છિન્ન -પ્રકરણ/૫ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુનવલકથા –
છિન્ન -પ્રકરણ ૫
૬ વાગ્યાની ઇન્ડિયન એર લાઇન્સ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે શ્રેયા એકલી જ સંદિપને લેવા પહોંચી હતી. એ અને સંદિપ એકલાં જ હોય એવો થોડો વ્યક્તિગત સમય મેળવી લેવો હતો. એરપોર્ટની બહાર આવતા સંદિપને એ જોઈ રહી.
ડાર્ક બ્રાઉન કોડ્રોય પેન્ટ અને એકદમ લાઇટ બ્રાઉન ટી–શર્ટ, પવનમાં ઉડતા કોરા વાળ, અમેરિકા રહીને ઉઘડેલો વાન, ચહેરા પરની બેફીરાઈ, ઓહ! સંદિપ પહેલાં પણ આટલો જ સ્માર્ટ લાગતો હતો કે આજે વધુ ધ્યાનથી એણે એને જોયો?
સંદિપે આગળ આવીને ઉમળકાથી શ્રેયાને હળવા આલિંગનમાં જકડી લીધી. એનો વિશ્વાસ સાચો ઠર્યો હતો. એ ગયો ત્યારે શ્રેયાએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું પણ, પાછો આવશે ત્યારે શ્રેયાના નિર્ણય શું હશે એ એણે વિચારી લીધું હતું.
સામાન ડેકીમાં મુકીને સંદિપે સ્ટીયરિંગ વ્હીલ સંભાળી લીધું. શ્રેયાનાં આશ્ચર્ય વચ્ચે ગાડી સીધી એણે કામા તરફ લીધી. એક રીતે શ્રેયાને સારું લાગ્યું કે, સંદિપ સાથે એકલતાની કેટલીક પળો મળશે. આ ૬ મહિના દરમ્યાન ન કરેલી વાતો, કેટલીક અજાણી અવ્યક્ત થયેલી લાગણી એની સાથે શેર કરી શકશે. જોકે આખા રસ્તે એ શાંત રહી. સંદિપ આખા રસ્તે કઈને કંઈ બોલતો રહ્યો.
“વેલ કમ બેક ટુ ઇન્ડિયા સંદિપ એન્ડ હાર્ટીએસ્ટ કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ.” બંને કામાના બેંક્વેટ હોલમાં જેવા પ્રવેશ્યા કે તરત જ તાલીઓના ગડગડાટ વચ્ચે આખા ગ્રુપ અને નજદીકી પરિવારજનોએ બંનેને વધાવી લીધા. દિગ્મુઢ થયેલી શ્રેયાનો હાથ થામીને સંદિપ આગળ વધ્યો.
“થેન્ક્સ અ લોટ ફોર બીઇંગ વીથ અસ ટુ સેલિબ્રેટ ધીસ મોમેન્ટ.”
“આ શું સંદિપ?”
“ઓહ શ્રેયા! આઇ એમ સો હેપ્પી એન્ડ ધેટ્સ વ્હાય આઇ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ સરપ્રાઇઝ” સંદિપ શ્રેયાને લઈને બંનેના પરિવાર તરફ વળ્યો.
એ ખૂબ ખુશ હતો અને શ્રેયા ગૂંગળાઈ રહી હતી.
“ઓ પ્લીઝ સંદિપ, આપણી કોઈ પળો અંગત ન હોઈ શકે? સાચી વાત છે ખુશી વહેંચવાથી વધે છે પણ પહેલાં એ ખુશી, એ આનંદ મને તારી સાથે તો માણી લેવા દેવો હતો!”
આજે સંદિપ શ્રેયાનું કંઈ સાંભળવાના મૂડમાં નહોતો. એ મહેફીલનો માણસ હતો. એને એનુ ગૌરવ યારો,દોસ્તો સાથે શેર કરવું હતું. શ્રેયા ખેંચાતી રહી.
બસ પછી તો સંદિપની ધાંધલ ધમાલ, મસ્તીના પૂરમાં એ હંમેશા વહેતી રહી. કૉલેજનો બાકીનો સમય પણ એમ જ પસાર થતો રહ્યો. રિઝલ્ટ, ડીગ્રી કે સર્ટીફીકેટ આવે તે પહેલા બંને પોતપોતાની રીતે પ્રેક્ટિકલ અનુભવ લેતાં રહ્યાં.
એક દિવસ લાલ પાનેતરમાં લપેટાઈને અગ્નિની સાક્ષીએ શ્રેયા વિવેક શ્રોફમાંથી શ્રેયા સંદિપ પરીખ બની ગઈ. શ્રેયા અને સંદિપ એમનાં સહજીવનના શ્રેષ્ઠ દિવસો માણવાં યુરોપ પહોંચી ગયાં.
સ્કોટ્લેન્ડની હરિયાળીમાં એ લીલીછમ બનતી ગઈ. સંદિપ અહીં સાંગોપાંગ એનો જ હતો. “ટુ ઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડ.”શ્રેયા કહેતી.
અહીં એની અને સંદિપ વચ્ચે કોઈ ક્રાઉડ નહોતું. એકબીજાને પામતાં એકમેકમય બનતાં ગયાં.
આહ! આજે શ્રેયાને થતું હતું કે, એનો નિર્ણય યોગ્ય જ હતો. સંદિપને તો વળી વિદેશની ધરતી પરનું આ મુક્ત બંધનવિહોણું વાતાવરણ એકદમ જચી ગયું. શ્રેયાને ક્યારેક સંકોચ થઈ આવતો પણ અહીં ક્યાં કોઈ એને ઓળખતું હતું? લજામણીનો છોડ ખીલતો ગયો.
“સંદિપ, પપ્પાનો મેઇલ છે. શ્રીજી કોર્પોરેશનની નવી ઓફિસનું ઇન્ટિરિઅર કરવા માટે તને ઓફર આવી છે. મોટાભાગે શ્રેયા મેઇલ ચેક કરી લેતી, સમાચારોની આપલે કરીને મેઇલ પર એમની સુખની ક્ષણોમાં દૂર રહીને પણ પરિવારને સામેલ કરી લેતી.
“ઓહ! નો શ્રેયા નોટ નાઉ. અમદાવાદ પાછાં જઈએ ત્યારે બધી વાત.”
અત્યારેને અત્યારે કોણ તને કામ શરૂ કરવાનુ કહે છે પણ, તું કન્ફર્મેશન માટેનો જવાબ તો લખી દઈ શકે ને? શ્રેયાને થોડી અકળામણ થતી પણ, સંદિપને કોઈ ઉતાવળ નહોતી.
“યુરોપનો તો એનો પોતાનો આગવો ઇતિહાસ છે તો સાથે અફાટ સૌંદર્યના ખજાનાની અણમોલ ભેટ પણ. શ્રેયા, આ બધું માણવાનું છોડીને તું કામની વાત અત્યારે ક્યાં લઈને બેસે છે? આ રોમન સ્ટાઇલનું બાથનું કન્સ્ટ્રકશન તને ફરી ક્યારે જોવા મળવાનું છે? આ વિન્ડસર કેસલ, એડિનબરા પેલેસ, સેન્ટ પૉલ ચર્ચની ભવ્યતા, વેલ્સનો આ સ્નોડૉનિયા અને લેન્ડ્ઝ એન્ડની આ રમણીયતા ફરી તને અમદાવાદ તો શું પણ દુનિયામાં ગમે તેટલું તું ફરીશ તો પણ તને શોધી જડવાની છે?”
આમ જોવા જાવ તો વાત સાચી હતી.
“ઓ કે બાબા, તારી મરજી.”
શ્રેયાને એનો આગ્રહ છોડી દેવો પડતો, પણ એટલું તો એને ચોક્ક્સ થતું કે સામે આવેલી તક જતી તો ના જ કરવી જોઈએ. કામ અત્યારે ક્યાં શરૂ કરવાનું હતું, એણે તો બસ ખાલી એની સંમતિ જ દર્શાવવાની છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે એણે જરા આગળ વધીને માત્ર કપાળ પર તિલક કરવા દેવાનું છે. સંદિપની હા હશે તો એ લોકો સંદિપ માટે રાહ જોવા તૈયાર હતા.
શ્રેયા અંતે એ બધું વિસરીને સંદિપમય બનતી ગઈ. સ્કોટલેન્ડની ધરતી પર સુખની પાંખે સવાર સમય વહેતો રહ્યો. આગળ વધીને કેટલું ફર્યા એનો હિસાબ માંડવા બેસે તો માઇલોનાં માઇલો મુસાફરી કરી પણ, કેટલીક યાદો હંમેશ માટે ચિત્ત સાથે જડાઈને રહી ગઈ. નૈસર્ગિક સૌંદર્યની સાથે અંગત રસ જોડાયેલો હતો. બર્મિગહામના એ સિમ્ફની હોલનું આકર્ષક ઑડિટોરિયમ, એની લાઇટ એન્ડ સાઉન્ડની અદ્ભુત ક્ષમતાથી સંદિપ ખૂબ અભિભૂત થઈ ગયો. વર્લ્ડ હેરિટેજ તરીકે જાણીતાં બાથનું રોમન સ્ટાઇલનું કન્સ્ટ્રકશન એ સંદિપના રસના વિષયો હતા. વેલ્સના લેન્ડુડમાં વિક્ટોરિયલ એડવર્ડિયન સમયની ભવ્યતા, લાલિત્યનો સમન્વય સંદિપને અપીલ કરી ગયો.
શ્રેયા માટે પણ અહીં ક્યાં કોઈ ખોટ હતી?
સ્નોડોનિયાની એ નાનકડી ટ્રેન સફર, ૩૦૦૦ ફીટની ઊંચાઈએથી હલકા ધુમ્મસ વચ્ચે નીચે દેખાતો પેનોરમિક વ્યુ, સંદિપનો હાથ પકડીને ઉભેલી શ્રેયા પરથી પસાર થતાં એ ધુમ્મસભર્યા વાદળ !
જીવનભર એ સ્પર્શ એને યાદ રહી જવાનો હતો. કોનવોલના એ લેન્ડઝ એન્ડને ક્યાં ભૂલી શકવાની હતી? યુ.કે.ની ધરતીના છેડા પર આવીને બંને જણ ઊભાં હતાં. એ દિવસે સમી સાંજે ઢળતા સૂર્યના ઉજાસ પર ધુમ્મસનું ઘેરું આવરણ આવી ગયું. શ્રેયા સાગર કિનારે ઊભી છે કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાતી હતી એનો ભેદ પણ એ કળી શકતી નહોતી. સાગરનો એ ઘુઘવાટ,લહેરાતા પવનની હળવી થપાટો, હવાના સુસવાટાનુ ગજબનુ સંમિશ્રણ કોઈ અજબ મોહિની ફેલાવી રહ્યું હતું. શ્રેયા તો બસ એમાં ઓગળતી રહી અને સંદિપ એ પીગળતી શ્રેયાને પોતાના શ્વાસોશ્વાસમાં સમાવતો ગયો.
જીવનના સૌથી ઉત્તમ દિવસો હતા એ. બસ બંને જણ એકમેકમાં ખોવાતાં, પામતાં રહ્યાં. જે શ્રેષ્ઠ હતુ તે અન્યોઅન્ય આપતા ગયાં.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments