છિન્ન- પ્રકરણ-૨ ( ન્યૂઝ ઓફ ગાંધીનગર-જન ફરિયાદમાં પ્રસિદ્ધ લઘુ નવલકથા)
સેપ્ટનાં એક પછી એક પસાર થતાં વર્ષ શ્રેયા અને સંદિપની દોસ્તીનાં સોપાન બનતાં ચાલ્યાં. શ્રેયાનાં દરેક પેન્ટિંગ એક્ઝિબિશન સમયે આખાય ગ્રુપનો કૉન્ટેમ્પરી આર્ટ ગેલેરીની બહાર અડ્ડો હોય જ. એક્ઝિબિશનના એ ત્રણે દિવસ દરમ્યાન અનેક આર્કિટેક્ટ, ઇન્ટિરિઅર ડિઝાઇનર અને એથી વધીને શહેરના નામાંકિત આર્ટિસ્ટ, કલાગુરૂને મળવાનો એ સોનેરી અવસર કોણ ગુમાવે?
આ વખતે શ્રેયાનું એ પેન્ટિંગ એક્ઝિબિશન જરા અનોખું હતું. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત અને અંધકારના ઓળા લઈને ઉતરતી અમાસની રાત્રી, પૂનમના અજવાસને લઈને માનવ જીવનના તબક્કાને એણે વણી લીધા હતા.
એક્ઝિબિશનનું ઇનોગ્રેશન શહેરના જાણીતા ઇન્ટિરિઅર ડિઝાઇનર અને આર્ટીસ્ટ પ્રેમ રાવળના હસ્તે હતું. દીપ પ્રાગ્ટ્ય બાદ શ્રેયાનાં પેન્ટિંગ અંગે પ્રેમ રાવળ કંઈ કહે તે પહેલા જ સંદિપે હાથમાં માઇક લઈને શ્રેયાનો પરિચય જે રીતે હાજર મહેમાનોને કરાવ્યો એ સાવ અણધાર્યો અને અકલ્પ્ય હતો. સંદિપ શ્રેયા માટે જે કંઈ બોલતો હતો તેની સૌને જ નહીં શ્રેયાને પણ એટલી જ તાજુબ્બી હતી. સંદિપે શ્રેયાને જે રીતે ઓળખી હતી એ શ્રેયા તો પોતાના માટે પણ અજાણ હતી.
બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનમાં રહેલા નયનભાઈ અને વિવેકભાઈને તો આમાં જાણે કોઈ એક નવા સંબંધની ભૂમિકા આકાર લેતી લાગી. જો શ્રેયા અને સંદિપની મરજી હોય તો બંને પરિવાર વચ્ચે એ ઔપચારિક સંબંધથી આગળ વધીને અંગત સંબંધમાં જોડાવાની બેઉના પિતાની સમજૂતીને શ્રેયા અને સંદિપની મરજીની મહોર લાગવી જરૂરી હતી.
આ વાત શ્રેયા અને સંદિપ બંને માટે અણધારી હતી. ક્યારેય મનમાં પણ આવો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો.
“કેમ કેવળ દોસ્તી ન હોઈ શકે?” શ્રેયાએ પિતા સાથે દલીલ શરૂ કરી.
“હોઈ શકે ને! પણ જો એ દોસ્તી તમને બંનેને કાયમ માટે એક કરી દેતી હોય તો એમાં ખોટું પણ શું છે? વિવેકે દીકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કોઈ પણ છોકરીને આટલુ સમજી શકતો હોય એવો પતિ મળે તો ખરેખર એ એનાં માટે સદનસીબ કહેવાય. બિઝનેસમાં સાથે કામ કરવું હોય તો પણ બે પાર્ટનર વચ્ચે એક મત કે સમજૂતી હોય તો તે આગળ ચાલે છે. આ તો જીવનની પાર્ટનરશિપ કહેવાય એમાં તમારી વચ્ચે જે હાર્મની છે તે તને બીજા કોઈમાં મળશે જ એવી તને કોઈ ખાતરી છે?”
શ્રેયા પાસે આ દલીલનો કોઈ જવાબ નહોતો. પિતાની વાત તાર્કિક રીતે સાવ સાચી હતી પણ જીવનના ચણતરને તર્કના પાયાની બુનિયાદ પર થોડું બંધાય છે? મન જેને સ્વીકારે એ માણીગર. સંદિપ સાથે દોસ્તી હતી પણ દિલથી ક્યારેય એને સંદિપ માટે કોઈ એવો ભાવ જાગ્યો નહોતો કે નહોતો વિવેકની પ્રસ્તાવના પર એણે પહેલા ક્યારેય વિચાર સુદ્ધાં કર્યો હોય. એને ખાતરી હતી કે સંદિપે પણ કયારેય આ રીતે શ્રેયા માટે વિચાર્યુ નહીં જ હોય.
“મારો કોઈ તને આગ્રહ નથી. તારાં મનમાં જો કોઈ બીજી વ્યક્તિ હોય તો મને તે પણ મંજૂર છે.” વિવેકે શ્રેયાને કહ્યું.
વિવેકને પોતાની વાતને શ્રેયા મંજૂર રાખે એવી દિલથી ઇચ્છા તો હતી જ સાથે પોતાની મરજી શ્રેયા પર થોપવી પણ નહોતી. જો શ્રેયાની પોતાની કોઈ પસંદગી હોય તો તેની સામે એમને વાંધો ય નહોતો.
તું આજે ને આજે જ મને જવાબ આપે એવુ હું નથી કહેતો. તારે વિચારવા માટે જેટલો સમય જોઈતો હોય એટલો સમય લેજે. જોઈએ તો તું અને સંદિપ સાથે મળીને ખુલ્લા મનથી ચર્ચા કરી લો. નયન આજે સંદિપ સાથે વાત કરવાનો છે એટલે એ શું વિચારે છે એની ખબર પડશે પણ એક વાત છે કે, જ્યારે અને જો મારી વાતમાં તારી સંમતિ હશે ત્યારે અને તો જ વાત આગળ વધશે એટલો વિશ્વાસ રાખજે.
શ્રેયા સમજતી હતી, દરેક મા-બાપ દીકરીની ઉંમર થાય ત્યારથી જ એનાં ભવિષ્ય અંગે વિચારતાં થાય એ સ્વાભાવિક છે. આ પહેલાં ક્યારેક વિવેક શ્રેયાને કહેતો, “જે દિવસે તને કોઈ છોકરો પસંદ પડે ત્યારે સીધી મારી પાસે જ આવજે એક બાપ નહીં પણ તારો મિત્ર બનીને રહીશ.”
શ્રેયાને આજ સુધી કોઈનાય માટે એવી લાગણી થઈ નહોતી, સંદિપ માટે પણ નહીં.
“જોઈશ, વિચારીશ.” નયને જ્યારે સંદિપ સાથે શ્રેયા બાબતે વાત કરી ત્યારે સંદિપે માત્ર એટલો જ જવાબ આપ્યો પણ, એનું મન એક વાર તો વિચારતું થઈ ગયું. “ઓહ ! વાત સાવ સરળ છે અને સાચી જ છે ને? જીવન સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવવું એનાં બદલે જેને આટલા સમયથી જાણતા હોઈએ તેના માટે વિચારવું કંઈ ખોટું નથી. પ્રેમ કરીને જ પરણાય? પરણીને પ્રેમ તો થાય જ ને? એણે શ્રેયાને નવેસરથી પોતાની સાથે જોવાનો પ્રયત્ન કર્યો. પોતાની જીવનસંગી માટે ક્યારેક વિચારત તો એણે શું ઇચ્છ્યુ હોત? આમ જોવા જાવ તો એ બધુ જ શ્રેયામાં છે જ ને? બસ ખાલી એણે એ દૃષ્ટિથી ક્યારેય શ્રેયાને જોવા પ્રયત્ન કર્યો નહોતો એટલું જ ને?
સંદિપ દરેક વાત સાવ સરળતાથી લઈ શકતો. વિચારવાના દરેક મુદ્દા પર એણે વિચારી પણ લીધું . વિચારવાની અને દલીલો કરવાની એની પ્રકૃતિ તો હતી જ પણ, શ્રેયાનુ શું; એણે શું વિચાર્યુ હશે? જે રીતે એ શ્રેયાને ઓળખતો હતો એને ખાતરી હતી કે શ્રેયા આજે ઘણી અપ-સેટ હશે. એને એ પણ ખબર હતી કે શ્રેયાએ કોઈ જવાબ આપવાનો ટાળ્યો હશે. એના રૂમમાં એ બંધ બારણે પોતાની મનની મૂંઝવણ જેવા આડાઅવળા રંગોના લસરકા કેનવાસ પર મારતી હશે. કોઈ સ્પષ્ટતા મનની નહીં થાય ત્યાં સુધી એબ્સર્ડ પેન્ટિંગની જેમ એક અજાણી આકૃતિ એનાં કેનવાસ પર ઉપસતી હશે.
પેન્ટિંગ એક્ઝિબિશનના બીજા દિવસે સંદિપ જાણીને કૉન્ટેમ્પરી આર્ટ ગેલેરી પર ના ગયો. એની હાજરીથી શ્રેયાને કેવી ગડમથલ થશે એની એને ખબર હતી. એ શ્રેયાને મૂંઝવવા નહોતો માંગતો. એના એ મહત્વના દિવસોમાં અન્યની હાજરીમાં પોતાની હાજરીથી એને અકળાવવા નહોતો માંગતો. એ ખરેખર શ્રેયાને ખૂબ સારી રીતે જાણતો હતો. એક્ઝિબિશનના પ્રથમ દિવસે જે રીતે એણે શ્રેયાની ઓળખ આપી હતી તેટલી હદે એને ઓળખતો હતો.
શ્રેયાને સંદિપની ગેરહાજરીથી આજે ઘણી મોકળાશ લાગી. મનથી એ ઇચ્છતી હતી કે, સંદિપનો આજે સામનો ન થાય તો બહેતર છતાં થોડી થોડી વારે નજર તો બહારના રસ્તા પર ટકરાઈને પાછી ફરતી જ હતી. દીકરીની એ અવ્યક્ત આતુરતા નજરમાં છલકાતી હતી એની નોંધ વિવેક અને આરતીએ મનોમન લીધી.
બીજા જ દિવસની સવારે સંદિપે કલ્પ્યું હતુ તેમ શ્રેયાનો ફોન રણક્યો.
Entry filed under: લઘુ નવલકથા, Rajul.
Recent Comments