Archive for March 3, 2023
‘સંબંધ’-ગરવી ગુજરાત(લંડન)માં પ્રસિદ્ધ ચિત્રા મુદ્ગલ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
લગભગ ૨૨ દિવસ કૉમામાં રહ્યા પછી જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની સૌથી નજીક જેને જોઈ એ વ્યક્તિ હતી માર્થા. હોસ્પિટલમાં અન્ય માટે એ માર્થા સિસ્ટર હતી, પણ પોતાના માટે તો એ માર્થા મમ્મી હતી.
ભાનમાં આવ્યો ત્યારે થોડું ઘણું યાદ આવતું હતું. એ પુને જતો હતો અને ખંડાલા ઘાટ ચઢતા અકસ્માત નડ્યો હતો. આશરે નવ કલાક જખ્મી હાલતમાં ત્યાં પડી રહ્યો પછી કોઈ મુસાફરે એને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં ચારેક મહિના જેટલી સારવાર લીધા પછી એને રજા અપાઈ ત્યારે એ નાનાં બાળકની જેમ માર્થા મમ્મીને વળગીને પુષ્કળ રડ્યો હતો. માર્થા મમ્મીએ એના કપાળે વહાલથી ચૂમી ભરીને કહ્યું હતું કે, “ગોડ બ્લેસ યુ માય ચાઇલ્ડ.”
ડૉક્ટર કોઠારીને પણ એણે કહ્યું હતું કે, “ આજે હું હોસ્પિટલમાંથી જીવંત, સાવ સાજો થઈને જઈ રહ્યો છું એ માત્ર તમારી સારવાર કે દવાઓને લીધે શક્ય બન્યું છે એવું નથી, માર્થા મમ્મીના પ્રેમના લીધે આ શક્ય બન્યું છે.”
હોસ્પિટલમાંથી એ નીકળ્યો ત્યારે માર્થા મમ્મી ગેટ સુધી એની સાથે આવી હતી અને ક્યાંય સુધી એ હાથ હલાવતી ઊભી રહી હતી.
માર્થા એ હોસ્પિટલની સેવાનો ભેખ ધારણ કર્યો હોય એવી સંનિષ્ઠ છતાં સ્નેહાળ નર્સ હતી. પેશન્ટનું સાચા દિલથી ધ્યાન રાખતી. દર એક પેશન્ટને એ પોતાની મા સમાન લાગતી.
આ એ જ માર્થા મમ્મી હતી. થોડા વર્ષો પછી એ જ્યારે હોસ્પિટલમાં માર્થાને મળવા વૉર્ડમાં ગયો ત્યારે એ કોઈ પેશન્ટ પાસે એની નર્વ્સ જોતી બેઠી હતી. જરા વાર રહીને માર્થાએ પેશન્ટનો હાથ હળવેથી નીચે પથારીમાં મુક્યો. એક ક્ષણ રાહ જોવાના બદલે સીધા માર્થા પાસે જઈને એને બે હાથે ઉંચકી લીધી.
“અરે, અરે! ઇડિયટ આ શું કરે છે? આ હોસ્પિટલ છે, છોડ મને.”
ઓઝપાઈને એણે માર્થાને નીચે મુકી દીધી.
“મને ઓળખ્યો નહીં માર્થા મમ્મી? હું તમારો દીકરો…”
“ઓળખ્યો..ઓળખ્યો, પણ અત્યારે મને જરાય ટાઇમ નથી. હોસ્પિટલમાં ડ્યૂટી પર હોઉં ત્યારે આવી રીતે મળવા નહીં આવવાનું.
જોતો નથી પેશન્ટ કેટલો હેરાન થઈ રહ્યો છે. અત્યારે જા અહીંથી.”
માર્થાનાં આવા અનપેક્ષિત અને કૃધ્ધ વલણથી એ સ્તબ્ધ બની ગયો. ખાસિયાણો બનીને જેવા ઉત્સાહથી આવ્યો હતો એટલો નિરાશ થઈ, પાછો ફરીને ચાલવા માંડ્યો.
એટલામાં પેશન્ટના વેદનાપૂર્ણ અવાજથી એના પગ અટકી ગયા. “મા….ઓ મા…”
“માય ચાઇલ્ડ, આઇ એમ વિથ યુ. હેવ પેશન્સ.” એની માર્થા મમ્મી અતિ અનુકંપાભર્યા અવાજથી પેશન્ટ સાથે વાત કરતી હતી, સાથે અત્યંત સ્નેહથી એનું માથું પસવારતી હતી.
એ જોઈને એણે ઝડપથી પગ ઉપાડ્યા અને ત્વરાથી વૉર્ડની બહાર નીકળી ગયો.
માર્થા ક્યાં એના એકલાની મા હતી, એ તો જગતભરના સૌ દુખિયારાંની મા હતી.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

Recent Comments