‘રંગભેદ’-ગરવી ગુજરાત ( લંડન -પશ્ચિમી જગતનાં સાપ્તાહિક -)માં પ્રસિદ્ધ વાર્તાનો ભાવાનુવાદ.
રંગભેદ
“અંબુલુ, ઓ…અંબુલુ..” પત્નીનાં નામની બૂમો મારતા રામભદ્ર ઘરમાં પ્રવેશ્યા.
“અરે, શું વાત છે, કોઈ ખજાનો હાથ લાગ્યો કે શું?” પતિને આટલા ઉત્તેજીત જોઈને વિમાસણમાં પડેલી પત્નીએ સવાલ કર્યો.
વરંડાની દીવાલને અઢેલીને બેઠી બેઠી પત્રિકા વાંચતી વિમલા પણ આશ્ચર્યથી પિતા સામે જોઈ રહી.
“ખજાનાથી ચઢે એવી વાત છે. દક્ષિણ આફ્રિકાથી છોકરાનો જવાબ આવ્યો છે કે એને વિમલા પસંદ છે. બે મહિના પછી ભારત આવશે ત્યારે લગ્ન લઈશું.” દીકરીની સામે એક મીઠ્ઠું સ્મિત આપીને રામભદ્રએ પત્નીને જવાબ આપ્યો અને દીકરી તરફ નજર કરી. શરમાઈને વિમલાએ હાથમાં પકડેલા સામયિકથી ચહેરો ઢાંકી દીધો.
“જોયું, હું કહેતો હતો’ને કે આપણી વિમલા નસીબવાળી છે. પહેલી વાર જે છોકરો જોયો એમાં જ વાત નક્કી થઈ ગઈ.” રામભદ્ર ઉત્સાહથી ઉભરાતો હતો.
“અરે, આટલા ઉતાવળા ના થાવ. હજુ જન્મકુંડળી મેળવવાની, લેણદેણની વાત કરવાની બાકી છે. તમે તો એવા ઉછળો છો કે જાણે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.”
“પાક્કી જ સમજ. વિમલાનો ફોટો જોઈને જ છોકરાએ તો હા પાડી દીધી છે.”
“હા પણ, વિમલાનેય તે છોકરો ગમવો જોઈએ ને?”
“સુડોળ અને દેખાવડો તો છે, પસંદ કેમ નહીં આવે?”
રામભદ્ર પૈસાવાળા હતા. એમની દીકરીને દરેક જાતની સગવડ મળે, નોકરી ના કરવી પડે એવી ઇચ્છા હતી. એના માટે વરપક્ષને મ્હોં માંગ્યો કરિયાવર કરવા તૈયાર હતા.
મદ્રાસમાં એમ.એસ.સી.માં સર્વપ્રથમ કક્ષામાં પાસ થયેલો આસીન ઐય્યાસ્વામી દક્ષિણ આફ્રિકાની કોઈ મોટી કંપનીમાં સારા વેતન પર કામ કરતો હતો. પહેલી વારમા જ આવા યુવકે પોતાને પસંદ કરી એ જાણીને વિમલાને આશ્ચર્ય જરૂર થયું હતું સાથે અપાર આનંદ પણ થયો.
દસેક દિવસ પછી વિમલા એક તામિલ સામયિક વાંચતી હતી. એ.એન.એ. સામી નામના કોઈ લેખકે અંગ્રેજીમાંથી તામિલમાં અનુવાદ કરેલા એક લેખ તરફ એનું ધ્યાન ગયું. વિભિન્ન રાષ્ટ્રોના સંબંધને અનુલક્ષીને એ લેખ લખાયેલો હતો. એમાં દક્ષિણ આફ્રિકા શબ્દ વાંચતાની સાથે એની ઉત્સુકતા વધી ગઈ. પોતાને એ દેશમાં જઈને રહેવાનું છે એટલે શક્ય હોય એટલી જાણકારી લેવા એક પણ શબ્દ વાંચવાનો રહી ન જાય એટલી ચીવટથી એ લેખ વાંચી ગઈ.
લેખનું શીર્ષક હતું, ‘અપારતીડ’.
દક્ષિણ આફ્રિકામાં જે કોઈ અલ્પ સંખ્યામાં અંગ્રેજ શાસક હતા એ લોકો અફ્રિકાના મૂળ રહેવાસી લોકોને કાળા, અછૂત ગણીને અપાર યાતના આપતા હતા જેનું લેખકે સવિસ્તાર આલેખન કર્યું હતું. લેખકનું કહેવું હતું કે, અંગ્રેજો દ્વારા અપાતી એ યાતનાની તુલનમાં આપણા દેશની છૂતઅછૂતની પ્રથા તો કોઈ વિસાતમાં નથી. લેખકે સમસ્ત સમાજ સામે શબ્દોનો કોરડો વીંઝતા લખ્યું હતું કે, દરેક માનવ શરીરમાં લોહીનો રંગ લાલ જ છે તો શરીરનો બાહ્ય વર્ણ કાળો હોય તો એમની ઉપેક્ષા કરવી માનવતા વિરુદ્ધ વાત છે, વગેરે વગેરે…
વિમલાને થયું કે, ગંભીર શૈલીમાં લખાયેલા એ લેખનો અનુવાદ કર્યો તો શીર્ષકનો કેમ નહીં કર્યો હોય વળી જો અનુવાદ આટલો પ્રભાવશાળી છે તો મૂળ લેખનો પ્રભાવ તો કેવોય હશે!
વિમલાનાં મનમાંથી થોડા દિવસ પછી એ લેખ વિસરાઈ પણ ગયો. એક દિવસ રામભદ્રે આવીને કહ્યું કે, ‘હિમાલય’ નામનાં સામયિકમાં ‘અપારતીડ’ નામનો લેખ લખનાર એ.એન.એ.સામી. એટલે પેલો દક્ષિણ આફ્રિકાવાળો યુવક આસીન ઐય્યાસ્વામી. આસીન ઐય્યાસ્વામી જેવું જૂની પ્રણાલીવાળું નામ બદલીને સંક્ષિપ્તમાં એણે એ.એન.એ.સામી. લખવાનું શરૂ કર્યું છે.
“હશે, નામનું શું, અય્યાસ્વામી હોય કે અણ્ણાસામી, આપણે તો છોકરો સારો છે એટલું પૂરતું છે.” કહીને હસતા હસતા રામભદ્રએ વાતનો બંધ વાળ્યો અને આડી નજરે વિમલા સામે જોઈ લીધું. વિમલાનાં મનમાં પણ થનારા પતિ માટે ગર્વની લાગણી થઈ. આજે તો એની પાસે સામયિક પણ નહોતું જેનાથી શરમથી લાલ થયેલો ચહેરો એ સંતાડી શકે. હવે એને એ અનુવાદનો મૂળ અંગ્રેજી લેખ વાંચવાની ઉત્કંઠા થઈ પણ, આફ્રિકાનું એ મૂળ સામયિક ભારતમાં ઉપલબ્ધ નહોતું.
બે મહિના પછી એ યુવક એ.એન.એ.સામી. ઉર્ફે આસીન ઐય્યાસ્વામી ભારત આવ્યો. છોકરીને જોવાં,મળવાંની પ્રણાલી પૂર્ણ થઈ. વિમલાને તો યુવક પસંદ આવ્યો. આસીનના માતા-પિતાએ ‘બે દિવસ પછી સમાચાર મોકલીશું’ કહીને વિદાય લીધી.
બે દિવસ પછી રામભદ્રને પત્ર મળ્યો. એ વાંચીને તો એમને અત્યંત આઘાત લાગ્યો. પત્રમાં લખ્યું હતું યુવકને વિમલા પસંદ નથી કારણ કે, એ કાળી છે.
-જ્યોતિર્લતા ગિરિજા લિખિત વાર્તા- દક્ષિણ આફ્રિકા કા દામાદ’ પર આધારિત ભાવાનુવાદ –
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments