‘ભૂત બંગલા’-ગુજરાત દર્પણ-(ન્યૂ જર્સી .યુ એસ.એ).માં પ્રસિદ્ધ વાર્તા
દિવાળી એટલે હિંદુ પંચાગનો અંતિમ દિવસ. આખા વર્ષનું સરવૈયું તો કોણ જોવા બેસે છે? રાત ગઈ સો બાત ગઈ. જે ગયું એને ભૂલીને આગળ વધવાનું, આવતી કાલની સવારથી શરૂ થતા નવા વર્ષથી નવા સંકલ્પોને સાકાર કરવાની નેમ લઈને નિંદ્રારાણીનાં રાજમાં પહોંચી જવાનું, પણ કેટલાક અનુભવો એવાં હોય છે જે આજે યાદ આવે તો નિંદ્રારાણીના આગોશમાંથી ઝબકીને જાગી જવાય છે ખરું.
કૉલેજનું એ અંતિમ વર્ષ હતું. ગ્રેજ્યુએશન પછી પાંચ જણનું અમારું ગ્રુપ કેટલું સાથે રહી શકશે એની કોઈ ખાતરી નહોતી. ‘કલ ક્યા હોગા કિસ કો પતા, અભી જિંદગી કા લે….લો… મઝા’ એમ વિચારીને દર વર્ષ કરતાં કંઈક જુદું અને હંમેશાં યાદ રહી જાય એવું કરવાનું નક્કી કર્યું.. શું કરવું એ વિચારતાં થયું કે, આજ સુધી દર વર્ષે દિવાળી પરિવાર સાથે ઉજવી છે અને ઉજવતાં રહીશું તો ચાલો, આ વર્ષે અમારી પાંચ જણની ટોળકી યાદગાર દિવાળી ઉજવી લઈએ.
અમારી ઈના, મીના, ડીકા, મીકા, ચીકા જેવાં પાંચ જણની ટોળકીમાંથી ઈનાનાં ફોઈનો બંગલો આબુમાં હતો એટલે આબુ પર અમારી પસંદગી ઉતરી. ફોઈએ આબુનું ઘર સાચવતા રામજીકાકાને ફોન કરીને અમારા આગમનની આગોતરી જાણ કરી દીધી.
વાઘબારશની બપોરે અમારી સવારી એટલે કે ગાડી ઉપડી અને સીધી સાંજે સાત વાગ્યાની આસપાસ પહોંચી ઈનાનાં ફોઈના બંગલે. કોને ખબર કેમ, પણ રામજીકાકાને ઠીક નહોતું તો જરા આડે પડખે થયેલા. સીતાકાકીને કદાચ અમારા આગમનની જાણ નહીં કરાઈ હોય એટલે અમને જોઈને હેબતાયાં. સીધાં આઉટ હાઉસ જેવી એમની એક રૂમની ઓરડી પર જઈને, “ચરણ ચાંપી, મૂછ મરડી કાકીએ કાકાને જગાડિયા, ઊઠોને બળવંત બારણે મહેમાન કોઈ આવિયા” કહીને જગાડ્યા. અમને જોઈને રામજીકાકાને એમની નોકરીના રામ રમી જશે એવો આતંક એમના ચહેરા પર છવાયો.
કારણ શું કે, રામજીકાકાએ નિશ્ચિત પગાર સિવાય વધારાની આવક માટે થઈને ઈનાનાં ફોઈની જાણ બહાર એમનો બંગલો કોઈ પરિવારને બેચાર દિવસ રહેવા આપ્યો હતો. લોંગ ડિસ્ટન્સ ફોનમાં સરખું સંભળાયું નહીં હોય એ તો રામ જાણે કે રામજીકાકા પણ, અમે આજે જ પહોંચી જઈશું એવી એમની ધારણા નહોતી.
હવે?
બીજા દિવસે એ પરિવાર આગળ ક્યાંક જવાનો હતો એટલે સવાલ એક રાતનો હતો. આ રાત કાઢવી કેવી રીતે? દિવાળીની રજાઓનાં લીધે મોટાભાગની હોટલોનું બુકિંગ ફુલ હતું. હોટલોના મેનેજરને રામજીકાકાની જેમ સાઇડ ઇન્કમની જરૂર નહીં હોય એટલે જેનાં નામે રૂમ બુક હોય એમનાં સિવાય કોઈને એક રાત માટે પણ રૂમ આપવાની દયા દેખાડી નહીં.
પોતાની નોકરી જોખમમાં છે એવું જાણતા રામજીકાકાએ દયામણા મોઢે ઈનાને હાથ જોડી, લગભગ પગે પડ્યાં જેવું કરીને એક રાત માટે સગવડ કરી આપવાનું જોખમ ખેડ્યું. એમની જેમ જ સાઇડ ઇન્કમની જોગવાઈ કરતા શામજીકાકા સાથે વાત કરી.
ચાલો, એક રાત જ કાઢવાની છે ને વિચારીને અમે પણ રામજીકાકા પર ઉપકાર કરતાં હોઈએ એમ ફોઈને જાણ નહીં કરીએ એવી ખાતરી આપી. ક્યાં બાપડા ગરીબનાં પેટ પર પાટું મારવું?
અમારી ગાડી ઉપડી શામજીકાકા સંભાળતા હતા તે બંગલા પર. બંગલો હતો એક મોટા ઢોળાવ પર. આબુ રોડ પર ચઢીને આવેલી ગાડી માટે તો આ ઢોળવ શી વિસાતમાં? સડડ….સટ્ટ કરતાં ગાડી ઉપર બંગલાનાં પૉર્ચમાં. દૂરથી રળિયામણો દેખાતો હશે, પણ પહોંચ્યાં પછી રાતનાં નવ વાગ્યાનાં અંધારામાં આબુની વસ્તીથી થોડે દૂર હોવાનાં લીધે એકલવાયો લાગતો એ બંગલો બહુ બિહામણો લાગ્યો.
ક્ષણવારમાં હિંદી ફિલ્મોમાં દેખાડે છે એમ શામજીકાકા હાથમાં ફાનસ લઈને પ્રગટ થયા. બંગલાનો મુખ્ય દરવાજો ખોલીને અમને અંદર દોરી ગયા. ઓત્તા..રી, આ તો અદ્દલ હિંદી ફિલ્મોમાં દેખાડે છે એવો જ ભૂતિયો બંગલો. પાંચ વિશાળ રૂમનો આ બંગલો લાંબા સમયથી ઉપયોગમાં નહીં લેવાયો હોય એવું લાગ્યું. આમ રાત પડે ઓચિંતા વણનોતર્યાં મહેમાનનાં આગમનની તો શામજીકાકાને ક્યાંથી કલ્પના હોય એટલે સાફસૂફીની અપેક્ષાય ક્યાં રાખીએ?
બે રૂમની લાઇટોના બલ્બ ઊડી ગયેલા, અંધકારે પોતાનો એવો તો અડ્ડો જમાવેલો કે અમે ત્યાં પગ માંડવાની હિંમત માંડી વાળી. બીજા એક રૂમની બારીનો કાચ ફૂટી ગયેલો. બાકોરાવાળી બારીમાંથી આવનજાવન કરતાં કબૂતરે માળો બાંધ્યો હતો. લાઇટ કરતાંની સાથે ફડફડ ઉડતું કબૂતર એનાં એકચક્રી સામ્રાજ્યમાં ખલેલ પહોંચાડનારની ખબર લઈ લેવાં અમારાં માથે ચકરાવા લેવાં માંડ્યું. ક્ષણવાર પણ જો ઊભા રહીશું તો ચાંચો મારીને અમને સજા કરશે એવા ભયથી અમે ત્યાંથી ચોથા રૂમ તરફ ભાગ્યાં. આ એક રૂમ જરા ઠીકઠાક લાગ્યો. અને લો, સ્વીચ ચાલુ કરતાંની સાથે લાઇટેય ચાલુ થઈ. રૂમની વચ્ચે વિશાળ કહી શકાય એવો મચ્છરદાનીથી ઢંકાયેલો પલંગ દેખાયો. ક્યાંય કોઈ અન્ય પંખીનું સામ્રાજ્ય નથી એ જોવા ચોમેર નજર કરી. હાં…શ! લાગ્યું કે, આજની રાત અહીં ડેરા તાણી શકાશે. રખેને વળી છેલ્લા પાંચમા રૂમમાં કંઈક ભળતો અનુભવ થાય એવી બીકે બાકી રહેલો રૂમ જોવાનું માંડી જ વાળ્યું.
અઢી જણ આરામથી સૂઈ શકે એવડા પલંગમાં અમે પાંચે જણાં સાંકડમોકડ ભરાયાં. બધાં ઊંઘી જઈએ ને વળી ક્યાંકથી કોઈ પ્રગટ થાય એવા ભયે વારાફરતી ઊંઘવું એવું નક્કી કર્યું. વારા નક્કી કરીએ ત્યાં તો કોઈ પ્રાણીની ત્રાડ સંભળાઈ. અત્યાર સુધી સંભળાતા તમરાં, ચીબરીના અવાજ, ઘુવડનું હુ..હુ..ઘુ..ઘુ..થી સસ્પેન્સ ફિલ્મ જેવો માહોલ ઊભો તો થયો જ હતો એમાં અસલી વિલન એન્ટ્રી મારે અને જે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક વાગે એવી આ ત્રાડ….કોની હશે?
આબુનાં જંગલોમાં વાઘ હોવાની શક્યતા નકારી શકાય એમ નહોતી. ત્રાડ સાંભળીને બાજુના રૂમમાંથી કબૂતરનો ફડફડ ઊડવાનો અવાજ સંભળાયો. બાપરે હવે? પાંચેનાં મોતિયાં મરી ગયાં.
“હાય, હાય હવે શું? વાઘને ટેકરી ચઢતાં તો આવડે જ ને? હમણાં આવી પહોંચ્યો સમજો. કરવું શું?” જેવા વિચારો કબૂતરની ફડફડ કરતાંય વધુ ઝડપે મનમાં ઊમટ્યાં. આવા ભયાનક વાતાવરણમાં કોઈ બહાદુરી કામ આવે એવી નહોતી, પણ એટલી હૈયાધારણ હતી કે અમે સાવ એકલાં તો નથી. બહારની ઓરડીમાં શામજીકાકા અને એમનો પરિવાર છે.
“વાઘ ટેકરી ચઢીને ઉપર આવે એવો એમને ડર નહીં લાગતો હોય? લાઠી, ધારિયું તો હશે જ ને?” તમરાં જેવો તીણો મીનાનો અવાજ સંભળાયો.
“શી…શી..ચૂપ…” જાણે અમારા અવાજનાં સંમોહનથી વાઘ અહીં સુધી ખેંચાઈ આવવાનો હોય એમ ડીકાનો દબાયેલો અવાજ સંભળાયો.
“આ રામજી-શામજીની સાંઠગાંઠની વાત ફોઈને કરવી તો જ જોઈએ જ.” સાંજ સુધી દયાની દેવી બનેલી ઈનાએ ફુસફુસાતા સ્વરે કહ્યું.
હાકાબાકા થયેલાં ચીકા અને મીકાનાં કપાળેથી પરસેવાના રેલા ઉતરવા માંડ્યા. એક એક ક્ષણ ભારે હતી. ‘કલ ક્યા હોગા કિસ કો પતા, અભી જિંદગી કા લે લો મઝાનાં બદલે કલ ક્યા હોગા કિસ કો પતા, અભી જિંદગી કા નહીં કોઈ ભરોસા.. જેવો ઘાટ હતો. મસ્તીનો મૂડ સુરતના લોચાની જેમ સાવ હવાઈ ગયો હતો. જે થાય એ ખરું. હરિ ઇચ્છા બલિયસી બાકી, ‘જીવ્યા મુઆના જુહાર’ જેવા ભાવથી એકબીજાના હાથની પકડ વધુ મજબૂત બની.
થોડી થોડી વારે કોઈને કોઈ પ્રાણીના ઘુરકાટ સંભળાતા રહ્યા. જિંદગીભર ન ભૂલાય એવો રાતના બારથી સવારના ચારનો સમય ડચકા લેતો આગળ વધતો હતો. સવાર નજીક આવતી ગઈ એમ બીક લાગે એવા અવાજો બંધ થયા.
આખી રાતનો ઉજાગરો અને થોડી નિરાંતનાં લીધે સૌની આંખ મળી ગઈ.
ઠક… ઠક…ઠક, બારણાં ઠોકાવાનો અવાજ સાંભળીને સૌ ભડક્યાં.
ડર ફિલ્મના શાહરૂખની જેમ ડીકાની પીન કક્કા પર અટકી. “ “ક…ક…ક…ક..ક.. કોણ?” અને ફટ કરતી માંડ મીંચાયેલી સૌની આંખો ફાટી અને બારીમાંથી રેલાતા સવારના સૂર્યના પ્રકાશથી અંજાઈ ગઈ.
“કોણ હશે?”
“એ હેંડો બુનો….હવાર પડી. સા, તિયાર છે. રાધાએ ટીપેલાં ઊનાં રોટલાય એની હારે મેલ્યાં સે.”
“હેં… આ તો કોઈ માણહનો અવાજ… એનો અર્થ હજુ આપણે જીવીએ છીએ.” કાલ રાતથી બંધ થઈ ગયેલી ચીકાની બોબડી ખુલી.
કૂદકો મારતાં મચ્છરદાની ખોલીને સૌ સીધા બહાર. બંગલાની પછીતે ડાઇનિંગ ટેબલ જેવા પત્થરના ટેબલની આસપાસ પત્થરની બેઠકો હતી. વચ્ચે મૂકેલી ચાની કીટલીમાંથી ઊઠતી સોડમથી શ્વાસ ચાલે છે એવું અનુભવાયું. ચૂલા પર ઘડેલાં બાજરીનાં રોટલાં, માખણ જોઈને સંજીવની છાંટી હોય એમ જીવમાં જીવ આવ્યો.
ટેકરી ચઢતાં બિહામણો લાગતો એ ભૂતિયો બંગલો હવે રળિયામણો લાગતો હતો. તમરાં, ચીબરી, ઘુવડ કે પેલા ભયાવહ લાગતા અવાજો શમી ગયા હતા.
ચોમેર છવાયેલી લીલીછમ દીવાલની વચ્ચેથી ચળાઈને આવતાં સૂર્યપ્રકાશથી સવાર ઝગમગતી હતી. નાનકડાં પંખીઓનો ચહેકાટ વાતાવરણને સંગીતમય બનાવતો હતો. અંદરથી બહાર ઉડાઉડ કરતાં પેલાં કબૂતરને અમારી ઓળખ થઈ ગઈ હોય એમ થોડે નજીક આવીને બેઠું હતું. મનને પ્રફુલ્લિત કરે એવાં વાતાવરણમાંનાંજ એક થઈને રહેવું હોય એમ અમે ઈના,મીના, ડીકા, ચીકા, મીકાએ બાકીના પાંચે દિવસ અહીં જ રોકાવાનું નક્કી કરી લીધું.
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments