છિન્ન/ પ્રકરણ- ૮ ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા
“વીશ યુ વેરી હેપ્પી મેરેજ ઍનિવર્સરિ, સંદિપ.”
શ્રેયાએ અર્ધ જાગૃત એવા સંદિપના ગાલે હળવુ ચુંબન કરી લીધું. બીજી ક્ષણે સંદિપે બેડમાંથી ઊભી થવા જતી શ્રેયાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી લીધી.
“આજે સાંજે કંઈ જ નહીં શ્રેયા. હું અને તું ડિનર સાથે લઈશું.”
અરે વાહ! પોતાના મનની વાત સંદિપના મોઢે? ચાલો સવારની શરૂઆત તો સારી થઈ. આગલા દિવસનું ટેન્શન ભુલાઈ ગયું. મનથી મૂંઝાતી શ્રેયાને હાશકારો થયો. બાકી એને લાગતુ નહોતું કે, વાત સાવ આમ સહેલાઈથી પતી જશે.
હમણાંથી સંદિપ વધુ ને વધુ જાણે રિસાળ બની ગયો હતો. પહેલાંની એની બેફિકરાઈ, વાતને હળવી રીતે લેવાનો સ્વભાવ બદલાયો હતો. શ્રેયાનાં જરાક અમસ્તા નકારને પણ એ સહી શકતો જ નહોતો અને કલાકો સુધી બોલ્યા વગર બેસી રહેતો.
ઓફિસમાં પણ એને કામ કરવાનો મૂડ રહેતો નહીં. આ વળી નવી વાત! અંગત પ્રોબ્લેમને કામ સાથે સાંકળવાની ક્યાં જરૂર? અંગત સમસ્યાઓ અંગત જ રહેવી જોઈએને? અંતરમાં ગમે તેટલો ભૂચાળ ચાલતો હોય પણ એનો હચરકો બહાર બીજા સુધી પહોંચે નહીં એટલો તો જાત પર સંયમ હોવો જોઈએ ને?
સાંજ ખરેખર સરસ રહી. ઘણાં સમયે જાણે એકબીજાની નિકટતા ફરી એકવાર જીવાતી ગઈ. આમ જોવા જાવ તો પ્રોબ્લેમ જ ક્યાં હતા અને આમ જોવા જાવ તો એના સોલ્યુશન પણ ક્યાં હતા? બસ એક નાનું અમસ્તું અંતર તો હતું બંનેના સ્વભાવમાં, બંનેના વિચારોમાં અને અમલમાં. પણ એ નાનું અમસ્તુ અંતર, એ નાની અમસ્તી ફાટ ક્યારે મોટી ખાઈ બનીને વિસ્તરતી રહી એની કોઈને ખબર ના રહી.
એ દિવસે સંદિપ બહાર સાઇટ પર હતો અને શ્રેયા ઓફિસમાં. ખાસ કોઈ કામ ન હોય ત્યારે શ્રેયા હજુ પેન્ટિગ કરી લેતી. એનાં માટે એ સૌથી વધુ ઉત્તમ સમય હતો જેમાં પોતાની જાતને પોતાની રીતે વ્યક્ત કરી શકતી. આ એક એવો શોખ હતો જેના લીધે એને ક્યારેય એકલતા લાગતી જ નહીં. આવા એકાંત માટે તો એ તલસતી જેમાં એ પોતાની જાત સાથે ઐક્ય સાધી શકે.
સંદિપે ધસમસતા ઓફિસમાં આવીને શ્રેયાના હાથમાંથી બધું જ લઈને બાજુનાં ટેબલ પર ખડકી એને ઓફિસમાંથી બહાર લઈ ગયો. કારમાં બેસીને કાર સીધી હાઇવે કર્ણાવતી ક્લબ તરફ લીધી. શ્રેયાનું આશ્ચર્ય વધતું જતું હતું. એક વાત તો એને સમજાઈ રહી હતી કે, સંદિપ કોઈ વાતને લઈને ખૂબ ખુશ હતો. કોઈક તો વાત હતી જે એ શ્રેયા સાથે શેર કરવા માંગતો હતો.
સંદિપને એસ.જી હાઇવે પર બનતી નવી થ્રી સ્ટાર હોટલનાં ઇન્ટિરિઅરનું કામ મળ્યું હતું. એના માટે એ ખૂબ મોટો ‘પ્રેસ્ટિજ ઇસ્યુ’ હતો. શ્રેયા પણ ખૂબ ખુશ થઈ ગઈ. વહાલથી સંદિપનો હાથ પકડીને હળવુ ચુંબન કરી લીધું. કોન્ગ્રેચ્યુલેશન સંદિપ, i am too happy and very proud of you. પછી તો આખા રસ્તે આ પ્રોજેક્ટને લઈને વાતો થયા કરી. શ્રેયા ખૂબ રસ અને ઉત્સાહપૂર્વક સાંભળતી રહી.
“સંદિપ, એક વાત કહું? આ વખતે પ્લીઝ પહેલેથી તકેદારી રાખજે, પાછળથી દર વખતની જેમ ટેન્શન, દોડાદોડી કે ઉજાગરા ના થાય….”
