Posts filed under ‘''એશા-ખુલ્લી કિતાબ'' (લઘુ નવલકથા)’

”એશા-ખુલ્લી કિતાબ” (લઘુ નવલકથા)

”એશા-ખુલ્લી કિતાબ”

રાજુલ શાહ-(ઇન્ડીયા)વિજયશાહ.(યુ.એસ.એ)


સહિયારું સર્જન – ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા

જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

(એક વધુ સંવેદનશીલ સહિયારી કથા જ્યાં પાત્રો પહેલેથી વહેંચ્યા છે. આ કથા છે એશા અને રોહીતની. આ કથા છે પ્રેમ અને વહેવારની. જેમા સામાન્ય લાગતી જિંદગી કેવી રીતે ઝઝુમે છે મત્યુની સામે તેની સત્યકથા ઉપરથી સર્જાતી લઘુ નવલ “એશા- ખુલ્લી કિતાબ”.  એશાનુ પાત્રાંકન  રાજુલબેન શાહઅમદાવાદ  (ઇન્ડીયા)થી કરે છે અને ડો રોહીતનું પાત્રાંકન વિજયભાઇ શાહ હ્યુસ્ટન (યુ.એસ.એ)થી કરે છે.  . ચાલો માણીયે .)


એશા-ખુલ્લી કિતાબ (1)-રાજુલશાહ

એક સરસરી નજર એશાએ મુંબઈ સેન્ટ્રલના એક છેડાથી બીજા છેડા તરફ વહેતા માનવ મહેરામણ પર નાખી .હ્રદયમાં બાઝેલો ડૂમો જાણે અધવચ્ચે જ અટકી ગયો. નજર કોને શોધતી હતી ?મન કોને ઝંખતુ હતું? એશાને કઈ સમજાતિ નહોતુ.મુંબઈથી અમદાવાદ જતી ગુજરાત મેલને ઉપડવાને હજુ થોડી વાર હતી. પણ એ સમય વધુ ને વધુ લંબાતો જાય એવું એશા શા માટે ઝંખતી હતી? એવું પણ નહોતુ કે આપ્તજનને છોડીને પરાઇ જગ્યાએ જવાનું. હતું.

અમદાવાદમાં પણ પોતાનું જ ઘર હતું. મોટીબેન હતા, મોટાઇ હતા રક્ષાબેન, ઇલેશભાઇ અને અલ્પેશ પણ તો હતા જ્ ને? સમજણ આવી ને બોલતા શીખ્યા ત્યારથી જ મમ્મી-પપ્પા ના બદલે મોટીબેન -મોટાઇ જ જીભે ચઢી ગયુ હતુ. મોટીબેન -મોટાઇ એટલે ત્રણે પરિવારની સાંકળતી એક કડી. કેટલો મોટૉ પરિવાર ? મોટાઇથી નાના બાબુકાકા અને એમનાથી નાના પંકજકાકા.બાબુકાકા મુંબઈમાં .પંકજકાકા બેંગ્લોરમાં-પણ પરિવારનું મૂળ તો અમદાવાદમાં મોટીબેનમોટાઇના અનિકેત બંગલામાં બંગલાનું નામ પણ સમજીને રાખ્યુ હતું.

ત્રણે ભાઇઓના સંતાનોના નામમાંથી બનેલુ એક નામ એટલે અનિકેત”.સમગ્ર પરિવારની ધરોહર હતા મોટીબેન અને મોટાઇ. આટ્લે સુધીની તો વાત તો સૌ કોઇ સમજી શકતા હતા કારણકે બાબુકાકા અને પંકજકાકાને સાવ નાનપણથી પાંખમાં લીધા હતા મોટીબેન -મોટાઇએ.પણ હવેની જે વાત હતી તે જરા સમજવી લોકો માટે મુશ્કેલ હતી.વાત જાણે એમ હતી કે એશા મુંબઈમાં બાબુકાકા-કાકી પાસે રહી તેમ બાબુકાકાનો કેતન અને પકંજકાકાની નિરા મોટીબેન -મોટાઇ પાસે મોટા થયા.તો વળી એશાથી નાની ટીયાઅને ઇલેશભાઇ બેંગ્લોર પકંજકાકા-કાકી પાસે .લોકો માટે જે કોયડો હતો તે જ તો આ પરિવારની એક સુત્રતાનું રહસ્ય હતું.

વડાલાના એ ફ્લેટમાં બાળપણ ક્યારે વિતીને ક્યારે મુગ્ધાવસ્થામાં પ્રવેશ થયો એ તો અત્યારે એશાને બરાબર યાદ આવતું નહોતું. પણ હા એટલું તો ચોક્કસ યાદ હતું કે બાળપણના એ દિવસો સાવ જ નફિકરાઇથી -સાવ સરળતાથી તો પસાર થઈ ગયા હતા. ક્યારેય કોઇ અભાવ નહી ક્યારે કોઇ અધુરપ નહી.નિજાનંદમાં મોજ મસ્તીમાં વહી ગયેલુ બાળપણ મન પર કોઇ ખાસ યાદો પણ કંડારી ને ગયું નહોતું ધરતી અને આસમાન મળે એને ક્ષિતિજ કહેવાય પણ એ ક્ષિતિજની કોઇ જુદી ઓળખ રેખા પામવી મુશ્કેલ હોય તેવી અણપ્રિછી ક્ષિતિજને ઓળંગીને એશાનું બાળપણ ટીન એજ પણ વટાવીને એક એવા સમયમાં પ્રવેશી ગયૂં હતું જ્યાથી એક નવી એશા આકાર લઈ રહી હતી.

સરળતાથી વહી ચુકેલા એ દિવસોએ એશાને પણ બધે જ સરળતાથી ગોઠવાઇ જવા જેવી આદતતો પાડી દીધી હતી . આમ પણ બધું આપોઆપ ગોઠવાતું જતું હતું, ક્યારે કોઇ આયાસ કે પ્રાયસ પણ ક્યાં કરવા પડ્ય હતા? વડાલાનીએ અગણિત સાંજ જ્યાં ફ્લેટમાં મળી રહેતી સહીયરોની કંપનીમાં ક્યાં પસાર થઈ જતી ! એશાને આ બધુ અત્યારે સગમટે યાદ અવતું હતું. ખબર તો હતી કે ક્યારેક તો આ માયા સમેટી લેવી જ પડશે.પણ સાવ આમ જ! અચાનક ? એવું તો ક્યારે વિચાર્યું નહોતુ.

સ્કુલનું વેકેશન પતવા આવવાની તૈયારીમાં હતું. એક દિવસ મોટાઇ અમદાવાદ્થી બેંગલોર જતા એક દિવસ માટે મુંબઈ રોકાયા હતા.અને બસ સવારમાં ઉઠીને એશાને અમદાવાદ આવવા કહી દીધું. કોલેજનું એડમીશન અમદાવાદમાં થઈ જશે એવી એશાએ પુછ્યા વગર ખાતરી પણ આપી દીધી.અને એશાએ મુંબઈની માયા સમેટી લીધીકહો કે સમેટી લેવી પડી.પણ આ માયા સમેટવાનું એટલું સહેલુ પણ ના લાગ્યુ.પરિવાર સાથે લોહીનું સગપણ હોય છે પણ લાગણીના સગપણ પણ ક્યાંક તો જોડાયેલા હોયને? આ સગપણ બસ આમ જ તોડીને ચાલવા માંડવાનું ? મોટાઇના એક આદેશ સમાન વાક્ય માત્રથી? કેમ? મોટીબેન-મોટાઇ બધાનું સારું જ ઇચ્છતા હશે. ભવિષ્યની કોઇ રૂપરેખા પણ મનમાં દોરી હશે.પણ એથી શું? એશાને પુછવાનું પણ નહીં? બસ કહી દીધું- અમદાવાદ આવવાનું- વાત પતી ગઈ? ના! વાત પતી નહોતી ગઈ પતાવી દેવાની હતી. આજ સુધી ક્યાં ઘરમાં કોઇએ સવાલો કર્યા હતા કે હવે એશા કરી શકે?

સ્કુલ અને કોલેજ વચ્ચેનો સંધિકાળ સમો સોનેરી સમય બસ આમ જ સમેટી લેવાનો? ક્યાંક કદાચ કંઇ કુણું-કુણું ઉગતું હોય એને મદારીના કરંડીયામાં સાપને ગુંચળું વાળીને ગોઠવી દે તેમ ગોઠવી દેવાનું હતું. મસ્તીથી ઉડવા શીખેલા પંખીને માળો બદલવાનું કહેવામાં આવ્યું હતું. ઉઘડ્તું આકાશ જોવા શીખેલી આંખોએ આકાશ બદલવાનું હતું. અને આમાં કોઇ વિકલ્પ તો બાકી રહેતો જ નહોતો. એશાએ પણ પોતાની પાંખો અને આંખોં બંધ કરીબીજા એક માળખામાં જવાની તૈયારી કરી લીધી.

એશા , આમ જો આપણા આગળના બન્ને બંગલામાં લગભગ તારી ઉંમરની જ કંપની છે. તને ફાવી જશે મોટીબેન આસપાસના ઘરના લોકોની ધીમે ધીમે એશાને ઓળખાણ આપતા જતા હતા. આમતો એશા ક્યારેક અમદાવાદ આવી છે. રક્ષાબેનના લગ્નમાં તો અઠવાડિયુ રોકાઇ હતી પણ એનાથી તો કઈ એ અમદાવાદથી ટેવાઈ નહોતી. અને ઘરમાં પણ કંપની પુરતી હતી .ઇલેશભાઇ પણ પોતાની કોલેજ પતાવીને બેંગ્લોરથી અમદાવાદ મોટાઇના બિઝનેસમાં જોડાવા પાછા આવી ગયા હતા. અલ્લડ અલ્પેશ પણ હતો. અને કેતન અને નિરા પણ ક્યાં નહોતા? વળી પાછો બધે સરળતાથી ગોઠવાઈ જવાનો એશાનો સ્વભાવ પણ અહીં કામ કરી ગયો. દિવસો પસાર થતા એશા આપોઆપ ગોઠ્વાવા લાગી.

જ્યાં જગ્યા મળે ત્યાં રેલાઇ જવાના પાણીના ગુણધર્મની એશાનો જગ્યા શોધી લેવાનો ,જગ્યા કરી લેવાનો સ્વભાવ પણ સહાયભૂત બન્યો. અહીં વળી ગુણધર્મ શબ્દ ક્યાં આવ્યો? એશા મનથી વિચારતી , જવાબ પણ એને એની સાયન્સની જનરલમાંથી જ સૂજતો. એશાએ અમદાવાદ આવીને સૌથી પહેલું કામ તો એડમીશન લેવાનું કર્યું. મુંબઈનું વાતાવરણ અને એજ્યુકેશન જો ક્યાંયથી મળી શકે તો તે ઝૅવિયર્સમાં જ મળશે એવી એને ચોક્કસ ખાતરી હતી .એટલે સેન્ટ ઝૅવિયર્સની સાયન્સ સ્ટ્રીમમાં વહેલામાં વહેલી તકે એડમિશન લેવાનું કામ કર્યું.

એશા !!!!! ભઈસાબ આ છોકરી થી તો તોબા .ઘરમાં તો ટાંટિયો ટકતો જ નથી ને. કોઇ દિવસ એવું બન્યુ છે કે એ કોલેજથી સીધી ઘર ભેગી થઈ હોય?” મોટીબેન સાંજ પડે એશાના નામની ફરિયાદ લઈને નિકળ્યા ના હોય એવું ભાગ્યે જ બનતું ..સાથે એમને પાકી ખાતરી પણ હોતી કે એશા ક્યાં હશે. અને એમની ખાતરી ભાગ્યેજ ખોટી પડતી ..એશાનો ચંચળ સ્વભાવ ,એની મસ્તી એની વાતો ,એની બડબડ સાંભળનાર એને ન મળે તો જ નવાઇ. કોલેજથી ઘેર આવતા એશાનું સૌથી પહેલું સ્ટોપ એટલે સોસાયટી નો પહેલો બંગલો..”.ભૂતનું ઘર આબલી રિવા એને કહેતીપણ રિવાને હંમેશ એ ભૂતની રાહ જોવાની હવે ટેવ પડી હતી. સાંજના પાંચ વાગે રિવા પણ કોઇ ને કોઇ બહાને ઘરના ઓટલા પર અથવા ઘરના બગીચામાં પાણી છાંટવાના બહાને બહાર આવીને રહેતી રખેને મોટીબેન શાક લેવા નિકળ્યા હોય ને એશાને ઘરે મોકલી દે તો? અજબનો મનમેળ થઈ ગયો હતો બંન્ન્ને વચ્ચે. આમ જોવા જઇએ તો ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હતુ બેઉ ના સ્વભાવમાં ,એશા તો વાયરા જોડે વાતો કરતી જાય અને રિવા થોડી અંતર્મુખી પણ એક વાર જેની સાથે ભળે એટલે અંતરથી સ્વીકારી લે.અને એશા તો અમસ્તી ય સાવ પારદર્શક. ખુલ્લી કિતાબ જેવો એનો સ્વભાવ..

એશા- ખુલ્લી કિતાબ(2)-રાજુલશાહ

ઉડતા પતંગિયા જેવી એશાને પણ બેસવા એક નાની ડાળની જ તો જરુર હતી! બસ રિવા આ ડાળ બની ગઇ. એશા માટે ધીરે ધીરે એશાની વાતો સાંભળી તો રિવા એની કોલેજના સહાધ્યાયીઓ-પ્રોફેસરો અને પ્યુન સુધ્ધાને નામ અને ગુણધર્મ સાથે ઓળખતી થઇ ગઇ. ફરી એકવાર આ ગુણધર્મ ક્યાં યાદ આવ્યો? પણ એશાની આદત જ હતી દરેક વ્યકિત સાથે એના ફીઝીક્સ કેમેસ્ટ્રીના મૂળભૂત પાયાના ગુણધર્મોને જોડી દેવાની.

એ સમયે સાયન્સના પ્રથમ વર્ષને પ્રિ-મેડીકલ કહેવાતું.આગળ જતા મેડીકલ અને મેડીકલ માં એડમીશન ન મળે તો પછી કોલેજના બીજા વર્ષથી જુદા જુદા ક્ષેત્રમાં ફાંટા ફંટાઇ જતા.એશાએ પણ મેડીકલ ન મળે તો પેરા મેડીકલ એવા માઇક્રોબાયોલોજીમાં આગળ વધવાનું નક્કી કર્યું. મિજાજ થોડો સ્વતંત્રતો ખરો જ એટલે કેટલાક નિર્ણયો જાતે જ લેવાની પ્રકૃતિ. બીજી એક ખાસ પ્રકૃતિ એશાની એ પણ ખરી એને સૌ પોતાના જ લાગતા જ્યારે જેને મળે એ પણ પોતાના પરિવારની વ્યકિત હોય એટલી સરળતાથી એને સ્વીકારી જ લેતી.કદાચ નાનપણ થી સંયુક્ત કુટુંબમાં રહેલા સ્વભાવ બીજા જોડે સરળતાથી સંયોજન ઊભો કરવામાં કામ લાગતો. દિવસ ઓછો પડે તેમ રાત્રે રિવા સાથે વાંચતા પહેલાં આખા દિવસની સવિસ્તાર વાતો પૂરા રસ થી કરવાનો તો હવે એક અનુક્રમ થઇ ગયો હતો.રિવા આર્ટ્સમાં અને પોતે સાયન્સમાં ,પ્રકૃતિ ભિન્ન એમ ભણતર પણ ભિન્ન.પણ બંને વચ્ચેના તાદ્દ્મ્યના ચણતરમાં તો એ પણ ક્યાંય નડયું નહીં.

એશાનાઅનિકેતના ધરમાં હવે ધીમે ધીમે એક પછી એક નવા સદ્દ્શ્યના ઉમેરા થતા હતા. મોટા ઇલેશભાઇ નું લગ્ન પતી જતા હવે ઘરમાં એશાના લગ્ન માટેની થોડી હળવી હલ ચલ ચાલુ થઇ જ ગઇ હતી.સામાજીક રીત-રસમ કે બંધનોથી અકળાતી એશા માટે વળી પાછી એક નવી સમસ્યા હતી.માઇક્રોબાયોલોજી પુરુ કર્યા પછી પોતે પેથોલોજી માં જવા માંગે એવુ એને સ્પષ્ટ જણાવી દીધું હતું. ઘરના જ બિઝનેસમાં રચ્યા પચ્યા રહેતા તમામ વડિલો કે ભાઇઓને ડીગ્રી સાથે કોઇ લેવાદેવા ન હતી.પણ એશાના આ નિર્ણયે માટાભાઇને હવે પોતાની શોધનું સુકાન બદલવાની ફરજ પાડી.

ચાલો! આ એક વાત તો સારી થઇ.એશા મનમાં વિચારતી કે હાલ પૂરતું તો હવે કોઇ પોતાને છંછેડશે નહી એવું લાગતા પેથોલોજીમાં આગળ વધવાની મોકળાશ મળતા,મનથી થોડી હાંશ થતા વળી પાછા પોતાના અસલ સ્વભાવની મસ્તીમાં આવતી-જતી હતી.નવી દિશા,નવી કોલેજ,નવી ઓળખાણ અને વળી બીજા નવા સંબધો.એમાં એશાને ક્યાં વાર લાગવાની હતી?  ‘વસુધૈવ કુટુંબકમની માફક એનું પોતાનું મિત્ર જગત વિસ્તરતું જતું હતું પણ આ વસુધાની ધરી કહો કે કેન્દ્ર બિદું કહો હજુ તો રિવા જ હતી.આટ આટલા મિત્ર વર્તુળ સાથે પણ એશા પોતાની જાતને એકલી પાડી શકતી હતી.

સાંજ પડતા બંગલાના ઝાંપે બૂમ પડી રિવાની નામની આજે તો કોલેજમાં મુડ નહતો એટલે હું પિકચર જોઇ આવીઆમ તો સામાન્ય રીતે રિવા-એશા સાથે જ પિકચરમાં જતા એટલે આ વળી નવી વાત સાંભળીને રિવા ને નવાઇ તો લાગી જ.એશા અને પિકચર? અને તે પણ સાવ એકલી? ગજબ છોકરી છે ને આ! થિયેટરમાં તો વળી કોઇ એકલું પિકચર જોવા જતું હશે? અને તે પણ એકલી છોકરી? થોડું હસવુ પણ આવી ગયું અને થોડી ખીજ પણ ચઢી રિવાને.

એમાં શું થઇ ગયું? મને ખબર હતી કે તારે કોલેજના એન્યુઅલ ડે ના ફંકશનની પ્રેકટીસ હશે એટલે તારાથી તો અવાશે જ નહીં.અને મારે વળી ક્યાં ત્યાં કોઇની સાથે વાત કરવાની હતી? બોલનાર તો બોલતા હોય મારે તો સાંભળવાનું ને જોવાનું જ હતું ને? એશા આવ અલ્લડતાથી જવાબ આપતી. અને પણ હવે ઘરમાં પણ બોલનારા બોલવા માંડ્યા હતા ,એશાને ફ્કત સાંભવવાનું જ હતું.મોટાઇએ છોકરો પસંદ કરી લીધો હતો.વીરસદનો ડો. રોહીત. માઇક્રોબાયોલોજી કરતી એશા માટે હવે જો ડૉકટર છોકરો મળતો હોય તો લાંબુ વિચારવાની ક્યાં જરુર હતી?
સ્વિકારી લીધો એશાએ મોટાઇનો આ નિર્ણય પણ.ક્યારેક તો ખીલે બંધાવાનું જ હતું ને? તો પછી આનાકાની ને ક્યાં સ્થાન આપવું? ખાલી એક વાત કઠતી-ક્યાં મુંબઇ,કયાં અમદાવાદ, અને ક્યાં હવે લગ્ન પછી વીરસદ? તો શું થઇ ગયું? છોકરો ડૉકટર છે એટલે ગમે ત્યારે પોતાની પ્રેકટીસ કરશે અને ચાલશે એટલે વીરસદ થી બહાર જ આવશેને? છોકરી માટૅ ઘર જોવાય,વર જોવાય ,કોઇ ગામ જોવા બેસવાનું તો ના હોય ને? તારા મોટાઇ ક્યા ગામના હતા તેની આજે કોઇને ખબરે છે ?

મોટાઇના આ એક આદેશ સમાન વાક્ય થી વાત પતી ગઇ? એશાની મરજી પૂછવાની પણ નહીં ? ના વાત પતી જતી નહોતી, વાત પતાવી દેવાની હતી. વળી પાછું એશા મનથી વિચારતી મોટાઇ-મોટીબેન બધાનું સારું જ ઇચ્છતા હશે,વ્યવસ્થિત વિચારતા હશે ને? અને વાત ક્યાં ખોટી છે? ડૉકટર છે,જનરલ સર્જન છે એટલે કંઇ વીરસદમાં તો નહીં જ રહે ને? બંડખોર એશાએ પોતાના બંડ મનમાં જ સમાવી લીધું મોટાઇ જે સૂચવ્યું તે સ્વિકારી લીધું પણ આગળ-પાછળ નાની નાની વાતમાં તો ઉભરો ઠલવાઇ જતો હતો.

એશા-ખુલ્લી કિતાબ.(૩) વિજય શાહ

વી. એસ. હોસ્પીટલમાં રોહીત આમતો સીધી નાકની દાંડીએ ચાલતો વિદ્યાર્થી ગણાતો પણ પેથોલોજીમાં આવેલી માઇલ્રોબાયોલોજીની નવી છોકરી એશા પર તેનુ મન આવી ગયુ હતુ. તે જે સહજતાથી અને સરળતાથી જુદા જુદા મિત્રવૃંદમાં ઘુમતી તે જોઇ ખુબ જ પ્રભાવીતે થતો. એક દિવસ પેથોલોજી ડીપાર્મેંટ્માંથી એશા બ્લડ સેમ્પલ લેવા આવી અને તેજ વખતે રેસીડંટ ડોક્ટરોનું રાઉંડમાં નીકળવું.

શર્મીથી તે જાડા બાનુની નસ પકડાતી નહોંતી તેથી એશાએ નીડલ હાથમાં લઈ શર્મીને કહ્યું તુ જરા તેમનો હાથ હલે નહી તેનુ ધ્યાન રાખ અને હું બાટલો ભરી લઉ છું.અને ડોક્ટરો અને જાડા બેન બંને ચોંક્યા..પણ એશા તો પહેલી prick માં લોહી લઇ ચુકી.. પછી હસત હસતા બોલી બસ બાનુ આટલું જ બસ છે હવે કાલ સવારે આવીશ જો ડોક્ટરસાહેબ કહેશે તો…”

પેલા બેન કહે તમે તો બાટ્લો લોહી લેવાના હતાને?”

એશા હસતા હસતા કહે એતો ખાલી તમારુ ધ્યાન આ સોય ઉપરથી હટેને એટલા માટે બોલી બાકી હુંતો ગમ્મત કરતી હતી.

રોહીત એશાની ગમ્મત જોતો હતો અને પેલા જાડા બાનુનાં મોં પરનો ભય આવત અને એશાની મજાક પત્યા પછી જોતો તે જોઇ રહ્યો. પ્રસંગ ઘટી ગયા પછી તેના જોડીદાર ડોક્ટરમાંથી આશિકે ટીપ્પણી કરી..પેલા પેશન્ટને તો લોહીનો બાટલો સાંભળીને ચક્કર આવી ગયા નહીં?”

રોહીત કહે પણ! જો તેમ ન કર્યુ હત તો હજી પણ સોયો ખાતા રહેત કારણ કે તેમની નસ પકડાય તે પહેલા તો હલી જતા હતા. બહ પ્રેક્ટીકલ અને ગમ્મતિયાળ હતી તે લેબ ટેકનીશીયન.

આશિક કહે એશા છે એનુ નામ..તમારા છ ગામની છે.

રોહીત કહે હશે.

આશિક કહે મારી પાડોશમા જ રહે છે અને મારી નાનીબેન રીવાની જીગરજાન દોસ્ત છે.

રોહીત કહે યાર હમણા ભા્દરણની કોઇ વાત આવી છે.કહે છે તે લોકો અહીં અ્દાવાદમાં જ છે. પરમ દિવસે મને જોવા આવવાના છે.

આશિક કહે એશા પણ ભાદરણની જ છે.

હશેકહી આશિકની સાથે રાઉંડ પુરુ કરી રોહિત રુમ પર પહોંચ્યો.

ઘરેથી ટપાલ હતી અને સાથે ફોટો હતો..એજ લેબ ટેકનીશીયન એશાનો..

રોહીત તો ખીલી ઉઠ્યો વહેલી સવારે ખીલી ઉઠેલ કમળની જેમ

રોહીતથી તેના મનની ખુશી સહન થતી નહોંતી. લેક્ચરમાં મન લાગતુ નહોંતુ અને મનનો આ હર્ષ વ્યક્ત કરવા તેણ્વ ઘણા વખતથી છોડી દીધેલ દિલરુબા હાથમાં લીધી અને તેને ગમતી મધુર ધુન भंवरेकी गुजन है मेरा दिल, कबसे तडप रहा हुं मैरे दिल વગાડવી શરુ કરી. તેણે કયારેય કલ્પ્યું નહોંતુકે તે જે ઇચ્છશે તે આટલી સહજ રીતે મળી જશે.

એશા-ખુલ્લી કિતાબ.(૪) વિજય શાહ

બીજે દિવસે આશિક અને રિવા રોહીતની રુમ ઉપર આવ્યા. બેચલર રૂમ રીવાએ ધાર્યો હતો તેના કરતા સાવ જુદો હતો.એક ખુણામાં ચાર પુસ્તકો વ્યવશ્થિત રીતે ગોઠવી ને મુક્યા હતા. એક સોફા અને બે ખુરશી હતી. એક બાજુ દિલરુબા અને હાર્મોનીયમ હતુ. ભીંત ઉપર એક સરસ અજંટાનું ચિત્ર કાળી જાડી ટેપ થી ભીંત ઉપર ચીટકાડેલું હતું. કોઇક સંસ્કારી છોકરાનો રૂમ લાગતો હતો. બીજા ખુણે સ્વામીનારાયણ બાપાનું ચિત્ર હતુ અને ત્યાં ધૂપ હતી.

રોહીત રીવાને જોઇ ને સહેજ ચોંક્યો પછી પહેલોજ પ્રશ્ન આશિકને પુછ્યો…”તો તને વાતની ખબર પડી ગઇ છે નહીં?”

હા કાલે સાંજે બે બેનપણીઓ તારું ચિત્ર જોતા હતા અને મારી તેની ઉપર નજર પડી ગઇ એટલે મેં પુછ્યુંકોનો રોહીતનો ફોટો છે?” અને જો મારુ આવી બન્યુ.. રિવાએ પ્રશ્નો પુછી પુછીને મારું માથુ ફેરવી નાખ્યું.

અરે પણ તમે આવો તો ખરા? મને તો એમ કે હજી આવતી કાલે મને મળવા આવવાના છે એશા અને તેના મોટીબેન અને મોટાઇ.

રિવાએ પ્રતિપ્રશ્ન કર્યો કે મારી બેનાને તમે પસંદ કે નાપસંદ કરો તે પહેલા હું તમને મળી લઉં અને તેથી આશિક સાથે તમને જાણ કર્યા વિના આવી ગઇ.

રોહીતે સહેજ પણ સંકોચાયા વિના કહ્યું કે મેં અને આશિકે તો એશાને કાલે રાઉંડમાં જોઇ અને સાંજે મેલ માં તેનો ફોટો જોયો અને..

અને?” રિવાએ અધ્ધર શ્વાસે પ્રશ્ન કર્યો

અને શું? હુંતો માનીજ ના શક્યો પ્રભુની મહેરબાનીનેમન મારુ હજી પણ ગાય છે कबसे संभाले रख्खा है दिल तेरे लीये तेरे लीये..

રિવાની અને આશીકની પણ નજરો ખુશી થી તરબતર હતી

રોહીત કહે તો રિવા તારુ શું માનવુ છે હું એશાને ગમીશ ખરો?

અરે જુગતે જોડી છે. નાતો શું કહે એશાડી. પણ તમારી કોઇ પૂર્વ શરતો છે ખરી?”

જો ભાઇ અહીં મારે તો ફક્ત હા કે ના જ કહેવાની છે. જે મેં પેપર ફોડીને તમને કહી દીધુ હવે કાલે તો ખાલી નાટક જ કરવાનુ છે.. જો કે હું તો તેની પણ વિરુધ્ધ છું પણ વડીલોનો એ અધિકાર છે તેથી તેને માન આપીશુ.

રિવાને આ સીધી વાત ગમી જો કે તેને ખબર હતી કે એશા પણ આવી જ છે જે હોય તે સ્પષ્ટ કહેવું અને પછી જે થાય તે હસવું કે રડવું.

આશિક પછી તેમના પેશન્ટોની  વાતે ચઢ્યો પણ બે ડબ્બા ખોલી મગસની બે લાડુડી અને સેવગાંઠીયા પ્લેટમાં કાઢી ને મુક્યા. આશિકને આ જોઇને ખુબ હસવુ આવ્યુ..કહેજોને કેવો ગઠીયો છે બે લાડુડીમાં તને પટાવે છે.

અરે ના રે આતો તારી બેન પહેલી વખત રૂમ પર જણાવ્યા વિના આવી એટલે જરા આદર સત્કાર

આશિક હજી મજાકનાં મુડમાં જ હતો તેથી બોલ્યો એમ કહે ને જો હા પડી પછી તારા ઘરનાં પણ ચક્કર વધશેને? એટલે ..

રિવા જોકે રોહીત સાથે હજી વાતો કરવા માંગતી હતી તેથી એ મજાકને અવગણતા બોલી,” રોહીત પ્રેક્ટીસ તમે વીરસદ કરશો કે બહાર જવાનો વિચાર છે?”

શરુઆત તો વીરસદ થી જ કરવાનો છું. પણ આ ટર્મ પતી જાય પછી વધુ ખબર પડે.

મને એક જ વાત નથી સમજાતી કે જે વડીલોને સમજણ પડી ગઇ છે અને તે એશા તો મુંબઈ અને અમદાવાદમાં ઉછરી છે તે વીરસદમાં કેવી રીતે ટકશે?”

રોહીતે બહુ ઠાવકાઇ થી કહ્યું જો થડીયુ મજબુત હોય તો ડાળા પાંદડાની ચિંતા નહીં કરવાનુ એશા અભુ જ સહજ રીતે સમજશે.

રિવા વિચારમાં પડી ગઈ અને આશિક ફરીથી તેની વહારે આવ્યો કે એશા રોહીતને ગમે છે્ ને  તેથી કશું નહી થાય ચિંતા નહીં કર.

રોહીતે સીધો જ પ્રશ્ન કર્યો રિવા બોલ હવે તારે એશાની બેન થવું છે કે નણંદ?” લગ્ન પહેલા નક્કી કરી લેજે.

રિવા એ તરત જ કહ્યું એશા અને તે પણ ભાભી? નો વે

બીજે દિવસે રોહીત અને એશા મલ્યા વડીલોની હાજરીમાં.. એશાને તો જે પ્રશ્નો હતા તેની જવાબો રિવા લઇ આવી હતી તેથી તે ખુશ પણ હતી અને નાખુશ પણ. એને હજી ભણવુ હતું પણ મોટીબેન જે કરતા હશે તે મારા માટે સારું જ હશેનેવિચારી ને તેણે બહુ વિરોધ ન કર્યો. જોકે તેને કલ્પના પણ નહોંતી કે મુંબઈ છોડીને તે અમદાવાદ આવી અને હવે વીરસદલોકો ગામડુ છોડી શહેરમાં આવે અને તે શહેર છોડીનેહશે જેવી પ્રભુની મરજી.છ મહિનામાં લગ્ન લેવાયા

રોહીત જોઇ તો ચુક્યો હતો કે એશા શાંત થઈ ગઈ હતી.એમ એસ ની છેલ્લી સેમેસ્ટર હતી તેથી અલપ ઝલપ મળીને છુટા પડી જતા હતા.

લગ્નના બે અઠવાડીય પહેલા રોહીતને તેણે પુરુષપ્રધાન સ્વભાવ જોઇ લીધો. તેનું મગજ થોડુ સુન્ન તો થઇ ગયુપણ હવે જે તખ્તો ગોઠવાઇ ગયો હતો ત્યાં જે નાટક ભજવવાનું હતું તે ભજવી લેવાનું નક્કી કરી લીધુ. એશા જે ઉછળતુ ગંગોત્રી થી નીકળતુ ઝરણું હતી તે હવે કાંઠા પહોળા થતા નદીમાં ફેરવાવા લાગી. નવાઇ ની વાત એ હતી કે મોટી બહેન ને કે મોટાભાઇને તેમા જરાય અજુગતુ લાગતુ નહોંતુ..તેઓ માનતા કે પુરુષોએ કમાવાનું અને સ્ત્રીઓએ ઘર સંભાળવાનું.

એશા- ખુલ્લી કિતાબ(5)-રાજુલશાહ

હું મહેંદી નહી મૂકાવું -કોણે કીધું કે લગ્ન હોય એટલે મહેંદી મૂકવી જ પડે

હું વિદાય વખતે રડીશ નહીં અને કોઇએ પણ રડવાની જરુર નથી.જવાનુ જ છે અને મોકલવાનીજ છે એ વાત નક્કી કર્યા પછી રડવાનું શેના માટે?”

અને ખરેખર અલિપ્ત રહી ને જ એશાએ આ વિવાહ થી વિદાય સુધીનો સમય પસાર કર્યો. ના કોઇ ખરીદીમાં રસ લીધો કે ના કોઇ ગમા-અણગમા વ્યક્ત કર્યા! મોટીબેનને જે ગમ્યું ,જે પસંદ પડયું તે નિર્લેપતાથી લેતી ગઇ .

અને એક દિવસ એટલીજ સાહજિકતાથી રોહીતનો હાથ થા્મી વીરસદની વાટ પકડી ,જેટલી સરળતાથી મુંબઇ થી અમદાવાદ આવી ગઇ હતી.

હે ભગવાન? કઇ જાત ની છોકરી છે આ” ? રિવાને આ સમગ્ર સમય દરમ્યાન મનમાં ઉત્પાતો થયા કરતા હતા.એશા જેટલી ઠંડક થી જલકમલવત રહેતી એટલો વધુ ને વધુ ઉદ્વેગ, ઉચાટ રિવાને થયા કરતો.

કેવી રીતે પોતાની જાત ને ગોઠવી શકતી હશે, એશા”? એકલી પડેલી રિવાને સતત મનમાં ધૂંધવાટ રહેતો.સો સવાલો રહેતા અને હવે અનિકેતજવાની પણ ઇચ્છા રહેતી ન હતી.

પણ ના! આમ જલકમલવત દેખાતી એશાએ ક્યારેય મનથી પોતાને એ વીરસદની બંધિયાર હવામાં બાંધી ન હતી.સામાજીક રિત-રસમ તો પહેલેથી એશાને ક્યાં મંજુર હતા? માત્ર દેખાડો કરવા થતા વ્યહવારોને એણે વીરસદમાં રહીને પણ સ્વીકાર્યા ન હતા. મનને મંજુર ના હોય એવા કોઇ પણ સંબધો ને પરાણે પકડી રાખવા એની તૈયારી નહોતી. વીરસદમાં રહીને પણ તમામ વ્યહવારોથી વિરક્ત જ રહી.

સ્વાભાવિક છે બા-બાપુજી ને આ બધું જ આકરું લાગતું .રોહીત પણ એશાની સાચી લાગતી વાતમાં બા-બાપુજીની મરજી આડે સાથ આપતો નહીં અથવા આપવાની મરજી પણ બતાવતો નહીં.

પણ જો વગર બોલે ચાલ્યે એક નિર્ણય જો રોહીતે લીધો હોય તો તે વીરસદ છોડી બહાર નિકળવાનો જેથી તમામ દ્વિધા-ઝંઝટોનો અંત આવે.

હજુ પોતાની હોસ્પીટલ કરવા્ની તો વાર હતી એટલે અમદાવાદની હોસ્પીટલમાં સર્જન તરીકે મળેલી તકને સ્વિકૃતિ આપી દીધી.

ચાલો ! એક અણગમતા પ્રકરણનો અંત તો આવ્યો ..નવેસરથી પોતાની જાતને એશા રોહીતના માળખામાં ગોઠવવા પ્રયત્ન કરતી.પણ મનમાં એક ખટકો તો હંમેશા રહેતો કે કદાચ રોહીતનો અંદરથી અને અંતરથી એને સાથ નથી જ?

સમય અને સંજોગો સાથે સમાધાન કરતા શીખેલી એશા માટે સાંત્વનની એક વાત હતી કે જે હોસ્પીટલ માં રોહીતને સર્જન પોસ્ટ મળી હતી ત્યાં જ એને પણ પેથોલોજીસ્ટની જોબ મળી ગઇ હતી. એ હોસ્પીટલના નાના અમસ્તા રુમમાં એશા અને રોહીતનો નવેસરથી વહેવાર-વ્યવસ્થા શરૂ થઈ .. હાસ્તો એ વ્યવ્સ્થા જ તો કહેવાય ને!

ઉડતા પવનના ઝોકા જેવીરિવા કહેતી એમ વાવાઝોડા જેવી એશા અને શાંત-સ્વસ્થ, ખાસ કોઇ ચઢાવ ઉતાર,આરોહ-અવરોહ વગર નો રોહીતનો સ્વસ્થ સ્વભાવ તાલમેલ મળતા થોડો સમય તો લાગ્વાનો હતો પણ કહેવાય છે કે બે વિરૂધ્ધ છેડા વચ્ચે આકર્ષણ વધુ થાય એમ હળવેકથી ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવના છેડા એકબીજા તરફ આકર્ષાવા તો લાગ્યાજ હતા.

ક્યારેક ખડખડાટ હસી પડતી રિવા…. ”તારો આ સાયન્સના ગુણધર્મને દરેક વાતે જીંદગી સાથે વ્યકિત સાથે જોડાવાનો સ્વભાવ ક્યાં સુધી રહશે”?

સારુ છે ને સાયન્સ ભણી છું એટલે જ કદાચ ડૉકટરો જેટલી તટસ્થતાથી દેહ-શરીરને જાણી શકે છે એઅટલી તટસ્થતાથી હું સંબંધોને માણી શકું છું.એશા કહેતી.

અને આમ જોઇએ તો એની વાત સાચી પણ ઠરી.ધીરે ધીરે રોહીત અને એશા વચ્ચે એક સમજણ પૂર્વકનો સંબંધ વિકસતો ગયો.જેમાં લાગણીની કૂણી કૂંપળો પણ ઉગી હતી.

ભમરો છે તારા પગે તો! એક જગ્યાએ ટકીને બેસવાની પ્રકૃતિ નથી તારી એટલે ભગવાન પણ તને ભમતી રાખે છે”. એક સવારે જ્યારે એશાએ હોસ્પીટલની જોબ છોડી નવેસરથી પોતાની હોસ્પીટલ ઉભી કરવા અમદાવાદ છોડી આણંદ જવાનો એનો અને રોહીતનો નિર્ણય રિવાને જણાવ્યો એ માટે રિવા થી સ્વાભાવિક જ પ્રત્યાઘાત અપાઇ ગયો.

રિવાને એશાની જીંદગીની આ નવી સફરથી આનંદ નહોતો એવું નહોતું.એશા અને રોહીત સાયુજયથી એ ખુશ પણ હતી પણ વળી પાછી એશા દૂર થઇ જશે? એ વિચારથી અકળામણ હતી.આમ જોવા જઇએ તો બંને કંઇ રોજ મળતા હતા અને થોકબંધ સમય સાથે પ્રસાર કરતા હતા! એવું પણ નહોતું અને છતાં પણ જ્યારે મળતા ત્યારે કયારેય એવું યાદ આવતું નહોતું કે વચ્ચે મળ્યા વગર કેટલો સમય પસાર થઇ ગયો? હજુ તો કાલે જ મળી ને છુટા પડયા હોય એટલી તાજગી રહેતી બંને વચ્ચે ,અને અમદાવાદમાં અંતરો પણ ક્યાં દૂર દૂર ના હતા એટલે મન થાય ત્યારે એકબીજા પાસે પંહોચતાય ક્યાં વાર લાગતી?

અતિથિ “–રિવા હંમેશા એશા માટે વિચારતી,ખરા અર્થમાં એશા અતિથિ હતી.એનુ આગમન હંમેશા અણધાર્યુ જ રહેતું ક્યારેય કોઇ તિથિ કે સમયની ક્યાં એણે પાબંદી રાખી હતી? અને એશાને પણ એટલી ખાતરી રહેતી કે એ જ્યારે રિવા પાસે પહોંચશે ત્યારે રિવા એને મળવાનીજ છે અને રિવા એના એ અણધાર્યા આગમનને પણ આવકારવાની જ છે.

પણ હવે! અમદાવાદમાં હતા તો આ જેટલું શક્ય બાનતું એ અટલું આણંદથી થોડું શક્ય બનશે? બસ આટલો નાનો અમસ્તો વિચાર રિવાને અકળાવા માટે પુરતો હતો.

જો કે આણંદ હોય કે અમદાવાદ આજે પંણ એશાની એ જ પ્રકૃતિ છે કેટલા સમયના વહાણા વિતી ગયા પણ આજે આટલા વર્ષે પણ એશા એની એ જ છે.ઓચિંતા અણધાર્યા આગમનનો અનુક્રમ પણ એનો એ જ છે. વચ્ચે જો કંઇ બદલાઇ હોય તો તે એશાની પરિસ્થિતિ સમય અને સંજોગો.

એશા-ખુલ્લી કિતાબ (6)- વિજયશાહ

રોહિત અને એશાનું જીવન આમ તો ખુલ્લી કિતાબ જેવુ કે જ્યાં સામાન્ય ચણભણ થાય પણ છેલ્લો શબ્દ તો હંમેશા રોહીતનો જ ચાલે. એષા મુંબઇ અને અમદાવાદમાં રહેલી અંગ્રેજી માધ્યમમાં ભણેલી અને લેબોરેટરી ચલાવે જ્યારે રોહીતનો ઉછેર વીરસદ જેવા નાના ગામમાં અને તેણે બચપણ થી જોયેલું કે બા દાદી કે બહેન કોઇનું ક્યાંય ચાલે નહીં. બધા પપ્પાને જ પુછતા તેથી પુરુષને જ ઘરનાં નિર્ણયો લેવાના અધિકાર એવો જડબેસલાક વિચાર મનમાં સ્થિર થઇ ગયેલો.

એશા સાથે લગ્ન પછી એશા દવારા ઘરમાં વધેલી આવક તો તેને ગમતી હતી પણ તેના નાણાકીય બાબતોમાં થતા સુચનો કે કૌટુંબીક બાબતે થતા વિવાદોથી પરેશાન હતો. તેને મોટે ભાગે દરેક નિર્ણયો એશાને પુછ્યા વિના લેવાની આદત્. અને માને કે એણે તો છોકરા ઉછેરવાના અને ઘરમાં બધુ વ્યવસ્થિત રાખવાનુ..પણ એશા તો તે બધામાં ચપળ અને કાર્યદક્ષ તેથી તે પતી ગયા પછી હોસ્પીટલ પહોંચી જતી..રોહીતને ટેકો કરવા.. જિંદગીએ જે આપ્યુ તે બધુ સ્વિકારી ચાલવામાં ક્યારેક રોહીતની નામરજી છતા ઘરમાં દસ પંદર મિત્રોની પાર્ટી હોય કે વેકેશન પ્લાનીંગ થયેલું હોય કે સગા વહાલાને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ભેટ સોગાદ કે ચાંદલો કરતી હોય.. અરે ત્યાં સુધીકે કુટુંબીજનોની વર્ષગાંઠ અને દિવાળીકાર્ડ વગેરેમાં કાબેલ સેક્રેટરી સાબિત થતી..આથી લોકો ને એશાભાભી ગમે અને રોહીતભાઇતો રાષ્ટ્રપ્રમુખની જેમ ફક્ત રબર સ્ટેમ્પ..તેથી તેનું માન ઘણી વખત ઘવાતુ પણ તે સમજતો અને એશા પણ ત્રાહિતો સામે માન બહુજ અપાવે. એતો રોહીત કામમાં હોય અને ભુલી જાય તેથી ખરાબ તો અમારું જ દેખાયને કહી સાચવી લેતી.

રોહીત તો નવી પ્રેક્ટીસ જમાવવામાં લાગ્યો હતો ત્યારે એશા પણ કુટુંબ ને સ્થિરતા અપાવવામાં સફળ થતી હતી.રીચા અને રાહુલની શાળા ચાલતી હતી અને સીવીલ હોસ્પીટલનો પ્રોજેક્ટ મળ્યો.. રોજ રોજ ના દસ ઓપેરેશન અને બેંકમાં ઓપેરેશન દીઠ વળતર જમા થયા કરતુ હતુ. હવે એષાનાં પૈસા બહું મહત્વ રાખતા નહોંતા છતાં તે નાણાકિય વ્યવહારો કરે તે રોહીતને ડંખતુ..એશાને તે ડંખ અર્થહીન લાગતો કારણ કે તેના મનમાં તો મારુ તારુ એવું કશુંય નહોંતુ. સમય સહજ રીતે પસાર થતો હતો

બેડરૂમની અંદર રોહીત અને એષા વચ્ચે કોઇજ નહોંતુ આવતુ. ન રોહીતની હોસ્પીટલ કે ન રોહીતનાં કુટુંબીજનો અને એષા માટે તે પુરતુ હતુ કારણ કે બેડરૂમ બહારની દુનિયા માટે તેની પાસે પુરતી કાબેલીયત હતી. રોહીતે ન આપેલી ઘણી બાબતોને તે વહેવાર કૂશળ રીતે મેળવી લેતી. જો કે રોહીત માનતો કે એષાને કારણે બાળકોની જવાબદારીમાંથી તેને રાહત હતી..ક્યારેક ચણ ભણ થાય પણ એશા એવી સરસ રીતે વળી જતી કે રોહીતને ફરિયાદનું કારણ ન રહેતું. ધ્રુમિલ અને રીચાનું કોલેજ ગમન એક રીતે રોહિત માટે રાહત રૂપ હતુ કારણ કે રીચા અને ધ્રુમિલનાં નામે થતું માનસિક સ્તરનું એશાનું દબાણ ઘટી ગયું હતું

જીવન એકધારા પ્રવાહમાં વહ્યાં કરે ત્યાં સુધી તો બધુ બરોબર હતું. પણ તે દિવસે રીચા માટે ડો કાર્તિક પટેલનું માંગુ આવ્યું ત્યારે ઘર ખુશી અને આનંદ થી ભરાઇ ગયું. સારું ઘર સારો મુરતિયો અને કોઇ રોકડ દોકડ કે લેવડ દેવડનીની વાત નહીં. એશા અને રોહિત કાર્તિક અને તેના કુટુંબને સરસ રીતે જાણતા.રીચાનાં મનની વાત જાણવા રોહીતે ધ્રુમિલને પુછ્યું તો ધ્રુમિલ કહે કાર્તિક અને રીચા એક મેકને પસંદ કરે છે તે પછીજ વાત આ સ્તરે આવી છે. ઉતરાણ ગયા પછી બંને કુટુંબોનાં વડીલોની હાજરીમાં વિવાહ નક્કી થયા.

રોહીત પ્રસન્ન હતો અને એશા અને રીચા પણ આનંદથી ચહેકતા હતા. એશાને આનંદ હતો કે જે તેને મળ્યુ નહોંતુ તે સ્વાતંત્ર્ય તે રીચાને આપી શકી હતી. તેને તેની મરજીનો મુરતિયો પામવાનો અધિકાર મળ્યો હતો. જો કે રોહીતને પામ્યા પછી કો અફસોસ તો નહોતો પણ કદીક તેનું મન ઉદ્દંડ તો થતું જ ખાસ તો જ્યારે જરુર વિનાની દખલગીરી જ્યારે રોહીત કરતો ત્યારે તેનાથી ઉછેર તફાવતનો નિઃસાસો નંખાઇ જતો. મને કમને રિવા અને કરણ સાથે સરખામણી થઇ જતી.

રોહીત તેને કહેતો એશામને હું જેવો છું તેવો સ્વિકાર. તારી અપેક્ષાઓનાં વાદળોની સ્નેહધારા ધ્રુમિલ અને રિચા ઉપર ઉતાર. મને ક્યારેય એવી પરિસ્થિતિમાં ના મુકીશ કે જ્યાં મારે મારા નિર્ણયો તારા પર થોપવા પડે. ઘર અને કુટૂંબ વહેવાર બધો તુ સાચવ બાકી મારે મારા ધંધામાં કે મારા ઘરાકોમાં શું કરવું તે તુ મને કરવા દે. આપણે આપણા નીજી સુખ માટે દોરેલી રેખાઓને તુ પણ ના ઓળંગ અને મને પણ તે માટે ન ઉશ્કેર.

એશા કહે રોહીત તું અને હું ક્યાં જુદા છીયે?”

તો પછી આ નિર્ણયોનાં અધિકારો માટે શું કામ વ્યથીત થાય છે?”

ભોળા રાજ્જા! તને કેટલીક વાતો સમજતા વાર લાગે અને મને તે તરત સમજાય તો મારી તે ટકોરથી ચેતવાને બદલે તુ માથુ ના માર કહી જે  મોં ફુલાવે છે તે મને નથી ગમતુ. કેટલાક સંસ્કારો સમય સાથે બદલાય છે. અભણ ગામડાની છોકરી અને ભણેલી શહેરની છોકરી વચ્ચેનો તફાવત તો સમજવો જોઈએને? આ ચર્ચા કદીય તેમના બેડરુમની દિવાલોને ઓળંગતી નહીં

કારણ પણ આમ જોઇએ તો વ્યાજબી હતું અને તે રોહીત કહેતો પણ ખરો..એશા પાકા ઘડે કાંઠલા ના ચઢે.અને આમેય તે પાંચ વર્ષ ઉંમરમાં મોટૉ હતોને..તે વય અભિમાન પણ રોહીતને નડતુ….

એશા- ખુલ્લી કિતાબ(7) –રાજુલશાહ

આજે પણ રિવાને એ સાંજ યાદ છે. અણધાર્યા અતિથિ જેવી એશા ઢળતી સાંજે આવી ને ઉભી રહી.પણ નવાઇની વાત એ હતી કે સાથે રોહીત પણ હતો.આણંદ પોતાની હોસ્પીટલ કર્યા પછી રોહીતને ભાગ્યે જ બહાર નિકળવાનું થતું.પોતાની હોસ્પીટલ અને પોતે જનરલ સર્જન એટલે પ્રસંગ વગર તો રોહીતને ભાગ્યેજ અમદાવાદ આવવાનું થતું. ક્યારેક એશાથી નાની ટિયા કે અલ્પેશ ના લગ્ન સમય અલપ-ઝલપ આવવાનું થયું હશે અથવા તો જ્યારે ધ્રુમિલ અને રુચાનો જન્મ થયો ત્યારે રોહીતને મળવાનું થયું હશે.
હજુ આજે પણ એ દિવસ યાદ છે મોટાઇ-મોટીબેનના વાત્સલ્ય વચ્ચે જેમ એશા અને એના કાકાઓનો પરિવાર વિકસતો ગયો,એકબીજા સાથેનું બંધન વધુ મજબૂત થતું ગયું એમ એ વડ ની ડાળીઓ પણ વધુ વિસ્તરી ગઇ. પરિવારની એકસૂત્રતા એ તો વળી ત્રીજી પેઢીને પણ પોતાની પાંખમાં સમાવી લીધી.

આણંદના એ અતિ વ્યસ્તતા ભર્યા દિવસોમાં એશા ધ્રુમિલ અને રુચાની પાછળ કેટલો સમય આપી શકશે ને વળી એ નાનકડા આણંદમાં ધ્રુમિલ અને રુચાને ઉડવા કેટલી મોકળાશ મળશે એ વિચારીને બાબુકાકા-સરોજકાકી ધ્રુમિલને પોતાની સાથે બેંગ્લોર લઇ ગયા તો રક્ષાબેન અને અશોકભાઇ રુચાને પોતાની પાસે અમદાવાદ લઇ આવ્યા.
વડીલોની વ્હાલભરી કાળજી માં ધુમિલ અને રુચાનો વિકાસ વધતો જતો હતો તેવીજ રીતે એશા અને રોહીતના સંનિષ્ટ પ્રયાસોથી હોસ્પીટલનું પણ નામ થતું જતું હતું,એશા એ રોહીતને ખાલી સપ્તપદીના સાત ફેરામાં જ સાથ આપ્યો હતો એવું નહોતું પણ રોહીતની તમામ પ્રગતિમાં પણ પૂરો સાથ આપ્યો હતો. એશા એ જ તો બાકી ની જવાબદારી સંભાળી લીધી હતી.પેથોલોજી લેવાનો એ નિર્ણય આજે કેટલો સાર્થક થયો એ એશાથી વિશેષ કોને ખબર પડવાની? હોસ્પીટલ માં જ પેથોલોજી ડીપાર્ટમેન્ટ હોવાથી પેશન્ટોને પણ બહાર ક્યાંય જવાની જરુર રહેતી નહીં. ભરપૂર જીવન જીવી હતી આ દિવસોમાં એશા. મનગમતી પ્રવૃતિ વચ્ચે દિવસો એના સાર્થક થતા જતા.સમયની પાંખે ઉડીને ધ્રુમિલ બેંગ્લોરથી વધુ અભ્યાસાર્થે લંડન પહોંચી ગયો.રુચા ગ્રેજયુએટ થઇ પાછી એશા પાસે આવી ગઇ.

પાછું વાળીને એશા જ્યારે જોતી ત્યારે એ સડસડાટ પસાર થઇ ગયેલા સમયનો સંતોષ-સાર્થકતા એના રાજીપામાં ડોકાતી.ધ્રુમિલ કે રુચા નિર્ણયોમાં ક્યારેય એણે પોતાના મંતવ્યનો ભાર ઠાલવ્યો નહોતો.ધ્રુમિલને ક્યારેય એણે મેડિકલમાં જઇ પોતાની આ સાર્થક હોસ્પીટલનો ભાર ઉપાડી લેવા કહ્યુ સુધ્ધાં નહોતું. ધ્રુમિલને જે પસંદ આવ્યું તેમાં જ આગળ વધવાની અનુમતિ આપી હતી . તો રુચાને એના મનપસંદ જીવનસાથી જોડે જીવન જોડવાની પણ સંમતિ ખરા દિલથી આપી હતી. જે રીતે લગ્ન અંગે પોતાની ઉપર નિર્ણયો ઠલાવાયા હતા એ રીતે ફરી ક્યારેય છોકરાઓને એમાંથી પસાર થવું પડે નહીં એનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો.અને આમ પણ રુચાની પસંદગીમાં ક્યાં કોઇ વિચારવા જેવું હતું? જાણીતો સુખી, well educated,very well thought – પરિવાર.હેમાંગ પણ સૌમ્ય અને સમજુ.. રુચા એકલી જ નહી પણ એશા અને રોહીતને સાવ સરળતાથી આ આખાય પરિવારે પોતાના માની લીધા હતા.

જીવન એક સામાન્ય-સરળ પ્રવાહમામ વહી રહ્યું હતું.રોજનું કામ personal commitments અને બાકીનો સમય મનગમતી પ્રવૃતિઓમાં દિવસો પસાર થઇ રહ્યા હતા.પણ જ્યારે એકધારા પ્રવાહમાં અચાનક વળાંક આવે ત્યારે ફંટાઇ તો જવાય પરંતું તેના ફાંટા કેવા કારમા હોય તેનો એહસાસ થાય તે પહેલા જ પરિસ્થિતિ હાથ બહાર જતી રહે એવા કંઇક અનુભવમાથી મારે પસાર થવું પડયું ‘.

એ દિવસે સાંજે અણધારી એશાને રોહીત સાથે જોઇને પળવાર જ રિવા ખુશ થઇ હતી પણ રોહીતને જોઇને પેટમાં ફાળ પડી હતી.એશા કરતાં ઘણો ઉધડતો વાન,સરસ મજાની હાઇટ અને સપ્રમાણ એકવડીયો ટટ્ટાર બાંધો,સદાયના શાંત સૌમ્ય ચહેરા પર જરાક અમસ્તુ નાનું અકળ સ્મિત.,સ્વામિનારાયણ સંપ્રદાયના કોઇ સંત  જેવી પર્સનાલિટી હતી રોહીતની. પણ આજનો રોહીત? છળી ઉઠી રિવા આજના રોહીતને જોઇને. સહેજ નિસ્તેજ ચહેરો.માથા પરના પેલા આછા પણ કાળા વાળનું પણ નામ-નિશાન નહીં.અને સાવ નંખાઇ ગયેલા રોહીતનું આ ભિન્ન સ્વરુપ તદ્દન કલ્પનાની બહારનુ હતું અને એની સાથે એશાનું પ્ણ ચિંતાતુર મોં , એની નફિકરાઇ તો ક્યાંય ગાયબ હતી.

એશા અને રિવાને મળ્યાનો વચ્ચેનો ઘણો લાંબો સમય સાવ થોડી જ મિનિટોમાં કહેવાઇ ગયો.પળવારમાં પરિસ્થિતિની ગંભીરતા સમજાઇ ગઇ. અને બાકીના અડધા કલાકમાં તો રિવા અને કરણ એશા-રોહિત સાથે હીમેટોલોજીસ્ટ ડૉકટર સંદિપ શાહની કલીનીક પર હતા.સદ્દનસીબે ડૉ સંદિપ સાથે રિવા-કરણને પારિવારિક સંબંધો હતા તેનો પણ લાભ મળી ગયો.

રોહીતની વધુ લાંબો સમય બેસાય તેવી ફીઝીકલ કંડીશન નહોતી એટલે ચેમ્બરમાં હાજર પેશન્ટની મુલાકાત પતાવવા સુધી ડૉ સંદિપે ખાલી રુમમાં રોહીતને સુવડાવવાની વ્યવસ્થા ગોઠવી આપી. કરણે રોહીત પાસે રહેવાનું મુનાસિબ માન્યું. બહાર વેઇટીંગ રુમમાં હવે રિવા અને એશા એકલા પડયા.અને કદાચ એમ જરુરી પણ હતું, કેટલીક ન કહેવાયેલી વાતો રોહીતની હાજરીમાં કહી શકાય તેવી પણ નહોતી.

એક હાથે રિવાનો હાથ સજ્જડ રીતે પકડીને એશા થોડીક વાર તો એમ જ બેસી રહી. રિવાએ પણ કશુંક પુછયા વગર એને એમજ બેસી રહેવા દીધી..જાણતી હતી રિવા એશાને,ઓળખતી હતી એના સ્વભાવને,ખબર હતી રિવાને કે લાંબો સમય એશા બોલ્યા વગર ચૂપચાપ રહી શકે તેમ નહોતી જ. અને એની ધારણાં સાચી જ હતી.અંદરથી એક ધક્કાની એશા રાહ જોતી હતી.હ્રદયમાં બાઝેલો ડૂમો ઓગળે તેટલી ક્ષણો પસાર કરવાની હતી. મોટાભાગે સ્વસ્થ રહેતી એશાને ભાગ્યેજ કોઇએ રડતા કે ઢીલી પડતા જોઇ હશે.મોટાઇની અંતિમ ક્ષણો અને અંતિમ સંસ્કાર સુધી મક્ક્મ રહેલી એશા જરા મોકળાશ મળતા રિવા પાસે રડી પડી હતી.આજે પણ આ સહેજ મોકળાશ મળવાની જ રાહ જોવાની હતી. ના! માણસો વચ્ચેની મોકળાશ નહીં પણ આટલા સમય સુધી સતત અટવાયેલા રહેલા મનની મોકળશની.

સાથે લાવેલી પાણીની બોટલ માંથી બે ઘૂંટડા પાણીના ગળાની નીચે ઉતાર્યા એશાએ ..જાણે હ્રદયની વેદનાના ડૂમાને હોઠે ઉતાર્યો. ભાર ઝલ્લી એ ક્ષણો પણ હવે તો રિવાને લાંબી લાગતી હતી.અંદરની અધિરાઇને એ દિવાની વાટ સંકોરે તેમ સંકોરીને બેઠી હતી. હળવેકથી એશાનો હાથ પસવાર્યો ,પંપાળ્યો જાણે હિંમત બંધાવતી હોય તેમ,અને એશાએ પણ એ મૂક સધિયારાની ભાષા સમજી લીધી. મન મક્કમ કર્યુ અને જાણે મન સાથે જ વાત કરતી હોય તેમ બોલતી રહી. એશા હીમેટોલોજીસ્ટ ડૉકટરના કલીનીકની બહાર વેઇટીંગ રુમમાં બેઠા બેઠા રિવા પાસે મન ઠાલવતી હતી.

એશા-ખુલ્લી કિતાબ(8)-રાજુલશાહ

રિવા જાણતી હતી રૂચાનાં વિવાહનું નક્કી કર્યું તે.રૂચાના વિવાહ સાથે સંકળાયેલા આનંદના સમાચાર હજુ તો લોકો સુધી પહોંચે તે સાથે જ ચિંતાજનક સમાચારે પણ એશાના જીવનમાં  દ્વંદ મચાવી દીધું.અનુભૂતિના બે છેડા જેવા આનંદ અને આધાતના સમાચારનું એક સાથે આગમન થયું.રુચાના લગ્ન માટે વાતચીત ચાલુ હતી તે લગભગ નક્કી થઇ જવાની હતી.સામી ઉતરાણે સારા સમાચારની વાત ટાળી અને ઉતરાણ પછી એટલેકે ૧૫મી જાન્યુઆરી પછી બંને કુટુંબો વચ્ચે વાતચીત પાકી કરવાનો નિર્ણય લેવાયો.પ્રથમ પ્રસંગ હતો એટલે ખુબ ઉત્સાહ હતો.સગામાં તેમજ મિત્ર વર્તુળમાં વાત વહેતી મુકતા જતા હતા.

૧૭મી જાન્યુઆરીએ તો સગાના એક સગપણના પ્રસંગમાં પણ સાથે ગયા હતા. ત્યાં સાધારણ નાક સાફ કરતા તેમાંથી જરા લોહી આવેલું સફેદ રુમાલ પર રોહીતે જોયું શરદી છે અને જોરથી નાક સાફ કરતાં આવું બન્યું હશે તેમ તે વખતે વિચારી લીધું. બીજી કોઇ જાત ની તકલીફ કોઇ ન હતી. પરંતુ પોતે ડૉકટર હોવાથી કશુંજ અવગણવું નહી તેમ માની એક દર્દી તરીકે E N T સર્જન પાસે જઇ આવ્યા. સાયનસની તકલીફ કરવી નથી તેમ જણાવી X-RAY કરાવી લેવાનો E N T સર્જને અભિપ્રાય આપ્યો.

રેડીઓલોજીસ્ટ ડોકટર રોહીતના ખાસ મિત્ર. બંને મિત્રો જેવા એકબીજાની અંતરની વાત સમજતા હતા તેવી રીતે જાણે બિમારીની વાત પણ સમજી લીધી.X-RAY રિપોર્ટ જોઇ શંકા થઇ અને ત્યાર પછી જુદા જુદા blood test ના રિપોર્ટ ચિંતાજનક આવ્યા. આ બે-ત્રણ દિવસ દરમ્યાન રોહીત પણ થોડા ચિંતામાં-વિચારમાં હોય તેવું લાગતા એશાએ પુછયું પણ કંઇ સંતોષ કારક જવાબ ના મળ્યો.

હું પણ હોસ્પીટલમાં જ કામ કરતી હતી. કલીનીક લેબોરેટરી ઉપરાંત સર્જરીમાં પણ આસીસ્ટ કરતી હતી છતાંય મને બિલકુલ ખ્યાલ ના આવ્યો કે આવી કોઇ ગંભીર બાબત અમારા જીવનમાં આવી ગઇ છે.

એશા રિવાને કહેતી ગઇ. રિવા સાંભળતી ગઇ વચ્ચે એક પણ સવાલ કર્યા વગર. બસ એક ધારી એશા બોલતી ગઇ અને એકી ટસે રિવા એને જોઇ રહી, જાણે કાન માત્ર નહીં,આંખની સમસ્ત ચેતનાથી એશાને ઓગળતી જોઇ રહી.

પછી ધીમે રહીને એક દિવર કલીનીકમાં બેસાડીને રોહીતે મને કહ્યું જે કંઇ કહું તે સ્વસ્થ મનથી સાંભળજે અને સ્વીકારજે. રોહિતે તેના હાથમાં મુક્યા blood test ના રીપોર્ટ અને તેના પરથી ફલિત થતા રોગની ગંભીરતાના પરિણામે મને હચમચાવી મૂકી”.

સમય થોભી ગયો હતો એ વખતે એશા મા્ટે આ વજ્ર સમાન પળ પણ આગળ વધતી નહોતી.મન બધીરતા ના આરે આવી ઉભું .કોઇ વિચારો આગળ વધતા નહોતા અને છતાંય મનમાં વિચારોનું દ્વંદ્વ ઉઠયું હતું.

નિયમિત ખોરાક,વ્યસન રહિત જીવન છતાં મલ્ટીપલ માયલોમા? પેથોલોજીસ્ટ તરીકે એશા જાણતી હતી મલ્ટીપલ માયલોમા એટલે એક જાતનું હાડકાનું કેન્સર .મન માનવા તૈયાર નહોતું. આધાત ઓસરતો નહોતો છતાં સ્વભાવવશ પૂછાઇ ગયું-રીપોર્ટ તો બરાબર છે ને?

મન અને હ્રદય જાણે તુમુલ યુધ્ધે ચઢયા હતા.નજરે દેખ્યા એહવાલને નજરઅંદાજ કરતા મન માનતું નહોતું તો જે વંચાય છે જે આંખે સામે આવનારો કટોકટીનો સમય સ્વીકારવા હ્રદય તૈયાર નહોતું.

પરંતુ અમદાવાદ કેન્સર હોસ્પીટલના બાયોપ્સી રીપોર્ટ રહી સહી શંકાને પણ હકીકતમાં પલટી નાખી. ડૉકટર બની દર્દી માટે નિદાન કરવામાં જેટલું તાટસ્થય જળવાતું હતું એટલી તટસ્થતા અહીં કેમ જળવાતી નહોતી? દર્દી નો રિપોર્ટ આપતા પહેલાંય મન તો કાઠુ કરવું પડતું હતું પણ અહીં તો પોતાના જ ઘર પર પડેલી વીજળીએ બધું વેરણ છેરણ કરી નાખ્યું હતું તેને કેમ કરીને સમેટવું ? મનહ્રદય પર જે ભાર વધતો જતો હતો તેને કેમ કરી ને જીરવવો ? સુન્ન્ન થઈ ગઈ હતી બધી ચેતનાઓ , વિચારોની ધાર પણ કુંઠીત થઈ ગઈ હતી, બધિર થઈ ગયુ હતુ મન.

એશાને થતુ ભગવાન એને કેમ સ્થિરતા આપતો નહી હોય? શા માટે ? શા માટે એક જગ્યાએ, એક પરિસ્થિતિમાં ,એક સંજોગમાં એ સ્થિર થાય તે પહેલા જ એને મૂળસોતી ઉખાડી નાખે છે?

બધું જ બરોબર ગોઠવાઈ ગયુ હતુ . બધુ જ બરોબર ચાલતુ હતુ ,એશા અને રોહિત પણ ખુશ હતા આ જીવનથી. આવનારા પ્રસંગની અત્યંત પ્રસન્ન્નતાથી ઉકેલવાની તમામ તૈયારીઓમાં લાગવાનુ હતુ, અને આમ બસ આમ અચાનક કોઇ સંકેત વગર આફત આવીને ઉભી.

ખેર ! હવે તો બેવડી શક્તિથી સામનો કરવાનો હતો. ઓન્કોલોજીસ્ટને બતાવ્યુ . બને તેટલો ઝડપી ટ્રીટમેન્ટનો દોર શરૂ થઈ ગયો. જાણે થોડા સમયમાં દુનિયા બદલાઇ ગઈ. રૂચાના જીવનનો યાદગાર પ્રસંગ જાણે- અજાણે બાજુ માં જ રહી ગયો. એક આંખમાં આનંદ હતો તો બીજી આંખમાં સતત ડોકાતી ચિંતા.

પરંતુ હું, રોહિત અને રૂચા અમે ત્રણે કોઇ દિવ્ય શક્તિથી જોડાયા હોય એમ દરેક સુખ-દુઃખની ક્ષણ સાચવી લેતા હતા. અમે ત્રણે એક બીજાને રાજી રાખવા અને પોતે પણ રાજી રહેવા પ્રયત્ન કરતા હતા અને મહદ અંશે સફળ પણ રહેતા હતા .” એશા એકધારુ બોલે જતી હતી .આંખ અને ચહેરા પર જાણે સ્થિરતાના -જડતાના ભાવ આવી ગયા હતા. રિવા એનો હાથ પસવારતા મૂક સધિયારો આપતી હતી .એ જાણતી હતી કે અત્યારે એશા ઠલવાઇ જાય એ જરૂરી હતુ. જે ભાર મન- હ્રદય પર હતો એ હલકો થઈ જવો જરૂરી હતો તો એશા નવેસરથી  આવતી કટોકટીનો સામનો કરવા કટીબધ્ધ થઈ શકશે. ડૉક્ટરો કહેતા કે હવે તો કેન્સર પણ મટી જાય છે અને રોહિત કે એશા પણ ક્યાં નહોતા જાણતા વાત? પણ એ કયા સ્ટેજ પરનુ કેન્સર હોય અથવા તો કયા અંગ પર જાળાની જેમ બાઝેલી કેન્સરની ગાંઠ હોય તો જ મટવાની શક્યતા હોય એ વાત થી પણ ક્યાં અજાણ હતા એ બંન્ને ? અને માટે જ તો આજે અહીં અમદાવાદ સુધી ખેંચાયા હતા. આશાનો તંતુ છોડવો નહોતો.

એશા-ખુલ્લી કિતાબ(9)-વિજયશાહ.

આ બાજુ રોહિત ખુબ જ નબળાઇ અનુભવતો બેડ પર સુતો હતો. કરણ સાથે ક્યારેક અલપ ઝલપ વાતો કરી હતી પણ આ પ્રસંગે હાથ પકડીને રડી શકાય તેવા તો જાણે કોઇ સબંધ હતા જ ક્યાં? પણ કરણની આંખોમાં થી નીતરતી ચિંતાજન્ય લાગણીઓ તેને રડાવતી હતી. રોહિત બધી રીતે તૈયાર હતો પણ આમ મૃત્યુ તેને પેલી સમડી જેમ પોતાના શિકારને ઓચિંતી જકડી લે તેમ મોતનો ભય તેને જકડી રહયો હતો. પોતે ડોક્ટર હતો અને તેથી જાણતો જ હતો કે કેન્સર એટલે કેન્સલપણ તે વિચારતો કે મારે તો હજી ઘણું જીવવાનું બાકી છે.

આશિકને રિવાએ ફોન કરીને બોલાવ્યો હતો જે અત્યારે ડો સંદિપ સાથે તેમના હીમેટોલોજીકલ પરિણામો જોતો હતો.. બંનેની નજરો ફરી એક વખત મળી અને ઉંડા નિઃસાસા સાથે ડો. હિમાંશુ એ ડો આશિકને કહ્યુ એડવાન્સ સ્ટેજ છે. રોહીતને તો બધી ખબર પડી જશે એશાભાભી અને રિવાને તુ જણાવજે. આશિક ક્ષણભર માટે તો સ્તબ્ધ થઇ ગયો..મૃત્યુ પોતાનાને જ્યારે ડસવા આવે ત્યારે જે ભય લાગે તે ભયનું લખલખુ તેને પસાર થઇ ગયુ. રીપોર્ટ હાથમાં લઈને તે રોહીતને જ્યાં રાખ્યો હતો ત્યાં આવ્યો. કપરી કટોકટી ભરેલી ક્ષણ તો હતી જ. એશા રીપોર્ટની ભાષા સમજી શકતી હતી તેથી આશિકે રિવાને કહ્યું હું રોહિત પાસે જઉ છું જરા સ્વસ્થ થઇને તેના રુમમાં આવો.

એશા ફક્ત એકજ વાત કહેતી હતી રોહિતને આ રોગ કેમ? રિવા તેની વેદના સમજતી હતી પણ કહેતી હતી કે વિજ્ઞાન રોજે રોજ આગળ વધે છે. આશિક અને ડો. સંદિપ શું તારણો લાવ્યા તે સમજીએ અને પછી તુ આગળ શું કરીશું તે વિચારીશુ. કરણ પણ ચિંતાતુર હતો.ડો સંદીપે રીપોર્ટ ડો. રોહિતને આપ્યો અને આશિક સાથે જઈને બેઠાં. જિંદગીનું યુધ્ધ હવે શરુ થવાનું છે આ રોગ તેને કેટલો સમય આપશે તેજ આ રીપોર્ટ થકી નક્કી થવાનું હતુ. તેણે રીપોર્ટ ખોલીને જોયુ તો રોગ ખુબ જ એડવાન્સ સ્ટેજ ઉપર છે. રિવા અને એશા આવી ગયા હતા. એશાએ રીપોર્ટ વાંચ્યો અને આશિક સામે જોયુ. રિવાને મનમાં ઘણા જ પ્રશ્નો હતા. આશિક તે પ્રશ્નોનાં ઉત્તરો આપવા કરણ ને લઇ બહાર આવ્યો.

એશા અને રોહીતની નજર મળી. બંને ચુપ હતા..ડો સંદિપ કહે આ રોગ ગમે તે કક્ષાએ હોય આપણે હમણાજ કીમોથેરાપી શરુ કરી દઇએ.

રિવા અને કરણ આશિકની ફીયાટ પાસે પહોંચ્યા.

આશિકે તેમને ગાડીમાં બેસવા કહ્યું

ગાડી ચલાવતી વખતે આશિક રિવા અને કરણ, ત્રણેય ની આંખો ભીની હતી. નજીકની એક રેસ્ટોરાંમાં જઇ ત્રણે બેઠા. આશિકે પાણી પીધુ અને રિવાને કહ્યું મલ્ટીપલ માયલોમા એટલેકે બોન્મેરોનું કેન્સર છે. એશા આ વસ્તુ જાણે છે એટલે તે જ્ઞાન તેને માટે કેટલુ ઘાતક છે તે મને ખબર છે.દવા અને કીમોથેરાપી થી બહુ બહુ તો ૬ મહિના એશા પાસે રોહિત છે.

રિવાથી રડાતું નહોંતુ તે એશાને વિના ચાંદલે જોવાની કલ્પના પણ કરી શકતી નહોંતી. તેને ડુમો ચઢ્યો..કરણે તેને પાણી આપ્યુ અને રિવાએ આશિકને પુછ્યું કે હવે આગળ શું?

આશિક પણ છુટ્ટે મોઢે રડી પડ્યો.. રોહિત તેનો દોસ્ત હતો અને તેને પડનારું દુઃખની કલ્પના તેને રડાવતી હતી.

થોડાક સમય પછી રિવાએ તેને પુછ્યુ પણ આ રોગ શું છે?”

આશિક કહે શરીરની પ્રતિકાર શક્તિ કરતા સફેદ કણો અને શરીરને જરુરી પોષણ આપતા રક્ત કણોને શરીરમાં પેદા થતા કેન્સરનાં કણો ખાઈ જાય તેને કારણે રોગ સામે લઢવાની પ્રતિકાર શક્તિ ઘટતી જાય. નવા કણો બનવાની ગતિ કરતા આ ખવાવાની ગતિ વધી જાય એટલે ધીમું પણ મોત નક્કી અને નક્કીજ.

રિવા એશાની પીડા હવે સંપૂર્ણ રીતે સમજી શકી. મૃત્યુ ઝેરી નાગની જેમ ફુંફાડા મારે છે અને બચાવવાનાં રસ્તા અપુરતા છે.

આશિકે થોડોક સમય પછી રોહિતને પડનારા શક્ય દુઃખની આછી પાતળી રેખા આપતા રિવાને કહ્યું બેન આવો રોગ લાખ દર્દીમાં ભાગ્યેજ બે કે ચાર જણાને થાય છે અને તે પણ આફ્રિકાનાં જંગલોમાં અહીં એશિયામાં તો આ જોવા પણ નથી મળતો. મને નવાઇ લાગે છે કે રોહિતને તે ક્યાંથી થયો. તેના હાડકા બરડ થઇને બટકી જવાનાં કારણ કે કેલ્સીયમ હાડકા દ્વારા શોષાવાને બદલે પેલા કેન્સરનાં કોશોમાં શોષાય અને હાડકા પોલા કે ગળતા જવાની દર્ક પ્રક્રિયામાં ફક્ત દુઃખ અને દુઃખ જ રહેવાનં. જો કે આ દુઃખને હોર્મોનથી દબાવી શકાય પણ તે હોર્મોન પણ અમુક સમય પછી પેલા કેન્સરનાં કોશોને વશ થઇ જતા અસરહીન થવાના.

રિવાની આંખો અશ્રુધાર વરસાવતી હતી પણ ત્યાં બેસી રહેવાથી અને રોવાથી રોહિત કે એશાને માટે કશુ થવાનું નહોંતુ તેમ વિચારીને આશિકે રિવાને કહ્યુંબેના એશા-રોહિત સાથે રહીને શક્ય હકારાત્મક ટેકો કરવો હોય તો મજબુત બન..તુ રડીશ તો એશાતો ભાંગી જશે.

આશિકની ફીયાટ ડો સંદીપની ક્લીનીક તરફ પાછી વળી.

એશા- ખુલ્લી કિતાબ(10)-રાજુલશાહ

ડૉ સંદીપ સાથેની મુલાકાત પછી તો રોહિતની પરોસ્થિતિ વધુ સ્પષ્ટ બની. વળી પાછો ટ્રીટમેન્ટનો દોર ચાલુ થયો. બીજા જ દિવસે કીમોથેરેપીની શરૂઆત કરવી એમ નક્કી થયુ. જેણે આજ સુધી અસંખ્ય સર્જરી કરીને કેટલાય પેશન્ટૉને સાજા-નરવા ઘરે પહૉચતા કર્યા એવા જનરલ સર્જન રોહિત માટે સર્જરીનો તો કોઇ અવકાશ જ નહોતો. કીમો થેરેપી સિવાય કોઇ આરો નહોતો. કીમોથેરેપીની યાતના અને આડ અસરો થી રોહિત અને એશા બંને ચિંતિત હતા પણ છુટકો ક્યાં હતો?

બીજા દિવસે કીમોથેરેપીની શરૂઆત થઈ .એક દિવસ આરામ કરી પાછા આણંદ ગયા. હવે આણંદ અમદાવાદ વચ્ચે ની આવ-જા નિશ્ચિત થઈ ચુકી હતી. સમયાંતરે કીમોથેરેપી ચાલુ રહેવાની હતી . પરંતુ ફરી પાછો એક ઉથલો , વળી પાછો એક હુમલો , નવી કટોકટી.

પહેલી કીમો પતી અને ચાર દિવસ પછી રીએક્શન આવ્યુ. રોહિત બેભાન અવસ્થામાં સરી પડ્યા. થયુ કે હવે બાજી હાથમાંથી જ ગઈ . જ્યારે પરિસ્થિતિ સામે લડવા હાથ હેઠા પડે ત્યારે આપોઆપ પ્રાર્થના માટે હાથ જોડાઇ જતા હશે? વિજ્ઞાનની વાસ્તવિકતા અને ઇશ્વર પરની શ્રધ્ધા એ બે નદીના સામસામા કીનારા છે. પણ ક્યારેક આ વાસ્તવિકતા અને શ્રધ્ધાના બે છેડાને જોડતો ભગવાન પરના ભરોસાનો સેતુ જાણે-અજાણે મનમાં બંધાઇ રહ્યો હતો. આ ભરોસાના તાંતણે તો જીવાદોરીની જાળ ગુંથવા માંડી હતી. જ્ઞાન-વિજ્ઞાનના છેડા ટુંકા પડે ત્યાં આસ્થાનું ઓકસીજન કામ આવ્યું.ભગવાન પરના ભરોસાનો જવાબ મળ્યો.એશા અને રુચાની મૂક પ્રાર્થના પ્રભુએ સાંભળી.રોહીત કટોકટીમાંથી બહાર આવ્યા. સામાન્ય વ્યકિતને પણ ચમત્કાર લાગે તેવી ઘટના હતી.

આવી પરિસ્થિતિમાં હવે વડિલોનો આગ્રહ હતો કે દીકરીના ઘડીયા લગ્ન લઇ લો.કોઇ પ્રકારની રાહ જોવી નથી.એશા મનમાં વિચારોના વંટોળમાં અટવાયેલી હતી. મનથી કોઇ તૈયારી કરી શકતી નહોતી.ફક્ત એશા અને રુચા એ જ મક્કમ થવાનું હતું. બાકી તો પછી સૌ સાથ આપવા તૈયાર હતા.

ધ્રુમિલને હજુ આવી આકરી પરિસ્થિતિની એટલી જાણ કરી નહોતી. લંડનથી એને પણ તાત્કાલિક પાછો બોલાવી લેવો એવો નિર્ણય એશાએ લઈ લીધો.જે પિતાને હંમેશા કામ જ કરતા જોયા હતા તેમની આ પરિસ્થિતિથી તો આવતા વેંત ધ્રુમિલ સ્તબ્ધ થઈ ગયો. પરંતુ તે પણ સચવાઇ ગયો. ઝાઝી આળ -પંપાળ કે ઠાલા અશ્વાસનોનો અવકાશ જ નહોતો. ત્રણે જણ એક વિચારથી બંધાઇ રહ્યા હતા. તબિયતની કાળજી પહેલા ,પછી બીજુ બધુ.

ફરી એશાનો વિશ્વાસ જીત્યો.રોહિતની તબિયત સારી થતી ગઈ .દવાઓ તો ચાલુ હતી. અશક્તિ ઘણી લાગે છતાં જીવન સામાન્ય થતું જતુ હતુ. ઘણીવાર તો પરિસ્થિતિને પણ સૌ હળવાશથી લેવા પ્રયત્ન કરતા હતા. અને એમાં સૌથી વધુ સફળતા રોહિતને મળતી . કોઇક ડૉઝમાં એક સાથે ૮૦ ગોળીઓ લેવાનુ બનતુ. અડધા ગ્લાસ પાણીમાં ઓગાળી એશા આપે ત્યારે તે રૂચા અને ધ્રુમિલને બતાવીને કહેતાડેક્ઝોનાનો થીક શેક પીવુ છુ. એશા જ નહી સૌ જાણતા હતા કે શબ્દો બોલાતા હતા પણ અંતર કાંપતુ હતુ.

હવેનો સમય તો વળી એથી વધુ કઠીન હતો. આણંદ અમદાવાદ વચ્ચે કેમોથેરેપીની સારવાર માટે આ તબિયતે આવ -જા થોડી મુશ્કેલ તો હતી. એટલે રોહિતની હોસ્પિટલમાં એશાએ જ બાકીની કીમોથેરેપીની ટ્રીટમેન્ટ આપવી એવુ ડૉક્ટરોનુ સુચન હતુ અને સલાહ પણ. ૮૦ ગોળીઓ ઓગાળી ડેક્ઝોનાના ડૉઝ આપવા જેટલી સરળ વાત નહોતી.

સગા-સંબંધીઓ સ્તબ્ધ હતા, સંતાનો સેહમી ગયા હતા. એક માત્ર જો સ્વસ્થ હોય તો તે હતી એશા. અને રોહિતે પણ સાથ આપવાનુ નક્કી કર્યુ હતુ. મનથી અને તનથી .અંદરથી અને અંતરથી એશા પર અતુટ વિશ્વાસ હતો. મૂક સંમતિ હતી નિર્ણય માટે રોહિતની .આમે ક્યાં એણે ક્યારે વાણી કે વર્તનમાં પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવામાં અગ્રેસરતા રાખી હતી કે આ નખાઇ ગયેલા તન અને નબળા મનથી દર્શાવવાની હતી?

એશા એક બાજુ રૂચાના લગ્ન લીધા છે અને બીજી બાજુ આ ટેન્શન, તુ કેમ કરીને પહોંચી વળીશ? અને બીજી બાજુ આ ટેન્શન, તું કેમ કરીને પહોંચી વળીશ? ક્યારેક એશા અને રોહીત એકલા પડતા ત્યારે રોહીત મનની વાત એશા પાસે ઠલવતો. મનના ઉડાંણથી હંમેશા એને લાગતું કે એ ક્યારેય એશાની સાથે ઉભો રહી શકયો જ નથી.જ્યારે એનો હાથ થામીને વિરસદ આવી ત્યારે પણ અને આજે પણ.

કોણ જાણે એશા કઇ માટીની બનેલી હતી? દુરથી દેખાતા ભયના ભણકારા માત્ર કાન નહી હ્રદય પર પણ સંભળાતા હતા.જાણે એક મોટા પડઘમમાં પુરીને ઉપરથી દાંડી ટીપાય અને અંદર કાન,મન,હ્રદય બધુંજ ફાટી જાય એવી સ્થિતિ હતી અને છતાંય એશા પરિસ્થિતિને સંભાળી લેવાની પૂરેપૂરી કોશિશ કરતી હતી .

હું આજે જ વિક્રમભાઇ અને દક્ષાબેનને મળી આવી છું. હેમાંગ પણ ત્યાં જ હતો. લગ્ન જેટલી ઝડપથી લેવાય એમાં એમને કોઇ વાધો નથીએશા હળવેકથી રોહીતનો હાથ પસવારતા કહેતી જતી હતી.

વિક્રમભાઇએ કહ્યું છે કોઇ ચિંતા આપણા માથે રાખવની નથી.પાર્ટી પ્લોટ, ડેકોરેટર સુધ્ધા એ લોકો નક્કી કરી લેશે. હેમાંગ અને રુચા કંકોતરીના નમૂના ઘરે લઇ આવી આપણને બતાવી દેશે.તમને ગમે એ કંકોતરી ફાઇનલ કરી લઇએ એટલે એ છપાવવા પણ આપી દેશે.આ કોઇ કામ માટે ધ્રુમિલને પણ જવાની જરુર નથી એવું કહેવડાવી દીધું છે.એ અહીં જ રહેશે તમારી પાસે”.

એશા ઉત્સાહથી બધું રોહીતને કહે જતી હતી પરંતુ એ પોતે જાણતી હતી કે ઘણી વાર બહારના- અંદરના વર્તનમાં આભ-જમીનનો ફેર હતો.

ધ્રુમિલે પણ લંડન જવાનું માંડી વાળ્યું હતું. અહીં જ ડેડી પાસે રહેવાનું નક્કી હતું. ડેડી સારા થાય રુચાના લગ્ન પતી જાય પછી અહીં જ સેટ થવું છે એવો નિર્ણય જોતાની સાથે એણે લઇ લીધો હતો.

એશા અને રોહિતની અમદાવાદની આવન-જાવન ના બદલે હવે અમદાવાદથી બધાની આણંદ આવન- જાવન ચાલુ થઈ ગઈ હતી. લગ્ન અંગે હોય કે રોહિતની તબિયત અંગે , સૌ એશાની જવાબદારી ક્યાંથી ઉપાડી લઈ શકે તે વિચારીને સાથ આપતા હતા.

બીજી કીમોથેરેપીનો સમય નજીક આવતો હતો તેમ તેમ સૌ ના મન પર ભાર -ઉચાટ વધતો હતો.એક તો પ્રથમ થેરેપી વખતે રોહિતને રિએક્શન આવ્યુ અને બેહોશીમાં સરી ગયા હતા એ અને હવે અહીં એશાએ જ બધુ સંભાળવાનુ હતુ તે. રખેને ફરી કોઇ પ્રોબ્લેમ ઉભો થયો તો? જો કે હોસ્પીટલ રોહિત્તની હતી અને સાથે બીજા એના ડૉક્ટર મિત્રો પણ રહેવાના હતા.એટલે થોડુ સાંત્વન પણ રહેતુ સાથે એશાની સ્વસ્થતા જોઇ આશ્ચર્ય પણ થતુ.

એક જો નવાઇ ના લાગતી હોય તો તે રિવાને .બરાબર ઓળખતી હતી એ એશાને.

એ દિવસે રિવાને એશાની હોસ્પીટલ જવાનું હતુ. જ્યારે એશા એ પેથોલોજી જોઇન કર્યુ હતુ . ત્યાંથી પછી બસ દર વખતની જેમ મુવી જોવા જવાનું હતું. સસ્પેન્સ ફિલ્મ ઇત્તફાક રિલિઝ થઈ હતી અને રાજેશ ખન્ન્ના એશાનો ફેવરિટ એટ્લે જોવા માટે તો આજ ની કાલ પણ ના થાય.રિવા જ્યારે હોસ્પીટલ પહોંચી ત્યારે એશા chiladren ward માં હતી.બાર-ચૌદ વર્ષના છોકરાના પગમાંથી બોનમેરો લઈ ટેસ્ટ કરવાનો હતો. ભય હોય કે દર્દ ગમે તે કારણે એ છોકરો કારમી ચીસો પાડીને ગામ હોસ્પિટલ ગજવતો હતો. બે જણાએ એના હાથ અને પગ પકડી રાખ્યા હતા

છતાંય સખત રીતે ધમપછાડા કરતો હતો. ઝાલ્યો ઝલાય એમ નહોતો.એવામાં સેમ્પલ કેવી રીતે લેવું એ સમસ્યા હતી . એશાએ બીજા બે વૉર્ડ બોયને એ છોકરાને પકડી રાખવા બોલાવ્યા . સતત રડારોળ અને છોકરાની માં ના આંખમાં આંસુ જોઇને રિવા તો ડઘાઇ ગઈ અને ભાગી આવી ત્યાંથી ઘેર પાછી . જહન્ન્નમાં ગયુ મુવી અને વહેતી મુકી એશાને .

આ આખી વાતથી અજાણ એશા સારો એવો સમય રિવાની રાહ જોઇને સમય થતા એ પણ ઘેર પાછી આવી. આવતાં વેંત પહેલા તો રિવાના ઘેર પહોંચી એનો ઉધડો લેવા.સમજે છે શું એના મનમાં ? નક્કી કરીને મને રાહ જોવડાવીને બેસાડી રાખી અને બેન પધાર્યા જ નહી? આજે તો વાત છે રિવાની

પણ જ્યારે રિવાનું મ્હોં ચઢેલુ જોયુ અને આખી ઘટના વખતે એની ઉપસ્થિતિની જાણ થઈ ત્યારે એશા ખડખડાટ હસી પડી.રિવાને ઓર ગુસ્સો આવ્યો.હસે છે શું ? એક તો પેલા છોકરાનો જીવ નીકળી જાય એટલુ રડતો હતો અને અહીં તુ હસે છે?”

તો શું થઈ ગયું ?” એશા ને વળી વધુ હસુ આવતુ હતુ. જે કઈ કરતી હતી તે એના સારા માટે ને?”

કોઇના ય સારા માટે જો એશા કઈ પણ કરી શકતી હોય તો રોહિત માટે કેમ નહીં?

રોહિતની જે પરિસ્થિતિ હતી એમાં સુધારો થવાની શક્યતા તો હતી જ નહી પણ વધુ બગડે નહી અથવા ઝડપથી વધે નહી તે માટેના પ્રયત્નો કરવાના હતા.અને આપ્રયત્નોમાં રોહિતને જેટલી તકલીફ ઓછી પડે એ જ હવે જોવાનુ હતુ.એશાએ પોતાની જાતને એ માટે સજ્જ કરી લીધી હતી.

એશા- ખુલ્લી કિતાબ(11)- રાજુલશાહ

એક પછી એક કેલેન્ડરના પાના ફરતા જતા હતા.કીમોથેરેપીની એક પછી એક ટ્રીટમેન્ટ સમયાંતરે ચાલતી હતી.જો કે હવે રોહીત પ્રમાણમાં પહેલા કરતા વધુ સ્વસ્થ દેખાતા હતા. લગ્નના દિવસો પણ નજીક આવતા હતા તેમ બધુ જ ભુલીને પ્રસંગ ઉકેલવાના નિર્ણયમાં ઇશ્વર કૃપાએ સ્વાસ્થ પણ સારો સાથ આપ્યો.

લગ્ન મંડપની ચોરીમાં વિધી માટે બેઠેલા એશા અને રોહીત માટે ખરેખર ધન્ય ક્ષણ હતી.ઢોલી ના ઢોલના તાલે મામાઓ રુચાને માયરામાં લઇને આવ્યા અને જે પળે રુચાનો હાથ હેમાંગના હાથમાં મૂક્યો, છેડા છેડી ગઠબંધન થયા.રુચા હેમાંગને પરણીને ઉભી ત્યારે એશાના હ્રદયના બંધ છૂટી દયા.આટ આટલા સમયથી સ્વસ્થ દેખાતી એશા આજે કેમ કરીને પોતાની જાતને જાળવી શકતી નહોતી.સૌ સમજતા હતા કે રુચાની વિદાય એ એક માત્ર કારણ નહોતું.આજ સુધીની મનને રોકી રાખતી મનને બાંધી રાખતી આ દિવસોની વ્યસ્તતા પુરી થતા હવે શું?

રુચાના લગ્નન બહાને તો એશા અને રોહીત બંને એકબીજાને ટકાવી રાખવાનો પ્રયાસ કરતા હતા. હવે ખરો સમય હતો રોહિતને સાચવવાનો.રુચાની વિદાય પછી ખાલી પડેલું ઘર જાણે સાવ શાંત પડી ગયું હતું.લગ્નના લીધે થોડી ઘણી પણ કામની વ્યસ્તતા પરિવારજનો આવન-જાવન ના લીધે જે ચહલ-પહલ હતી તે સાવ સમી ગઇ હતી. શ્વાસ લેવામાં પણ મૂઝારો થાય એટલી હદે ધરમાં ભાર વર્તાતો હતો.

એશાએ વળી પાછું મન મક્કમ કર્યું.જાણે કશુંજ બન્યું નથી અથવા કશું બનવાનું પણ નથી એવી સહાજીકતા વર્તનમાં લાવવાનો પ્રયાસ કરવા માંડયો.મહ્દ અંશે સરળતા પણ મળી.ધીમે ધીમે થોડો થોડો સમય હોસ્પીટલ જવાનું શરુ કર્યું.આ પણ એક જવાબદારી તો હતી જ અને વળી એની આડ હેઠળ થોડું રોજીદુ જીવન સામાન્ય બનશે એવી આશા પણ હતી.રોહીત સમજી શકતો હતો એશાની આ મથામણ અને એમાંથી ભાર આવવાના વલખા .

થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતાં એણે પણ હોસ્પીટલ જવું એવો મનોમન નિર્ણય કર્યો પણ એના શરીર જોઇએ એટલે સાથ આપતુ નહીં ધ્રુમિલે લંડન જવાનું માંડી વાળ્યું એવું એટલો સધિયારો તો હતો. ધ્રુમિલને સેટ થવા માટે એકડો ઘૂંટવાનો હતો.આટલા વર્ષ ભારત થી દૂર રહ્યા પછી અહીં એક ઓળખ ઉભી કરવાની હતી.જો કે ભારતથી દૂર રહ્યાના વર્ષોએ જ એના માટે નવી દુનિયા ખોલી નાખી.ફોરેન રીર્ટ્ન એ જ એક મોટી અને મહત્વની ઓળખ સાબિત થઇ. પરદેશનું ભણતર અને થોડો વર્ક એકપીરીયન્સ ઘણો બધો કામ લાગ્યો. આણંદ તો નહીં પણ બરોડામાં જોબ મળી ગઇ.સાવ સાથે રહેવાના બદલે ભલે જરાક જ દૂર પણ હાથ લંબાવતા પકડી શકે એટલો તો નજીક હતો ને?

એનો પણ વિકાસ રુંધાય એવું એશા અને રોહીત ઇચ્છતા નહોતા એટલે આણંદ રહેવાનો આગ્રહ તો કયારેય હતો જ નહી અને રુચા પણ તો અહીં હતી જ ને?

અશા એ ધ્રુમિલના જવાની તૈયારીઓ કરવા માંડી.

સરસ મઝાનું ઘર મળી ગયુ. નાનુ પણ બધીજ સગવડોવાળું અને સોસાયટી પણ અલકાપૂરી એટલે મારા માસીની મીરાના ઘરની પણ સાવ નજીક છે. મીરા ધ્રુમિલનું ધ્યાન રાખશે”. એશા અને ધ્રુમિલ બરોડા જઇ આવ્યા અને ઘરનું નક્કી કરી આવ્યા. એનો અહેવાલ આપતા એશા રોહીતને એની આવ-જા માં પરોક્ષ રીતે સામેલ કરે જતી હતી.

”Yes, ડેડી તમે આવશો ને તો તમને પણ ગમશે જધ્રુમિલે એશાની વાત પર મત્તુ માર્યું.

ડેડી ક્યારેક રવિવારે હું આવું એના બદલે તમે અને મમ્મી ત્યાં આવશે તો તમને પણ ચેઇન્જ રહેશે.મીરા માસી અને માસા પણ કેટલા ખુશ થઇ જશે ખબર છે તમને? .

રોહીત પણ આનંદથી આ બધી વાતોમાં સાથ આપતો થોડો સંતોષ અને શાંતિ પણ હતી ધ્રુમિલના નિર્ણય અને નિમણુકથી.

સારો દિવસ જોઇને એશા અને ધ્રુમિલે જરુરી સામાન પણ બરોડાના ઘરમાં ગોઠવી દીધો.પહેલી તારિખથી ધ્રુમિલને નવી જોબમાં જોઇન થવાનું હતું. એશા અને ધ્રુમિલ બરોડા જતા ત્યારે રુચા આવીને રોહીત પાસે રહેતી એટલે એની તો એશાને એટલી ચિંતા રહેતી નહી.

વળી પાછો ધ્રુમિલના બરોડા ગયા પછી ઘરમાં ખાલીપો વર્તાવા લાગ્યો.વાતોડિયા ધ્રુમિલની હાજરીથી ઘરમાં એશા અને રોહિતને વાતારણ જીવંત લાગતુ.લંડનની વાતો પણ ક્યારેય એની ખૂટતી નહી.

હવે વળી પાછા એશા અને રોહિત એકલતા અનુભવવા લાગ્યા. રોહિતે હોસ્પીટલનું કામ સંભાળવા એક આસીસ્ટન્ટ ડૉક્ટરની નિમણૂક તો કરી જ હતી અને હેમાંગ પણ સમય મળે ધ્યાન આપતો હતૉ.એશા બને ત્યાં સુધી હોસ્પીટલ જતી અને ક્યારેક રોહિત પણ સાથે જતા.

પરંતુ કીમોથેરેપી પછી અને અંદર પ્રસરતા જતા રોગે રોહિતેને થોડો ઢીલો તો પાડી દીધો હતો. એટલે એશા એ પણ ધીમે ધીમે હોસ્પીટલ જવાનુ ઓછુ કરવા માંડ્યુ.

એશા- ખુલ્લી કિતાબ (12)-વિજય શાહ

તે દિવસે રોહિતે આજવા નિમેટા જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેને સારુ લાગતુ હતુ એશા થોડીક ખચકાઇ પણ પછી ધ્રુમિલને જણાવી દીધું કે તેઓ એમ્બ્યુલન્સ લઇને સાંજે આવશે અને મીરા માસીને ત્યાં જમશે. રોહિત તેના વિચારોમાં બહુ જ સ્વસ્થ અને સચોટ હતો અને તે માનતો થયો હતો કે એશાની માનવસેવાની વાતોને યોગ્ય રૂપ આપવા બધી પળોજણો થી દુર લૈને ખુલ્લા મને વાત કરવી જરુરી હતી. આણંદથી નીકળી એમ્બ્યુલન્સ વડોદરા પહોંચી અને આજ્વા નીમેટાનાં રસ્તે આગળ વધતી હતી ત્યારે એશાને કહ્યુ.

એશા! મેં તને ખુબ દુભવી છે નહીં?”

રોહિત! આ શું કહો છો?”

એશા જો આજે હું બોલીશ અને તુ સાંભળીશ. મને કોઇ પણ વાતે રોકીશ ના કે ટોકીશ ના.

રોહિત! તમારો બોલવાનો તબક્કો ક્યારેય આવ્યો હતો ખરો?”

હા. અને તે આજે છે. આપણે આજવાનાં કિનારે ઢળતી સાંજે બે જણે એકલા એકાદ કલાક્ની તારા મૌન ની અને મારા બોલવાની સજા કે મજા કરવાના છીયે.

રોહિતે આ પ્રકારની લાગણી ક્યારેક જ બતાવી હશે. એશા આશંકતો થઇ ગઇ પણ રોહિતની ઇચ્છા મુજબ તેમની પ્રિય જગ્યાએ ઝાડનાં ટેકે ડ્રાઇવર પાસે પથારી પથરાવી અને ડ્રાઇવરને કહ્યુ નજીકમાં રહેજે સુર્યાસ્ત પછી નીકળીશુ.

ડ્રાઇવરના ગયા પછી રોહિત બોલ્યો. હવે તારા મૌન ની અને મારે બોલવાની સજાનો આરંભ થાય છે. તને હસવાની છુટ અને મને રડવાની.

એશા કહે એ સજા એક તરફી ના હોય! રડવાની છુટ કોઇને નહી અને હસવાની છુટ બંનેને..

રોહિત કહે એ છુટ મારી ઉપરવાળાએ લૈ લીધી.ખૈરમેં એક કવિતા હમણા વાંચી તે તને પહેલા કહુ અને પછી મારી વિચારધારને વહેતી કરુંએશા તો રોહિતનાં શબ્દોને સાંભળી ને વિચારમાં પડી ગઇ

તેણે કાગળની ચબરખી કાઢી અને વાંચ્યુ

જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના

અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.

જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.

તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!

ગિરીશ દેસાઈ ના મુક્તકે મને બહુજ શક્તિ આપી છે. મને જે દિવસે પહેલો રીપોર્ટ મળ્યો ત્યારથી ખબર હતીકે હવે મારી પાસે ગણ્યાં ગાંઠ્યા દિવસો છે. મારે માથે જેમનુ જેમનુ દેવુ છે તે પાછુ વાળવા માટે પુરતા દિવસો નથી. છતા શક્ય હોય તેટલા પ્રયત્નો હું કરુ છું.એશા સૌથી મોટું મારા ઉપર તારુ દેવુ છે. તેં મારા સંસારને આપણો ગણ્યો. મેં એ આપણા પણાને મારા અહંને કારણે તારુ અને મારુ એમ વાડા કર્યા. મારા એ અહંને કારણે મેં તને ખુબ જ દુઃખ આપ્યુ છે પણ હવે જ્યારે મત્યુની ઘડી નજદીક આવી છે ત્યારે પણ એ મારા અહંને નહીં ગાળુ તો આટલો મોટૉ ભાર લઈને હું સુખથી કેવી રીતે મરીશ?”

એશા નિઃશબ્દ થઇને જોતી રહી . તેને સમજાતુ નહોંતુ કે રોહિતને આજે શું થઇ ગયુ છે? ઢળતા સુરજને જોઇ તેણે ફરીથી બોલવાનું શરુ કર્યુ..હવે જેટલા સુર્યાસ્ત મારે જોવાનાં છે તેના કરતા ઘણા વધુ સુર્યોદયો તને પ્રભુએ આપેલા છે તેથી મારી પાછળ શોક ન કરીશ અને લોક લાજે શોક કોઇને કરવા દૈશ નહીં કારણ કે મને ભગવાને તેમને ત્યાં બોલાવતા પહેલા આ દેહનાં દંડ અહીં દઇ શુધ્ધતા બક્ષે છે. જે સ્વરૂપ જન્મ સમયે હતુ તે સ્વરૂપે મને બોલાવે છે.આમ વિચારવાથી મારા દેહનાં દંડો હળવા થાય છે. પણ લાખો કેન્સર કોશો ધીમે ધીમે મને ખાય છે અને તમે સૌ મને તે રીતે ખવાતો જોવા નથી માંગતા તેથી મારા જીવન માટેનો અદભુત જંગ ખેલો છો. હા કદાચ તેનાથી મને થોડુંક આયુષ્ય મળશે પણ હવે તેની મને બહુ ખેવના નથી. કારણ કે મત્યુનાં હાથમાં થી જિંદગી એ છીનવીને જેટલા શ્વાસો મને આપ્યા હતા તે ઘટવા માંડ્યા છે.

જેમ જન્મ સમયે મારી માવડી મારી સાથે હતી તેમ મૃત્યુ સમયે મારી પ્રિય સખી એશા હશે.

રોહિતની આંખો આંસુઓ સારતી હતી એશા પણ ભીંજાતી હતી..તેણે જે બહુ ઝંખતી હતી તે વાત આજે કરીને ગદ ગદ કરી નાખી..

રોહિત થોડો શાંત થઇને બોલ્યો એશા તારે તો રડવાનું જ નથી. કારણ કે તેંતો મને તારું સર્વે સર્વા આપ્યુ છે અને હજી આપે છે. મુરખતો હું એકલો હતો કે જે ખાલી લેવાનું જ સમજ્યો હતો.. આપવાનું તો જાણે જાણતો જ નહોંતો અને તેની તો આટલી ભયાનક સજા પ્રભુએ કરી છે. એશા અત્યારે રોહિતને રડવા દેવાનાં મતમાં નહોંતી પણ તેની વાતોમાં જે ઉંડુ દુઃખ હતુ તે નીકળી જાય તે માટે તે મૌન રહી.

રોહિત આગળ બોલ્યો રુચા અને ધ્રુમિલ તેમની જિંદગીમાં પડે જશે અને તારે હજી એકલુ જીવવાનું છે. તેમના સહારાને તારો આધાર બનાવવા કરતા તારી રીતે રહેજે.

એશા હવે બોલી રોહિત! પોચકા ના મુકો અને એમ કેમ માનોછો કે તમને હું કેન્સર સામેની આ લડતમાં હારવા દઇશ.

રોહિત ને પાણી આપતા તે ફરી બોલી.કેન્સર ઉપર વિજ્ઞાન સતત એક ય બીજા પ્રકારે વિજયી બન્યું છે બસ તેમ જ હું પણ તેને ખાળીશ.

રોહિતને એશાની નીડરતા ગમી. એશા! હું માનું છું કે મારુ આયુષ્ય ખુટ્યુ હશે તો આપ્ણો સાથ ખંડીત થશે. પરંતુ તારી માફી માંગી મને બહુ સારુ લાગ્ય.

એશા બોલી ના તેમ કરી મનથી તમે યમરાજાને કહી દીધું કે હું તૈયાર છું તુ મને ગમે ત્યારે લઇ જઇ શકે છે

રોહિત મનથી તે વાતને સ્વિકારતો. ડુબતો સુરજને જોઇ રહ્યોએશા મનોમન રડતી રહી. આજે માફી માંગી ને રોહિતે તેના ઉપર ગુસ્સે થવાનો હક્ક છીનવી લીધો….

એ દિવસ નજીક આવી રહ્યો છે તે વાતનો અણસાર પણ તેને રોહિત પાસેથી જોઇતો નહોંતો. તે ધમ પછાડા કરીને સતિ સાવિત્રીની જેમ તેને મત્યુનાં મુખમાંથી પાછી લાવવા કટીબધ્ધ હતી. તેથી તેણે કહ્યું રોહિત તમને કશુ થશે કે નહીં તેની વાતો જવાદો ટાઈફોઈડનો દર્દી જેમ ઉભો થઇ જાય તેમ તમે ઉભા થઇ જશો અને પછી મારી સાથે માનવ મંદીરનાં યજ્ઞમાં તમારે મને સાથ આપવાનો છે તે તમને ખબર છેને?

રોહિતે એક નિઃસાસો નાખતા કહ્યું મલ્ટીપલ માય્લોમા એ ટાઈફોઈડ નથી એશા.

એશા ખુલ્લી કિતાબ (13) રાજુલ શાહ.

બીજે દિવસે સવારે ચા નાસ્તાનાં ટેબલ ઉપર મીરાએ વાત કરી ” ધ્રુમિલ માટે એક સારી વાત આવી છે.છોકરી અને ફેમિલી મારા જાણીતા છે.એશા તારી જો મરજી હોય તો હું ધ્રુમિલ ને વાત કરી જોઉ અને એની તૈયારી હોય તો બંનેની મુલાકાત પણ ગોઠવી શકાય એટલો મારો હક એ છોકરી પર પણ છે.”
ધરમના કામ માં વળી ઢીલ શી”? અને તું વચ્ચે છું એટલે મારે કોઇ લાંબી તપાસ કરવાની પણ ક્યાં જરુર છે? જો ધ્રુમિલને પસંદ પડે તો અમને કોઇ વાંધો નથી.
અને મીરાં એ મિડીયેટરનું કામ બરાબર સંભાળી લીધુ. ધ્રુમિલ અને જાનકીને મેળવી આપ્યા. એશા-રોહીત સાથે મુલાકાત પણ કરાવી દીધી.આમતો દુનીયા ખુબ જ નાની છે અને શોધવા બેસીએ તો ઓળખાણના છેડા ક્યાંક તો જોડાતા જ હોય.એવી રીતે ક્યાંક ને ક્યાંક તો આ બંને પરિવારોને જોશતી કડી મળી જતી.લાંબી તપાસ કે વધુ રાહ જોવાની જરુર નહોતી.બધુંજ ખૂબ સરળતાથી ગોઠવાઇ ગયું.
વળી ફરી એક વાર એશા અને રોહીતના દિવસો થોડા બીઝી જવા લાગ્યા.રુચાના લગ્ન પતે ઝાંઝો સમય થયો નહતો એટલે ખાસ નવેસરથી કશું કરવાનું હતું જ નહીં. કંકોતરી માટૅ નુ લીસ્ટ તો તૈયાર જ હતુ.બસ થોડી ઘણી ખરીદી અને જાન જોડીને વડૉદરા જવાનું હતુ એટલે મન પણ કોઇ ભાર નહોતો.
સરસ રીતે પ્રસંગ ઉકલી ગયો.હવે એશાને ધ્રુમિલની રહી સહી ચિંતા પણ રહી નહિ.જાનકી સૌમ્ય અને છતાંય મળતાવડી હતી.બેન્નેના વિવાહનું નક્કી કર્યું ત્યારથી લગભગ દર રવિવારે ધ્રુમિલ સાથે આણંદ પણ આવતી હતી.અને એશાને તો વળી સૌ પોતાના લાગતા ત્યાં જાનકીને સ્વીકારવામાં ક્યાંવાર લાગવાની હતી.
લગ્ન પછી પણ એ બંનેનો દર રવીવાર આણંદ આવવાનો અનુક્રમ ચાલુ જ રહ્યો. વાતાવરણ ખુબ ભરેલુ લાગતુ જ્યારે એ એશા અને રોહિત પાસે આવીને રહેતા ત્યારે.. આટલા લાંબા સમય પછી એશાને સમજાતી હતી મોટાઇ અને મોટીબેન ની સંયુક્ત પરિવારની ભાવના. ઘર મંગલ લાગતુ હતુ.

બે એક અઠવાડીયા પછી રિવા સાથે ફોન ઉપર વાત કરતા એશા બોલી “ઇશ્વર એક હાથે આપે છે તો સામે બીજા હાથે પાછું કેમ માંગી લે છે?” રુચા- ધ્રુમિલનું વિચાર્યુ હતું એના કરતા પણ સરસ રીતે ગોઠવાઇ ગયું હવે એ બંનેની મને કોઇ ચિંતા નથી.તો હવે રોહીત માટેની ચિંતા કોરી ખાય છે”.
ધ્રુમિલના લગ્ન પછી વળી પાછી રોહીતની તબિયત નરમ-ગરમ રહેવા લાગી હતી એટલે સ્વાભાવિક એશાના મનમાં ચાલતી ચિંતા હવે ઉપર આવવા લાગી હતી.ધ્રુમિલ અને જાનકી સાથે પણ ફોન પર વાત કરતાં સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતી એશા રિવા પાસે સ્વસ્થ રહી શકતી નહતી.
બહારથી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરુ છું પણ કોઇક વાર તો એમાં પણ નિષ્ફળ જતી હોઉ એમ મને લાગે છે.જાણે ધ્રુમિલ અને રુચાની લગ્નની જવાબદારી પુરી કરવાનું નક્કી કર્યું હોય એમ ત્યાં સુધી તો તબિયતે સાથ આપ્યો પણ હવે તો શરીર લથડતું જાય છે.”
રિવા સમજી શકતી હતી એશાની વેદના નજર સામેજ આપણે આપણી વ્યક્તિને જીવનમાંથી વિદાય લેતી જોવી એ કેટલું કપરું છે એ વિચારી શકતી હતી.એ ઠાલુ આશ્વાસન પણ એશાને આપી શકે તેમ નહોતી.નોન મેડિકલ પરસન હોય તો બરાબર છે પણ અહીં તો રોજ-બરોજના રિપોર્ટ એશાની હાજરીમાં જ થતા.કોઇ વસ્તુ એશાની નજર થી બહાર નહોતી.
ઉધઇએ કોતરી કાઢેલા લાકડાની ફ્રેમ અંદર થી કેટલી પોલી થવા માંડી છે એની એશાને બરાબર જાણ હતી. બ્લડ ટેસ્ટ ,ફરી એકવાર બાયોપ્સી નું રિઝલ્ટ એશાના જ હાથમાં આવ તૂં હતું મેડિકલ ફીલ્ડમાં કામ કરતા હતા એટલે બંને જણ પરિસ્થિતિની ગંભીરતા સમજી શકતા હતા. ચિંતા વધતી જતી હતી.વાસ્તવિકતાની દુનિયામાં ડહાપણ કે સમજદારીની વાતો કેટલી પોકળ છે એ રિવા પણ જાણતી હતી.એટલે બીજું તો કશુંજ એને કહેવાનું -બોલવાનુ હતુ નહી અને છતાંય એક મૂક સધિયારો આપતી હોય એમ એ એશાની સામે જોઇને એની બધી વાતો સાંભળે જતી હતી.
તને યાદ છે એશા? કાયમ તું કહેતી હોય છે કે દરિયા કિનારે ઉભા હોઇએ ત્યારે એક મોજું આવે એ તમારા પગ ભીના કરીને પાછું વળી જાય છે. એનું એ મોજુ ફરી પાછુ આવતું નથી.તારે પણ તારા પગ મજબૂત રાખીને ઉભા રહેવાનું છે.મોજું આવીને તારા પગ ભીના કરી જાય તેનો વાંધો નહીં પણ એ મોજું તને ખેંચી ના જાય એટલી મક્કમતા તો તારે જ કેળવવી પડશે ને? અને મને વિશ્વાસ એ શું આવતા મોજાઓ વચ્ચે પણ તું તારી જાતને સ્થિર રાખી જ શકીશ “.-રિવા એશાને સધિયારો આપવા બોલી અને વાતને આગળ લંબાવતા પુછ્યુ “તારી પેલી રશીયન રસી આવી કે નહીં?.”

એશા-ખુલ્લી કિતાબ(14)-વિજય શાહ

રિવાના પ્રશ્નનો જવાબ આપતા એશા બોલી. “હા રશીયન રસી આવી તો ગઇ છે અને હેમાંગ આશિક અને રોહિત તેને સમજ્વા મથે છે. રોહિત તો સ્થિતપ્રજ્ઞતા વર્તે છે. આશિક કહે છે આ રસી હજી ટ્રાયલ લેવલ પર છે અને તેમને જોઇએ તેટલી સફળતા મળી નથી. તુ કહે છે ને કે દરિયા નીચેની રેતી દરેક મોજા સાથે ખસે છે અને હું મક્કમતાથી મારા પગ જડાવીને બેઠી છું.”

બરોબર અને તેમજ તારી શ્રધ્ધાને મજબુત બનાવતી રહેજે”

રિવા વિજ્ઞાન ભણી છું ને તેથી એક વાત બહુ સ્પષ્ટતાથી માનુ છું કે જ્યાં સુધી મૃત્યુ આવ્યુ નથી ત્યાં સુધી મને ઝઝુમવાની તક છે. અને બીજી વાત પેલા તુટેલી તલવારથી જંગ જીતેલા રાજકુમારની વાર્તા મને યાદ છે .”

રિવા એશાનાં દ્રઢ મનોબળને સંકોરતા કહ્યું “એશા તારી વાત સાચી છે વાર્તાઓ જિંદગીની નિશાળમાંથીજ જન્મી હોય છે. અને દરેક યુધ્ધો પહેલાતો મનમાં જ લઢાતા હોય છે અને જીતાતા પણ હોય છે.”

એશા કહે “સાંભળ હું જે વિચારી રહી છું તેવો એક સુંદર દાખલો આજે ઓન્કોલોજીની જરનલમાં હેમાંગે વાંચ્યો અને મારા માટે તેણે મોકલ્યો. અમેરિકાની પ્રસિધ્ધ કેન્સર હોસ્પીટલનાં નિયામકે અને આખી હોસ્પીટલનાં સ્ટાફે કેરન ને એક વીરને છાજે તેવુ બહુમાન કર્યુ અને તેના કેન્સર વિજયને ધામધુમથી વધાવ્યો. તેઓ કહેતા કે અમે મહદ અંશે નિષ્ફળ એટલા માટે પણ જતા હતા કે જે દર્દી જ્યારે હોસ્પીટ્લમાં આવે ત્યારે બહુ ઓછી હકારાત્મક ઉર્જા લઇને આવતા.પરંતુ કેરન અને સીસીલીયા (કેરન ની મમ્મી ) એ બંને એ કદી અમારા ઉપરનો તેમનો વિશ્વાસ છોડ્યો જ નહોંતો . તેઓ પુરા શ્રધ્ધેય હતા હતા અને પુરી નિયમીતતાથી માવજત કરાવતા હતા. તેની નર્સ તો માની જ શકી નહોંતી કે કેરન ને દવા અને દુઆ બંનેથી વિજય મળ્યો છે.”

રિવાએ સરસ સમાચાર છે કહીને ફોન મુક્યો અને નિત્યકર્મમાં લાગી.

આચાર્ય શિવાનંદજી હોસ્પીટલ ઉપર આશિર્વચન માટે આવવાના છે તે સમાચાર રૂચાએ આપ્યા અને તેથી એશા હોસ્પીટલ ઉપર પહોંચી. આશિક અને હેમાંગે રોહિત સાથે ચર્ચા કરી લીધી હતી. આશિક રોહિતને રસી આપ્યા પછી થનાર શક્ય તકલીફોને સમજાવી ચુક્યો હતો અને તેને ધ્યાનમાં લઈ તે ચિંતીત પણ હતો.સફળતાની કોઇ જ ગેરંટી નહોતી અને જે સ્ટેજમા તેનું દર્દ પહોંચી ગયુ હતુ તે સ્ટેજ ઉપર આ રશીયન રસીનાં પરિણામો વિવાદાસ્પદ હતા.

હેમાંગ કહેતો મમ્મી! તમે સમજી શકો છો કે આ પ્રયોગ એક ખતરો છે ન કરીયે અને ચુપ ચાપ બેસી રહીયે તેનાથી થનાર નુકશાન પણ એટલુંજ તકલીફ દેય છે.

આ વાતો ચાલતી હતીને શિવાનંદજી પધાર્યા. રોહિતે વંદન કર્યા અને તેમણે રોહિતનાં કપાળ ઉપર હાથ ફેરવ્યો. બધા વંદન કરીને શિવાનંદજીનાં આશિર્વચનો સાંભળવા બેઠા. એમણે પણ એ રાજકુમારની વાત કહી. એશા તે સાંભળી ને મલકી. શિવાનંદજી શાંત અને ધીર અવાજે કહી રહ્યા હતા “એક યુધ્ધમાં એક સૈનિક પોતાને ભાંગલી તલવારથી યુધ્ધ કેમ જીતાય ઈવો વિચાર કરી તલવાર યુધ્ધ્ભૂમીઉપર નાખીને જતો રહ્યો. હવે તે રાજ્યનો રાજકુમાર લઢતો લઢતો પાછળ પડતો હતો અને દુશ્મનનાં વાર થી તેની તલવાર તેના હાથમાં થી છુટી ગઇ. સહેજ પોતાની જાતને સંભાળીને તેણે આજુ બાજુ નજર કરી અને પેલા હતપ્રભ સિપાઇએ ફેંકી દીધેલી તુટેલી તલવાર તેને મળી ગઇ અને ફરીથી વેગે તે લઢ્યો અને તે યુધ્ધ જીત્યો. બીજે દિવસે તેણે ભાંગેલી એ તલવારનાં સિપાઇને બોલાવી બહુમાન કર્યુ. સિપાઇને તો એમ કે તેને ઠપકો મળશે પણ શિરપાવ મળ્યો.

તેમણે મૃદુ અવાજે રોહિત તરફ ફરીને  કહ્યું તમે બહુ જ નસીબદાર છો. ઘણા રોગીઓનાં રોગ તમે દુર કર્યા છે તમને કશુંજ થવાનુ નથી. હજી માનવ સેવાનાં ઘણા યજ્ઞો તમારે કરવાના બાકી છે. મારું સામુદ્રીક જ્યોતિષ કહે છે તમારું હજી આયુષ્ય લાંબુ છે. મનમાંથી અજંપો કાઢી નાખો. એશાબેન સાથે હજી ત્રીજી પેઢી તમે જોવાનાં છો.

તેમણે એક ચબરખી લીધી અને તેમા લખ્યુ

બુધ્ધી કેરા સીમાડા જ્યાં અટકી ગયા,

તેને પારનાં સીમાડાને શ્રધ્ધા સંતો કહી ગયા.

આશિક અને હેમાંગ તો છક્ક જ થઇ ગયા. હકારાત્મક ઉર્જાનો જાણે સુરજ ઝળહળી ગયો

એશાને આશિર્વાદ આપતા તેઓ બોલ્યા બેન! મનથી મજબુત રહેજે. તારો ચુડી ચાંદલો સલામત છે.

એશાને હવે કશુંજ કરવાનુ નહોંતુ.. રશીયન રસી એડમીનીસ્ટર થઇ ગઈ.

એશા-ખુલ્લી કિતાબ (15) વિજય શાહ

રસીની અસર દર ૮ કલાકે જોવાની હતી લોહીનાં કેન્સર કણોની સામે આ રસી એન્ટીબોડી પેદા કરવાના હતા. રોહિતને થતા દર્દને નિવારવા અપાતી દવાઓમાં રસીને સક્રિય કરવા નોધ પાત્ર ઘટાડો કર્યો હતો અને તેથી થતી પીડાને રોહિત વેઠતો હતો.તેની નબળાઇ તો ઘટવાનુ નામ જ લેતી નહોંતી. આખા આણંદમાં શિવાનંદજીની ભવિષ્ય વાણીએ અજબ શ્રધ્ધાનું વાતાવરણ ઉભુ કર્યુ હતુ, લોકો અખંડ જાપ અને ભજન કરતા હતા. ડો રોહિત એક આણંદનું ગૌરવ અને આગવુ વ્યક્તિત્વતો હતું જ.

લોકોનાં વિશ્વાસ અને માનને જોતા ધ્રુમિલ અને રૂચા પણ ગદ ગદ થઇ જતા. અઠવાડીયા સુધી અસરો દેખાતી નહોંતી તેથી રશીયન સંસ્થા પણ ચિંતીત હતી. એશા માટે તો જાણે આ એક જંગ જ હતી.લેબોરેટરીની દરેક સ્લાઇડોમાંથી તે કેન્સર કણો ક્યારે ઘટે તેની ચિંતા હતી.

આજે દસમા દિવસે રોહિતે કમ્મરમાં સખત દુખાવાની ફરિયાદ કરી. દવાના જોરે દર્દ દબાવવાને બદલે એશાએ તેને માલિસ અને મસાજ્થી રાહત આપવાની ઝુંબેશ ઉપાડી. છેક મોડી સાંજે તેણે ભાન ગુમાવ્યુ ત્યારે હેમાંગે રૂચાને કહ્યું રસીની અસર જણાતી નથી એકાદ અઠવાડીયા પુરતા બધા ભેગા થઇ જાવ. એશા કહે તમે લોકો નકામા ના ગભરાવ મને રક્ત કણો ઘટતા બંધ થયા હોય તેવુ લાગે છે. રશિયન સંસ્થામાંથી એક નિષ્ણાત આવ્યો અને ફરીથી એક ડોઝ અપાવ્યો બૂસ્ટર ડોઝની અસર થવી જ જોઇએ

રોહિત આ દરેક ગતિવીધીને સમજતો હતો અને શિવાનંદજીની વાતો એ તેના મનમાં પરમ તત્વને માનતો કરવા મજબૂર કર્યો હતો. મનમાં તેને કોઇ ચમત્કાર થઇ શકે છે તે ભાવના જાગૃત થતી અને વિકસતી જોઇ રહયો હતો.ક્યારેક ચમત્કારો થતા હોયછે અને એવો ચમત્કાર એની સાથે થઇ શકે છે તે વાતને મન માનવા લાગ્યુ ત્યારે એક વિશિષ્ટ પ્રકારની શાંતીનો અનુભવ તેને થવા લાગ્યો. એશા..એશા વિચારતા તેની આંખો ભરાઇ જતી અને તે આંસુ જોઇને બધા અનુકંપા કરતા પણ તેને તનના દર્દ કરતા હવે એશાથી થતી સુશ્રુષા અને તેને પડનારી ભવિષ્યની એકાંત વાસ ની સજા સહેવાતી નહોંતી. રાતના સમયે મહદ અંશે એશા તેની સાથે જ રહેતી અને ઉંઘની દવા તેને બહુ દર્દ હોય તો જ અપાતી. એશા અને રોહિત ઘણી વખત ભૂતકાળ યાદ કરે જેમાં દરેકે દરેક વાતમાં એશા કહે રાત ગઈ તેની વાત શું? અને રોહિત કહે જો હવે મને સમય મળશે તો મેં કરેલ સર્વ ઊપેક્ષાનાં દંડની સજા હું મને આપીશ. એશા ઘણી વખત એના એ વલણો ને હસી કાઢે અને કોઇક વાતો કરી તેના ઉપર આવતા નિરાશાનાં વાદળોને વિખેરી નાખતી.

બરોબર એકવીસમા દિવસે પહેલી વખત વધેલા રક્તકણો જોઇ એશા અને હેમાંગ ખુશીમાં ઝુમી ઉઠ્યા. રોહિતને પણ તે દિવસે ઘણુ સારુ લાગતું હતું.આશિકે હોર્મોન્સ ઘટાડવા શરુ કર્યા અને રશીયા બધી હીમેટોલોજીકલ સ્લાઇડ્ઝ મોકલી આપી.૨૮મા દિવસે કેન્સર કણોનાં કદો ઘટતા જણાયા અને તે સ્લાઇડ્ઝ ઉપર ઘણું સંશોધન થયુ.

એશા તે દિવસે ખુશ હતી. પ્રભુ આંગણે જઇ ખરા મનથી પ્રભુને પ્રણામ કરી તે બોલી પ્રભુ! તમારા આશિર્વાદો ન હોત તો આ દિવસ જોવાનો નશીબે ન હોત.શિવાનંદજીએ આવીને કહ્યું રોહિતભાઇ તમે જે સદકાર્યો કર્યા હતા તે પુણ્ય ફરી વળ્યા..હવે પથારી છોડી લોક કલ્યાણનાં કામો શરુ કરો.

જેમ જેમ સમાચાર ફેલાતા ગયા તેમ લોક જુવાળ તેમના ઉપર થયેલ પ્રભુ મહેરબાનીને વધાવતા ગયા.

એશાને હવે થાક લાગતો હતો.પણ રોહિત હવે એશાને પળ માટે પણ આંખથી દુર થવા નહોંતો દેતો..એશાએ તેના જીવને ધર્મ અને હકારાત્મક માર્ગે વાળ્યુ હતુ જ્યારે રોહિત તેની સાથેજ એકાકાર થઇ ગયો હતો પહેલા જે જિંદગી માટે એશા ઝંખતી હતી તે જિંદગી તેને મળી ચુકી હતી.. હેમાંગ અને રૂચાને ત્યાં બે અને ધ્રુમિલ અને જાનકીને ત્યાં બે.સંતાનો આવનારા પાંચ વર્ષોમાં થયા.

કહેનારા કહેતા એશાબેન જ સતી સાવિત્રી બની રોહિતભાઇને પાછા લાવ્યા.

રોહિત તો સૌને કહેતો એશાએ કદી માન્યુ જ નહોંતુ કે કેન્સર એટલે કેન્સલ.ને આજે મને જે બોનસ મળ્યુ છે તે તેના દ્ર્ઢ વિશ્વાસને કારણે જ..બરોબર ૧૩ વર્ષે ફરી કેન્સર કણોએ ઉથલો માર્યો. રસી હવે અસરકારક થવાની નથી તેવી ખબર એશા અને રોહિતને હતી.બંને તેમને મળેલી જિંદગીથી સંતુષ્ટ હતા. બીજા ઉથલે સ્વસ્થતાથી વિના અજંપે છુટા પડવાનું હતુ.

એશા-ખુલ્લી કિતાબ(16) રાજુલ શાહ

રિવા પણ જાણતી હતી કે ”જન્મ છે એનું મરણ છે”. એ વાત જેટલી સાહજીકતાથી બોલાય એટલી સ્વીકારી શકાતી નથી.એને જ્યારે જીરવવાની થાય ત્યારે કેટલી વિષમ પરિસ્થિતિ ઉભી થાય એ હવે વારંવાર એશાની વાતમાં ડોકાતું હતું. આમ વિકરાળ અજગર જીવનનો ભરડો લેવા તત્પર હતો એ સૌને સમજાઇ ગયું હતું.

એશા અને રોહીતની આંખો જ્યારે મળતી ત્યારે વણબોલાયેલા શબ્દો પણ એકબીજા સાંભળી-સમજી લેતા.મનમાં ઘણા શબ્દો ઉઠતા ઘણું એકબીજાને કહેવાનું હતું પણ શબ્દો હોઠ સુધી આવી ને ઠેલાઇ જતાહતા.મનના ખૂણે એક વાસ્તવિકતા જડાઇ ગઇ હતી.અને હવે તો ડૉકટરો પણ કહેતા”ઇશ્વર ઇચ્છા બલિયસી”

પણ હવે તો ઇશ્વરની ઇચ્છા પણ સાફ દેખાઇ આવતી હતી. રુચાના લગ્ન પહેલા જાન્યુઆરી-૦૧ નો પ્રસંગ ફરી એકવાર ભજવાયો સૌથી પહેલાં જે રિપોર્ટ આવ્યા પછી સ્વીકારવાની વાતો કરી હતી એ જ રીતે અંત સ્વીકારની ઘડી પાસે આવી રહી છે એ ઉઘાડી કે બંધ આંખે પણ દેખાઇ આવતું.

રુચા-હેમાંગ, ધ્રુમિલ-જાનકીની ઘરમાં હાજરી સતત રહેતી.ધ્રુમિલ બરોડા જાય તો પણ જાનકી અહીં જ રહેતી એશાની પાસે,એશાનીસાથે.

છેલ્લા ત્રણ દિવસ તો રોહીત લગભગ બેભાન અવસ્થામા…

બાકીના પાંચેના મનમાં એક સરખી વિચારો,આંખો ખોલશે કે આંખો બંધ કરશે?

કોણ કોને સમજાવે? અંતે તો બધાએ સાથે જ,બધાએ જાતે જ સમજવાનું હતું.રુચા-હેમાંગ,ધ્રુમિલ-જાનકીની હાજરીથી, એમનો હાથ પકડીને ઉભી ત્યારે એશાને લાગતું કે સહન કરવાની શકિતને મજબૂતાઇ મળે છે.

મન માનતું નહોતું અને છતાંય મન નજરે જે દેખાતું એને ખોટું ઠેરવી શકે તેમ નહોતું.પહેલી વાર તો પુછી લીધું હતુ કે ‘રિપોર્ટ’ તો બરાબર છે ને પણ હવે તો એ પણ હવે તો એ પણ પુછવાની જરુર ન હતી.

એક પછી એક આવતા મોજા પગ જ ભીના કરતા હતા એવું નહોતું. પગ નીચેથી જમીન પણ સરકાવતા જતા હતા.

હવે કશુંજ કરવાનું બાકી રહેતું નહોતું. જ્યારે પહેલી કીમો પછી રોહીત બેભાન અવસ્થામાં સરી ગયાહતા અને હ્રદયમાં પ્રાર્થનાઓએ સ્થાન લીધું હતું,હાથ હેઠા પડયા ત્યારે પ્રાર્થના માટે હાથ જોડાયા હતા એ જ પરિસ્થિતિ ફરી આવી હતી પણ પ્રાર્થનાનું સ્વરુપ બદલાયું હતું.

એશા ખરા હ્રદયથી-ખરા મનથી પ્રભુને પ્રાર્થના કરતી-”હે, પ્રભુ સહાય કરજે-યોગ્ય કરજે.જે થવા બેઠું જ છે તેમાં વધુ સમય યાતના ભોગવવી ના પડે તે જોજે”.

અને એ જ થયું.નજરની સામે ક્યારે જીવન સરકી ગયું તે ખબર પણ ના પડી.જેને ક્યારેય બાંધી શકાય નહીં. તે ”આત્મા” ચાલી ગયો.

ન કોઇ રોકકળ,નાકોઇ શોક-સંતાપ અત્યંત સમજ પૂર્વક એશા એ પોતાની જાતને સંભાળી લીધી.રુચા-ધ્રુમિલ-જાનકીને સંભાળી લીધા.હેમાંગ તો આ આખીય પરિસ્થિતિમાં પરિવાર જનની માફક જ નહિ પણ એક ડૉકટર તરીકે પણ સતત એશાની સાથે જ રહ્યો હતો.

લોકાચારને પણ એશાએ ખાસ મહત્વ આપ્યું નહોતું.સ્વસ્થતાથી પોતાનું મન જે માને એ રીતે રોહીત્ની પાછળ જે કરવા યોગ્ય સમજયું તે કર્યું. અહીં પણ ફરી પાછો રોહિતના પરિવારનો વાંધો વચ્ચે આવ્યો. એશાએ જે કર્યુ તે દેખાયુ પણ એશાએ જે કરવાની ના પાડી તે નજરે ચઢી ..પણ આ વખતે તો એશાનો પોતાનો પરિવાર એની સાથે હતો. ધ્રુમિલ અને રુચા પણ સાથે હતા. એ લોકોએ તો જ્યારથી એશાને ઓળખી હતી -જાણી હતી એમાં ક્યાંય કોઇ બાંધ છોડ નો અવકાશ દેખાતો નહતો.

એશાએ એની કટોકટીના સમયે ક્યારેક મંદીરે જવાનો ક્રમ રાખ્યો હતો. મન એથી ઘણું શાંત રહેતુ હતુ. નાના શહેરની તો મઝા હતી . નાની અમસ્તી ઓળખાણ પણ આત્મીયતામાં બદલાતા વાર ન લાગે તો અહીં એશા અને રોહિતની એક અલગ ઓળખ હતી. દર્દીઓને ક્યારેય માત્ર દર્દી તરિકે ટ્રીટ નહોતા કર્યા પણ સાચા અર્થમાં એમના ફેમિલી ડૉક્ટર બની રહ્યા હતા.એટલે આ શહેરમાં એક સન્માનીય વ્યક્તિ તરિકેનો એમનો મોભો હતો.

માત્ર કમાવાની નેમ પણ ક્યાં રાખી હતી એ બંને જણે ? જરૂર પડે સેવાઓ આપવા તત્પર રહેતા. માનવમંદિરમાં જ્યારે જ્યારે મેડીકલ કેમ્પ થતા ત્યારે ત્યારે એ બંને જણે પોતાની સેવાઓ આપી હતી એટલું જ નહીં પણ પોતાની હોસ્પીટલ પણ આવા કેમ્પ સમયે ખુલ્લી મુકી દીધી હતી.ક્યારેક ડાયબીટીસના કેમ્પ તો ક્યારેક ટોટલ બોડી ચેક-અપ ના ફ્રી કેમ્પના સમયે એશા પેથોલોજીસ્ટ તરિકે પુરેપુરો સમય અને સ્કીલ સેવા માટે આપતી. એટલે મંદિરના સંતો સાથે પણ એક તાદાત્મ્ય જોડાતું ગયું હતું. અહીં માત્ર ઠાલી વાતો નહોતી , મનને સમાધાન થાય એવા તમામ જવાબો હતા.

જે બની ગયું તે દુઃખદ તો હતું જ પણ જીવનમાં જ્યારે જે પરિસ્થિતિ ઉભી થાય તે દરેક આપણા હાથમાં હોતી નથી એવી સમજ પણ એશાને અહીં થી મળતી. ધીમે ધીમે પોઝીટીવ થીંકીંગ ના સહારે વાસ્તવિકતા ઘણી ઝડપથી સ્વીકારાઇ ગઈ હતી. જીવન ગોઠવાતુ ગયું. રુચાને ધ્રુમિલને પણ સામેથી એશાએ રોજના કામે લાગવા સમજાવી લીધા.

મમ્મી, હવે હું બરોડા રહેવાનો જ નથી.આણંદ અને બરોડા ક્યાં દુર છે? અપ-ડાઉન કરવા વાળા કેટલાય લોકો છે એવી રીતે હું પણ અપ- ડાઉન જ કરીશ.અને જાનકી પણ તમારી પાસે હશે તો તમે સાવ એકલા નહીપડી જાવ.”

ધ્રુમિલ એશાને કેમ કરીને એકલી મુકવા તૈયાર જ નહોતો.

હું એકલી છું જ ક્યાં? એશા એને હળવેકથી સમજાવતી. આ આખુ આણંદ મારું જ તો છે. તે જોયું ક્યારે ક્યાં મહેમાનો સચવાઇ ગયા તે ખબરે પડી?

અને એશાની વાત પણ સાચી હતી.લગભગ ૧૩ દિવસ સુધીની મહેમાનોની અવર-જવરને મંદિરના સંતોએ ,ડીવોટીઓ એ સાચવી લીધા હતા એનો ભાર એશા કે એના ઘર સુધી પહોંચવા પણ દીધો નહોતો.

હવે મને કોઇ બાંધશો નહી અને મારાથી બંધાયેલા પ રહેશો નહી.હવે હુ અને પ્રવ્રુત્તિઓ વિસ્તરવા માંગીએ છીએ. તમે મારી સાથે હશો તો તમે મને સાચવ્યા જ કરશો. મારે હવે મારો સમય માત્ર મારા પર કેન્દ્રીત નથી કરવો, અને જરૂર પડે તો તમે અહીં આવો કે હું તમારી પાસે ક્યાં નથી આવી શકતી? “

આમ એશાએ ધ્રુમિલ અને જાનકીને સમજાવી લીધા. રુચા તો બાજુમાં જ રહેતી હતી ને?

એકલી રહેતી એશાનો ખાલીપો ભરાતો ગયો.જીંદગી જીવવા જેવી લાગે છે.એકલા જીવવાનું કદીક અધરું તો લાગે છે પણ કોઇ પ્રવૃતિમાં તે બાધક નથી બનતું.

એકલા આવ્યા છીએ એકલા જવાનું છે.જીવનમંત્ર આજે એશાએ એટલી હદે આત્મસાત કર્યો છે કે એકલી હોવા છતાં ક્યારેય એકલવાયી નથી. એકલતા એને ક્યારે સાલતી નથી.

સંપૂર્ણ.


 


Advertisements

January 11, 2010 at 5:15 am 2 comments


Blog Stats

  • 107,280 hits

rajul54@yahoo.com

Join 959 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2018
M T W T F S S
« Nov    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!