Archive for March 17, 2023
‘સર્વેસર્વા’ -ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ મંગલા રામચંદ્રન લિખિત વાર્તા मैं अहम हूं વાર્તા પર આધારિત ભાવાનુવાદ.
સાવ ભોળો, ગોરોચીટ્ટો બબલૂ ઘરમાં સૌને વહાલો. શશિ તો એની મા, બબલૂને જોઈને કેટલી ખુશ થતી! એમ તો બબલૂથી મોટી નીલૂ પણ એને એટલી જ વહાલી હતી. જીવથીય વહાલા સંતાનો પ્રત્યે શશિ આવી બેદરકાર કેમ થઈ શકી?
આજે તો હદ જ થઈ ગઈ. એ નોકરી પર જવા નીકળતી હતી ને બબલૂ એના પગે વળગી પડ્યો. પ્રેમથી છોડાવા પ્રયાસ કર્યો. અંતે ધીરજ ન રહેતાં એને ધમકાવી તો નાખ્યો, સાથે ગાલ પર એટલા જોરથી એક તમાચો ચોઢી દીધો કે બબલૂના ગાલ પર સોળ ઊઠી આવ્યા.. બબલૂના રડવાનો અવાજ સાંભળીને દાદાજી-દાદી બહાર આવી ગયાં. દાદીએ તો જે નજરે શશિ સામે જોયું એ સહેમી ગઈ. પણ મોડું થવાની ચિંતામાં ઘરની બહાર ચાલવા માંડી. નીકળતાં દાદાજીનો અવાજ સંભળાયો.
- “પહોંચી નથી વળાતું તો નોકરી કરવાની જરૂર જ શી છે? ઘરમાં ખાવાનું ક્યાં ખૂટી ગયું છે?”
- એ સ્કૂલે ગઈ પણ, આખો દિવસ કામમાં મન ન લાગ્યું. એક વાર મન થયું કે રજા લઈને ઘેર પાછી જાય પણ, નોકરીને હજુ માંડ દોઢ મહિનો થયો હતો. હિંમત ન ચાલી. સ્કૂલ પૂરી થતાં ઘેર જવા ઑટોરિક્ષા પકડી. ઘર પાસે આવતું ગયું એમ સવારની ઘટના યાદ આવવા માંડી. સાસુ-સસરાની નજરનો સામનો કેવી રીતે કરશે એ વિચારે બેચેન થઈ ગઈ. સવારે તો પતિદેવ ઘેર નહોતા પણ હવે તો પતિદેવને એટલે કે અજયનેય સમાચાર મળી જ ગયા હશે!
- ઘેર પહોંચી તો રોજની જેમ બબલૂ એને વળગવા દોડી ના આવ્યો. અંદર ગઈ તો નીલૂ પણ એની સામે નજર કર્યા વગર અંદર ચાલી ગઈ.
- રૂમમાં જઈને શશિ રડી પડી. કેટલાય વિચારોથી મન વિચલિત થઈ ગયું. સમય થતાં સાસુમાએ જમવા બોલાવી. સાસુમાની વહાલભરી કાળજીથી સંકોચ થઈ આવ્યો.
- પરવારીને રૂમમાં આવી. રોજે રાત્રે બબલૂ અને નીલૂ આખા દિવસની વાતો કરતાં. શશિ એમને વાર્તા કહેતી. પણ, આજે તો એની રાહ જોયા વગર બબલૂ ઊંઘી ગયો હતો. નીલૂ હજુ ચૂપ જ હતી. શશિને એવું લાગ્યું કે, એક માત્ર ઘટનાથી બાળકોએ એને પરાઈ કરી દીધી.
- ******
- પહેલી વાર એ ઈંદુને મળી એ દિવસ યાદ આવ્યો. કેવો ઝંઝાવાત લઈને આવ્યો એ દિવસ કે જેના લીધે એ મૂળસોતી ઉખડી ગઈ હતી! જ્યારથી ઈંદુના ઘેર જઈને આવી ત્યારથી ઈંદુની વાતો, એના ઘરનો ઠાઠ જોઈને શશિને અચાનક પોતાની જાત વામણી લાગવા માંડી. કેવી સુખ-સાહ્યબી! પોતાનું ઘર આવા ઠાઠમાઠથી શોભવું જોઈએ એ વિચારીને એણે સ્કૂલની નોકરી શરૂ કરી દીધી.
- અજય અને ઈંદુનો પતિ મિત્રો હતા. રસ્તામાં અચાનક મળી ગયેલાં ઈંદુ અને મનોજે શશિ અને અજયને એમનાં ઘેર આવવા આમંત્રણ આપ્યું.
- ઈંદુનું ઘર જોઈને શશિ આભી બની ગઈ. એનો તો ડ્રોઇંગરૂમ હતો કે કોઈ મ્યૂઝિયમ! અતિ મોંઘી લાગતી ક્રોકરીમાં નાસ્તો આવ્યો. અજય અને મનોજ વર્ષો પહેલાંની વાતોમાં ખોવાઈ ગયા.
- શશિ અને ઈંદુ વાતોએ વળગ્યાં. પણ એ વાતો નહોતી, એકતરફી સંવાદ હતો. ઈંદુ સતત એના વૈભવ વિશે કંઈક બોલ્યા કરતી હતી.
- આજ સુધી શશિને વકીલાત કરતા અજયની કમાણીથી સંતોષ હતો. સુખશાંતિવાળો એનો પરિવાર હતો પણ મનોજ-ઈંદુના ઘેરની રોનક જોઈને એ ઓઝપાઈ ગઈ.
- ઈંદુના રૂમમાં એલઈડી ટીવી, કંપ્યૂટર, ચમકતું ફર્નિચર, ઓહોહો શું નહોતું ઈંદુ પાસે! એકદમ ફિલ્મી સ્ટાઇલ ડબલ બેડ. એની પર મોંઘી રેશમની ચાદર. પોતે અજય સાથે એ બેડ પર હોય એવી કલ્પનામાં એ ખોવાઈ ગઈ.
- ઈંદુની વાતોમાં મોટપનું પ્રદર્શન હતું. ગર્વથી કહેતી હતી કે, આ બધું એની મહેનતની આભારી હતું. ઘરની અને સંતાનની સંભાળ માટે મનમાં મદ હતો. દસ વર્ષનાં એક માત્ર સંતાનને એણે શિષ્ટાચાર શીખવવા હોસ્ટેલમાં મૂકી દીધો હતો.
- “આ બધું મારા પ્રતાપે છે હોં. વિકીને હોસ્ટેલમાં ન મૂક્યો હોત તો શું હું નોકરી કરી શકી હોત! ઘરમાં રાખું તો એને સાચવવા આયા, નોકર રાખો, પાછું એમની ચોકી કરો. હવે મને કોઈ ચિંતા નથી. વિકીને હોસ્ટેલમાં મૂકીને મલ્ટીનેશનલ કંપનીમાં કંસલ્ટન્ટ તરીકે જોઇન થઈ ગઈ. મહિને ૭૦ હજાર રૂપિયા કમાઉં છું. મોટી કંપનીમાં કામ કરીએ એટલે અપટુડેટ તો રહેવું જ પડે.”
- હજુ ઈંદુ કંઈક બોલતી હતી. ઘરનો વૈભવ દર્શાવતા એના અવાજમાં અભિમાન છલકાતું હતું. શશિનું મન ભારે થઈ ગયું.
- “અરે ચલો શશિ. ઘેર જવું છે એકે અહીંયા જ રહેવાનો ઈરાદો છે?” બહારથી અજયનો અવાજ સાંભળીને એ ચમકી.
- આખી રાત સપનામાં ઈંદુનું ઘર દેખાયા કર્યું. સાડીઓનાં ઇંદ્રધનુષી રંગોથી શોભતું કબાટ દેખાયું. બાપરે, કેટલી સાડીઓ! એકની એક સાડીનો વારો તો વર્ષમાં માંડ ત્રણ કે ચાર વાર આવતો હશે. એક કાર હતી, બીજી હવે આવવાની છે.
- આજ સુધી શશિને પતિની બરોબરીના મિત્રોને મળવાનું થતું. આજે પહેલી વાર અજય કરતા વધુ શ્રીમંત મિત્રને મળી હતી. એણે ઈંદુના સમોવડિયા બનવા નોકરી કરવાનો નિર્ણય કર્યો.
- આ નિર્ણય લેતાં પહેલાં અઢી વર્ષના બબલૂ, વયસ્ક સાસુમાને કોણ સંભાળશે એની મૂંઝવણેય હતી. અજયથી માંડીને સૌની સલાહ હતી કે, સંજોગવશાત નોકરી કરવી પડે એ વાત જુદી પણ અંતે સૌએ નિર્ણય શશિ પર છોડ્યો.
- શશિએ નિર્ણય લઈ લીધો હતો.
- નોકરી શરૂ કરી દીધી. શરૂઆતમાં સ્કૂલમાં બબલૂની યાદ આવતી. ઘેર પાછી આવતી તો ઘરની અવ્યવસ્થા ખટકતી. નીલૂ હવે અસ્તવ્યસ્ત રહેતી. શશિને સૌની પર ગુસ્સો આવતો કે, બધાએ જાણીબૂઝીને એને હેરાન કરવા મોરચો માંડ્યો છે.
- પહેલાં તો એ ઘરમાં અજયથી માંડીને બબલૂ, નીલૂ, સાસુસસરા સૌનું પ્રેમથી ધ્યાન રાખતી. નાનીમોટી બાબતની જરૂર ઊભી થાય એ પહેલાં સાચવી લેતી. દાદીનાં પૂરતાં ધ્યાન છતાં આ દોઢ મહિનામાં બબલૂનું વજન ઘટી ગયું હતું. દાદા-દાદી ગમે એટલું વહાલ કરે પણ માતાની તોલે ઓછું પડતું.
- આમ તો એની કમાણીનો અર્થ જ રહ્યો નહતો. ઘરખર્ચ વધી ગયો હતો. ધોબીથી માંડીને નોકરનું કામ વધતાં પૈસા વધારે માંગતા હતા. પોતાનો ઓટોરિક્શાનો ખર્ચો તો ખરો જ. સાસુમા આખો દિવસ કામ કરે ત્યારે માંડ પહોંચી વળતાં. થાકે એટલે એમનોય બબડાટ શરૂ થઈ જતો. એણે વિચાર્યું હતું એમ કોઈ નવું રાચરચીલું એ વસાવી શકી નહીં, વધારામાં ઘર, બચ્ચાં રઝળી પડ્યાં હતાં. આખા ઘરની શાંતિ હણાઈ ગઈ હતી. તોબા આ નોકરીથી!
- આજે એણે ફરી એક નિર્ણય લીધો.
- સવારે ઊઠીને એક મહિનાની નોટિસ સાથે રાજીનામાનો પત્ર મોકલી આપ્યો. સાંજે શશિને ઘેર જોઈને અજયને નવાઈ લાગી.
- “કેમ સ્કૂલે નથી ગઈ? તબીયત ઠીક નથી કે શું ? કેટલા દિવસની રજા રાખી છે?”
- “કાયમ માટે.”
- “સાચે શશિ હવે તું સ્કૂલે નથી જવાની? હાંશ, ચાલો હવે મારે શર્ટ-પેન્ટને જાતે બટન ટાંકવા નહીં પડે. ધોબીને ધમકાવવાનું કામ પણ તું જ સંભાળી લઈશ, રાત પડે થાકી ગયાની બૂમ પણ નહીં મારે ને? હવે એ તો કહે, નોકરી છોડી કેમ દીધી?” અજયના અવાજમાં રાહતનો સૂર હતો.
- પતિદેવની વાત સાંભળીને શશિને રમૂજની સાથે દયા આવી.
- “સાચે મારે નોકરી નહોતી છોડવી જોઈતી નહીં? જનાબને દરજીકામ તો આવડી જાત. અજબ માણસ છો. કમ સે કમ એક વાર તો કહેવું જોઈને ને કે શશિ તારા સ્કૂલે જવાથી કેટલી પરેશાની થાય છે.”
- “ડીયર, હું તો શરૂઆતથી જ કહેવાનો હતો પણ મારી વાત તને ગમી ના હોત. વિચાર્યું કે મનની ઇચ્છા પૂરી કરી લેવા દો થોડા દિવસ. જ્યારે ઘરના હાલ સામે આવશે તો જાતે જ સમજી જશે. આટલી જલદી તું સમજી એ ગમ્યું. સાચું કહું શશિ, ખરેખર તો સારી ગૃહિણી બનવું વધુ કપરું છે. તું જ્યારે તારી જવાબદારી સરસ રીતે સાચવતી. મને તારા પર ગર્વ હતો. એનો અર્થ એ ના સમજતી કે, તને ઘરના બંધનમાં જકડઈ રહેવા કહું છું. તું કંઈ નવું કરે, આગળ ભણે તો મારા તરફથી પૂરી છૂટ છે.”
- “ ઈંદુને જોઈને તમને એમ નથી લાગતું કે, એ કેટલી કુશળ સ્ત્રી છે? એનું ઘર એણે કેવી રીતે સજાવ્યું છે! એને જોઈને તમને મારામાં કમી નથી લાગતી?”
- અજય ખડખડાટ હસી પડ્યો. “ તું એમ માને છે કે મનોજ ખુશ છે? એ શું કહેતો હતો સાંભળવું છે? એ કહેતો હતો કે, ઘરના ખાવાનાનો સ્વાદ ભૂલાઈ ગયો છે. મનપસંદ ચીજો ખાધે કેટલો સમય થયો યાદ નથી. બસ, શ્રીમતીજી ઑફિસથી આવીને પરાઠાં શેકી લે છે.. રવિવારે છુટ્ટીનો મૂડ હોય એટલે મોડાં ઊઠવાનું. હોટલમાં જમવાનું, પિક્ચર જોવાનું. તું સુખી છું ભાઈ. માબાપ પ્રત્યે કોઈ ફરજ હોય કે નહીં? અહીં તો માબાપને ઘેર પૈસા મોકલવામાંય સાંભળવું પડે છે.”
- શશિ આભી બનીને જોઈ રહી.
- “હજુ વધારે જાણવું છે? એ દિવસે બબલૂ અને નીલૂને જોઈને એટલો ખુશ થયો હતો. એને ઈંદુને કહેવાનું મન થયું હતું કે, બાળકો શિષ્ટાચાર પબ્લિક સ્કૂલમાં નહીં મા પાસેથી શીખે છે. હવે તું વિચાર કે આ સાંભળીને મને કેટલો આનંદ થયો હશે! એ તારી જીત હતી અને તારી જીત એ મારી જીત. મનોજ કહેતો હતો કે, ઈંદુની અડધી કમાણી સાડી, મેકઅપ, હોટલ, સેરસપાટામાં પૂરી થઈ જાય છે. દીકરાને હોસ્ટેલમાં રાખવાનો ખર્ચ અલગ. ઈંદુને એવો અહમ છે કે એનાથી ઘર ચાલે છે. પણ ચાલ શશિ, બહુ દૂર આવી ગયાં. પાછા વળીએ. અને હા, હવે રાત પડે થાકી ગયાનું બહાનું નહીં ચાલે હોં…”
- શશિના મનની બેચેની દૂર થઈ. એનો ચહેરો શરમ અને સ્મિતથી લાલાશ પકડી રહ્યો.
- ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Recent Comments