સ્પર્શ- ગરવી ગુજરાત(લંડન)માં પ્રસિદ્ધ જયંત દલવી લિખીત વાર્તાનો ભાવાનુવાદ
May 21, 2023 at 2:10 pm Leave a comment
સાંજના સોનેરી કિરણો પીપળાની ડાળીઓ વચ્ચેથી ચળાઈને ધરતી સુધી માંડ પહોંચતા હતા. પવનની હળવી થપાટથી ગલગલિયાં થતાં હોય એવી રીતે પીપળ-પાન જાણે હસી રહ્યાં હતાં. બખોલના માળામાં પંખીઓ નિરાંતમાં હતાં.
વૃક્ષની નીચે આસમાન તરફ તાકી રહેલા રામારાવ આંસુ જાણે સાચવી રાખવાની જણસ હોય એમ એને રોકવાની મથામણમાં હતો. આમ તો ચાર વર્ષ પહેલાં નાની આશ્રમ ગઈ ત્યારે આંખ ભીની નહોતી થઈ તો આજે નાની ઠીક થઈને પાછી આવે છે ત્યારે કેમ? આજે તો આનંદ થવો જોઈએ ને? નહોતો થતો.
પીપળાની નીચે નાનીનો દીકરો વીનુ, પુત્રવધૂ અનુરાધા, પૌત્ર રંગા સમેત મંડળી છેલ્લા કલાકથી નાનીની રાહ જોઈ રહી હતી.
“રંગા, નાની બોલાવે તો પણ એની પાસે ન જતો.” અનુરાધા દીકરાને વારંવાર સમજાવતી હતી. રામારવને એ ગમ્યું નહીં. જ્યારે ડૉક્ટરોએ પણ નાની સ્વસ્થ છે એવું કહી દીધું પછી હવે શું છે?
અંતે નાનીની બસ આવી અને ચહલપહલ મચી. બસ ફાટક પાસે આવતાં ભૈયારામાનો હાથ પકડીને નાની ઉતરી. ચાર વર્ષ પહેલાં નાની આશ્રમ ગઈ ત્યારે એણે વિચાર્યુંય નહોતું કે. એ પાછી આવશે. ઘરની દરેક ચીજ, ઘરનાં ચોતરા પાસે પીપળાના ઝાડ નીચે ગણેશજીની જૂની મૂર્તિ સુદ્ધાંને અંતિમ વાર સ્પર્શી લીધી હતી. આજે પાછાં આવવાની ખુશીથી નાનીનો ચહેરો આનંદથી ચમકતો હતો.
ગણેશજીની મૂર્તિ પાસે દગડ પરિવારની પરંપરા મુજબ અનુરાધાએ ત્યાં દીવો પ્રગટાવ્યો. મૂર્તિ હતી તો ખંડિત છતાં દીવાના પ્રકાશમાં એની આભા વધી. રામારાવને આજે પહેલી વાર મૂર્તિમાં શક્તિનો આભાસ થયો.
“રંગા, અહીં આવ.” નાનીએ રંગાને બોલાવ્યો, પણ અનુરાધાનો પાલવ છોડીને એ આગળ ન આવ્યો.
“ભૂલી ગયો હશે કદાચ. ચાર વર્ષ થયાં ને, ઓળખી જશે પછી તો કેડો નહીં મૂકે.” અનુએ રંગાને પોતાની પાછળ ધકેલ્યો.
પગથિયાં ચઢવા નાનીએ હાથ લંબાવ્યો. વીનુએ ભૈયારામને આગળ ધકેલ્યો. હાથ પકડીને નાની ઉપર ચઢી.
“મને વિચાર આવતો કે, ગણેશજીની પાસે કોઈ દીવો કરતું હશે કે કેમ?” નાની બોલી.
“તમે જેમ છોડીને ગયાં હતાં, બધું એમ જ ચાલે છે.” રામારાવે જવાબ આપ્યો.
નાનીએ ગણેશજીને પ્રણામ કરીને ચારેકોર નજર કરી. એટલમાં ગૌશાળામાંથી રંભાના ભાંભરવાનો અવાજ સંભળાયો.
“જોયું કેવી ઓળખી લીધી મને?” નાની ખુશ થઈને રામારાવ સાથે ગૌશાળા તરફ ચાલી. ગાયને વહાલથી પંપાળીને ઘરમાં આવી.
“નાની, તમારે હવે કોઈ કામ કરવાનું નથી. તમારે ફક્ત આરામ કરવાનો છે.” અનુ બોલી.
“કોણે વીનુએ કહ્યું?” નાની હસી પડી. આજે એ આનંદમાં હતી.
સાંજે દૂધનું વાસણ લઈને એ ગૌશાળા તરફ જતી હતી ને અનુએ રોકી.
“આ શું કરો છો? વાસણ મૂકી દો. કહ્યું’તું ને કે, તમારે કામ નથી કરવાનું.”
“અરે, પણ કેમ? ત્યાં આશ્રમમાં તો હું રસોઈ બનાવતી હતી.” નાની બોલી
“ત્યાં તો ડૉક્ટર હોય. અહીં કંઈ થયું તો દોડધામ કોણ કરશે?” અનુ અકળાઈ.
“કંઈ નથી થવાનું.” કહીને નાની આગળ વધી.
“એક વાર કહ્યું ને, વાસણ મૂકી દો.” અનુના અવાજમાં કડકાઈ ઉમેરાઈ.
નાનીએ વાસણ મૂકી તો દીધું, પણ જાણે અપમાન થયું હોય એમ દિલમાં એક ટીસ ઊઠી. એ અંદર ચાલી ગઈ, પણ અંદર જઈને રડી પડી. રાત્રે એક નિશ્ચય કર્યો, મારું ઘર છે, સૌએ મારો આદેશ માનવો પડશે. આશ્રમમાં દસ-પંદર જણની રસોઈ બનાવતી હતી તો અહીં મહેનત કેવી?
વહેલી સવારે ઊઠીને લોટ બાંધી રોટલા ઘડવા માંડી. અનુ જાગી ત્યારે ચૂલા પાસે રોટલાની થપ્પી જોઈ.
“કોણે બનાવ્યાં?”
“મેં.” નાનીએ જવાબ આપ્યો.
અનુ સન્ન થઈ ગઈ. નાની એની ચિંતા કર્યા વગર સફાઈમાં લાગી ગઈ.
ઘરના પુરુષોએ જમી લીધું પછી અનુ અને નાની જમવાં બેઠાં.
“બધાંએ રોટલા ખાધા, કોઈ કંઈ બોલ્યું? “ નાનીએ અનુને સવાલ કર્યો.
“હા, સરસ બન્યા છે એવું એમણે અને બાપુજીએ કહ્યું.”
નાનીના ચહેરા પર રોનક છવાઈ. અનુ બોલ્યા વગર ખાતી રહી, પણ એની નજર નાનીના ચહેરા પર, આંગળીઓ પર ફરતી રહી. નાના નખ, ટેઢીમેઢી આંગળીઓ, ચહેરા પર સફેદ ડાઘના ઉઝરડા દેખાયા.
જમીને નાની અંદર ગઈ તો વીનુને જોયો.
“કેવા લાગ્યા મારા હાથના રોટલા?”
“સારા લાગ્યા.” વીનુ બોલ્યો.
નાની ખુશ થઈને વરંડામાં જ્યાં રામારામ ટહેલતો હતો ત્યાં પહોંચી. ફરી એ જ સવાલ.
“કેવા લાગ્યા આજના રોટલા?”
રામારાવ જવાબ આપે એ પહેલાં એનું ધ્યાન વીનુ પર ગયું અને એ સહેમી ગયો. હવે નાનીને દાળમાં કઈંક કાળું નજરે આવવા માંડ્યું. અંદર જઈને ઉંઘવાનો પ્રયાસ કર્યો, પણ એ રડી પડી.
સાંજે દૂધનું વાસણ શોધવા માંડી. સાફ કરવાના વાસણોની સાથે દૂધનું વાસણ, લોટનો ખાલી ડબ્બો જોયો. એને નવાઈ લાગી કારણકે, સવારે તો લોટનો ડબ્બો ભરેલો હતો તો અત્યારે અહીં કેમ?
વિચાર આવ્યો, પણ પછી દૂધનું વાસણ લઈને ગૌશાળા તરફ ગઈ. ગાય પાસે એણે બનાવેલા રોટલા નજરે પડ્યા. નાની એ જ સમયે ત્યાંથી ચાલી આવી.
રાત્રે પગરવથી એ જાગી. રામારાવ દીવો પ્રગટાવતો હતો. નાનીનો લંબાવેલો હાથ જોઈને એણે ઝટપટ પોતાની પથારી દૂર કરી દીધી. આટલો સ્પર્શ પણ નહીં? નાનીનાં ગળામાંથી ડૂસકું નીકળી ગયું અને એ ક્યાંય સુધી રડતી રહી. બીજી રાત્રે થોડાં અંતરે બે પથારીઓ નજરે આવી.
“તો કાલે પણ આમ જ હતું?” એણે રામારાવની પથારી તરફ નજર કરી.
સવારે રામારાવ જાગ્યો ત્યારે જોયું કે, નાની તો એનાથી પહેલાં જાગી ગઈ હતી, પણ હતી ક્યાં?
વીનુ…..” રામારાવે બૂમ મારી. વીનુ દોડતો આવ્યો. બધા રૂમ ફરી વળ્યો. નાની નહોતી. બહાર આવ્યો તો પીપળાની નીચે ગણેશજીની મૂર્તિ પાસે દીવો પ્રગટેલો જોયો. ગણેશજીના મસ્તક પર ચંદનનો ટીકો હતો, સૂંઢ પર જસવંતીના ફૂલો હતાં.
ક્યાં ગઈ હશે? ચારેકોર તપાસ કરી. સમાચાર મળ્યા કે, કોઈએ નાનીને અમરાવતી જતી બસમાં ચઢતી જોઈ હતી.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.
Trackback this post | Subscribe to the comments via RSS Feed