-કેપ્ટ્ન નરેન્દ્ર ફણસે-‘નિર્મોહી એક અવાજ’માં પ્રસિદ્ધ પ્રતિભા પરિચય
આજથી આશરે ૭૫ વર્ષ પહેલાંની વાત હશે. એ સમય હતો કે જ્યારે શાળામાં વિદ્યાર્થીઓને દંડ આપવાનું કે સજા આપવાનું સહજ હશે. વર્ગમાં કોઈ કારણસર વિદ્યાર્થીને સજા થાય તો એ સ્વીકારી લેવાતી હશે પરંતુ, માધ્યમિક શાળામાં ભણતા એક વિદ્યાર્થીને શિક્ષકે લપડાક મારી. આ અપમાન સહન કરવાના બદલે એ વિદ્યાર્થીએ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પાસે જઈ ફરિયાદ કરી અને ન્યાય મેળવ્યો. નાનપણથી અન્યાય સામે લડી લેવાની વૃત્તિ ધરાવતા એ વિદ્યાર્થી એટલે પાકિસ્તાન સામે બે યુદ્ધ લડી ચૂકેલા, કેપ્ટન તરીકે સન્માન પામેલા, મિલિટરીના નિવૃત્ત ઓફિસર અને આજે પણ કેપ્ટનના નામથી ઓળખાતા નરેન્દ્ર ફણસે.
સામાન્ય રીતે સૌ એવું જ માની લે કે પોલીસમાં કે આર્મીમાં કામ કરતી વ્યક્તિઓની વાણી અને વર્તનમાં આપોઆપ એક જાતની કઠોરતા આવી જાય પરંતુ કેપ્ટન નરેન્દ્ર ફણસે કોઈ અદની વ્યક્તિ સાથે વાત કરે ત્યારે પણ નમ્રતાપૂર્વક આપ કહીને સંબોધે છે.
અતિ સાલસ અને મૃદુભાષી એવા કેપ્ટન નરેન્દ્ર ફણસેનો જન્મ ૧૯૩૪માં વડોદરાના એક સંપન્ન પરિવારમાં થયો. નરેન્દ્રભાઈ ફણસેનું મૂળ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું હોવા છતાં ૨૦૦ વર્ષથી આ પરિવારની પેઢીઓ ગુજરાતમાં જ સ્થાયી થઈ હોવાના લીધે એ સવાયા ગુજરાતી બની રહ્યા છે.
માત્ર નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. આજીવિકાનું સાધન ન રહેતાં માતા શહેરનું મકાન ભાડે આપીને ચાર સંતાનો સાથે ગામમાં સ્થાયી થયાં. ૫૫ વર્ષની વયે માતાનું અવસાન થયું.
નરેન્દ્રભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાના જુદા જુદા શહેરોમાં થયો. SSC બાદ ૧૯૫૮માં ભાવનગરની મંગળદાસ જેશિંગભાઈ કૉમર્સ કૉલેજમાંથી B.Com ની ડીગ્રી પ્રાપ્ત કરી. ૧૯૬૩ સુધી L.I.C એકાઉન્ટ્સ અને ક્લેઇમ વિભાગમાં નોકરી કરી. આ આર્થિક ગોઠવણથી જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થઈ હશે પરંતુ નિયતીએ નરેન્દ્ર ફણસેનાં નસીબમાં કંઈક અલગ ભાવિનું નિર્માણ લખ્યું હતું. ૧૯૬૨માં ચીન સાથેનાં યુદ્ધમાં ભારતની હાર થઈ ત્યારે ભારતીય યુવાનોમાં સૈન્યમાં જોડાવાનો જુવાળ જાગ્યો હતો. નરેન્દ્રભાઈ અને કેટલાક મિત્રોએ પણ દેશ પ્રત્યેની ફરજના ભાગ રૂપે સૈન્યમાં જોડાવાનું પસંદ કર્યું. એ સમયે સરકાર ધ્વારા ઇમર્જન્સી કમિશન્ડ ઑફિસરની ભરતી શરૂ થઈ હતી જેમાં નરેન્દ્રભાઈની પસંદગી થઈ. માતાની પ્રેરણાથી નરેન્દ્રભાઈ આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ૧૯૬૫માં પાકિસ્તાન સામે મોખરાની હરોળમાં સિયાલકોટ સુધી લડ્યા.
૧૯૬૭માં કેપ્ટન તરીકે નિમણૂંક, ૧૯૬૮માં બૉર્ડર સિક્યુરિટી ફોર્સમાં કેપ્ટનનો હોદ્દો, ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પંજાબ સામે દાખવેલા શૌર્ય માટે રાષ્ટ્રપતિ હસ્તક ગેલેન્ટ્રી અવૉર્ડ પ્રાપ્ત કર્યા પછી કેપ્ટન સાહેબ ૧૯૮૧ સુધી આર્મીમાં સેવા આપતા રહ્યા.
૧૯૮૧માં નિવૃત્તિ લઈને પરિવાર સાથે લંડન સ્થાયી થયા. ૧૯૮૭માં લંડનની બરો કાઉન્સીલમાં સમાજ સેવા વિભાગ દરમ્યાન લંડનની સાઉથ બેંક યુનિવર્સિટીમાંથી સોશિઅલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં ડિપ્લોમા ડીગ્રી પ્રાપ્ત કરી.
નરેન્દ્રભાઈનાં માનસ પર શાળાકિય શિક્ષણ દરમ્યાન શ્રી અરૂણકાંત દિવેટિયાના પ્રભાવની ઊંડી અસર હતી જેને લઈને એ ગુજરાતી સાહિત્યમાં રસ લેતા થયા હતા. સૈનિક તરીકેની કારકીર્દિ અને લંડનના નિવાસ દરમ્યાન પણ ગુજરાતી સાહિત્ય સાથે એ રાગ અને રસ જીવનપર્યંત અકબંધ રહ્યા.
લંડન રહેતી વ્યક્તિઓ મોટાભાગે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં જ પ્રવાસ કરતી હોય. આવા રોજીંદા અંડરગ્રાઉન્ડ ટ્રેનના પ્રવાસ દરમ્યાન કેપ્ટન સાહેબની લેખન પ્રવૃત્તિનો આરંભ થયો.
આમ જોવા જઈએ તો એમનાં લેખનની શરૂઆત ૧૯૫૭માં સ્વ.ચાંપશીભાઈ ઉદ્દેશીના ‘નવચેતન’માં લેખ છપાયો ત્યારથી જ થઈ હતી. સમયાંતરે એ પ્રવૃત્તિ વધુ બળકટ બની.
જનસત્તાની રવિવારી આવૃત્તિમાં અવારનવાર લેખ પ્રકાશિત થતા રહ્યા. સ્વ. આચાર્ય દિલાવરસિંહજી જાડેજાનાં માર્ગદર્શન નીચે ‘અખંડ આનંદ’માં દસેક જેટલા લેખ અને એકાંકી નાટક પ્રકાશિત થયા.
૧૯૮૫માં લંડન હતા ત્યારે કેન્યાનાં કલ્પનાબહેન પટેલના સાથ અને સહકારથી લંડનમાં સ્થાયી થયેલા ભારતીય અંધજન માટે બોલતું અખબાર ‘કિરણ’ શરૂ કર્યું.
૨૦૦૦માં નરેન્દ્રભાઈ એમનાં પત્ની અને પરિવાર સાથે હંમેશ માટે અમેરિકા આવી ગયા.
શાળામાં હતા ત્યારથી ભાષા, સાહિત્ય સાથે જે નાતો જોડાયો હતો એ લંડન અને અમેરિકા આવ્યા, કારકિર્દીમાં વ્યસ્ત રહેવા છતાં અકબંધ રહ્યો હતો જેનાં પરિપાકરૂપે ગુજરાતી સાહિત્યના વાચકોને ‘બાઈ‘ (મા), ‘જીપ્સીની ડાયરી’ અને પરિક્રમા’ જેવા અતિ રસપ્રદ પુસ્તકો મળ્યાં.
નરેન્દ્ર ફણસે સ્વીકારે છે કે, જેમ શિવાજીનાં ઘડતરમાં માતા જીજીબાઈનો અમૂલ્ય ફાળો હતો એમ એમનાં જીવનનાં ઘડતરમાં એમની માતાનો એવો જ અમૂલ્ય ફાળો છે. એ ઋણસ્વીકાર અર્થે એમની માતાએ મરાઠીમાં લખેલ ડાયરીનો ‘બાઈ-(મા) નામથી અનુવાદ કર્યો છે.
૨૦૦૮માં એમણે સૈન્યની કારકિર્દી દરમ્યાન થયેલા અનુભવોનાં સંસ્મરણો ‘જીપ્સીની ડાયરી’માં આલેખ્યા છે જેને એ સામાન્ય પ્રવાસીના અસામાન્ય અનુભવ જ કહે છે પરંતુ ‘જીપ્સીની ડાયરી’ વાંચીએ ત્યારે સમજાય છે કે એ અનુભવો કેવા જીવસટોસટ અને દિલધડક છે.
ક્યારેક યુદ્ધ દરમ્યાન શહીદ થયા હોય એવા સૈનિકોને સલામી કે પરમવીર ચક્રથી નવાજવામાં આવે છે પરંતુ આ સલામી કે પરમવીર ચક્રના અધિકારી યુદ્ધમાં જોડાય ત્યારની ટ્રેનિંગથી માંડીને આ સન્માન મેળવવા સુધી કેવી અને કેટલી હદે હાલાકી ભોગવી છે એનો સામાન્ય નાગરિકોને ભાગ્યેય ખ્યાલ હોય છે. ‘જીપ્સીની ડાયરી’માં આલેખાયેલાં પાનાંઓ આ હાલાકીથી સૌને પરિચય કરાવે છે.
‘જીપ્સીની ડાયરી’ને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
સાવ ચાર-પાંચ વર્ષના હતા ત્યારે એમણે સુરેન્દ્રનગરમાં જીપ્સી( વણઝારા)ઓ અને એમનો ભાતીગળ પોષાક જોયા. દેશ-વિદેશ ભટકતી, ક્યાંય સ્થાયી થઈને ન રહેનારી આ પ્રજા વિશે જાણ્યું. પોતાના પિતાજીની અવારનવાર થતી બદલીઓના લીધે નરેન્દ્રભાઈને પણ સતત સ્થળાંતર કરતાં રહેવું પડ્યું. મિલિટરીમાં જોડાયા પછી દર ત્રણ વર્ષે બદલી થતી રહી. ૨૦ વર્ષની કારકિર્દી દરમ્યાન કચ્છના ખારાપાટ, પંજાબ, કાશ્મીરમાં તેર હજાર ફૂટની ઊંચાઈએ અને ૧૯૬૫ના યુદ્ધ દરમ્યાન સિયાલકોટ તેમજ ૧૯૭૧માં ઇન્ટરનેશનલ બૉર્ડલ લાઇનથી દોઢસો ગજની દૂરીએ પંજાબનો મોરચો સંભાળ્યો હતો.
આમ જીપ્સીઓની જેમ સતત સ્થળાંતરનાં લીધે એમણે પોતાની જાત માટે ‘જીપ્સી’ શબ્દ પ્રયોજ્યો. યોગાનુયોગે લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી પહેલાં લંડન, તે પછી અમેરિકા વસવાટના લીધે પોતાના માટે પ્રયોજેલો ‘જીપ્સી’ શબ્દ યથાર્થ થતો લાગ્યો.
સેનામાં કમિશન્ડ ઑફિસર કે કમાન્ડરની પદવીએ પહોંચ્યા પછી યુરોપમાં નવેસરથી એકડો ઘૂંટવાનું સરળ નહોતું. લંડન આવીને કૉલેજમાં ડિપ્લોમા કરી ભારતની કેળવણી કરતાં સાવ અલગ ભાતે ભણીને ભણીને લંડનમાં પણ પોતાની અલગ અને વિશિષ્ટ ઓળખ ઊભી કરી અને ડાયરેક્ટરની પદવી સુધી પહોંચ્યા.
નરેન્દ્રભાઈ પોતાના સંઘર્ષને સફળતાના મુકામે પહોંચાડી શક્યા એનું શ્રેય એક ગુજરાતીની ધગશ અને સૈનિકની ખુમારીને આપે છે.
એમની ત્રીજી નવલકથા ‘પરિક્રમા’ એક કથાની અંદર તેના અનુસંધાને આવતી બીજી, ત્રીજી કથાનું રસપ્રદ આલેખન છે. અનેક પાત્રો છતાંય ક્યાંય કોઈ ભીડ વગર એમણે પાત્રોને ખૂબીપૂર્વક એકબીજા સાથે ગૂંથ્યા છે. નવલકથા વાંચતાં જાદૂઈ દુનિયાની સફરે નીકળ્યા હોય એવો અનુભવ થાય.
આ નવલકથાનું બીજ અંગ્રેજોની ગુલામીને ફગાવી દેવાની ક્રાંતિ સાથે સંકળાયેલું છે. અંગ્રેજી હકૂમત હેઠળ દેશવાસીઓએ ભોગવેલી હાલાકી, શારીરિક યાતના, માનસિક વેદનાનું જે વર્ણન છે એ વાંચતાં કંપારી છૂટી જાય. સત્ય ઘટના પર આધારિત ન ભૂતો ન ભવિષ્યતિ જેવી આ નવલકથાને ઐતિહાસિક ઘટનાની દૃષ્ટિએ મૂલવવા જેવી છે.
નરેન્દ્ર ફણસે સાહિત્યમાં રસ લેતા થયા એનું શ્રેય નાનપણમાં બાપુજી અને મોટાભાઈ તરફથી મળેલા વાંચનવારસાને અને સાહિત્યસર્જક બનવાનું શ્રેય પોતાની માતા તથા પત્નીને આપે છે.
નિવૃત્ત થયા પછી નરેન્દ્રભાઈ વેબ ગુર્જરીનાં સંપાદન પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા એનું કારણ આપતા કહે છે કે, ‘Old soldier never die’. સૈનિક ક્યારેય નિવૃત્ત થતો જ નથી.
આટલાં વર્ષો દેશ-વિદેશના અનુભવ પછી પણ સૈનિક તરીકે સેવા આપીને વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા કેપ્ટન નરેન્દ્ર ફણસે માને છે કે, માનવીએ પોતાના વિચારોની ક્ષિતિજો વિસ્તારવાની જરૂર છે. જે દેશમાં રહીએ એ દેશની સંસ્કૃતિમાં ભળતાં શીખીશું તો વિદેશમાં આપણો સ્વીકાર થશે. વિદેશમાં વિકસવા માટે આપણી સંસ્કૃતિ, ભારતીય અસ્મિતા, ગૌરવ અને આપણાં મૂલ્યો જાળવવાની સાથે આપણે કે આપણી સંસ્કૃતિ અન્ય કરતાં વિશેષ કે ઉચ્ચ છે એવું ગુમાન રાખ્યા વગર નમ્રતા, સહકાર અને સમન્વય જાળવીએ એ જરૂરી છે.
કેપ્ટન નરેન્દ્ર ફણસે જેવા સેનાના ફરજપરસ્ત સૈનિક અને સાહિત્યસર્જકને તો સલામી જ હોય.
આલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments