-મા-ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ.
મા.
સમગ્ર સંસારનો સાર એક શબ્દમાં સમાઈ જાય એ છે, ‘મા’
‘મા’નાં કેટલાં સ્વરૂપ!
સૌ પ્રથમ શક્તિરૂપા જગતજનની મા…જેમના પ્રત્યે મારી મા અને પપ્પાને અપાર આસ્થા હતી. પ્રથમ પ્રણામ આજે એ પરમશક્તિને.
મારી મમ્મી… એનાં માટે તો પાનાંઓમાંય ન સમાય એટલું કહેવું છે, પણ એનાં માટે બે શબ્દ..
સ્વયંસિદ્ધા અને શતરૂપા.
મમ્મી અગિયાર વર્ષની હતી ત્યારે ન કળાય એવી બીમારીને લીધે એની મા અવસાન પામી. એ સમયે એટલી સુવિધા નહોતી કે, ફોન કરીને તાત્કાલિક ડૉક્ટરને બોલાવી શકાય. એ રાત્રે મારી મમ્મીએ ડૉક્ટર બનવાનો નિશ્ચય કર્યો. અનેક વિટંબણા, અનેકાધિક સમસ્યાઓની સામે ટકીને અગિયાર વર્ષેની ઉંમરે સ્વયંને આપેલું વચન નિભાવ્યું. માટે એ સ્વંયંસિદ્ધા.
મમ્મીએ નાનપણમાં એની માને ખોઈ હતી. મા વગર મોટાં થવું કેટલું અઘરૂં છે એવું જ્યારે એને પૂછ્યું છે ત્યારે એની આંખમાં ઉદાસી જોઈ છે. એ એનાં જીવનની સૌથી મોટી ખોટ હતી, જેનાં લીધે લાગણીથી છલોછલ હોવા છતાં હૃદયના કોઈ ખૂણે સાવ સૂની હતી…મા વગર અનેકવાર, અનેક વાતે એણે ખોટ અનુભવી હશે, એણે ક્યારેય કોઈ ખોટનો અનુભવ અમને થવા નથી દીધો.
મા હતી સાથે એ ડૉક્ટર હતી. પરિવાર, સંસાર અને સમાજને પ્રત્યેક સ્વરૂપે સંપૂર્ણ સમર્પિત થઈને એણે કર્તવ્યનિષ્ઠતા નિભાવી છે. એટલે એને શતરૂપા જ કહીશ. Love you Maa.
બીજી એક મા… અમારી શારદાબા.
એક એવી યશોદા જેણે અતિ મમતાથી અમને મોટાં કર્યાં. દ્વાપર યુગથી માંડીને આજ સુધી શ્રી કૃષ્ણનાં નામ સાથે એક નામ જોડાયેલું છે- યશોદા. યશોદા ત્યારે હતી અને વર્તમાન યુગમાં પણ છે…
આમ તો શારદાબા, એ નહોતી અમારી નાની કે નહોતી દાદી, પણ નાની અને દાદીની જેમ એણે સ્નેહ આપ્યો.
મારી મમ્મીની સાથે સાથે, મમ્મીની જેમ આંગળી પકડીને અમને ચાલતાં શીખવ્યું. જીવનની રીત શીખવી. આજે મધર્સ ડે પર એ યશોદા, અમારી શારદાબાને પ્રણામ.
ત્રીજી મા….મારાં મમ્મીજી.
એક નાજુક છોડને એનાં મૂળસોતો ઉખાડીને અલગ વાતાવરણમાં રોપીએ તો શક્ય છે કદાચ એ કરમાઈ જાય. એમ એક ઘરમાં ઉછરેલી છોકરી પરણીને બીજા ઘેર જાય ત્યાં રીતરિવાજ,પરંપરા, વ્યહવાર અલગ હોય ત્યારે, “ભલે તું તારાં મૂળથી દૂર જુદા કુળમાં આવી. તને એ ધરતી નહીં મળે, પણ અમારા પ્રેમનું ખાતર તને અહીં મૂરઝાવાં નહીં દે.” આવા શબ્દોની આળપંપાળ વગર મમ્મીજીએ પ્રેમથી સાચવી લીધી. એમના માટે ‘મમ્મી’ સિવાય બીજો કોઈ ભાવ કે શબ્દ મનમાં આવ્યો નથી.
આજે મમ્મીજીને પણ પ્રણામ.
રાજુલ કૌશિક
Entry filed under: પ્રકીર્ણ, મારું ભાવજગત, Rajul.
Recent Comments