છિન્ન-પ્રકરણ/ ૬ (ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં પ્રસિધ્ધ લઘુ નવલકથા)
“શ્રેયા…….”
સંદિપે પાછળથી આવીને શ્રેયાને એકદમ જકડી લીધી અને હાથમાં એક કવર મૂક્યું. શ્રેયાએ એમ જ જકડાયેલી રહીને ખોલેલા કવરમાંથી લેટર કાઢયો.
રાજપથ હાઇવે પર શરૂ થતા નવા મોલમાં જ્વેલરી શૉ રૂમના ઇન્ટિરિઅરનો કોન્ટ્રાકટ સંદિપે સાઇન કર્યો હતો.
સંદિપ ખૂબ ખુશ હતો. નયનની ઑફિસમાં સંદિપની પોતાની અલગ ચેમ્બરનું ઇન્ટિરિઅર જોઈને એનું નામ હવે નવા ઊભરતા ઇન્ટિરિઅરની કક્ષામાં ગણાઈ રહ્યું હતું.
હનીમૂનથી પાછા આવ્યા બાદ આ બીજી મોટી ઓફર હતી. શ્રીજી કોર્પોરેશનની ઑફિસનાં ઇન્ટિરિઅરનું કામ તો એ પાછો આવે તે પહેલાં જ મળી ગયુ હતું. શ્રીજી કોર્પોરેશનની આખા ફ્લોર પરની એ ઑફિસની જુદી જુદી પાંચે કેબિનમાં ટ્રેન્ડી લૂકની સાથે સાવ અનોખી રીતે મોર્ડન ટચનું કૉમ્બિનેશન એણે કર્યુ હતું. તનિષ્કના શૉ રૂમ માટે આનાથી વધુ ઉત્તમ કૉમ્બિનેશન કયું હોઈ શકે? સંદિપ ખુશ હતો. એની સર્જનાત્મકતાને ખીલવા હવે મુક્ત ગગન જો મળતું હતું! આ ઑફરથી એનો આત્મવિશ્વાસ અને થોડે અંશે જાત માટે ગર્વ ઊભો થયો હતો. સાવ જ અનાયાસે મળેલી આ પહેલી તકના લીધે મનમાં એક ગુરૂર ઉત્પન્ન થયો હતો કે, હી ઇઝ સમથિંગ વેરી સ્પેશલ. એની સાથે જ ગ્રેજ્યુએટ થયેલા કેટલાય એના કો-સ્ટુડન્ટસ હજુ તો જોબ શોધતા હતા અથવા તો અનુભવ માટે ક્યાંક નાની મોટી ફર્મ સાથે જોડાયા હતા.
હનીમૂનની મધુર સફરેથી પાછા વળીને હવે બંનેએ કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રેયાનો ઝોક ઘરનાં ઇન્ટિરિઅર તરફ વધુ હતો. ઘરની વ્યક્તિઓની સંવેદનાને સજાવવી હતી. નાની નાની વાતને લઈને ઘર અને ઘરમાં વસતા, શ્વસતા સંબંધોની દુનિયા સજાવવી હતી, જ્યારે સંદિપને બહારની દુનિયામાં વધુ રસ હતો. વિશાળ ફલક પર એને વિસ્તરવું હતું. એના માટે આ નવા નવા મૉલ,નવા શૉ રૂમ, નવી ઑફિસો એની ઉડ્ડાન માટેના મોકળા આસમાન હતા. એને લોકોમાં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરવી હતી. સંદિપ નયન પરીખમાંથી માત્ર સંદિપ પરીખનું નામ લોકોમાં એસ્ટાબ્લિશ થવું જોઈએ એવો આગ્રહ મનના એક ખૂણે ધરબાયેલો હતો. આ મૉલમાં શરૂ થતું કામ એના શ્રી ગણેશ હતા.
“શ્રેયા, જો જે ને આ એક કામ બીજા અનેક કામને ખેંચી લાવશે.” શ્રેયા પણ એમ જ ઇચ્છતી હતી ને?
“સંદિપ, તારો નવો લે આઉટ તો બતાવ.”
“બતાવીશ, તને નહીં બતાવુ તો કોને બતાવીશ, પણ પહેલાં એને તૈયાર તો થવા દે.”
“વોટ? સંદિપ પંદર દિવસ થવા આવ્યા અને હજુ તેં લે આઉટ તૈયાર નથી કર્યો? તને યાદ તો છે ને આવતી છવ્વીસ જાન્યુઆરીએ મૉલનું ઉદ્ઘાટન છે? તને ખાતરી છે કે, તું આટલા દિવસોમાં કામ પુરુ કરી શકીશ?”
“શ્રેયા, વિશ્વાસ રાખ મારા પર. એક વાર કામ ચાલુ થશે પછી કંઈ જોવુ નહીં પડે.”
“સંદિપ, કામ ચાલુ થવું તો જોઈએને? દરેક કામ માટે પૂરતો સમય જોઈશે. તને કદાચ પેપર પર ડિઝાઇન તૈયાર કરતા વાર ન લાગે પણ તારી ટીમને તો એ કામ કરવામાં જેટલો સમય જોઈએ એટલો તો લાગવાનો જ છે ને?”
શ્રેયા કહેતી હતી એમ જ બન્યું. સંદિપના મૂડ અને મિજાજ ક્યારે બદલાઈ જતા અને સમય ક્યાં પસાર થઈ જતો એની ખબર પડે તે પહેલા તો ઉદ્ઘાટનનો દિવસ નજીક આવતો ગયો. શ્રેયાએ પોતાનું કામ અટકાવીને એની ટીમને સંદિપનાં કામે લગાડવી પડી. છેક છેલ્લા દિવસ સુધી કામ રહ્યું. જો કે કામની ખૂબ પ્રસંશા થઈ. શૉ રૂમ હોય તેના કરતા અનેક ગણો દેખાય એવી મિરર વૉલને લઈને અમદાવાદના અદ્યતન શૉ રૂમોમાંનો એક શૉ રૂમ ગણાયો. સંદિપનું નામ લોકોમાં જાણીતું થયું પણ એની પાછળનું ટેન્શન, કામને લીધે થયેલી દોડાદોડી શ્રેયા સિવાય કોઈને ના દેખાયા.
“આહ! આજે હું ખૂબ ખુશ છું શ્રેયા.”
ઉદ્ઘાટનના અંતે જ્યારે બીજી બે ઓફિસોના ઇન્ટિરિઅરના કામ સંદિપને મળ્યા ત્યારે સાંજનું ડિનર આજે બહાર જ લઈશું એવું સંદિપે શ્રેયાને કહીને ગ્રાન્ડ ભગવતીમાં ટેબલ બુક કરાવી લીધું પણ, શ્રેયા થોડી ઉદાસ હતી.
“કમ ઓન શ્રેયા ચીયર્સ. એન્જોય ધ ડિનર યાર. તારી વાત સમજુ છું. છેલ્લા દિવસ સુધી કામ ચાલ્યુ એ તને નથી જ ગમ્યું, પણ જે વાત પતી ગઈ છે એને અત્યારે યાદ રાખીને અપસેટ કેમ થાય છે? મારો સ્વાભાવ છે તું જાણે છે ને? જે પતી ગયું છે એને ભૂલીને આગળ વધવાનું હોય નહીં કે એને યાદ રાખીને બેસવાનું.”
શ્રેયા મૌન હતી. એ કેમ કરીને સમજાવે કે જે પતી ગયું છે એ ભૂલવાનાં બદલે ફરી એની એ ભૂલ ના થાય એના માટે થઈને પણ એ યાદ રાખવાનું હોય. એ સંદિપને કહેવા ઇચ્છતી હતી કે, જો એણે અગાઉથી કામનું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યુ હોત તો આ સફળતા વધારે મીઠ્ઠી લાગી હોત. આવડત, કૌશલ્યની સાથે ટાઇમ મેનેજમેન્ટ જેવી પણ કોઈ અગત્યની વાત હોઈ શકે પણ, અત્યારે સંદિપ સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નહોતો અને શ્રેયા કરવા ધારત તો પણ સંદિપ એ સાંભળવાનો ક્યાં હતો?
એ તો એની મસ્તીમાં જ મસ્ત હતો. શ્રેયાની આવી કોઈ ચિંતા કે મનનો ઉચાટ એને દેખાવાનો કે સ્પર્શવાનો નહોતો.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments