Posts filed under ‘“ઝેર રે પીધા મે તો જાણી જાણી “’
“ઝેર રે પીધા મે તો જાણી જાણી “
સટ્ટાક , એક સણસણતો તમાચો નીલાએ એની સામે ઉભેલી દિકરીને ચોઢી દીધો અને સાથે એણે ઘરમાં આવીને આપેલી સો સો રૂપિયા ની પાંચ નોટ એના મ્હોં પર છુટ્ટી ફેંકી.એક શબ્દ બોલ્યા વગર ,માની સામે જોયા વગર શાલિનીએ નીચે વેરાઇને છુટ્ટી પડેલી એ પાંચ નોટ ભેગી કરીને એ નાના અમસ્તા રસોડામાં મુકેલા ચાર જણના ડાઇનિંગ ટેબલ ની સામેની ભીંત પર જડાયેલા લાકડાના મંદિરની નીચેના ડ્રોઅરમાં મુકવા માંડ્યા.
ખબરદાર ! જો મારા ભગવાનને હાથ પણ લગાડ્યા તો. હમણાં ને હમણાં નિકળી જા મારા ઘરમાંથી બહાર. નીલાનો ગુસ્સો હજુ યથાવત હતો. ક્રોધથી રાતીપીળી થયેલી નીલા કંપતી હતી.
શાલિની મા સામેથી ખસીને બેઠક રૂમની ખૂણાની પાટ પર બેઠેલી શાલ્વી તરફ વળી. નીલાનુ હજુ ધ્યાન નહોતું પણ મા નો ગુસ્સો જોઇને શાલ્વી ગભરાઇને ધ્રુજવા માંડી હતી. એ જ્યારે ગભરાય ત્યારે કઈક અસ્પષ્ટ ન સમજાય તેવા ઉચ્ચારો કરવા લાગતી અને એના મોંમા થી લાળ દદડવા લાગતી. શાલિનીએ શાંતિથી એક નેપ્કીન લઈને શાલ્વીનો લાળ દદડતો ચહેરો સાફ કરવા માંડ્યો. ગભરાયેલી શાલ્વી અ…અ…બ….બ…બ બબડતી શાલિનીને વળગી પડી. શાલ્વી જન્મથી જ મેન્ટલી રિટાયર્ડ હતી. અને બાકી હતુ તેમ નાનપણમાં સખત તાવ પછી થયેલી પોલિયાની અસરના લીધે કમરની નીચેના અંગ શક્તિ જ ગુમાવી બેઠેલા. જરાક ફાંગી લાગે તેવી આંખો સહેજ જાડા હોઠ, સાચવણીના અભાવે ટુંકા કપાવી નાખેલા વાળ અને બેઠાડુ શરીરના લીધે ઉંમર કરતા વધુ મોટી દેખાતી સત્તર વર્ષની શાલ્વીના શરીરનો જ માત્ર વિકાસ થયો હતો .મનથી તો એ સાવ જ અબૂધ પ્રાણી જેવી જ હતી. પણ મા અને મોટીબેનને બરાબર ઓળખતી, એમના વાણી- વર્તનને બરાબર પારખતી. અત્યારે મા અત્યંત ગુસ્સે હતી એટલી તો એને ચોક્કસ ખબર હતી. કેમ એની ક્યાં ખબર હતી અને ક્યારેય ક્યાં ખબર પડવાની પણ હતી?
પણ શાલિનીને ખબર હતી કે હવે તો આ જ માત્ર એના માટે એક જ એના માટે રસ્તો બચ્યો હતો. મા ગમે તેટલી ગુસ્સે થાય પણ આ જ હવે એની નિયતી હતી. વિધીના લખેલા ક્યારેય અફળ ન થાય એવા લેખ હતા. ઘણા પ્રયત્નો કરી ચુકી હતી એ. નોકરી માટે અનેક બારણા ખટખટાવી ચુકી હતી એ. પણ સામાન્ય બી.એ પાસ શાલિનીને નોકરી મળવાના કોઇ ચાન્સ દેખાતા નહોતા . નહોતી એવી કોઇ લાગવગ કે જેના આધારે એના માટે કોઇ દ્વાર ખુલે કે નહોતી એવી કોઇ ઓળખાણ જેના સહારે કોઇ એને ઉભી પણ રાખે.
હારી થાકીને એણે આ રસ્તો અપનાવ્યો હતોને?
પહેલ વહેલા તો એણે મા ના હાથમાં આવીને પાંચસો રૂપિયા મુક્યા હતા ત્યારે મા એ ખુશ થઈને એ જ ભગવાન પાસે માથુ ટેકવીને આભાર માન્યો હતો અને શાલિનીએ પણ મનોમન ઇશ્વરનો આભાર માન્યો હતો કે હવે માને બે દીકરીઓ ને લઈને ઝેર ઘોળવાનો વારો તો નહીં જ આવે. હાંશ થઈ હતી માને .હવે એમને જીવવાનો ટેકો જો મળી ગયો હતો.
છેવટે તને નોકરી મળી ખરી ? પણ હજુ મને આ તારી સાંજથી મોડી રાત સુધીની નોકરી ના સમજાણી અને કલાકના બેઝ પરનો પગાર પણ ના સમજાણો. નીલા ને આ સાંજનુ કામ રાત સુધી પહોંચે અને દિકરી રાત -વરત બહાર રહે તે જરાય ગમતું નહીં .
મા , મને કોલ સેન્ટરમાં જોબ મળી છે અને તુ જાણે છે તેમ અહીંના કોલ સેન્ટર ફોરેનની કંપનીના આઉટ સોર્સીંગને લીધે છે એટલે ત્યાં દિવસ હોય ત્યારે અહીં અમારુ કામ સાંજથી ચાલુ થઈને રાત સુધી ચાલે. અને સેલેરી પણ કલાકના બેઝ પર જ રહેવાની.
જે હોય તે પણ આટલુ તો કામ ચલાઉ કામ મળી ગયું ને? પણ ધીરે ધીરે બીજી કોઇ સારી દિવસની જોબ તો શોધતી જ રહેજે.
ભલે મા , કહીને તે દિવસે તો શાલિનીએ વાત પર પરદો પાડી દીધો અને એમના જીવનની રફ્તાર હાલક -ડોલક કરતી ગોઠવાવા લાગી. સાંજ પડે શાલિને ખભે થેલામાં થોડુ ખાવાનુ અને પાણીની બોટલ લઇને નિકળતી. ક્યારેક બે -ચાર કલાકમાં પાછી તો ક્યારેક મોડી રાતે પાછી ફરતી. મોડી રાતે પાછી ફરેલી શાલિની વધુ રૂપિયા અને એનાથી વધુ થાક લઈને પાછી ફરતી અને આવતાની સાથે મોંઢે માથે ઓઢીને સુઇ જ જતી. નીલાને દિકરીની દયા ય આવતી પણ કરે શું.
આમ અધ વચાળે ઘર ભાંગ્યુ ત્યારે આવા ટેકાની જરૂર પડીને?
અશોકનો સોના -ચાંદીનો ધંધો ઠીક ઠીક ચાલતો .શહેરનુ ઘર વેચીને પરા વિસ્તારમાં ટેનામેન્ટ લઈ લીધુ હતું પણ દુકાન તો માણેકચોકની હતી તે જ ઠીક હતી. આમ પણ હવે ધંધામાં જોઇએ એટલી બરકત રહી નહોતી . સી. જી રોડ અને એથીય આગળ વિસ્તરેલા અમદાવાદમાં આંખને આંજી નાખે અને ખીસાને વેતરી નાખે એવા શો-રૂમ થયા પછી પહેલા જેવી ઘરાકી રહી નહોતી. શો રૂમમાં મળતા સારા એવા મહેનતાણાને લઈને કારીગરો પણ હવે એ તરફ વળ્યા હતા. ગામડાની ઘરાકી પણ સોના ચાંદીના વધતા જતા ભાવો અને ઘટતી જતી આવકના લીધે ઓછી જ થવા માંડી હતી એક માત્ર જો વધવામાં હોય તો તે શાલીનીની ઉંમર ,શાલ્વીની બિમારી અને અગણ્ય ચિંતાઓ હતી.
એકનો એક ભાઇ શૈલેષ તો વર્ષો પહેલા ધંધામાં નાનકડી એવી ચણભણના લીધે અબોલા લઈને બેઠો હતો અને કેટલુંય સમજાવા છ્તાં ક્યાંક બીજે કામે લાગી ગયો હતો.
મારે આજે આર. ટી.ઓ. મારું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવાનુ છે એમ કહીને તે દિવસે સવારમાં જરા વહેલો જ નિકળી ગયો અશોક અને પછી ક્યારેય પાછો જ ના આવ્યો. આવ્યા માત્ર એના અકસ્માતના સમાચાર. આર. ટી.ઓ.થી પાછા વળતા શાંતિનગરના ચાર રસ્તે સ્કૂટર વાળતા ટ્રકે એને અડફેટ્માં લીધો. પછડાટના લીધે હેમરેજ અને હેમરેજના લીધે ત્યાંને ત્યાંજ મ્રુત્યુ થયાના સમાચાર આવ્યા. ખીસામાં રહેલા લાયસન્સ પરની માહિતી અને રેસીડેન્સીયલ પ્રૂફના આધારે ઘર સુધી સમાચાર પહોંચ્યા. પહેલા પોલિસકેસ અને પછી પોસ્ટ્મોર્ટમ . અને એમાં પેટ ખોલતા જ લોહીનુ ખાબોચિયુ જોયા બાદ ખબર પડી કે માત્ર દેખીતા હેમરેજ સિવાય આંતરડું પણ ફાટી ગયું હતું . અને નીલાનુ તો આસમાન ફાટી ગયું હતું . સાવ આમ નોંધારા મુકીને અશોક ચાલ્યો ગયો હતો.
શૈલેષે આવીને આખી પરિસ્થિતિ સંભાળી લીધી. ગમે તેમ તો ય લોહીનો સંબંધ હતોને? એ નહીં કરે તો કોણ કરશે?
ભાભી, હવે આ દુકાન કોણ સંભાળશે? શોકની સ્થિતિ થાળે પડતા એક દિવસ એણે નીલાને પુછ્યુ નોંધારી નીલાને અત્યારે તો શૈલેષનો જ અધાર હતોને? એણે કહ્યુ તેમ દુકાનને લગતી વિગતોમાં સહી કરી આપી એણે. અઠવાડિયા સુધી શૈલેષ ન દેખાતા તપાસ કરી ત્યારે ખબર પડી કે એણે તે દિવસે સહી જ નહોતી કરી આપી ,હાથના કાંડા સુધ્ધા કાપી ને આપી દીધા હતા. દુકાન પોતાના નામે કરીને શૈલેષે ભાઇના પરિવારની જીવાદોરી જ કાપી નાખી હતી.
બચત હતી ત્યાં સુધી તો ઠીક પણ પછી શું? શાલ્વીને ઘેર મુકીને પોતે તો ક્યાંય જઈ શકે તેમ નહોતી. અને આજ સુધી શાલ્વીની પાછળ જે સમય અને શક્તિ એના વપરાતા એ પછી તો એનાથી ઘેર બેઠા પણ કઈ થઈ શકે તેમ નહોતું.
બી.એ નુ છેલ્લુ વર્ષ જેમ તેમ પુરુ કરીને શાલિનીએ જ્યાં મળે ત્યાં જેવી મળે તેવી નોકરી શોધવા માંડી. એ ચાર-છ મહિનાનો સમય આજે પણ એને યાદ કરવો સુધ્ધા ગમતો નથી. રોજ સવાર પડેને ઘરમાં થી બહાર નિકળી જતી શાલિનીને આટલા અનુભવે એટલું તો સમજાયુ કે એને પરાવલંબી બનવાના બદલે સ્વાવલંબી બને જ છુટકો છે. એણે રસ્તો શોધી લીધો પોતાનો .શરૂઆતમાં તો ધ્રુણા છુટતી એને પોતાની જાત પર. સામાન્ય સસ્તી હોટલની રૂમમાં ગાળેલા એ બે-ચાર કલાક દરમ્યાન એ શરી્ર જ નહીં પણ મનથી પણ ભિંસાતી હોય તેમ વેદના અનુભવતી. અજાણ્યા હાથો વચ્ચે રગદોળાતી પોતાની કાયા સાથે મન પણ રગદોળાતુ . અણગમતા પસીનાની વાસથી છૂટકારો મેળવવા એ સસ્તા પરફ્યુમનો પોતાના બદન પર અતિરેક લેતી. પણ પછી ધીમે ધીમે બધુ એને કોઠે પડતું ગયું. હવે તો દૂરથીજ કોણ કેટલા પાણીમાં કે પૈસામાં છે એ ય પામી લેતી.
મા હવે તો મારો કોન્ટ્રાક્ટ ફાઇનલ થઇ ગયો અને હું પરમેનન્ટ બેઝ પર થઈ ગઈ. શાલિની મા ને કહેતી અને મા સાંભળીને હરખાતી.
રોજ -રોજ મળતા પૈસાના બદલે હવે એ મા ને દર અઠવડિયે સામટા આપતી. પૈસા આવતા ગયા ઘરનુ તંત્ર ગોઠવાતુ ગયું . શાલ્વી માટે અપંગ માટેની હાથથી ચલાવી શકે એવી રીક્ષા જેવી સાઇકલ લેવાઇ ગઈ. હવે તો નીલા્ને શાલ્વીને એકલી ઘેર મુકીને જવાની ચિંતા રહી નહી. એ શાલ્વીને લઈને મંદિર દર્શન કરવા કે બહાર શાક-ભાજી કે કરિયાણુ લેવા જઈ શકતી.
પણ આ બધુ કરવાની સાથે શાલિનીએ એક ચોક્કસ નિયમ રાખ્યો હતો . સાંજ પડે એ એના ઘરથી તદ્દન વિરૂધ્ધ અને ખૂબ દૂરના વિસ્તારમાં જ જઈને ઉભી રહેતી જેથી ત્યાં કોઇ એને ઓળખતુ ના હોય. અહીં એ શાલિની ઝવેરી નહોતી કે નહોતો કોઇને એના નામ સાથે સંબંધ. જે કોઇ ઓળખ હતી એક અલગ ઓળખ હતી જે માત્ર કેટલાક કલાક પુરતી જ સિમિત હતી જ્યાં એના નામની કોઇને જરૂર નહોતી.
અને તેમ છ્તાં મા ને ખબર પડી ગઈ હતી, લોકો પણ કેવા છે? દુઃખમાં સાથ આપતી વખતે હાથ પાછો ખેંચનારાએ જ એના પગ નીચેની જમીન સેરવી લીધી હતી. અને નીલા માટે તો અસહ્ય વજ્રાઘાત હતો. વેદનાની એક હદ વટાવી ચુકી હતી નીલા. માથુ ફાટ-ફાટ થતુ હતું રાંધ્યા ધાન રઝળી પડ્યા .
છી! શાલિનીને આવી કમતિ ક્યાંથી સુજી ? આવા પૈસા લઈને આવવાના બદલે ઝેર લઇને આવી હોત ! કોણે કહ્યુ હતુ તું કમાવા જા? આના કરતા તો શાલ્વીને લઈને રસ્તા પર પર ઉભી રહી હોત તો લોકો દુખિયારી અપંગ સમજીને દયા ખાઇને ભીખ આપત એટલું જ ને? નીલાનો વલોપાત વધતો જતો હતો.
પણ શાલિને કેમ કરીને સમજાવે મા ને કે રસ્તા પર જ ઉભી છે , ફરક એટલો છે કે શાલ્વીને લઈને ઉભી રહેવાના બદલે જાતને એને રસ્તા પર મુકી છે ભીખ માંગવાના બદલે પસીનાની કમાણી ઉભી કરી છે અને એ બધુ કરવા માટે એને પોતે પણ કેટ-કેટલી વ્યથા -વેદના ભોગવી છે? કેટલીય રાતોની રાતો -દિવસોના દિવસો એણે મથામણ ભોગવી છે ? ઝેર જ લેવા ગઈ હતી એ પણ નજર સામે જાણે મા અને શાલ્વીને તરફડતા જોઇને એ પાછી પડી અને એ દિવસથી તો એ રોજે રોજ ઝેરના પારખા કરે છે. રોજે રોજ એ ઘુંટડે ઘુંટડે ઝેર તો પી રહી છે. મા ને કેમ કરીને એ સમજાવે કે જે શિવજીની એ રોજ પૂજા કરે છે એમણે તો સમુદ્ર મંથનમાંથી નિકળેલુ ઝેર પીને પચાવી જાણ્યુ .ગળામાં એ ઝેર રોકીને એ નિલકંઠ કહેવાયા પણ કેટલાય મનોમંથન પછી પીધેલુ અને આખાય શરીરમાં પ્રસરેલુ એનું ઝેર ક્યાં કોઇને દેખાવાનુ છે? બસ એક તો એ છે કે જે એની બળતરા રોજે રોજ ભોગવે છે અને છતાં કોઇને એ કહી શકે એમ પણ નથી. અરે પહેલી વાર તો એ મળેલા પૈસાના બદલે હાથમાં ઝેરી ભોરિંગ પકડ્યો હોય એવી ધ્રુજારી ક્યાંય સુધી શરીરમાં રહી હતી એ કેમ કરીને મા ને સમજાવે? કેવી રીતે મા ને કહે કે મા અને શાલ્વીને ટકાવી રાખવા પોતે કેટલી જગ્યાએથી વહેરાઇ છે ? ઘરથી એ ફુટપાથ અને ફુટપાથ થી ઘર સુધીના રસ્તા સિવાયના તમામ રસ્તા એ ભુલી ગઈ છે? કેટલાય અજાણ્યા લોકો સુધી પહોંચવા પોતાના કેટલાય જાણીતા ચહેરાથી દુર થઈ ગઈ છે? ઓ મા ! મારી પીડા તને કેમ કરીને સમજાવુ?
અને તેમ છતાં તું કહે એ તમામ સજા મને મંજૂર છે.બસ મને આમ ધુત્કાર નહીં તુ . બધુ હું જીરવી લઈશ પણ તારો આ ધિક્કાર મારાથી કેમેય સહન નહી થાય. જાણતી હતી કે જે દિવસે તને જાણ થશે તે દિવસ તારા માટે કેવો કારમો હશે પણ મા તમને બંનેને જીવાડવા મારી પાસે આ એક જ રસ્તો રહ્યો હતો ભલેને પછી એના માટે મારે રોજે રોજ કેમ મરવું ના પડે?
પણ શાલિની કશું જ કહી શકી નહીં મા ને . એ આખી રાત ઘરમાં ફરી એક વાર અશોક ઝવેરીના અકાળ અવસાન કરતાં પણ વધુ માતમ છવાયેલો રહ્યો. આખી રાત નીલા પોતાની જાતને ફિટકાર આપતી રહી. શાલ્વી આખી રાત ભૂખથી કણસતી રહી અને શાલિની આખી રાત સુનમુન બે પગ વચ્ચે માથુ ખોસીને બેસી રહી.
આજે એ જ નીલા શાલ્વીની સાઇકલ રીક્ષામાં મુખવાસ , ચોકલેટ, પિપરમીટ લઇને શાલિની જોડે જ નિકળે છે. શાલિની ઉભી રહે તેના કરતાં થોડે દૂર એ શાલ્વી સાથે ફોલ્ડીંગ ખુરશી નાખીને બેસે છે અને શાલિનીને જો પાછા વળવામાં બહુ મોડું થવાનુ હોય તો શાલ્વીની સાઇકલ રીક્ષા ધકેલતી ઘેર પાછી ફરે છે.
Recent Comments