છિન્ન- પ્રકરણ ૧૧-ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા
May 21, 2023 at 1:58 pm Leave a comment
બીજા દિવસની સવારે એકદમ નોર્મલ રીતે શ્રેયાએ સંદિપને બોલાવવાનો પ્રયત્ન કર્યો.
“આજે તો તું આખી રાત જાગ્યો, શું કરતો હતો?
“કામ.” એકાક્ષરી જવાબ.
“એ તો મને ખબર છે તું કામ કરતો હતો પણ, શું કામ કર્યુ એ……”
“કેમ, તેં જ તો કહ્યું છે કે, આ વખતે પહેલેથી તકેદારી રાખજે જેથી પાછળથી ટેન્શન,દોડાદોડી કે ઉજાગરા ના થાય.” શ્રેયાની વાત પૂરી થાય એ પહેલાં જ સંદિપે મરડમાં જવાબ આપી દીધો.
ઓહ! શ્રેયા આંચકો ખાઈ ગઈ. તો વાત આમ છે.
“સંદિપ, આ જ વાત જો તું સારી અને સાચી રીતે લઈ શક્યો હોત તો મને વધુ ગમત.”
“જવાબ નથી શ્રેયા તારો. કામ કરુ છું એટલું બસ નથી, તું કહે એમ કરવાનું અને વળી તું કહે એ જ રીતે પણ કરવાનું?”
શ્રેયા પાસે આનો કોઈ જવાબ નહોતો. એક હઠ પર આવીને ઊભો હતો એ. કોણ કહે છે કે બાળહઠ, રાજહઠ, ઋષિહઠ અને સ્ત્રીહઠને ના પહોંચી શકાય? એથી વધુ દુર્ગમ તો પુરૂષહઠ-પતિહઠને પહોંચી વળવાનું લાગતું હતું. જો કે રાજ કહો કે ઋષિ મૂળ તો પુરૂષ જ ને? સંદિપમાં એક સાદી સીધી વાતને સ્વીકારવા જેટલી પણ મનની મોકળાશ નહોતી.
સંદિપ ખરેખર હવે તો હઠ પર જ આવીને ઉભો હતો. આખો દિવસ કામમાં રચ્યોપચ્યો રહેવા મથતો. શ્રેયાના સવાલો પર એકાક્ષરી જવાબ આપવા સિવાય બીજી દરેક વાતને પણ ટાળતો. કામના ઓઠા નીચે સૌને મળવાનુ પણ ટાળતો. ઘરથી ઑફિસ,ઑફિસથી સાઇટ સિવાય ક્યાંય જવાનું પણ બંધ કરી દીધુ. શ્રેયા મનથી સોરાયા કરતી. હંમેશા સાથ આપ્યો એ ગમ્યું પણ સૂચન ના સ્વીકારી શકાયું.
બધાંને લાગતું કે આ નવા થ્રી સ્ટાર હોટલના કામને લઈને એ ખૂબ વ્યસ્ત થઈ ગયો છે. આમ જોવા જાવ તો વાત સાચી પણ હતી. એ હોટલના પ્રોજેક્ટ્ને લઈને જે પ્રેસ્ટિજ ઇસ્યૂ હતો એ હવે પર્સનલ ઇસ્યૂ બની રહ્યો હતો.
બંને વચ્ચે સંવાદ ઓછા થતા જતા હતા ને અંતર વધતું જતું હતું. શ્રેયા પતિ પામવાની મથામણમાં એક સારો મિત્ર ગુમાવી રહી હતી અને સંદિપ જાતને સાબિત કરવાની મથામણમાં પત્ની ગુમાવી રહ્યો હતો.
સંદિપ ખૂબ કામ કરતો, દિવસ રાત જાણે એક કરી દેવા હોય તેમ સળંગ રચ્યોપચ્યો રહેતો. શ્રેયા ઉદાસ મને એને જોયા કરતી. સમજણ નહોતી પડતી શું કરે? કંઈ કહેવા જાય તો સંદિપ હરીફરીને એક જ જવાબ આપતો,
”શ્રેયા હંમેશા તું જ તો ઇચ્છતી હોય છે ને કે, હું બસ આમ એકદમ ચોક્કસ, એકદમ વ્યવસ્થિત બનુ અને હવે હું એમ તો કરી રહ્યો છું પછી તો તને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈને?”
શ્રેયા કેમ કરીને સમજાવે કે, એની વાત સ્વીકારવાની આ રીત નહોતી. આ કોઈ ખરા મનથી કે સાચા હ્રદયથી સ્વીકારેલી વાત નહોતી. બસ, શ્રેયાની એક વાત લઈને એની પર કરવામાં આવતો કઠુરાઘાત હતો. સંદિપનો અહમ છંછેડાયો હતો. શ્રેયાને એ કંઈ પણ કહી શકે, કોઈ પણ સૂચન કરી શકે પણ શ્રેયા એમ કેમ કરી શકે? શ્રેયાનું મન મૂરઝાતું જતું હતું તો સંદિપ પણ કંઈ અંદરથી રાજી થઈને આ બધું નહોતો જ કરતો ને? ઉદ્વેગનો ભાર બંને વચ્ચે વધતો જ ગયો. હોટલનાં ઇન્ટિરિઅરનું કામ આગળ વધતું ગયું એમ બંને એકમેકની સાથે રહેવામાં પાછાં પડતાં ગયાં.
આગ હોય ત્યાં ધુમાડો તો થવાનો જ. બંને વચ્ચેના તનાવનો ભાર ઘર પર લદાતો જતો હતો. નયનભાઈ અને વિભાબહેનને થોડો અણસાર તો આવી જ ગયો હતો તેમ છતાં મન આ સ્વીકારવા તૈયાર નહોતું. વિભાબહેન અને નયનભાઈએ સંદિપ સાથે વાત કરી જોવા પ્રયત્ન કરી જોયો પણ, કામના ઓઠા હેઠળ એ એમનાથી દૂર રહેવા જ પ્રયત્ન કરતો જેથી કોઈ જવાબ આપવામાંથી એ બાકાત રહે. રહી વાત શ્રેયાની તો, વિભાબહેને એને પાસે બેસાડીને જાણવા પ્રયત્ન કરી જોયો અને એમાંથી આખી વાતનો સાર પામી જ ગયાં.
હવે શું ? કોઈ ઝગડો નહોતો કે એની સુલેહ કરી શકાય. બેમાંથી કોઈ બાળક નહોતાં કે એમને સમજાવી, મનાવી કે પટાવી શકાય. શ્રેયાને જે રીતે એ ઓળખતા હતાં એ રીતે એક વાતની ખાતરી હતી કે વાત હજુ એના ઘર સુધી તો નહીં જ પહોંચી હોય.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Trackback this post | Subscribe to the comments via RSS Feed