નિકી- નમસ્કાર ગુજરાત (ઓસ્ટ્રેલિયા)માં પ્રસિદ્ધ વાર્તા

May 5, 2023 at 2:27 pm

“નિકી, કયા શબ્દોમાં અમે તારો આભાર માનીએ? વી હેવ નો વર્ડસ ટુ સે થેન્ક્સ” વોશિંગ્ટન અને વડોદરા વચ્ચે વ્હોટ્સેપ લાઇન ઉષ્મા અને આંસુથી ભીની થતી જતી હતી.

એક છેડે હતી નિકીતા અને બીજા છેડે સ્પીકર પર હતા નિમિષ અને માધવી. નિમિષ અને નિકીતા જોડિયાં પણ તેમનો સંબંધ ભાઈબહેન કરતાં મિત્રો જેવો વધુ હતો. એમાં માધવીનાં નિકીતા પ્રત્યેનાં મૈત્રીપૂર્ણ વ્યહવાર અને સમજણે એને વધુ ગાઢ બનાવ્યો હતો.

આ આભારનો સિલસિલો હજુ ય થોડો લંબાયો હોત પણ, પપ્પાને આવતા જોઈને નિકીએ ભાઈ-ભાભી સાથેની વાત ઝડપથી આટોપી લીધી. રખેને પપ્પા વાતના સૂર પરથી મર્મ જાણી લે તો એનું કર્યુ કારવ્યું, એણે ઉગામેલું લાગણીનું શસ્ત્ર વિફળ જાય.

છેલ્લા ચાલીસ વર્ષથી રાજેશ અને સુધીરની જડબેસલાક દોસ્તી. રાજેશ-રૂપાને એક દીકરો કેવલ. સુધીર- નયનાને બે સંતાનો, નિકીતા અને નિમિષ. નાનપણથી સાથે રહીને કેવલ, નિકિતા-નિમિષની ત્રિપુટી મોટી થતી ગઈ. સમય જતા એકબીજાને પસંદ કરતા નિકિતા અને કેવલના પ્રણય અને પરિણયના લીધે આ બંને પરિવારોનો સંબંધ વધુ ગાઢો બન્યો.

રાજેશ-રૂપા,  કેવલ અને નિકિતાનું નાનુ કુટુંબ સુખી કુટુંબ. કેવલે રાજેશનો બિઝનેસ સંભાળી લીધો અને નિમિષ ફાર્મસીમાં એમ.એસ. કરીને અમેરિકન કંપની સાથે જોડાઈ ગયો. સમય આવ્યે મમ્મી-પપ્પાની પસંદ માધવી સાથે પરણ્યો. માધવી સરસ છોકરી હતી. અમેરિકા જતાં સુધીમાં જેટલો સમય મળ્યો એટલા સમયમાં તો એ સૌની નજીક આવી ગઈ. એને સૌથી વધુ ફાવી ગયું નિકિતા જોડે.

“ભાભી, મને નિકિતાની પાછળ લાગેલું એ ભારેખમ બહેનનું વળગણ ના જોઈએ. બહેન શબ્દ સારો છે પણ મને તો માત્ર નિકિતા કે નિકિ કહીને બોલાવશો તો વધારે ગમશે.”

“અને મને ભાભી કહીને મોટાભા કરવાની જરાય જરૂર નથી, મને માધવી કહીને બોલાવવામાં આવશે તો જ મને ફાવશે.” માધવીએ પણ હક જમાવી દીધો. જોતજોતામાં તો નિકિ અને માધવી નણંદ-ભાભી મટીને સખી બની ગયાં.

અમેરિકા સ્થાયી થયાં પછી છેલ્લાં પાંચ વર્ષથી ચૂક્યાં વગર નિમિષ અને માધવી વડોદરા આવતાં. રાજેશ-રૂપાની સાથે સુધીર-નયના અને નિકિ-કેવલ પણ નિમિષ માધવીનો સુખી સંસાર જોઈ અને એમની હુંફાળી મહેમાનગતિ માણી ગયાં.

સરસ મઝાનો સમય વહેતો હતો. પણ આ સમયને પણ ક્યાં એક સરખું વહેવું ગમતું હોય છે? સાવ જ અલ્પ સમયની માંદગીમાં નિમિષ અને માધવી આવી પહોંચે તે પહેલાં નયનાનું અવસાન થયું. હસતારમતા પરિવાર પર કાળે કેર વર્તાવ્યો. પપ્પા અમેરિકા સાથે આવે એવી નિમિષની ઇચ્છા છતાં પપ્પા એની સાથે જવા તૈયાર થતા નહોતા.

છેવટે રાજેશભાઈએ. નિમિષને સમજાવ્યો

“સમય જવા દે નિમિષ, તને લાગે છે કે, આ નિર્ણય લેવો એટલો અઘરો નથી તો સાથે સુધીર માટે એકદમ આ નિર્ણય લેવો સહેલો પણ નથી. તું નિશ્ચિંતતાથી પાછો વળ. સુધીરને કળ વળવા દે વળી એ સાવ એકલો ક્યાં છે? અમે છીએ, બધું થાળે પડે ત્યાં સુધી નિકિ અને કેવલ થોડા દિવસ સુધીર પાસે રહેશે.

નિકિતા પપ્પા પાસે રહી. નિમિષ-માધવી ચિંતા અને ભાર સાથે પાછા ફર્યા. સૌ જાણતાં હતાં કે, આ કાયમી ઉકેલ નહોતો. નિકિ પણ કેટલું રહી શકે? રોજ સાંજ પડેને રાજેશ તો ક્યારેક રાજેશ-રૂપા સુધીર પાસે આવીને બેસતા. સમય આગળ વધતો હતો પણ કોઈ ઉકેલ આવતો નહોતો. રાજેશે સુધીરને સમજાવવાની એક પણ કસર છોડી નહોતી. એ જોઈ રહ્યો હતો કે, સુધીર એકલો સાવ એકલો, એકાકી બની ગયો છે. નિકી-કેવલની હાજરી હોવા છતાં પણ આ ઘર હવે તો એને ખાવા ધાતુ હતું.

સુધીર મનથી સમજતો હતો કે આ ક્યાં સુધી, કેટલો સમય? ઓફિસે જવાનું એણે ચાલુ કરી દીધું હતું. નિકીની હાજરીનાં લીધે ઘર સાવ સૂમસામ માળા જેવું નહોતું લાગતું, છતાં મન અંદરથી ખાલી રહેતું. પોતાના માટે નિકીને અહીં રોકી રાખવી યોગ્ય નથી એમ સતત લાગ્યા કરતું હતું. આજ સુધીની રાજેશની મૈત્રી કહો કે એની લાગણી વ્યહવારિકતાને અતિક્રમી જતી હોય એવું સતત એને લાગ્યા કરતું. એને કોઈ રસ્તો દેખાતો નહોતો. હા, એક રસ્તો રાજેશને દેખાતો હતો.

એ રસ્તે એણે સુધીરને સમજાવવાના પ્રયત્નો આદર્યા.“ યાર, તું અને હું વેવાઈ બન્યા એ પહેલા મિત્ર હતા. એ મૈત્રીના દાવે હું તને કંઈ પણ કહું તો તું માને  કે નહી? નિકી અને કેવલ આમ વહેંચાયેલા રહે એના કરતાં તું અમારી સાથે આવીને રહીશ તો બધુ થાળે પડી જશે. હવે કેવલે ઑફિસ સંભાળી લીધી છે. મારા માથે કામનું ભારણ રહ્યું નથી તો મને કંપની મળશે. આપણા બંનેનો સમય સરસ રીતે પસાર થઈ જશે. ત્યાં બેઠા નિમિષ અને માધવીને પણ તારી ચિંતા થોડી હળવી થશે.”

રાજેશની વાતો સામે સુધીરની એક માત્ર દલીલ હતી “ આ દુનિયામાં મારા સિવાય કોઈ એકલુ પડ્યુ જ નથી? સાથે રહેનારા સાથે જ વિદાય લે એવા સુખી જીવ આજ સુધી તો જોયા નથી. બધાં પોતપોતાના રસ્તા કરતા જ હશે ને?”

“રસ્તા તો છે જ ને? નિમિષ-માધવીનો આગ્રહ છે કે, તું એમની સાથે રહે. મને ખબર છે કે, ત્યાં તને ગોઠશે નહીં મેં કહ્યું એ દિશામાં તું કેમ વિચારતો નથી? એકવાર થોડા દિવસ માટે પણ તને અનુકૂળ આવે છે કે નહીં એ આવીને જો. જો, દોસ્ત એક વાત કહું? રાહ એમની જોવાની હોય જે તમારાથી કોઈ વળાંક પર અલગ થયા હોય, પણ જે તમને રસ્તે ચાલતા જ છોડીને ગયા છે એની પાછળ મીટ માંડીને બેસી રહેવાનો શો અર્થ? હું જાણું છું નયનાભાભીનું આમ અચાનક ચાલ્યા જવું સૌને વસમુ લાગ્યુ છે તો તને કેવું કપરું લાગતું હશે!  દિલાસો આપવો કે સલાહ આપવી સહેલી છે. નિર્ણય લેવો કપરો છે, પણ શું કરું તારા માટે જીવ ખેંચાય છે ને એટલે બોલ્યા વગર પણ રહી નથી શકતો.”

દિવસો પસાર થતા ગયા. સુધીરે નિકીને આગ્રહપૂર્વક એનાં ઘેર પાછી જવા સમજાવી લીધી. નિકીએ એક શરતે ઘેર પાછા જવાનું મંજૂર રાખ્યુ..  “પપ્પા રોજ સાંજ પડે તમે મારા ઘેર આવશો અને જમશો તો જ હું પાછી મારા ઘેર જઈશ નહીંતર તો મારા અડીંગા અહીં કાયમ માટે ખોડી દઈશ.”

સુધીરને એ શરત મંજૂર રાખવી પડી. આમ તો રાજેશના ઘેર જવાની ક્યાં નવાઈ હતી? આ હંગામી વ્યવસ્થા એને સ્વીકારવી પડી. જો કે આજ સુધી અહીં આવવામાં જે સહજતા એને લાગતી હતી એ એટલી સાહજિક નહોતી લાગતી.

રાજેશ-રૂપાની વધુ પડતી કાળજી એને અકળાવતી હતી. સુધીરને શું ભાવશે અને શું ખાશે એના પરથી વાત શરૂ થઈને હવે ઘેર જઈને શું કરશે એની પર અટકતી.

“અરે ભાઈ, હું તો અહીં આવીને કેટલીય વાર તૈયાર ભાણે જમી ગયો છું. ખીચડી અને ખાખરા પણ ભાવે છે તો શા માટે આટલી બધી આળપંપાળ?  નિકી પણ જાણે પપ્પાને અનુલક્ષીને જ રોજનીશી ઘડતી. સુધીરને આ બધું જરાય ગમતું નહોતું. એક દિવસ પાછા જતા પહેલાં જ જણાવી દીધું. “કાલથી પ્લીઝ મારી રાહ ના જોતાં. મારા માટે મહારાજની વ્યવસ્થા કરી લીધી છે.

નિકી અવાચક…

“રાજેશ પ્લીઝ, મને માફ કર. રૂપાભાભી તમે પણ જરાય દુઃખના લગાડતાં. આ મારું જ ઘર છે. મન થશે ત્યારે સામે ચાલીને કહી દઈશ પણ હવે મને મારી જાતને મારી રીતે ગોઠવતા શીખવા દો.

થોડો સમય પાછું બધુ થાળે પડતું ગયું. દહાડા દુઃખના ઓસડ જેવુ કામ કરી રહ્યા છે એવું સૌને લાગવા માંડ્યુ. સમય સરસ માઝાનો તો નહીં પણ સરળતાથી વહે છે એવુંય લાગવા માંડ્યું પણ, સમયને ક્યાં એક સરખું વહેવું ગમતું હોય છે?

શહેરમાં ફેલાયેલા ચિકનગુનિયાએ સુધીરને સપાટામાં લીધો. શરૂઆતમાં સાંધાના દુખાવાને એણે ઝાઝુ મહત્વ ના આપ્યું.

“ચોમાસાની સીઝન છે ને બેટા, વાતાવરણ જ એવું છે કે શરીરમાં સુસ્તી ભરાઈ જાય છે. બે દિવસમાં ઠેકાણુ પડી જશે.”

બે દિવસમાં કંઈ ઠેકાણું ના પડ્યું. હવે સાંધા જકડાવા માંડ્યા. સાંધાનો દુઃખાવો સ્નાયુ સુધી પહોંચ્યો. શરીરના તમામ સાંધા અત્યંત વેદના આપવા માંડ્યા. માથાનો દુઃખાવો, અશક્તિ, ઉબકા, ઉલટીથી શરૂ થયેલી યાતના તાવ અને અંતે ચિકનગુનિયાના નિદાને જઈને અટકી.

ફરી એકવાર નિકી સુધીર પાસે આવીને રહી. ફરી એકવાર રાજેશ-રૂપાની આવનજાવન અહીં વધી ગઈ. સમજોને કે લગભગ રોજ સાંજે તો રાજેશનો એક આંટો સુધીર પાસે નિશ્ચિત થઈ ગયો. લગભગ એક મહિનો ચાલેલી માંદગીનાં અંતે નિકીએ નિર્ણય કર્યો.

સવારે ઉઠીને સુધીરે જોયું તો નિકી સુધીરનો સામાન પેક કરી રહી હતી.

“ આ શું કરે છે નિકી?”

“સામાન પેક કરું છું પપ્પા” નિકીએ સીધો સટ જવાબ આપી દીધો અને ફરી કામે વળગી.

“કેમ ? ક્યાં જવાનું છે?”

“મારા ઘેર.”

“હેં?”

“હા..”

હા, પર ભાર મુકીને નિકીએ પોતે લીધેલા નિર્ણયને ફરમાન રૂપે પપ્પા પાસે રજૂ કરી દીધો.

“હવે તમે અહીં એકલા નહી રહો. બહું થયું હવે.”

“ખોટી જીદ છે તારી નિકી.”

“સાચી કે ખોટી,તમારે માની લેવાની છે.”

“નિકી….”

“પપ્પા. ધેટ્સ ઇટ, ઇનફ..હવે તમારું કશું જ સાંભળવામાં નહીં આવે. આજ સુધી સાચી કે ખોટી તમારી જીદ અમે પોષી. તમારો વારો હવે પતી ગયો, મારો શરૂ થયો. હું તમને એકલા છોડીને જઈ શકુ એમ નથી. હંમેશ માટે હું અહીં રહું એ તમને નહીં ગમે એટલે મારી સાથે તમારે મારા ઘેર જ આવવાનું છે.”

“નિકી…..”

“નો નિકી… નથિંગ મોર ટુ સે.”

“એક મિનિટ નિકી… નિમીષને ફોન કર. હું કાયમ માટે અમેરિકા આવું છું એવું કહી દે.”

“પપ્પા??”

“યસ નિકી.”

નિકીતાની આંખોમાં આંસુ ઉભરાયાં.

“હા બેટા! સાચું જ કહું છું. હું નિમિષના ઘેર અમેરિકા જવા તૈયાર છું.”

“બસ ને પપ્પા, અંતે તમે મારા અને ભાઈ વચ્ચે મારું સ્થાન ક્યાં છે એ બતાવી દીધું જ ને? કેમ દીકરાના ઘેર રહેવાય તો દીકરીનાં ઘેર નહીં અને એ ઘર દીકરીનું પણ ક્યાં છે? એ તો તમારા જીગરી દોસ્તનું ઘર છે. એ પણ એવું જ ઇચ્છે છે કે તમે હવે અમારી સાથે આવીને રહો.”

“દીકરીનાં ઘેર રહેવાય, દોસ્તના ઘેર રહેવાય પણ, દોસ્તના ઘેર પરણાવેલી દીકરીનાં ઘેર ના રહેવાય. આમાં હું કોઈ પરંપરાગત સામાજિક ઢાંચાના લીધે આવું કહું છું એવું નથી. હું વાસ્તવિક વાત કરું . કેટલીક વાસ્તવિકતા અવગણી શકાય એમ નથી હોતી. આજ સુધી તું  આ બે ઘર વચ્ચે દોડાદોડ કરીને શારીરિક રીતે ઘસાતી હતી હવે જો હું તારા ઘેર આવીને રહું તો તું માનસિક રીતે કેટલી ઘસાય એની કલ્પના કરીને કહું છું. દીકરીનું લોહી છે ને બાપ તરફ ઢળે એ સ્વભાવિક છે. રખેને કાલ ઉઠીને તું મારી દરકાર કરવામાં તારી ફરજ ક્યાંક ચૂકે તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકું. દીકરીની લાગણી માટે દોસ્તીને દાવ પર ના મૂકી શકુ. મને તારા પર જેટલો વિશ્વાસ છે એના કરતાં ઘણો વધારે વિશ્વાસ રાજેશ માટે છે. એ હંમેશ એવું જ ઇચ્છશે કે, તું મારું બરાબર ધ્યાન રાખે માટે જ તમારાં બધાંની લાગણીને ધ્યાનમાં રાખીને હું આ નિર્ણય પર આવ્યો છું. નિમિષ અને માધવીની ઇચ્છા પણ એવી જ છે ને કે હું ત્યાં એમની સાથે જઇને રહું.”

“પપ્પા…”

“બેટા, મને બોલી લેવા દે. મારી વાત પતી નથી. પહેલાં પણ હું કહેતો હતો કે દુનિયામાં એકલો પડનાર એક માત્ર પુરુષ હું નથી. આજ સુધી કેટલાય લોકોને એમની એકલતાનો સામનો કરતા જોયા છે. મને એમ હતું કે, તમારા બધાનો સાથ છે તો હું મારી એકલતાને પહોંચી વળીશ. તમે બધાએ તો મને સાથ આપવાના બદલે વધુ પડતો, જરૂર કરતાં પણ વધુ સાચવવા માંડ્યો. હવે મને તમારી લાગણીનો ભાર વર્તાય છે બેટા.  મને સૌથી વધુ તારી લાગણીની ચિંતા છે માટે જ હું નિમિષ-માધવી સાથે રહેવા તૈયાર થયો છું. થોડા સમય માટે પણ આ ઘર એમ જ મૂકીને હું જઈશ. મને જો ત્યાં અનુકૂળ નહીં આવે તો ફરી શું કરવું એ નિર્ણય હું લઈશ.”

ઢગલાબંધ આંસુથી નિકીના ગાલ ખરડાતા જતા હતા પણ મનથી એને સંતોષ હતો કે, ભાઈએ કીધું હતું એમ એ કરી શકી.

નિમિષ અને માધવી પાસે પપ્પાને ઇમોશનલી મનાવવાનું એક જ છેલ્લું શસ્ત્ર હતું. નિમિષને ખબર હતી કે પપ્પા કોઈ કાળે નિકીના ઘેર રહેવા તૈયાર નહીં થાય, એટલે એણે નિકીને આ છેલ્લું શસ્ત્ર અજમાવવા સમજાવી હતી.

પપ્પાનો નિર્ણય જણાવવા નિકીએ ફોન કર્યો ત્યારે બંને જણ ગદગદ થઈ ગયાં, “નિકી, કયા શબ્દોમાં અમે તારો આભાર માનીએ? વી હવે નો વર્ડસ ટુ સે થેન્ક્સ” વોશિંગ્ટન અને વડોદરા વચ્ચે વ્હોટ્સેપ લાઇન ઉષ્મા, આંસુ અને આભારવશતાથી ભીની થતી જતી હતી.

“ બસ ભાઈ! તું તારા આભારનો ભાર મારા પર ક્યાં સુધી ઠલવ્યા કરીશ?”

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

Entry filed under: નવલિકા, વાર્તા, Rajul.

છિન્ન-પ્રકરણ/ ૯ (ન્યૂઝ ઓફ ગાંધીનગર –જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા છિન્ન-પ્રકરણ ૧૦ ( ન્યૂઝ ઓફ ગંધીનગર-જન ફરિયાદમાં પ્રસિદ્ધ) લઘુ નવલકથા


Blog Stats

  • 146,700 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2023
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: