છિન્ન …..પ્રકરણ / ૧ (ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા)
લઘુ નવલકથા છિન્ન …..પ્રકરણ / ૧
લેટ્સ ગેટ ડિવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની મૉર. ઘરનાં બેકયાર્ડમાં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો.
હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઊંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી. મોંઢે માંડેલા કૉફીના મગમાંથી ગરમ કૉફીનો ઘૂંટ જરા જોરથી લેવાઈ ગયો. એની સાથે જ ગરમ કૉફીના ઘૂંટની જેમ જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાનાં મનમાં થયો. ક્ષણવાર પછી કૉફીમગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયું હોય તેમ શ્રેયાનું મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લિત થઈ ગયું.
અરે ! આ જ વાત તો એ ક્યારની સંદિપને કહેવા માંગતી હતી પણ અંદરથી ડરતી હતી કે, સંદિપને એ કેવી રીતે કહી શકશે? અગર તો આ વાત સંદિપ કેવી રીતે લેશે, પરિણામે હ્રદયથી ઇચ્છતી હોવાં છતાં એ હોઠ પર લાવી શકતી નહોતી. હાંશ! કેટલાય સમયનો બોજ જાણે એક સામટો ઉતરી ગયો હોય એમ શ્રેયા સાવ હળવી ફૂલ બની ગઈ.
બંનેના પિતાના ધંધાકીય ઔપચારિક સંબંધના લીધે સંદિપ અને શ્રેયાની ઓળખાણ નાનપણની હતી. કૉલેજ દરમ્યાન બંને વધુ નજીક આવ્યાં. સાધારણ ઓળખાણ કૉલેજમાં આવ્યા બાદ વધુ ઘનિષ્ટ બની. સંદિપ અને શ્રેયાનાં લીધે બંનેનાં ગ્રુપ પણ કૉમન બની ગયાં. સંદિપને તેના પપ્પાના આર્કિટેક્ટ કરેલાં કૉપ્લેક્સમાં ઇન્ટિરિઅર કરીને પપ્પાનો બિઝનેસ વધુ ફ્લરિશ કરવો હતો. શ્રેયા કહેતી કે, પપ્પા મકાન બાંધે છે, મારે તેને ઘર બનાવવું છે. ઘરમાં રહેતા લોકોના સુખ,શાંતિ અને સવલિયતનાં સપનાને મારી કલ્પનાના રંગો ઉમેરીને સાકાર કરવા છે. ઈમારતોને જીવંત બનાવવી છે. ઘરનો આત્મા ધબકતો રાખવો છે.
બેઉના સ્વભાવમાં આસમાન જમીનનુ અંતર હતું. સંદિપ મસ્તીખોર હતો જ્યારે શ્રેયાની પ્રકૃતિ જરા ગંભીર. સંદિપ ઘૂઘવતો સાગર તો શ્રેયા શાંત વહેતી સરિતા. સંદિપ તોફાની વાવાઝોડું તો શ્રેયા પહેલાં વરસાદની ફરફર.
સંદિપ ચપટી વગાડતામાં સૌને પોતાના કરી લેતો જ્યારે શ્રેયાને ખુલતાં વાર લાગતી પણ, એક વાર એ ખૂલે એટલે સાચી મિત્ર બની રહેતી. સંદિપ યારોનો યાર હતો. શ્રેયા સિલેક્ટિવ મિત્રોમાં માનતી. સંદિપ ટોળાંનો માણસ હતો જ્યારે શ્રેયા ટોળામાં પણ જાત જોડે એકલી રહી શકતી. હકીકતમાં એને ક્યારેય એકલતા લાગતી જ નહીં.
સંદિપ હાજર હોય તો વાતોનો દોર એના હાથમાં જ રહેતો. બોલવા બેસે ત્યારે એને અટકાવવો મુશ્કેલ બનતો. કોઈ પણ મુદ્દે એ મુદ્દાની તરફેણમાં પણ બોલી શકતો અને એટલી જ સચોટતાથી એની વિરૂધ્ધમાં પણ સો દલીલો કરી શકતો. અથાગ વાંચનનો ભંડોળ લઈને હરતીફરતી લાઇબ્રેરી હતો એ. જ્યારે શ્રેયાનું આંતરિક મન વધુ બોલકું હતું. શ્રેયાની અભિવ્યક્તિ એનાં પેઇંટિંગમાં વ્યક્ત થતી. એનાં મનનું ઊંડાણ, એનાં મનની કલ્પના અવનવા રંગો બનીને કેનવાસ પર જે રીતે ઉતરતા એ શ્રેયાનો સાચો પરિચય બની રહેતા. વાંચનનો તો શ્રેયાને પણ એક હદથી આગળ શોખ હતો. સાવ અલગ છેડાની પ્રકૃતિ હોવાં છતાં બંનેની મિત્રતામાં પ્રકૃતિ ક્યાંય નડી નહોતી.
પિકનિક પર સંદિપ મિત્રોની મહેફીલ જમાવતો જ્યારે શ્રેયા પ્રકૃતિમાં ભળી પ્રકૃતિનું એક અંગ બનીને કેનવાસ પર છલકાઈ જતી. સંદિપની હાજરી મિત્રોને રંગત આપતી અને શ્રેયાની હાજરી શાતા. બેઉ જણ એટલે તો ગ્રુપમાં આવકાર્ય અને સ્વીકાર્ય હતાં.
બંનેના સ્વભાવમાં ક્યાંય કોઈ સુસંગતતા નહોતી છતાં બીજા કોઈ પણ મિત્રો કરતાં એ બંને વધુ નજીક હતા. સંદિપ શ્રેયાની કલાનો ઉપાસક હતો અને વિવેચક પણ. શ્રેયા એની કોઈ પણ કૃતિ સૌ પહેલાં સંદિપને બતાવતી અને એની આલોચના માટે આતુર રહેતી. આ બંનેના વિરૂધ્ધ સ્વભાવની મૈત્રી સૌ કોઈને અકળ લાગતી. બંનેમાં નિર્દોષ મૈત્રીથી વધીને બીજો કોઈ ભાવ નહોતો. ક્યાંય કોઈ આદમ નહોતો કે નહોતી કોઈ ઈવ.
સેપ્ટનોએ પહેલો દિવસ શ્રેયા માટે અકળાવનારો હતો. સેપ્ટમાં સીનિયરોના વર્ચસ્વ સમા રેગિંગનો કનસેપ્ટ એની પ્રકૃતિને મંજૂર નહતો, જ્યારે પહેલા દિવસથી જ સંદિપને એની લુત્ફ ઉઠાવતો જોઈને એ દંગ રહી ગઈ. કોઈ કેવી રીતે આવી મસ્તી પચાવી શકે એ જ તો એની સમજમાં આવતુ નહોતું.
“સંદિપ, તું આ બધુ કેવી રીતે સહી શકે છે? હાઉ કેન યુ ટૉલરેટ ઓલ ધીસ?” સંદિપને મળતાની સાથે એણે સવાલ કર્યો.
“જસ્ટ બી વીથ ધેમ ઓર ફીલ યોરસેલ્ફ વન ઓફ ધેમ એન્ડ યુ વીલ બી ફાઇન. જો તું આ બધાંથી દૂર રહેવા પ્રયત્ન કરીશ તો એ શક્ય બનવાનું નથી, જે અશક્ય છે એને સ્વીકારી લઈશ તો તારા માટે એ પરિસ્થિતિ આસાન બની જશે. જસ્ટ બ્લો વીથ ધ ફ્લો.
જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એમાં વહી જવામાં જ શાણપણ છે.”
સંદિપે સાવ સાદી સમજ આપી દીધી.
ખરેખર શ્રેયા માટે પછીના દિવસો પસાર કરવા સરળ બની ગયા. એ દિવસથી જ શ્રેયા માટે સંદિપની હાજરી એનાં જીવનનું જાણેઅજાણે અનિવાર્ય અંગ બની ગઈ. શ્રેયાની કોઈ પણ મૂંઝવણ માટે સંદિપ પાસે ચપટી વગાડવા જેવું સહેલું સોલ્યુશન હતું.
રાજુલ કૌશિક–
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments