• પત્રસાથીઓ,

  દેવિકાબેન,  આજે આ મૌનના મહિમાની વાત કરીને તમે ઘણી બધી બોલકી અભિવ્યક્તિ કરતાંય મૌનને વધુ વજનદાર બનાવી દીધો. તમારી વાત સાથે સંમત થવાનું એટલે મન થાય છે કે ક્યારેક એવું બનતું હોય છે કે શબ્દો કરતાંય શાંતિ વધુ અર્થપૂર્ણ બની જાય. આપણી નજીકની વ્યક્તિનો બોલ્યા વગર માત્ર હાથ પકડીને બેસવાથી પણ આપણા મનની વાત- લાગણીઓ એના મન સુધી પહોંચી જતી હોય છે. મૌન પ્રાર્થનાનો મહાન ચૈતન્ય સાથેનો સંબંધ તો કેવો અદ્ભૂત છે એ તો અનુભવે જ સમજાય. એ અનુભવ પણ મૌન રહીને જ માણવો પડે.  એને વ્યક્ત કરવા જઈએ તો એના માટે શબ્દો પણ ઓછા જ પડે.

  બાળક નાનું હોય ત્યારે એ કઈ ભાષા સમજે છે ? તેમ છતાં મા ગર્ભધારણ કરે ત્યારથી માંડીને એ સમજતું થાય ત્યાં સુધી મા માત્ર સ્પર્શથી પણ બાળકને પોતાના હૂંફનો, હેતનો અનુભવ કરાવી શકે છે ને? બાળકના પણ પોતાના મનનું- વિચારોનું આગવું વિશ્વ હોય છે. ન બોલીને પણ એ પોતાના ગમા-અણગમા દર્શાવી જ શકે છે ને?

  આજે એક વાત યાદ આવે છે. એક દિવસ એક બાળકની મા એને સુવડાવવા સતત પ્રયત્ન કરી રહી હતી. કોણ જાણે કેમ પણ મા પાસે તરત ઊંઘી જતું એ બાળક એ દિવસે સુવાનું નામ નહોતું લેતું.  કારણ ? માને તો નહોતું જ સમજાતું પણ  માના આ સતત આયાસો અને અકળામણ જોયા પછી તેની માએ એટલે કે બાળકની ઓછું ભણેલી પણ વધુ ગણેલી નાનીએ કહ્યું.. “ એ નહીં સુવે કારણકે એને ખબર છે કે એને ઊંઘાડીને તને બહાર જવાની ઉતાવળ છે. જે કામ તું રોજે અત્યંત શાંતિથી અને વ્હાલથી કરે છે એ કામ આજે તું પણ ઉતાવળી થઈને, ખુબ રઘવાટથી કરી રહી છો. તારી ઉતાવળ- તારો રઘવાટ એને પહોંચે છે. ઊંઘાડવા માટે જે શાંતિ-સ્થિરતા તારામાં જોઇએ એ આજે અનુભવતું નથી માટે એ નહીં ઊંઘે.”

  ટકોરો સમજી ગયેલી તેજીએ એના મનમાંથી બહાર જવાનો વિચાર ધકેલી દીધો અને એ પોતે શાંતિથી બાળક સાથે સુઇ ગઈ અને લો….બાળક પણ થોડીવારમાં શાંતિથી પોઢી ગયું. છે ને જરા અચરજ લાગે એવી વાત ? પણ દેવિકાબેન એને હું તમારી વાતના અનુસંધાનમાં જ લઉં તો એક વાત તરત સમજાય કે સ્પર્શમાં પણ કશું કહી જવાની ક્ષમતા હશે જ. સ્પર્શમાં પણ સંવેદના હશે જ એટલે માત્ર શબ્દો જ નહીં મૌનની જેમ સ્પર્શ પણ ઘણું કહી જાય છે ને?

  તમે સંવાદની વાત કરો છો ત્યારે યાદ આવે છે લગભગ સવાસો વર્ષ જૂનો ભારતીય ચિત્રપટનો ઈતિહાસ. લગભગ સવાસો વર્ષથી ફિલ્મો તો બનતી જ હતી પરંતુ સૌથી પહેલું બોલપટ એટલે કે બોલતું મુવી ૧૯૩૧માં બન્યું . ત્યાર પહેલા જે ફિલ્મો રજૂ થઇ એમાં ક્યાં સંવાદો હતા? સંવાદો વગર પણ સફળ ફિલ્મો બનતી જ હતી ને?  એ ઘણી બધી સફળ ફિલ્મોની વાત સાથે આજે એક દંતકથા સમાન નામ મનમાં યાદ આવી જ ગયું. ચાર્લી ચેપ્લીન—આ નામથી કોણ અજાણ હશે? એક પણ સંવાદ વગર માત્ર ચાર્લી ચેપ્લીનની રમૂજી હરકતોથી જે હાસ્ય નિષ્પન્ન થયું એ આજની તારીખે પણ લોકો માણે છે. અને એટલે જ ચિત્રપટના ઈતિહાસમાં ચાર્લી ચેપ્લીનનું નામ આજે પણ અમર છે ને?

  આપણા શબ્દો જ નહીં પણ જો શાંત ચિત્તે બેઠા હોઇએ તો આપણી આસપાસનું વાતાવરણ પણ આપણને કશુંક કહી જતું હોય એવું નથી બનતું? સરરર..વહી જતા પવનના લીધે પાંદડાનો સરસરાટ, ક્યાંક ધીમેથી ચહેકતું પંખી. એને કયા શબ્દોની જરૂર છે?

  આવા આપણી આસપાસના વાતાવરણની વાત કરું છું ત્યારે યાદ આવે છે મને લંડનથી લગભગ ૩૫૦ માઇલના અંતરે આવેલા કોનવોલના લેન્ડસ એન્ડની મુલાકાત. યુ.કે.ની પશ્ચિમ-દક્ષિણની ધરતીનો આ છેવાડો.. હવે અમે ત્યાં પહોંચ્યા ત્યારે વાતાવરણે અચાનક પલટો લીધો. સૂર્યના ઉજાસ પર ધુમ્મસનું ગાઢું આવરણ આવી ગયું. સાગર કિનારે ઊભા છીએ કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાઇ રહયા છીએ એ ભેદ પણ કળવો મુશ્કેલ હતો. સાગરનો ઘુઘવાટ, હવાના સૂસવાટા, ખડકો સાથે અફળાતા મોજાંનો એકધારો અવાજ,પવનની થપાટોના અજબ સંમિશ્રણ વચ્ચે ઊભેલા અમે. એ સમયે એવી અનુભૂતિ થતી હતી કે બસ અહીં આપણે તો કોઇએ કશું કહેવા-સાંભળવાનું છે જ નહીં માત્ર ચૂપચાપ આ પળ માણવાની છે. એક એ સમયે ખમોશીનું ગીત યાદ આવી ગયું ….. સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મહેસુસ કરો….”બીજા દિવસની સવારે ફરી ત્યાં ગયા તો સાવ ખુલ્લા નિરભ્ર આકાશ વચ્ચે લહેરાતો એ આટલાંટિક સાગર, નિલવર્ણા આકાશથી સહેજ વધુ ઘેરા પાણીની વચ્ચેની દીવાદાંડી, ઘોડાઓને ચરવાનું મેદાન, ખડકો સાથે અફળાતા મોજાંનો એકધારો અવાજ. બંને સમયના અલગ વાતાવરણની વચ્ચે રહીને અનુભવેલી એ પળો….

  શું કહો છો પ્રીતિબેન ? તમે તો આવી અનેક અદ્ભૂત જગ્યાની મુલાકાત લીધેલી છે. તમે પણ આવી અનેક ક્ષણને માણી જ હશે ને?

  Rajul Kaushik

  rajul54@yahoo.com