છિન્ન- પ્રકરણ/ ૩ (ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ) લઘુ નવલકથા
લઘુ નવલકથા છિન્ન- પ્રકરણ/ ૩
“આજે આપણે મળીએ છીએ. હું તારી રાહ જોઈશ.” બીજી કોઈ ઔપચારિક વાત કર્યા વગર શ્રેયા સીધી મુદ્દા પર આવી ગઈ.
આજે એક્ઝિબિશનનો અંતિમ દિવસ હતો. આમ તો સામાન્ય રીતે દરેક વખતે એક્ઝિબિશનના છેલ્લા દિવસે સમગ્ર ગ્રુપ શ્રેયા સાથે રોકાતું. સોલ્ડ પેન્ટિંગને અલગ કરીને બાકીનાં પેન્ટિંગ પેક કરીને છેક છેલ્લે સુધી આટોપવામાં સૌ સાથે રહેતાં. આજે પણ એમ જ બન્યું. સૌ છેક સુધી શ્રેયાની સાથે રોકાયાં, નહોતો માત્ર સંદિપ. આજે પણ એ નહોતો આવ્યો. સૌ માટે આ નવાઈની વાત હતી. એક માત્ર શ્રેયા શાંત હતી. જ્યારે એ એના ઘરે પહોંચી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે સંદિપ ઘરની બહાર કાર પાર્ક કરીને એની રાહ જોતો હતો.
“lets go somewhere shreya” શ્રેયા કોઈ દલીલ કર્યા વગર એની કારમાં બેસી ગઈ. એને પણ સંદિપ જોડે એકાંત જોઈતું હતું. પપ્પાની વાતને લઈને એની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવી હતી.
સંદિપે કાર સીધી કામા તરફ લીધી. શ્રેયાને આ જગ્યા ખૂબ ગમતી. સી.જી રોડ અને હાઇવે પરની રેસ્ટોરાંમાં જે ધમાલ અને ચહલપહલ રહેતી. શ્રેયાને અહીંની શાંતિ વધુ પસંદ હતી. કૉન્ટેમ્પરી આર્ટ ગેલેરીથી નહેરુબ્રીજ પર લઈને ખાનપુર તરફ જતાં રસ્તામાં બંનેએ બોલવાનું ટાળ્યું. શ્રેયા ચુપચાપ કારની બહાર નદી પર ઝિલમિલાતી રોશની જોતી રહી. સંદિપ રસ્તા પર સીધી નજર રાખીને કાર ચલાવતો રહ્યો.
ખૂણાનું એક ટેબલ પસંદ કરીને બેઠાં અને ક્યાંય સુધી કોણ બોલવાની પહેલ કરે એની રાહમાં બેસી રહ્યાં. મધ્ધમ રોશનીમાં રેલાતા સૂર સિવાય ક્યાંય કોઈ ઘોંઘાટ નહોતો.
શ્રેયાએ સંદિપને મળવા માટે બોલાવ્યો તો ખરો પણ શું વાત કરવી એની સમજમાં આવતું નહોતું. શ્રેયાના મનની આ અવઢવ સંદિપ સમજતો હતો પણ શ્રેયા શું કહેવા માંગે છે તે જાણ્યા વગર એને કંઈ કહેવું નહોતું.
છેવટે શ્રેયાને જ શરૂઆત કરવી પડી.
“સંદિપ ,આજ સુધી તું મારો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છું અને હંમેશા રહીશ. શક્ય છે પપ્પાની અને અંકલની વાત માનવા મારું મન કાલે તૈયાર થાય પણ, આજે તો હું કશું જ વિચારી શકતી નથી. મૈત્રીને કોઈ નામ આપવું જ પડશે? એ સિવાય કાયમી મૈત્રી હોઈ જ ના શકે? સંદિપ, કેમ દરેક વખતે એક સ્ત્રી-પુરુષના સંબંધને એક સામાન્ય દૃષ્ટિથી કોઈ જોઈ કે સ્વીકારી શકતું નથી?”
સંદિપે જાણે શ્રેયાની દરેક વાત સાથે સંમત છે એમ દર્શાવવા શ્રેયાના હાથ પર મૃદુતાથી પોતાનો હાથ દબાવ્યો.
“સમજું છું શ્રેયા, સૌની નજરે જે દેખાયું એ મને કે તને ના દેખાયું અથવા આપણી સાહજીકતા લોકોને નજરે ન પડી. આમ જોવા જઈએ તો હું એમાં એમનો વાંક પણ નથી જોતો. આજે નહીં તો કાલે આ પરિસ્થિતિ તો ઉભી થવાની જ હતી. આપણાં બે વચ્ચે નહીં તો જીવનસાથી તરીકે બીજા માટે પણ આપણે વિચાર તો કરત જ ને? તું મારી એટલી નજીક છું કે, શક્ય છે જો ઘરમાંથી મારા માટે કોઈ છોકરી માટે વાત આવત તો તે વખતે હું કદાચ એનામાં હું તને શોધવા પ્રયત્ન કરત. એમ થાત તો હું કદાચ બંનેને અન્યાય કરી બેસત. બની શકે કે તને કોઈ છોકરો બતાવે ત્યારે તું જાણે-અજાણે એની સરખામણી મારી સાથે કરી બેસત. મને પપ્પાએ જ્યારે વાત કરી ત્યારે તો મારા મનમાં પણ તારાં જેવા જ વિચારો આવ્યાં પણ જેમ જેમ હું શાંતિથી વિચાર કરતો ગયો તેમ મને લાગ્યુ કે કેમ આપણે આ રીતે વિચારી ન શકીએ? કદાચ એકબીજા માટેની સમજ આપણા જીવન માટે શ્રેષ્ઠ સાબિત થાય. કોઈ અજાણ પાત્ર સાથે જીવન ગોઠવવાં કરતાં આપણે જેને ઓળખીએ તેની સાથે જીવન વધુ સરળ ના બને? વિચારી જો જે તું. કોઈ પણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂર જ હશે. તું હંમેશા મારી અત્યંત કરીબી દોસ્ત રહી છું અને હંમેશા રહીશ જ.”
શ્રેયા સ્તબ્ધ થઈ ગઈ. એણે તો આવી રીતે વિચાર્યું જ નહોતું. એ જાણતી હતી કે, સંદિપ પાસે સામેની વ્યક્તિને સમજાવવા કાયમ કોઈને કોઈ સચોટ દલીલ તો રહેતી જ અને એની વાત કદાચ સાચી છે. જે તે વ્યક્તિમાં આપણી મનગમતી છાયા શોધવા પ્રયત્ન કરીએ તેના કરતાં જરા હાથ લંબાવીને આપણી મનગમતી વ્યક્તિનો સાથ મળતો હોય તો એ જીવન જરા સરળ બને ને? પપ્પા અને સંદિપના વિચારો એક સરખા મળતા કેમ આવત હતા? ક્યારેક માત્ર દિલ નહીં દિમાગથી પણ વિચારી શકાય અને બંનેનો અભિગમ આ બાબતે એક સરખો હતો. તેમ છતાં શ્રેયા કોઈ નિર્ણય પર આવવા માંગતી નહોતી. સંદિપ પસંદ હતો, ખૂબ પસંદ હતો પણ, આ જે નવી ભૂમિકા તૈયાર થતી હતી એ ચોકઠામાં એને ગોઠવતા વાર લાગશે એવુ એને લાગી રહ્યુ હતું. સંદિપ જેટલી સ્વભાવિકતાથી એ હજુ આખી વાતને લઈ શકતી નહોતી.
“સંદિપ, હવે આપણે જઈએ.” એ અહીં સંદિપથી છુટી પડીને પોતાની રીતે વિચારવા માંગતી હતી. પાછાં વળતાં પણ બેઉ જણ આખા રસ્તે શાંત જ હતાં. શ્રેયાને ઘેર ઉતારતી વખતે સંદિપે કારનાં ડેશ બૉર્ડમાંથી કાઢીને એક કવર તેનાં હાથમાં આપ્યું. શ્રેયાએ આશ્ચર્ય સાથે જોયું તો એ સેપ્ટનાં ફોરેન એક્સચેન્જ સ્ટુડન્ટમાં સંદિપને ૬ મહિના માટે સિનસિનાટી જવા માટેનો લેટર હતો. પાંચ વર્ષના કોર્સ દરમ્યાન ૬ મહિના માટે પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ માટેની ઓફર હતી.
હાંશ! મન પરથી પહાડ જેવો બોજો ખસી ગયો હોય તેવી લાગણી શ્રેયાને થઈ. શ્રેયા પણ બેંગ્લોર તો જવાની હતી જ ને?
“જોયુંને નિયતીએ પણ આપણને કેવો સમય અને સાથ આપ્યો?”
સંદિપે કાગળ પાછો લેતા કહ્યું. બની શકે આ ૬ મહિનામાં આપણે કોઈ નક્કર ભૂમિકા પર આવીએ અથવા તો શક્ય છે આ સમય દરમ્યાન તને બીજી કોઈ વ્યક્તિ પસંદ પડે, શક્ય છે મને ત્યાં કોઈ સિટિઝન છોકરી ગમી જાય અને હું ત્યાં જ રહી પડુ. હવે સંદિપ પાછો પોતાના અસલ સ્વભાવ પર આવી ગયો. છુટાં પડતી વખતે બંને વચ્ચે કોઈ તંગદિલી રહે એવું એ ઇચ્છતો નહોતો. શ્રેયા સાથે જે આજ સુધીની હતી એ તમામ પળો યથાવત રહે એમ એ ઇચ્છતો હતો.
ત્યારબાદ પણ શ્રેયા અને સંદિપ મળતા રહ્યા. ટ્રેઇનિંગમાં જવાનાં સમય પહેલા રોજિંદા કામો પહેલાની જેમ આટોપતા રહ્યાં. શ્રેયાએ વિચાર્યુ જે પરિસ્થિતિનો હાલમાં એની પાસે કોઈ ઉકેલ નથી, કોઈ જવાબ નથી ત્યારે એમાં વહી જવામાં જ સાર છે. સંદિપ કહેતો હતો એમ. જસ્ટ બ્લો વીથ ધ ફ્લો. શ્રેયા માટે પછીના દિવસો પસાર કરવા સરળ બની ગયા.
આલેખનઃરાજુલ કૌશિક
Entry filed under: Rajul.
Recent Comments