‘મુક્તિ’ -ગરવી ગુજરાત (લંડન)માં પ્રસિદ્ધ ડૉ. ચૂકી ભૂટિયા લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સમાચાર મળ્યા, ‘ફોઈ નથી રહ્યાં.’ સાંભળીને દુઃખ થવું જોઈએ. ન થયું. જીવનભરની ઉપાધિઓમાંથી એમને છૂટકારો મળી ગયો. મનને શાંતિ થઈ. છેલ્લાં બે વર્ષથી એ પોતાની જાત સાથે લડતી હતી. જેને પોતાને જીવવાની ઇચ્છા ન રહી હોય એને દવા શું અસર કરે?
આ એક ફોઈ તો હતી જે મારી મા બની રહી હતી. મા ગઈ એ પછી મારી પસંદ-નાપસંદ જાણતી હતી. મારા નખરા એ જ સહન કરતી હતી. હૉસ્ટેલથી આવું ત્યારે ફોઈના ઘેર જ રહેતી હતી. ચાર વર્ષ પહેલાં એના દીકરાએ જીવનસંઘર્ષથી હારીને આત્મહત્યા કરી ત્યારથી એ બદલાવાં માંડી. એ સમયે હતાશામાંથી બહાર આવવા સૌએ ફોઈને સાથ આપ્યો હતો. થોડા અંશે એ આઘાતમાંથી બહાર આવી હતી. એમ તો ફોઈને બીજા બે સંતાન હતાં છતાં એ વ્યથિત રહેતી.
એ પછીનાં બે વર્ષે મારાં લગ્ન થયાં. નવી જવાબદારીઓ સાથે નવા ઘરમાં આવી ગઈ.
ફોઈ બીમાર છે એ જાણ્યાં પછી કામનાં ભારણનાં લીધે હું એમની પાસે ભાગ્યે જઈ શકતી. કેટલીય વાર ફોઈનાં મનનો તાગ લેવાનો વિચાર્યું હતું પણ સફળ નહોતી થઈ. ફોઈને મળીને પાછી આવું ચેતનહીન બની જતી. ફોઈનો રોનક વગરનો ચહેરો નજર સામેથી ખસતો નહીં. હમણાંથી એનાં ચહેરા પર સ્મિતના બદલે ઘેરા શોકની છાયા જોવાં મળતી. આ વખતે મને જોઈને એનાં હૃદયમાં બંધ તૂટી ગયા. સમજાતું નહોતું, દીકરાના આકસ્મિક મોતની એ છાયા હતી કે પોતાનાં લગ્નજીવનની તંગદિલીની અસર હતી?
ખરી વાત એ હતી કે ફોઈ અને ફુઆ વચ્ચે લાગણીઓ જેવું કશું બચ્યું નહોતું. ફુઆએ પૈસા આપવાનાં બંધ કર્યા હતા. હાથ પણ ઉપાડવા માંડ્યા હતા. એક વાર કાન પાસે એટલા જોરથી માર્યું કે, ફોઈને સંભળાવાનું બંધ થઈ ગયું જેનો કોઈ ઈલાજ પણ નહોતો. બીજી વાર ફુઆની મહેરબાનીથી તૂટેલા હાથપગ લઈને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું એ વધારાનું.
“ઘરની સમસ્યાઓ લઈને બહાર નહીં આવવાનું. પતિને બદનામ નહીં કરવાના. સમય જતાં બધું થાળે પડશે. ઝગડા કોનાં ઘરમાં નથી હોતા?” મારાં દાદી હંમેશા કહેતાં. બસ પોતાની માના એ શબ્દોને લઈને ફોઈ જીવનભર એ તૂટેલો સંબંધ સાચવતી રહી.
ફોઈનાં બંને સંતાનો બહાર ભણતાં હતાં. એમને ફોઈએ પોતાની પીડાનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો. ફોઈનું ભર્યુંભાદર્યું ઘર ઉજ્જડ બનવા માંડ્યું. ઘરનો દબદબો ઘટવા માંડ્યો હતો. આંગણાંમાંની ગાયો ઓછી થતી ગઈ. બસ, ખૂંટે બાંધેલી એક ગાય હતી જેનાં ગળે એવો ઘા હતો જે રૂઝાતો જ નહોતો. ફોઈએ એને ખૂંટેથી આઝાદ કરી દીધી હતી પણ, એ ક્યાંય જતી નહોતી. ઉદાસીથી એ ખૂંટા પાસે જ ઊભી રહેતી.
ફોઈનું પણ કદાચ એવું જ હતું.
ફુઆએ ઘરની જવાબદારી લેવાનું છોડી દીધું હતું. મા સમાન ફોઈની પીડા મારાથી સહન નહોતી થતી. લાખ વાનાં કરવા છતાં એ ફુઆને છોડીને મારી સાથે આવવા તૈયાર ન થઈ. સ્ત્રીઓ માટે પતિનું ઘર સુરક્ષા કવચ જેવું હોય હશે કે, પછી પરિવાર અને સમાજની મર્યાદા એનાં પગની જંજીર બની જતી હશે?
અકળાઈને ફોઈને તરછોડીને હું ત્યાંથી ચાલી નીકળતી. ફોઈનો વ્યથિત ચહેરો તો ક્યારેય ભૂલાતો નહીં. વિચાર્યા કરતી કે, કોઈ પોતાનાં જીવનને આવી રીતે દાવ પર મૂકી શકે ખરું?
ફોઈને મળીને આવતી એ ક્ષણે એવું લાગતું કે, મારું જીવન ફોઈનાં જીવનથી જરાય જુદું નથી. સંતાનો થયાં પછી મારાં જીવનમાં પણ આમ જ બનવા માંડ્યું હતું. કેટલીય વાર પૂછવા છતાં એ મૌન રહેતા. એમનું મૌન મને કોરી નાખતું. લોહીલુહાણ કરી દેતું. મારાં સંતાનોનું ભવિષ્ય, ઘર-પરિવારની મર્યાદા, બધું જ ડામાડોળ થવા માંડ્યું જેને સ્થિર કરવાની હું નિષ્ફળ કોશિશ કરતી હતી. મોડી રાત્રે આવે ત્યારે એમના મનની શાંતિ કોની પાસેથી શોધવા જતા હશે એવા વિચારથી હું વિચલિત થઈ જતી.
શક્ય હતું ત્યાં સુધી હું કર્તવ્યમાંથી ચલિત થઈ નથી. શક્ય હોય ત્યાં સુધી મારાં મનમાં છટપટાતા, અનુત્તર રહી જતા સવાલોને મનમાં ધરબીને અમારી વચ્ચે કશું જ અઘટિત બન્યું નથી એવી રીતે એમની સાથે વર્તી છું.
પણ, હવે હું ફોઈ જેવી નહીં બનું. મારી પાસે નોકરી છે જેનાં આધારે હું ચાર દીવાલોની વચ્ચે કેદ નહીં રહું.
ફોઈ મરી ગઈ એ સારું જ થયું. આપણું કોઈ દગાબાજ નીકળે તો જીવવું કેટલું કપરું બને એ હવે મને સમજાય છે.
હોઠ પર વહી આવેલાં ખારાં પાણીના સ્વાદથી સફાળી ચોંકી, ત્યારે સમજાયું કે આ આંસું જ તો છે મારી કાયમી એકલતાના સાથી. ફક્ત કમજોર હોવાની છાપ ઊભી ન થાય એ માટે એને કોઈની હાજરીમાં વહેવાં નથી દીધાં.
“મા, ક્યાં છું?” કહેતો દીકરો રૂમમાં આવ્યો ત્યારે વર્તમાનમાં પાછી ફરી. મારા સદાના સાથીને વહી જતાં રોકીને ઊભી થઈ. કેટલો સમય વીતી ગયો એનો ક્યાં અંદાજ રહ્યો હતો?
રૂમમાંથી બહાર આવીને ઘર-મંદિરમાં ફોઈનાં નામે ત્રણ દીવા પ્રગટાવી, આંખો બંધ કરીને ફોઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. બંધ આંખોની સામે ફોઈનો સ્વસ્થ, હસતો ચહેરો દેખાયો. ફોઈની આંખોમાં મારા પ્રત્યેનો અપ્રતિમ સ્નેહ છલકાતો દેખાયો અને ફરી મારી આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડી.
હવે આ આંસુમાં પીડા નહોતી. મનમાં શાંતિ અને હૃદયમાં ફોઈની મુક્તિ માટેનો આનંદ હતો.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments