તુલસીનો છોડ- ગુજરાત ( લંડન -પશ્ચિમી જગતનાં સાપ્તાહિક -)માં પ્રસિદ્ધ વાર્તાનો ભાવાનુવાદ.
આ વાત છે, વિભાજનના સમયની.
એ સમયે ટંટામાં અટવાયેલા, બેઘર થયેલા કેટલાય લોકો એક શહેરથી બીજા શહેર તરફ આશરો મેળવવા ભાગદોડ કરી રહ્યા હતા. કામચલાઉ આશરા માટે પણ સવારથી સાંજ ભટકતા રહેતા લોકોમાંથી કોઈકની નજર સિમેન્ટના પુલની સાવ પાસેના એક બંધ બિનવારસી બે માળના મકાન પર પડી. અને પછી તો બાકી શું રહે? ડૂબતો તરણું ઝાલે એમ આ ટોળાએ તાળું તોડીને હો,હલ્લાની સાથે મકાનમાં પ્રવેશ કરી એ મકાન પર કબ્જો જમાવી દીધો.
સાંજ સુધીમાં તો આખા શહેરમાં આ બિનવારસી મકાનની વાત ફેલાઈ ગઈ. જેને રહેવાનાં ઠામ-ઠેકાણાં નહોતાં એ સૌનો ધસારો અહીં વધી ગયો. પહેલાં આવી ગયેલા લોકો તો જાણે એમનું ખુદનું મકાન હોય અને આ મકાન પર એમનો જ હક હોય એમ અકડ પર આવી ગયા.
ઘણી વિનંતી બાદ અંતે નવા આવનાર પર ઉપકાર કરતા હોય એમ માંડ થોડી જગ્યા ફાળવવા તૈયાર થયા. નવા લોકોને અહીં આશરો મળવાથી આશા તો બંધાઈ કે, હવે એમને ગંદકીભરી જગ્યામાં રહેવું નહીં પડે કે રોગચાળાથી હેરાન નહીં થવું પડે.
સૌ પ્રયાસપૂર્વક, થોડી બાંધછોડ સાથે બે માળના આ મકાનમાં ગોઠવાવા માંડ્યાં.
મકાનનાં રસોઈઘરની એક બાજુનાં આંગણામાં પત્થરના કૂંડાંમાં એક તુલસીનો છોડ હતો. લાંબા સમયથી માવજત વગરનો આ છોડ જાણે કરમાવા માંડ્યો હતો. ક્યારેક લી્લાંછમ રહેતાં એનાં પાંદડા કરમાઈને કથ્થઈ બની ગયાં હતાં. સાફસૂફીના અભાવે છોડની નીચે નકામું ઘાસ ઉગી નીકળ્યું હતું.
આ આખા ટોળાંમાં એક સૌથી માથાભારે માણસ હતો.
મોદાબ્બેર એનું નામ. આંગણાંમાં આ તુલસીનો છોડ જોઈને એ રોષે ભરાયો.
“તુલસીનો છોડ હિંદુત્વની નિશાની છે. આપણ્રે રહેતા હોઈએ ત્યાં હિંદુની કોઈ નિશાની ના જોઈએ. ઉખાડો અને ફેંકો એને અહીંથી બહાર.”
માથાભારે મોદાબ્બેરના અવાજમાં રહેલા રોષની માત્રાથી સૌ સ્તબ્ધ..
અહીં આવેલા લોકો હિંદુ રીતરિવાજથી ખાસ પરિચિત નહોતા, પણ સૌને એટલી તો ખબર હતી કે; તુલસી હિંદુ ધર્મનો પવિત્ર છોડ છે. હિંદુ ઘરની સ્ત્રીઓ માથે પાલવ ઓઢીને તુલસી ક્યારે દીવો પ્રગટાવી પ્રણામ જરૂર કરે છે. આવા પવિત્ર પ્રતીકને સન્માન ન અપાય તો પણ અપમાન કરવાનીય કોઈની હિંમત નહોતી.
હવે?
જો કે, સારા નસીબે ગાડરિયા ઘેટાંના પ્રવાહમાં એક ઘેટું સમજદાર નીકળે એમ આ ટોળામાં એક સમજદાર વ્યક્તિ હતી ખરી.
નામ એનું મતીન. રેલ્વેમાં નોકરી કરતા આ મતીનની મતિ હજુ ઠેકાણે હતી.
સ્મૃતિનાં તળ ફાડીને એની નજર સામે માથે પાલવ ઓઢીને સાંધ્યપૂજા કરતી એક હિંદુ નારીનો ચહેરો તરવરી રહ્યો.
કોણ જાણે ક્યાં હશે એ, કદાચ કલકત્તા, આસનસોલ, હાવડા, પણ જ્યાં હશે ત્યાં રહીનેય સાંજ પડે એને આ તુલસીક્યારો યાદ આવતો હશે તો એની આંખો ભીની થતી હશે?
માથે પાલવ ઓઢેલી, બે હાથ જોડીને, મસ્તક નમાવીને સાંધ્યપૂજા કરતી એ સ્ત્રીના વિચારોથી એના હ્રદયમાં ભીનાશ છવાઈ. હ્રદયની ભીનાશથી અવાજ પણ ભીનો બન્યો.
“રહેવા દો એ ક્યારાને. આપણે કોઈ એની પૂજા નહીં કરીએ, પણ સાંભળ્યું છે કે મકાનનાં આંગણમાં તુલસીક્યારો હોય તો સારું વળી તુલસીનાં પાંદડાથી શરદી-સળેખમમાં ફાયદો થાય.
માથાભારે મોદાબ્બેરે અન્યના મત જાણવા સૌની સામે નજર માંડી. સૌની નજરમાં મતીનની વાતની મૂક સંમતિ હતી. આ સૌમાં મૌલવીની કક્ષાએ ગણી શકાય એવો એક ઈન્સાન પણ હતો.
નામ એનું ઈનાયત. મતીનની વાત સાંભળીને એ પણ વિચારમાં પડ્યો. પાંચ વખતની નમાજ, કુરાનનું પઠન કરનાર ઈનાયત જાણે મતીનની વાતમાં મૂક સંમતિ આપતો હોય એમ મૌન હતો.
કદાચ એની સ્મૃતિમાંય એક એવી ભીની ભીની આંખો તરવરી રહી હતી. સૌની સાથે ઈનાયતને શાંત જોઈને મોદાબ્બરે પણ નમતું જોખ્યું. તુલસીનો છોડ ત્યાં જ રહ્યો.
દિવસો પસાર થતા રહ્યા.
એક સવારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સરકારી ઑર્ડર લઈને આવ્યા. એ ઑર્ડર મુજબ આ મકાનની જમીન પરની માલિકી સરકારની હતી.
ચોવીસ કલાકમાં ખાલી કરાયેલા એ સ્તબ્ધ મકાનની વચ્ચે પેલી ભીની ભીની બે આંખો, નત મસ્તક અને માથે પલ્લુ ઓઢેલી સ્ત્રીની રાહમાં ફરી એકવાર એ તુલસી ક્યારોરહી ગયો, એકલો અટૂલો.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Entry filed under: વાર્તા અલકમલકની.
Recent Comments