Posts filed under ‘આન્યા મૃણાલ’
આન્યા મૃણાલ પ્રકરણ / ૨૮ રાજુલ કૌશિક
મૃણાલ જે દિવસની ચાતકની જેમ રાહ જોતી હતી એ દિવસની સવારે આન્યા મૃણાલનાં વરલી સી ફેસ પરનાં એપાર્ટમેન્ટમાં હતી.
આટલા વર્ષોથી દાદીમા અને પપ્પા તરફથી મળેલી નફરત છતાં ક્યારેય મા તરફની સુંવાળી સંવેદના સાવ જડ તો નહોતી જ થઈ. આજ સુધી આન્યાને તો એવું જ ઠસાવી દેવામાં આવ્યું હતું કે એની માએ સાવ જ નાનકડી દીકરીને ત્યજી દીધી હતી. સૌથી પહેલાં તો મોમને મળીને પૂછવુ હતું કે “મા એવી કેરિયર તરફ કેવી ઘેલછા હતી કે આજ સુધી પાછુ વળીને દીકરીને યાદ સુદ્ધાં ન કરી?
પણ આ શું?
મૃણાલનાં ઘરમાં પ્રવેશતા જ ઘરની દીવાલો પર આન્યાના જન્મથી માંડીને મૃણાલ જે દિવસ સુધી એ ઘરમાં હતી ત્યાં સુધીનાં પેન્ટિંગ્સ અને ફોટોગ્રાફસ? આન્યા સ્તબ્ધ હતી. મૃણાલના એ નાનકડા બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં ચારેબાજુ આન્યાની યાદોની જ બોલતી તસ્વીરો હતી. જાણે મૃણાલે આન્યાને ક્યાંય છોડી જ નહોતી. મૃણાલના વોર્ડરોબની બાજુમાં બીજો એક વોર્ડરોબ હતો. મૃણાલે જાણે ખજાનો ખોલી દીધો. આન્યાથી છૂટી પડી ત્યારથી માંડીને આજ સુધીની તમામ બર્થડેના મૃણાલે બનાવેલા બર્થ ડે કાર્ડ અને દરેક બર્થડે ગિફ્ટસ હતી.
“મમ્મા….?”
“યસ બેટા, આ બધું જ તારું છે તારા માટે છે. આ જ મારી સાચી સમૃદ્ધિ હતી. મારા જીવવાનું બળ મને ટકાવી રાખનારી શક્તિ તું હતી. ક્યારેક તું મને મળીશ એ આશામાં આટલો સમય હું ખેંચી શકી.”
“મમ્મા….”આન્યાને આનાથી વધુ કંઈ બોલવાનું સૂઝતું જ નહોતું.
“મને બોલી લેવા દે બેટા, આટલા સમયથી હું તારી તસ્વીરો સાથે મૌન સંવાદો રચતી હતી. આજે એ મારા મૌનને વાચા મળી છે. ખોવાયેલા શબ્દો પાછા મળ્યા છે. મને મારી દીકરી મળી છે. તું નાની હતી ત્યારે તને એક વાર્તા હું કહેતી હતી યાદ છે? રાજાનો જીવ એક પોપટમાં હતો. એ રાજા એટલે તારી મમ્મા, એ પોપટ એટલે તું. ક્યારેક તને મળી શકાશે એ આશા, દાદાજી અને નાના-નાની સાથ ન હોત તો કદાચ હું ક્યારની તૂટી ગઈ હોત.
“તો પછી પપ્પા અને દાદીએ જે કહ્યું એ સાચે જ પોકળ વાતો હતી ને? મનઘડત કહાની જ ને?”
આન્યાના મનના સવાલો ઉમટે એ પહેલા જ જાણે મનનું સમાધાન મળી રહ્યુ હતું.
મૃણાલ હજુય જાણે તંદ્રાવસ્થામાં હોય એમ કંઈક બોલે જતી હતી. આટઆટલાં વર્ષોનો વિષાદ, આટઆટલાં વર્ષોનો વિયોગ વાણીમાં નિતરી રહ્યો હતો.
આન્યા મૃણાલની વાતો જાણે આકંઠ પી રહી હતી. મા-દીકરી વચ્ચે આટલાં વર્ષો સુધી ક્યારેય ન જોડાયેલો છતાં, ક્યારેય ન તૂટેલો સ્નેહતાર ગંઠાઈ રહ્યો હતો. વરલી સી ફેસથી વહી આવતી હવાના હળવા ધક્કાથી બાલ્કનીમાં લટકાવેલું વિન્ડચાઇમ રણઝણી ઉઠ્યું. આ મીઠ્ઠા અવાજથી આન્યા સમાધિવસ્થામાંથી બહાર આવી. કેવી અદ્ભુત હતી એ ક્ષણો! ઘણું બધું ગુમાવ્યા પછી પાછું મળી રહ્યાંની સુખદ ક્ષણો હતી.
અચાનક આન્યા મૃણાલના હાથમાંથી પોતાને હાથ સરકાવીને ઊભી થઈ.આન્યાએ કેરવને ફોન જોડ્યો.
“પપ્પા…”
“ક્યાં છું તું આન્યા? કૈરવ કૃદ્ધ અને સંશયભર્યા અવાજે પૂછી રહ્યો હતો. આમ કોઈને કીધા કર્યા વગર તું ક્યાંય કેવી રીતે જઈ જ શકે? તને તારી કોઈ જવાબદારીનું ભાન છે ?”
“પપ્પા,મારે જ્યાં જવાનું હતું ત્યાં હું પહોંચી ગઈ છું. આજે જ મને મારી સાચી જવાબદારીનું ભાન પણ થયું છે. આટલા વર્ષોમાં મેં જે ગુમાવ્યું છે એ આજે મને પાછું મળ્યું છે અને એને હું હવે જરાય એળે જવા દેવા માંગતી નથી.”
“એટલે?”
“એટલે એમ કે આ સત્તર વર્ષોમાં જે મને નહોતું મળ્યું એ આજે મને મળ્યું છે પણ જવા દો પપ્પા એ બધું તમને નહીં સમજાય અને સમજાવાનો અર્થ પણ નથી. ફક્ત એટલું કહેવા ફોન કર્યો છે કે આજથી હું આન્યા શેઠ નહીં આન્યા મૃણાલ બની રહેવા માંગુ છું અને આન્યા મૃણાલ બનીને રહીશ.”
અને કૈરવની સ્તબ્ધતા વચ્ચે એને કશું પણ બોલાવાનો મોકો આપ્યા વગર આન્યાએ ફોન કટ કરી નાખ્યો……
સમાપ્ત….
Recent Comments