‘મનમોજી’ -રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા .
આથમતી સાંજે સૂર્યદેવના સોનેરી કિરણોથી અરવલ્લીના પત્થરિયા ઢોળાવો પર સોનેરી આભા છવાઈ હતી પણ ટોડ રોકની ગુફા જેવી બખોલ સુધી એ આભા પહોંચી નહોતી. કદાચ થોડો ઘણો ઉજાસ રેલાયો હોત તો પણ એનાંથી મારાં કે ‘મનમોજી’ના ચહેરાની ઉદાસી આછી કે ઓછી થઈ ના હોત.
“મનમોજી! આ તે કેવું નામ?”
“કેમ, ન હોય? જેને કોઈ વાતની કે પરવાહ ન હોય એને શું કહેવાય? નાનપણથી મારા માટે આ નામ સાંભળતો આવ્યો છું અને હવે એ નામ ગમી ગયું છે.”
હું અને મનમોજી..
આ સાંજ પછી અમે ક્યારે મળીશું, અરે! મળીશું કે કેમ એની જાણ નહોતી એવી અનિશ્ચિત ક્ષણોમાં કશું જ બોલ્યા વગર હાથ થામીને બેઠાં હતાં. પહેલી વાર જોયો ત્યારથી આજ સુધી એના ચહેરા પર હંમેશા જોયેલી મોજના બદલે ઉદાસી દેખાઈ.
માઉન્ટ આબુની તાજગીભરી હવામાં પહેલો શ્વાસ લીધો ત્યારે તો હવાની એ તાજગીનો પરિચય નહોતો થયો પણ, સમજણ આવતી ગઈ એમ આબુનો વિશેષ પરિચય થતો રહ્યો.
સ્ટેટ્સ સીમ્બોલ જેવી આબુની અનેક હોટલોમાંની એક એટલે ‘ક્રિષ્ના નિવાસ’. એ નામ મમ્મીનાં નામ પરથી છે કે મમ્મીની એના ક્રિષ્ના પરની અતૂટ શ્રદ્ધાના લીધે છે એની તો ખબર નથી પણ આબુ આવતાં અનેક સહેલાણીઓની પસંદગીની ટોપ હોટલમાંની એક છે એની ખબર પડવા માંડી ત્યારથી મને હોટલ અને હોટલ બિઝનેસમાં રસ પડવા માંડ્યો.
સ્કૂલ પછી મોટાં શહેરમાં જઈને હોટેલ બિઝનેસ મેનેજમેન્ટ કૉર્સ કરવાની મારી ઇચ્છા જાણીને પપ્પા પોરસાયા હતા. “કોણ કહે છે કે દીકરો હોય તો જ વારસો સંભાળે. મારી અનુ ‘ક્રિષ્ના’નું નામ ઇન્ટરનેશનલ ફલક સુધી લઈ જશે. ‘ક્રિષ્ના નિવાસ’માંથી ‘ક્રિષ્ના રિસૉર્ટ’ બનાવશે.” પપ્પાનું સપનું મારી આંખોમાં અંજાયું. સ્કૂલનાં છેલ્લાં વર્ષનાં વેકેશન દરમ્યાન પરિણામ આવે ત્યાં સુધીમાં તો મુંબઈથી માંડીને મેલબર્ન સુધીની કૉલેજોની જાણકારી મેળવીને એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી.
ઉનાળુ વેકેશનમાં એક્ઝામની તૈયારી સાથે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડ્સ સાથે ગાળેલા સમયનું ભાથું બાંધી લેવું હતું. આબુની દરેક સાંજ માણી લેવી હતી. દૂર અરવલ્લીના પહાડો પરથી રેલાઈ આવતા, આથમતા સૂર્ય કિરણોથી ઝિલમિલાતી નખી લેકનાં પાણીની સતહને આંખમાં આંજી દેવી હતી. દૂરથી વહી આવતી પવનની લહેરખીમાં ભળેલી નખી લેકનાં પાણીની નિશ્ચિત ગંધ શ્વાસોમાં ભરી લેવી હતી.
સાંભળવામાં આવ્યું કે, નખી લેક પર કોઈ નવી કૉફી શૉપ ખુલી છે. એ કૉફી શૉપની મુલાકાત લેવી હતી. ત્યારે ક્યાં ખબર હતી કે એ મુલાકાત જીવનમાં કોઈ નવો રંગ ઉમેરી દેશે!
રાજસ્થાનનાં રજવાડાં જેવું ફર્નિચર જોઈને એકાદ ક્ષણ તો એમ થયું કે આમાં નવું શું છે? પણ, ઠીક છે આવી છું તો એક કૉફી તો બનતી હી હૈ, એમ વિચારીને કૉફી શૉપનાં નખી લેક દેખાય એવાં ટેબલ પર જઈને બેઠી. બેકગ્રાઉન્ડમાં સાંભળવું ગમે એવું હળવું સૂફી સંગીત વાગતું હતું. કૉફી શોપ પર ઉડતી નજર કરતી હતી ને મોબાઇલ પર મમ્મીનો મેસેજ ફ્લેશ થયો. મેસેજનો જવાબ આપવામાં ધ્યાન પોરવ્યું ત્યાં કોઈએ મેન્યુ કાર્ડ સરકાવીને અદબપૂર્વક પૂછ્યું, “Your order please.”
“One expresso coffee.”
“કૉફીની સાથે સૅન્ડવિચ? અહીંની સૅન્ડવિચ પણ છે.”
“હા, ઠીક છે એક સૅન્ડવિચ.” મમ્મીના ઉપરાઉપરી આવતા મેસેજનો જવાબ આપવા ઊંચું જોયા વગર જવાબ આપી દીધો.
પાંચેક મિનિટમાં કૉફીની સાથે ટેબલ પર સૅન્ડવિચ હાજર. કૉફીના કપમાંથી આવતી કડક મીઠી સુગંધથી મન તરબતર થઈ ગયું.
“Can I have coffee with you?”
“હેં…”
હવે મેં મોબાઇલમાંથી નજર ઉઠાવીને એની સામે જોયું. મારા માટે આ અણધાર્યો સવાલ હતો અને સવાલ પૂછનાર તો વળી સાવ અજાણ્યો.
ગોરા, ફાંકડા ચહેરા પર ઉગેલી આછી દાઢી, કથ્થઈ ઘુઘરિયાળા વાળ, હું હા પાડીશ તો ઠીક નહીં તોય ઠીક એવી ચહેરા પરની સદંતર બેફિકરાઈવાળા એવા યુવાનની સામે જોઈને શું જવાબ આપવો એ વિચારું ત્યાં સુધીમાં, “That’s ok.” કહીને એણે ચાલવા માંડ્યું.
“Yes, you can.” ઉતાવળે હું બોલી.
“Thanks.” જાણે મારી હા કહેવાની જ રાહ હોય એમ ત્વરાથી કાઉન્ટર પર જઈને પોતાની કૉફી લઈ આવ્યો.
બસ, આ અમારી પહેલી મુલાકાત. અઢળક વાતો થઈ. ચહેરા પર જેટલી મસ્તી હતી એનાથી અલગ એની વાતોમાં ઊંડાણ હતું. અજબ વાતો, ગજબ ફિતરત. ઘુઘરિયાળા વાળ ઓળવાની કે ક્લિન શેવ કરવાની એને ટેવ નહીં હોય! કપાળ પર સરી આવતા ઝુલ્ફા હાથ ફેરવીને સરખા કરી લેતો.
પછી તો રોજે અચૂક સાથે કૉફી પીવાનું બંધાણ થઈ ગયું. એ બંધાણ કૉફીનું હતું કે મનમોજીની વાતોનું?
“શું ફરક પડશે જાણીને?”
મનમાં સવાલ ઊઠ્યો એવો જ જવાબ મળ્યો પણ મને મેલબર્ન યુનિવર્સિટીનાં ફેબ્રુઆરીથી શરૂ થતાં સૅમિસ્ટરમાં ઍડમિશન મળી ગયું એ જાણીને એને બહુ ફરક પડ્યો હોય એવું લાગ્યું.
“ઓહ, તો તું જવાની?”
“હા, ‘ક્રિષ્ના નિવાસ’ને ‘ક્રિષ્ના રિસોર્ટ’ને ઇન્ટરનેશનલ ફલક પર ઓળખ આપવાનું પપ્પાનું સપનું છે જેણે મારી આંખોમાંય આશાનો રૂપેરી રંગ આંજી દીધો છે.”
“ફતેહ કરજે, ખૂબ ખુશ રહેજે. હું અહીં જ તારી રાહ જોઈશ.” એનાં ઘેરા અવાજમાં જાણે વશીકરણ હતું.
“મને કે તારી જાતને કોઈ એવું વચન ના આપીશ જેનો ભવિષ્યમાં ભાર લાગે. શક્ય છે તારાં જીવનમાં કોઈ આવે કે પછી મને કોઈ ગમી જાય…” ઉતાવળે હું બોલી.
“તું મુક્ત છું. તારા મન પર કોઈ ભાર ન રાખીશ. તું પાછી આવીશ કે નહીં, મને મળીશ કે નહીં મળે, હું તો અહીં જ હોઈશ.” અવાજમાં ભારોભાર ખાતરી હતી..
“પાછી તો હું આવવાની જ છું. મારું અને પપ્પાનું સપનું સાકાર કરવાનું મારી જાતને વચન આપ્યું છે.”
કેટલીય વાર એનું સાચું નામ પૂછવાં છતાં એક જ જવાબ મળતો. ‘મનમોજી’.
“બીજું તારે મારા માટે શું જાણવું છે? હું જેવો છું એ આ જ છું. મારામાંથી મને શોધ, મારામાંથી મને ઓળખ.” એ કહેતો.
*****
ટોડ રોકની એ સાંજ પછી હું કૉફી શોપ પર ના જઈ શકી, ના એણે મને મળવાની ઇચ્છા પ્રગટ કરી.
મેલબર્નમાં આ વર્ષો દરમ્યાન કેટલાયને મળવાનું થયું. કોઈ પણ છોકરીનાં મનને જચી જાય, જીવન સાથે જીવવાની ઇચ્છા થઈ જાય એવો સ્માર્ટ સત્યેન, હેન્ડસમ હર્ષ, ડૅશિંગ ડેનિયલ છતાં મારું મન ક્યાંય ઢળતું નહોતું. સોહામણા સોહમે તો પ્રપોઝ કરી દીધું.
ખોટું ક્યાં બોલવું? કોઈ ક્ષણે સોહમ તરફ થોડું આકર્ષણ તો મનેય થયું હતું છતાં એણે પ્રપોઝ કર્યું ત્યારે ધક…કરીને દિલ એક ધબકાર ચૂકી ગયું. પકડવાં મથીએ અને હાથમાંથી સરકી જતાં પતંગિયાની જેમ એ આખી રાત ઊંઘ આવી આવીને આંખમાંથી સરકી ગઈ. કાનમાં સોહમના શબ્દ પડઘાયા કર્યા અને આંખમાં મનમોજીનો ગોરો, ફાંકડો ચહેરો તર્યા કર્યો. કપાળ પર ધસી આવતા એના આછા કથ્થઈ ઘુઘરિયાળા વાળને હળવે ઝાટકે પાછા ધકેલવાની નાકામયાબ હરકત યાદ આવતી રહી.
“તારાં વાળ કેમ નથી ઓળતો?” ક્યારેક પૂછતી.
“વાળ ઓળે શું થાય, વધુ સફાઈદાર દેખાવાય?” એ સામે સવાલ કરતો.
“હે ભગુ, શું કરવાનું આ છોકરાનું?” હું કહેતી અને એ હસી પડતો. આ ક્ષણે એ સદંતર રેઢિયાળ, મનમોજી યાદ આવ્યા કરતો.
દરેકમાં હું ‘મનમોજી’ને શોધવા મથતી સોહમમાં પણ એને શોધ્યો. મનમાં અંકાયેલી મનમોજીની છબીમાં સોહમને ન ગોઠવી શકી.
મનમોજી સતત યાદ આવતો. કૉન્ટેક્ટ કરવાનું મન થતું પણ ટાળતી રહી. કેટલીય વાર મોબાઇલ પર મેસેજ કર્યા, ડિલીટ કર્યા. ખાતરી છે એ પણ એમ કરતો જ હશે.
‘I love you’ ક્યારેય કહ્યું નહોતું કે will you marry me.” કહીને ક્યારેય પ્રપોઝ નહોતું કર્યું. પ્રેમ છે એવો ઈશારો સુદ્ધાં નહોતો કર્યો કે, જીવન સાથે જીવવું છે એવું પણ નહોતું કહ્યું. ‘તું મુક્ત છું.’ એણે તો કહ્યું હતું છતાં એનાથી મારી જાતને મુકત કરી શકતી નહોતી કે પછી મુકત થવું જ નહોતું?
વાર,તારીખ, મહિનાઓ પસાર થતા રહ્યા. કૉલેજ, કૉલેજનું ગ્રેજ્યુએશન, હાથમાં હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી….વાહ! જે જોઈતું હતું એ મળી ગયું.
વાપસીની ટિકિટનો સ્નેપ-શોટ લીધો પણ મમ્મી-પપ્પાને મોકલવાનો વિચાર માંડી વાળ્યો. વિચાર્યું, સરપ્રાઇઝ આપીશ.
શું કરું, મનમોજીને મોકલું? આટલા સમય દરમ્યાન એક પણ વાર બંનેમાંથી કોઈએ કૉન્ટેક્ટ કર્યો નહોતો. એ આબુમાં હશે કે પછી…..?
એણે તો કહ્યું હતું કે, “હું અહીં જ તારી રાહ જોઈશ.”
ધડકતાં દિલે ટિકિટનો સ્નેપ-શોટ મોકલ્યો.
“આવી જા, અહીં જ છું. તારી રાહ જોઉં છું.” બીજી જ ક્ષણે એણે મેસેજનો જવાબ આપ્યો.
અમદાવાદ એરપોર્ટ પર એન્ટર થઈ ત્યારે એરપોર્ટના ખૂણે લાલ ગુલાબ લઈને એ ઉભેલો દેખાયો. સફાઈપૂર્વક ઓળેલા વાળ. જીન્સ અને કોલરવાળી ટી-શર્ટ સિવાય કશું ના પહેરતો મનમોજી રેમન્ડ્નાં ડાર્ક બ્રાઉન પેન્ટ પર લાઇટ બ્રાઉન ફૂલ સ્લીવ શર્ટમાં એવો તો સ્માર્ટ, હેન્ડસમ, ડૅશિંગ લાગતો હતો કે એને જોઈને મારું દિલ ધકધક…
આગળ આવીને ગુલાબનું ફૂલ ધરતાં બોલ્યો, “Hi, I am Nidhish. ‘ક્લર્ક ગ્રૂપ ઓફ હોટેલ્સ’નું નામ સાંભળ્યું તો હશે……..”
એ પછી પોતાનાં વિશે ઘણું બોલી ગયો. ‘ક્લર્ક ગ્રૂપ ઓફ હોટેલ્સ’નું નામ સાંભળ્યાં પછી આગળ એણે જે કહ્યું એ મારી કલ્પના બહારની વાત હતી.
“આવી લીડિંગ હોટેલ અને તું આમ આબુમાં?”
“હું આવો મનમોજી જ છું. મને ક્યારેય શહેરોની ઝાકઝમાળ ગમી નથી. શહેરની ચમકદમક કરતાં મને આવી નાની જગ્યાઓમાં વધુ મોકળાશ લાગે છે. પપ્પા અને ભાઈ હોટેલ બિઝનેસ સંભાળે છે. હું અહીં રહીને પણ બિઝનેસમાં એમની સાથે જ છું. મોટાભાગનાં હિલ સ્ટેશન પર આવી ટ્રેન્ડી કૉફી શોપ્સ પણ છે. મારે તને તારાં સપનાથી અલગ નથી કરવી. જો તારો સાથ અને તારાં પપ્પાની હા હશે તો બંને મળીને ‘ક્રિષ્ના નિવાસ’ને ‘ક્રિષ્ના રિસૉર્ટ’ બનાવીશું. મને તારું આબુ ખૂબ ગમે છે.”
“અને હું?” કહેતાં મનમોજીની એકદમ નજીક જઈને સફાઈદાર ઓળેલાં એના વાળ મેં વિખેરી નાખ્યાં.
“તારાં લીધે તો આબુ ગમે છે.”
હાથમાં હાથ થામીને અમે એરપોર્ટની બહાર નીકળ્યાં ત્યારે લાલ કાર્પેટ પાથરીને આકાશ સૂર્યદેવની પ્રતીક્ષા કરી રહ્યું હતું.
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક
5 સ્ટાર હોટલના મેનેજર (Manager) બનવું છે કે વિદેશી રિસોર્ટ ચલાવવી છે.
Recent Comments