‘ડીઅર મોમ-ડૅડ’ -રાષ્ટ્રદર્પણ (ઍટલાન્ટા-અમેરિકા)માં પ્રસિદ્ધ વાર્તા.
–
“ગુડ મૉર્નિંગ ડૉક.” ‘મેસેચ્યૂસેટ્સ જનરલ હોસ્પિટલ’ના કાફેટેરિયામાં કૉફી રીફિલ કરવા આવેલા રેડિયોલૉજિસ્ટ ડૉક્ટર ધ્રુવાએ ડિપાર્ટમેન્ટના બીજા રેડિયોલૉજિસ્ટ ડૉક્ટર ડેવિસની સામે સ્મિત ફરકાવ્યું.
ડૉ. ડેવિસે “ગુડ મૉર્નિંગ ધ્રુવા’ કહ્યું તો ખરું, પણ ડેવિસના સપાટ અવાજ અને ઔપચારિક જવાબથી ધ્રુવાને આશ્ચર્ય થયું.
મૂળ અટક ધ્રુવ, પણ પરદેશમાં આવીને રામ બન્યા રામા, ક્રિષ્ન બન્યા ક્રિષ્ના, યોગના બદલે બોલાય યોગા, એમ ધ્રુવ મટીને બન્યા ધ્રુવા.
અમેરિકાના વતનીઓમાં હોય એવી સભ્યતા અને સલૂકાઈ ડૉ. ડેવિસમાં સતત જોવા મળતી. ડૉ. ડેવિસની જેમ વીસ વર્ષથી ‘મેસેચ્યૂસેટ્સ જનરલ હૉસ્પિટલ’ના રેડિયોલૉજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડૉ.ધ્રુવામાં તો અમેરિકનોમાં હોય એથી વિશેષ સભ્યતા અને સલૂકાઈ હતી. કામથી કામ રાખવાની અહીંની પ્રણાલી એમને માફક આવી ગઈ હતી. પરંતુ ડૉ. અનિરૂદ્ધ અને ડૉ. ડેવિસ એકલા મળતા ત્યારે આ સભ્યતા અને સલૂકાઈનો આંચળો ઉતરી જતો, બંને બની રહેતા ડેવ અને અનિ.
“Are you ok Dev? Any problem?”
“I don’t know.” ખભા ઉંચકીને ડેવે જવાબ આપ્યો.
“ અરે… ડૉ.ધ્રુવા માટે આ આંચકો હતો.
સામાન્ય વાતમાં પોતાના મંતવ્યથી માંડીને એક્સ-રે, એમ.આર.આઇ, સી.ટી સ્કેનના રિપોર્ટ કે કોઈ પ્રોસિજરની વાત હોય એમાં પણ અનિરૂદ્ધની જેમ અત્યંત ચોક્કસ એવા ડેવિસના આ જવાબે તો વળી અનિની મૂંઝવણ વધુ વધી. સવારના કૉફી બ્રેક સમયે તો વધુ ઊભા રહેવાનું બન્યું નહીં, પણ લંચ બ્રેક સમયે કદાચ વાત થઈ શકશે એમ વિચારીને વધુ સવાલ કર્યા વગર ઉષ્માથી ડેવિસનો ખભો દાબીને ધ્રુવાએ પોતાની ઑફિસ તરફ પ્રયાણ કર્યું.
પોતાની ઑફિસમાં આવી કામે લાગેલા ડૉ.ધ્રુવાએ રેડિયૉલૉજી ડિપાર્ટમેન્ટમાંથી આવેલી એક્સ-રે, એમ.આર.આઇ અને સી.ટી સ્કેનની ઈમેજ ચેક કરીને એના પરથી રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું, પણ મનમાં ડેવના અકળામણભર્યા ચહેરાની ઈમેજ અકબંધ રહી.
લંચ બ્રેક સમયે કાફેટેરિયામાં પહોંચીને સૂપ-સૅલડ લઈને જાણે સવારે કશી વાત થઈ જ ન હોય એમ સાવ સ્વાભાવિકતાથી અનિરૂદ્ધ ડેવિસની બાજુમાં રોજની જેમ જઈને ગોઠવાયા.
“એઝ યુઝ્વલ સૂપ ઇઝ રિઅલી ગુડ” સૂપ ટેસ્ટ કરીને ડેવિસ સામે જોઈને ડૉ. ધ્રુવા બોલ્યા.
“હં…મ…” ડેવિસે માત્ર હોંકારો ભણ્યો. જ્યાં સુધી ડેવ ખુલીને વાત ન કરે ત્યાં સુધી અનિરૂદ્ધે સામાન્ય રીતે રોજબરોજ પેશન્ટના રિપોર્ટ્સ અંગે ચર્ચા કરતા હોય એમ વાત શરૂ કરી. મોટાભાગે બંને જણ એવા કોઈ ક્રિટિકલ સ્ટેજના રિપોર્ટ્સ હોય તો એ અંગેય ચર્ચા કરી લેતા.
“જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો તમે શું કરો?” થોડીવાર આમતેમ વાત થતી રહી અને અચાનક જ ડેવિસે સવાલ કર્યો.
“ડિપેન્ડ, કોણે માંગ્યા છે અને કેમ માંગ્યા છે.” હવે વાત પાટા પર ચઢી રહી છે એ કળીને ડૉ. ધ્રુવાએ મોઘમ જવાબ આપ્યો.
“જો એ તમારા ડૅડીએ માંગ્યા હોય તો?”
સૂપનો ચમચો મ્હોં સુધી પહોંચે એ પહેલાં ડૉ. ધ્રુવાનો હાથ અટકી ગયો.
“કોવિડમાં મારી મૉમ ચાલી ગઈ અને ડૅડીની જોબ જતી રહી. અન-ઇમપ્લૉયમેન્ટમાં મળતા ડૉલરથી એમનું સચવાઈ રહ્યુ. ગાડીમાંથી ઉતરતા જ ભીની સરફેસ પર લપસી પડ્યા, હિપ-બૉન ફ્રેકચર છે. સર્જરી કરવાની છે. ઇન્સ્યોરન્સમાં જે કંઈ કવર થાય એ સિવાય પોતાના ડૉલર જોડવા પડશે. સર્જરી પછી રિહેબમાં રહેવાનો ખર્ચો વધારાનો. આ બધો ખર્ચો એ મારી પાસે માંગે છે.”
“તો?”
“તો શું? ધેટ’સ નોટ ફેઅર, એટલે તો જાણવા માંગુ છું કે, તમે હો તો શું કરો?”
“એમને મારી પાસે પૈસા માંગવા જ ન પડે એવી વ્યવસ્થા…જન્મથી માંડીને આજે અહીં પહોંચ્યો છું એની ક્રેડિટ એમને આપીશ. સ્કૂલથી માંડીને કૉલેજ………”
“એક્ઝેકટ્લી…ધેટ’સ વ્હોટ ઇટ ઇઝ..એટલે એ તમારી પાસે અપેક્ષા રાખી શકે…” ધ્રુવા એમની વાત પૂરી કરે એ પહેલાં ડેવ બોલ્યા.
“અપેક્ષા….? હવે ડેવની વાત પૂરી થાય એ પહેલાં ધ્રુવા બોલ્યા.
“નો ડેવ, અહીં વાત અપેક્ષાની નથી. એમણે મારી પાસે કોઈ અપેક્ષા રાખી નથી. આ મારી જવાબદારી, મારી લાગણીની વાત છે.”
“વાત લાગણીની હોય તો સમજ્યા પણ લાલસાની હોય તો? તમે કહો છો એમ તમારા ભણતરની સંપૂર્ણ જવાબદારી એમણે લીધી હતી, રાઇટ? અહીં પબ્લિક સ્કૂલમાં મોટાભાગે એજ્યુકેશન ફ્રી હોય છે, પણ એ પછી એમણે મારી કોઈ જ જવાબદારી લીધી નથી.”
“એ તો અહીંની પ્રથા છે, સૌ પોતપોતાની જવાબદારી જાતે ઉપાડી લે છે ને અઢાર વર્ષની ઉંમરે પહોંચેલાં સંતાનો ક્યાં માબાપ સાથે રહે છે?”
“હા, પણ કોઈને રહેવું હોય તો? મને મારી મા બહુ વહાલી હતી. એ સમયના મારા હેલ્થ પ્રોબ્લેમને લઈને મેડિકલ સ્કૂલનાં ચાર વર્ષ ઘેર રહીને ભણુ એવી મૉમની પણ ઇચ્છા હતી. એથી બહાર રહેવાનો ખર્ચો બચતો હતો એ વળી બીજી મહત્વની વાત, પણ ડૅડીને એ મંજૂર નહોતું અથવા વધારાની જવાબદારી લેવી નહોતી. ના છૂટકે અપાર્ટમેન્ટમાં ચાર જણ સાથે શેરિંગમાં રહ્યો. માને મારી તબિયતની ચિંતા રહેતી. દર વીકનું ખાવાનું બનાવીને આપી જતી. એ પછી નબળાં સ્વાસ્થ્ય સાથે વીક્લિ સાઠ કલાકની જોબ કરીને હું ભણ્યો. બાકીનાં વર્ષો કેવી રીતે ગયાં છે એની વાત ક્યાં કરું, પણ જવા દો ડૉક…તમે નહીં સમજો. તમે તો જીવનભર માબાપની શીળી છાયા જોઈ છે.”
“સમજી શકાય છે તમારી વ્યથા ડેવ.”
“તો હવે, છે કોઈ એનો જવાબ તમારી પાસે? એ અહીં હતા ત્યાં સુધી મને દૂર રાખ્યો. નિવૃત્ત થયા પછી ફ્લોરિડા ચાલ્યા ગયા પછી એમને છેક આજે હું યાદ આવ્યો. જે નજરથી દૂર એ દિલથી દૂર. તમે જે લાગણીની વાત કરો છો એ તો વળી જોજનો દૂરની વાત.”
“લાગણીને જોજનોથી ક્યાં મપાય છે? જેટલાં વર્ષો હું ભારતમાં રહ્યો એટલાં જ વર્ષોથી હું ભારતની બહાર છું. વરસોવરસ માબાપને મળવા ભારત ગયાં છીએ.”
“મળવાં તો મા હતી ત્યાં સુધી અમે પણ દર થેક્સ ગિવિંગ અને ક્રિસમસ પર જતાં.”
“મારી વાત પૂરી નથી થઈ ડેવ. માબાપ જ્યાં સુધી પ્રવૃત્ત હતાં ત્યાં સુધી એમની મરજી મુજબ ભારતમાં રહ્યાં. બાર વર્ષ પહેલાં જ્યારથી નિવૃત્ત થયાં અને શારીરિક ક્ષમતા ઘટી ત્યારથી અહીં અમારી જોડે રહે છે.”
“વ્હોટ….” ડેવ માટે આ નવી અને અણધારી વાત હતી. બંનેના સંબંધો પ્રોફેશનલ હતા. પરિવાર અંગે ભાગ્યેજ વાત થતી.
“હા ડેવ, અને આજે પણ અમે એમની સાથે છીએ એને હું ઈશ્વરના આશીર્વાદ કહીશ. They are and will stay closed to our hearts forever.”
“ઓહ…”
“આ મારી વાત હતી. હવે તમારે શું કરવું એ તમારો નિર્ણય.” લંચ પૂરું કરીને બંને છુટા પડ્યા.
દિવસો પસાર થતા રહ્યા, ધ્રુવા અને ડેવ મળતા રહ્યા, પણ ન તો ડેવે કોઈ વાત કાઢી કે ન તો ધ્રુવાએ કંઈ પૂછ્યું.
******
“ગુડ મૉર્નિંગ, ધ્રુવા, કેન યુ સ્પેર સમ ટાઇમ ફોર મી?” અચાનક એક સવારે ડેવિસનો મેસેજ આવ્યો.
ડેવિસ હંમેશા ફોર્થ જુલાઈમાં બ્રેક લેતા એની ધ્રુવાને જાણ હતી એટલે આ મેસેજ વાંચીને આશ્ચર્ય થયું.
“જરૂર ડેવ. તમે કહો ત્યારે.”
“Hello Dev, Hope everything is going well with you. ઇન્ડિપેન્ડન્સની રજાઓમાં તમને અહીં જોઈને નવાઈ લાગી.” કાફેટેરિયામાં મળતાની સાથે ધ્રુવાએ ડેવ સાથે હેન્ડ શેક કરતા કહ્યું.
“And you will be more surprised to know that I have decided to help my father. યસ ધ્રુવા, ફ્લોરિડા જઈને મારા ડૅડીની સર્જરીથી માંડીને રિહેબ સુધીની વ્યવસ્થા કરી આવ્યો ત્યારે એમના ચહેરા પરના ભાવ જોઈને સમજાયુ કે, આપણા માટે કશું કરીએ એ આનંદ કરતા જ્યારે અન્ય માટે કશું કરીએ ત્યારે અનેરો આનંદ અને ગજબનો સંતોષ થાય છે. બાઇબલમાં પણ કહ્યું છે કે,‘We should take care of our family and other people. Thanks Dr, Druva.”
ડેવનો ચહેરો આજે અપાર આનંદથી ઝળકતો હતો.
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments