છિન્ન-પ્રકરણ ૧૦ ( ન્યૂઝ ઓફ ગંધીનગર-જન ફરિયાદમાં પ્રસિદ્ધ) લઘુ નવલકથા
“શ્રેયા, વ્હેર આર યુ? આર યુ ઓકે? આ મોબાઇલ પકડીને કેમ ક્યારની બેસી રહી છું? એની પ્રોબ્લેમ?”
મિસિસ દીવાને આવીને શ્રેયાને આમ ક્યારની એકદમ સ્થિતપ્રજ્ઞ બેઠેલી જોઈને સવાલ કર્યો. ડૉ. દીવાનને પૂરતો ટાઇમ મળતો નહોતો એટલે મિસિસ દીવાન કામ જોવા આવી જતાં. રોજબરોજના નાનામોટા ફેરફાર કે સંમતિ પ્રમાણે શ્રેયા આગળ કામ વધારતી. લગભગ તો એક વાર ડિઝાઇન નક્કી થયા બાદ ખાસ કોઈ ફેરફાર કરવાના રહેતા જ નહીં તેમ છતાં મિસિસ દીવાન દિવસમાં એક વાર અહીં આવતા તો ખરા જ.
શ્રેયાએ ઝબકીને પોતાની જાતને સંભાળી લીધી પણ ફરી સમય મળતા સંદિપને મોબાઇલ જોડ્યા વગર ના રહી શકી. ફરી એનો એ જ ટ્યૂન વાગતી રહી.
જબ કોઈ બાત બિગડ જાયે , જબ કોઈ મુશ્કિલ પડ જાયે
તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ……….
શ્રેયાએ થાકીને ઑફિસે ફોન જોડ્યો.
“કેમ કંઈ કામ હતુ?”
થોડી રિંગ વાગ્યા પછી સંદિપે ફોન તો લીધો પણ એકદમ સપાટ અવાજે બોલ્યો.
“મોબાઇલ પર ક્યારની રિંગ મારું છું.”
“મોબાઇલ ઘેર રહી ગયો છે.”
વળી પાછો એ જ કોઈ ચઢાવ-ઉતાર વગરનો સંદિપનો અવાજ સાંભળીને શ્રેયાને હવે તો ખરેખર વાત વણસી જ ગઈ હોય એમ હૃદય પર બોજ લાગવા માંડ્યો. આગળ શું બોલવું એનીય સૂધબૂધ જતી રહી અને સાવ દિગ્મૂઢ થઈને ઊભી રહી.
અને સંદિપે ફોન કટ કરી દીધો. સંદિપ ગઈકાલની વાતને લઈને અતિશય ગુસ્સે હતો. શ્રેયાએ એને જે ટકોર કરી એ એનાથી સહન થયુ નહોતુ. શ્રેયાને કંઈ પણ કહેવાનો એનો અબાધિત અધિકાર તો એણે વણમાગ્યો પહેલેથી જ લઈ લીધો હતો પણ શ્રેયાએ એને શા માટે કઈ કહેવું જોઈએ, તે પણ એક નવી વાત શરૂ થતી હોય ત્યારે?
સંદિપને ક્યારેય એવું જરૂરી લાગ્યુ જ નહોતું કે આગલી ભૂલો યાદ રાખવાથી ફરી એની એ ભૂલો કરવાથી બચી જવાય. શ્રેયા હંમેશા માનતી કે પહેલા જે કંઈ ખોટું થયું હોય એ ધ્યાન પર રાખી નવેસરથી એક વધુ સારી શરૂઆત કરવી જોઈએ.
સાંજે ઘરે આવીને પણ ખાસ કોઈ વાતમાં રસ લીધા વગર ચુપચાપ જમીને એ સ્ટડી પ્લસ પર્સનલ લાઇબ્રેરી કહો કે, ઘરની ઑફિસ કહો એમાં જઈને કામે લાગ્યો. પરવારીને શ્રેયા એની પાછળ ત્યાં પહોંચી તોય એની કોઈ નોંધ લીધા વગર એ એમ જ કામ કરતો રહ્યો.
“સંદિપ, આઇ એમ રિયલી સોરી.”
શ્રેયા જાણતી હતી કે, આગલા દિવસે એનાથી જે જીભ કચરાઈ ગઈ હતી એનો જ આ ગુસ્સો હતો એટલે શ્રેયાએ ખરા દિલથી સોરી કહ્યુ. સંદિપે કોઈ જવાબ આપવાની વાત તો બાજુમાં એની સામે જોવાનું પણ ટાળ્યુ.
“સંદિપ, પ્લીઝ હવે તો બસ કર. તું હંમેશા કહે છે કે બને તેટલી વાતનો જલદી ઉકેલ લાવવાનો અને હવે તું જ વાત વધારે છે? ક્યાં સુધી આમ બોલ્યા વગર ચાલશે?”
“શું બોલુ? બોલવાનું તો તારે જ છે મારે તો બસ સાંભળવાનુ જ હોય છે ને? જ્યારે જે મન થાય તે બોલી લેવાનુ બસ, સામા માણસનો તો વિચાર જ નહીં કરવાનો.”
“સંદિપ, એવું તો મેં શું કહી નાખ્યું કે આમ આડું બોલે છે અને કીધું હોય તો એ તારા સારા માટે હતું ને? તને ખબર જ છે કે દર વખતે પહેલેથી પ્લાન ન કરવાથી કે, પ્લાન પ્રમાણે પહેલેથી કામ ન કરવામાં કેટલી વીસે સો થાય છે તેમ છતાં ક્યારેય તને મારી વાત સાચી કે બરાબર હોય એવુ લાગ્યુ છે?”
“બરાબર છે. તારી બધી વાત મારે સાચી અને બરાબર છે એમ જ કહેવાનુ હોય છે ને?”
“ના, કહેવા ખાતર કહેવાનુ હું નથી કહેતી. તને ખરેખર સાચી લાગતી હોય તો જ કહેજે.”
“સારુ, હવેથી એમ કરીશ બસ.”
“સંદિપ, ધીસ ઇસ નોટ ધ વે ટુ ટોક ઓકે?”
“કેમ તેં તો કહ્યુ ને કે વાત ક્યાં સુધી લંબાવવાની, એટલે હવે હું પતાવવાની વાત કરુ છું, ધેટ્સ ઓલ.”
શ્રેયા ઘીસ ખાઈ ગઈ. વાત જો સમજણપૂર્વક લેવાની હોય અને સ્વીકારવાની હોય તો બરાબર છે બાકી આમ પરાણે કહેવા ખાતર કહેવાથી વાત પતી નહોતી જતી. અત્યારે સંદિપનો મૂડ અને જીદ જોતા આગળ ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ પણ રહેતો નહોતો અને ચર્ચા કરે તો પણ કયા મુદ્દા પર? એની વાત ક્યારેય સંદિપને,એના માનસને, એના સ્વભાવને અનુકૂળ આવે એવુ બન્યું નહોતું, બનવાની કોઈ શક્યતા દેખાતી નહોતી તો પછી એણે શું કરવાનું? આમ જ દર વખતની જેમ હથિયાર હેઠાં જ નાખી દેવાનાં?
કાયમ એમ જ બનતું, ક્યાંતો સંદિપ કહે એ એણે સ્વીકારી લેવાનું અથવા તો સંદિપ વાત જ છોડીને ઊભો થઈ જતો. લગભગ તો ચર્ચાને કોઈ અવકાશ રહેતો જ નહીં અને ચર્ચા કરવા જાય તો તે સંદિપને માફક આવે એવી વાત હોય તો જ વાત આગળ વધતી નહીં તો એ એકદમ અકળાઈ જતો અને એ એમ જ કહીને ઊભો રહી જતો કે ,શ્રેયા ક્યારે તને મારી વાત સાચી લાગે છે કે આજે લાગવાની છે?
શ્રેયાને કાયમ એક વાતનુ દુઃખ રહેતું. જો એ સંદિપની વાતમાં હાજી પુરાવે તો જ બધું સમેસુતર ચાલતું, ક્યારેય જો સંદિપથી વિરૂદ્ધ એનો ઓપિનિયન હોય તો સંદિપને એમ જ લાગતું કે શ્રેયા ક્યારેય એની કોઈ વાતમાં હા નથી પાડતી. સો સંમતિ નહોતી દેખાતી પણ સામે એકાદ નકારો કે અલગ મત હોય તો એ જ તરત ધ્યાન પર આવી રહેતો.
લગભગ એવું જ બનતુ કે સંદિપે એમ જ કઈ નક્કી લીધુ હોય અને શ્રેયાની સંમતિની જ એને અપેક્ષા રહેતી. કોઈવાર શ્રેયાની એમાં મરજી ન પણ ભળે તો એને અકળામણ થઈ આવતી.
ક્યારેક અનાયાસે એવું બનતું કે કોઈ વાતે ચર્ચા કે ચણભણ થઈ હોય અને એ વાત જો આગળ ન વધી હોય તો દોષનો ટોપલો શ્રેયાના માથે જ આવતો. અને જ્યારે જ્યારે જે કામ સફળતાપૂર્વક પાર પડ્યુ તો જેની ક્રેડિટ તો સંદિપની જ.
આજે તો હવે વાત આગળ વધારવાનો કે મોકળા મને ચર્ચા કરવાનો કોઈ અવકાશ રહ્યો જ નહીં ત્યારે શ્રેયાએ સંદિપની નજર સામેથી ખસી જ જવાનુ મુનાસીબ માનીને બેડરૂમમાં જવાનું ઉચિત માન્યું.
એ આખી રાત શ્રેયા ઉંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી રહી અને સંદિપ ઓફિસમાં કામ કરતો રહ્યો.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments