિનય આપ્યો હતો એના પર જ આ નાટક ઉચકાયું હતું અને સળંગ ફુલ શૉ આપે જતું હતું.

‘હું હારીને જીતી ગઈ’ના સડસડાટ સો શૉ તો થઈ ગયા હતા અને હવે વિદેશમાં આ નાટકના શૉનું આયોજન થઈ રહ્યું હતું અને યોગાનુયોગે સુનિતા જૈન આજે પચાસ વર્ષ પુરા કરી વનમાં પ્રવેશ કરી રહ્યા હતા. શૉની સફળતા અને આ સુવર્ણજયંતી ઉત્સવ…..મુંબઈનો સન્મુખાનંદ હૉલ સુનિતા જૈનના ફેન ક્લબના મેમ્બરથી ભરચક હતો.

સુનિતા જૈનના સફળ નાટકોમાંથી કેટલાક ચૂંટેલા સીન આજે નવા ઉગતા કલાકારો ભજવાના હતા પણ એ પૂર્વે સુનિતા જૈનનું સન્માન અને સ્પીચ…..

નાનો અમસ્તો ગણગણાટ થાય તો એ પણ હૉલમાં પથરાયેલા સન્નાટાને ભેદીને એક ખૂણાથી માંડીને જાણે બીજા ખૂણા સુધી પ્રસરી જતો.

ઉઘડતા ઘંઉવર્ણા બદન પર ટસરની આછા ક્રીમ રંગની કલકત્તી સાડી પર મરૂનમાં સોનેરી વણાટની બોર્ડર, ભાલ પર ઘેરા મરૂન રંગનો કોરા કંકુનો ચાંદલો અને હાથમાં બે સોનાની બંગડી વચ્ચે હાથીદાંતની મરૂન બંગડીના ઝૂમખાનો રણકાર. કાનમાં સોના પર મરૂન મોતી જડેલા બુંદા.. લાંબા રેશમી લસરતા વાળનો ગરદન પર ઢળતો અંબોડો. અને એમાં લગભગ મરૂન પર જાય એવા શેડનું એક ગુલાબ. ડોકનું જરાક હલન-ચલન થાય ત્યારે ડાબી બાજુના કપાળેથી કાનની આગળ સરકી આવતી રેશમી લટ.. સુનિતા જૈન પચાસ વર્ષે પણ માંડ પાંત્રીસના લાગતા હતા. સ્ટેજ પર ઉભા હોય ત્યારે પણ એમની પાંચ ફૂટ સાત ઈંચની સીધી સપ્રમાણ દેહયષ્ટિ અને કમનીય વળાંક પર સૌની નજર અટકી જતી.

એક ક્ષણ રોકાઈને સુનિતા જૈને આખા ય હૉલ પર એક ઉડતી નજર નાખી. ફરતી ફરતી એ નજર અટકી કમલ જૈન પર.. આછા ક્રીમ રંગના ચુડીદાર પર સુનિતા જૈનની સાડીની બોર્ડર જેવા જ મરૂન રંગનો સિલ્કનો કુર્તો અને ગળામાં રુદ્રાક્ષની માળા. ગૌરવર્ણા ચહેરા પર કાળી જાડી ફ્રેમના ચશ્મા. વાળ અને દાઢીમાં આછી સફેદીનો ચમકાર અને આંખોમાં નિતરી આવતી નરી શાતિરતા. એ હતા છેલ્લા એકત્રીસ વર્ષથી સતત એક પછી એક સફળ નાટક આપનાર નિર્માતા-નિર્દેશક, લેખક અને સુનિતાના પતિ કમલ જૈન.

આ નિર્માતા-નિર્દેશક-લેખક કમલ જૈન પણ પાછા એક ઓળખવા જેવી વ્યક્તિ તો ખરા જ…સતત મેળવેલી સફળતાના લીધે મનમાં છવાયેલો એક જાતનો મદ. હું છું તો સુનિતા છે અને સુનિતાની સફળતા? એ તો આ પારસમણિના હાથના સ્પર્શના લીધે ચમકી ઉઠેલું કંચન છે. કમલ નામનો પારસમણિ છે તો ભલભલા કથીર કંચન બન્યા છે. હું એક સિદ્ધહસ્ત શિલ્પી છું. પત્થરમાંથી આકૃતિ કેમ કંડારવી મને આવડે છે. મારા નિર્દેશનના ટાંચણા વડે ઘડાયેલી કૃતિ સર્વ શ્રેષ્ઠ જ હોય એ નિઃશંક છે.

આજે પણ સુનિતાની નજરે કમલની આંખોમાં એ જ મદ દેખાયો. જાણે હું હતો તો તું આ જગ્યાએ પહોંચી છું  અને સુનિતાએ નજર ત્યાંથી વાળી લીધી પણ એ નજરે ક્ષણાર્ધમાં જ સુનિતાને જાણે  ઊભી વેતરી નાખી.

******

આંતર કૉલેજની એકાંકી નાટ્યસ્પર્ધામાં મીઠીબાઈ કૉલેજ તરફથી નાટક ભજવાયું ત્યારે એમાં મૂક-બધિર છોકરીના પાત્રમાં એક પણ સંવાદ વગર અભિનયમાં મેદાન મારી ગયેલી સુનિતા મહેતા બેસ્ટ અભિનેત્રીનું ટાઈટલ જીતી ગઈ હતી અને એ જ નાટ્યસ્પર્ધાના ઑનરેબલ ચીફ ગેસ્ટની નજરમાં વસી ગઈ. પછી તો આ ચીફ ગેસ્ટે સુનિતાનું હીર પારખીને એને ફુલ લેન્થ નાટકની મુખ્ય અભિનેત્રીના પાત્રમાં કાસ્ટ કરી. એ દિવસથી આજ સુધી સુનિતાએ પાછું વાળીને જોયું નથી.

ખરલમાં ઘુંટાયા પછી પણ જરા હસ્કી લાગતો અવાજ, આંખનો તિખારો અને ચહેરા પર ભાવના પલટાનો ત્રિવેણીસંગમ એટલે સુનિતા. ભલેને એ સુનિતા મહેતા હોય કે જૈન એનાથી સુનિતાની અભિનય પ્રતિભામાં કોઈ ફરક નહોતો પડવાનો. એની જાણ સુનિતાની જેમ કમલને પણ હતી જ. એ કમલ જૈનની સાથે ન જોડાઈ હોત તો પણ એ સ્ટેજ પર ઉભરી આવે એવી પ્રતિભા હતી એની ખાતરી સુનિતાની જેટલી જ કમલ જૈનને હતી જ પણ એ વાતનો યશ ક્યારેય કમલે એને આપ્યો જ નહીં. સદાય કમલે હર એક યશકલગી પોતાના મુકુટમાં જ ઉમેરી રાખી. કમલ સિવાય બહારના પ્રોડક્શનની ઢગલાબંધ ઑફરો સુનિતા કમલની હાજરીમાં નકારી ચૂકી હતી. એને તો કમલની સાથે રહેવું હતું, એની આસપાસ, એને જ વિંટળાઈને એનું અસ્તિત્વ જાળવી રાખવું હતું. એનાથી અલગ પોતાની ઓળખ છે એ જાણવા છતાં કમલની ઓળખ સાથે ઓળખાવામાં એને સુખ હતું. એક અચ્છા પ્રોડ્યુસર, રાઈટર, ડિરેક્ટર તરીકે કમલની સમર્થતા જાણતી હતી અને સ્વીકારતી પણ હતી. આદર આપતી હતી. અને કમલ ? એ પણ સુનિતાની પ્રતિભાથી સભાન હતો. એ જાણતો હતો કે સુનિતા તો પહેલ પાડેલો હીરો હતો એને કમલે તરાસવાની જરૂર જ નહોતી અને એટલે જ કમલે ક્યારેય ઇચ્છ્યુ નહીં કે સુનિતા એના પ્રોડકશન બહાર કામ કરે. કમલ સિવાય પણ એ ઝળકી ઊઠે એ એને ક્યારેય મંજૂર નહોતું.

જેમ સુનિતા શ્રેષ્ઠ અદાકારા હતી એવી જ રીતે કમલ પણ શ્રેષ્ઠ નિર્માતા, નિર્દેશક અને લેખક હતા એ ય એટલું જ સત્ય હતું.

નાટ્ય જગતમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ કહેવાતી આ બેલડીનું અંગત જીવન જરા અપૂર્ણ જ હતું. કમલની તામસી પ્રકૃતિ આજે આટલા વર્ષે સુનિતાને કોઠે પડી નહોતી. ક્યાંથી પડે? અહમના પડળો , હું જ સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ. મારામાં કોઈ કમી- કોઈ કચાશ હોય જ નહીં એવી એક ગ્રંથીને લઈને જીવતો કમલ જૈન  માત્ર અને માત્ર પોતાને જ પ્રેમ કરી શકતો અને સુનિતા ? એણે તો કમલે લંબાવેલો હાથ એક અહોભાવ સાથે થામ્યો હતો. કમલની પ્રતિભાથી અંજાયેલી એ સુનિતાએ તો કમલને સાચે જ પ્રેમ કર્યો હતો પણ ધીમે ધીમે કમલની પ્રકૃતિથી એ શેહમાં આવવા માંડી હતી. એક અભિનેત્રી, એક કલાકાર તરીકે અવ્વલ દરજ્જે પહોંચેલી સુનિતા, સ્ટેજ પર આત્મવિશ્વાસ સાથે પરફોર્મ કરતી સુનિતા કમલની સામે આવતા જ આત્મવિશ્વાસ ખોઈ બેસતી.

“એનો તો મેં હાથ પકડ્યો છે લગ્નવેદીમાં. મારો હાથ થામીને આગળ વધવાવાળા અનેક કલાકારો છે તો સુનિતાને હું આગળ નહીં કરું?” એક સતત એવી તુમાખી નાટકને ડિરેક્ટ કરતાં કમલમાં ડોકિયા કરતી. ખરેખર તો સુનિતામાં ગોડ ગિફ્ટેડ અભિનયકલા હતી. કમલ નહીં અને કોઈ એમેચ્યોર ડિરેક્ટરની પણ આંખ પારખીને એ પાત્રપ્રવેશ કરી શકે એવી એનામાં સહજતા હતી. માત્ર એકવાર સંવાદ વાંચ્યા હોય અને એક પણ ભૂલ વગર સડસડાટ એ સંવાદ બોલી શકતી. ક્યારેક સ્ટેજ પર હોય  તો સહ કલાકારની ભૂલ- ક્ષતિને પણ ક્ષણાર્ધમાં પારખીને આખી વાત સંભાળી લેતી. ક્યારેક પ્રેક્ષકોનો મુડ પારખીને એમને સીધા જ નાટકના જ એ પાત્રો હોય એમ એમને સાંકળી લેતી.. આ બધુ જ એ એટલી સહજતાથી કરી શકતી અને કમલ સુનિતાની સહજતાને ક્યારેય સ્વીકારી શકતો નહોતો. સુનિતાને મળતી સીધી દાદ કમલને અકળાવતી. એને તો બસ એણે દોરેલી રેખા પર ચાલતી અને પોતાની આંગળીઓ સાથે બંધાયેલી, પોતાની મરજી મુજબ મુવમેન્ટ કરતી કઠપૂતળી ખપતી હતી. એક કલાકાર તરીકે ગમેલી સુનિતા એને ક્યારેક પડકારરૂપ લાગતી.

કમલ રિહર્સલ બાબતે પણ એકદમ સ્પષ્ટ હતો. નાટક રજૂ થાય ત્યારે પણ એ જે કહે અને જે પ્રમાણે કહી હોય એટલી જ મુવમેન્ટ, એવા જ હાવભાવ અને અવાજના આરોહ-અવરોહ જળવાવા જોઈએ. સમજી શકાય કે ચૂસ્ત રિહર્સલ પછી પણ જો કોઈ ભૂલથી પણ ભૂલ કરે તો એમાં કલાકારને તો કમલની નારાજગી વહોરવી જ પડે પણ એ કોઈની ભૂલને સ્વયંસ્ફૂર્તિથી સંવાદો દ્વારા જો સુનિતાએ સાચવી લીધી હોય તો પણ નેપથ્યમાં જતાની સાથે જ કમલનો રોષ ભોગવવા એણે ય તૈયાર રહેવું પડે. એ સમયે કમલનો બદલાયેલો ચહેરો અને ચહેરા પરના તંગ ભાવ ગાલ પરના તમાચા જેટલા જ સજ્જડ રહેતા.

“વાહ ! આજે તો તમે મેદાન મારી દીધું સુનિતા મેમ ! તાલીઓનો, વાહ-વાહનો એટલો નશો છે કે એ દાદ મેળવવા એક્ટરની ભૂમિકા ઓછી પડતી હોય એમ સાથે રાઈટર, ડિરેક્ટરનો હોદ્દો પણ આપણે જ જાતે લઈ લેવાનો?” સુનિતાના  એક સ્પૉન્ટેન્યસ પરફોર્મન્સ માટે  થીયેટરમાં જે દાદ મળી એના માટે સણસણતું તીર ફેંકાયું.

બન્યુ એવું કે એ દિવસે સપોર્ટીંગ રોલ કરતી કલાકારનો પગ સ્ટેજ પર પથરાયેલી સેન્ટર કાર્પેટની છેવટની ધારમાં અટવાયો અને એ ગડથોલું ખાઈ ગઈ. સુનિતાએ એકદમ સહજતાથી એને પડતી ઝીલી લીધી અને હડબડાટમાં પોતાનો સંવાદ ભૂલી ગયેલી એ કલાકારના જ સંવાદને થોડા ફેરફાર સાથે પોતાના સંવાદ સાથે વણી લઈને સમય સાચવી લીધો. પ્રેક્ષકોએ આ વાત પારખી તો લીધી પણ સુનિતાની સમયસૂચકતાના લીધે સચવાયેલી ઘડી પર આફરીન પોકારી ઊઠ્યા.

બેક સ્ટેજ જતાં એ શાલ્વલીએ આવીને સુનિતાને દિલથી કહ્યું, “ Thank you Mam, આજે તમે મને સાચવી લીધી. સુનિતાએ હેતથી એને પોતાની બાથમાં લીધી અને ત્યાં ઊભેલા કમલની આંખમાં તિખારો ચમક્યો. જુનિયર આર્ટિસ્ટ, બેક સ્ટેજ કલાકારો, મેકઅપમેન સૌની હાજરીમાં જ  કમલે તીખા બાણ સાથે એને ઘડીના છઠ્ઠા ભાગમાં અપમાનિત દશામાં મૂકી દીધી. સ્તબ્ધ સુનિતા મેકઅપ રૂમમાં જઈને એ કડવો ઘૂંટડો ગળી ગઈ. ગળામાં અટવાયેલો ડૂમો એણે બોટલના પાણી સાથે હ્રદયમાં ઉતારી દીધો. વળતી ક્ષણે એને પાછા સ્ટેજ પર જવાનું હતું. આંખના આંસુથી ચહેરાનો મેકઅપ ખરડાય એ કેમ ચાલે?

આવી અવારનવાર બનતી ઘટનાઓથી સુનિતાનું મન ભરાઈ ચૂક્યુ. જે વ્યક્તિ પાસેથી જ સૌથી વધુ પ્રશંસાની અપેક્ષા હોય એ વ્યક્તિ જ એમાં ઉણી ઉતરતી જતી હતી અને સુનિતાની સહનશક્તિનું લેવલ પણ ઘટતું જતું હતું. રાજ્ય કક્ષાએ સન્માનિત અદાકારાનું જાહેરમાં સન્માન સાચવવાની વાત તો દૂર એના આત્મસન્માન પર ઘા કરવાનો ક્રુર આનંદ આવતો હોય એમ કમલ એક પણ તક ચૂકતો નહીં.

કમલની હંમેશા પ્રબળ ઈચ્છા રહેતી કે સૌ કોઈ એને જ ઓળખે પણ કોઈ એને ઓળખી જાય એ તો ના ચાલે ને? સુનિતા એને ઓળખી ગઈ હતી. કમલની અંદરનો અહંકાર , એનો કેપીટલ લેટરમાં લખી શકાય એવો આઈ—હુંકારના ફુફાડા જેવો શબ્દ હું …સુનિતાએ બરાબર ઓળખી લીધો હતો અને એટલે જ કમલ સુનિતાને નાની- ઓછી દર્શાવવાની એક પણ તક જતી નહી કરવી એવું નક્કી કરીને બેઠો હતો.

કોઈની લીટી નાની કરવા એને ભૂસવી જરૂરી નથી, એના માટે હાથમાં રબર નહીં પેન્સીલ રાખવી પડે, એની લીટી કરતાં આપણી લીટી મોટી દોરવી અગત્યની છે એ નાનપણમાં શીખેલી વાત કમલને આજે ક્યાંથી યાદ હોય? એને તો એ પણ ક્યાં યાદ હતું કે એણે એક દિવસ સુનિતાનો હાથ હાથમાં લઈને કહ્યું હતું કે, “ તું એટલે ,મારી જીંદગીની પહેલી અને અંતિમ પસંદ.”

અને સુનિતાને તો આજે ય યાદ હતું કે એણે કમલે કુમાશથી પકડેલા હાથમાં પોતાનો હાથ રાખીને કહ્યું હતું કે, “ હું આ સપ્તપદીના સાતે વચન તમારી સાથે નિભાવાનું, આ ઘરમાં, તમારા હ્રદયમાં કાયમ માટે જીવવાનું નક્કી કરીને આવી છું. મને તો તમારી સાથે જ ચાલવાનું સુખ જોઈએ છે. તમારાથી અલગ મારું કોઈ સુખ હોઈ જ ન શકે.”

આ સુખની વ્યાખ્યા બંનેની જુદી હશે એવી કલ્પના તો ક્યાંથી કરી હોય સુનિતાએ? પણ જ્યારથી એ સુખની વ્યાખ્યા અલગ જ છે એવું એને સમજાવા માંડ્યું ત્યારથી કમલ પણ એને સમજાવા માંડ્યો. એ માત્ર પોતાને જ પ્રેમ કરી શકતો, એ માત્ર પોતાને જે કેન્દ્રમાં રાખીને જીવવાવાળો માણસ હતો. એને તો પોતાની ઓળખ જતી કરીને કમલના પડછાયામાં ઓગળી રહેલી સુનિતા જોઈતી હતી નહીં કે એક અલગ ઉભરી આવતી ઓળખ ધરાવતી સુનિતા.

છેલ્લા કેટલાય સમયથી સુનિતાના દિલ-દિમાગમાં એક સતત મનોમંથન ચાલ્યા કરતું. એ સતત પોતાની જાત સાથે વાદ-વિવાદ કરતી જતી હતી. એને તો હજુ પણ કમલની સાથે જ ચાલવું હતું, કમલની જોડે જ જીવવું હતું અલબત્ત જો કમલનો સાચે જ સાથ હોય તો.

***********

ભાગ્યેજ પોતાનો અવાજ ઊઠાવતી સુનિતાના ચિત્તમાં આજે ઘોંઘાટ ઉમટ્યો હતો. મનની સ્થિરતા આજે વેર-વિખેર થઈ ગઈ હતી. સ્ટડીરૂમમાં મોડી રાત સુધી નવી સ્ક્રિપ્ટ પર કામ કરતા કમલ વગરના બેડરૂમમાં પણ કમલની હાજરી સતત એક ભાર સાથે અનુભવાતી હતી. એક ક્ષણ પણ એવી નહોતી કે કમલ એના મન પર છવાયેલો ન હોય. એક સમય હતો જ્યારે કમલની હાજરી એક કેફની જેમ એના મન પર છવાતી. આજે એ જ કમલ એની હાજરી વગર પણ એના મન પર ભાર બનીને ઝળૂંબ્યા કરતો.

બેડરૂમની એકલતામાં પાસા ઘસતી સુનિતાની બાજુમાં એક સાવ નાનકડી છોકરી ઘેરું એકાંત ભેદીને આવી અને હળવેથી સુનિતાની બાજુમાં બેસી ગઈ.

“અરે ! આ તો આસપાસ બનતી ઘટનાઓના ઘમસાણમાં આ પાછળ ભૂલાઈ ગયેલી સુનિ! એ વળી ક્યાંથી? પોતાના માનસ પર સજ્જડ કબજો જમાવીને બેસી ગયેલા કમલના વિચારોને ભેદીને આવવા જેટલી હિંમત તો એની જ હોઈ શકે ને?

“ કેમ, મને ઓળખે છે કે સાવ ભૂલી જ ગઈ?” એ નાનકડી સુનિએ એને પૂછ્યું.

“ આવું કેમ પૂછે છે?” સુનિતાએ કહ્યું?

“અત્યારે તો તું તારી જાતને ભૂલી ગઈ છું, હું તો વળી તારો ભૂતકાળ. ત્યાં સુધી તું મને ક્યાંથી યાદ રાખવાની?”

“ અરે ! હું તો તને મારી અંદર લઈને જીવી છું. તને ઉછરતી, મોટી થતી મેં અનુભવી છે.”

“મઝામાં તો છું ને?” સુનિતાનો હાથ પસવારતા સુનિ બોલી.

“ હા હા વળી કેમ પૂછવું પડ્યું?”

“ ના આ તો જરા અમસ્તું જ. તને આમ અડધી રાત્રે બેચેનીમાં પાસા ઘસતી જોઈ એટલે.”

જાણે દુઃખતી નસ કોઈએ દબાવી હોય એવી વેદના સુનિતાને થઈ આવી.

“મારી આટલી ચિંતા હતી તો ક્યાં હતી અત્યાર સુધી તું?” જરા રીસથી સુનિતાએ નાનકડી સખીને પૂછ્યું.

“તારી આસપાસ જ હતી. કોઈ એક ક્ષણ એવી નહીં હોય કે હું તારાથી દૂર ગઈ હોઉં પણ તને ક્યાં એક ઘડી કશો વિચાર કરવાની ફુરસદ હતી? તું તો બસ તારા મન પર એક એવું અભેદ કોચલું ચઢાવીને બેસી ગઈ હતી કે રખેને એમાં ચાલતી ગડમથલ ક્યાંક બહાર ન ડોકાઈ જાય. પણ તું ભૂલી કે હું તો કોઈપણ ભેદરેખાને છેદીને પણ તારા સુધી પહોંચી શકુ જ છું. આટલી ભીડમાં પણ તું તારી જાતને એકલી પાડીને જીવે છે એ ભલે કોઈને ન દેખાય પણ હું તો એ જાણું જ ને?”

તું નહીં જાણે તો બીજું કોણ જાણશે? નાનપણથી જ તો તું સાથે, મારી અંદર જીવી છું ને? તું જ તો મને સમજે ને!”

“યાદ છે નાની હતી ત્યારે તું કેવી હતી.? તડ ને ફડ કરનારી.”

“હસ્તો વળી, કેમ એવું પૂછે છે?”

“આ તો કદાચ યાદ ન હોય તો ?..યાદ છે કેટલી જીદ હતી તારામાં? કોઈપણ ખોટી વાત ચલાવી નહીં લેવાની જીદ, ખરાને ખરું કહી દેવાની જીદ. મમ્મી-પપ્પા કે પછી સ્કૂલના ટીચર હોય કેમ ન હોય, માની લેવા ખાતર કોઈની ય વાત તું ક્યાં માનતી? જ્યાં સુધી તારા મનનું સમાધાન ન થાય ત્યાં સુધી તું તારી વાત પર અડીને રહી જતી. ખોટી રીતે તને લઢે એ તો તારાથી ક્યારેય ક્યાં સહન થયું હતું. યાદ છે ને?”

“હાસ્તો વળી, કોઈની ખોટી વાત તો કેમ ચલાવી લેવાય?”

“યાદ છે ને કૉલેજમાં નમિતા સાથે શું થયુ હતું?”

“સુનિ, કેવી વાત કરે છે? યાદ હોય જ ને! ત્યારે નમિતા તો સાવ જ ખોટી વાત લઈને મારી સાથે દલીલોમાં ઉતરી હતી. દલીલોથી કોર્ટમાં કેસ જીતાય છે સંબંધો નહીં અને સંબંધ હોવા માત્રથી સંબંધ નથી ટકતો. સંબંધ નિભાવવાથી ટકે છે.” સુનિતાનો અવાજ જરા ઊંચો થઈ ગયો.

“અને તું એવું પણ કહેતી હતી ને કે દિમાગથી જોડાયેલા સંબંધ બાંધછોડ કરીને પણ ભાગ્યેજ ટકે છે જ્યારે  દિલથી જોડાયેલા સંબંધને ટકાવવા બાંધછોડની આવશ્યકતા ભાગ્યેજ ઊભી થાય છે બરાબર ને?”

“હા, સુનિ હા, હજુ પણ હું એવું જ માનું છું. દિલ વગરના ખોખલા સંબંધોમાં ઉષ્મા જ ક્યાં હોવાની અને એવા ઉષ્મા વગરના સંબંધો જેમાં ખુલ્લો શ્વાસ લેવાની જગ્યા ન હોય એવા સંબંધો તો બંધિયાર પાણીની જેમ ગંધાવાના.”

“અચ્છા? આ તું બોલે છે? તું તો સાચાને સાચું કહેનારી તો તારી જાતને ક્યારથી છેતરતી થઈ ગઈ?”

“સુનિ…..” સુનિતાની અવાજમાં જરા ધાર ઉતરી આવી.

“કેમ ખોટું કહ્યું મેં? અત્યારે તું શું કરી રહી છું? દિલ વગરનો ખોખલો સંબંધ નથી જીવી રહી? તારા અને કમલના સંબંધોને તું દુનિયા આગળ પરફેક્ટ પરફોર્મન્સ કરી આદર્શ સાબિત કરી શકીશ પણ તારી જાત પાસે ? મારી પાસે એ સાચો છે, તું દિલથી એ સંબંધ જીવી રહી છું એવું કહી શકીશ? આ કથિત સંબંધમાં બંને વચ્ચે વિચારોમાં, વાણી, વર્તન કે વ્યહવારમાં ય ક્યાં સચ્ચાઈ રહી છે? નક્કી કરી લે.”

“હું તો સચ્ચાઈપૂર્વક એ સંબંધ જીવવા માંગતી હતી પણ…..”સુનિતાના ગળામાં ડૂમો બાઝ્યો, આંખમાં ભીનાશ તરવરી.

“જાણું છું, પણ તું એ જાણે છે કે તાલી બે હાથે જ વાગે? સામે તાલી દેનારનો હાથ નહીં લંબાય તો તારી તાલી ખાલી જશે અને અત્યારે તારી તાલી ખાલી જ જાય છે ને? બાજુમાં બેઠેલી નાની સુનિ ભૂતકાળનું તળ ફાડીને વર્તમાન સુધી પહોંચી હતી. એનામાં હજુ ય ખરાને ખરું કહી દેવાની જીદ હતી. આપણે કોઈની સાથે પ્રેમથી જોડાઈએ એટલે એકબીજાના સુખ-દુઃખમાં એક સરખા સહભાગી બનીએ છીએ પણ જો એના સુખમાં, એની સફળતામાં જો તું શામેલ ન જ હોય તો એ સંબંધને તું કેવો સંબંધ કહીશ? હું તો એવા સંબંધને સ્વાર્થી જ કહીશ. આવા સ્વાર્થી સંબંધોને તું ક્યાં સુધી જીવ્યા કરીશ? તારા સત્વને, તારા અસ્તિત્વને ક્યાં સુધી દાવ પર મુક્યા કરીશ?”

“સુનિ….”

“સાચું કહું છું, આ ભાર વેઢાંરીને તો તું તું નહી રહે. સુનિતામાંથી સુનિતા જૈન બનવામાં તેં જે તારી ખુમારીની આહુતિ આપી છે એ તને ફળવાની હોત તો વાત અલગ હોત. આ સત્ય તું જેટલું જલદી સ્વીકારી લઈશ એટલી જલદી તું આ બોજામાંથી બહાર નિકળી શકીશ. તને ખબર છે ને કે દરિયા જેવો દરિયો ય મૃત શરીરને નથી સંઘરતો તો આ મૃતપ્રાય સંબંધના સહારે તો તું ડૂબતી જઈશ અને કોઈ તને હાથ ઝાલીને ઉપર નહીં લાવી શકે.” આજે સાચે જ આ સુનિ જીદ પર ચઢી હતી.

નાનકડી સુનિતામાં એક જાતની વિનર ઇંન્સ્ટિંક્ટ હતી. એનામાં રહેલી જીતવાની પ્રબળ ઇચ્છા એનામાં આત્મવિશ્વાસ, ખુમારીનો સંચાર કરતાં પણ આજે કમલે એનો એ આત્મવિશ્વાસ જ તોડી નાખ્યો હતો.

“ઊઠ- જાગ અને ઊભી થા. આજે મેં જે તને કહ્યું એ કોઈ તને નહીં કહે અને વારંવાર તો હું પણ નહી કહું. હવે નિર્ણય તારે કરવાનો છે.” સુનિતાની આંખમાંથી રેલાતા આંસુને હળવેથી સાફ કરીને એ પાછી સુનિતામાં વિલીન થઈ ગઈ. એકાકાર થઈ ગઈ.

હવાની લહેરખીની જેમ આવીને ચાલી ગયેલી  નાનકડી સુનિએ સુનિતા જૈનના દિલ પર- દિમાગ પર બાઝેલા ભ્રમિત પ્રેમના બાવાજાળાં વિખેરી નાખ્યા. બીજા દિવસની સવાર માટે એક ચોક્કસ નિર્ણય લઈને સુનિતાએ પથારીમાં લંબાવ્યું અને પળવારમાં તો એ એક એવી નિરાંતની ઊંઘમાં સરી ગઈ જ્યાં સ્ટડીરૂમમાંથી કમલના પાછા આવ્યાનો અણસાર સુધ્ધાં ન પહોંચ્યો.

***********

અને એટલે જ એ દિવસે સુનિતા સન્મુખાનંદ હૉલમાં આટલા આત્મવિશ્વાસથી કમલ તરફ સીધી નજરે તાકતા એના વક્તવ્યના અંતમાં કહી શકી,

“ઈશ્વરકૃપા, રંગદેવતાના આશીર્વાદ અને આપ સૌના પ્રેમ થકી હું આજે હું જે મુકામ પર પહોંચી છું એ ગૌરવની ક્ષણને નતમસ્તકે સ્વીકારું છું. આટલા વર્ષો દરમ્યાન અનેકવિધ ભૂમિકાઓ ભજવી છે જેને મેં માણી છે અને મારા દરેક પાત્રને નિભાવવાનો પુરેપુરી સંનિષ્ઠતાથી મે પ્રયાસ કર્યો છે અને આપે આવકાર્યો પણ છે.”

પ્રેક્ષકો તરફથી નજર ફેરવીને સીધી જ કમલ તરફ નજર ઠેરવતા સુનિતા આગળ વધી, “હું આજ સુધી માત્ર અમારા હોમ પ્રોડક્શનમાં જ અભિનય આપવાના મારા નિર્ણયમાં જરા બદલાવ લાવવા ઇચ્છું છું. હું મારા આ નાનકડા વિશ્વથી બહાર નિકળીને નાટ્યજગતના અફાટ વિશ્વમાં ખેડાણ કરવા ઇચ્છુ છું અલબત્ત અમારા હોમ પ્રોડક્શનને છોડવાની અહીં વાત નથી પણ અભિનયના અફાટ આભમાં જરા ઊડી લેવું છે. સૌ જાણે છે એમ હું પણ જાણું છું કોઈપણ કલાકારના જીવનમાં એક એવો સમય આવે છે જ્યાં એના અભિનયની સીમાઓ બંધાતી જાય છે. એક મુકામ પર પહોંચ્યા પછી કદાચ ત્યાંથી આગળ વધવાના બદલે સ્થગિત થઈ જવાતું હોય છે. ઉંમરની સાથે પાત્ર વૈવિધ્ય બદલાતું જશે અને એની સાથે એમાં પાકટતા વધતી જશે. કદાચ આ ચહેરા પર સરી આવતી કાળા વાળની સેર કાલે સફેદી ધારણ કરતી જશે. મને એ મંજૂર છે , સ્વીકાર્ય છે.”

ફરી પાછી કમલ તરફથી આંખ ઉઠાવીને જાણે પ્રેક્ષકોની સાથે જ સીધો સંવાદ કરતી હોય એમની તરફ તાકતા સુનિતા ઉમેર્યું, આપ સૌ જાણો છો એમ અમારા જેવા તો કેટલાય સૂરજ ઊગીને આથમી જશે પણ એ પેલું ગગન તો એમ જ યથાવત જ રહેવાનું છે. હવે સૂરજે નક્કી કરવાનું છે કે એણે અથમતા પહેલાં કેટલો ઉજાસ પાથરવો છે. મારામાં રહેલો અભિનયનો સૂરજ પણ ક્યારેક આથમવાનો તો છે જ પણ એ પહેલાં મારે પણ મારો ઉજાસ પાથરતા જવું છે. કલાકાર માટે તાળીઓના ગડગડાટ વચ્ચે જ એક્ઝિટ લેવાથી વધીને બીજુ કોઈ સુખ કે સન્માન હોઈ શકે નહીં. આજે જે કીર્તિ, જે સન્માનની સાથે આપ સૌને પ્રેમ મને મળ્યો છે એનાથી વિશેષ સુખ બીજું શું  હોઈ શકે? બસ આપ સૌનો પ્રેમ પ્રાર્થુ છું. શ્રદ્ધા છે મારા આ નિર્ણયમાં આપ સૌનો સાથ મળશે.”

અને તાળીઓના ગડગડાટ અને સ્ટૅંડીંગ ઓવેશન વચ્ચે કમલની સામે એક તીખી- વેધક નજરે તાકતી ગૌરવવંતી ચાલે સુનિતા સ્ટેજ પરથી ઉતરીને પ્રથમ હરોળમાં કમલની બાજુની ખુરશીમાં ગરિમાપૂર્વક ગોઠવાઈ ગઈ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

April 9, 2019 at 2:12 pm 1 comment

હવે રે જાગ્યો મારો આતમ રામ

ઉનો ફળફળતો નિસાસો અલકાના હ્રદયમાંથી નિકળી ગયો. આજ સુધી એ ગાંધારીની માફક આંખે પાટા બાંધીને જ જીવી હતી ને? પીળુ દેખાય એ બધુ ય સોનુ ના હોય એ આજે હવે રહી રહીને એને સમજાયુ. પણ હશે હવે જાગ્યા ત્યારથી સવાર.

સમિત અને સુમિત – જોડીયા ભાઇઓ, પણ સ્વભાવમાં મા-બાપ જેટલુ અંતર. સમિત એના પપ્પા પલ્લ્વ જેવો  શીળો- શાંત અને તટસ્થ જ્યારે  સુમિત પોતાના જેવો જ બોલકો અને એટલે જ કદાચ નાનપણથી સુમિત તરફ જરા વધારે ખેંચાણ. પહેલેથી જ સમિત એક વાત જે સાચી લાગતી હોય એ નક્કી કરી લે એ પછી એમાં ભાગ્યેજ બાંધછોડ કરે. જેમ મોટો થતો ગયો એમ અ વધુ દ્રઢાગ્રહી બનતો ગયો. હા! પણ એ પહેલા કોઇ પણ બાબતના પાસા સમજી વિચારી લે  અને જરૂર પડે તો ચર્ચા ય કરી લે પણ એક વાર જે મનમાં બેઠુ એ પછી એના નિર્ણયમાંથી એને ફેરવવો ભારે પડે, અદ્દલ એના પપ્પાની જેમ સ્તો. અને સુમિત એકદમ ઇમ્પલ્સિવ અદ્દલ પોતાની જેમ. ફટ દઈને સાચા- ખોટા , નફા નુકશાનની પરવા કર્યા વિના,  ઝાઝુ- લાંબુ વિચાર્યા વગર જ  નક્કી કરી લે.

આજકાલની જમાનાની રૂખ પારખીને અલકાને મનમાં થતુ કે બંને ભાઇઓ કોમ્પ્યુટર એન્જીનીરીંગમાં એડમીશન લે તો ગંગા નાહ્યા. કારણકે ભણવામાં તો બંને એક સરખા અવ્વલ હતા. સમિતે તો પોતાનો રસ્તો  નક્કી કરી લીધો હતો. એને તો ઇકોનોમિક્સ લઈને પ્રોફેસર જ થવું હતુ. જ્યારે સુમિતને મમ્મી ઇચ્છા પ્રમાણે એન્જીનીરીંગમાં જવાનો કોઇ વાંધો નહોતો. સમિતને  લઈને અલકા કાયમ પલ્લવ સાથે ચર્ચા કર્યા કરતી અને  પલ્લવ  અલકાને હંમેશા કહેતો કે “આંગળી ચીંધો પણ રસ્તો તો એમને જાતે જ પાર કરવા દો.” અલકાને મનથી એમ હતુ કે સમિત અને સુમિત બંને જણે અત્યારની વહેતી ગંગામાંથી  આચમની ભરી લેવી જોઇએ , મતલબ  ડોલરિયા દેશમાં જઈ ડોલર લણી લેવા જોઇએ અને આમે ય  કેટલુ વિશાળ ફલક છે ત્યાં?

અને સુમિતે એમ જ કર્યુ. માસ્ટર્સ કરીને અમેરિકા કોમ્પ્યુટર કંપનીમાં જોબ લઈ લીધી જ્યારે સમિતે કોલેજમાં ઇકોનોમિક્સમાં  પ્રોફેસરી.

અને હદ તો ત્યારે જ થઈ જ્યારે લગ્નની ઉંમરે પહોંચેલા સમિતે પોતાની જ કોલેજમાં લાયબ્રેરિયનની જોબ કરતી આરતી પર પોતાની પસંદગી નો કળશ ઢોળ્યો અને સુમિતે મમ્મી પર નિર્ણય લેવાનુ છોડ્યુ.

આરતી   નાની નાની વાતે ખુશ થઈ જતી ખરેખર સરસ મીઠી છોકરી હતી. નાના નાના સુખમાં પણ અત્યંત રાચતી આરતીમાં પળમાં કોઇને પોતાના કરી લેવાની એક  આગવી અદા હતી , બસ એ માત્ર અલકાને પોતાની ના કરી શકી. કારણ બસ એટલુ જ કે આરતી પોતાની પસંદ નહોતી. આરતી તરફ  કોઇ જાતની ઉપેક્ષા ય નહોતી પણ કોઇ ઉમળકોય અલકાના મનમાં જાગતો નહી.

જ્યારે અનુ ! આહ! શું છોકરી છે? કમ્પ્યુટર એન્જીનીયર ,ઉંચો ગોરો વાન-  સપ્રમાણ નાક નકશો અને એનાથી વિશેષ તો સુમિતની જેમ અમેરિકન કંપનીમાં જોબ. હવે આનાથી વધુ તો બીજુ શું જોઇએ? અલકાએ પસંદગીનો કળશ અનુ પર જ ઢોળ્યો અને સુમિતે એની પર મત્તુ ય મારી દીધુ. હા , થોડી શાંત હતી પણ હવે એમાં તો એવુ છે ને આપણી જોડે ક્યાં બહુ રહી છે કે આનાથી વધુ ખુલી શકે ? અલકાએ મન મનાવી લીધુ. લગ્ન કરીને માંડ પંદર દિવસ તો મળ્યા છે એને સાથે રહેવાના અને આટલા વખતથી એ એકલી અમેરિકા હતી એટલે સ્વભાવિક છે એને ય થોડુ અતડુ તો લાગે જ ને?  એ તો જેમ જેમ વધુ રહેશે એમ ખુલશે.

સમયને તો ક્યાં કોઇ સ્પીડ લિમિટ નડે છે? એ તો પાંખ પસારીને  ઉડે છે અને સમયની પાંખે પસરીને જોત જોતામાં બીજા બે  વર્ષ પસાર થઈ ગયા.આરતીએ જોડીયા બાળકોને જન્મ આપ્યો બસ આ એક જ વાતમાં અદ્દ્લ પોતાની જેમ સ્તો. અહીં અલકા આરતીના જોડિયા બાળકોની દાદી બની ગઈ  અને  બીજા બે વર્ષે તો સુમિત તરફથી અનુના  બેબી શાવર સેલીબ્રેશનનો હરખ ભર્યો ફોન આવી ગયો.

“મમ્મી, તારે અને પપ્પાએ આવવાનુ છે. સમિત અને ભાભીને પણ . સુમિતનો આગ્રહ ભર્યો ફોન આવી ગયો પણ અનુની મરજી હતી એ પ્રમાણે પહેલા તો એની મમ્મી જશે એવુ નક્કી થયુ. અલકાએ મન મનાવી લીધુ. કઈ વાંધો નહી અત્યારે તો ખરેખર એમ જ હોય ને? પછી ય ક્યાં નથી જવાતુ?

અને અનુએ નક્કી કર્યા મુજબ ૬ મહિના પછી અલકાને જવાનુ થયુ. અંતરમાં કેવો તો ઉમળકો હતો!  સુમિત પ્રત્યેનુ વળગણ આજ સુધી એવુ  હતુ. .

પણ આજે અંતરમાં વાવાઝોડાની જેમ આરતી ઉમટી આવી. ક્યારેય ન અનુભવેલી લાગણીના પુર આરતી માટે ઉમટી આવ્યા. કેવી છલ-છલ છલકતી , તરો તાજા તીતલી જેવી આરતી અને ક્યાં આ કોઇ પણ જાતના મન વગર , કોઇ જાતના રાજીપા વગર  કશુ પણ કરવુ પડે માટે કરવા ખાતર  કરતી અનુ!  અમેરિકા આવ્યે લગભગ બે મહિના પુરા થવા આવ્યા પણ અલકાએ ભાગ્યેજ અનુને આનંદમાં જોઇ હશે. જ્યારે આનંદ અને આરતીને સગા ભાઇ-બહેન જેવી સગાઇ.  પોઝીટીવ એનર્જીનુ જીવતુ જાગતુ ઉદાહરણ એટલે આરતી, સ્ફુર્તિનુ અસ્ખલિત ઝરણુ એટ્લે  આરતી .ક્યાં ચુસ્તીભરી આરતી અને ક્યાં સુસ્તીભરી અનુ! મસ્ત મોજીલી આરતીને ક્યારેય થાક નહી લાગતો હોય? છેક આજે અલકાને આ વિચાર આવ્યો.  સુમિતને મળતી ક્રિસમસની ત્રણ વિકની રજાઓને ધ્યાનમાં રાખીને સમિત અને સુમિતના લગ્ન એક અઠવાડીયાનાઅંતરે લીધા હતા. માત્ર સાત જ દિવસ પહેલા ઘરમાં આવેલી આરતીએ કેટલા હોંશથી અલકાની બધીજ જવાબદારી ઉપાડી લીધી હતી?

લગ્ન પછી પણ આરતીએ કામ ચાલુ રાખ્યુ હતુ અને એમાં તો અલકાને પણ વાંધો નહોતો. હજુ તો બધુ સંભાળવા સક્ષમ હતી. જોડિયા બાળકોના જન્મ સમયે આરતીએ લગભગ છ મહિનાનો  બ્રેક લીધો હતો. એક સાથે  બે બાળકોને સંભળવામાં નવ-નેજા પાણી ઉતરે એ અલકા ક્યાં નહોતી જાણતી? સમિત અને સુમિતને જે રીતે એમના દાદીએ સંભાળી લીધા હતા એમ  આરવ અને આહિરને સાચવવામાં અલકાએ પુરો સાથ આપ્યો હતો. આરતીએ ફરી જોબ ચાલુ કરી ત્યારે એને એ ચિંતા સતાવતી કે મમ્મી કેવી રિતે આરવ- આહિર બંનેને સંભાળી શક્શે?

આરતીને કોલેજનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અનેં લંચ બ્રેક પછી  બે વાગ્યાથી પાંચ નો. એટલે એ સવારે વહેલી ઉઠીને રસોઇ તો પતાવી જ દેતી જેથી અલકાને એ વધારાની જવાબદારી  ન રહે. એટલુ જ નહી પણ કોલેજ જતા પહેલાં આરવ-આહિરને તૈયાર કરી લેતી. બપોરે લંચ બ્રેકમાં પાછી આવીને ફટાફટ સાંજની તૈયારી કરી લેતી જેથી સાંજે પાછી ફરે ત્યારે  આરવ- આહિરને  સાચવીને અલકાને સંપૂર્ણ આરામ આપી શકાય. આરવ શાંત હતો જ્યારે આહિર એક્દમ હાઇપર. આરવને એ  ભલો અને ભલુ એનુ બ્લેન્કી. બ્લેન્કીમાં પોતાની જાતને ઢબૂરીને દૂધ પીતા પીતા એ જરા વારમાં તો ઉંઘી જતો પણ એનુ બધુ સાટુ આહિર વાળી દેતો. ઘણીવાર તો રાત્રે ઉંઘમાં રડવા ચઢે તો કેમે ય છાનો રહેવાનુ નામ ન લે. આરવ કે ઘરના બીજા કોઇને  રાત્રે પરેશાની ન થાય એના માટે આરતી રાતોની રાતો એને ખભે ઉચકીને બીજા રૂમમાં ફર્યા કરતી. આ બધુ હોવા છતાં એણે ક્યારે આરતીના મોં પર થાક કે કંટાળો જોયો નહોતો. ઉજાગરા પછી પણ એ સવારે પતંગીયાની માફક ઉડા -ઉડ કરતી હોય.

જ્યારે અનુને તો એટલી સગવડ હતી કે ઘેર રહીને એ ઓન લાઇન કામ કરી શકતી.

” ટેકનિક કેટલી આગળ વધી ગઈ છે નહીં?” અલકા પલ્લવને કહેતી. અલકાએ અહીં આવીને અનુ કામ કરતી હોય ત્યારે આશિરને સાચવવાથી માંડીને ઘરનુ  બધુ જ કામ  હોંશભેર  ઉપાડી લીધુ હતુ. અને તેમ છતાં ય અનુ તો હંમેશની થાકેલી .

દિવસે અલકા અને રાત્રે સુમિત આશિરને સંભાળી લેતો .ક્યારેય અનુને આશિર પાછળ એક રાતે ય ભાગ્યેજ જાગતી અલકાએ જોઇ હશે.

” મમ્મી , હવે થી આશિરને દિવસે એક એક કલાક એમ  બે કલાક્થી વધારે સુવા દેવાનો નથી.”

આજે આશિરની ડૉક્ટરની એપોઇન્ટ્મેન્ટ હતી. ત્યાંથી આવીને સુમિતે અલકાને કહી દીધુ.

” કેમ?”  આંચકો ખાઇ ગઈ અલકા.

રાત્રે એ જાગે છે એટલે.

ક્યારે? અલકાના મનમાં આહિર આવી ગયો. આહિર પાછળ રાતોની રાતો જાગતી આરતીને જોઇ હતી એની સામે આશિર તો માંડ બે વાર દૂધ પીવા ઉઠતો હતો .

આટલુ તો આવુ નાનુ બાળક ઉઠે જ ને? અને દૂધ પીને જરા વારમાં તો પાછો સુઇ જાય છે .

“એ જે હોય એ મમ્મી, અમારે દિવસે કામ હોય અને આ રાતો ના ઉજાગરા અમારાથી થતા નથી.”

કોઇ પણ વાત હોય તો સુમિત જ કરી લેતો અનુ તો ભાગ્યેજ કોઇ વાત કરતી.

અલકાને આશિરની દયા આવી જતી. ભાખોડીયા ભરતા શિખેલો આશિર જાગતો એટલી વાર ઝપીને બેસતો નહી એટલે થાકીને માંડ સુઇ જાય એટલામાં તો એને ઉઠાડી દેવાનો? ઉંઘવા માટે વલખા મારતા  અને ઉઠાડ્યા પછી પડતા નાખતા આશિરને ઢંઢોળીને કે સીધો જ ઉચકીને ઉભો કરી દેવાનુ અલકાને ભારે વસમુ લાગતુ. ક્યારેક અનુ સાથે એણે ચર્ચા કરવા પ્રયત્ન પણ કરી જોયો પણ વ્યર્થ.એ તો મગનુ નામ મરી પાડવામાં જ ક્યાં માનતી હતી?

અને એક દિવસ તો હદ જ થઈ ગઈ.   કોઇ ટેકનિકલ ખામીના લીધે આખી રાત એરકંડીશન બંધ રહ્યુ. જુલાઇના ગરમીમાં આખી રાત આશિર શાંતિથી સુઇ ન શકયો. થોડી થોડી વારે એ જાગી જતો   અને સુમિત કે પલ્લવ ખભે ઉચકીને ફરે ત્યારે માંડ ઝંપતો .

” આજે તો આખો દિવસ મમ્મી આશિરને સુવા ન દેતી , ગમે તેમ કરીને એને જગાડજે.” બીજે દિવસે સવારે સુમિતે કહી દીધુ

“કેમ?”

અલકાને ખબર હતી કે સુમિત એન વિચારેલુ નથી બોલતો. અમેરિકાની પોલી દિવાલોમાં આમે ય ક્યાં કોઇ વાત પચાવવાની ક્ષમતા હોય છે?

” આખો દિવસ જાગશે તો અમને રાત્રે ઉંઘવા દેશેને?”

અલકાના મગજનો પારો રાતની બંધ એરકંડીશનની ગરમી કરતા ય વધુ ઉંચો ચઢી ગયો.

” રાત્રે તમને સુવા ન મળ્યુ તો આટલી તકલીફ થાય છે તો આ નાનકડા જીવનો જરા વિચાર કર. એનુ કેટલુ ગજુ હોય? કકળાટ કરાઇને જગાડવાનો છે એને? સુમિત જરા વિચાર તો કર.”

પણ સુમિતનુ ય શું ગજુ? કે આમાં બીજુ કંઇ કહી શકે? એ તો ઓફીસ જવા નિકળી ગયો .

અલકાની ધીરજ નો હવે તો અંત આવવા માંડ્યો હતો. ક્યારેક એને ઇચ્છા થતી કે અનુને પાસે બેસાડીને એને સમજાવે પણ કાચબાની જેમ ઢાલની અંદર જાતને સંકોરી લઈને ફરતી અનુ સાથે ચર્ચા કરવી તો દૂર વાત કરવી પણ અઘરી હતી.

આજ સુધી અલકાએ ભાગ્યેજ અનુને કોઇ વાતમાં રસ લઈને વાત કરતી જોઇ હતી. જ્યારે આરતી તો ઘરમાં હોય એટલી વાર ચહેક્યા જ કરતી હોય. ફુદરડીની જેમ કામમાં ફરી વળતી આરતી ચર્ચાના ચકડોળમાંય મ્હાલતી રહેતી. સમિત અને પલ્લ્વની વાતોમાંય એ પુરેપુરો રસ લેતી. આશારામ બાપુથી ઓશો રજનિશજી, અડવાણીથી ઓબામા,  દયારામથી દલાઇલામા,કેરાલાથી કેનેડા કોઇ એવો વિષય નહી હોય જેમાં આરતી ચર્ચાની બહાર હોય.

જ્યારે અનુ તો બધા જ સાથે જમવા બેઠા હોય , શનિ-રવિની રજાની શાંતિ હોય તો ય ભાગ્યેજ કોઇ વાતમાં રસ લઈને એનો સુર પુરાવતી. એટલી નિર્લેપતા હોય? કોઇ વાતમાં રસ જ નહી! અલકાને મનોમન થઈ આવતુ કે એ સુમિતને પુછી લે કે  બધુ બરોબર છે ને? અનુ તારી સાથે તો વાત કરે છે ને ભાઇ? પણ એ ચુપ જ રહેતી. રખેને અંગારા પરની રાખ ઉડાડવા જાય અને એના તણખા ઉડે તો!

“આજે તારા પપ્પાની વર્ષગાંઠ છે અને રવિવારની રજા પણ છે તો આપણે દર્શન કરવા જઇશું? અલકાએ સુમિતને સવારે જ પુછી લીધુ. અનુની તો કોઇ મરજી-નામરજી  જેવુ ક્યાં હતુ એટલે એનેપુછવાનો તો સવાલ જ નહોતો. એ સાથે હોય કે ના હોય કોઇ ફરક જ ક્યાં પડતો હતો? ખરેખરતો અલકાને એવુ હતુ કે આટલા વર્ષે પલ્લવના જન્મદિવસે એ સુમિત અનુની સાથે  છે તો સુમિત કે અનુ જ સામેથી કોઇ પ્રોગ્રામ કરશે. કોઇ સરપ્રાઇઝ આપશે .પણ પછી તો થયુ કે એવી આશા રાખવી જ નકામી અને દિવસ ખાલી જાય એના કરતા તો છેવટે દર્શન તો થશે.

અને સરપ્રાઇઝનો તો આરતી પાસે ખજાનો હતો. એ હંમેશા દરેક દિવસને ખાસ બનાવી દેતી. પોતાનો એ જન્મદિવસ તો અલકા માટે જીવનભરનુ સંભારણુ બની ગયો . સવારથી ઉઠીને જ આરતી રોજીંદા કામમાં લાગી ગઈ હતી. અને રોજની જેમ કોલેજ જવા નિકળી પણ ગઈ. અલકાને જરા ઓછું આવી ગયુ. મમ્મીની વર્ષગાંઠ પણ ક્યાં કોઇને યાદ રહે છે? બસ આખો દિવસ મમ્મી મમ્મી કરી લીધુ એટલે વાત પતી ગઈ?

ચુપચાપ એ પણ કામે લાગી ગઈ. ગોકળગાયની જેમ આજે તો દિવસેય આગળ ખસતો નહોતો. એક વાગવા આવ્યો અને તો ય આરતી ના આવી? કંઇ પડી છે?  મનના ધુંધવાટે થોડો વેગ પકડ્યો. અને એટલામાં તો લેચ કી થી બારણુ ખુલવાનો અવાજ આવ્યો અને એની સાથે જ હેપ્પી બર્થ ડૅ ની ગુંજ અને ખળખળ હાસ્યનો ધોધ વહી આવ્યો ઘરમાં .આશ્ચર્ય ચકિત અલકાના ઘરમાં એની કીટી સાહેલીઓ ધસી આવી અને એ સૌની  પાછળ  અલકાની અતિ પ્રિય  પાઇનેપલની મોટી કેક હાથમાં થામીને આરતી પ્રવેશી.

ઓ! તો આમ વાત છે! અલકાનો ધુંધવાટ ક્યાંય વરાળ બનીને ઉડી ગયો. આરતી બરાબર જાણતી હતી મમ્મીને શું ગમશે.

એક વાર તો આરતીએ કમાલ કરી. પલ્લવની વર્ષગાંઠના દિવસે સવારે ઉઠીને એક દળદાર આલ્બમ પલ્લ્વને ભેટ ધર્યુ. આલ્બમમાં પલ્લવના જુના મિત્રો તેમજ સગા સ્નેહીઓના પલ્લવ સાથે ના ફોટા અને એની સાથે એમના સ્નેહ સ્મૃતિ સમા સંભારણા મઢીને મુક્યા હતા. આરતીએ એક મહિના પહેલાથી સૌને ફોન કરીને આખી ય વાત સમજાવી દીધી હતી એ મુજબ સૌએ પલ્લ્વ સાથેના ફોટા , એ સમયની યાદ અને પલ્લવના જન્મ દિન અંગે  કોઇ સંદેશ લખીને આરતીને મોકલાવ્યા હતા.  જેમાંથી તૈયાર થયુ આ આલ્બમ.એમાં આરતીએ સુમિતના લગ્ન સમયનો એમના આખા પરિવારનો ફોટો મુકીને બધા તરફ્થી ભાવવાહી સંદેશ મુકીને સમાપન કર્યુ હતું.   આરતી એ ય બરાબર જાણતી હતી જે પપ્પાને શું ગમશે.પલ્લવ તો આવી અનોખી ભેટ મેળવીને અત્યંત ખુશ. આરતીના માથે હાથ મુકીને લાગણીસભર આવાજે માત્ર એ એટલુ જ કહી શક્યો ” બેટા, તુ તો આ ઘરની માત્ર લક્ષ્મી જ  નહીં મા શારદા- સરસ્વતિ પણ તું જ છો.”

આરતી હંમેશા અલકા -પલ્લવ માટે કોઇને કોઇ નવુ પુસ્તક લેતી આવતી. અલકાને ફિલ્મો  અને નાટક જોવાનો કેટલો શોખ ! પલ્લવને વળી કલ્ચરલ પ્રોગ્રામોમાં ભારે રસ. આરતી  એની મેળે જ કોઇ સરસ ફિલ્મ- નાટક કે આવા કલ્ચરલ પ્રોગ્રામની બે ટીકીટ અલકા -પલ્લવ માટે   બુક કરાવી લેતી.

હવે અલકાને સમજાયુ કે એના ઘરનુ વાતાવરણ આરતી થકી જ આટલુ જીવંત હતુ. બાકી તો આ ય એક ઘર જ હતુ ને? પણ આને ઘર કહેવાય? ઘર ચાર સરસ મઝાની સજાવેલી દિવાલોથી નથી બનતુ. એમાં પ્રાણ પણ હોવા જોઇએ ને?  કંચન અને કથીરનો ફરક હવે અલકાને સમજાયો.આ શાંત ઘરમાં અલકાને મુંઝારો થવા માંડ્યો.ક્યારેક દસ -પંદર દિવસે અનુને ઓફિસ જવાનુ થતુ ત્યારે અલકાને ઘરમાં જરા મોકળાશ લાગતી.

અલકાની વાતોનુ કેન્દ્ર બદલાયુ. પહેલા એની વાતોમાં સુમિત અને અનુ અગ્ર સ્થાને રહેતા હવે એની વાતોમાં આરતી અને સમિત વણાવા માંડ્યા.પલ્લ્વ પહેલા પણ આ બધુ તટસ્થ ભાવે જોયા સાંભળ્યા કરતો અને આજે પણ એણે એમ  જ કર્યુ. કારણ આમે એની વિશેષ ટીપ્પણીથી અલકાનુ મંતવ્ય કે વિચારો બદલાવાના નહોતા અને હવે તો આમે ય એ સાચી દિશામાં જોતી થઈ ત્યારે એ બદલવાની જરૂર પણ ન રહી.

બાકીના દિવસો હવે જરા ઝડપથી પસાર થાય એવુ એ ખરા દિલથી ઝંખતી હતી પણ આ સમયે ય જાણે ગોકળગાયની ગતિએ હાલતો હતો.

જવાના દિવસો પાસે આવે તે પહેલા અલકા ખુબ બધુ શોપિંગ કરી લેવા માંગતી હતી. આરવ અને આહિર માટે ઢગલાબંધ કપડા અને રમકડા તો લેવાના જ હોય ને? અને આરતી માટે? એને શું ગમશે? ઓહ આજ દિવસ સુધીમાં એવુ તો ક્યારેય વિચાર્યુ જ નહોતુ. શોપિંગ માટે પલ્લ્વ સાથે ચર્ચા કરતી મમ્મીને જોઇને સુમિતે અનુ ને પુછી લીધુ ” શું મોકલવુ છે આપણે બધા માટે?”

” મમ્મી જે કહે એ.” ટુંકાક્ષરી જવાબ મળી ગયો.

અલકા તો સમસમી ગઈ. ” મમ્મી જે કહે એ? તમારી જાતે કશું જ નહી? આરતીને કશું જ કહેવુ પડ્યુ હતુ?  જે દિવસે અમેરિકાની ટીકીટ બુક થઈ એ દિવસથી જ એણે એની જાતે જ દોડાદોડ કરવા માંડી હતી. અનુ માટે સરસ મઝાના ટ્રેડીશનલ ડ્રેસ-કુર્તિઓ , તો સુમિત માટે લખનવી ઝભ્ભા, શર્ટ્સ અને ટાઇ  લઇ આવી હતી.  આશિર માટે તો અહીં ના કપડા  કે રમકડા ના ચાલે પણ આરતી પાસે તો એનો ય રસ્તો હતો.  એના માટેય સરસ મઝાના લખનવી ઝભ્ભા સાથે નાનકડા ચુડીદાર ,શેરવાની અને ધોતી અને  હાથમાં પહેરાવાની સોનાની લકી ચેઇન લઈ આવી હતી. દરેક વાતમાં એના ઉત્સાહ નો તો પાર જ નહોતો.

“મમ્મી, આ શેરવાની- અચકન ગમશે ને ? આશિરની બર્થ ડે માં પહેરાવાશે . હવે તો ત્યાં ય બધાને આવા ટ્રેન્ડી કપડા ગમતા જ હોય છે.

અલકાની આંખમાં ઝળઝળીયા આવી ગયા .અને એ ઝળઝળિયાની પેલે પાર પણ એને આરતી જ દેખાઇ રહી. એણે આડુ જોઇ લીધુ . સુમિત અને પલ્લવની નજરે એ નોંધી લીધુ. બીજા જ દિવસે સુમિત મમ્મી પપ્પાને લઈને શોપિંગ કરવા ઉપડી ગયો એણે આ વખતે અનુને પુછવાની હિંમત પણ ના કરી.

અલકાની આજ સુધીની જે ડોલરિયા દેશની ડોલર વહુ  માટેની અબળખા હતી તે તો ક્યારની ય સમેટાઇ ગઈ હતી. પણ હવે તો એણે બાકીની માયા ય સમેટવા માંડી. રખેને વધુ રહેવાનુ થાય તો સુમિતને ન કહેવાય, ન સહેવાય અને પોતાનાથી ન રહેવાય એવી તંગ પરિસ્થિતિ નો તો હવે સામનો ય કરવાની એની જરાય તૈયારી નહોતી. સોનાના હરણ પાછળની દોટ કેટલી વ્યર્થ છે એ તો રઘુવંશથી જાણીતી વાત નથી?

આજે તો ઇન્ડીયા જતી ફ્લાઈટમાં બેઠેલી અલકાનુ મન એના ય કરતા વધુ ઝડપે આરતી પાસે પહોંચી ગયુ.

——————————————————

December 21, 2018 at 9:14 pm 6 comments

રાગ અનુરાગ

“Can you stop talking on cellphone while driving the car Karan?”

પણ ના, કરણ તો વાત કરતો જ રહ્યો.રાજવી હવે સખત અકળાવા માંડી હતી. એ દિવસે કરણે ઓફિસમાંથી  બ્રેક લીધો હતો. કરણ અને રાજવીના ઇયરલી ચેક અપ માટેની એપોઇન્ટ્મેન્ટ હતી.

કરણ અને રાજવી …
લગ્ન જીવનની સફરનુ આ ૪૦મુ વર્ષ હતુ. બંનેની અલગ અલગ પ્રકૃતિ. કરણ થોડો મનસ્વી અને મુડી પણ ખરો.  મન સુધી ન પહોંચે ત્યાં સુધી ગમે તેટલુ મહત્વ  ધરાવતી વાત કેમ ન હોય એ હાથ પર જ ન ધરતો. અને જો ધુન ઉપડી હોય તો સાવ નજીવી વાતનો પણ તંત ન છોડતો. બસ ધુન ઉપડવી જોઇએ.

કરણ સાચે જ ઉત્સાહી અને ઉમંગી અને થોડો તરંગી પણ કહેવાય એવો. “મળ્યુ ત્યારે માણી લેવુ” જેવો અભિગમ પણ ખરો સ્તો. ખાસ કશા જ કોઇ વિચાર વગર પણ ઇમ્પલસિવ કહેવાય એવા નિર્ણયો ય લઇ લે ખરો. ના  શબ્દ એની ડિક્શનરિમાં ભાગ્યેજ આવતો. ના એટલે કોઇને પાડવી પડતી ના ની આ વાત છે. કોઇની કોઇ પણ વાત પર એ ના પાડતા શિખ્યો જ નહોતો.  આગળ-પાછળની પરિસ્થિતિ કે પોતાની જાતનો ય વિચાર કરવા ય ન રોકાતો.

રાજવી એની આ વાતે અકળાતી. એ હંમેશા માનતી કે બહુ ખુશ હોય ત્યારે કોઇને કોઇ વચન ન આપવા કે ગુસ્સામાં હો ત્યારે કોઇ નિર્ણય ન લેવા.

રાજવી પ્રમાણમાં વધુ વાસ્તવવાદી. ક્દાચ કરણને ન ગમે એટલી. જીવનના કેટલાક ચઢાવ ઉતાર જોઇ ચુકેલી રાજવી મન સાથે ,ગમા- અણગમા સાથે ,પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખી ગઈ હતી. કદાચ હવે ગમા-અણગમા જેવુ ય ખાસ કશુ રહ્યુ નહોતુ. બસ સમય શાંતિથી વહેતો રહેવો જોઇએ.

સમાધાન ન કરી શકી બસ આ એક કરણના આ તરંગીપણા સાથે , કરણની જાત માટે ય વિચાર્યા વગર પગલુ લેવાની પ્રકૃતિ સાથે. એને હંમેશા લાગતુ કે સિનિયર સીટીઝન કહી શકાય એવી ઉંમરે તો વ્યક્તિમાં  એક બદલાવ,એક ઠહરાવ ન આવે ? ૨૬ વર્ષની ઉંમર અને ૬૨ વર્ષની ઉંમરમાં કોઇ જ ફરક નહી? નાની નાની વાતની ચિવટ , ચોકસાઇ કે કાળજી તો ઉંમર અને અનુભવ સાથે વણાતી જ જાય ને? પણ કરણમાં તો આજે ય ” Karan Shah can do any thing -Karan Shah can do every thing” વાળો કરણ ગમે ત્યારે આળસ મરડીને ઉભો .

બસ , આ એક વાત ને લઈને અત્યારે રાજવીના મગજનો પારો ચઢતો જતો હતો. ડોક્ટરની એપોઇન્ટ્મેન્ટ પહેલા કરણનુ એની ઓફિસે જવુ જરૂરી હતુ એ તો એ ય સમજતી હતી. કાલે સાંજે ઓફિસે એક અગત્યની ફાઇલ પર કામ પુરુ કરીને કરણ ઉભો થયો ત્યારે ઓફિસ લગભગ ખાલી થઈ ચુકી હતી. અને બાકી જે રહ્યા હતા એમાંથી કોઇને એ ફાઇલ સોંપી શકાય એ શક્ય નહોતુ. એટલે કરણ એ ફાઇલ પોતાની સાથે જ લઈને આવ્યો હતો. અત્યારે ડોક્ટર પાસે જતા પહેલા એ ફાઇલ ઓફિસે આપતા જવાનુ હતુ એની તો રાજવીને ય ખબર હતી. ઓફિસ પહોંચવામાં માંડ દસ મિનિટે ય બાકી નહોતી અને કરણનો સેલ ફોન રણક્યો.

આદતવશ કરણે ગાડી ચલાવતા ચલાવતા ખીસામાંથી ફોન કાઢીને વાત કરવા માંડી. રાજવી કરણ પર આ વાતે ય ખુબ અકળાતી.  ફેન્સી અને લેટેસ્ટ વસ્તુના શોખીન કરણે ગાડી ય લેટેસ્ટ મોડલની લીધી હતી. ગાડીમાં બધા ફિચર્સ હોય તો એનો ઉપયોગ નહી કરવાનો? બ્લુ ટુથ ની સગવડ હોય તો શા માટે એનો ઉપયોગ નહી કરવાનો?

એક તો સીટબેલ્ટ બાંધ્યા પછી માંડ હલનચલન કરી શકાય એવી મોકળાશ રહેતી. એવામાં ચાલુ ગાડીએ ૭૦ ૭૫ માઇલની સ્પીડે જતા  ચાર થી છ લેનના ટ્રાફિક સાથે તાલમેલ મેળવતા ગાડી કંન્ટ્રોલમાં રાખીને સીટ પર ઉંચા નીચા થઈને ખીસામાંથી ફોન કાઢવો એ વાતથી જ રાજવી ગભરાઇ જતી. આ પહેલા પણ એવુ બન્યુ હતુ કે આવી જ રીતે ખીસામાંથી ફોન કાઢીને વાત કરવામાં  બેધ્યાન કરણે અજાણતા જ સામે આવતા ટ્રાફિકની લેનમાં ગાડી લઈ લીધી હતી. નસીબ બંનેના પાધરા કે કમ્યુનિટીની બસ જરા જ બહાર નિકળ્યા હતા અને હજુ સામો ટ્ર્રાફિક ચાલુ નહોતો થયો. એ વખતે ય રાજવી એની સાક્ષી હતી.

પણ એથી કરીને કરણને તો કોઇ ફરક પડતો નહોતો કે અત્યારે પણ પડ્યો. રાજવી જોતી જ રહી અને એણે તો એની ધુનમાં ખીસામાંથી સેલફોન કાઢીને વાત કરવા માંડી. ફોન કરણની મેનેજરનો હતો.રાજવીની અકળામણ કે ટોકને અવગણીને ય એ સેલફોન પર વાત કરતો જ રહ્યો.રાજવીના મગજનો પારો અને બ્લડપ્રેશર ઉંચુ ચઢતુ રહ્યુ. અડધા રસ્તેથી શરૂ થયેલી વાત લગભગ ઓફિસે પહોંચવા આવ્યા ત્યાં સુધી ચાલુ જ રહી.

અત્યાર સુધી સતત કરણને ટોકતી રાજવી ઓફિસ પહોંચી  મેનેજરને ફાઇલ આપીને નિકળ્યા પછી સાવ જ શાંત થઇ ગઈ. હવે બોલવાનો વારો હતો કરણનો.એ તો એની જ ધુનમાં મસ્ત હતો.આમ સાવ જ શાંત થઈ ગયેલી રાજવીને જોઇને ય એને તો હજુ મનમાં વિચાર સરખો ય  આવ્યો નહોતો.

” ફાઇલ પહોંચી એટલે મારુ કામ પત્યુ. ”

રાજવી તરફથી કોઇ જવાબ ન મળતા કરણનું હવે રાજવી તરફ ધ્યાન ગયુ.તમતમી ગયેલો ચહેરો જોઇને રાજવીના બદલાયેલા મુડનો જરાતરા ખ્યાલ તો આવ્યો.

” હે ભગવાન પાછુ શું થયુ?” કરણે વાતની શરૂઆત કરી.

” આપણી વચ્ચે  કેટલી વાર વાત થઇ હશે કે ચાલુ ગાડીએ આવી રીતે ફોન પર વાત નહી કરવાની? ગાડીમાં બેસતા પહેલા ખીસામાંથી ફોન કાઢીને બ્લુટુથ ચાલુ કરવામાં વાર કેટલી લાગે?”

” નથી યાદ આવતુ શું કરુ?  બ્લુટુથ ચાલુ કરુ તો ઓફિસે પહોંચીને બંધ કરવાનુ યાદ નથી આવતુ અને એમાં બેટરી ડાઉન થઈ જાય છે .”

” ઓફિસ કેટલી દૂર હતી? પહોંચીને ય વાત થઈ શકી હોત .”

” મારી મેનેજરનો ફોન હતો , તને ખબર છે કેટલી અગત્યની વાત હતી?”

” ફોનની રીંગ વાગી ત્યારથી જ તને ખબર પડી ગઈ હતી કે  ફોન અગત્યનો જ  હશે? પહેલી વાત તો એ કે ના પાડી છે તો ય તેં ફોન ઉપાડ્યો.અરે ઉપાડ્યો એનો ય કદાચ એટલો પ્રોબ્લેમ ના હોત .
 ફોન ઉપાડીને તું કહી શક્યો હોત કે રસ્તામાં છુ, ઓફિસ પહોંચીને વાત કરુ છું.પણ ના, આપણે તો જેમ કરતા હોય એમ જ કરવાના. Karan Shah can do any thing -Karan Shah can do every thing —right?” મારી ના પર પણ જો મારી જ હાજરીમાં તું ફોન પર આટલી વાત કરી શકે તો મારી હાજરી ન હોય તો તો ક્યાં જઈને અટકે ?

” અરે! પણ તું સમજતી કેમ નથી? વાત જ એવી હતી કે હું કેવી રીતે ફોન મુકી દઉ? ગયા વીક જે ટેન્ડર ખુલ્યા એના ક્વોટેશન અમે ભર્યા પણ એનો ઓર્ડર બીજી પાર્ટીને મળ્યો એ તો તને ખબર છે ને? પણ તને એ ખબર છે કે કેટલા ફરકે એમને ઓર્ડર મળ્યો? માત્ર એક ડોલર ઓછા ભાવથી એ ઓર્ડર લઈ ગયા. હવે એમ.ડી. ને શંકા છે કે અમારી ઓફિસમાંથી જ કોઇએ અમારા ક્વોટેશન લિક કર્યા છે.આ ક્વોટેશન ભર્યા એની જાણ ઓફિસમાં માત્ર ત્રણ જ જણને હતી. એમ.ડી,  મેનેજર અને પ્રોડક્શન મેનેજરને અને અમારા આ પ્રોજેક્ટ  ડૅટા માટે જુદો જ પાસવર્ડ અપાયો હતો .હવે જો આ પાસવર્ડ આ ત્રણ જણને જ ખબર હોય તો ભાવ કોઇને કેવી રીતે ખબર પડે? એટલે શંકાની સોય સ્વભાવિક રીતે મેનેજર અને પ્રોડક્શન મેનેજર તરફ જ જાય ને? “

” બરાબર છે પણ આ કોઇ જીવન મરણનો તો સવાલ નહોતો ને કે ઓફિસ પહોંચીને વાત ન થાય? પાંચ મિનિટ પણ નહોતી લાગવાની પહોંચતા.”

” ઓફિસ પહોંચીને પાંચ મિનિટ પણ ઉભા રહેવાનો ક્યાં કોઇને ટાઇમ જ હોય છે ?”

“So? આમાં તું ક્યાંય કોઇ વાંકમાં નથી તો તારે ક્યાં ચિંતા કરવાની જરૂર હતી કે આમ રઘવાયાની જેમ વાત કરવી પડે?”

” ઓફિસમાં દરેકની ઇન્ક્વાયરી થવાની છે એવુ મેનેજરનુ કહેવુ છે.બધાને જવાબ આપવા પડશે એવુ એનુ કહેવુ છે એટલે હું ફોન કેવી રીત મુકી દઈ શકુ? અને દુનિયામાં લાખો કરોડો લોકો છે જે આવી રીતે વાત કરતા હોય છે હું એકલો તો નથી ને?”

” એટલે એનો અર્થ અવો કે આપણે એકબીજાને આવા લાખો કરોડોમાંથી જ એક ગણીને જીવતા શીખવાનુ? તું મને એ રીતે ગણતો હોય તો એમ પણ મારાથી તો એવી રીતે તને એ લાખો કરોડોમાં નહી જ મુકી શકાય”

” સાચુ કહુ તો હું આર્ગ્યુમેન્ટમાં ક્યારેય તને પહોંચી શકતો નથી.”કરણ અકળાયો.એની પાસે કોઇ જવાબ નહોતો અને જ્યારે કોઇ જવાબ ન મળે ત્યારે અકળાવાનો કરણનો સ્વભાવ હતો.

” આ તું જેને આર્ગ્યુમેન્ટ કહે છે ને એ  માત્ર કરવા ખાતર કરવામાં આવતી આર્ગ્યુમેન્ટ નથી જે  ફિલીંગ અંદરથી ઉગતી હોય એ જ જીભે ચઢે છે. અંતરથી જે અનુભવાતુ હોય એને જ શબ્દો જડે છે સાવ એમ જ હવામાંથી નથી ઉપજતી. અને આ ચાલુ ગાડીએ ફોન પર વાત કરવાની લ્હાયમાં તેં એ વખતે ગાડી ક્યાંથી કાઢી એ ખબર છે?”

” રાજવી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આગળ ગાડીઓની લાઇન હોય અને તમારે ટર્ન લેવાનો હોય તો આમ જ ગાડી આગળ લેવાય.”

જીભાજોડી ચાલતી રહી અને બંને ડોક્ટરની ઓફિસે પહોંચી ગયા. વાત ત્યારે તો ત્યાંથી જ અટકી ગઈ. પણ આજે ય રાજવીનુ બ્લડપ્રેશર હાઇ આવ્યુ. સામાન્ય રીતે નોર્મલ રહેતુ રાજવીનુ બ્લડપ્રેશર આજે એકદમ હાઈ હતુ. જો કે એ આજકાલનુ નહોતુ. છેલ્લા કેટલાય વખતથી આમ જ બનતુ. ઓફિસમાં એક નહી અને બીજી રીતે  કોઇપણ કલિગને લીધે કરણ નાની મોટી ઉપાધી વ્હોરી લેતો. ના પાડવાનો એનો સ્વભાવ જ નહોતો ને?

એ દિવસે ય વાત ત્યાં જ પતી ગઇ. ખરેખર તો પતાવી દેવામાં આવી. કોઇ વાત લાંબી ચાલે એ કરણને ક્યાં ગમતુ ય હતુ? પણ કરણને એવો સહેજ પણ અણસાર નહોતો કે રાજવી આમ કેમ આકળી થઈ જાય છે અથવા તો એને યાદ પણ નહોતુ કે આમ જ આ સેલફોનના લીધે જ ભયંકર અકસ્માત એમની સાથે ય થયો હતો .

એ દિવસે રાજવી ગાડી ચલાવતી હતી. કરણ પેસેન્જર સીટમાં હતો. બપોરનો સમય હતો એટલે ટ્રાફિક પણ નહીવત હતો. એકદમ આરામથી જ રાજવી ગાડી ચલાવતી હતી. એકપછી એક સિગ્નલો વટાવીને કાર આગળ વધતી રહી. હળવા મુડમાં બંનેની વાતો ચાલતી રહી. આગળના જંકશન પર રેડ સિગ્નલ દેખાતા દૂરથી ગાડીની સ્પીડ ઓછી કરતી રાજવી  સિગ્નલ પર ઉભી રહી. પચાસેક સેકંડ પછી ગ્રીન સિગ્નલ ચાલુ થયુ. હળવેથી લગભગ ૨૦-૨૫ની સ્પીડે રાજવીએ કાર આગળ લીધી. જરાક જ આગળ જતા એકદમ કરણની રાડ ફાટી ગઈ. રાજવી તો સામે જોઇને કાર ચલાવતી હતી. આમ પણ એને કાર ચલાવતા સીધે રસ્તે જ જોવાની ટેવ હતી. પોતે જ નહી પણ કરણ કાર ચલાવતો હોય તો પણ એ ભાગ્યેજ આજુબાજુ નજર ફેંકતી. પણ કરણનુ ધ્યાન ગયુ કે જમણી બાજુથી આવતી એક ૨૦ ૨૨ વર્ષની યુવતિ કાર ચલાવતા મોબાઇલ પર વાત કરવામાં મગ્ન હશે અને એણે એની બાજુથી ચાલુ થયેલુ રેડ સિગ્નલ જોયુ જ નહી અને જે એકધારી સ્પીડૅ આવતી હતી એમ  એ આવતી ગઈ અને સીધી જ કરણ રાજવીની કાર સાથે ભયંકર સ્પીડે અથડાઇ અને કારને ફંગોળતી આગળ વધી ગઈ.

એની કારની જે રીતની સ્પીડ હતી એમાં તો કરણ રાજવીની કાર નો ભુક્કો બોલી ગયો. બંનેના નસીબ સારા કે સહેજ  બેઠા માર સિવાય મોટી ઇજામાંથી બચી ગયા. ઇશ્વરની એ મહેરબાની માટે તો આજે ય રાજવી નત મસ્તકે ઇશ્વરનો પાડ માનવાનુ ચુકતી નથી.બાકી તો કારની જે દશા હતી એ જોતા તો અંદરની વ્યક્તિઓના ક્ષેમકુશળની કલ્પના કરવી બહારના માટે મુશકેલ હતી.

કરણ આ બધુ જ ભુલી ગયો હતો. આવુ બધુ યાદ રાખવાનો એનો સ્વભાવ પણ નહોતો બસ રાજવીને એ નથી સમજાતુ કે આજે ય સેલફોનની રીંગ વાગતા એ ખીસામાંથી ફોન કાઢીને વાત કરવાનુ એ કેમ નથી ભુલતો?

પ્રેમ છે એકબીજા માટે કાળજીય એટલી જ છે અને એટલે જ કદાચ આવી નાની મોટી ચણભણ એમના જીવનનો એક હિસ્સો છે. દિવસમાં કામ વચ્ચે સમય કાઢીને ય કરણ રાજવી સાથે વાત કરી લે છે. રાજવીને આજે પણ એના ફોનની રાહ જોવાની ટેવ એટલી જ છે.

ગમે એટલો મન પર સંયમ રાખવાનો પ્રયત્ન કરવા છતાં આજે ય રાજવી થી કરણને ટોક્યા વગર રહેવાતુ નથી અને ગમે એટલુ યાદ રાખવા છતાં કરણથી આજે પણ બસ એમ જ બેફિકર જીવન જીવવાનુ છોડાતુ નથી.

December 21, 2018 at 7:34 pm

જહાંગીરી ન્યાય

 

 

“આજ સુધીનો મારો રેકોર્ડ છે મારી ડિફેન્સ લૉયર તરીકેની કારકિર્દીમાં મેં ૧૭ ક્રિમિનલ્સને પુરાવાના અભાવે કોર્ટમાં નિર્દોષ સાબિત કર્યા છે.” હાથમાં ઓરેન્જ ફ્લોટનો ગ્લાસ લઈને હળવી ચુસકીઓ મારતા હર્ષવર્ધન સોનેજા કહી રહ્યા હતા.

શહેરના નામાંકિત લૉયરની આસપાસ કોર્પોરેટ લેવલના અને એમના જેવી જ પ્રખ્યાત હસ્તીઓનું નાનકડું એવું ગૃપ જમા થયું હતું. પ્રસંગ હતો અખબારી આલમમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતા ‘જન જાગૃતિ’ ના સ્થાપક અને માલિકી હક ધરાવતા રાજેશ મહેશ્વરીના એક ના એક દિકરાના લગ્નના રિસેપ્શન ડિનરનો. પર્સનલ ફાર્મ હાઉસની વિશાળ લૉનમાં અત્યંત દબદબાપૂર્વક  યોજાયેલા આ સમારોહમાં શહેરની તમામ જાની-માની હસ્તીઓ ઉપસ્થિત હતી. સમાન રસ ધરાવતા શ્રેષ્ઠીઓ પોત પોતાના અલગ ગૃપમાં ગોઠવાઇને સૌજન્યપૂર્વક એકબીજાની વાતો સાંભળી રહ્યા હતા.

આવા જ એક ગૃપ વચ્ચે થોડા અભિમાન સાથે હર્ષવર્ધન સોનેજા પોતાની વિજય પતાકા લહેરાવતા ઉભા હતા. લાઇટ બ્લુ કલરના શર્ટ પર ઝુલતી મરૂન ટાઇ પરની હીરાજડીત ટાઇપીન દેખાય એવી રીતે ડાર્ક બ્લુ કલરના અરમાની સુટના કોટના બટન ખુલ્લા રાખ્યા હતા. ડાબા હાથમાં પહેરેલી રોલેક્સ નજરે પડે એવી રીતે વેલકમ ડ્રિન્કની ચુસકીઓ લેતા હતા. જો કે આમાંનું કશું જ હર્ષવર્ધન સોનેજાને એ સૌથી અલગ તારતું નહોતું. જો અલગ તારતું હતું તો હતું હર્ષવર્ધન સોનેજાનું કામ.

હર્ષવર્ધન સોનેજાને એની ખબર હતી. અભિમાનની-મગરૂરીની છાંટ એમના અવાજમાં ભારોભાર છલકતી હતી. સાધારણ પ્રેક્ટીસથી કરેલી શરૂઆત આજે હર્ષવર્ધન સોનેજાને સફળતાના શિખર સુધી લઈ આવી હતી. સફળતાનો રસ્તો કેટલાય સિધ્ધાંતોના ચીલા ચાતરીને એમણે કંડાર્યો હતો એ વાત અલગ હતી.

જજ જયપ્રકાશ સોનેજાનું પણ એક સમયે નામ હતું. પણ નૈતિકતાના મૂલ્યો એમણે ક્યારેય વિસારે પાડ્યા નહોતા અને એકના એક દિકરા હર્ષવર્ધનને પણ એવી જ સલાહ આપી હતી. પરંતુ દિકરાને એ સલાહ સ્વીકાર્ય નહોતી અને એટલે જ તો એમણે હર્ષવર્ધન જયપ્રકાશ સોનેજામાંથી જયપ્રકાશની બાદબાકી કરીને માત્ર હર્ષવર્ધન સોનેજા તરીકે ઓળખાવું પસંદ કર્યું હતું.  હર્ષવર્ધન અને સોનેજાની વચ્ચે આવતું જયપ્રકાશ નામ પેલા સમાધાનકારી વલણ સામે મનમાની કરતા નાના બાળકની સામે સતત લાલ આંખ કાઢતા વડીલ જેવું નડ્યા કરતું.

“અલ્તાફ…નામ તો સાંભળ્યુ જ હશે,” આસપાસ ઉભેલા ગૃપને પોતાની વાતમાં રસ પડ્યો છે એ જોઇને હર્ષવર્ધન સોનેજા સોળે કળાએ ખીલ્યા હતા. પોલિસ રેડમાં પકડાયા પછી એક કલાકમાં જ કસ્ટડીમાંથી એને છોડાવ્યો ના હોય  એવું આજ સુધી ક્યારેય બન્યું નથી. સમીર પાલેજા હીટ એન્ડ રન કેસમાં સમીરનો કેસ કોઇ હાથમાં લેતું નહોતું ત્યારે અડધી રાત્રે એમને મારી જરૂર પડી, જાણતા હતા મારા વગર એમનો કોઇ આરો જ નથી. આવા તો કેટકેટલા કેસ હશે જેને જીતવાના કોઇ ચાન્સ જ ન હોય અને હર્ષવર્ધન સોનેજાએ એ કેસ જીતી બતાવ્યા છે.”

હર્ષવર્ધન સોનેજાની આ વાતો માત્ર એમની શેખી હતી એવું ય ક્યાં હતું? સાચે જ એમણે અશક્ય લાગતા મોટાભાગના એવા ઘણા કેસ જીતી બતાવ્યા હતા. અને જીતેલા તમામ કેસ પછી લક્ષ્મીની રેલમ છેલ પણ ઘરમાં દેખાઇ આવતી હતી. ક્લબમાં પ્રીતિ હર્ષવર્ધન સોનેજા સૌના ઇર્ષ્યાનું કેન્દ્ર બની રહેતી. અમસ્તી જ રૂપાળી દેખાતી પ્રીતિ પોતાના સૌંદર્યને અકબંધ રાખવા જીમખાનામાં અડધો દિવસ વિતાવી દેતી. હેલ્થ ક્લબમાં પણ રેગ્યુલર સમયનો લાભ લીધા પછી પર્સનલ ફીટનેસ કોચ સાથે વધારાનો સમય તો હવે પ્રીતિનું ઓબ્સેશન થઈ ગયું હતું. યોગા- ધ્યાન- મેડીટેશન તો ખરા જ પણ ડાયેટ ચાર્ટને અનુસરવું , બ્યુટી પાર્લરની રેગ્યુલર મુલાકાત લેવી એ બધું જ પ્રીતિ ને પ્રીતિપાત્ર પણ ખરું.

હર્ષવર્ધન સોનેજાએ કમાયેલા નામ અને દામનો ઉપયોગ કેવી રીતે કરવો એની પ્રીતિને પુરેપુરી ખબર હતી.

હર્ષવર્ધન સોનેજા અને પ્રીતિ પછી એમના પરિવારમાં એક બીજું નામ ઉમેરાય એની બંને જણ અત્યંત આતુરતાપૂર્વક રાહ જોતા હતા પણ ઇશ્વર ક્યાં બધાને બધું જ આપી દે છે? શેર માટીની ખોટની ઇચ્છા પ્રિતિના માનસપટ પર અદમ્ય તલસાટ બનીને એની અધુરપનો એહસાસ કરાવી દેતી અને ત્યારે પ્રીતિને આ નામ- દામના ઉપરછલ્લા ચળકાટની વ્યર્થતા સમજાઇ જતી. દુનિયાભરના સુખો એને આભાસી લાગવા માંડતા. હર્ષવર્ધનને પણ સમજાઇ ગયું હતું કે પોતાની આ જાહોજલાલી પ્રીતિને આભાસી સુખ જ આપી શકે તેમ છે. એની અધુરપને એ કોઇ સંજોગોમાં પૂર્ણ કરી શકે તેમ નથી.

પ્રીતિ અને હર્ષવર્ધને ઘરને સજાવામાં કોઇ કસર છોડી નહોતી. વિશાળ ડ્રોઇંગરૂમમાં પ્રવેશતા જ એમના વૈભવની ઝાંખી દેખાઇ આવતી. અને આ વૈભવનું પ્રદર્શન પણ કર્યા વગર હર્ષવર્ધનને ક્યાં ચાલતું? એટલે જ તો આંમત્રિત મહેમાનોની અવર-જવર અહીં હંમેશા રહ્યા કરતી. આ વૈભવના પ્રદર્શનની સાથે હર્ષવર્ધન એક ઉલ્લેખ કરવાનું ક્યારેય ન ચૂકતા. અને એ હતો એમનો ‘જહાંગીરી ઘંટ’.  સોનેજાએ પોતાના મેઇન ગેટની આર્ટીસ્ટિક અર્ધ વર્તુળાકાર કમાન પર જહાંગીરી ઘંટ લટકાવ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા પહેલા જ મેઇન ગેટ પર લટકતા આ ઘંટ તરફ અને નાનકડી પગદંડી વટાવીને આવતી અદ્યતન ઓફિસ તરફ સૌનું ધ્યાન અચૂક દોરાતું અને એમના કુતૂહલનો જવાબ આપવામાં હર્ષવર્ધનને ખુબ આનંદ આવતો.

હતો તો સરસ મઝાની નકશીકામવાળો પિત્તળનો ઘંટ જેનું વણાટવાળુ લાંબુ દોરડુ ખેંચીને કોઇપણ સમયે હર્ષવર્ધન સોનેજાને ઉઠાડી શકાતા. એ હંમેશા કહેતા કે ન્યાય માટે એ કોઇપણ ક્ષણે જાગૃત રહેવામાં માને છે અને એટલે જ એનું નામ હર્ષવર્ધન સોનેજાએ ‘જહાંગીરી ઘંટ’ આપ્યું હતું. વટ સાથે કહેવાતી આ વાતમાં પણ હર્ષવર્ધન સોનેજાની શેખી છલકાઇ આવતી. એમનો બાહ્ય આડંબર પરખાઇ આવતો. કારણકે સૌ જાણતા કે એમને અડધી રાત્રે ઉઠાડનાર ખરેખર ન્યાય માટે નહીં પરંતુ ન્યાય સામે પોતાનું કવચ, પોતાની ઢાલ બનીને ઉભા રહેતા સોનેજાને ઉઠાડી રહ્યા છે. અંધાર પછેડી ઓઢીને કરાતા કાળા કામો માટે જ રાત્રે જાગનારની જરૂર પડે ને?

પરંતુ આજે હર્ષવર્ધન સોનેજાને અડધી રાત્રે ઉઠાડનાર કોઇ લક્ષ્મીનારાયણનો સેવક નહોતો કે જે હર્ષવર્ધન સોનેજાએ મોં માંગેલી ફી આપીને પોતાના કરતૂતો પર પરદો પાડી શકે. એમની સામે ઉભેલી હતી એક સરળ મધ્યમ વયની પણ ગૌરવાંતિત ચહેરો ધરાવતી એક સ્ત્રી. જેનો ચહેરો સોનેજા ક્યારેય ભુલી શકે તેમ નહોતા. લૉ કોલેજમાં ભણતા હર્ષવર્ધનને અમી ગમી ગઈ હતી. તેજસ્વી અને સ્પષ્ટ વક્તા અમી વૈદ્ય અને સોનેજા વચ્ચે નજીવા માર્ક માટે સ્પર્ધા રહેતી. અમીનું વ્યક્તિત્વ પણ  એટલું જ સ્પષ્ટ હતું. જે વિચારતી એ જ કહેતી અને જે કહેતી એ જ કરતી. અમી માટે એવું કહેવાતું કે સૂર્ય ભલે પશ્ચિમમાં ઉગે પણ અમીનું કહેલું ક્યારેય અફર ન જાય. આવી નિર્ભિક છાપ ધરાવતી અમી હર્ષવર્ધનને ખરેખર ગમવા માંડી હતી. અને ખબર તો હતી જ કે સિંહણના દૂધને ધાતુના ઠામમાં ના ઝીલાય. અમીને જીરવવા માટે છપ્પનની છાતી જોઇએ. હર્ષવર્ધનમાં એ આવડત  હતી. એ જે વિચારતો એનાથી અલગ કહી શકતો અને જે કહેતો એનાથી અલગ કરી શકતો. એણે અમીથી દૂર રહીને પણ અમીનું ધ્યાન ખેંચાય એવા તમામ આયાસો કરવા માંડ્યા. સાચા દિલથી ચાહો તો ઇશ્વર પણ આપ્યા વગર ન રહે અને આ તો અમી હતી. એ તો સૌને પોતાના જેવા જ માનતી. સાચા, સરળ અને વિશ્વસનિય.

લૉ કોલેજના બાકીના વર્ષોમાં અમી અને હર્ષવર્ધનનું નામ સાથે લેવાવા માંડ્યુ. સોનેજા અને વૈદ્ય પરિવારની સંમતિ સાથે બંને એક થઈ જશે એમાં પણ કોઇને શંકા રહી નહોતી. હર્ષને જ્યોર્જીયા સ્ટેટ યુનિવર્સિટી કૉલેજ ઓફ લૉમાં એડમિશન મળ્યું હતું એટલે સોનેજા અને વૈદ્ય પરિવારની સંમતિથી કોર્ટ વિધીથી રજીસ્ટર મેરેજ કરી લેવા એવા નિર્ણય પર આવ્યા હતા. એ નિર્ણય અમલમાં પણ મુકાઇ ગયો. અમીને હવે કાયદાકિય રીતે અમી હર્ષવર્ધન સોનેજા કહેવડાવવાનો હક હતો.

“હર્ષ, આઇ એમ પ્રેગનન્ટ… ……..” અમી માટે હવે હર્ષવર્ધનમાંથી માત્ર હર્ષનું સંબોધન પણ હર્ષવર્ધને જ સૂચવ્યું હતું.

“વ્હોટ ? અમી આર યુ ઓ.કે.?  અત્યારથી આ ભાર મારા માથે ઠોકીને તું શું કરવા માંગે છે એ મને જરા સમજાઇશ?”

“ભાર ? આને તું ભાર કહે છે? તું તારા મા-બાપના માથે ભાર છું ?”

આઘાતની મારી અમી એનાથી આગળ કશું જ બોલી શકી નહીં. એને તો હર્ષ માટે સાચો પ્રેમ હતો. એણે તો હર્ષને સાચા અર્થમાં સ્વીકાર્યો હતો તો પછી આ પ્રેમનો અને પ્રેમના પરિણામે પાંગરતા આ બીજનો ભાર શી રીતે હોઇ શકે?

એ દિવસથી હર્ષનો અમી તરફનો વ્યહવાર બદલાવા માંડ્યો..અમી હર્ષના ઠંડા પ્રતિસાદથી ઠરતી જતી હતી. એ કોઇ નિર્ણય પર આવી શકતી નહોતી. હર્ષ તરફની લાગણી ય હવે તો ઝોલા લેવા માંડી હતી. જે વ્યક્તિ જવાબદારીનો સ્વીકાર કરવા જ તૈયાર ન હોય, જવાબદારીથી છુટવા માંગે એને શી રીતે પકડી રખાય?

હર્ષના અમેરિકા જવાના સમયે અમીએ કોઇપણ જાતના હોહા વગર એને બાકાયદા છુટો કરી દીધો.  જજ જયપ્રકાશ સોનેજા માટે આ વજ્રાઘાત હતો. હર્ષ માટેની એમની લાગણીઓ પણ ઠીંગરાવા માંડી હતી.

અને પછી તો અમીએ શું કર્યું , એનું શું થયું એ કોઇએ ના જાણ્યું .

જાણ્યું તો માત્ર એ કે હર્ષવર્ધન અમેરિકા ભણીને આવ્યા બાદ પ્રીતિ સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયા.- બાકાયદા….અને આજે જે વાતો ગૌરવપૂર્વક કરી શકતા હતા એ કહેવાતી સિધ્ધિ અને એની પાછળ આવતી રિદ્ધિ પામ્યા.

આજે આટલા વર્ષે સામે ઉભેલી અમીને જોઇને હર્ષવર્ધન સ્તબ્ધ થઈ ગયા. “અમી…તું ?”

હર્ષવર્ધન સાથે પેલી નાનકડી પગદંડીથી એમની ઓફિસ સુધી અમી નિશબ્દ ચાલતી રહી. હર્ષવર્ધન અમીના મૌનથી અધીરા બનતા જતા હતા.

“અમી….”

“ કોઇપણ વ્યક્તિને માત્ર નામથી અને તુંકારાથી બોલાવાનો હક માત્ર એની નજીકની વ્યક્તિઓને જ હોય છે..મિસ્ટર સોનેજા. આપ એ હક ક્યારના ગુમાવી ચૂક્યા છો.”

“ પણ આમ અત્યારે ? આમ મધરાતે ?”

“હું જાણું છું મિસ્ટર સોનેજા, જે દિવસના અજવાળામાં પોતાની સાચી ઓળખ આપી નથી શકતા એવા જ લોકોને આમ મધરાતે આપના બારણા ખખડાવવાની જરૂર પડતી હોય છે. અને અત્યારે મારે આમ મધરાતે બારણું ખખડાવવાની જરૂર પડી છે એનું કારણ જાણશો તો દિવસના અજવાળામાં જ નહીં પણ આ રાતના અંધકારમાં પણ તમારી સાચી ઓળખ  છતી થઈ જશે.”

મૌન હોવા છતાં હર્ષવર્ધનનો ચહેરો એમની મૂંઝવણની ચાડી ખાતો હતો.

“સિધ્ધાર્થ…નામ તો તમારાથી અજાણ્યું નહીં હોય..આવતી કાલે જે સિધ્ધાર્થ નામના પ્યાદા પર ચાલ ચાલીને ચેકમેટ આપવાની બાજી ગોઠવીને બેઠા છો એ સિધ્ધાર્થ નિર્દોષ છે એ તમે જાણો છો અને તેમ છતાં કેસ જીતવા એક નિર્દોષનો બલિ ચઢાવતા તમારું રૂંવાડુ ય નહીં ફરકે એની પણ તમને જાણ છે. પણ હવે જેની જાણ તમને નથી એ હું જણાવું ? જેને તમે ભાર ગણીને સ્વીકારવા તૈયાર નહોતા એ તમારા શબ્દોમાં કહું તો ભાર , મારો-તમારો અંશ છે આ સિધ્ધાર્થ…હર્ષવર્ધન સોનેજા, હવે નિર્ણય તમારે લેવાનો છે.”

અવાચક સોનેજાને એમજ સ્તબ્ધ અવસ્થામાં મુકીને અમી ત્યાંથી ચાલી ગઇ. હર્ષવર્ધનની કેટલીક ક્ષણો એમ જ સ્તબ્ધતામાં વહી ગઈ. એક ઉંડો ફળફળતો નિસાસો નાખીને એ ઓફિસની બહાર નિકળ્યા પણ સામે ઉભેલી પ્રિતિને જોઇ આઘાત પામી ગયા.

******

આવતી કાલનો કેસ સોનેજાની કારકિર્દીનો અતિ મહત્વનો કેસ હતો.

****

સેન્ટ જોસેફ કોલૅજની ટેલેન્ટ ઇવનિંગ હતી. હોલ આખો રૂડા રૂપાળા તૈયાર થયેલા યુવાન યુવતિઓના ઝમેલાથી ખીચોખીચ ભરેલો હતો. તાલીઓના ગડગડાટ વચ્ચે એક પછી એક ટેલેન્ટ રજૂ થતી હતી.

“મોરા ગોરા અંગ લૈ લે.. મોહે શ્યામ રંગ દૈ દે, છુપ જાઉંગી રાત હી મૈ, મુઝે પિ કા સંગ દૈ દે…”

સરસ મઝાના હલકદાર કંઠે ગવાયેલા આ ગીત માટે સંજના શ્રીવાસ્તવને પ્રથમ ઇનામની જાહેરાત થઈ ત્યારે આખો હોલ તાલીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો.

પ્રોગ્રામની પૂર્ણાહુતિ બાદ એક પછી એક સ્ટુડન્ટ વિખેરાવા લાગ્યા. ખીચોખીચ ભરેલો હોલ આખો ખાલી થવા લાગ્યો. સંજના પણ બધાની સાથે બહાર નિકળી. પાર્કિંગ પ્લોટમાં પહોંચીને તેને એકદમ ખ્યાલ આવ્યો કે ઇનામ લેવા સ્ટેજ પર ગઈ તે સમયે તેનું પર્સ ખોળામાંથી સીટ નીચે લસરી ગયું હતું. પાછી આવીને લઈ લઈશ એવા વિચારે એ સ્ટેજ પર ગઈ પરંતુ જીતની ઉત્તેજનામાં પાછા આવીને સીટ નીચે લસરી ગયેલું પર્સ સાવ જ વિસારાઇ ગયું. એક્ટિવા પાસે પહોંચીને ચાવી યાદ આવી અને ચાવીની સાથે વિસરાઇ ગયેલું પર્સ યાદ આવ્યું . હાંફળી ફાંફળી એ હોલ તરફ દોડી.. સીટ નીચે લસરી ગયેલું પર્સ તો હાથ લાગ્યું પણ એની સાથે હાથ પર કોઇના મજબૂત હાથની પકડ અનુભવી. નજર ઉંચકીને જોયું તો સામે મલય.. કોલેજનો ઉતાર ગણાતા મલયની દ્રષ્ટી કેટલાય સમયથી સંજના પર હતી. થથરી ગયેલી સંજનાએ હાથ છોડાવવા વિફળ પ્રયત્ન કર્યો. અવાજ નિકળે તે પહેલા મલયે એના કસાયેલા હાથે એનું મોં દબાવીને બંધ કરી દીધું અને લગભગ એને ઢસડતો હોય તેમ ગ્રીન રૂમ તરફ ખસવા માંડ્યો.

લગભગ ગ્રીન રૂમ સુધી ઢસડી ગયેલા મલયની હવે ધીરજ ખૂટી ગઈ હતી. ઉત્તેજનાથી ચહેરો લાલઘૂમ થવા માંડ્યો. શ્વાસોશ્વાસની ગતિ તેજ બનતી ગઈ. શરીરની ગરમી સંજનાને દઝાડી રહી હતી. મોં પરનો હાથ એમ જ રાખીને બીજા હાથે મલયે તેનો દુપટ્ટો ખેંચી કાઢ્યો અને મોં પર કસીને બાંધી દીધો. હવે તેના બંને હાથ છુટ્ટા હતા અને સંજનાનું મોં બંધાયેલુ. મલયને ધક્કો મારવા ઉઠેલા સંજનાના હાથ પકડીને તેને દિવાલ સરસી ધકેલી. મલયના હાથોની તાકાત અને શરીરના વજનના લીધે સંજનામાં રહેલી રહી સહી તાકાત પણ ઓસરી ગઈ.મલયના મન પર છવાયેલી હેવાનિયત એની તાકાતનો પુરેપુરો પરચો દેખાડી રહી હતી. મલયના હાથમાંથી છુટવા તરફડીયા મારતી સંજના ભાન ગુમાવે તે પહેલા તેણે મલયના શરીર પર એક ઓળો જોયો જેણે સંજનાને મલયના પાશમાંથી છોડાવવા મલયના માથા પર કશોક પ્રહાર કર્યો અને મલય સંજના પરની પકડ ગુમાવીને બીજી તરફ ઢળી પડ્યો.

અને સિધ્ધાર્થે હાથ પકડીને સંજનાને ઉભી કરી. લગભગ ભાન ગુમાવી રહેલી સંજનાને હળવેથી ઝીલી લીધી અને ટેકો આપીને ઉભી કરી સાચવીને ગ્રીન રૂમ બહાર દોરી લાવ્યો. સામે ઉભા હતા ડોર કીપર ભવાનસિંહ..

સંજના જે ઉતાવળથી પર્સ લેવા પાછી આવી ત્યારે વિખરાઇ રહેલા સ્ટુડન્ટ્સના ટોળામાં દૂર ઉભેલા સિધ્ધાર્થે તેને જોઇ હતી. કોઇ અજાણી સિક્સ સેન્સ એને અહીં સુધી ખેંચી લાવી હતી અને પછી તો એણે જે જોયું એ એનાથી સહન થાય એવું હતું જ નહીં.

આખો મામલો પારખી ગયેલા ભવાનસિંહે અંદર જઇને જોયું. મલયના માથામાંથી લોહીની ધાર વહી રહી હતી. એમણે સંજનાનો હાથ ઝાલીને જઇ રહેલા સિધ્ધાર્થને જવા દીધો અને પછી ડૉક્ટરને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી મલયને હોસ્પિટલ ભેગો કર્યો.

હોસ્પિટલમાં દાખલ થયેલા મલયનું જ્યારે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એણે જે બયાન આપ્યું એના આધારે આખો દોષનો ટોપલો સિધ્ધાર્થના માથે ચઢાવી દેવામાં આવ્યો.

કોલેજમાં જ નહીં પુરા શહેરમાં આ ઘટના ચર્ચાના ચકડોળે ચઢી. કારણ માત્ર એ જ કે મલય આ શહેરના મેયરનો માનવંતો દિકરો હતો.

પોલિસે પોતાની રીતે તપાસ તો કરી જ પરંતુ એ તપાસનો કોઇ અર્થ રહેવાનો નહોતો કારણકે જે આ ઘટનાના સાક્ષી હતા એ ભવાનસિંહનો તો ક્યાંય કોઇ અતો-પતો જ નહોતો જાણે કે ધરતી એમને ગળી ગઇ અથવા એમને ગુમ કરી દેવામાં આવ્યા હતા. બાકી રહેતી હતી સંજના અને સંજનાની જુબાની આ કેસમાં મલયને ગુનેગાર ઠેરવવા પુરતી હતી પરંતુ એને પણ સામ-દામ-દંડ અને ભેદ વડે ચૂપ કરવાની તમામ કોશીશો થઈ ગઈ હતી.

હવે કેસનો દોર હતો હર્ષવર્ધન સોનેજાના હાથમાં અને આજ સુધીનો ઇતિહાસ કહેતો હતો કે હર્ષવર્ધન સોનેજા ક્યારેય કોઇ કેસ હાર્યા જ નહોતા.

****

“જેને તમે ભાર ગણીને સ્વીકારવા તૈયાર નહોતા એ તમારા શબ્દોમાં કહું તો ભાર , મારો-તમારો અંશ છે આ સિધ્ધાર્થ…” માથામાં હથોડાની જેમ ટીપાતા શબ્દો હર્ષવર્ધનને મૂઢ માર જેવી પીડા આપી રહ્યા હતા. માથા પરથી ટપકતા પરસેવાના ટીપા હર્ષવર્ધનની હતાશાની ચાડી ખાતા હતા. ભૂતકાળની કલ્પનાતિત વાસ્તવિક્તાની આ પાર હર્ષવર્ધન સોનેજા હતા અને બીજી બાજુ  સામે ઉભો હતો એમનો વર્તમાન.. પ્રીતિ

જે ભૂતકાળ હર્ષવર્ધન તો ક્યારના ય ભૂલી ચૂક્યા હતા અથવા તો ભૂલવાનો સફળ ડોળ કરી રહ્યા હતા એ અમી સાથે જીવાયેલા દિવસોનો આખે આખો ભૂતકાળ અમીના એ ચાર શબ્દોથી આજે પ્રીતિ સમક્ષ ખુલ્લો પડી ગયો હતો .

કોર્ટમાં જેમની ઉગ્ર દલીલો સામે જીતવાનું અશક્ય હતું એ હર્ષવર્ધન સોનેજા પોતાના બચાવ માટે નિઃશબ્દ બની ગયા હતા. કોર્ટમાં જેમની તાર્કિક દલીલોના લીધે જજે આજ સુધી જેમની તરફેણમાં ચૂકાદા આપ્યા હતા એ હર્ષવર્ધન સોનેજા પ્રીતિ સામે અપરાધીની જેમ ઉભા હતા.

“હર્ષવર્ધન…….આજ સુધી મને તો સંતાન સુખથી વંચિત રાખી છે પણ જેનો સ્વીકાર નથી કરી શક્યા એને પણ જો સંતાન સુખથી વંચિત કરશો તો હું ક્યારેય તમને માફ નહી કરું. અમીની જેમ હું પણ કહું છું કે હવે નિર્ણય તમારે લેવાનો છે. આવતી કાલનો આથમતો સૂરજ સિધ્ધાર્થ માટે જ નહીં મારા-તમારા સંબંધો માટેના ચૂકાદાનો આખરી દિવસ હશે….”

અને બીજા દિવસે સનસનાટી ફેલાવી દે એવા સમાચારથી શહેરના બપોર પછીના ટૅબ્લૉઇડ વેચાતા હતા…….“શહેરના સૌથી સફળ ઍડવોકેટ – ડિફેન્સ લૉયર હર્ષવર્ધન સોનેજાનું જાહેર રાજીનામુ…”

ત્યાર બાદ હર્ષવર્ધનના મેઇન ગેટ પર લટકતો એ ‘જહાંગીરી ઘંટ’ કોઇના ય જોવામાં આવ્યો હોય એવું સાંભળ્યુ નથી.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

April 27, 2017 at 2:32 pm 5 comments

સુખનું સરનામું

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા માટે મોકલી- ૨૨ ફેબ્રુઆરી

Continue Reading February 26, 2017 at 9:01 pm 4 comments

Older Posts


Blog Stats

  • 122,512 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

January 2020
M T W T F S S
« Dec    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!