બ્રેકનો એક જોરદાર ઝટકો…..અને ગાડી ઉભી રહી ગઈ.
“નોટ અગેઇન, પ્લીઝ ડોન્ટ સ્ટાર્ટ નાઉ ઓલ ધેટ એટ લીસ્ટ નોટ ફોર ધીસ મોમેન્ટ.”
શ્રેયાથી જીભ કચરાઈ ગઈ. સંદિપનો મૂડ એકદમ ખરાબ થઈ ગયો. એક પળ અને એણે ગાડી ઘર તરફ પાછી વાળી લીધી. ગુસ્સાથી તમતમતો ચહેરો જોઈને શ્રેયા ડઘાઈ ગઈ. શું કરે એ? એ તો બે બાજુથી ભીંસાતી હતી. જો કંઈ બોલે નહીં અને હંમેશની જેમ જ છેલ્લી મિનિટો સુધીની દોડધામનું પુનરાવર્તન થાય તો એને દુઃખ થતું કે કેમ એણે સંદિપને પહેલેથી સતર્ક રહેવા ધ્યાન ના દોર્યુ? સંદિપના મૂડને લઈને જે રીતે કામમાં ડખા થતા, ક્યારેક કામ પર ચડવાનો એનો મૂડ ન હોય ત્યારે શ્રેયાને અંદરથી સતત ટેન્શન રહ્યાં કરતું. એને કે, છેવટે એકવાર તો સંદિપને સમયસર કામે લાગવાનું કહી જુવે, પણ જો બોલે તો તો વાત જ વણસી જતી.
ઘરે પહોંચીને સંદિપ સીધો જ બેડરૂમમાં ચાલ્યો ગયો. શ્રેયાના લાખ વાના છતાં બહાર જમવાના ટેબલ પર ના આવ્યો. છેવટે શ્રેયા એકલી જ નીચે આવી.
નયનભાઈ અને વિભાબહેનનું ઘરમાં કયારેક ઉભડક મન લઈને ફરતાં ઉભય પર ધ્યાન જતું હતું. નયનભાઈનું તો વિશેષ ધ્યાન જતું કારણ કે, ક્યારેક આવું બને ત્યારે ઘર હોય કે ઓફિસ શ્રેયા તો સ્વસ્થતાથી કામે લાગે જતી, પણ સંદિપ અજંપ રહેતો. આજે સંદિપ અને શ્રેયા એકદમ ઘેર પાછા આવ્યા ત્યારે તો શ્રેયાના ચહેરા પર પણ તણાવ દેખાયો હતો. જો કે એ નીચે આવી ત્યારે પૂરી સ્વસ્થતાથી નયનભાઈ અને વિભાબહેન સાથે જમવા બેઠી. સંદિપને ઠીક નથી એટલે ઇચ્છા થશે તો મોડેથી જમશે એમ કહીને વાત વાળી લીધી.
થોડા દિવસોથી બંને જણ વચ્ચેની તંગદિલી ગમે તેટલી ઢાંકવા મથતાં, પણ ડોકાયા વગર ક્યાં રહેવાની હતી? સંદિપનાં ઘર પૂરતી જ આ ક્યાં વાત હતી? હવે તો શ્રેયાના ઘર સુધી એની ઝાળ પહોંચી જતી. ક્યારેક શ્રેયાના ઘેર જવાનું થતું ત્યારે બને ત્યાં સુધી આવી તંગ પરિસ્થિતિમાં એ જવાનું ટાળતી. એ તો બધાની વચ્ચે સ્વસ્થ રહી શકતી, પણ સંદિપની વર્તણૂક ચાડી ખાઈ જતી. કાયમનો બોલકો સંદિપ ખપ પૂરતું બોલતો કે પછી સાવ શૂન્યમનસ્ક થઈને બેસી રહેતો.
બેચાર દિવસ પછી વળી બધું ઠેકાણે પડી જતું અને રાબેતા મુજબ સંદિપ અસલી મિજાજમાં આવી જતો, પણ આ વખતે એને મૂડમાં લાવવો જરા અઘરો લાગી રહ્યો હતો. બીજા દિવસની સવારે એ ઊઠ્યો ત્યારે હંમેશની જેમ શ્રેયાએ એને ગુડમૉર્નિંગ કહ્યું. પણ સામે એના જવાબમાં રોજિંદા ઉમળકાનો અભાવ વર્તાયો. સંદિપ એના સમયે તૈયાર થઈને ઑફિસે જવા નીકળી ગયો. શ્રેયાને ડૉ. દીવાનના બંગલા પરની સાઇટ પર જવાનું હતું એટલે લગભગ આખો દિવસ તો એમને સામસામે મળવાની શક્યતા હતી જ નહીં. દિવસમાં બેચાર વાર મોબાઇલ પર વાત કરી લેતા સંદિપનો આજે એક વાર પણ મોબાઇલ રણક્યો નહીં. શ્રેયાએ મોબાઇલ જોડ્યો, પણ સતત રિંગ જ વાગતી રહી.
આલેખનઃરાજુલ કૌશિક
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments