વસંત પ્રશસ્તિ
–વસંતનાં વધામણાં–
વસંત એ સૃષ્ટિનું યૌવન. વસંત એટલે નિસર્ગનો છલછલ છલકતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ. વસંત એટલે તરુવરોનો શણગાર, નવપલ્લવિત થયેલું, ખીલી ઊઠેલું, મઘમઘતી સુવાસથી મહેંકી ઊઠેલું, ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકતું વાતાવરણ.
પ્રભુએ પહેરેલ પીતાંબરની જેમ પૃથ્વી પણ પીતાંબરી પલ્લુ લહેરાવશે. વસંતના આગમનની છડી પોકારતી હોય એવી પીળી સરસવ, પીળો ધમરક ગરમાળો, કેસરિયો કેસૂડો, લાલચટક ગુલમહોર લહેરાવા માંડે ને લાગે કે જાણે ઈશ્વરે રંગછાંટણાથી, રંગોના લસરકાથી પૃથ્વીને, પૃથ્વીનાં તત્ત્વોને સજાવવાનું શરૂ કર્યું. આ રંગછટાને લીધે વસંતપંચમીને રંગપંચમી કહી છે.
ચારેકોર દેખાતાં સૂક્કાં ભઠ્ઠ ઝાડમાં જીવ આવશે, રંગીની છવાશે. પિયુને જોઈને આળસ મરડીને બેઠી થયેલી નવયૌવનાની જેમ એનામાં પણ જાણે સંચાર થશે.
આમ તો અહીં હજી કડકડતી ઠંડી છે. ચારેકોર સ્નોનાં તોરણો લટકે છે ત્યાં વળી કેવી વસંત અને કઈ વસંત? પણ, સાવ એવુંય નથી હોં..
આજે સવારે ઉગમણી દિશાએથી રેલાતાં સૂરજનાં સોનેરી કિરણોમાં ઘરનાં કૂંડાંમાં રોપેલા તુલસીના રોપા પર માંજર લહેરાતી જોઈ, જાંબુડિયા રંગનાં ઝીણકાં ફૂલો જોયાં. વાસંતી વાયરાની શાહેદી આપતા આ નાજુક પુરાવાથી થયું કે વસંત આવી રહી છે બાકી તો અહીં તો,
રેડિયો પર ફાગણના ગીત વાગે ને
શહેરનાં મકાનોને ખબર પડે કે
આજે વસંતપંચમી છે.
જાણે સવારે આવીને જાંબલી રંગે મઢેલા પરબીડિયામાં કોઈ વસંત સરકાવી ગયું. ઘરમાં સરકેલી વસંત જોઈને વિશ્વાસ બેઠો કે હવે ઘરની બહાર પણ એને આવકારવાની ઘડી ઝાઝી દૂર નથી. નાનકડા રોપા પર ડોકાતી માંજર, પેલાં જાંબુડી રંગનાં ઝીણાં અમસ્તાં ફૂલોને જોઈને લાગ્યું કે અહીંની સ્પ્રિંગને ભલે કદાચ થોડી વાર હશે પણ વસંતને વધાવવાની ઘડી ઝાઝી દૂર નથી. ઈશ્વર રંગછાંટણાં કરશે અને નજર સામે વસંત લહેરાશે.
વસંત પંચમી એટલે પ્રકૃતિનો ઉત્સવ. વિચાર આવ્યો કે આજનો માનવ એટલો સંવેદનશીલ રહ્યો છે ખરો? પ્રકૃતિમાં રેલાતી ચેતનાને માણવા જેટલી ફુરસદ છે ખરી? પ્રકૃતિને માણવાની સંવેદનશીલતાની વાત છોડો એની ફિતરતને સમજવા જેટલી સહિષ્ણુતાય રહી છે ખરી?
દિવસો જશે એમ ચારેકોર પ્રકૃતિ પર છવાયેલી ઈશ્વરની મહેરબાની જોઈને ચંદ્રકાંત બક્ષીની જેમ ફરિયાદ પણ કરીશું કે –
“માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વંસત આપી હોત તો?”
કદાચ મનુષ્ય માટે
ખુદાને પહેલેથી જ નફરત હશે
નહીં તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે
એ રીતની મનુષ્યને પણ આપી હોત….
ઈશ્વર પ્રકૃતિને પોતાની કૃપાથી નવાજે છે. દર વર્ષે જૂનાં પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી માંજર, નવી કૂંપળો, નવાં ફૂલો આવે છે. વસંત આવે ને આખું ઉપવન મહેંક મહેંક. પક્ષીઓ ચહેક ચહેક ત્યારે લાગી તો આવે કે આપણે ઈશ્વરની આ કૃપાથી વંચિત કેમ?
કારણ માત્ર એટલું જ કે આપણે માત્ર આપણા માટે જ જીવીએ છીએ, પ્રકૃતિની માફક બીજા માટે નહીં. જે ક્ષણથી આપણે અન્ય માટે જીવતાં કે વિચારતાં શીખીશું એ ક્ષણ જ આપણી વસંતપંચમી, એ ક્ષણથી જ આપણા જીવનની ક્ષણે ક્ષણે વસંતોત્સવ.
વસંત છે જ એવી ૠતુ કે મૂરઝાઈ ગયેલાં પર્ણો, વૃક્ષો જ નહીં, ઠંડીમાં નિષ્ક્રિય અવસ્થામાં, સુસુપ્ત અવસ્થામાં સરી ગયેલા જીવોને પણ ઉષ્માથી ચેતનવંતા બનાવે. જીવનમાં હંમેશાં અતિનો અતિરેક અસહ્ય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઈના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે.
વસંત એ જીવનના મધ્યનું, સહ્યનું સંયોજન છે અને માટે જ શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે “ઋતુઓમાં વસંત હું છું”
તો આવો વસંતને વધાવીએ. વસંતમાં રહેલા કૃષ્ણત્વને વધાવીએ.
રાજુલ કૌશિક –
Recent Comments