છિન્ન-પ્રકરણ/ ૯ (ન્યૂઝ ઓફ ગાંધીનગર –જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા
સંદિપ ઑફિસ જવા નીકળ્યો અને શ્રેયા ડૉ.દીવાનના બંગલાની સાઇટ પર. દિવસમાં બેચાર વાર મોબાઇલ પર વાત કરી લેતા સંદિપનો આજે એક વાર પણ મોબાઇલ રણક્યો નહીં. શ્રેયાએ મોબાઇલ જોડ્યો તો સતત રિંગ ટોન સંભળાતો રહ્યો.
જબ કોઈ બાત બિગડ જાયે , જબ કોઈ મુશ્કિલ પડ જાયે
તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ………..
આ ટ્યૂન સંદિપે એના અને શ્રેયાના મોબાઇલ પર સેટ કરી હતી. બંનેને આ ગીત ખૂબ ગમતું હતું. સંદિપને આવા જુદા જુદા રિંગ ટોનનો શોખ હતો. એના અને શ્રેયાના મોબાઇલ પર એ જ બધુ સેટ કર્યા કરતો અને સંભળાવતો.
“યે તો સચ હૈ કે ભગવાન હૈ,
હૈ મગર ફિરભી અન્જાન હૈ.
ધરતી પે રૂપ મા-બાપકા ઉસકે ધાગા કી પહેચાન હૈ”
“જો શ્રેયા , તારામાં ‘હમ સાથ સાથ હૈ’ ના આ ગીતની રિંગ ટોન વાગે તો સમજી જવાનું મમ્મી કે પપ્પાનો ફોન છે. જુદા જુદા ગ્રુપ માટે અલગ રિંગ ટોન સેટ કર્યા છે એટલે રિંગ વાગશે તોય જોયા વગર, પણ તને ખબર પડી જશે કે કોનો ફોન છે.”
શ્રેયા મોબાઇલ જ એને સોંપી દેતી. તારે જેટલા નંબર નાખવા હોય, જે રિંગ ટોન સેટ કરવા હોય એ તું કર્યા કર. આ મારું કામ જ નથી. મારે તો બસ ફોનની રિંગ વાગે અને વાત થાય એટલું બસ છે. ખરેખર શ્રેયામાં એવી ધીરજ જ નહોતી. સંદિપને ખૂબ શોખ હતો, એને આવા બધામાં ખૂબ મઝા આવતી.
“જો શ્રેયા આ મિશન ઇમ્પોસિબલનું મ્યૂઝિક સાંભળ્યું? કોના માટે સેટ કરું?”
શ્રેયા હસી પડતી,
“તારાથી વધીને મને તો કોઈ ઇમ્પોસિબલ લાગતું નથી, એમ કર તારામાં જ એ રિંગ ટોન નાખી દે.”
“કેમ મેડમ ,અમે તમારું શું બગાડ્યુ છે?”
સંદિપ મૂડમાં હોય ત્યારે શ્રેયાને લાડથી મેડમ કહીને બોલાવતો.
“કેમ ગયા શનિવારનો તારો છબરડો ભૂલી ગયો?”
સંદિપનો સ્કૂલના સમયનો ખાસ મિત્ર નિરવ કાયમ માટે અમેરિકા જતો હતો. સંદિપે એને ડિનર માટે બોલાવ્યો હતો. શ્રેયાને પણ એની સાથે ખૂબ ફાવતું. પ્લાન એવો હતો કે, શનિવાર સાંજથી એ આવી જશે અને મોડે સુધી ત્રણે સાથે જ રહેશે.. કોને ખબર ફરી ક્યારે મળાય?
શ્રેયા એ દિવસે વહેલી સાઇટ પરથી આવીને ડિનરની તૈયારીમાં લાગી હતી જેથી નિરવ અને સંદિપ આવે ત્યારે એ ફ્રેશ થઈને એમની સાથે બેસી શકે.
સાંજે લગભગ છ વાગ્યે શ્રેયાનો મોબાઇલ રણક્યો.
“શું કરે છે શ્રેયા? એક સરપ્રાઇઝ છે તારા માટે. લે વાત કર.”
સામે છેડે સંદિપ હતો એ તો મિશન ઇમ્પોસિબલનાં રિંગ ટોન પરથી જ શ્રેયાને ખબર હતી, પણ હવે કોની સાથે વાત કરવાની છે એ કલ્પના કરે તે પહેલાં સામેથી જપનનું હેલ્લો સંભળાયું. જપન સેપ્ટના ગ્રુપમાં હતો. આડી અવળી વાત કરીને એણે સંદિપને મોબાઇલ આપ્યો.
“સંદિપ, કેટલી વાર છે? નિરવ હમણાં આવશે, યાદ છે ને?”
“યસ મેડમ. બસ અમે હમણાં જ થોડી વારમાં પહોંચીએ.”
“આ અમે એટલે?”
“હું અને જપન. એ અહીં મળવા આવ્યો હતો. મેં એને રોકી લીધો છે, મારી સાથે લેતો આવીશ. આપણી સાથે જમશે. એણે આવવાની હા પાડી એટલે મૌલિકને પણ બોલાવી લીધો છે એ આવતો જ હશે.”
શ્રેયા ચકરાઈ ગઈ. આમ સાવ જ છેલ્લી ઘડીએ વગર વિચારે, કોઈ જાણ વગર સંદિપે પ્લાન બદલી નાખ્યો હતો. નિરવ સાથે શાંતિથી સાંજ પસાર કરવાના બદલે સંદિપે આ શું કર્યું ? જપન અને મૌલિક તો અહીં જ રહેવાના હતા. એમને ફરી પણ ક્યારેક મળી શકાય, નિરવને તો કોણ જાણે હવે ફરી ક્યારે મળાશે? આ મિંયા મહાદેવનો વળી કેમનો મેળ પાડ્યો?
ખરેખર એમ જ બન્યું. નિરવ આવ્યો તો ખરો પણ જપન અને મૌલિકની હાજરીમાં શ્રેયા અને સંદિપ જોડે સાંજ પસાર કરવાનો એનો ઉત્સાહ થોડો મોળો પડી ગયો.
“શ્રેયા, તારી વાત સાચી છે, પણ એક વાર કહેવાઈ ગયા પછી કેવી રીતે ના પડાય?“
રાત્રે નિરવ વહેલો નીકળી ગયો. જપન-મૌલિકના ગયા પછી સંદિપને પોતાની ભૂલ સમજાઈ, પણ સાંજ આખી વેરણછેરણ થઈ ગઈ એનો શ્રેયાને એટલો તો અફસોસ રહી ગયો કે ના કહેવાની વાત. આમ બનતું ત્યારે છેવટે થાકીને શ્રેયા હંમેશા કહેતી,
“સંદિપ, યુ આર ઇમ્પોસિબલ.”
આલેખનઃરાજુલ કૌશિક
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments